દસ – યાત્રા આરંભાઈ

બરાબર પંદર વર્ષ પછી, બેલગામની હિંડળગા જેલમાં, ભગવદ્ગીતાનું પોતાનું ગાંધીભાષ્ય પૂરું કરતાં, ‘આત્મનિવેદન’ (માય સબમિશન)ના ઉપસંહારરૂપે મહાદેવભાઈ લખવાના હતા:

‘આત્મા સાથે તદ્રૂપ થવા સારુ આપણે સૌએ પોતાની જાતને યજ્ઞમાં સમર્પિત કરવાની છે. દરેક સ્ત્રી કે પુરુષે, પોતપોતાના ક્ષેત્રમાં હસતે મોંએ, હૃદયપૂર્વક અને સંકલ્પપૂર્વક પોતાની જાતને હોમી દેવાની છે. આપણી વાટ ભલે સાવ ઝીણી હોય, આપણું તેલ ભલે સાવ રાશી હોય, આપણી જ્યોત ભલે એટલી ક્ષીણ હોય કે એ આપણી પોતાની કેડી જ માંડ ઉજાળી શકતી હોય, પણ છેવટે તો આપણો ઝાંખો પ્રકાશ વિશ્વજ્યોતમાં જઈને ચોક્કસ ભળવાનો જ છે. દરેક પ્રકારનો યજ્ઞ, પછી એ ગમે તેટલો નાનો હોય કે મોટો હોય, જો એ શુદ્ધ હશે તો तेने પહોંચે છે. તેની જ બરાબરી કરે છે. ત્યાં કોઈ છેલ્લું કે પહેલું નથી.’

મહાદેવભાઈએ પોતાના યજ્ઞનો આરંભ બરાબર પંદર વર્ષ પહેલાં કરી દીધો હતો. ગીતાના અઢારમા અધ્યાયની શીખ મહાદેવભાઈને હૈયે વસી ગઈ હતી:

यज्ञदान तप: कर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ।। (गीता: 18-5)

યજ્ઞ-દાન-તપો કેરાં કર્મો ન ત્યજવાં ઘટે,
અવશ્ય કરવાં એ તો કરે પાવન સુજ્ઞને. (ગીતાધ્વનિ: ૧૮-૫)

મહાદેવભાઈ પાસે જે દૈવી સંપત્તિના ઢગલા હતા એનું દાન એ પછી કરવાના હતા. એ દાનની પ્રક્રિયા એટલી તપ:પૂત થવાની હતી કે એ અંતમાં એમની જ્યોતને વિશ્વની જ્યોતમાં મિલાવી દેવાની હતી, પણ ૧–૧૧–૧૯૧૭ના દિવસે મુંબઈ છોડ્યું તે દિવસથી પચીસ વરસ સુધી — બરાબર એમના શેષાર્ધ સુધી — એ યજ્ઞની નિરંતર આહુતિ આપવાનો પ્રારંભ થઈ ગયો.

આત્માહુતિની એ કથા રોમહર્ષણ છે. પોતાની જાતને અહોનિશ નિર્મળ કરતાં કરતાં પરમ જ્યોતિમાં મળી જવાની એ કથા છે: પોતાની ક્ષિતિજોને વ્યાપક કરતાં કરતાં સ્વમાંથી સ્વદેશ, ને સ્વદેશમાંથી સર્વદેશ સુધી વ્યાપ્ત કરવાના પુરુષાર્થની એ ગાથા છે. અને છતાં ખૂબી એ છે કે આ કથા કોઈ સાધુ-સંન્યાસી કે મહાત્માની નથી, પરંતુ એક એવા રસિક જીવની કથા છે, જે સંસારને માણી શકતો હતો, જેણે સાધુતાનો કદી દાવો કર્યો નહોતો, આખો જન્મારો જેણે એ જ ચિંતામાં ગાળ્યો હતો કે જે કામ ભગવાને એને સોંપ્યું હતું તેને એ યોગ્ય હતો કે નહીં.

