છવ્વીસ – સો ટચના સોનાનો વેપાર

કૉંગ્રેસ-પ્રમુખ તરીકે ગાંધીજી ૧૯૨૫ના વર્ષમાં સતત આખા દેશમાં ફર્યા. તેમના પહેલાં ભાગ્યે જ બીજા કોઈ કૉંગ્રેસ-પ્રમુખ કૉંગ્રેસે પસાર કરેલા મુખ્ય ઠરાવની અમલબજવણી અર્થે આટલું ફર્યા હશે. ૧૯૨૬નું લગભગ આખું વર્ષ તેમણે સાબરમતી આશ્રમમાં ગાળ્યું હતું અને ૧૯૨૭માં તેમણે ફરી પાછા દેશનાં વિવિધ સ્થળોએ ભ્રમણ કર્યું હતું. મહાદેવભાઈ આ ત્રણ વર્ષો દરમિયાન લગભગ પૂરેપૂરો સમય ગાંધીજીની સાથે જ હતા અને ગાંધીજીની દરેક નાનીમોટી પ્રવૃત્તિની નોંધ લેતા અને સગવડ મુજબ, नवजीवन કે यंग इन्डिया પત્રો દ્વારા, તેની માહિતી દુનિયાને આપતા.

આઝાદીની લડાઈની રણનીતિની દૃષ્ટિએ આ વર્ષો ઝળહળતાં વર્ષો નહોતાં. પણ એ કાંઈ ઓછાં મહત્ત્વનાં વર્ષો નહોતાં, એ હકીકત મહાદેવભાઈની આ નિયમિત નોંધો અને તેમના લેખો પુરવાર કરે છે. સ્વરાજની અહિંસક લડતની બે ખૂબીઓ એને સ્વતંત્રતાનાં બીજાં આંદોલનો કરતાં વિશિષ્ટ સ્થાન અપાવે તેવી હતી. એક તો એ લડતમાં એક અન્યાયી વ્યવસ્થાનો મુકાબલો કરતાં કરતાં જ બીજી એવી રચના પણ ઊભી થતી જતી હતી કે જેને લીધે દેશને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તક મળે. એમાં સંઘર્ષની સાથે સાથે જ નવા સમાજનાં બી વાવવાનું કામ પણ થતું જતું હતું.

આ લડતની બીજી ખૂબી એ હતી કે એના નાયક અને બીજા કેટલાક તેમના સાથીઓને સારુ તો એ લડત બહારના અન્યાયના વિરોધની સાથે સાથે પોતાની આંતરિક ગુણવિકાસની પણ પ્રક્રિયા હતી. બીજા કાર્યકર્તાઓ અને દેશની જનતા સારુ પણ આ લડત નીતિ અને અધ્યાત્મનાં કેટલાંક મૂલ્યો પ્રસ્થાપિત કરીને એ તરફ અગ્રેસર થવા અંગુલિનિર્દેશ કરી દેતી. એમ જો સમગ્ર રીતે જોઈએ તો ગાંધીજી ભારતના મેદાન પર આવ્યા ત્યાર પહેલાં — અથવા હજી વધુ પાછળ જઈએ તો ઓગણીસમી સદીના પાછલા ભાગમાં — દેશ સામાન્યપણે, તમોગુણમાં પડેલ હતો. અને આઝાદી માટેની રાષ્ટ્રીય ચળવળે તેમાં રજોગુણનો સ્પર્શ કરાવ્યો હતો. ગાંધીજીએ બતાવેલા સત્યાગ્રહના નવા સાધનને લીધે એ રજોગુણ પર સત્ત્વગુણનો ઓપ ચડતો હતો.

આ પ્રક્રિયામાં અવારનવાર આવતાં મોટાં આંદોલનોથી અપૂર્વ જાગૃતિ આવતી હતી એ ખરું, પણ ત્યાર પછીના ગાળામાં એ ઉત્સાહના દઢીકરણનું કપરું કામ રચનાત્મક કાર્યો દ્વારા થતું રચનાત્મક કામો — તરફ દેશના રાજકારણી નેતાઓનું ધ્યાન, દુર્ભાગ્યે, ઘણું ઓછું જતું તેથી રચનાત્મક કાર્યોનો જો સોએ સો ટકા અમલ થાય તો પોતાની કલ્પનાનું પૂર્ણ સ્વરાજ હસ્તામલકવત્ હોય એવું ગાંધીજીનું સપનું સપનું જ રહી ગયું. પરંતુ ગાંધીજી અને એમના કેટલાક ચુનંદા સાથીઓએ રચનાત્મક કાર્ય તરફ દુર્લક્ષ નહોતું કર્યું. આઝાદીની લડાઈનાં છેલ્લાં વીસ વર્ષોમાંથી ઠીક ઠીક સમય એ લોકોએ રચનાત્મક કાર્યો પાછળ આપ્યો હતો. અને ગાંધીજીના કેટલાક સાથીઓએ તો રચનાત્મક કાર્યને પોતાનું આખું જીવન સમર્પણ કર્યું હતું.

ચંપારણના સત્યાગ્રહ અને ત્યાંનાં રચનાત્મક કાર્યો પછી ગાંધીજી અને મહાદેવભાઈને સારુ રચનાત્મક કાર્યોમાં મન પરોવવાનો ૧૯૨૫થી ૧૯૨૭નાં ત્રણ વર્ષો એ પહેલો પ્રસંગ હતો. ગાંધીજીનું કામ લોકોની આ બાબતની જડતાને ખંખેરવાનું તથા તેમને આ કાર્યો તરફ પ્રવૃત્ત કરવાની પ્રેરણા આપવાનું હતું, અને મહાદેવભાઈનું કામ ગાંધીજીની આ પ્રવૃત્તિનું રહસ્ય સમજાવી એને જનતા આગળ વ્યાપક અને વ્યવસ્થિત રીતે રજૂ કરવાનું હતું.

મહાદેવભાઈ સારુ આ કામ એમના પ્રેમની અભિવ્યક્તિનું સાધન પણ હતું, તેઓ ગાંધીજી પ્રત્યેનો પોતાનો પ્રેમાદર અને ભક્તિ પોતાની સેવા દ્વારા વ્યક્ત કરતા અને એ પ્રેમની અભિવ્યક્તિ, પોતે શૂન્યવત્ બની ગાંધીજીના વ્યક્તિત્વમાં જ પોતાની જાતને મિલાવી દેવામાં હતી. ૧૯૨૭ના જૂનની ૮મી તારીખે: वर्ल्ड्झ यूथ નામની એક પત્રિકાને સંદેશ આપતાં ગાંધીજીએ લખ્યું હતું:

સત્ય અને પ્રેમ બંને એકસાથે મારા જીવનના માર્ગદર્શક સિદ્ધાંત રહ્યા છે. ઈશ્વર જે અવર્ણનીય છે, તેનું કંઈક વર્ણન કરી શકાય તેમ હોય તો મારે કહેવું જોઈએ કે ઈશ્વર સત્ય છે. તેને એટલે કે, સત્યને પ્રેમ સિવાય બીજી રીતે પહોંચવું અશક્ય છે. પ્રેમ પૂરેપૂરો માત્ર ત્યારે જ વ્યક્ત થઈ શકે જ્યારે માણસ પોતાની જાતને શૂન્યવત્ બનાવી દે.

૧૯૨૫થી ૧૯૨૭, એટલે કે ગાંધીજી કૉંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારથી બારડોલીનો સત્યાગ્રહ થયો (૧૯૨૮) ત્યાર સુધીના કાળના મહાદેવભાઈના જીવન વિશે જો એક વાક્ય વાપરવું હોય તો એમ જ કહી શકાય કે તે કાળમાં તેમણે ગાંધીજીની સેવામાં પોતાની જાતને શૂન્યવત્ બનાવી દીધી હતી. એમ તો ગાંધીજીની સેવામાં પોતાની જાતને શૂન્ય બનાવવી એ મહાદેવભાઈના આખા જીવનનો મંત્ર છે, પણ આ કાળમાં તે વિશેષરૂપે એટલા સારુ લાગુ પડી શકે એમ છે, કે તે વખતે મહાદેવભાઈ અખંડ ગાંધીજીની સાથે ને સાથે જ હતા.

‘जेथें जातो तेथें तू माझा सांगाती
चालविसी हाती घरुनिया ।
2

ભક્ત તુકારામની એ વાણી મહાદેવભાઈ ગાંધીજીને ધ્યાનમાં રાખીને ખુશીથી ગાઈ શકે એમ હતા. ઉપરોક્ત સંદેશામાં જ ગાંધીજી આગળ લખે છે:

‘શૂન્યવત્ થવાની આ પ્રક્રિયા પુરુષ કે સ્ત્રી કરી શકે તેવો એક મહાનમાં મહાન પુરુષાર્થ છે. કરવા જેવો એ જ એક પુરુષાર્થ છે અને ઉત્તરોત્તર વધતા જતા આત્મસંયમ દ્વારા જ એ થઈ શકે એમ છે.’

મહાદેવભાઈએ માત્ર આ સંદેશાની સાફ નકલ કરીને તેને જિનીવા મોકલવાનું કામ કર્યું નહોતું. તેમણે એ સંદેશની વસ્તુને પોતાના હૃદયમાં ઘૂંટી હતી. તેથી જ એમનું સમગ્ર જીવન શૂન્યવત્ બનવાના ‘મહાનમાં મહાન પુરુષાર્થ’માં સમર્પિત થઈ શક્યું.

પ્રથમ આપણે ત્રણ વર્ષના ગાળાની મુખ્ય મુખ્ય ઘટનાઓને મુખ્યત્વે ગાંધીજીની દૃષ્ટિએ તપાસીએ.

કૉંગ્રેસના ભાગલા પડતા બચાવવાની દૃષ્ટિને નજર સમક્ષ રાખી ગાંધીજીએ કૉંગ્રેસ-પ્રમુખ થવાનું સ્વીકાર્યું હતું. બેલગામમાં કૉંગ્રેસ-પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ત્યારે પાંચેક દિવસોમાં જ કૉંગ્રેસજનોને મન એ સ્પષ્ટ થઈ ગયું હશે કે નવા અધ્યક્ષ એ માત્ર સ્વપ્નદર્શક આદર્શવાદી જ નહોતા, પણ એક કામ માથે લે તો એની પાછળ પડી એને સારુ શરીર નિચોવી નાખીને એને સાંગોપાંગ પાર પાડે તેવા વહેવારદક્ષ અને કાર્યકુશળ પણ હતા. બેલગામના ઠરાવોમાં અન્ય ઠરાવો તો કૉંગ્રેસમાં જુદા જુદા મત ધરાવતાં જૂથો સારુ હતા અથવા તો તે બંધારણસંબંધી હતા. પણ આખી કૉંગ્રેસે કરવાના કાર્યક્રમ અંગેનો જે ઠરાવ હતો તેને જ ગાંધીજી કૉંગ્રેસનો મુખ્ય ઠરાવ માનતા હતા. એ ઠરાવ ખાદી, અસ્પૃશ્યતાનિવારણ અને હિંદુ-મુસ્લિમ એકતાના ત્રિવિધ રચનાત્મક કાર્ય અંગે હતો. ગાંધીજીએ ઠરાવને નજર સામે રાખીને આખા દેશમાં ભ્રમણ કર્યું. પ્રમુખ થયા પછીના પ્રથમ ચાર માસમાં જ તેમણે કાઠિયાવાડ, દિલ્હી, કર્ણાટકમાં ગુલબર્ગા, વાયવ્ય સરહદમાં કોહાટ, સંયુક્ત પ્રાંતોમાં લખનૌ, શાહજહાનપુર, અલાહાબાદ વગેરે, કલકત્તા અને મધ્ય પ્રાંત અને વરાડમાં જબલપુર વગેરે સ્થાનોનો પ્રવાસ ખેડ્યો. આટલાં વર્ષ સુધી વાઈકોમ સત્યાગ્રહને તેઓ દૂરથી જ દોરવણી આપતા હતા તે આ વર્ષે પ્રત્યક્ષ કેરળ જઈને સત્યાગ્રહના સ્થળની મુલાકાત લઈ આવ્યા. પછી તેમણે દક્ષિણ ભારત, બંગાળ, બિહાર તથા સંયુક્ત પ્રાંતો અને કાઠિયાવાડની બીજી વારની મુસાફરી કરી. થોડા દિવસ વર્ધાના આશ્રમમાં વિનોબા અને જમનાલાલજી પાસે પણ રહી આવ્યા.

૧૯૨૫ના જાન્યુઆરી માસમાં ગાંધીજીએ સુરત જિલ્લામાં વેડછી ગામે ‘કાળીપરજ પરિષદ’માં હાજરી આપી હતી. અને તે જ માસમાં તેઓ દિલ્હીમાં હિંદુ-મુસ્લિમ ઐક્ય અંગે ભરાયેલ એક સર્વપક્ષીય પરિષદમાં હાજર રહ્યા હતા. ફેબ્રુઆરી માસની શરૂઆતમાં ગાંધીજી રાવલપિંડીમાં વાયવ્ય પ્રાંતના કોહાટથી ભાગીને આવેલા નિરાશ્રિતોને મળ્યા હતા અને એ જ માસમાં તેમણે સૌરાષ્ટ્રનો પ્રવાસ ખેડ્યો હતો. આ દિવસો દરમિયાન કોહાટની પરિસ્થિતિ અંગે ગાંધીજી અને મૌલાના મહમદઅલી વચ્ચે તીવ્ર મતભેદ થયો હતો.

આ વર્ષે મેથી ઑગસ્ટ માસ સુધી ગાંધીજીએ બંગાળનો સુદીર્ઘ પ્રવાસ ખેડ્યો હતો. પછી સપ્ટેમ્બરમાં પટણામાં કૉંગ્રેસ કમિટીની બેઠકમાં અધ્યક્ષતા કરી હતી. ત્યાં જ સપ્ટેમ્બર ૧૯૨૫માં કૉંગ્રેસના એક ઠરાવ દ્વારા અખિલ ભારત ચરખા સંઘની સ્થાપના કરવામાં આવી હતી. બિહારમાં જ તેમણે ઑક્ટોબરના બીજા અઠવાડિયા સુધી યાત્રા કરી હતી. પછી યુ. પી. જઈ સીતાપુરમાં હિંદી સાહિત્ય સંમેલનમાં હાજરી આપી હતી. ઑક્ટોબરની ૨૨મીથી નવેમ્બરની ચોથી સુધી ગાંધીજીએ કચ્છની મુસાફરી કરી હતી, જ્યાં એમને અસ્પૃશ્યતાનો કડવો અનુભવ થયો હતો. નવેમ્બરમાં થોડો વખત સાબરમતી આશ્રમમાં જઈ ત્યાંથી તેઓ વર્ધા ગયા હતા. ડિસેમ્બરમાં તેમણે કાનપુરમાં કૉંગ્રેસનું પ્રમુખપદ શ્રીમતી સરોજિની નાયડુને સોંપ્યું હતું. મહાદેવભાઈએ ગાંધીજીના પ્રમુખપણા હેઠળની બેલગામની કૉંગ્રેસ અને સરોજિનીદેવીના પ્રમુખપણા હેઠળની કાનપુરની કૉંગ્રેસની સરખામણી કરી, પહેલીને ‘દીવાનેઆમ’ તરીકે અને બીજીને ‘દીવાને ખાસ’ તરીકે વર્ણવી હતી.

આટલા સતત પ્રવાસને લીધે ગાંધીજીને અતિશય થાક જણાયો હતો. ઉપરાંત આ બાજુ સાબરમતી આશ્રમના વિદ્યાર્થીઓમાં કેટલીક વિકૃતિઓ જણાઈ હતી. તેથી નવેમ્બર માસમાં તેમણે સાત દિવસના ઉપવાસ કર્યા હતા. આશ્રમના પ્રશ્નો અંગે પ્રત્યક્ષ ધ્યાન આપી શકાય અને શરીરને થોડો આરામ પણ મળે એ દૃષ્ટિએ ૧૯૨૬માં એક વર્ષ પૂરતી તેમણે બહારના કામકાજમાંથી નિવૃત્તિ લીધી હતી. પણ આશ્રમમાં રહ્યું રહ્યું મુલાકાતો આપવાનું, यंग इन्डिया ને नवजीवन સારુ લખવાનું તથા ઢગલાબંધ પત્રો લખવાનું કામ તો ચાલુ જ હતું. સપ્ટેમ્બર માસમાં દક્ષિણ આફ્રિકાથી આવેલ એક પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવા ગાંધીજી મુંબઈ ગયા હતા. ઑક્ટોબર માસમાં તેમણે પોતાનું વસિયતનામું કરીને પોતાને નામે જે મિલકત હશે તે સર્વ ૨૬–૧૦–૧૯૨૬ના રોજ આશ્રમને નામે કરી હતી. આશ્રમના એક ટ્રસ્ટી તરીકે મહાદેવભાઈને મૂક્યા હતા, પણ ગાંધીજીનું નામ ટ્રસ્ટીઓમાં નહોતું.

૧૯૨૫માં ત્રિવિધ રચનાત્મક કાર્યક્રમ પર ભાર મૂકતા હતા તેને બદલે ૧૯૨૭માં ખાદીપ્રચાર અને ખાદીવેચાણનો કાર્યક્રમ લઈને ગાંધીજીએ ફરી પાછો લાંબો પ્રવાસ શરૂ કર્યો હતો. બંગાળ, વરાડ અને મહારાષ્ટ્રમાં તેમણે સંખ્યાબંધ સભાઓ કરી હતી. મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન મોટે ભાગે અતિશય પરિશ્રમને કારણે તેમનું લોહીનું દબાણ ખૂબ વધી ગયું હતું અને એકબે વાર તેઓ મૂર્છિત થઈ ગયા હતા. મગજની એક નસ તૂટતી માંડ માંડ બચી ગઈ હતી. આ બીમારીને કારણે ફરજિયાત આરામ લેવાની સ્થિતિ આવી પડી હતી. થોડો સમય નિપાણી, અંબોલી ને સાવંતવાડીમાં રહી, સાવંતવાડીના ‘ધર્માત્મા’ રાજાની સાથે મધુર પરિચય કેળવી, મૈસૂરના રાજાના નિમંત્રણ અને રાજાજીના આગ્રહને લીધે તેઓ નંદીદુર્ગ નામના હવા ખાવાના સ્થળે ગયા હતા. ત્યાં સ્વસ્થ થયા પછી પણ તેમને લગભગ અઢી માસ બેંગલોરમાં આરામ લેવો પડ્યો હતો. આ માંદગી દરમિયાન ગાંધીજીએ એકબે વાર એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો કે જેનાથી એમ લાગતું હતું કે તેમના મનમાં લગભગ ખાતરી થઈ ચૂકી હતી કે ૧૭મી એપ્રિલ, ૧૯૨૮થી વધુ તેઓ નહીં જીવે! આવી ધારણા શાનાથી બની હશે એ સમજાતું નથી. વચ્ચે ઑક્ટોબરમાં વાઇસરૉયને મળવા તેઓ દિલ્હી જઈ આવ્યા. નવેમ્બરમાં તેમણે અઢાર દિવસની મુસાફરી સિલોનમાં કરી હતી.

