તેંતાળીસ – ઘસાતું સુખડ

‘આ રાતે બે વાગ્યે લખી રહ્યો છું. બાપુના લથડી પડવાથી મારું કામ લગભગ બમણું થઈ ગયું છે, અને બાપુ સાજા થાય તેવી જ મારે આરામની લાંબી રજા સારુ અરજી કરવી પડે એમ છે. પ્યારેલાલ છેલ્લા એક વરસ કરતાં વધારે કાળથી કાંઈક અજબ કારણોને લીધે અમારે સારુ ગુમાવ્યા જેવા થઈ ગયા છે. અને મારે આ બધા દિવસો એકલે હાથે જ બધો ભાર ઉઠાવવો પડ્યો છે. દેખીતી રીતે જ, એનાથી મનેય સંતોષ થતો નથી અને જેમની સાથે કામ કરું છું, કે જે કામ કરું છું તેનેય સંતોષ થતો નથી. અને હું મારી ઉંમર કરતાં વધુ ઘરડો લાગું છું.’

પોતાની તબિયત વિશે ભાગ્યે જ કોઈની આગળ ફરિયાદ કરનાર મહાદેવભાઈ આમ લખે છે, એનો અર્થ જ એ છે કે અતિશય કામના બોજાની શરીર પર અસર જણાવા લાગી હતી. પ્યારેલાલજી પોતાના અંગત પ્રશ્નોને લીધે ઝાઝું કામ ઉપાડી શકતા નહીં. ગામડામાં જવાથી ગાંધીજીનું કામ ઘટ્યું નહોતું. મહાદેવભાઈનો રોજનો વર્ધા-સેગાંવનો આંટો વધ્યો હતો. કદાચ સૌથી વધુ અસર થઈ હતી ગાંધીજીની તબિયત બગડી જવાને લીધે. અઠવાડિયે અઠવાડિયે हरिजन પત્રોમાં અને રોજેરોજ જે ઓળખીતાને પત્ર લખે તેને મહાદેવભાઈ ગાંધીજીની તબિયતના સમાચાર અવશ્ય આપતા. તે કાળનો સરદાર વલ્લભભાઈ સાથેનો પત્રવ્યવહાર સામાન્ય ક્રમ કરતાં થોડો વધી ગયો હતો. કારણ, મહાદેવભાઈ જાણતા હતા કે ગાંધીજીની તબિયત અંગે વલ્લભભાઈની ચિંતા કોઈથી ઊતરે તેવી નહોતી. જવાહરલાલજી પર પણ અઠવાડિયે એકાદ પત્ર તો હતો જ.

હકીકતમાં મહાદેવભાઈની ધૂપસળી બળતી બળતી, સુવાસ ફેલાવતી ફેલાવતી, લગભગ છેડે આવી ગઈ હતી. તેમણે વર્ષોની તપસ્યા અને કઠણ પરિશ્રમે આત્માને ઉજ્જ્વળ કર્યો હતો અને શરીરને નિચોવી નાખ્યું હતું. એમાં વાંક કોઈનો કઢાય એમ નહોતું. એમ કહોને કે યોગભ્રષ્ટ કોઈ આત્મા પોતાનું કર્મ પૂરું કરીને મહાયજ્ઞની જ્યોતિમાં પોતાની જ્યોતને મિલાવવા તલસી રહ્યો હતો.

મગનવાડીથી સેગાંવના રોજના આંટા ઉપરાંત સાઇકલ પર કોઈ જતાઆવતા સાથે લગભગ ગાંધીજીની એકાદ ચિઠ્ઠી તો આવે જ. મહેમાનોને ડુંગરાઓના રસ્તે ફેરવવા માટે ખાસ બનેલી વરાડની બળદગાડી ‘રંગી’ મોકલવાની સૂચના હોય કે ખજૂર ખૂટ્યું છે તેની જાણ કરી હોય. મહાદેવભાઈની નાનીમોટી સફળતાની પણ ગાંધીજી કદર કર્યા વિના નહીં રહેતા. નાનકડી ચિઠ્ઠીઓમાં પણ એ ચૂકતા નહીં.