તે જમાનાની સૌથી ઝડપી ટ્રેન ફ્રંટિયર મેલમાં મહાદેવભાઈ મુંબઈથી ગોધરા જઈ રહ્યા હતા. એમ તો જવાનું હતું ગુજરાત રાજકીય પરિષદની બેઠકમાં, જે ત્રીજી તારીખથી શરૂ થવાની હતી. પણ મહાદેવે બે દિવસ વહેલી ગાડી લીધી હતી. કારણ, બીજે દિવસે વહેલી સવારે ગાંધીજી પાસે ગોધરા પહોંચી જવાનું હતું. મહાદેવને મોહનને ચરણે પહોંચી જવાની તાલાવેલી હતી. તેથી જ કદાચ એણે સૌથી ઝડપી ગાડી પકડી હશે.

સાથે ધર્મપત્ની દુર્ગા હતી. પચીસ વરસના મહાદેવ અને ચોવીસ વર્ષની દુર્ગાની આ જોડી કોઈનું પણ ધ્યાન ખેંચે એવી આકર્ષક હતી. મહાદેવનું પ્રસાદસદન — શું મુખ કોઈને પણ મોહિત કરે એવું હતું. એની આંખો ગમે તેની પર કામણ કરે તેવી હતી. પતિની સાથે, અંતરથી ઉલ્લાસિત, બહારથી સંકુચિત બેઠેલી દુર્ગાની દિહેણની પાડોશણો ‘પાતળી પૂતળી, કાવલી કૂવલી’ કહીને અદેખાઈ કરતી, પણ દુર્ગાની ઠાવકાઈ અને સામેનાની અદેખાઈને સમજી પણ ન શકે એવી સરળતા એને એની આસપાસના સૌની પ્રિયપાત્ર બનાવી દેતી.

સાથે હતા ગગનવિહારી મહેતા. પાછળથી જે ગુજરાતના હાસ્યરસના લેખક, પ્રખર અર્થશાસ્ત્રી અને અમેરિકાના ભારતના રાજદૂત તરીકેની કામગીરીથી પ્રસિદ્ધ થયા, પણ તે વખતે રાજકીય પરિષદમાં ગાંધીજી કેવું કામણ કરે છે એ જોવા ઉત્સુક જુવાનિયા. મહાદેવના પરમ મિત્ર વૈકુંઠના નાના ભાઈ અને ‘લલ્લુકાકા’ના નાના પુત્ર. ઊંચાઈમાં મહાદેવથી થોડા ઓછા, રૂપમાં મહાદેવથી જરાય ઊતરે નહીં એવા. લલ્લુકાકાએ મહાદેવ સારુ એક કરતાં વધારે ઠેકાણે ભલામણ કરેલી, તેમાંની એક ગાંધીજીને પણ હતી. તેમને મનગમતો મંત્રી મહાદેવમાં મળી રહેશે એવી આશા લલ્લુભાઈ શામળદાસે પોતાના પુત્રના મિત્ર સારુ વત્સલતાપૂર્વક કરી હતી. પણ ગાંધીજીએ મહાદેવભાઈની પરખ કોઈ પણ ભલામણ વિના જ કરી લીધી હતી.

અને મહાદેવ તો ‘ગાંધીસાહેબ’ પર મુગ્ધ હતા જ.