૧૯૨૭ના ચોમાસામાં ગુજરાતમાં મોટું રેલસંકટ આવી પડ્યું હતું. તે વખતે ગાંધીજી દક્ષિણ ભારતના પ્રવાસમાં હતા. વલ્લભભાઈ રેલરાહતનું કામ ઉત્તમ રીતે ચલાવી રહ્યા હતા એટલે વચ્ચે દખલ કરવી નહીં એવા વિચારે ગાંધીજી ગુજરાત દોડી ન આવ્યા. પણ પ્રવાસ દરમિયાન ઠેર ઠેર તેમણે ગુજરાતના સંકટની વાત કરી હતી.

૧૯૨૮ની શરૂઆતમાં ‘ઇન્ટર નૅશનલ ફેલોશિપ’ નામની એક શાંતિવાદી સંસ્થાની કારોબારીની બેઠક સાબરમતી આશ્રમમાં રાખવામાં આવી હતી. એપ્રિલની ૨૩મી તારીખે બિહારમાં પટણા મુકામે ગાંધીજીના ભત્રીજા અને આશ્રમના તેમના અનન્ય સાથી શ્રી મગનલાલ ગાંધીનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. ગાંધીજી જેવા સારુ પણ ‘આશ્રમના પ્રાણ’ તરીકે ઓળખાયેલા શ્રી મગનલાલ ખુશાલચંદ ગાંધીના અકાળ અવસાનના સમાચાર ભારે આંચકો આપનાર સિદ્ધ થયા હતા.

૧૯૨૮માં ભારતની બંધારણી પૂર્વભૂમિકા અંગે તપાસ કરવા સર જ્હૉન સાઇમનની આગેવાની હેઠળ બ્રિટિશ સરકાર તરફથી એક પ્રતિનિધિમંડળ મુંબઈમાં ઊતર્યું. તેના સભ્યોમાં એક પણ ભારતીય સભ્ય નહોતો. કૉંગ્રેસે સાઇમન કમિશનનો બહિષ્કાર કરવાનું ઠરાવ્યું. દેશભરમાં એની વિરુદ્ધ દેખાવો થયા. ઠેર ઠેર વિરોધી દેખાવો કરનાર શાંત ટોળાંઓ ઉપર પોલીસોએ હુમલાઓ કર્યા. ગાંધીજીની તબિયત તે વખતે નાદુરસ્ત હતી, તે છતાં તેમણે બહિષ્કારને ટેકો જાહેર કર્યો. આવા એક દેખાવમાં ૩૦મી ઑક્ટોબરે પંજાબ કેસરી લાલા લજપતરાયની છાતીમાં પોલીસે બંદૂકના કુંદા માર્યા હતા. તે પછી તેઓ ૧૭મી નવેમ્બરે મૃત્યુ પામ્યા.

આવા ગાળા દરમિયાન ગાંધીજીનું ઠીક ઠીક ચર્ચાયેલ नीतिनाशने मार्गे પુસ્તક પ્રકાશિત થયું. दक्षिण आफ्रिकाना सत्याग्रहनो इतिहास એ ક્રમશ: नवजीवनમાં પ્રકાશિત થયો. એનું અંગ્રેજી ભાષાંતર શ્રી વાલજી ગોવિંદજી દેસાઈએ કર્યું. ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી ભાષાંતર ત્યાર બાદ છપાયું. એનો પહેલો હપતો यंग इन्डियाમાં છપાયો. આ ભાષાંતર મહાદેવભાઈએ કર્યું. આ પુસ્તકના પાંચમા ભાગના ૨૯થી ૪૩ સુધીનાં પ્રકરણોનો અનુવાદ પ્યારેલાલે કર્યો હતો. મહાદેવભાઈ બારડોલી તપાસસમિતિના કામમાં ગૂંથાયા તેથી ભાષાંતર કરવાનું કામ એટલું અધૂરું છોડ્યું હશે એમ જણાય છે. મહાદેવભાઈનું ભાષાંતર શરૂઆતમાં તાજેતરમાં વિલાયતથી આવેલ ગાંધીજીનાં ભક્ત કુમારી મૅડલીન સ્લેડે જોયું. મિસ સ્લેડને ગાંધીજીએ ‘મીરાં’ નામ આપ્યું. તેઓ દરેક રીતે સત્યાગ્રહ આશ્રમમાં પાકાં આશ્રમવાસિની બનીને રહ્યાં હતાં. આત્મકથાનું અંગ્રેજી ભાષાંતર શ્રી શ્રીનિવાસ શાસ્ત્રીએ પણ તપાસ્યું હતું. આજે सत्यना प्रयोगोના અંગ્રેજી ભાષાંતર ઉપરથી દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે.

આ જ કાળ દરમિયાન ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠ મંડળની પુનર્રચના કરી હતી જેના પણ એક સભ્ય થવા, બીજા અનેક મહાનુભાવો જોડે મહાદેવભાઈને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

બેલગામથી બારડોલી સુધીની ગાંધીજીની મુખ્ય મુખ્ય પ્રવૃત્તિઓનું ટૂંકમાં આટલું વિહંગાવલોકન કર્યા પછી હવે આપણે મહાદેવભાઈની વૃત્તિ-પ્રવૃત્તિઓને થોડી નજીકથી નિહાળીએ.

મહાદેવભાઈ બીજાઓ સાથે થયેલી વાતચીતમાંથી જે વસ્તુઓ નોંધે તેમાં વિચારોની પસંદગી કે ચાળણી કરવાની એમની નીરક્ષીરવૃત્તિ તો સમજાય જ, પણ ઘણી વાર એ નોંધો સામેનાના શબ્દોમાં મહાદેવભાઈના જ હૃદયની વાતોની નોંધ આપી જતી હોય. એને લીધે મહાદેવભાઈની ભૂમિકા ઉપદેશક ન થતાં રિપોર્ટરની જ રહેતી, છતાં એમને જે કહેવું હોય તે કહેવાની તક મળી જતી. શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ઠાકુરના મોટા ભાઈ સાથેની મુલાકાત વિશે આપણે આગળ ઉપર ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. ૧૯મી જાન્યુઆરી, ૧૯૨૬ના રોજ તેઓ દેવલોક પામ્યા ત્યાર પછી ૨૪–૧–’૨૬ના રોજ મહાદેવભાઈનો ઉત્તમ લેખ બડોદાદા વિશે नवजीवनમાં પ્રગટ થયો. એ લેખમાં એક પૅરેગ્રાફ એવો છે કે જેની મારફત બડોદાદાના શબ્દોમાં મહાદેવભાઈ પોતાની મનોવૃત્તિ સમજાવે છે:

હું તો અનેક વાતની એક જ વાત સમજું. અંગ્રેજ મુત્સદ્દીઓની સાથે સહકાર કરવો એ તો પેલા બગલાને બિલાડીની સાથે એક થાળીમાં ભોજન કરવું પડ્યું હતું એના જેવું છે. આપણે સૌ જાણીએ છીએ કે ગાંધી કામ, ક્રોધ, લોભ, મદ, મત્સરના કીચડમાંથી નીકળી ઘણી ઊંચી ભૂમિકાએ પોતાનું કાર્ય કરે છે. ગાંધીમાં રણોન્મત્તતા જેવી વસ્તુ નથી. એ તો અહિંસાનો એકાંતિક સેવક છે. એ આવેશ કે નશામાં એકે પ્રવૃત્તિ કરે એમ નથી — સર્વને જે કાર્ય પસંદ હોય તેવા કાર્યમાં પણ એ આવેશ કે નશાથી પડે એવો નથી. એટલે આવા માણસના મોહમુક્ત, વિશુદ્ધ સાધુજનોચિત સત્કાર્યમાં સર્વાન્ત:કરણપૂર્વક જોડાવું એ જ શ્રેય છે. મારો તો ધ્રુવ વિશ્વાસ છે કે ગાંધીના જેવું સો ટચનું સોનું આ ઘોર કળિકાળમાં મળવું દુર્લભ છે. એ સોનાનો વેપાર કેમ ન કરી લઈએ?

મહાદેવભાઈને મન પણ ગાંધીજીની સેવા એ સો ટચના સોનાના વેપાર બરાબર હતી. તેથી તેમનું દરેક કષ્ટમય કામ પણ આનંદમય થઈ રહેતું.

એ જ રીતે ૧૩–૧–૨૬ની પ્રભાતની વિનોબાની સાત્ત્વિક વૃત્તિ અંગેની સમજૂતી પણ મહાદેવભાઈના અંતરનો પડઘો પાડનારી બની રહે છે: (ગીતામાં) ‘યોગીઓમાં પણ, મને જે શ્રદ્ધાથી ભજે છે, અંતરાત્મામાં મને રાખીને ભજે છે તે જ સૌથી યુક્ત છે,’ એમ કહ્યું છે. આમ એ ભક્ત પણ યોગી તો હોવો જ જોઈએ. આપણે ત્યાં જે કહેવામાં આવે છે કે કર્મ જેમ ચાલે છે તેમ ચાલ્યા કરવા દો, ભક્તિ કરશો તો મોક્ષ છે જ, એ બરોબર નથી. … ધૃતિ વિના ભક્તિ નથી જ. … બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ છે. પછી યોગી, પછી જ્ઞાની આવે છે પણ શિરોમણિ તો ભક્ત જ છે. જે ભક્તિમાં ત્યાગ નથી, યોગ નથી, તે ભક્તિ સંભવતી નથી. ‘पौरुषं नृषु‘ (ગીતા અધ્યાય ૭, શ્લોક ૮) કહ્યું તેમ પૌરુષ ભક્તિમાં જણાવું જોઈએ. અને મહાદેવ માનતા હતા કે કોઈ પણ પરમ વસ્તુની સાધના તપશ્ચર્યા વડે જ સહજ થાય છે. તેથી ગાંધીની અહર્નિશ સેવા એમને મન વનવાસમાં અહર્નિશ રામની સેવા કરનાર લક્ષ્મણ જેટલી જ સહજ બની ગઈ હતી.

ગાંધીજીની સાથે સતત રહેવું એનો એક અર્થ તો એ થાય કે એમની સાથે દિવસરાત એક કરીને પ્રવાસ કરવો. મહાદેવભાઈ જેવા સારુ આખું વર્ષ દિવસ થોડો મોટો થાય અને રાત થોડી નાની થાય, કારણ, એમનો દિવસ, સામાન્યપણે, ગાંધીજીથી સહજ વહેલો ઊગે અને સહેજ મોડો આથમે. એટલે કે, તેઓ ગાંધીજી ઊઠે તેનાથી જરાક વહેલા ઊઠે અને ગાંધીજીના સૂતા પછી સૂએ.

સતત સાથે રહેવાનો બીજો અર્થ થાય ગાંધીજીના મુલાકાતીઓનો ધસારો બને એટલો ખાળવો અને એમની ટપાલનો બોજ બને એટલો પોતે ઉપાડી લેવો. આમ મહાદેવભાઈની ભક્તિનું પૌરુષ ઉજાગરા, રખડપટ્ટી અને લખવાના અથાક પરિશ્રમમાં પ્રગટ થતું હતું.

દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન ગાંધીજીની ચિંતા કરીને મહાદેવભાઈ એક જગાએ એ અંગે થયેલી દોડધામનું વર્ણન કરે છે. પણ તેમ કરતાં, તેઓ અજાણતામાં પોતાના પરિશ્રમનું પણ બયાન આપી દે છે:

ત્રિચુરથી પાલઘાટ ગયા. રસ્તાની હાડમારીનો ત્રાસ મેં નથી વર્ણવ્યો. પણ દક્ષિણનો પ્રવાસ કેટલો કઠણ હતો એનો નમૂનો આપવાની ખાતર હું આ દિવસનો કાર્યક્રમ આપી દઉં. ૧૮–૩–’૨૫ને રોજ પ્રભાતે ૪।। વાગ્યે પારૂર સભા; ત્યાંથી મોટરમાં આલવાઈ — ત્યાં ત્રણ સભા; ત્યાંથી ૧૧ વાગ્યે ટ્રેનમાં ત્રિચુર — ત્યાં મહારાજાની મુલાકાત, સરઘસ, બે સભા — ૩ વાગ્યે પાલઘાટના અતિશય ખરાબ પહાડી રસ્તા ઉપરથી પ્રવાસ — ૭।। વાગ્યે ત્યાં; પાલઘાટમાં અતિશય અવ્યવસ્થિત જાહેરસભા, ટોળાંઓના ત્રાસને લીધે વ્યાસપીઠ પર પહોંચતાં ૮ વાગ્યા! પુષ્કળ વરસાદ; સ્ત્રીઓની સભા ૯ વાગ્યે; પંડિતોનો શાસ્ત્રાર્થ — ૧૦થી તે રાત્રે ૧ વાગ્યા સુધી; કૃષ્ણસ્વામી અય્યરના શબરી આશ્રમની મુલાકાત રાત્રે ૨ વાગ્યે; ૨।। વાગ્યે સ્ટેશન ઉપર આરામ! આ ૨૨ કલાકનો અખંડ કાર્યક્રમ છે. આવા બીજા ઘણા દિવસ ગયા હતા. નમૂનો, માત્ર લોકો ગાંધીજીની પાસે કેટલું કામ લે છે એ બતાવવા આપ્યો છે.૧૦

અને જિદ્દી મુલાકાતીઓથી થતી કનડગતનો એક નમૂનો:

જેમતેમ કરીને કાંતવાનો એક કલાક ચોરનાર ગાંધીજીના ભક્તોને દયા નથી. ઘણા તો એમને રેંટિયા કાંતવા આપે, અને પછી પ્રસાદ તરીકે સૂતર રાખી લેવા માગે! એમ ન વિચાર કરે કે કૉંગ્રેસને આપવાનું એટલું ઓછું થાય છે. પણ ચિતાગોંગમાં એક તાજુબ કરે એવા મિત્ર મળી આવ્યા. સરકારી કૉલેજના પ્રિન્સિપાલ મુસલમાન સજ્જન હતા. એ તો ગાંધીજીને કહે, ‘મારે તો તમારા કાંતેલા સૂતરનું કપડું જોઈએ. એ હોય તો ખાદી પહેરું.’ ઔરંગઝેબ બાદશાહની માફક ગાદીએ જ બેસી રહ્યા હોય તો તો, એ ટોપી સીવીને વેચતો તેમ ગાંધીજી પણ વણીને પોતાનું કપડું વેચે. ગાંધીજીએ કહ્યું: ‘મારાથી હજી એટલું નથી કંતાતું અને વણું તો ક્યારે?’ છતાં તેમણે આગ્રહ ચાલુ રાખ્યો. ગાંધીજી કહે: ‘પ્રયત્ન કરીશ.’ દધીચિનાં હાડકાં લેવા જનારાઓ પણ આવા જ હશે?૧૧

તા. ૧૫–૨–૧૯૨૫ને રોજ રાજકોટમાં ત્યાંના ઠાકોરસાહેબે ગાંધીજીને માનપત્ર આપ્યું. તેનો જે જવાબ ગાંધીજીએ આપ્યો તે પછી મહાદેવભાઈ એક નોંધ લખે છે તે એમના એમેય અઘરા કામની એક વધારાની મુશ્કેલી બતાવી આપે છે:

ગાંધીજીએ માનપત્રનો જવાબ આપતાં જે ભાષણ કર્યું, જે વાતાવરણ ઉત્પન્ન કરી દીધું તેનો પૂરો ખ્યાલ આપવો અશક્ય છે. ભાષણ શબ્દેશબ્દ આપવા જનાર વાતાવરણ ચૂકે, અને ભાષણ નોંધ્યા વિના યાદ રાખી વાતાવરણને ચીતરવા જનાર ભાષણમાંના અમૂલ્ય ઉદ્ગારો ચૂકે. આવી રીતે અનેક વાર, ગાંધીજીના ભાષણનો હેવાલ આપનારની દશા ત્રિશંકુના જેવી કરી મૂકે છે.૧૨

આમ મહાદેવભાઈનું આ વર્ષોનું કામ છાપાંઓમાં ઝળકે તેવું કદાચ નહીં હોય, પણ ‘ભક્તિના પૌરુષ’ તરીકે વર્ણવી શકાય એવું તો હતું જ.