જો તમને વિજય ન મળે તો મારી કળા લાજે. પોતપોતાના ક્ષેત્રમાં વિનોબા, મગનલાલ, છોટેલાલ, પંડિતજી, કાકા, દેવદાસ મારાથી ચઢ્યા. તમે તો પહેલે પગથિયે છો… મારું કામ સત્ય-અહિંસાનો મંત્ર ફૂંકવાનું છે. એ જે ઝીલે તે પોતાના ક્ષેત્રમાં ઊડે ને હું અસ્પૃષ્ટ રહ્યા કરું. સાપ્તાહિક નોંધ ન લખો તો ચાલે. તમારે ડાબા હાથની તાલીમ લેવી જ. મારા કરતાં તમે તેને વહેલો વાળશો. પ્રેમાનું પત્તું પાછું મોકલું છું. પેરિનબહેન સારુ કાલે એક વાગ્યે રેંગી કે મોટર જોઈશે.

મહાદેવભાઈ પર વધતા જતા કામના બોજા અંગે અને એમની લથડતી તબિયત અંગે ગાંધીજી સચિંત હતા. તેથી અવારનવાર તેમને કામ ઓછું કરવાની ભલામણ કરતા.

વર્ધા અને તેની આસપાસનાં ગામોમાં કૉલેરા ફાટી નીકળ્યો. કાકાસાહેબ અને તેમના કેટલાક સાથીઓને કૉલેરા થયો. કાકાસાહેબના બે સાથીઓ અને વર્ધાના મહિલા આશ્રમના એક કાર્યકર્તા તેમાં જ અવસાન પામ્યા. કાકાસાહેબ જાતે માંડ માંડ બચ્યા. ત્યાર પછી તરત જ પ્યારેલાલજી ટાઇફૉઈડમાં પટકાયા. અને એ માંદગી લાંબો વખત ચાલી. પછી ગાંધીજી ખુદ બ્લડપ્રેશરની પીડાથી પટકાયા. આ બધાને લીધે મહાદેવભાઈના એકલા ખભા પર પુષ્કળ બોજ આવી પડ્યો.

જવાહરલાલજીને નામે લખેલ ઉપર ઉદ્ધૃત કરેલા પત્રમાં કહ્યું છે તેમ મહાદેવભાઈને લાંબી રજા લેવાનો વારો આવ્યો, પણ તે સ્વેચ્છાએ નહીં, લાચારીથી, વર્ધાની ૧૧૫થી ૧૨૦ ફેરનહીટ સુધી પહોંચતી ગરમી પણ એનું એક કારણ હતી. પણ એ ગરમી માપવાની મહાદેવભાઈની પારાશીશી એમની આગવી ગાંધીરંગે રંગાયેલી:

‘આ સાલની ગરમી દુ:સહ છે. ગાંધીજીની ટાઢ અને ગરમી સહન કરવાની શક્તિ અસાધારણ છતાં તેમને માટે પણ આ ગરમી આકરી થઈ પડી છે.’

મહાદેવભાઈને વારંવાર ચક્કર અને અંધારાં આવવા લાગ્યાં. ખાસ મુંબઈથી એમની તબિયત જોવા આવેલ જૂના મિત્રો ડૉ. જીવરાજ મહેતા અને ડૉ. ગિલ્ડરે તપાસીને એમને લાંબા સમય સુધી પૂરો આરામ લેવાનો આદેશ આપ્યો. ગાંધીજીએ દુર્ગાને એક ચિઠ્ઠી દ્વારા જણાવ્યું કે ગભરાવાનું બિલકુલ કારણ નથી, પણ મહાદેવની તબિયતની તો કાળજી રાખવી જ પડશે. આજ લગી જે કામ કર્યું તે હવે હાલ તુરત તો નહીં થઈ શકે. એક પત્રમાં મહાદેવભાઈએ જવાહરલાલજીને એ આશયનું લખ્યું હતું કે એ પણ એક નસીબની બલિહારી હતી કે તેઓ પણ એ જ માંદગીમાં પટકાયા હતા કે જેમાં થોડા વખત પહેલાં બાપુ પટકાયા હતા! ઘણી વિચારણા બાદ તેમણે પૂરો આરામ કરવા સારુ ૧૯૩૮માં સિમલા જવાનું સ્વીકાર્યું, ગાંધીજીએ हरिजनમાં લખ્યું:

મહાદેવ દેસાઈની તબિયતમાં દિનપ્રતિદિન સુધારો થતો જાય છે. વરસોના અવિશ્રાંત પરિશ્રમ પછી એમને વિશ્રાંતિ લેવાનો હક હતો. પણ તેમણે વિશ્રાંતિ લીધી નહીં. મેં એ વિશે આગ્રહ રાખ્યો નહીં. હવે દયાળુ કુદરત મદદે આવી છે ને તેણે જે આરામ તેઓ સ્વેચ્છાએ લેવાના નહોતા તે પરાણે લેવડાવ્યો છે. શ્રીમતી રાજકુમારી અમૃતકૌર એમને સિમલા પોતાને ઘેર લઈ ગયાં છે. ત્યાંની તાજી હવામાં અને વધારે તો રાજકુમારીની પ્રેમભરી સંભાળથી તેમની તબિયત સુધર્યા વિના નહીં જ રહે.