મહાદેવ પર મુગ્ધ એવી દુર્ગા ઝાઝું ભણી તો નહોતી, પણ ગણી કાંઈ ઓછું નહોતી. પિતાને ત્યાંથી અને શ્વશુર પાસેથી એને ભક્તિના સંસ્કાર મળ્યા હતા, પણ એ ભક્તિનો એણે કદી દેખાડો નહોતો કીધો. એ માણસને જોઈને ઓળખતી, મહાદેવને માત્ર ઓળખતી જ નહોતી, એની ઉપર ઓવારી ગઈ હતી. મહાદેવને મન ભવિષ્ય વિશે કદાચ થોડી ચિંતા હશે; એટલી તો ફિકર એને હતી જ કે ગાંધીને યોગ્ય એ પુરવાર થશે કે કેમ? પોતાની જાતને એ ગાંધીને લાયક બનાવી શકશે? ગોખલેના એ વચને કે ‘આ માણસ માટીમાંથી વીરપુરુષો સર્જે એવો છે.’ મહાદેવને ગાંધી ભણી દોડી જવા પ્રેર્યા હતા, પણ પોતાની માટી વિશે મહાદેવ વધારે પડતી ચિંતા સેવ્યા કરતા હતા. દુર્ગાને એવું કાંઈ નહોતું. ગાંધીને એ પછી ઓળખવાની હતી, સ્વામીને એણે ઓળખી લીધા હતા. પૂરા પ્રેમી પતિની સાથે જતી દુર્ગાને મન પોતે ક્યાં જાય છે એ પ્રશ્ન ઉપસ્થિત જ થતો નહોતો. ગાંધીજી પોતાની સાથે શી વાત કરશે, પોતાને શું પૂછશે એ પ્રશ્ન મહાદેવને મન ઊઠતો હશે. દુર્ગા એવું વિચારી જ શકતી નહોતી કે ગાંધીજી એને પણ કાંઈ પૂછશે. એની તો પતિ સાથે ઉપસ્થિતિ એ જ સર્વ પ્રશ્નોનો ઉત્તર હતો. હા, એને બહાર ફરવાની બહુ ટેવ નહોતી, રાજકીય પરિષદો એણે જોઈ નહોતી. પણ પુરુષોત્તમ બાપજીને લીધે ગોધરા એને સારુ અજાણ્યું સ્થળ નહોતું. મહાદેવ એને પરિષદમાં આવનારા લોકો વિશે સમજણ આપતા જતા હતા. એમને મન પરિષદ કરતાં એમાં આવનારાઓનું મહત્ત્વ મોટું હતું, અને મહાદેવને સૌના ગુણો એટલા બધા દેખાતા કે કોઈના દુર્ગુણ એમને ભાગ્યે જ દેખાય. વર્ણન કરવાની શક્તિ તો પ્રભુએ એમને આપેલી હતી, અને વર્ષોના પરિશ્રમ વડે એમણે એ શક્તિને વિકસાવી પણ હતી. તેથી દુર્ગા આગળ ટિળક મહારાજ કે ગાંધીજી, કે મહમદઅલી ઝીણાનાં વખાણ કરતાં એ થાક્યા નહીં. હા, પરિપદમાં જ્યારે ગાંધીજીના આગ્રહથી ટિળક મહારાજે અંગ્રેજીને બદલે મરાઠીમાં પ્રવચન કર્યું અને એમના સાથી શ્રી ખાપર્ડેએ પોતાની શૈલીમાં એનું ગુજરાતી રૂપાંતર કર્યું ત્યારે મહાદેવ, બંને ભાષાના ઉત્તમ જાણકાર તરીકે, અને એટલા જ ઉત્તમ ભાષાંતરકાર તરીકે, તથા અચ્છા સાહિત્ય-વિવેચક તરીકે, એ ભાષણને (મરાઠી અર્થમાં) ‘ચિકિત્સક’ તરીકે એને સાંભળી રહ્યા હશે ખરા, પણ એમાંયે મહાદેવની માંહ્યલા સમીક્ષક કરતાં એની અંદરનો ગુણગ્રાહી જ અવશ્ય વધુ પ્રબળ નીવડ્યો હશે.

શ્રી નરહરિ પરીખે સરદાર વલ્લભભાઈના જીવનચરિત્રના પહેલા ભાગમાં આ પરિષદનું ખૂબ સજીવ વર્ણન કર્યું છે:

‘ગુજરાત સભાએ ૧૯૧૭માં ગાંધીજીને પોતાના પ્રમુખ નીમ્યા પછી નક્કી કર્યું કે ગુજરાતમાં દર વર્ષે રાજકીય પરિષદો ભરવી. પહેલી પરિષદના સ્થળ તરીકે ગુજરાતના પછાત ગણાતા પંચમહાલ જિલ્લાનું ગોધરા શહેર પસંદ કરવામાં આવ્યું. પસંદગીમાં ત્યાંના વતની શ્રી વામનરાવ મુકાદમનો ઉત્સાહ પણ મોટું કારણ હતો. તેઓ ટિળક મહારાજના અનુયાયી હતા અને બંગભંગના વખતથી રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેતા હતા, તાજેતરમાં હોમરૂલની પ્રવૃત્તિને અંગે વેઠવારા નાબૂદ કરવાની ચળવળ ઊપડી હતી તેમાં તેઓ આગળ પડતો ભાગ લેતા હતા. …