ખુદ ગાંધીજીએ આ પૌરુષને પોષ્યું હતું. પોતાના સંખ્યાબંધ પત્રોને છેવાડે ગાંધીજી લખતા કે ‘બાકી ખબરો મહાદેવ પાસેથી મળશે.’ વળી અનેક લેખોમાં લખતા: ‘વિગતવાર વર્ણનની આશા વાચક મહાદેવ પાસે રાખે.’ વળી કોઈક પ્રદેશના પ્રવાસ પછી ત્યાંના કોઈ મહત્ત્વના પ્રશ્ન અંગે નોંધ લખતાં સાથે સાથે ગાંધીજી એમ પણ લખી દે કે ‘પ્રદેશના રસિક અનુભવોની નોંધ લેવાનો ભાર મહાદેવ ઉપાડી લેશે.’ આમ ગાંધીજી અતિભારે કામ કરે તેથી મહાદેવભાઈનું કામ ઘટવાનો સંભવ ઓછો રહેતો. હા, મહાદેવભાઈના કામને લીધે ગાંધીજી બમણું કામ કરી શકતા એ સાચું. એક રીતે જોઈએ તો આ બે જણની જોડી ક્રિકેટની રમતમાં જામી ગયેલી જોડી જેવી હતી. તેમાંયે જ્યારે એક છેડેથી એક વધુ આક્રમક રીતે ફટકાબાજી કરતો હોય ત્યારે બીજો બીજે છેડે શાંતિથી પોતાનો દાવ જાળવી રાખીને પોતાના ભેરુને ‘સ્ટૅન્ડ’ આપે તેના જેવું થતું. કોઈક વાર આમ ચૂપકીથી ‘સ્ટૅન્ડ’ આપવાનું મહાદેવભાઈની ચપળ કલમને ભારે પણ પડ્યું હશે. દક્ષિણના એક પ્રવાસ પછી તેઓ એક ઠેકાણે કહે છે: ‘કન્યાકુમારી ઉપર ગાંધીજીએ લેખ લખ્યો છે, એટલે મને તે વિશે ઘેલા થઈને લખવાની તક ગઈ.’ પણ પોતાનો વારો આવતાં મહાદેવભાઈ પોતાનું કૌશલ દેખાડવાનું શાનું ચૂકે? બીજા જ વાક્યમાં તેઓ લખે છે, ‘પણ ગાંધીજીના વર્ણનમાં એકબે વસ્તુ ઉમેરવાની ધૃષ્ટતા કરું? ભારતમાતાને શિખરે કાશ્મીર અને હિંદુકુશ ગાંધીજીએ કહ્યાં છે. હું તો કૈલાસને જ ગણું છું. અને કૈલાસપતિ શિવને શિખરે બેસાડી એને જીતનારી કન્યાકુમારી ઉમાને ભારતમાતાને ચરણે બેસાડવામાં પણ કાંઈક અજબ સાર્થકતા દેખાય છે. દેશનો પાદસ્પર્શ કરતાં તપશ્ચર્યાનાં દર્શન અને શિખરે પહોંચતાં પણ તપશ્ચર્યાનાં દર્શન થાય એ તો સ્પષ્ટ છે.’૧૩ ક્રિકેટનું જ રૂપક આગળ ચલાવીએ તો અઝહરુદ્દીનને સ્ટૅન્ડ આપતાં આપતાં તેંડુલકર એનો સ્કોર વટાવી જતો હોય એવું કથન છે ને આ? ગાંધીજીનાં વર્ણનોને, એમના વિચારોને, એમનાં કથનોને પ્રાચીન સંસ્કૃતિનો આધાર આપી તથા કવિસુલભ કલ્પનાથી પુષ્ટ કરી એ કથનોને વધુ સમૃદ્ધ કરવાનું કામ એ મહાદેવભાઈનું લગભગ દૈનંદિન કામ થઈ ગયું હતું.

પણ ગમે તેટલી પ્રતિભા ગાંઠે બાંધી હશે, છતાંયે મહાદેવભાઈની નમ્રતા અને એમની ભક્તિએ એમનું પોતાનું સ્થાન તો કૈલાસપતિની સોડમાં નહીં, પણ સદાય ચરણસ્પર્શ કરતું ઉમાની જોડે કન્યાકુમારી આગળ જ માન્યું હતું. તેથી બંગાળના પ્રવાસમાં એક વાર જાણે પોતાને મળેલી સગવડો વિશે ફરિયાદ કરતા હોય એમ કહે છે:

ગાંધીજીને કાઠિયાવાડ અને ગુજરાતની મુસાફરીમાં જે પરિશ્રમ પડેલો અને તાવ આવેલો તેથી ભડકીને ભાઈ શંકરલાલે અને મેં, બંગાળાનો પ્રવાસક્રમ ગોઠવનારાઓને ભડકાવેલા એ હું કબૂલ રાખું છું. પણ એમ કરવામાં કશું માઠું પરિણામ નથી આવ્યું. ગાંધીજીનું સ્વાસ્થ્ય જળવાય એવી રીતે એઓ પ્રવાસ કરે એ માટે સતીશબાબુએ કાંઈ કરવામાં મણા રાખી નહીં. એમાં મારા જેવા હમાલને પણ ફર્સ્ટ ક્લાસમાં ફરવાપણું આવે એવી અતિશયતા છે.૧૪

પણ આ આતિથ્યનું બીજું પાસું પણ હતું. એ જ બંગાળના પ્રવાસમાં દીનાજપુરથી મહાદેવભાઈ દેવદાસ ગાંધીને ૨૧–૫–’૨૫ના પત્રમાં લખે છે:

એક મોટરમાં બેઠો બેઠો લખું છું. બાપુ ખાઈને આવે તેની રાહ જોઉં છું. એ આવે એટલામાં જેટલું લખાય એટલું ખરું. આજે મારું અને કૃપલાણીનું ઠીક અપમાન થયું. એક શૉફરે ધક્કો મારીને કાઢ્યા.’ ‘જ્યાં જોઈએ ત્યાં મહાત્માજીની સાથે શેના જાઓ છો.’ એમ કહીને. … પણ આ અપમાનનો દાખલો તો તમને લખવા ખાતર લખું છું. ફરિયાદ ખાતર નહીં. … બાકી અમને માન મળે છે તે પણ અઘટિત છે, જેમ અપમાન અઘટિત મળે. ગઈ કાલે મૈમનસિંગના મહારાજાને ત્યાં હતા. ત્રાવણકોરના રાજમહેલ જેવો હશે.’ અમને સૌને જુદા બેડરૂમ અને બાથ! અને મહારાજા સાથે જમ્યો અને બધાના ફોટોગ્રાફ લીધા! અને બાપુ સાથે આખી મુસાફરી ફર્સ્ટ ક્લાસમાં. આ બધાને શું હું લાયક છું? પણ એ તો सुखेदुःखे समेकृत्वा तथा मानापमानयोःની તાલીમ કહેવાય.૧૫

ઉપરોક્ત શ્લોકાર્ધના બીજા ભાગમાં મહાદેવભાઈએ ગીતાના બીજા અધ્યાયના આડત્રીસમા શ્લોકની જોડે બારમા અધ્યાયના અઢારમા શ્લોકને જાણ્યે કે અજાણ્યે ભેગા કરી દીધા છે તે યોગ્ય રીતે જ મહાદેવભાઈમાં રહેલા યોગી અને ભક્તનો સમન્વય કરી દે છે.

બંગાળના આવા જ કેટલાક કડવા-મીઠા અનુભવો વર્ણવીને મહાદેવભાઈ દેવદાસભાઈને એ જ પત્રમાં પ્રશ્ન પૂછે છે:

બંગાળનાં ચિત્રો તમને શી રીતે આપું? नवजीवन કે यंग इन्डियाમાં એ લખાય? અને यंग इन्डियाમાં તો ભારે હૅન્ડિકેપ (નડતર). બાપુ એ જ વસ્તુ વિશે લખવાના હોય. એટલે બાપુનું જોયા પછી ઘણી વાર લખું અને હવે તો દરેક અઠવાડિયે यंग इन्डियाમાં લખવાનું ચોંટ્યું. તમને ગમે છે ખરું? એ પારકી ભાષામાં આપણને લખવું ન ફાવે ભાઈ. …૧૫

૧૯૨૭ના નવેમ્બર માસમાં ગાંધીજી લંકાની મુસાફરીએ ગયા હતા. એ મુસાફરીનો ઉદ્દેશ પણ ખાદીપ્રચાર અને ખાદીફાળા સારુ રકમ ભેગી કરવાનો જ હતો. પણ એમના સ્વભાવ અને વ્યક્તિત્વની લાક્ષણિકતા મુજબ ગાંધીજીએ પોતાનાં ભાષણો, મુલાકાતો અને વાર્તાલાપોમાં બીજા અનેક વિષયોને આવરી લીધા હતા. મહાદેવભાઈ આ પ્રવાસમાં ગાંધીજીની સાથે જ હતા. લંકાયાત્રાનાં એમનાં વર્ણનો विथ गांधीजी इन सिलोन નામના પુસ્તકમાં પ્રકાશિત થયાં છે.૧૬ કોઈ જાહેર વ્યક્તિના પ્રવાસના અહેવાલ તરીકે લંકાપ્રવાસના મહાદેવભાઈના અહેવાલો પત્રકારસાહિત્યમાં એક આગવું સ્થાન પામી શકે એમ છે.

આ જ અરસા દરમિયાન ગાંધીજીએ ફિનલૅન્ડ, અમેરિકા અને ચીન જવાનાં નિમંત્રણોનો અસ્વીકાર કર્યો હતો. આ અસ્વીકાર પાછળ ગાંધીજીની વૃત્તિ ‘દેશમાં અહિંસાનો દેખાડી શકાય એવો નમૂનો ન હોય તો અહિંસા બોધવા વિદેશ શા સારુ જવું?’ એવી હતી. ફિનલૅન્ડ જવાનું નિમંત્રણ રોમાં રોલાં વગેરે મિત્રો તરફથી મળ્યું હતું. વળી ભારતમાં કેટલાક મિત્રોએ ગાંધીજીની તબિયતને હવાફેરથી લાભ થશે એમ પણ સૂચવ્યું હતું. એટલે એ બાબત તેમણે લાંબા વખત સુધી વિચારાધીન રાખી હતી. જ્યારે જ્યારે પણ ગાંધીજીએ વિદેશપ્રવાસનો વિચાર કર્યો ત્યારે ત્યારે તેમણે પોતાની સંગાથે મહાદેવભાઈ હોય જ એમ કલ્પેલું.

ગાંધીજી ૧૯૨૬ના વર્ષમાં મોટે ભાગે સાબરમતી આશ્રમમાં રહ્યા ત્યારે ફેબ્રુઆરીની ૨૪મી તારીખથી નવેમ્બરની ૩જી તારીખ સુધી તેમણે આશ્રમવાસીના ગીતા અંગેના વર્ગો લીધા હતા. આ જ વર્ષે જુલાઈ મહિનાથી દર શનિવારે ગૂજરાત વિદ્યાપીઠમાં બાઇબલના વર્ગ લીધા. ગીતાનાં ભાષણોની નોંધ એક બીજા આશ્રમવાસી શ્રી પૂંજાભાઈ અને મહાદેવભાઈએ લીધી હતી. આ ભાષણો આપતી વખતે ગાંધીજી ખાસ કરીને ગીતાના શબ્દાર્થ અને ભાવાર્થમાં ઊંડા ન ઊતરેલા આશ્રમવાસીઓને ધ્યાનમાં રાખીને બોલતા. આ ભાષણો આપતી વખતે એકબે વાર ગાંધીજીએ એવો ઉલ્લેખ કર્યો છે કે સંસ્કૃતના ઉચ્ચારણ કે તે ભાષાનો અર્થ તો તેમના કરતાં મહાદેવભાઈ વધારે જાણે. પણ મહાદેવભાઈ તો આ ભાષણોની નોંધ પણ બીજાં ભાષણોની નોંધ લેતા હતા તેટલા જ ભક્તિભાવથી લેતા. વચ્ચે વચ્ચે બહાર જવાનું થયું તેથી તેઓ બધાં ભાષણોની નોંધ નહોતા લઈ શક્યા અને પાછળથી એનું સંપાદન કરીને પુસ્તકાકારે છપાવવાને પણ તેમને અવકાશ નહોતો મળ્યો. તેથી મહાદેવભાઈના મરણ બાદ એમની ડાયરીઓ તથા શ્રી પૂંજાભાઈની નોંધોની મદદ લઈને શ્રી નરહરિભાઈએ તે ભાષણોને પુસ્તકાકારે પ્રસિદ્ધ કર્યા હતાં.૧૭

नवजीवनના સર્વ વાચકો કાંઈ મહાદેવભાઈ જેવા ગાંધીભક્તો નહોતા અને ગાંધીજી પ્રત્યે આદર હોય તોયે મહાદેવભાઈનાં લખેલાં પ્રવાસવર્ણનોથી કંટાળે એવાયે વાચકો મળી આવે. એવા એક વાચકને ખ્યાલમાં રાખીને ગાંધીજીએ લખ્યું:

ભાઈ મહાદેવ દેસાઈ મારા ભ્રમણની રોજનીશી આપે છે એ ફરિયાદનું કારણ ન હોવું જોઈએ. મારું ભ્રમણ મારા શોખને અર્થે નથી પણ સેવા અર્થે છે. તેથી મારા ભ્રમણનાં પરિણામો જાણવાનો વાચકવર્ગનો હક છે ને તે કોઈ ને કોઈ રીતે આપવાનો મારો ધર્મ છે. મહાદેવની રોજનીશીમાં મારી સ્તુતિ ઘણી વેળા આવી જાય છે એ તેનો દોષ છે જ, પણ તે લગભગ અનિવાર્ય થઈ પડ્યું છે. મારી સાથે ભમનાર મારા મંત્રીનું, મારા હમાલનું કામ કરનાર મારા ટીકાકાર ભાગ્યે જ હોઈ શકે. તે તો પ્રેમથી કે મોહથી પ્રેરાઈને જ કરે. પગાર જેવી લાલચ તો તેવાને હોય નહીં. તેમની સ્તુતિ ઉપર હું અંકુશ મૂકી શકું, તદ્દન રોકી ન શકું. મારી સાથે નિકટનો સંબંધ કરનાર મારે વિશે જે માને તેથી હું જે ગર્વમાં આવી મારું મગજ ફરી જવા ન દઉં તો મારે તેવી સ્તુતિને બોજારૂપ સમજી તેને લાયક થવાને વિશેષ પ્રયાસ જ કરવો રહ્યો. જ્યાં સુધી હું તેમ કર્યા કરું ત્યાં સુધી એ સ્તુતિઓ નુકસાનકારક નીવડવાનો સંભવ નથી. …

એટલે મજકૂર લેખકની ટીકાના તથ્યાંશને સમજવાની ને તેનો ઉપયોગ કરવાની હું મહાદેવને ભલામણ કરું છું. હું પોતે તો વધારે સાવધાન રહેવા મથીશ.૧૮

મહાદેવભાઈની સ્તુતિ કેવળ ગાંધીજી પૂરતી સીમિત હતી એમ કોઈ રખે માને. એમેય મહાદેવભાઈ કોઈ પણ સજ્જનને ભેટે તો એની ઉપર મુગ્ધ થઈ જતા. એમની જોડે થોડો કાળ પણ ગાળવાનો મળે તો પોતાના સાપ્તાહિક પત્રોમાં એમની થોડીઘણી તો સ્તુતિ આપ્યા વિના એમનાથી રહી જ ન શકાય. વળી જો વિનોબાજી જેવા કોઈ વર્ધાથી સાબરમતી આવ્યા હોય અથવા ગાંધીજી સાબરમતીથી વર્ધા વિનોબાજી પાસે ગયા હોય, અથવા સરદાર કે રાજાજી જેવાની સાથે મહાદેવભાઈને પ્રવાસ કરવાનો પ્રસંગ પડ્યો હોય તો તેમનાં પ્રવચનોનો અહેવાલ પણ મહાદેવભાઈ ઠીક ઠીક ભક્તિપૂર્વક પોતાની ડાયરી કે સાપ્તાહિક પત્રોમાં આપતા. ઘણી વાર તો કોઈ અજાણી કે નાની વ્યક્તિ પણ ગાંધીજી પ્રત્યે ભક્તિ દેખાડે તો તે મહાદેવભાઈના સાપ્તાહિક પત્રોમાં નોંધપાત્ર બની રહેતી. મહાદેવભાઈની ડાયરીમાં આવી સંખ્યાબંધ વ્યક્તિઓનો પરિચય આપણને પામવા મળશે.

આ ગાળાના બંગાળના પ્રવાસ દરમિયાન ગાંધીજી અને મહાદેવભાઈને દેશબંધુ ચિત્તરંજન દાસના ગાઢ સંપર્કમાં આવવાનું થયું. તેમના આગ્રહથી ગાંધીજી અને મહાદેવભાઈ જૂનની ત્રીજીથી પાંચમી સુધી દાસબાબુની સાથે રહ્યા હતા. ત્યાર બાદ જૂનની ૧૭મી તારીખે૧૯ ગાંધીજીને દેશબંધુના સ્વર્ગવાસના દુખદ સમાચાર મળ્યા. ગાંધીજીએ એમના ‘શ્રાદ્ધ’ને પ્રસંગે હાજરી આપી. એમના પરિવારની સાથે રહી તેને હૂંફ આપી. ત્યાર બાદ બંગાળનો પ્રવાસ થોડા મહિના લંબાવ્યો અને દેશબંધુના સ્મારક સારુ આખા દેશમાંથી ફાળો ઉઘરાવ્યો. દેશબંધુના મરણ પછી મહાદેવભાઈએ લખેલ શ્રદ્ધાંજલિ લેખ એક ભક્ત બીજા ભક્તને અંજલિ આપે તેવો છે. એ લેખે હજારો બંગવાસીઓનાં મન મોહી લીધાં હશે. શ્રી ચિત્તરંજન દાસનાં બહેન ઊર્મિલાદેવી સેને તો મહાદેવભાઈને પોતાના પરિવારમાં જયેષ્ઠ પુત્રનું સ્થાન આપેલું જ હતું. ઊર્મિલાદેવીના પરિવાર સાથે મહાદેવભાઈના પરિવારનો એ આત્મીયતાનો સંબંધ મહાદેવભાઈના મરણ બાદ વર્ષો પછી પણ એવો ને એવો જ રહ્યો. ઊર્મિલાદેવીના મરણ પછી વર્ષો સુધી તેમના પુત્ર શ્રી જિતેન સેન અને પુત્રવધૂ કલ્યાણી સેને તે સંબંધ નારાયણ અને ઉત્તરા સાથે એવો ને એવો જ જાળવ્યો હતો.

દેશબંધુના સ્મરણમાં લખાયેલ લેખમાં મહાદેવભાઈએ દેશબંધુનાં અનેક કાવ્યોમાંથી એમના જે ભજનને ટાંક્યું છે, એ બંને જણની ભક્તિ પ્રત્યેની સમાન રુચિ દર્શાવે છે. ‘તારું દર્શન ન થાય તો કાંઈ નહીં; તને જોવાની તૃષ્ણા તો તું ચિરંજીવ રાખજે. એ તૃષ્ણા જીવંત રહે એટલુંયે મારે માટે બસ છે.’ એટલા એક વાક્યમાં દેશબંધુના અત્યંત મધુર ભજનનો સાર આપીને પછી મૂળ કોમળ બંગાળી શબ્દાવલિમાં આખું ભજન ટાંકી નીચે મહાદેવભાઈ એક વાક્યની નોંધ કરે છે: ‘જાણે સ્વરાજ આવે ત્યાં સુધી સ્વરાજની તીવ્ર તૃષ્ણા ચિરંતન જાગ્રત રહે, સ્વરાજ ન આવે ત્યાં સુધી સ્વરાજ માટે આંખ સદાય ભીંજાયેલી રહે એ જ એમની સાધના હતી.’૨૦ આ વાક્ય મહાદેવભાઈ પોતે પણ ઈશ્વરદર્શન અને સ્વરાજદર્શનની સાધનાને કેવી અભિન્ન માનતા હતા તેનું સૂચક છે.