મહાદેવભાઈ વિશે ગાંધીજીને ખાતરી હતી કે તેઓ આરામ લે એવો આગ્રહ પોતે ન રાખે તો ‘હાથમાં કલમ લઈને પ્રસન્નતાથી પ્રાણ છોડવાની શક્તિ એમનામાં છે.’ તેથી એમને આરામ આપવામાં તેઓ પોતાનું શાણપણ જોતા હતા.

સિમલામાં સાથે દુર્ગાબહેન અને નારાયણ પણ હતાં. દુર્ગાબહેનને ખૂબ ફરવાનો ગાંધીજીએ પત્ર દ્વારા આગ્રહ કરેલો, પણ તેઓ પોતાના ભારે શરીરને લીધે ઝાઝું ફરી શકતાં નહીં. દેસાઈ પિતાપુત્ર રાજ સિમલા અને આસપાસની ટેકરીઓ ‘સર’ કરતા પંદરેક માઈલ ચાલતા. ચાલતા ચાલતા નારાયણના અનેક વિષયોના વર્ગો પણ લેવાતા હોય જ. રાતે રાજકુમારી અને તેમની ભત્રીજી બેરિલ જોડે બ્રિજ રમવાનું ચાલે. આ લેખકની જાણમાં મહાદેવભાઈનો એ સૌથી આરામમાં વીતેલો એક મહિનો હતો. પચીસ વરસની સેવામાં ભોગવેલી એક માસની રજા! પણ આત્માનો અનુબંધ અતૂટ હતો. ગાંધીજી ત્યારે વાયવ્ય સરહદમાં પ્રવાસ પર હતા. મહાદેવભાઈ પત્ર લખે. પણ ઘણી વાર પત્રો પહોંચતાં દિવસોના દિવસો લાગે. બંને જાણે કે ટપાલમાં ઢીલ થવાની જ છે, છતાં ચાતકની માફક એકબીજાના શબ્દોની રાહ જુએ.

બારડોલી સત્યાગ્રહ વખતે મહાદેવભાઈ વલ્લભભાઈ સાથે સિમલા ગયા ત્યારે લોકો તેમને નવાઈથી પૂછતા: ‘મહાત્માજી સિમલા ક્યારે આવ્યા?’ આ વખતે મહાત્માને લોકો વાયવ્ય સરહદમાં પૂછે છે, ‘મહાદેવ ક્યાં?’

રાજકુમારીને ગાંધીજી લખે છે: ‘મારી ટપાલ આમથી તેમ રખડે છે. એટલે ચાર દિવસથી મને તમારા તરફથી કશા સમાચાર મળ્યા નથી. મને ખાતરી છે કે મહાદેવની તબિયત સારી છે, તેમ છતાં પત્રની ઝંખના રહે છે.’

ગાંધીજી સરહદ પ્રાંતમાં સભાઓ સિવાય બાકીને વખતે મૌન રાખીને આરામ મેળવતા હતા. અને મહાદેવને સલાહ આપતા હતા કે ‘हरिजनમાં લખવાની લાલચ તો છોડજે જ.’

મહાદેવભાઈ કોઈક વાર સંકોચ અનુભવે છે કે એમના કાગળથી બાપુના કામના બોજમાં વધારો થશે. તરત ગાંધીજી લખે છે:

તમારા બધાય કાગળો કાલે જ [૨૧–૧૦–૧૯૩૮] મળ્યા. એમ કેમ શંકા ઊઠી કે કદાચ તમારા કાગળનો મને બોજ લાગે? એવું છે જ નહીં. વાત એ છે કે તમારો કાગળ ન હોય ત્યારે વ્યાકુળ બનું. જે ટૂંકો હોય તો ગુસ્સો કરું કે એવું મહાદેવને શું કામ આવી પડ્યું કે બે લીટીથી પતાવવું પડ્યું.