ગાંધીજીએ આ પરિષદને અત્યાર સુધી દેશમાં ભરાતી રાજકીય પરિષદોમાં અનેક રીતે અપૂર્વ બનાવી. પરિષદ ગુજરાતની હતી છતાં મુંબઈના ઘણા રાજદ્વારી આગેવાનોએ એમાં હાજરી આપી હતી. નામદાર વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈમાં રહેતા પણ એ તો ગુજરાતના જ ગણાય. એટલે તેઓ તેમાં હાજરી આપે અને આગળ પડતો ભાગ લે એમાં કાંઈ વિશેષતા ન ગણાય. પણ કાયદેઆઝમ ઝીણા આ પરિષદમાં આવ્યા હતા, એ જરૂર તેની વિશેષતા હતી. હિંદુ-મુસ્લિમ એકતાના ચુસ્ત હિમાયતી તરીકે તેમને ગોધરામાં ભારે માન મળ્યું. તે ઉપરાંત ટિળક મહારાજ અને એમના ખાસ મિત્ર શ્રી ખાપર્ડેએ આ પરિષદમાં હાજરી આપીને તેનું ગૌરવ વધાર્યું હતું. વિશેષ ખૂબી તો એ થઈ કે બધા જ નેતાઓ પાસે ગાંધીજીએ આગ્રહ કરીને ગુજરાતીમાં ભાષણો કરાવ્યાં. કાયદેઆઝમ ઝીણા પાસે પણ ગાંધીજીએ ગુજરાતીમાં જ ભાષણ કરાવ્યું, એ વાત જ્યારે વર્તમાનપત્રોમાં આવી ત્યારે સરોજિનીદેવીએ ગાંધીજીને કાગળ લખેલો કે, ‘અમારા જેવા ઉપર તો તમે હર વખત હિંદુસ્તાનીમાં ભાષણ કરાવવાનો જુલમ કરો છો અને અમે એને વશ પણ થઈએ છીએ પણ મહાન (ગ્રેટ) ઝીણા પાસે તમે ગુજરાતીમાં ભાષણ કરાવ્યું એને હું તમારી એક ચમત્કારિક ફતેહ ગણું છું અને એ માટે તમને મુબારકબાદી આપું છું.’ ટિળક મહારાજને ગાંધીજીએ હિંદીમાં બોલવાની વિનંતી કરેલી. પણ એમણે કહ્યું કે હું હિંદીમાં બરાબર નહીં બોલી શકું ત્યારે છેવટે એમની પાસે મરાઠીમાં ભાષણ કરાવ્યું અને ખાપર્ડેએ પોતાની વિલક્ષણ શૈલીમાં એમનું આખું ભાષણ એવી સરસ રીતે ગુજરાતીમાં સમજાવ્યું કે તેમાં શ્રોતાઓને સ્વતંત્ર ભાષણના જેટલો જ આનંદ પડ્યો. અત્યાર સુધી પ્રાંતિક તો શું પણ જિલ્લા રાજકીય પરિષદોમાં પણ એવું ચાલતું હતું કે મહત્ત્વનાં ભાષણો ઘણી વાર અંગ્રેજીમાં થતાં, વક્તાઓને એવો મોહ રહેતો કે અંગ્રેજીમાં બોલીએ તો આપણું બોલ્યું સરકારને કાને પહોંચે. પણ આ પરિષદમાં એક પણ ભાષણ અંગ્રેજીમાં ન થયું.

અત્યાર સુધી ભરાતી તમામ રાજકીય પરિષદો — જિલ્લા પરિષદથી માંડીને અખિલ હિંદ કૉંગ્રેસ સુધી — નો એક શિરસ્તો એવો હતો કે પહેલો ઠરાવ બ્રિટિશ સામ્રાજ્ય અને તાજ પ્રત્યે વફાદારીનો કરવો. આ શિરસ્તો ગાંધીજીએ તોડાવ્યો. એ આ પરિષદની બીજી વિશેષતા હતી. ઘણાનું એમ કહેવું હતું કે એવો ઠરાવ કરવામાં આપણું જાય છે શું? અત્યાર સુધી ચાલતું આવ્યું છે માટે ભલે ચાલે. ગાંધીજીની દલીલ એ હતી કે બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેની વફાદારીમાં તમારા કોઈના કરતાં હું ઊતરું એમ નથી. પણ કશા કારણ વિના એવો ઠરાવ પસાર કરીને આપણે આપણી લઘુતા દેખાડીએ છીએ. અંગ્રેજો કાંઈ એમની પરિષદનો આરંભ બ્રિટિશ સામ્રાજ્ય અને તાજ પ્રત્યે વફાદારીના ઠરાવથી કરતા નથી. ગાંધીજીના આ વલણથી ઘણાને એક નવું જ દર્શન થયું. જેઓ સામ્રાજ્ય કે તાજના પ્રેમી નહોતા તેમને પોતાની દૃષ્ટિએ ખૂબ આનંદ થયો.