આ આખા કાળ દરમિયાન ગાંધીજીએ મહાદેવભાઈને પોતાની સાથે જ રાખેલા. ક્યાંક જવાનું હોય ત્યાં આગળથી લોકોને જણાવતા કે મહાદેવભાઈ પણ તેમની સાથે રહેશે. માત્ર પોતાને ક્યાંક જવાનું મન હોય અને કામના રોકાણને લીધે જઈ શકે એમ ન હોય તો મહાદેવભાઈને મોકલતા. કોઈક વાર જાહેર કામકાજ પતાવવા સારુ મોકલતા, તો કોઈક વાર વળી ઘરના અંગત કામ સારુ પણ મહાદેવની જ પસંદગી થતી. શ્રી દેવદાસ ગાંધીને મે, ૧૯૨૬માં મુંબઈમાં ઍપેન્ડિસાઇટિસનું ઑપરેશન કરાવવું પડ્યું ત્યારે તેમની વ્યવસ્થા અને સારવાર અર્થે ગાંધીજીએ કસ્તૂરબા અને મહાદેવને મોકલેલાં.

દેવદાસની ગેરહાજરીમાં ગાંધીજી પાસે મહાદેવભાઈનું કામ વધી પડતું. શ્રી મથુરાદાસ ત્રિકમજીએ એને અંગે થોડી ચિંતા વ્યક્ત કરી હશે. ગાંધીજીએ જવાબમાં લખ્યું:

દેવદાસ ન હોવાથી મહાદેવને વધારે કામ કરવું પડે છે એમાં કંઈ શક નથી. પણ એ નવાઈની વાત ન ગણાવી જોઈએ. સગવડ હોય ત્યારે જ સેવા થતી હોય તેમાં મિત્રતા ન આવે. મહાદેવ ત્યાં ન આવી શકે તો…૨૧ દેવદાસની ગેરહાજરીથી થતી અગવડ તે ભોગવી લે. દેવદાસની દૃષ્ટિએ તેને ત્યાં લાંબો કાળ રહેવું પડે તો કંઈ ખોવાપણું નથી. સેવામાં જ આત્મોન્નતિ રહી છે.૨૨

થોડા કલાક સારુ ગાંધીજીથી દૂર જવાની સૂચના અંગેનો એક પ્રસંગ કાકા કાલેલકરની કલમને લીધે હવે ઘણો જાણીતો થઈ ગયો છે. કાકાસાહેબે આ પ્રસંગ વર્ષો પછી યાદદાસ્તને આધારે લખાવેલો છે, તેથી અજાણતામાં તે વર્ણનમાં ગાંધીજીની પ્રત્યે સહજ અન્યાય થઈ જાય છે.

પ્રસંગ આમ છે. ૧૯૨૭(કાકાસાહેબે ૧૯૨૬ લખ્યું છે)ની ૧૪મી ઑગસ્ટને દિને ગાંધીજી અને તેમનો રસાલો મૈસૂર રાજ્યની મુસાફરી કરતાં શિમોગા પહોંચ્યો હતો. આ પ્રવાસમાં કોઈ કોઈ વાર કાકાસાહેબ વગેરે આસપાસનાં જોવાલાયક સ્થળો પણ જોઈ આવતા. કામનો બોજો વધુ ન હોય તો મહાદેવભાઈ પણ કોઈ કોઈ વાર તેમની સાથે જોડાતા. શિમોગા આવ્યા પછી ભૂગોળના ઉત્તમ શિક્ષક અને આખું જીવન રખડવાનો આનંદ માણનાર કાકાસાહેબને યાદ આવ્યું કે નાનપણથી જે જોવાનું સપનું સેવેલું તે જોગ એટલે કે, જેને ગેરસપ્પાનો ધોધ કહે છે તે શિમોગા જિલ્લામાં જ શરાવતી નદીનો ધોધ છે. તેમણે ત્યાં જવાનું વાતાવરણ બનાવ્યું. રાજાજી, દેવદાસ, ગંગાધરરાવ, મણિબહેન વગેરે તૈયાર થઈ ગયાં. મહાદેવભાઈને કહેતાં તેમણે ‘ના’ પાડી. કાકાસાહેબે પોતાની बापुनी झांखीમાં એમ વર્ણવ્યું છે કે બાપુએ મહાદેવભાઈને જવાની ના પાડી.૨૩ પણ તે જ સમયે ટપકાવેલ ડાયરીમાં મહાદેવભાઈ કહે છે કે તેમણે પોતે જ જવાની ના પાડેલી.૨૪ પછી કાકાસાહેબે ગાંધીજીનું હુકમનું પાનું વાપરવાનો પ્રયત્ન કર્યો હશે ત્યારે ગાંધીજીએ કહ્યું તેમાંથી કાકાસાહેબે: ‘મહાદેવ નહીં આવે, હું જ એનો ગેરસપ્પા છું’ એમ નોંધ્યું છે. તેમાં ગાંધીજીને પક્ષે સહેજ અભિમાનની ગંધ આવે છે. મહાદેવભાઈને તો ગાંધીજીએ પોતાને વિશે કહેલાં વચનો પણ ‘અણકમાયેલી પ્રશંસા’ લાગે છે. તેમની આખી નોંધ આમ છે:

૧૫મી તારીખે ગેરસપ્પા જવાની મેં ના પાડવાથી આ પ્રકારની અણકમાયેલી પ્રશંસા મળી.

જ્યારે મહાદેવને જ એમ લાગે છે ત્યારે એને ઉત્તેજન આપવું જોઈએ. આમ રાજા૨૫ને કહ્યું. પછી કહે: મારાથી અલગ એવી એની કોઈ હસ્તી જ નથી. એણે, હું જે જોઉં તે જોવું જોઈએ — વધુ નહીં. આ કાંઈ એના ઉપર ટીકારૂપે નથી. હા, જો બધા જ આમ કરે તો તો કમનસીબી જ કહેવાય, પણ એક અને કદાચ બે મહાદેવ આવશ્યક હોય — એક તો ખરેખર છે જ. મહાદેવનો ગેરસપ્પાનો ધોધ હું છું — જે આમ કહેવું એ અહંકારની અવધિ ન કહેવાય તો.૨૬

આ પ્રસંગમાં નિર્ણાયક તત્ત્વ એક બીજું જ હતું. તે દિવસ એ यंग इन्डियाનું મૅટર તૈયાર કરીને ટપાલમાં બીડવાનો વાર હતો. તે દિવસે જો ટપાલ ન જાય તો यंग इन्डिया સમયસર બહાર ન પડે. એની ચિંતા સ્વાભાવિક રીતે જ મહાદેવભાઈ અને ગાંધીજી બંનેને હતી.

કાકાસાહેબ, અલબત્ત, એ વાતની નોંધ કરે છે કે વરસો પછી ગાંધીજીએ જ્યારે મહાદેવભાઈ મૈસૂર ગયા ત્યારે ત્યાંના દીવાનને લખીને મહાદેવભાઈ ગેરસપ્પાનો ધોધ જોતા આવે એવી વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.

મહાદેવભાઈને ગાંધીજી સાથે દોડતાં દોડતાં જ એક એક સ્થળે બનેલ ઘટનાઓને ઘોડાવેગે નોંધવી પડે છે. પોતે ખૂબ પાછળ રહી ગયા હોય એમ મહાદેવભાઈ એક જગાએ નોંધે છે: ‘અમારી મુસાફરી એટલી ઝડપભેર ચાલી છે કે ઘણી વાતો નોંધવા જાઉં છું તો કાર્યક્રમને પહોંચી નથી વળાતું. આ ખાનદેશમાંથી લખું છું, છતાં વરાડનું ખામગામ તો હજી બાકી જ છે.’૨૮ હવે ખાનદેશ અને વરાડ બંને પાડોશ પાડોશના વિસ્તારો છે. અને એ પ્રવાસમાં ખામગામ પછી તો ગાંધીજી માત્ર મલકાપુર જ ગયા હતા. એટલે નોંધ લખવા બાબત મહાદેવભાઈ માત્ર એક ગામ પાછળ રહી ગયા હતા, તેનોયે એમને આટલો વસવસો હતો. મહાદેવની કાર્યક્ષમતા પાછળ એક મહત્ત્વનું કારણ એ પણ હતું કે એ જે કામ લે તે તે જ વખતે પતાવી દેતા, નહીં તો, ગાંધીજીનો વેગ જોતાં એ કામનો ઢગલો વધતો જ જાય અને કદી તે પૂરું જ ન થાય.

પણ આ નોંધો એટલે ગાંધીજી ક્યાં ગયા એની જ માત્ર નોંધો નહીં, ત્યાં કેટલી જગાએ ભાષણો આપ્યાં એ જ નહીં, કોને મળ્યા તે જ નહીં, એ બધું તો ખરું જ. મોટા ભાગનાં ભાષણોના સાર, કેટલાંક ભાષણો પૂરેપૂરાં, કેટલાંક વિશે લસરતી એકાદ બે લીટીઓ, કેટલીકનું મુલાકાતોનો અછડતો ઉલ્લેખ તો કેટલીકનું સજીવ વર્ણન, કેટલીક આવેલી અને જતી ટપાલનો ખ્યાલ વગેરે ઉપરાંત કોઈ નવે સ્થળે ગયા હોય તો તેનાં ઇતિહાસ, ભૂગોળ અને તેની સામાજિક, આર્થિક, રાજનૈતિક પરિસ્થિતિનો ખ્યાલ આપવાનું પણ મહાદેવભાઈ ચૂકતા નથી. ગાંધીજી પાસે આવતાં પહેલાં જ બૅન્કમાં સુપરવાઇઝર હતા ત્યારેય જે માણસ પોતાનો ચાલુ ક્રમનો અહેવાલ લખતી વખતેય બૅન્ક જે સ્થળે હોય તે સ્થળની સામાજિક સ્થિતિનું વર્ણન કરવાનું ચૂકતો નહોતો એને ગાંધીજી જેવાની સોબત મળી અને नवजीवन કે यंग इन्डियाના ગ્રાહકો જેવા વાચકો મળ્યા પછી એ શાનો ચૂકે? આ પ્રવાસનોંધોમાં નંદીદુર્ગ પહોંચતાં આખા મૈસૂર રાજ્ય વિશે, પૂર્વ બંગાળ જતાં તેની સ્થિતિ વિશે અને કચ્છ કે કેરળ જતાં ત્યાંની સામાજિક સ્થિતિ વિશેનું સામાન્ય જ્ઞાન મહાદેવભાઈના વાચકોને સહજ રીતે જ પ્રાપ્ત થઈ જાય છે.

જેમનાં ભાષણોની નોંધ મહાદેવભાઈ આપે છે તેમાં ગાંધીજી એકલા જ નથી. ગાંધીજીનાં જે પ્રીતિપાત્ર, તે મહાદેવભાઈનાં બેવડાં પ્રીતિપાત્ર. તેથી એમની વાતચીત કે એમનાં ભાષણોની નોંધ પણ મહાદેવભાઈ લોકો આગળ મૂકી જ દેવાના. હા, કોઈક વાર કોઈક પાત્ર, પોતાની વિશેષતાને લીધે, મહાદેવભાઈ સારુ પણ નોંધ લેતાં કોયડારૂપ બની જાય એવુંયે મળી જાય ખરું. શ્રીમતી સરોજિની નાયડુના અક્ષરો જેટલા દેખાવમાં સુંદર એટલા જ વાંચવામાં કઠણ. તે જ રીતે એમનાં ભાષણો જેટલાં શ્રવણમધુર તેટલી જ એમની ઓઘવતી અંગ્રેજી ભાષા અનુવાદ કરવામાં મુશ્કેલ. કાનપુરની ‘દીવાનેખાસ’ કૉંગ્રેસમાં એમનાં ભાષણો વિશે મહાદેવભાઈ પોતાની અસમર્થતા જાહેર કરીને જ છૂટી જાય છે: ‘એમના ભાષણનું ભાષાંતર કરવું મારે માટે મુશ્કેલ છે. અને સારું ભાષાંતર પણ આમવર્ગને માટે સમજવું મુશ્કેલ થઈ પડે.’૨૯ મોર્લીના ऑन कॉम्प्रोमाइझનું સફળ ભાષાંતર કરનાર મહાદેવભાઈને તે વખતે સહેજ નવરાશ હતી. સરોજિનીદેવીનું ભાષણ સાંભળ્યું ત્યારે તેમની પાસે એ નવરાશ ક્યાંથી હોય? બાકી ऑन कॉम्प्रोमाइझના ભાષાંતરને લીધે મહાદેવભાઈને પુરસ્કાર મળ્યો તેથી તેમને હર્ષ થયો હશે, પણ સાક્ષર શ્રી કેશવ હર્ષદ ધ્રુવે એ ભાષાંતરની જે કદર કરી તેની નોંધ મહાદેવભાઈએ, પોતાની પ્રશંસા હોવા છતાં, ડાયરીમાં ટૂંકમાં નોંધી લીધી છે:

‘સત્યાગ્રહની મર્યાદા’ (વિશે એ કહે, તમે એના)થી ગુજરાતના યુવકોની સેવા કરી છે. ઘણાને, અંગ્રેજી પુસ્તક ન સમજાય એવું છે. અંગ્રેજો ન સમજાવી શકે તે કામ તમે કર્યું છે. તમારું ભાષાનું પ્રભુત્વ તો એટલું છે કે અમને શીખવાનું મળે એમ છે.’ ઇત્યાદિ, ઇત્યાદિ.૩૦

મૂળે મહાદેવભાઈ સાહિત્યિક જીવ એટલે નવરાશ મળે તો એમનું ધ્યાન કાં ઉત્તમ સાહિત્ય વાંચવામાં, કાં કાંઈક નવું લખવામાં પરોવાય. એ રીતે આ વર્ષો દરમિયાન તેમણે અંત્યજ સાધુ નંદનો૩૧ ટૂંકો પરિચય આપણને આપ્યો. અનેક પુસ્તકોને દોહીને દુગ્ધામૃતરૂપે સંત ફ્રાંસિસનું૩૨ જીવનચરિત્ર આપ્યું, ‘ખાદી કેળા’૩૩ નામની વાર્તા આપી. વિનોબાજીના આશ્રમમાં અપાયેલાં ભાષણોને આધારે તુકારામ મહારાજની આત્મકથા એમના જ અભંગોને ટાંકી ટાંકીને આપી. આપણને તરત ખ્યાલ આવશે કે આટઆટલાં કામ અને આટઆટલી રખડપટ્ટી વચ્ચે પણ મહાદેવભાઈએ આપણને જે આપ્યું છે તે સર્વ સાહિત્યનો રસ એક જ છે — તુલસીદાસના શબ્દોમાં पदसरोज अनपायिनी भक्ति. જે રસના ઘૂંટડા પી પીને મહાદેવ પોતાની આંતરબાહ્ય પુષ્ટિ પામતા હતા તે તો નરસિંહ મહેતાએ ગાયેલો ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર’વાળો પ્રેમરસ જ હતો. એમને મહાન તત્ત્વવેત્તાની સંગતિમાં જીવન ગાળવા છતાંયે ‘તત્ત્વનું ટૂંપણું તુચ્છ’ લાગતું હતું.

પણ ગાંધીનો પ્રેમ એ કાંઈ વેવલાનો પ્રેમ નહોતો. એ તો ‘માથા સાટે મોંઘો’ પ્રેમ હતો. કાઠિયાવાડના લોકોનો પ્રેમ જોઈ તેઓ બોલી ઊઠે છે:

પણ હું તો તમારી પાસે એક અલૌકિક વસ્તુ માગું છું. તમારા પ્રેમથી હું અકળાઈ જાઉં, કારણ, તમે જે વાત કબૂલ કરો તેનો અમલ ન કરો તો મારે માટે તમારો પ્રેમ પોષક નહીં, પણ ઘાતક નીવડવાનો છે. … જો, એ પ્રેમનું કાર્યમાં પરિવર્તન ન થાય તો તમારી અને મારી વચ્ચેના સંબંધનું શું થાય? એ સંબંધ જાહેર છે, ખાનગી નહીં. તમારી સેવાને માટે તમારી સાથે સંબંધ છે.૩૪

આ વચનો કહેવાયેલાં તો હતાં કાઠિયાવાડના લોકોનો પ્રેમ જોઈને, પણ મહાદેવ એને સતત પોતાના પર લાગુ પાડીને ગાંધીજીના પ્રેમને સેવામાં પરિણત કર્યે જતા હતા. એમના પુરુષાર્થ સારુ તો ગાંધીજીએ આદર્શ આંકી દીધો હતો:

પુરુષાર્થની મર્યાદા બાંધવાની જરૂર નથી; જો આકાશ સુધી જતાં ક્યાંય મર્યાદા હોય તો પુરુષાર્થને મર્યાદા હોય. ઊંચે ચઢવા માટે મોકળું આકાશ રહેલું છે, નીચે પડવામાં મર્યાદા છે. ઈશ્વરે, કુદરતે પોતે જ ધરતી, પથ્થર, પાણી વગેરે જેવી મર્યાદા બાંધી દીધેલી છે.૩૫

સહેજ નવરાશ મળે તો મહાદેવભાઈ આપણને એમના નિરંતર ચાલતા, પ્રમાદરહિત સ્વાધ્યાયજગતમાં પણ ડોકિયું કરાવી દે છે. બંગાળના પ્રવાસ દરમિયાન કોઈકના પુસ્તકાલયમાંથી પોલ બર્નકોફે લખેલ ટૉલ્સ્ટૉયનું જીવનચરિત્ર વાંચીને મહાદેવભાઈ આપણને એનું થોડું વિવેચન આપવા ઉપરાંત એમાંથી કેટલાક પ્રસંગો અને સુવાક્યો પણ પીરસી દે છે.૩૬ ઓરિસાના પ્રવાસ દરમિયાન આનાતોલ ફ્રાંસની थेइस નામની નવલકથા વાંચી એમાંથી જીવનોપયોગી ઉતારાઓ આપી દે છે.૩૭ વિનોબાના પ્રવચનને આધારે केनोपनिषदનો સાર આપી દે છે.૩૮

ગાંધીજીથી અલગ જઈને કોઈ કાર્યક્રમ પાર પાડવાનું એમેય મહાદેવભાઈને સારુ અસામાન્ય ઘટના હતી. આ કાળનાં ત્રણ વર્ષો દરમિયાન તો તેઓ જવલ્લે જ એ રીતે છૂટા પડ્યા છે. એક વાર તો ગાંધીજીએ જાતે જ મહાદેવભાઈને આગ્રહ કરીને ઉત્તર બિહારના મધુબની ક્ષેત્રના ખાદીકામનું નિરીક્ષણ કરી આવવાનું સૂચન કર્યું. એમને ખબર હતી કે મહાદેવ આ કામ જોશે તો પોતાના સાપ્તાહિક પત્ર દ્વારા એ ક્ષેત્ર વિશે આખા દેશની આગળ એનું સુંદર ચિત્ર રજૂ કરી શકશે. બિહારના વિદ્યાર્થીઓના એક સંમેલનમાં, બનતાં સુધી રાજેન્દ્રબાબુ અથવા કૃપાલાનીજીના સૂચનથી મહાદેવભાઈને સંમેલનના પ્રમુખ બનાવવામાં આવ્યા. ૩૦–૧–૧૯૨૭ને રોજ બિહાર છાત્ર સંમેલનમાં અધ્યક્ષપદેથી મહાદેવભાઈએ જે ભાષણ આપ્યું એ ડાયરીનો જવલ્લે જ જોવા મળતો એવો ભાગ છે કે જેમાં મહાદેવભાઈએ પોતાનું ભાષણ પોતાની ડાયરીમાં લખ્યું હોય. ગાંધીજીના જીવનદર્શન અને કાર્યક્રમને ગીતાની ભાષામાં સમજાવતું એ એક શ્રેષ્ઠ પ્રવચન છે.૩૯

પણ મહાદેવભાઈ ગાંધીજીથી અળગા ભલે ન રહ્યા હોય, એકથી વધારે વાર તેમણે પોતાના સ્વતંત્ર ને સ્પષ્ટ અભિપ્રાયો તો પ્રગટ કર્યા જ છે.