વાયવ્ય સરહદનાં રળિયામણાં દૃશ્યો જોઈને ગાંધીજી મહાદેવભાઈને યાદ કરે છે. સત્તર વર્ષ પહેલાં કામરૂપની કમનીયતા જોઈને યાદ કરતા હતા તેમ જ. મોહન અને મહાદેવની પ્રીતિ વર્ષોના વીતવાથી વધતી જતી હતી. વર્ષો પહેલાં નિપાણી (કર્ણાટક)માં ગાંધીજી જેમ મૂર્છિત થઈ ગયા હતા અને મસ્તિષ્કની નસ તૂટી જાય એવો ખતરો પેદા થયો હતો તેવું મહાદેવભાઈને ક્યાંક થઈ ન બેસે એવી ગાંધીજીને ધાસ્તી હતી. તેથી તેઓ વારંવાર એ અંગે મહાદેવભાઈને ચેતવતા રહેતા હતા. મહાદેવભાઈને તેઓ એવી આશા પણ બંધાવતા કે આરામથી વધુ કામ કરવાની તેમનામાં શક્તિ આવશે.

સિમલાથી પાછા ફરતાં શ્વેબ કુરેશીએ મહાદેવભાઈને ભોપાલ રોકાવાનો આગ્રહ કર્યો હતો. ગાંધીજીએ એ વિચારને વધાવ્યો હતો. પણ ઝટ વર્ધા પાછા પહોંચવા સારુ ઉત્સુક મહાદેવભાઈ ભોપાલ રોકાયા નહોતા.

મહાદેવભાઈને પૂરો સમય કામ કરતા થવામાં સેવાગ્રામ આવ્યા પછી પણ મહિનાઓ વીતી ગયા. ૧૯૪૨માં ફરી એક વાર એમની તબિયત થોડી લથડી. પણ એ વર્ષ એવું હતું કે એમાં મહાદેવભાઈને આરામ ખાતર રજા લેવાનું સૂઝેય નહીં અને કોઈ સુઝાડે તો તે મહાદેવભાઈ એને સાંભળેય નહીં. પરંતુ એને વિશે થોડું આગલા પ્રકરણમાં.

ગાંધીજીના ઉપરોક્ત પત્રમાં વર્ણવેલી વ્યાકુળતાને જોતાં, આ પ્રસંગે એકબે પ્રશ્નો લેવાનું યોગ્ય લેખાશે. શ્રી એરિક એરિક્સને પોતાના ગ્રંથ गंाघीझी ट्रूथમાં માનસશાસ્ત્રની દૃષ્ટિએ ગાંધીજીના જીવનનું નિરૂપણ કર્યું છે. એ ગ્રંથ અંગે ઉત્તમ સમીક્ષા શ્રી ચી. ના. પટેલના गांधीजीनी सत्यसाधऩा अने बीजा लेखो નામના પુસ્તકમાં જોવા મળે છે. એરિક્સને એક પ્રકરણ મહાદેવભાઈ અને ગાંધીજીના સંબંધોને વિશે લખ્યું છે. મુશ્કેલી એ છે કે એરિક્સને પોતાનો આખો ગ્રંથ મૂળ ફ્રૉઇડ પાસે મેળવેલ અને પોતાના ક્લિનિકમાં અને પોતાના આગળના ગ્રંથોમાં વિકસિત કરેલ માનસશાસ્ત્રની ઉપપત્તિ સિદ્ધ કરવા લખ્યો છે. તેથી તેમને સર્વ માનવીય સંબંધો પાછળ મુખ્યત્વે જાતીય વૃત્તિઓ સીધી, આડકતરી, જાગ્રત કે સુષુપ્ત રીતે કામ કરતી દેખાય છે.

ગુજરાતી ભાષાનું અજ્ઞાન તેમને અંગ્રેજી ભાષાંતર વાંચવા બાધ્ય કરે છે અને તેથી નરહરિભાઈના महादेवभाईनुं पूर्वचरित ગ્રંથનાં કેટલાંક ઉદ્ધરણોનો પોતાને અનુકૂળ પડે તેવો જ અર્થ તેઓ કરે છે. બીજી મર્યાદા એ છે કે ભારતીય દર્શનના અને આપણા રીતરિવાજોના અલ્પ પરિચય કે અજ્ઞાનને લીધે તેઓ ચાર પુરુષાર્થમાંથી કામ અને અર્થનો જ વિચાર કરી શકે છે. તેથી મહાદેવ-મોહનની બેલડી પાછળ કામ કરતી ધર્મ અને મોક્ષની ભાવનાને કાં ઓછું મહત્ત્વ આપે છે કાં સમજી નથી શકતા. તેથી તેમને મહાદેવભાઈની બાપુભક્તિ અને ગાંધીજીની વત્સલતામાં કામ જ મુખ્યત્વે કામ કરતો હોય એમ લાગે. આવો ભાસ ભારતીય વાચકોને એરિક્સનની ટિપ્પણી વાંચવાથી થાય છે. અને મૂળમાં ગાંધીજી પ્રત્યે આદરભાવ સાથે લખેલા એ ગ્રંથમાં પણ તેઓ અજાણપણે ગાંધીના સત્યને માથે પોતાનું મિથ્યા ઠોકી બેસાડે છે.