ત્રીજી વાત પરિષદ આગળ તેમણે એ મૂકી અને તેનો અમલ પણ કરાવ્યો કે પરિષદે એક કારોબારી સમિતિ નીમવી અને તેણે બીજે વરસે બીજી પરિષદ ભરાય ત્યાં સુધી કામ કરતા રહેવું. આ પ્રથા પણ નવી જ હતી. અત્યાર સુધી તો પરિષદો અને કૉંગ્રેસો પણ વાર્ષિક જલસા જેવી થતી. પરિષદ ભરાય ત્યારે લોકોમાં ઉત્સાહ આવે પણ પછી આખું વરસ ભાગ્યે જ કાંઈ કરવાનું હોય. કૉંગ્રેસના પ્રમુખ પોતાની કારોબારી સમિતિ રચે અને તે સતત કામ કર્યા કરે એવો જે શિરસ્તો આગળ ઉપર પાડવામાં આવ્યો હતો તેનું બીજ ગોધરામાં નાખવામાં આવેલું.’

પણ મહાદેવને રાજકીય પરિષદમાં ભલે ગમે તેટલો રસ હોય, આજે તો એમનો રસ એક જ હતો: एको रस: मोहनैव ।

અને મોહને તો મહાદેવને સામે ચાહીને બોલાવ્યા હતા. ‘બીજા કોઈને આમ બોલાવતો નથી, તમને જ બોલાવું છું.’ એટલે સુધી જેને કહ્યું હતું તે મહાદેવ સપત્ની સન્મુખ ખડા થાય છે, ત્યારે હર્ષ તો પાર વિનાનો થયો હશે. પણ મહાદેવથી ત્રેવીસ વરસ મોટા ગાંધીમાં હરખ હતો તેટલું જ શાણપણ પણ હતું. એમનામાં ધૃતિ અને ઉત્સાહ બંને સમન્વિત હતાં. તેથી જ તેમણે મહાદેવને પૂછ્યું:

‘ક્યારથી જોડાઓ છો?’

‘આપ કહો ત્યારથી. અમે આજે જ જોડાવાની તૈયારી સાથે આવ્યાં છીએ.’

‘બંને?’

‘જી હા.’

‘મારી સાથે પરિષદ પછી પ્રવાસમાં જોડાઈ શકશો?’

‘ચોક્કસ.’

‘વારુ, તમે એમ કરો. થોડા દિવસ મારી સાથે રહી જુઓ. ફાવે તો રહી જજો, નહીં તો —’

‘જેવી આપની આજ્ઞા.’

ગોધરાની રાજકીય પરિષદથી ગાંધીને આખું જીવન એમની આજ્ઞા ન ઉથાપે તેવા મહાદેવ મળ્યા.

થોડા કાળ બાદ, શાંતિનિકેતનની મુલાકાત પછી મહાદેવ કવિવર રવીન્દ્રનાથ ઠાકુરનું એક ગીત એમની ડાયરીમાં નોંધવાના હતા:

આમાદેર યાત્રા હોલો શુરૂ,
ઓગો કર્ણધાર ।
એખન બાતાસ છુટૂક, તુફાન ઉઠૂક
ફિરબો ના ગો આર ।

અમારી યાત્રા આરંભાઈ
ઓહે કર્ણધાર;
હાવાં આંધી આવે, તૂફાન આવે
ફરશું, ના આ વાર ।

નોંધ:

૧.   નરહરિ પરીખ: सरदार वल्लभभाई – : પૃ. ૭૦થી ૭૨.

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.