કૉંગ્રેસના જાહેર અધિવેશનમાં ગાંધીજીનો વિરોધ કરનાર મૌલાના હસરત મોહાની વિશે મહાદેવભાઈ એકબે વાક્યમાં જ પોતાનો અભિપ્રાય આપે છે: ‘પોતાનું કોઈ જ સાંભળવાનું નથી એમ જાણવા છતાં હિંમતથી આગળ આવીને પોતાની દલીલો રજૂ કરનારા મૌલાનાને માટે માન થયા વિના ન રહે — પણ એમની દલીલો સાંભળીને દયા આવે.’૪૦ અને પછી: ‘મૌલાના મહમદઅલીએ એમની ધૂળ કાઢી. આ ભાષણ જો ટૂંકું હોત તો બહુ સુંદર થાત, પણ મૌલાના બોલવા ઊઠ્યા અને એ પણ બીજાને તોડવાને, એટલે પછી સમયની મર્યાદા હમેશાં ઓળંગવાના.’૪૧ આશ્રમનાં બાળકોની શિથિલતા અંગે શ્રી બાળકોબાજી ભાવેના ભાષણ વિશે: ‘(એમના વ્યાખ્યાન)માં મને આધ્યાત્મિક અભિમાનની ગંધ આવી.’૪૨ અને બંગાળની જાણીતી રચનાત્મક સંસ્થા અંગે: ‘નિર્ભયતા જેટલી અભય આશ્રમે કેળવી છે તેટલો વિનય અને પ્રેમ ન કેળવ્યો હોય.’૪૩ એમ જણાય છે કે સ્વતંત્ર અભિપ્રાય આપવામાં મહાદેવભાઈ કદીમદી ગાંધીજીને પણ છોડતા નહીં. બંગાળના પ્રવાસ દરમિયાન ૨–૫–૧૯૨૫ને રોજ ફરીદપુરમાં તેમના ભાષણ વિશે મહાદેવભાઈ માત્ર એક જ લીટી લખે છે કે: ‘(એમનું) ભાષણ સામાન્ય પ્રકારનું હતું.’ જોકે આ વાક્યમાં સામાન્ય પ્રકારનો શબ્દનો અર્થ ‘રોજ જેવું આપે છે તેવું’ એવોયે થઈ શકે.

કોહાટથી કોમી હુલ્લડને કારણે રાવલપિંડી નાસી આવેલા હિંદુ શરણાર્થીઓ જોડે ગાંધીજી મુલાકાત લઈ ચૂક્યા હતા. તે વખતે સરકારે એમને કોહાટ જવાની પરવાનગી નહોતી આપી. રાવલપિંડીમાં એમણે બંને જાતિના આગેવાનો તથા સામાન્ય જનોની મુલાકાતો લીધી. દક્ષિણ આફ્રિકામાં કોર્ટકચેરીમાં જતા ત્યારે લોકોની ઊલટતપાસ કરતા હતા તેવી રીતે ગાંધીજીએ કેટલાક સાક્ષીઓની મુલાકાત લીધી. તેમણે જોયું કે મૌલાના મુસલમાન સાક્ષીઓની ઊલટતપાસ કરતા જ નથી, અને પ્રશ્નો પૂછે છે તો તેમને છાવરવા સારુ જ પૂછે છે.

છઠ્ઠી ડિસેમ્બર, ૧૯૨૪ને દિને ‘પ્રિય ભાઈ’ને સંબોધેલા એક પત્રમાં મહાદેવભાઈએ આવતા માઠા દિવસોની જાણે કે આગાહી કરી દીધી:

અહીં તો અણધાર્યું બન્યું છે. મુસલમાનો કોહાટના આવ્યા, અને બાપુને આખી વસ્તુ સમજાઈ ગઈ છે. ત્રણચાર જણની પાસેથી અગત્યનાં સ્ટેટમેન્ટ (નિવેદનો) પણ કરાવ્યાં છે. કાલે તો એક જાણીતા માણસની એવી ભારે જુબાની થઈ કે રાત્રે સૂતાં બાપુએ કહ્યું: I have done the most valuable work of the year (મેં આખા વરસનું સૌથી મૂલ્યવાન કામ કર્યું.) એ જુબાનીમાંથી મુસલમાન મેન્ટેલિટી (મનોવૃત્તિ)ના એવા સુંદર નમૂના મળ્યા છે કે બાપુ તેમાંથી આખું વર્ષ પોતાની કાર્યદિશા મેળવતા રહેશે. બીજી વસ્તુ એ કે શૌકતની સાથે ભારે શાર્પ (તીવ્ર) મતભેદ પડવાનો. એ માણસે કોહાટના મુસલમાનોના ઍડ્વોકેટનું જ કામ કીધું છે. એટલે એને તેમનો દોષ શાનો જણાય? એનો અર્થ એ કે બાપુ અને શૌકતનું જૉઇન્ટ સ્ટેટમૅન્ટ નીકળવું અશક્ય થઈ પડ્યું, અને મને તો ભય છે કે શૌકત મળતો ન થાય તો બાપુ પોતાનું સ્ટેટમૅન્ટ પણ બહાર ન પાડે. આમ જે થાય તો ભારે અફસોસ કરવા જેવું કહેવાશે. કારણ, હવે બાપુની પાસે પૂરતી હકીકત આવી ગઈ કહેવાય. હવે એઓ પોતાનો નિર્ણય ન બાંધે તો પછી બાપુની પાસે શાની આશા રખાય? આખી હિંદુ આલમ બાપુ પાસે આ નિર્ણયની વાજબી રીતે જ આશા રાખે છે, અને જો બાપુ ચૂપ રહે તો તેમને સખત આઘાત પહોંચશે. પણ શા સારુ અનિષ્ટની શંકા કરવી? કદાચ બધાં સારાં જ વાનાં થશે.

કોહાટમાં સિચ્યુએશન (પરિસ્થિતિ) એવી તો ભૂંડી છે કે તેનો ખ્યાલ પૂરો ન આપી શકાય. મુસલમાનો હિંદુઓને કાઢી પોતાની લૂંટ ઉપર માંહોમાંહે લડ્યા, અને એવા લડ્યા કે એકબીજાનાં ઘર સળગાવવા તૈયાર થઈ ગયા. એટલે સરકારને ભાવતું મળ્યું. સરકારે બંને પક્ષો પાસે દોઢ-બે લાખ રૂપિયાની જામીનગીરી લીધી છે. એમાંનું એક સેક્શન (જૂથ) આજે બીજા સેક્શનને ગિવ અપ (ત્યાગ) કરવાને તૈયાર હતું. એક માણસે અગત્યની અને કંઈક સચ્ચાઈથી ભરેલી જુબાની આપી તે આ લડાઈને લીધે જ, પણ શૌકત તેને પણ નાબૂદ કરવાને તૈયાર હતો. એ માણસે મુસલમાનોને ઊલટતપાસનો એક પણ સવાલ પૂછ્યો નથી. ઊલટા બાપુની આગળ જેમ આ હારતા ગયા તેમ તેમને બચાવવા માટે એ લીડિંગ (સૂચક) સવાલો પૂછતા ગયા. પણ આ વિશે વધુ તો મળશું ત્યારે. …૪૪

આ ઘટનાથી ગાંધીજી અને શૌકતઅલી વચ્ચેના મતભેદો બહાર આવ્યા. એટલી મહાદેવભાઈની વાત સાચી પડી. ગાંધીજી પોતાની વાત અંગે ચૂપ પણ રહી શકે એવો મહાદેવભાઈનો ભય ખોટો ઠર્યો. ગાંધીજી અને શૌકતઅલી બંનેએ અલગ અલગ નિવેદનો બહાર પાડ્યાં.૪૫ ૩૧–૧૨–૧૯૨૪ને રોજ મુંબઈમાં મુસ્લિમ લીગની બેઠકમાં ઝફરુલ્લાખાનના વધુ ઉદાર ઠરાવને બાજુએ રાખી મહમદઅલીનો ઠરાવ પસાર થયો, જે જોઈને ગાંધીજીએ તેમને દરદભરેલા એક પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે ‘ઠરાવ વારંવાર વાંચ્યો. પણ જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ એની પ્રત્યે અણગમો વધતો ગયો.’ પત્રમાં છેવટે લખ્યું:

છતાં જો તમને પોતાને એ ખરાબ ન લાગતો હોય તો તમે એને વળગી રહેજો. હું તો પ્રથમ તમારા હૃદયનો પલટો આણવા માગું છું અને પછી તમારા વિચારોનો. જ્યાં સુધી મને તમારામાં વિશ્વાસ છે ત્યાં સુધી હું તમારો ત્યાગ કરવાનો નથી.૪૬

એમ તો આ ગાળામાં મહાદેવભાઈ ગાંધીજીથી ભાગ્યે જ જુદા પડ્યા છે. પણ એવું જણાય છે કે ૧૯૨૫માં, નાના બાબલાને જોવા મહાદેવભાઈ કોઈ કોઈ વાર કાલિયાવાડી, વલસાડ કે સાબરમતી ગયા હશે. બાબલાનું નામ મહાદેવભાઈએ જ નારાયણ પાડ્યું હતું. એક વાર વિનોબાએ એ વિશે જરા કુતૂહલથી મહાદેવભાઈને પૂછ્યું, ‘તમે તમારા દીકરાનું નામ નારાયણ કોના પરથી પાડ્યું? આશ્રમના વ્યવસ્થાપક૪૭ના નામ પરથી, કે કોઈ બીજા તમારા ધ્યાનમાં હતા?’ મહાદેવભાઈએ તરત જવાબ આપ્યો:

‘મેં તો એ નામ અજામિલની કથા પરથી પાડ્યું છે. આપણે અજામિલ જેવા પાપી છીએ. દીકરાને નારાયણ કહીને બોલાવવાથી પણ જે કાંઈ થોડાંઘણાં પાપ ધોવાતાં હોય તે શું કામ ન ધોઈએ?’

આ પ્રસંગ વર્ણવતાં મહાદેવભાઈની ભક્તિ અને એમની નમ્રતાનો વિચાર કરી વિનોબાજીની આંખમાં પાણી આવી જતાં.

એક વાર નારાયણને રમાડવા મહાદેવભાઈ ગુજરાત ગયા હશે અને ત્યાં માંદા પડ્યા ત્યારે ગાંધીજી પટણામાં હતા. બેઉ છૂટા પડે તો પત્ર વિના તો રહેવાય જ કેમ? ગાંધીજી લખે છે:

તમે બીજા નિયમો જાળવો કે ન જાળવો, ઠેકાણાં ઠેકાણે રાખો કે ન રાખો, પણ મને કાગળ લખવાનું તો શૂળીએ બેઠા પણ કરો. આ ભક્તિ તમને ફળો. મને હમેશાં એટલા જ કારણસર લખવાની ઇચ્છા થાય, પણ હું તો પૂજ્ય રહ્યો, પૂજારી થાઉં તો લખું ના? ઘણાયે પૂજ્ય અત્યારે અધોગતિએ હશે, પણ અસંખ્ય પૂજારી તરી ગયા. કૃષ્ણને નામે ઘણા મોક્ષ પામ્યા. પણ બિચારો મહાભારતવાળો કૃષ્ણ તો કમોતે ચાલ્યો ગયો અને એને મુખે કૃષ્ણનું નામ થોડું હતું? હવે કહો પૂજ્ય મોટા કે પૂજારી જ.

તમે માંદા પડશો એમ તો મેં ધારી જ મૂક્યું હતું. હવે તો તદ્દન આરામ થઈ ગયો હશે. … તમે નિશ્ચિંત થઈને ત્યાં રહેજો. દુર્ગાને સંપૂર્ણ સંતોષ આપજો. એક શરત પાળજો, તમારે પથારીવશ ન થવું. …૪૮

પણ કોઈ એમ ન સમજે કે ગાંધીના અગ્નિકુંડમાં ખીલતા મહાદેવભાઈના ગુલાબને કદી અગ્નિની આંચ નહીં આવતી હોય. એક પ્રસંગ હવે તો જાણીતો થવા આવ્યો છે, પણ नवजीवनમાંથી તેને આખો ને આખો એટલા સારુ આપ્યો છે કે તેમાં મહાદેવભાઈનું માનસ આવા નાજુક પ્રસંગે કેમ કામ કરતું હતું તે જોવા મળે છે:

‘ભણ્યો ભૂલે અને તારો ડૂબે’ એ કહેવત આજનો કિસ્સો લખતાં યાદ આવે છે — જોકે હું એ કહેવતમાંનો ‘ભણ્યો’ હોવાનો ફાંકો નથી રાખતો, અને તરતાં હું કોઈ દિવસ શીખ્યો જ નથી. છતાં જે વસ્તુ ગાંધીજીની પાસે દિનરાત સાંભળ્યા કરતો હોઉં અને ગાંધીજીના જીવનસૂત્ર તરીકે બીજાની આગળ મૂક્યા કરતો હોઉં, જે વસ્તુ ગાંધીજીની સાથે એક દિવસ રહેનારને પણ સમજાવી જોઈએ, તે હું એકાએક ભૂલું તો ‘ભણ્યો ભૂલે’ એ કહેવતનો હું ભૂંડામાં ભૂંડો દાખલો બનું એમાં શી નવાઈ? બીજાની ભૂલો વર્ણવવાની મેં અનેક વાર છૂટ લીધેલી છે, મારી પણ ઘણી ભૂલોમાંની એક તાજી થયેલી ભૂલ બીજાઓની આગળ મૂકું તો બીજાઓને તેનો જે ઉપયોગ કરવો હોય તે ભલે કરે, ભલે મને હસે.

અંગ્રેજી જાણવાની આમલોકોને આવશ્યકતા નથી એમ ઘણી વાર બોલાયું છે અને લખાયું છે. અંગ્રેજી વિશેના વિદ્યાર્થીઓના મોહ વિશે વારંવાર ટીકા આવે છે. પણ એવો જ એક મોહ મને વળગેલો હતો. એને એક વધારે ભાષા જાણી વધારે વિદ્વાનમાં ખપવાનો મોહ કહો કે એક નવી ભાષાના સાહિત્યનો રસ લેવાનો મોહ કહો — ગમે તે કહો, મને ઘણો વખત થયાં ફ્રેંચ ભાષા જાણવાનો મોહ વળગ્યો હતો. અને રસિયાઓ એમાં વધારો કરતા. જેલમાં ફ્રેંચનો અભ્યાસ કરનારા એકબે મળી આવ્યા હતા, અને મને પણ ફ્રેંચ ભણી લેવાની સૂચના થઈ હતી. છતાં ત્યાં તો ઉર્દૂ જાણવાની જ ફરજ છે અને ફ્રેંચ તો એક શોખ છે એમ સમજીને હું ઉર્દૂ જ શીખ્યો. ફ્રેંચનો મોહ જતો રહ્યો હતો એમ નહીં, પણ ત્યાં ઉર્દૂના વાતાવરણે મને બચાવી લીધો, છતાં એ મોહ ‘ઘન વર્ષ ને વન પાંગરે’ તેમ, જ્યારે ફ્રેંચ જાણવાની તક દેખાતી ત્યારે ડોકિયું કરતો. એવી તક હમણાં જ અમારે ત્યાં આવેલા નવા મહેમાનોના આગમનમાં મને દેખાઈ. મિસ સ્લેડ૪૯ તો ફ્રેંચ સરસ બોલીલખી જાણનારાં રહ્યાં. એમને તરત કહેવાની હિંમત તો ન ચાલી. પણ એમણે જ લાલચ આપી. એમણે જ કહ્યું: ‘હું તમને કાંઈ ન આપી શકું? હું ઘણું શીખી રહી છું, તમનેયે કાંઈ આપી શકું તો સારું.’ એમની પાસેથી ‘મહત્’ વસ્તુ લેવાને બદલે ‘અલ્પ’ માગવામાં મેં સંતોષ માન્યો. મેં કહ્યું: ‘મને ફ્રેંચ ન શીખવો?’ એઓ તો રાજી રાજી થઈ ગયાં, અને બીજે દિવસથી શરૂઆત થઈ. આ વિશે મેં ગાંધીજીને પૂછ્યું નહોતું — જેમ નદીમાં નાહી આવવાને માટે એમની રજા લેવાની જરૂરત ન હોય તેમ આમાં પણ જરૂર ન હોય એમ માનીને નહોતું પૂછ્યું.

પહેલે દિવસે સાદાં ક્રિયાપદો અને સાદાં વાક્યો શીખ્યો. બીજે દિવસે તો એમણે કેટલાંક નવાં વાક્યો આપ્યાં એનો મેં ભૂલ વિના અર્થ કરી બતાવ્યો એટલે મારા હરખનો પાર ન રહ્યો. ‘આ રીતે બહુ જલદી તમે શીખી જવાના.’ એવું ઉત્તેજન મળતાંની સાથે કોણ જાણે કેમ મેં એમને પૂછ્યું: ‘પણ મેં ફ્રેંચ શરૂ કર્યું છે એ બાપુ જાણે છે ખરા?’ એમણે કહ્યું: ‘હા, એમને એ સાંભળીને જરા હસવુંયે આવ્યું, અને આશ્ચર્ય પણ થયું.’ ‘આશ્ચર્ય’ શબ્દથી મારા પેટમાં પથરો પડ્યો. જાણે મારી ભૂલ મને એક આઘાતની સાથે સમજાઈ જતી હોય એમ થયું. ‘મને અવશ્ય બોલાવશે ને ઝડતી લેશે.’ એમ મનમાં વિચાર આવ્યો, ન આવ્યો, એટલામાં તો એક ભાઈએ આવીને કહ્યું: ‘બાપુ તમને બોલાવે છે.’