મોહન-મહાદેવના સંબંધો અંગે એક બીજી ટીકા મહાદેવભાઈ પ્રત્યે આદર રાખનારા કેટલાક લોકો તરફથી થાય છે. તેઓ એવો પ્રશ્ન કરે છે કે ગાંધીજીએ મહાદેવભાઈને અન્યાય નથી કર્યો? મહાદેવભાઈ જે ગાંધીજીમાં ભળી ન ગયા હોત તો એવી પ્રતિભા લઈને જન્મેલી વ્યક્તિ કેટલી બધી આગળ વધી ગઈ હોત! પરંતુ આ દલીલ કરનારા બે રીતે ભૂલ કરી બેસે છે. એક તો એ સમજવામાં જ એમની ભૂલ થાય છે કે ગાંધીજી સાથે શૂન્યવત્ થઈ જવામાં મહાદેવભાઈએ કાંઈ ગુમાવ્યું છે, અને બીજું એ કે પોતાની જાતને શૂન્ય બનાવ્યા છતાં મહાદેવભાઈએ પોતાની સ્વતંત્ર અસ્મિતા ખોઈ નહોતી. ગાંધીજી સાથે પોતાની જાતને મેળવવામાં મહાદેવભાઈએ એમના યુગની બે મહાન આકાંક્ષાઓ — દેશની મુક્તિ અને માનવીય સાધનાની આકાંક્ષાઓ જોડી હતી તેથી એ મિલન મહાદેવભાઈ માટે બેવડું લાભપ્રદ નીવડ્યું હતું. ગાંધીજી સાથે જોડાયા ન હોત તો મહાદેવભાઈ સારા સાહિત્યકાર, કે સારા ભાષાંતરકાર થયા હોત. કદાચ ફાવટ આવી ગઈ હોત તો વકીલ થાત, કદાચ થોડા પૈસા કમાયા હોત, પણ વિવેકપુરુષ કિશોરલાલ મશરૂવાળાએ જેમને ‘સર્વે શુભોપમાયોગ્ય’ કહ્યા; ‘લોખંડી પુરુષ’ સરદાર પટેલે જેના મરણને દેવતાઓને પણ દુર્લભ એવું મરણ કહ્યું: વેરિયર એલ્વિન જેવા સમાજશાસ્ત્રીએ જેમને ગાંધીરૂપી સૉક્રેટિસના પ્લેટો કહ્યા, રાજાજી જેવા સંસ્કારી મુત્સદ્દીએ જેમને ગાંધીજીના द्वितीयम् हृदयम् કહ્યા, ઘનશ્યામદાસ બિરલા જેવા ધનકુબેરે જેમને ‘અણમૂલ રત્ન’ કહ્યા, વાઇસરૉયના સેક્રેટરીએ જેમને ગાંધીવિચારના સર્વોત્તમ ભાષ્યકાર કહ્યા અને બીજા અનેકોએ એમને ભાવભીની અંજલિ આપી છતાંય દરેકે એમને વિશે કાંઈક કહેવાનું રહી ગયું એવો જ ભાવ અનુભવ્યો; તે ગાંધીજીની સાથે ન જોડાયા હોત તો મહાદેવભાઈ ક્યાંથી થયા હોત? કદાચ એ સાચું હશે કે મહાદેવભાઈના શૂન્યવત્ થવાથી ગાંધીજીની કિંમત દસગણી વધી હશે, પણ આપણે એયે ન ભૂલવું જોઈએ કે ગાંધીજી વિનાના મહાદેવ તો એકડા વિનાના મીંડા જ રહ્યા હોત. વળી એ પણ ન ભૂલવું જોઈએ કે મહાદેવભાઈએ પોતાની હસ્તીને ગાંધીજીના યજ્ઞમાં હોમી દીધી હતી એ વાત સાચી, પણ તેથી તેમની હસ્તી શૂન્ય વડે ભાગવાથી જેમ સંખ્યાની કિંમત અનંતગણી થાય છે, તેમ તેમનો અહમ્ ઓગળ્યો હતો પણ અસ્મિતા અનંતગણી થઈ ગઈ હતી. શ્રી વજુભાઈ શાહે મહાદેવભાઈની ગાંધીજીમાં સમાઈ જવાની વૃત્તિ વિશે યોગ્ય રીતે જ કહ્યું છે કે, ‘ગાંધીજીમાં ઓતપ્રોત થવું એટલે વિશ્વ જેવી વિશાળ અને સત્ય જેવી સૂક્ષ્મ એમની પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત થવું.’

મહાદેવભાઈના વ્યક્તિત્વની સરખામણી, એમના અને ગાંધીજીના સંબંધોને લીધે લોકો જુદી જુદી રીતે કરે છે. આપણે રામ-હનુમાન કે કૃષ્ણાર્જુનની પૌરાણિક તુલનાઓની વાત જવા દઈએ. પણ જાણીતા ઇતિહાસની ત્રણ એવી બેલડીઓ છે કે જેની સાથે મોહન-મહાદેવની જોડીની અમુક અંશે સરખામણી થઈ શકે એમ છે.

ઘણા વિદ્વાનો એમની સરખામણી ડૉ. જોનસન અને બૉઝવેલ જોડે કરે છે, બૉઝવેલ પણ મહાદેવભાઈની માફક ઉત્તમ ડાયરી-લેખક હતા તે જ આ સરખામણીનું કારણ છે. પ્યારેલાલજી મહાદેવભાઈ વિશેના પોતાના અનન્ય અંજલિ-લેખમાં કહે છે:

બૉઝવેલ સાથે મહાદેવભાઈની સરખામણી કરવી એ આજકાલ ફૅશન થઈ પડી છે. પોતાના ગુરુના જીવનવૃત્તાંતની તમામ સામગ્રી એકઠી કરવાની અને નોંધવાની તીવ્ર અભિલાષા પૂરતી જ આ સરખામણી બરાબર ગણાય. નૈતિક અને બૌદ્ધિક કક્ષામાં બૉઝવેલ અને મહાદેવભાઈ વચ્ચે ઉત્તરદક્ષિણ ધ્રુવના જેટલું અંતર હતું. મહાદેવભાઈ સ્વતંત્ર રીતે મહાન હતા. બૉઝવેલનું પોતાના ગુરુ પ્રત્યેનું વલણ ઉત્કટ વીરપૂજાનું હતું. તે કોઈ કોઈ વાર મામૂલી પ્રકારનું અને અસંસ્કારી પણ થઈ જતું. એથી ઊલટું ગાંધીજી પ્રત્યે મહાદેવભાઈનું વલણ આધ્યામિક ભક્તહૃદયનું, પોતાના ગુરુ પ્રત્યે જેવું હોય અથવા તો માતૃભૂમિનું તેના ઉદ્ધારક પ્રત્યે હોય, તેવું હતું. ગાંધીજી અને તેમના આદર્શોમાં અપૂર્વ અને અનન્ય ભક્તિથી તરબોળ એવું મહાદેવભાઈનું જીવન હતું. ગાંધીજી જગત માટે જીવે છે. પણ મહાદેવભાઈ ગાંધીજી માટે જીવતા હતા.

આ તુલના તો મુખ્યત્વે બૉઝવેલ અને મહાદેવભાઈ વચ્ચેની થઈ. ડૉ, જોનસન અને ગાંધીજીની એવી જ સરખામણી કરવામાં આવે તો તરત ધ્યાનમાં આવશે કે બંને જોડકાંની સરખામણી તો બિલકુલ ન થઈ શકે એવી છે.

એવું બીજું એક જોડકું વિખ્યાત જર્મન કવિ-તત્ત્વજ્ઞ ગટે-એકરમૅનનું છે કે જેની સાથે મોહન અને મહાદેવની જોડીની કાંઈક અંશે તુલના થઈ શકે એમ છે. આ બંને વચ્ચેનો સંબંધ ગુરુશિષ્યનો અને દાર્શનિકનો હતો. એમ કદાચ જોનસન — બૉઝવેલની જોડી કરતાં આધ્યાત્મિક કે ફિલસૂફીની દૃષ્ટિએ મોહન — મહાદેવ જોડી સાથે વધુ તુલ્ય ગણી શકાય. આમાં ગટેએ એકરમૅનને જીવન અંગે અને દર્શન અંગે પ્રેરણા પણ આપી હતી. પરંતુ આ સંબંધ મોહન — મહાદેવ જેવો અખંડિત નહોતો તેમ જ અવિચ્છિન્ન પણ નહોતો. એક ત્રીજું જોડું પણ આ સંદર્ભમાં યાદ આવે છે, સૉક્રેટિસ અને પ્લેટોનું. પરંતુ આ બે મહાનુભાવો વચ્ચે તો કાળનું અંતર હતું તેથી એ મોહન-મહાદેવ જોડે તુલ્ય રહેતા નથી. ઉપરોક્ત યુગ્મોમાં જર્મન અને ગ્રીક બંને જોડાંમાં ગુરુ-શિષ્ય સંબંધ અને સૂત્રકાર અને ભાષ્યકારનો સંબંધ અવશ્ય મોહન-મહાદેવ જોડે સરખામણી કરી શકાય તેવો છે.