મારા ટાંટિયા તો ઢીલા હતા જ. પણ પ્રથમ પ્રશ્ન ફ્રેંચ વિશે ન પુછાવાને લીધે મને કાંઈક કરાર વળ્યો. મનમાં થયું કે, ‘બાપુને મારા ફ્રેંચ માટે કશી નથી પડી, એ તો મારું મન જ મને પાછો પાડે છે.’ પણ તરત જ, ગાંધીજીને કેટલી પડી હતી એ જણાયું. પોતાના મનનો સઘળો વેગ જાણે શમાવીને હસતાં હસતાં એમણે મને પૂછ્યું: ‘કેમ તમે ફ્રેંચ શીખવા માંડ્યું છે?’ મેં હળવે રહીને કહ્યું: ‘હા, મેં મિસ સ્લેડને પૂછ્યું હતું કે બાપુ જાણે છે આ વિશે? એમણે મને કહ્યું કે આપને હસવું આવ્યું અને આશ્ચર્ય થયું એમ આપે કહેલું,’ એટલે હસમુખો ભાવ હજુ ચાલુ રાખી ગાંધીજી બોલ્યા: ‘એથી વધારે કહેલું. ગઈ કાલે તમે જ્યારે એને કહેતા હતા કે, ‘ચાર વાગ્યે હું તમારે ત્યાં આવીશ.’ ત્યારે મને થયું હતું કે તમે એને કાંઈ શીખવવા જવાના હશો, પણ આજે જ સવારે મેં એની પાસે એની કાલની રોજનીશી માગી; એમાં કહ્યું, એક કલાક તમને ફ્રેંચ શીખવવામાં આપ્યો. મને આશ્ચર્ય થયું અને મેં કહ્યું: ‘બહુ કુદાકડા મારે તે પડવાને સારુ ‘ હું ચૂપ થઈ ગયો. અને હવે ગાંધીજીના ચહેરાનો રંગ બદલાયો. જરા કડક થઈને એમણે પૂછ્યું: ‘શા સારુ ફેંચ શરૂ કર્યું? રોમાં રોલાં ફ્રેંચમાં વાંચવા માટે? કે આપણા ઉપર ફ્રેંચ કાગળો આવે તે વાંચવા માટે? કે મિસ સ્લેડ અહીં આવ્યાં છે તેથી એકાએક ઉમળકો થઈ આવ્યો?’ ધ્રૂજતાં મેં જવાબ આપ્યો: ‘ના. જાણવાની ઇચ્છા તો પહેલેથી જ હતી.’ એટલે ગાંધીજીએ આગળ ચલાવ્યું: ‘શા સારુ? તમે જાણો છો કે અંગ્રેજ વિદ્વાનો પણ ફ્રેંચ સાહિત્ય ગ્રંથો કેવળ અંગ્રેજીમાં જ વાંચીને સંતોષ માને છે? અને ઘણુંખરું ફ્રેંચ સાહિત્ય તો બહાર પડે છે કે અંગ્રેજીમાં એનું ભાષાંતર થાય છે!’ જરા થોભીને વળી સવાલના ચાબખા ચલાવ્યા: ‘અને તમને એ શીખતાં કેટલો સમય લાગશે એનો વિચાર કર્યો?’ મેં જવાબ દીધો: ‘છ મહિના.’ ‘રોજ કેટલો સમય? ‘ ‘એક કલાક,’ ‘વારુ, તમને એટલો સમય મળશે કે?’ મેં કહ્યું: ‘હું અહીં છું ત્યારે મેળવી લઉં, અને ટ્રેનમાં કંઈક મળે.’ ‘હમેશાં એક કલાક મળે એવો તમારો અનુભવ ખરો કે?’ હું શું જવાબ આપું? ચાબખા પડ્યા જ જતા હતા. ‘એટલે એનો અર્થ એ છે કે છ મહિના સુધી મારે ગમે એ કામ હોય છતાં તમને તો દિવસમાં એક કલાક મારે છૂટા જ રાખવા જોઈએ. તમે ફ્રેંચ વાંચતા હો ત્યારે મારાથી તમને ન બોલાવી શકાય, ખરું ના?’ આ રીતે સવાલ મુકાવાથી મને દુ:ખ થયું. મેં દઢતાથી જવાબ આપવાનો પ્રયત્ન કર્યો: ‘ના સ્તો, હું સમય કોઈક રીતે મેળવી લઉં.’ ‘અરે મેળવી શેના લો? ચોરી લો એમ કહો તો ભલે.’

આ ચાબખે હું ચેત્યો. મેં કહ્યું: ‘સાચું.’ એટલે ગાંધીજીએ આગળ ચલાવ્યું: ‘આપણો બધો સમય એક જ વસ્તુને અપાયેલો છે, ત્યાં આપણે આવી વસ્તુ, જેનો સ્વરાજ માટે કશો ખપ નથી, તેમાં શેના પડીએ? આપણો બધો સમય આપણા કાર્યને માટે આપવો જોઈએ, એમાંથી આ તો ચોરી થઈ.’ મેં મૂંગા મૂંગા સાંભળ્યા કીધું. પછી કહ્યું: ‘બસ આજથી ફ્રેંચ બંધ કરીશ. ગમે તેમ એ સમય કાંતવામાં તો આપી શકાય.’ પણ ગાંધીજીએ આગળ ચલાવ્યું: ‘બીજાં ઘણાં કામો છે. પણ તમારી સામેનો આરોપ હજી પૂરો નથી થયો. મિસ સ્લેડ એ કોણ છે? એનો ત્યાગ તો અસાધારણ છે. આપણે કોઈ એની બરાબરી કરી શકીએ એમ નથી. એણે પોતાનું સર્વસ્વ હોમ્યું છે. એને પોતાના દેશ કે ઘરની સાથે કશી મમતા નથી રહી. ઘેર ગમે તે થઈ જાય તોયે એ અડગ અહીં જ કામ કર્યા કરવાની ટેક લઈને આવેલાં છે. આપણા કાર્યને માટે એનો બધો સમય અર્પણ થયેલો છે. એને તો આપણને ઘણું આપવાનું મન થાય, પણ આપણાથી એની પાસે લેવાય જ કેમ? એને તો ઘણુંયે જાણવું છે, શીખવું છે, હિંદુસ્તાની જાણવું છે, સંસ્કૃત જાણવું છે. એ બધું આપણે એને આપી દેવું રહ્યું. જો આપણો સમય આપણો નહીં, તો એનો સમય તો આપણો શેનો જ? આપણો સમય જો કાર્યપ્રીત્યર્થ હોય તો એનો વધારે કાર્યપ્રીત્યર્થ છે.’ આખી વસ્તુ સોંસરી ઊતરી ગઈ. કાંઈ ગુનો કર્યા પહેલાં એ ગુનાનું ગુનાપણું કેમ સોંસરું નહીં ઊતરી જતું હોય?

મારા ગુનાને માટે પ્રાયશ્ચિત્ત? ‘પ્રાયશ્ચિત્ત’ અને ‘તપશ્ચર્યા’ શબ્દો પણ જાણે મારા જેવાના મોંમાં ન શોભે એવું લાગ્યા કરે છે. આપણે સારુ વળી પ્રાયશ્ચિત્ત શું? ગુનો ફરી વાર ન કરવો એ. પણ મને પ્રાયશ્ચિત્ત કે કશું કહેવા-બોલવાની હામ નહોતી રહી. ગાંધીજીએ આખરે કરુણાભર્યું સ્મિત કરીને કહ્યું, ‘જાઓ, હવે. પાછા આવતી કાલે એને એ જ સમયે એની પાસે જજો, તમારી ભૂલની એની આગળ વાત કરજો, અને ફ્રેંચ શીખવાને બદલે એને આપણી भजनावलिમાંથી ભજનો વાંચીને સમજાવજો.’૫૦

આપણે જોશું કે પાછળથી જેલની નવરાશ મળતાં મહાદેવભાઈ ફ્રેંચ શીખેલા.

આવી કોઈ વાત જોઈજાણીને એક વાર મોરારજીભાઈ અને ચંદુભાઈએ ગાંધીજી આગળ પ્રશ્ન ઉઠાવ્યો કે વિરોધીઓને તો તેઓ પૂરતો ન્યાય આપે છે, એમને પ્રેમ પણ કરે છે. પણ અંગત સાથીઓને ઓછો વખત અપાય છે; તેથી એમને અન્યાય થાય છે. ગાંધીજી એ વાત માનવા તૈયાર શાના થાય? એમણે કહ્યું: ‘અંગત સાથીઓને ઉતારી પાડ્યા હોય એ મને યાદ નથી. એ લોકોને એમ લાગે કે હું તેમને ન્યાય આપતો નથી તો તેમણે મારો ત્યાગ કરવો જોઈએ.’ મહાદેવભાઈએ મલકાતા મોઢે કહ્યું, ‘પતિનો ત્યાગ પત્ની કરે છે ખરી કે?’ અને બધા ખડખડાટ હસ્યા.૫૧

એ સંબંધ પણ ગાંધીજીએ જ જોડેલો. ઑક્ટોબર ૨૧, ૧૯૨૫તે દિને લખેલા એક પત્રમાં ગાંધીજી મહાદેવભાઈને લખે છે:

. …વાત તમારી સાચી છે. જ્યારે તમે ખૂબ માંદા પડ્યા છો ત્યારે તમે મારાથી દૂર જ વસ્યા છો. એનો ફલિતાર્થ ડિડક્શન? તો ભયંકર છે. તમારાથી વિખૂટા રહેવાય જ નહીં? પછી દુર્ગાનું શું? આવી સ્થિતિ કેટલીક વાર પોલાકને રહેતી તેથી હું કહેતો કે પોલાક બે સ્ત્રીઓને પરણ્યા છે. ને તે પણ અંગ્રેજી કાયદા પ્રમાણે, જ્યાં એકની જ રજા છે. …૫૨

હકીકત એ હતી કે મહાદેવભાઈ અને ગાંધીજી બંને સારુ એકબીજાથી કોઈ વાત છૂપી રાખવી અશક્ય જ હતી.

શ્રીમતી ઊર્મિલાદેવી સેન, જેમણે મહાદેવભાઈને પોતાના પુત્ર માનેલા, તેઓ એક સંસ્મરણ-લેખમાં પ્રસંગ ટાંકે છે:

એક વાર એક ભાઈએ ગાંધીજી સાથે ખાનગી મુલાકાત માગી. એ ભાઈ આવ્યા ત્યારે મહાદેવભાઈ અને હું ગાંધીજી પાસે બેઠાં હતાં. હું ત્યાંથી ઊઠી ગઈ. ઊઠતાં ઊઠતાં જોયું તો મહાદેવભાઈને બેસી રહેલા જોઈને પેલા ભાઈ વિમાસણમાં પડ્યા હતા. ગાંધીજી કહે: ‘તમે જો મહાદેવની હાજરીમાં વાત ન કરવા માગતા હો તો જઈ શકો છો. કારણ, તેઓ અહીં નહીં હોય તોપણ મારી પાસેથી તમારી સાથેની વાત જાણશે તો ખરા જ.’ પછી કહે: ‘મહાદેવ મારો દીકરો, મારો ભાઈ, મારો મિત્ર, મારો મંત્રી બધું જ છે.’ આ સાંભળીને હું ઘડીક તો ત્યાં જ ઊભી રહી ગઈ. પછી જતાં જતાં નજર કરી તો મહાદેવ મરક મરક હસતા હતા!૫૩

આ થઈ મહાદેવભાઈની પાસે ગાંધીજી કોઈ વાત છૂપી ન રાખે એની વાત. મહાદેવથી પણ કોઈ વાત ગાંધીજી પાસે છૂપી રહેતી હશે? ઑગસ્ટ ૨૩, ૧૯૨૭ને દિને ગાંધીજી એક પત્રમાં મણિબહેન પટેલને લખે છે:

‘મારા એક ઉદ્ગાર ઉપરથી મહાદેવે, તમારી રજાની રાહ જોયા વિના, મને તમારો કાગળ બતાવ્યો. મારાથી કશું છૂપું રાખવાની, મહાદેવની પાસે કોઈ આશા જ ન રાખે. એ વાત એની શક્તિની બહાર છે. …’૫૪

મહાદેવભાઈ ગાંધીજીથી કશું છુપાવતા તો નહોતા જ. પોતાના મનની વાત શરૂ કરીને આખી દુનિયાના જે કોઈ એમના વિશાળ સંપર્કો કે વાચનને કારણે એમની પાસે આવે તે તેઓ ગાંધીજી આગળ પહોંચાડતા. બીજી બાજુ ગાંધીજીના અંતરની વાતોથી માંડીને એમની નાનીમોટી તમામ બાહ્ય પ્રવૃત્તિઓને જગત આગળ ધરી દેવા એ એમનો સ્વધર્મ હતો. અને એ જ એમનું જીવનકાર્ય બની ગયું હતું.

ત્રણ વર્ષના આ ગાળામાં તેમણે ગાંધીજીના ચરિત્રનાં વિધવિધ પાસાંઓની જે ઝાંખી જગતને કરાવી તેમાંથી બહુ જ થોડી અહીં આપણે જોઈ લઈએ, કારણ, ગાંધીજીના વ્યક્તિત્વને સમજ્યા વિના મહાદેવભાઈનું વ્યક્તિત્વ સમજવું અશક્ય છે.

૧૯૨૫ના નવેમ્બર માસમાં આશ્રમનાં બાળકોની કેટલીક ક્ષતિઓને કારણે ગાંધીજીએ એ માસની ૨૪મી તારીખથી સાત દિવસના ઉપવાસ કર્યા. નાદુરસ્ત તબિયત અને આશ્રમ પર વધારે ધ્યાન આપવાની દૃષ્ટિએ તેઓ એક આખું વર્ષ આશ્રમમાં જ રહ્યા. બેક વાર પ્રવાસ દરમિયાન માંદા પડ્યા ત્યારે તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે સાજા થવું હોય તો તેમ, ને મરવું હોય તો તેમ, પણ તે આશ્રમમાં જ કરવું છે. પ્રવાસમાં એક વાર એમનાથી પોતાનું સાપ્તાહિક મૌન તૂટ્યું. કસ્તૂરબાએ એ વસ્તુ પ્રત્યે ધ્યાન દોર્યું. તેમણે તે દિવસે ઉપવાસ કરીને પ્રાયશ્ચિત્ત કર્યું. આશ્રમવાસ દરમિયાન અને ત્યાર બાદ ૧૯૨૭માં લગભગ અખંડ પ્રવાસ દરમિયાન પણ ગાંધીજીને ઊંચા રક્તચાપની બીમારી રહેતી હતી. એક વાર તેઓ કાંતતાં કાંતતાં મૂર્છિત થઈ ગયા હતા. આથી ગાંધીજીના બાહ્યજીવનની માહિતી તો આપણને તે વખતનાં છાપાં જોવાથી સહેજે મળી શકે એમ છે. મહાદેવભાઈની નોંધોને પરિણામે ગાંધીજીની આ કાળની અંતરકથા પણ આપણી આગળ છતી થાય છે. બંગાળના પ્રવાસ દરમિયાન એક વાર દેશબંધુ ચિત્તરંજન દાસે ગાંધીજીએ ઘડેલા એક ખરડાને અંગે શ્રીમતી દાસને કહ્યું હતું, ‘જે મુસદ્દો લખતાં મને ત્રણ દિવસ લાગતા તે આમણે પંદર મિનિટમાં ઘડી આપ્યો! અને છતાં એમને રાજકારણી પુરુષ ગણવા લોકો ના પાડે છે! પણ આવો મુસદ્દો જે ઘડી શકે તે પાકો રાજકારણી પુરુષ હોવો જોઈએ.’૫૫ આ તો એક રાજકારણી પુરુષ દ્વારા બીજા રાજકારણી પુરુષને અપાયેલું પ્રમાણપત્ર હતું. પરંતુ ગાંધીજીને સાચું પ્રમાણપત્ર તો દેશબંધુએ એમની સાથે બંગાળનો પ્રવાસ ખેડ્યા પછી, એમને નિકટથી જોયા પછી આપ્યું. પોતાના સાથી અને શિષ્ય સમા સાતકોડીબાબુ આગળ હૃદય ખોલી વાત કરતાં દાસબાબુએ કહ્યું, ‘જુઓને, મહાત્માને તો કોઈ શત્રુ નથી. મને આટલા બધા શત્રુઓ શા કારણે હશે? હવે મને સમજાય છે કે મહાત્માના મનમાં હિંસા નથી તેથી જ તેમની કોઈ હિંસા૫૬ કરતું નથી. મારા મનમાં નિશ્ચય હિંસા ભરેલી છે, એટલે જ મારે શત્રુઓ છે.’૫૭ બંગાળના જ પ્રવાસ દરમિયાન એક ખ્રિસ્તી મંડળ આગળ ‘મનુષ્યમાત્રમાં ભ્રાતૃભાવ’ એ વિષય પર બોલતાં ગાંધીજીએ દેશબંધુની આ વાતને સ્વીકારી. તેમણે કહ્યું:

મેં અનેક વાર જોવાનો પ્રયત્ન કર્યો છે કે હું મારા શત્રુને ધિક્કારી શકું છું ખરો કે નહીં, — પ્રેમ કરી શકું છું કે નહીં એ જોવાનો નહીં, પણ ધિક્કારી શકું છું કે કેમ એ જોવાનો. અને મારે પ્રામાણિકપણે પણ સંપૂર્ણ વિનયથી કહેવું જોઈએ કે હું ધિક્કારી શકું છું એમ મને નથી લાગતું. એ સ્થિતિ મને કેમ લાધી એ હું સમજી નથી શક્યો. પણ જીવનભર જે હું આચરતો આવ્યો છું તે તમને જણાવું છું.૫૮

ગાંધીજીના આત્મવિશ્વાસનું મૂળ એમની ઈશ્વરશ્રદ્ધામાં હતું. અને સામાન્યપણે એ વિરોધી કહે તે વાત માનીને ચાલતા એટલું જ નહીં પણ વિરોધીનો હેતુ પણ પ્રામાણિક જ છે એમ માનતા. હિંદની આઝાદી ખાતર તેઓ સત્ય અને અહિંસા સિવાય બીજું સર્વ કાંઈ છોડવાને તૈયાર હતા, પણ સત્ય-અહિંસા ખાતર આખી દુનિયાની સામે પણ એકલા ઊભા રહેવા તૈયાર હતા. એમ ગાંધીજી અસહકાર આંદોલનના નેતા હતા, પણ એમની મૂળ વૃત્તિ અંગ્રેજો જોડે બને એટલો સહકાર કરવાની હતી. કલકત્તાની બે અંગ્રેજ-સમર્થક સભાઓમાં તેમણે આ વાત કહી ત્યારે એમની વાતનો એટલો પ્રભાવ પડ્યો હતો કે કલકત્તાના स्टेट्समॅन અને इंग्लिशमॅन નામનાં બે છાપાંઓએ પોતાનું વલણ બદલીને તેમને અનુકૂળ લેખ લખ્યા હતા.૫૯

આટઆટલા શારીરિક અને માનસિક શ્રમ છતાં ગાંધીજી ટકી રહેતા એનું એક કારણ એમની વિનોદવૃત્તિ પણ હતું. રાજાજી કે વલ્લભભાઈ જેવાને મળ્યા હોય ત્યારે તો ગંભીરમાં ગંભીર વિષયો સાથે પણ બંને પક્ષે થોડોઘણો વિનોદ ચાલુ જ હોય. પણ કોઈ કોઈ વાર તો ગાંધીજીનો વિનોદ એમના હાજરજવાબીપણાની સાથે પણ દેખાઈ આવે. એક પારસી બહેને ગાંધીજીને એક સભામાં હાર પહેરાવતાં વિનોદ કર્યો: ‘સાહેબ, સ્વદેશી છે.’ ગાંધીજીએ તુરત જવાબ આપ્યો, ‘હા, એટલાં પણ સ્વદેશી રહ્યાં છો એ ગનીમત છે.’૬૦

પ્રવાસનાં બે વર્ષો (૧૯૨૫ અને ૧૯૨૭) દરમિયાન ગાંધીજીનું ધ્રુવપદ રચનાત્મક કાર્ય અંગે જ હતું. ખાદી, અશ્પૃશ્યતાનિવારણ અને કોમી એકતા વિશે તેઓ દરેક સભામાં બોલતા. સંકડો સભાઓમાં તેમણે આ ત્રણ વિષયો અંગે જુદી જુદી રીતે સમજણ આપી હશે.

પણ ગાંધીજી જ્યારે કોઈ નવો વિચાર આપતા ત્યારે તેની સાથે એ વિચારને ધરતી પર ઉતારવા કાંઈક સંગઠન પણ રચતા. ૧૯૨૫ના સપ્ટેમ્બર માસમાં તેમણે પટણાની કૉંગ્રેસ કમિટીની બેઠકમાં આ. ભા. ચરખા સંઘની સ્થાપના કરાવી હતી અને પોતે જ એના અધ્યક્ષ બન્યા હતા,

કૉંગ્રેસના પ્રમુખ બન્યા પછી તરત જ કાઠિયાવાડનો જે પ્રવાસ ગોઠવાયો તેમાં તેમણે ખાદીઘેલા બની એની વાતો ઠેર ઠેર કરી. ભાવનગરના વિચક્ષણ બુદ્ધિશાળી દીવાન શ્રી પ્રભાશંકર પટ્ટણીએ ખાદીનું વ્રત લીધું તે પછી તેમને કાંતતાં શીખવવા ગાંધીજી એમની પાસે ત્રણ દિવસ મહેમાન થઈને રહ્યા હતા. કોઈક જગાએ ગાંધીજી રેંટિયાનું અર્થશાસ્ત્ર, ગામડાંની જરૂરિયાત અને એના લોકોની નવરાશના કલાકના આંકડા લઈને સમજાવતા. એક જગાએ તો એમણે એમ પણ કહ્યું કે, ‘પટ્ટણીસાહેબની સેવા રેંટિયા મારફતે ન થાય, પણ ૨૬ લાખ ખેડૂતોની સેવા કરવી હોય તો રેંટિયા સિવાય બીજો રસ્તો નથી. મારા આ કહેવાને વિધાતાનો લેખ માનજો.’૬૧ એક સામ્યવાદી આગેવાન શ્રી સકલાતવાલાના ફૅક્ટરીઓ અંગેના આગ્રહને ધ્યાનમાં રાખીને વરાડની યાત્રામાં ગાંધીજી બોલ્યા: ‘આપણો આખો દેશ ફૅક્ટરીઓમાં કામ કરતો થાય તો આપણે ચૂસવાને માટે, ધરતીના પડ ઉપર બીજા દેશો શોધવા પડે, કદાચ બીજા ગ્રહો શોધવા પડે.’૬૨ ગાંધીજીએ નફા, માલિકી, સ્પર્ધા અને શોષણ પર આધારિત પશ્ચિમી અર્થશાસ્ત્રને ‘આસુરી અર્થશાસ્ત્ર’ કહ્યું હતું.

ગાંધીજી કહેતા હતા કે રચનાત્મક કાર્યક્રમ એ પ્રજાને અંદરથી મજબૂત કરવાનો કાર્યક્રમ છે. તેમાંયે અસ્પૃશ્યતાનિવારણ અને કોમી એકતા તો છેવટે ભાવના જોડે સંબંધ ધરાવે છે, પણ ખાદીનું કામ તો નક્કર ધરતી પર કરવાનું કામ છે.

કોહાટના શરણાર્થીઓ સાથેની મુલાકાત પછી ગાંધીજીએ સાંપ્રદાયિક એકતાના પ્રશ્નમાંથી જાણે કે હાથ ધોઈ નાખ્યા હતા. એ બાબત તેઓ થોડા નિરાશ હતા, થોડા દુ:ખી હતા. પણ તેમણે એ બાબત શ્રદ્ધા છોડી નહોતી.

કલકત્તાની એક સભામાં તેમણે કોમી એકતા વિશે પોતાની નબળી સ્થિતિનો એકરાર કર્યો. ખિલાફતના દિવસોમાં તેઓ જેટલા વિશ્વાસપૂર્વક બોલી શકતા હતા તેટલા ૧૯૨૫માં બોલી શકે તેમ નહોતા. તેમણે કહ્યું:

આ કામમાં મારી પાંખ કપાઈ ગઈ છે. … એક સમય એવો હતો કે જ્યારે હું મને પોતાને આ બાબતમાં હકીમ માનતો હતો… (આજે) હું જોઉં છું, મેં બતાવેલો ઇલાજ કરવાને નથી હિંદુ તૈયાર — નથી મુસલમાન તૈયાર. આજે તો એટલું જ કહું કે એકદિલી વિના સ્વરાજ ન મળે. હિંદુ જો એવું ગુમાન ધરે કે મુસલમાનને છોડીને હિંદુસ્તાનનું રાજ્ય મેળવાય તો કહું કે હિંદુ દીવાના છે. મુસલમાન જો એમ સમજે કે હિંદુને છોડીને મુગલાઈ સલ્તનત પાછી લેવાય તો હું કહીશ કે મુસલમાન પાગલ છે.૬૩

આ કાળ એવો હતો કે જ્યારે આપણા આધુનિક ઇતિહાસમાં સ્વરાજ પહેલાં અને પછીનાં બેક વર્ષોને બાદ કરતાં દેશની મુખ્ય બે કોમો એકબીજાથી વધુમાં વધુ દૂર ચાલી ગઈ હતી. એક તરફથી મુસલમાનો ધર્મપરિવર્તન કરવા ‘તબલિગ’નું આંદોલન ચલાવતા, બીજી તરફથી આર્યસમાજીઓ મુસ્લિમોને હિંદુ બનાવવા ‘શુદ્ધિ’ આંદોલન ચલાવતા, ગાંધીજી પ્રલોભન આપીને અથવા ધાકધમકીથી ધર્મપરિવર્તનના સખત વિરોધી હતા. એ અંગે મહાદેવભાઈએ શુદ્ધિઆંદોલનના આગેવાન સ્વામી શ્રદ્ધાનંદજીને નામે લખેલા પત્રનો આપણે આગળ ઉપર ઉલ્લેખ કરી ગયા છીએ.

ગાંધીજી ૧૯૨૬ના ડિસેમ્બરમાં કલકત્તાથી કૉંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા ગૌહાટી જતા હતા ત્યારે રસ્તામાં તેમને તાર દ્વારા સમાચાર મળ્યા કે દિલ્હીમાં સ્વામી શ્રદ્ધાનંદજીનું એક મુસલમાન દ્વારા ખૂન કરવામાં આવ્યું હતું. કૉંગ્રેસ પર આ સમાચારથી ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું હતું. ગાંધીજીએ यंग इन्डियाના એક લેખ દ્વારા એવી આશા વ્યક્ત કરી કે —

‘એમનું પવિત્ર લોહી આપણા આ કલંક-ડાઘ ધુએ, આપણા અંતરની ખરી શુદ્ધિ કરે અને હિંદુ-મુસલમાન કોમરૂપી મનુષ્યજાતિનાં આ બે મહાન કુટુંબોને સદાને માટે સાંધીને એક કરે.’૬૪

આ જ લેખમાં તેમણે હિંદુઓને સલાહ આપી કે ‘એક માણસનો અપરાધ આખી કોમના ઉપર આપણે ન ઓઢાડીએ, હિંસા અને કીનાની વૃત્તિને અંતરમાં જગા ન આપીએ, એક મુસલમાને એક હિંદુનું ખૂન કર્યું એમ ન વિચારીએ. એક પાગલ આદમીએ એક વીર યોદ્ધા સામે ધૂળ ઉડાડી એમ વિચારીએ.’૬૪ મુસલમાનોને ગાંધીજીએ કહ્યું:

‘તલવાર એ કાંઈ ઇસ્લામનું ચિહ્ન નથી. … તલવારનો આશ્રય અને ઈશ્વરનો આશ્રય એ તદ્દન પરસ્પરવિરોધી વસ્તુઓ છે. મુસલમાનોમાં આખા આમવર્ગ તરફથી આ ખૂન અસંદિગ્ધ ભાષામાં વખોડી કાઢવું જોઈએ.’૬૪

સાંપ્રદાયિક પ્રશ્ન અંગે ગાંધીજીની મુશ્કેલી આ વખતે એ હતી કે આ પ્રશ્નને લઈને ત્રણ વર્ષ પહેલાં જે લોકોએ ગાંધીજીની જોડે ખભેખભો મેળવીને કે ગાંધીજીની પછવાડે રહીને કામ કર્યું હતું તેમાંથી ઘણા તાજેતરનાં હુલ્લડોમાં આક્રમણ સામી કોમ તરફથી થયું હતું અથવા વધુ પડતા અત્યાચારો એ લોકોએ કર્યા હતા એમ માનતા થઈ ગયા હતા. તેથી ગાંધીજીને પોતાની પાંખો કપાઈ ગયેલી લાગતી હતી, અને બને ત્યાં સુધી તેઓ આ બાબતમાં ચૂપ રહેવા લાગ્યા હતા. પણ કોઈ કોઈ વાર ખાનગી મુલાકાતોમાં પોતાનું હૃદય ખોલતા. એક જગાએ કહ્યું: ‘મુંજે તો આજે મંદિરનો જવાબ મસ્જિદમાં આપવા માગે છે. એક માસૂમ હિંદુ બચ્ચો મરે તો બે માસૂમ મુસલમાન મારવા, એ પ્રકારની નીતિરીતિ, તે હિંદુ ધર્મ છે એમ એ સમજાવે છે. એણે એનું ભાષણ મને મોકલ્યું હતું. મેં અભિપ્રાય આપ્યો કે, ‘તમારી નિખાલસતા વિશે મુબારકબાદી આપું છું. પણ તમારી અને મારી વચ્ચે ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જેટલું અંતર છે.’૬૫ એ જ મુલાકાતમાં ગાંધીજીએ કહ્યું:

‘મને તો હિંદુનું મંદિર તૂટે, કે મુસલમાનોની મસ્જિદ તૂટે, કે ખ્રિસ્તીનું દેવળ તૂટે, કે યહૂદીઓનું પ્રાર્થનાસ્થાન તૂટે કે પારસીની અગિયારી તૂટે, બધાથી સરખું દુ:ખ થાય છે.’૬૬

ગાંધીજી અસ્પૃશ્યતાનિવારણની વાતો રચનાત્મક કાર્યના ભાગ તરીકે કરતા હતા. પણ કેરળમાં વાઈકોમ મંદિરના રસ્તા પર પણ અંત્યજોને જવા નહોતા દેતા તેને અંગે ચાલેલા વાઈકોમ સત્યાગ્રહને કારણે ગાંધીજીને આ પ્રશ્ન પર વારંવાર બોલવાનો વારો આવ્યો. આ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાંધીજીની સભાઓમાં અંત્યજોને જુદા બેસાડતા. તેને લીધે ગાંધીજીને ઘણી પરેશાની વેઠવી પડેલી.

ગાંધીજી વારંવાર એ વાત સમજાવતા કે અંત્યજોની જે સ્થિતિ થઈ હતી તે સારુ જવાબદાર તો સવર્ણ હિંદુ સમાજ જ હતો. તેઓ એમ પણ કહેતા કે અંત્યજોની સેવાની તુલનામાં પોતાને સ્વરાજ પણ તુચ્છ લાગે છે.

વાઈકોમ જતાંની સાથે ગાંધીજીએ ત્યાંના નંબુદ્રી બ્રાહ્મણોની સાથે ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો. એમને તકરારી માર્ગ જોઈ આવવા વગેરેની સલાહ મળી, પણ ગાંધીજીએ સૌથી વધુ પ્રાથમિકતા નંબુદ્રીઓ સાથેના સંવાદને જ આપી. જે રસ્તાથી આગળ જવાની અંત્યજોને મનાઈ હતી, જેને અંગે સત્યાગ્રહ ચાલતો હતો, તે રસ્તો ઓળંગીને ગાંધીજી મંદિરની છાયામાં નંબુદ્રીઓના મઠમાં ગયા, સનાતની બ્રાહ્મણ અને ગાંધીજી વચ્ચે થયેલો આ શાસ્ત્રાર્થ મહાદેવભાઈએ આબાદ નોંધ્યો છે:૬૭ ગાંધીજીએ મહાભારતમાંથી सत्यान्नास्ति परोधर्म૬૮ અને अहिंसा परमोधर्म૬૯ અને શંકરાચાર્યનું સૂત્ર ब्रह्म सत्यं जगन्मिथ्या એ ત્રણ સૂત્રો ટાંકીને પોતાના વાઈકોમના પ્રવચનમાં અસ્પૃશ્યતા અને અનુપસાર્યતા૭૦નો વિરોધ કર્યો. પોતે નંબુદ્રીઓ પર અસર પાડી નહોતા શક્યા એ જાહેર સભામાં કબૂલ કર્યું. પણ તેમણે એમ પણ કહ્યું કે, ‘હું નાસીપાસ થયો નથી. જ્યારે હું મારી જાત અને માનવતા વિશે નાસીપાસ થઈશ ત્યારે જ હું નાસીપાસી અનુભવીશ.૭૧ સત્યાગ્રહ હૃદયપલટો અને સુધારણા ઉપર નભે છે. એમાં દબાણને લેશમાત્ર સ્થાન નથી એ પણ ગાંધીજીએ સમજાવ્યું. સત્યાગ્રહીઓ જો દબાણ કરતા દેખાશે તો તેમનો ત્યાગ કરવાની પણ ગાંધીજીએ તૈયારી બતાવી.

જે આશ્રમમાં સત્યાગ્રહીઓનો નિવાસ હતો ત્યાં આવીને ગાંધીજીએ હિસાબો, રસોડાં, ભંડાર, પાયખાનાં વગેરે અંગે ઝીણામાં ઝીણી તપાસ કરી. બીજે દિવસે, એટલે કે ૧૧–૩–’૨૫ને દિવસે, સવારની પ્રાર્થના પછી તેમણે સત્યાગ્રહીઓને સત્યાગ્રહના સિદ્ધાંત વિશે ઊંડી સમજ આપી. એમાંની કેટલીક આજે પણ માર્ગદર્શક થઈ પડે તેવી છે:

કોઈ પણ ચળવળમાં સફળતા બહારની મદદથી નહીં પણ આપબળથી મળે છે. … તમે આ લડતમાંથી રાજકીય તત્ત્વ કાઢી નાખજો. … કાંઈક રાજકીય પરિણામ આવે એની હું ના નથી પાડતો. પણ તમારે પોતાને એની સાથે કાંઈ લેવાદેવી નથી. જો તમે એવી કોઈ તથામાં પડશો તો આડે માર્ગે ચઢી ગયા હશો. … લડત જ્યારે આકરું સ્વરૂપ ધારણ કરશે ત્યારે તમે તેમાં ટકી શકશો નહીં. … આ લડાઈમાં કાંઈ દુ:ખ આવી પડે એ સહન કરવાની, અને સહન કરતાં કરતાં પણ તમારા પ્રતિપક્ષી તરફ તમારા મનમાં લેશમાત્ર કડવાશ પેદા ન થાય એ પ્રકારની શક્તિ તમારામાં છે કે નહીં? હું તો કહું કે તમે તમારા પ્રતિસ્પર્ધી તરફ પ્રેમ બતાવો. … આ શક્તિ આપોઆપ આવતી નથી. એ, જેટલા પ્રમાણમાં તમારા હેતુઓ પ્રામાણિક છે એમ તમે માનો છો તેટલા જ પ્રમાણમાં એમના હતુઓ પણ પ્રામાણિક છે એમ તમે માનો તો જ બને. … અનુભવે મને માલૂમ પડ્યું છે કે જ્યાં પૂર્વગ્રહો કઠોર હોય ત્યાં બુદ્ધિ કામ કરતી નથી. એટલે જ હું કહું છું કે જાતે દુ:ખ ભોગવીશું તો જ એમની આંખો ઊઘડશે અને આપણે એમના અંતર સુધી પહોંચી શકીશું. … જે તમને સાધ્ય, સાધન અને ઈશ્વરમાં શ્રદ્ધા હશે તો આ ધખધખતો સૂરજ૭૨ તમારા માટે ઠંડો પડી જશે. તમને થાક લાગવો જોઈએ નહીં, કંટાળો આવવો જોઈએ નહીં, તમારે ચિડાવું જોઈએ નહીં… જેઓ આશ્રમમાં જ રહીને કામ કરે છે તેઓ પણ વાડ આગળ જઈને બેસનારા જેટલું જ કામ કરે છે. … તમારી એક ક્ષણ પણ તમારે માટે નિરર્થક વાતોમાં અગર નિરર્થક જિજ્ઞાસા તૃપ્ત કરવામાં ગાળવી જોઈએ નહીં. … સમય આપણી મિલકત નથી, એ દેશની મિલકત છે.૭૩

પ્રશ્નોત્તરી વખતે તેમણે એવી પણ સલાહ આપી હતી કે, ‘વાડ આગળ ઉપવાસ કરવાનો કાંઈ અર્થ નથી. હા, તમારી પોતાની સામે, અગર તમારી પોતાની પવિત્રતા માટે કરી શકો છો. … તમે કોઈનામાં દયા ઉત્પન્ન કરવા માટે ભૂખે મરી જાઓ, તો તમને મરી જવા દેવા હું લોકોને સલાહ આપીશ. એવી રીતે મરવું એ મૂર્ખાઈ છે, પાપ છે, ગુનો છે. કાયમનું અનશન એ તો કોઈ વિરલ વસ્તુ છે. એ મારાતમારા જેવા ન કરી શકે. એને માટે પારાવાર શક્તિ જોઈએ. એ અનશન ઈશ્વરની સામે હોઈ શકે, માણસની સામે ન હોય.’૭૪ ગાંધીજીએ કેરળના આખા પ્રવાસ દરમિયાન મુખ્યત્વે અસ્પૃશ્યતાનિવારણ વિશે જ વાતો કરી. જો હિંદુ ધર્મ અસ્પૃશ્યતાની વાત કહેતો હોય તો હિંદુ ધર્મનો ત્યાગ કરવા સુધીની વાત તેમણે કરી.