આપણા દેશ ભણી નજર કરતાં રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદનો સંબંધ એ રીતે સૂત્રકાર-ભાષ્યકારનો છે. પણ વિવેકાનંદ શિષ્ય હતા, સચિવ નહીં, તેઓ પોતાની સ્વતંત્ર પ્રતિભા ધરાવનાર ભાષ્યકાર હતા. યથાક્રમ નોંધ કરનાર ઇતિહાસકાર (ક્રૉનિકલર) નહોતા. નોંધ લખનાર તરીકે વધુ સારી સરખામણી થઈ શકે એવા શ્રી ‘મ’ ઉર્ફ ‘માસ્તર’ હતા, જેમણે શ્રી રામકૃષ્ણ પરમહંસનાં વચનો સાંભળીને, સ્મરણને આધારે श्री रामकृष्णकथामृत નામે ચાર ગ્રંથોમાં લખ્યા. પોતાની જાતને પાછળ રાખવા બાબતમાં તેઓ મહાદેવભાઈ કરતાંયે ચડિયાતા હતા. કારણ, તેમણે આ ગ્રંથો પર પોતાનું પૂરું નામ (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત) પણ પ્રગટ થવા દીધું નહોતું. સ્વામી વિવેકાનંદ વગેરે અધિકારી લોકોના કથન અનુસાર શ્રી ‘મ’ એ રજૂ કરેલ શ્રી રામકૃષ્ણની કહેલી કથાઓ સ્મરણથી લખાયેલી, પણ યથાર્થ રીતે રામકૃષ્ણના શબ્દોનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી છે. તે અર્થમાં શ્રી ‘મ’ એ ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસનાં વચનોના એવા ઉતારનાર હતા, જેની તુલના મહાદેવભાઈ જોડે થઈ શકે એમ છે.

આ તમામ જોડીઓ કોઈ એક સીમિત અર્થમાં મોહન — મહાદેવની જોડી સાથે સરખાવી શકાય એવી હતી, પરંતુ બે ભિન્ન ભિન્ન પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓના વ્યક્તિત્વ એક જીવ બે ખોળિયાં થઈને રહે, સહેલાઈથી અદલાબદલી કરી શકાય એવું ભાષાસામ્ય હોય, સ્વતંત્ર પ્રતિભા છતાં એકનું વ્યક્તિત્વ બીજીમાં વિલીન થઈ ગયું હોય, વિલીન થયેલું વ્યક્તિત્વ હોવા છતાં આગવી પ્રતિભા જરાય ઝાંખી ન પડી હોય એવી જોડીનું ઉદાહરણ આ લેખકની જાણમાં તો મોહન-મહાદેવની જોડીનું એક અને અદ્વિતીય જ છે.

આ બેજોડપણાની પાછળ મૂળ કારણ તો ગાંધીજીએ જે પારખ્યું તે જ હતું: ‘પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ.’ એ શૂન્યવત્ થઈ જવાની એમની શક્તિ આમ તો મહાદેવભાઈને સાધુજન જુએ તેના ચરણોમાં બેસવા પ્રેરતી, પણ એની અદ્ધિતીયતા તેમણે જે અનન્ય ભક્તિથી ગાંધીજીને પોતાના સ્વામી માન્યા હતા તેમાંથી આવતી હતી. એવી અવ્યભિચારિણી ભક્તિનો દાખલો પૂરો પાડે એવા પ્રસંગનો આ લેખક સાક્ષી હતો:

‘મદ્રાસથી વર્ધા આવતાં વચ્ચે બેઝવાડા (વિજયવાડા) આવે છે. બે મોટા ડુંગરાઓની વચ્ચેથી વહી આવતી કુષ્ણા નદી ત્યાં આગળ ભવ્ય રૂપ ધારણ કરે છે. આજે એના બંધ ઉપર વીજળીની બત્તીઓની ઝાકઝમાળ છે. તે વખતે ત્યાં કેવળ પ્રકૃતિનું અકૃત્રિમ સૌંદર્ય હતું. વિજયવાડા સ્ટેશન આવતાં પહેલાં વાત નીકળી. જમનાલાલજી તે અરસામાં રમણ મહર્ષિના આશ્રમમાં જઈ આવ્યા હતા. એમણે આશ્રમના વાતાવરણની પવિત્રતા અને ત્યાંની શાંતિનાં બાપુ આગળ ખૂબ વખાણ કરેલાં. કોઈ પણ સાધુપુરુષનું નામ નીકળે એટલે કાકાનું હૈયું પાણી પાણી જ થઈ જાય. તેઓ ભક્તિપૂર્વક અને ઉત્સાહથી રમણ મહર્ષિ વિશે પૂછપરછ કરવા લાગ્યા. જમનાલાલજી, બાપુ અને કાકા ત્રણેને સમાન રસનો વિષય મળી ગયો. વાતવાતમાં બાપુએ સૂચવ્યું: ‘તમે કાં ન એના આશ્રમમાં જઈ આવો મહાદેવ?’ કાકાનું અંતર હરખાઈ ઊઠ્યું, જમનાલાલજીએ એમને પ્રોત્સાહન આપ્યું: ‘હા, હા, જરૂર એક વાર જઈ આવવા જેવું છે. અને તિરુવણ્ણામલય જવું હોય તો બેઝવાડાથી જ ગાડી બદલીને જાઓ એમાં સગવડ રહેશે. આટલે સુધી આવ્યા છો તો હમણાં જ જઈ આવો. પછી તમને ક્યારે ફુરસદ મળવાની છે?’

કાકાએ મને એમનો બિસ્તરો તૈયાર કરવા કહ્યું. ગાડી કૃષ્ણાના પુલ ઉપર આવી ચૂકી હતી.

જમનાલાલજી બાપુને કહેતા હતા: ‘રમણાશ્રમ જેટલી શાંતિ તો મને આપના આશ્રમમાં પણ નહોતી દેખાણી.’

બાપુએ થોડી વારે કાકાને કહ્યું: ‘તમે ત્યાંથી પાછા આવવાની ઉતાવળ ન કરતા. તમને પણ જમનાલાલજી જેવી જ શાંતિનો અનુભવ થાય તો ત્યાં ખુશીથી વધુ દિવસ રોકાઈ શકો છો. કામની કાળજી કરશો મા.’

સાવ સ્વાભાવિકપણે બાપુએ આ વાત કરી હતી. પણ કાકાને બાપુથી વધુ વખત છૂટા રહેવાનો વિચાર જ અસહ્ય લાગ્યો. એમણે મારી તરફ ફરી કહ્યું:

‘બાબલા, બિસ્તરો છોડી નાખ.’

હું તો આભો જ બની ગયો. બાપુ પણ અચરજથી જોઈ રહ્યા. એમણે પૂછ્યું:

‘કેમ મહાદેવ, બિસ્તરો શા સારુ છોડવાનું કહો છો?’

‘મેં જવાનો વિચાર માંડી વાળ્યો.’

‘કેમ?’

‘મારે એક સ્વામી બસ છે.’

શ્રી કનૈયાલાલ મુનશીએ સાચું જ કહ્યું હતું કે ગાંધીજીના તરફ એમની દૃષ્ટિ

सर्वधर्मान् परित्यज्य मामेकम् शरणं व्रज એ પ્રકારની હતી.

નોંધ:

૧.   મહાદેવભાઈનો પત્ર જવાહરલાલજીને — વર્ધા, ૧૫–૧–’૩૬: નેહરુ સંગ્રહાલયના પત્રસંગ્રહમાંથી.

૨.   गांधीजीनो अक्षरदेह – ૬૬ : પૃ. ૨૪૭.

૩.   हरिजनबंधु-અંક ૨૬ : પૃ. ૧૬૯.

૪.   गांधीजीनो अक्षरदेह – ૬૭ : પૃ. ૪૭૧.

૫.   गांधीजीनो अक्षरदेह – ૬૮ : પૃ. ૩૨.

૬.   એજન, પૃ. ૩૮.

૭.   પ્યારેલાલ: हरिजनबंधु ૧૪–૪–’૪૬, પૃ. ૮૩.

૮.   નારાયણ દેસાઈ: संत सेवतां सुकृत वाधेः પૃ. ૧૦૫થી ૧૦૭.

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.