આ ત્રણ વર્ષની ડાયરીઓમાં બીજી ડાયરીઓની માફક સંખ્યાબંધ લોકોના વ્યક્તિગત પરિચયો આવી જાય છે. એમાંથી ડઝનેક જેટલાં રેખાચિત્રો તો એવાં છે કે જે વાંચવાથી વાંચનારના અંતરમાં એની કાયમી છબી પડી જાય. પરંતુ અહીં આપણે એ સૌનો નામોલ્લેખ કરવાનો મોહ પણ જતો કરવો પડશે.

ત્રણ વર્ષનો ગાળો, આખા દેશનું ભ્રમણ અને ગાંધીજી જેવા વ્યક્તિત્વની સત્સંગતિ એટલે સ્વાભાવિક રીતે જીવનના અનેક વિષયો અંગે ઊંડી અને વિસ્તૃત ચર્ચા થાય. મહાદેવભાઈની કલમ એની નોંધ કરતાં થાકતી તો નથી જ. દરેક નોંધ કરતાં જાણે એ નવો નવો ઉત્સાહ અને અવનવી તાજગી અનુભવે છે. તેથી જ એમણે ગાંધીજીના જીવન અને એમની વિચારસૃષ્ટિના સાગરમાંથી સંખ્યાબંધ શંખલા, છીપલાં, કોડીઓ, પ્રવાલ, મોતી ને રત્નો મરજીવાની જેમ ડૂબકીઓ મારી મારીને શોધી કાઢ્યાં છે. સત્યસાગરસંભવા એ લક્ષ્મીની અહીં આપણે સહજ ઝાંખી કરી લઈએ.

અમેરિકાના વિદ્વાન ઇજનેર ને મનોવૈજ્ઞાનિક ગાંધીભક્ત રિચર્ડ બી. ગ્રેગને ગાંધીજી એક પત્રમાં સમજાવે છે કે અહિંસક ચળવળનાં સાધનો આગવાં જ હશે:

શત્રુઓ માટે જેમાં કોઈ સ્થાન નથી એવી જીવનપદ્ધતિમાં વિરોધીઓ જેવા શબ્દનો ઉપયોગ ઉચિત ગણાતો હોય તો વિરોધીઓ દ્વારા અપનાવાતી પદ્ધતિઓ અથવા એ પદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરીને લગભગ એ જ પદ્ધતિઓ અપનાવીને જો આપણે સફળ થવાની આશા રાખીશું તો આ ચળવળ નિષ્ફળ ગયા વગર રહેવાની નથી. … કાંઈ નહીં તો હિંદુસ્તાનને લાગેવળગે છે ત્યાં સુધી, આ ચળવળને જીવંત અને સાર્વત્રિક બળ બનાવવા માટે બીજા ઉપાયો યોજવા જોઈએ. વિરોધીઓ અદ્યતન સાધનોમાં માને છે, અને તેથી તેમને એ સાધનો વાપરવામાં નિપુણતા ધરાવતા લોકોની પદ્ધતિઓ અપનાવવી પડે છે. આ ચળવળનો વિકાસ અંદરથી થવો જોઈએ. … એ ઠીક ઠીક પ્રમાણમાં અને એકધારા ત્યાગની અપેક્ષા રાખે. …૭૫

૧૯૧૭ના નવેમ્બર માસની ત્રીજી તારીખે ગોધરામાં શરૂ થયેલી જે રાજકીય પરિષદ વખતે મહાદેવભાઈ ગાંધીજી સાથે જોડાયા તેમાં જ ગાંધીજીએ સ્વતંત્રતાની પોતાની અભિનવ વ્યાખ્યા કરી હતી. ૧૯૨૫ના જાન્યુઆરીમાં ગોધરાની જાહેર સભામાં ગાંધીજીએ એનો ફરી ઉલ્લેખ કર્યો ત્યારે મહાદેવભાઈએ એ ઝીલી લીધો:

સ્વતંત્રતા એટલે ભૂલ કરવાની શક્તિ, એ શક્તિ ન હોય, તેનામાં સુધારવાની પણ શક્તિ ન આવે. સ્વતંત્રતા એટલે સંપૂર્ણતા નહીં. માણસ ભૂલો ગંભીર કરે છે. પાપો પણ કરે છે. પણ એ સુધારે છે અને એને માટે પ્રાયશ્ચિત્ત પણ કરે છે. એમાં જ સ્વરાજ આવી જાય છે.૭૬

એક જર્મનને ગાંધીજીએ લખેલ બે વાક્યનો પત્ર:

‘સ્વતંત્રતાની લડત લડવામાં એક શરત એ છે કે લડનારે આત્મસંયમ કેળવવો જોઈએ. એમ કરવા માટે દુન્યવી મોજશોખને તજવાં પડે.’૭૭

એક સંદેશામાં સ્વરાજની એમની વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને પોતાની દૃષ્ટિએ ગાંધીજી હિંદની ભૂમિકા સમજાવે છે:

માનવજાતિના કલ્યાણમાં હિંદુસ્તાનનો મોટામાં મોટો ફાળો એ જ હોઈ શકે કે તે શાંતિમય અને સત્યનિષ્ઠ સાધનો વડે પોતાની સ્વતંત્રતા પ્રાપ્ત કરે. આવું કદી બનશે કે નહીં એ કોઈ કહી ન શકે. ખરેખર, ઉપર ઉપરથી જોતાં તો ચિહ્નો આવી શ્રદ્ધાની વિરુદ્ધ જાય છે. તેમ છતાં માણસજાતના ભવિષ્યમાં મારી શ્રદ્ધા એટલી બધી છે કે હિંદુસ્તાન બીજા કોઈ સાધનથી નહીં, પણ શાંતિમય અને સત્યનિષ્ઠ સાધનો દ્વારા જ સ્વતંત્રતા પ્રાપ્ત કરશે. …૭૮

એના અનુસંધાનમાં આ સૂત્ર જુઓ: ‘કોઈ પ્રજા ચઢી નથી શકી જેણે હકનું સેવન કરેલું છે. કેવળ તે જ પ્રજા ચઢી શકી જેણે ફરજનું ધાર્મિક સેવન કર્યું. ફરજના પાલનમાંથી તેમને હક મળી રહ્યા.’૭૯

નક્કર ધરતી પર આવી ગાંધીજી કહે છે:

‘હિંદુસ્તાનની સેવા એટલે ગરીબની સેવા. ઈશ્વર અદૃશ્ય છે એટલે આપણે દૃશ્યની સેવા કરીએ તો બસ છે. દૃશ્ય ઈશ્વરની, એટલે કે, ગરીબની સેવા, એ જ આપણા જાહેર જીવનનો અર્થ.’૮૦

એક પત્રમાં ગાંધીજીએ નીતિ અને દર્શનનાં સૂત્રો જ જાણે આપી દીધાં:

આપણો ધર્મ સંત-અસંતને ઓળખતા છતાં બંને પર પ્રેમ રાખવાનો રહ્યો છે. ઘણી વેળા પ્રેમ શબ્દની વ્યાખ્યા આપણે એવી કરીએ છીએ કે આપણે દુષ્ટતાને ઓળખવી જ નહીં. … આપણે ઘોરમાં ઘોર પાપ કરતાં ધ્રૂજતા નથી પણ એની કબૂલાત આપતાં ટાઢ વાય છે. પણ પૃથ્વીમાં એવા કેટલા હશે કે જે પોતાનાં પાપોનો સાક્ષાત્કાર કરે ને એનું દર્શન જગતને કરાવે?૮૧

ગાંધીજી લગભગ ખાદીધેલા હતા, પણ તેઓ તત્ત્વ અને તંત્રનો વિવેક કદી ચૂકતા નહીં. તેથી જ તેઓ તરુણોને કાંતણનો આગ્રહ કરવા છતાં કહે છે:

‘એક તરફ સૂતર અને બીજી તરફ ચારિત્ર્ય રાખો તો ચારિત્ર્યને હું પસંદ કરું.’૮૨

કચ્છના લોકોને મોઢે એમનાં દુ:ખોની વાત સાંભળીને ગાંધીજી એમનાં દુ:ખો દૂર કરવા પોતે આવવા કે પોતાના કોઈ સાથીને મોકલવાની વાત નથી કરતા. કારણ, તેઓ માને છે કે લોકોએ આપબળે જ પોતાનાં દુ:ખો મટાડવાં જોઈએ.

‘(તમારાં દુ:ખોનો) ઇલાજ તમારી પાસે છે, અને એ અવિનય કે અમર્યાદાનો નહીં, પણ સત્યનો અને પ્રેમનો. “સત્ય, શૌર્ય અને પ્રેમ” એ ત્રિવેણીનો જ્યાં સંગમ થાય ત્યાં એકે વસ્તુ અશક્ય નથી.’૮૩

સાહસ વિશે બોલતાં એક વાર એ વાત પર ભાર મૂકે છે કે સાહસ પણ મૂલ્યનિષ્ઠ હોવું જોઈએ.

સાહસ તે કોણ કરે અને શા સારુ કરે? સાહસ વ્યભિચાર માટેયે થાય. … ધનને માટેયે થાય. પણ એ તો કૂવામાં પડવાના સાહસ બરાબર છે. સાહસ તો તરી જવાને માટે કરવાનો છે, પુરુષાર્થ આત્મદર્શનને માટે હોય. … પરમાત્માની લીલા નિહાળવામાં દીવાના બનવું એ સાચું સાહસ.’૮૪

વાસ્તવમાં ગાંધીજીનું આખું નીતિશાસ્ત્ર એમની સત્યનિષ્ઠા પર આધારિત હતું તેથી તેઓ પોતે તો પોતાની ભૂલો સ્વીકારવાની નૈતિક હિંમત ધરાવતા જ હતા, પણ જો બીજા કોઈ પણ પોતાના જીવનમાં છુપાવવાપણું ન રાખતા હોય તો તેના પ્રશંસક બની જતા. મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં નોંધેલો એક પત્રવ્યવહાર આ વાતનું ઉદાહરણ પૂરું પાડે તેવો છે. ગાંધીજીએ કોઈકને સ્પષ્ટ ભાષામાં પૂછ્યું: ‘તમે વ્યભિચારી છો એવો આરોપ આવ્યો છે, અમે. … હતા ત્યારે પણ એ વાત સાંભળેલી. પણ મેં માનેલી નહીં. હવે જે માણસે વાત કરી તેને હું કાઢી નાખી શકતો નથી. તમે વ્યભિચારી હો? તમારી સરળતા, તમારી બહાદુરી બધું જોઈને હું મોહિત થયો હતો. પણ આ સાચું હોય તો શું થાય?’ એના જવાબમાં તેનો એક ભારે પત્ર હતો. ‘બાળપણમાં દોષો થયેલા. એ પછી કાંઈ પણ કરેલું હોય, પારકા પાયખાનામાં મારાં મળમૂત્ર નાખ્યાં હોય એવું યાદ નથી. મારો પત્ર તમે ફાડી નાખશો એમ તમે લખો છો. પણ શા સારુ? મારો કાગળ તો… ફોડે છે અને આ કાગળ તો… પાસે જ લખાવું છું અને મારાં પત્નીએ પણ વાંચ્યો છે.’

આના જવાબમાં ગાંધીજીએ લખ્યું:

તમે એક પણ કાગળને કેવળ ખાનગી નથી માનતા એ વાંચીને મને મનુષ્યજાતિ વિશે વધારે અભિમાન થયું છે. મારો ગર્વ ઊતર્યો છે. હું એમ માનતો હતો કે એવો હું એક જ હોઈશ. તમે ચડ્યા, કેમ કે તમે એવા વાતાવરણમાં છો કે જ્યાં ખાનગી જીવનને જાહેર કરવું મુશ્કેલ હોય. …૮૫

૧૯૨૭ના મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન રત્નાગિરિ આવ્યા ત્યારે ગાંધીજી પોતાના ઘરમાં નજરકેદ રાખવામાં આવેલ શ્રી સાવરકરને ૧લી માર્ચના દિવસે મળ્યા હતા. તેની ટૂંકી નોંધ મહાદેવભાઈએ આમ લખી છે: ‘સભામાં જવા પહેલાં ગાંધીજી આંદામાન તપશ્ચર્યા કરી આવેલા ભાઈ સાવરકરને ઘેર જઈ આવ્યા હતા. પાંચદસ મિનિટમાં બહુ વાતો થાય એમ તો નહોતું. અસ્પૃશ્યતા અને શુદ્ધિ વિશેના ગાંધીજીના વિચારોનું છાપામાં આવતું વિપરીત સ્વરૂપ ફેડવાની અહીં એમને તક મળી. પણ વધારે ચર્ચાને માટે એમણે ભાઈ સાવરકરને પત્રવ્યવહાર કરવા વિનંતી કરી. ‘સત્યના ચાહનારા તરીકે, સત્ય માટે મરણ પર્યંત લડનાર તરીકે તમારે માટે મને કેટલો આદર છે તે તમે જાણો છો. આખરે આપણું બંનેનું ધ્યેય તો એક જ છે. એટલે તમે જે જે બાબતમાં મારી સાથે ચર્ચા કરવા માગો તે બાબતમાં ખૂબ પત્રવ્યવહાર ચલાવો. અને તમે ઇચ્છો તો ખાદી, શુદ્ધિ વગેરે બાબત તમારી સાથે ચોખવટ કરી લેવા હું મારા રોકાઈ ગયેલા સમયમાંથી પણ તમારે માટે બેત્રણ દહાડા કાઢી રત્નાગિરિ તમારી સાથે રહેવાને તૈયાર છું. શ્રી સાવરકરે: ‘તમને મુક્તને હું બંદી બનાવવા ઇચ્છતો નથી.’ એમ કહી પત્રવ્યવહારની સૂચના વધાવી લીધી.’૮૬

રત્નાગિરિમાં લોકમાન્યનું સ્મરણ સ્વાભાવિક હતું. પણ ત્યાં ગાંધીજીએ એવો દાવો કર્યો કે જેનાથી ઘણાને નવાઈ લાગે:

લોકમાન્યના મંત્રને સિદ્ધ કરવા માટે લોકમાન્યનો મારા કરતાં વધારે અનુયાયી હું જાણતો નથી. મારા જેવા બીજા અનુયાયી હશે, પણ સ્વરાજમંત્રની સિદ્ધિ માટે મારા કરતાં કોઈ વધારે પ્રયત્ન કરે છે એમ હું નથી માનતો. કારણ, હું સમજી ગયો છું કે સ્વરાજ આપણો જન્મસિદ્ધ હક છે એટલું જ નહીં, પણ આપણું કર્તવ્ય છે, કારણ સ્વરાજથી આપણે જેટલા દૂર છીએ તેટલા મનુષ્યત્વથી દૂર છીએ, આપણી સર્વ શક્તિનો આવિર્ભાવ સ્વરાજ વિના અશક્ય છે. … હિંદુસ્તાનના ગરીબને માટે સ્વરાજ મેળવ્યા વિના સાચું સ્વરાજ નથી. અને ગરીબને પેટપૂરતું અન્ન મેળવી આપ્યા વિના તેમના સ્વરાજનો અર્થ નથી.૮૭

નોંધ:

૧.   गांधीजीनो अक्षरदेह – ૩૩ : પૃ. ૪૨૫.

૨.   જ્યાં જાઉં છું ત્યાં તું મારી સંગાથે, મારા હાથ ધરીને તું મને ચલાવે છે.

૩.   गांधीजीनो अक्षरदेह – ૩૩ : પૃ. ૪૨૫.

૪.   गांधीजीनो अक्षरदेह – ૩૬ : પૃ. ૧૧૫.

૫.   गांधीजीनो अक्षरदेह – ૩૪ : પૃ. ૨૫૮. આ રેલસંકટ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં આવ્યું હતું ત્યારે ગાંધીજી બેંગલોર હતા.

૬.   ચંદુલાલ ભ. દલાલ : गांधीजीनी दिनवारी : પૃ. ૨૪૨, પાદટીપ-૧.

૭.   महादेवभाईनी डायरी – ૯ : પૃ. ૩૫.

૮.   એજન, પૃ. ૯.

૯.   ૧૮–૩–’૨૫ને રોજ.

૧૦.   महादेवभाईनी डायरी – ૭ : પૃ. ૨૯૨-૨૯૩.

૧૧.   महादेवभाईनी डायरी – ૮ : પૃ. ૭૬.

૧૨.   महादेवभाईनी डायरी – ૭ : પૃ. ૧૬૨.

૧૩.   એજન, પૃ. ૨૭૪.

૧૪.   महादेवभाईनी डायरी – ૮ : પૃ. ૩.

૧૫.   જવાહરલાલ નેહરુ મ્યુઝિયમના ‘દેવદાસ પેપર્સ’ના ૨૧–૫–’૨૫ના એક હસ્તલિખિત પત્રનો અંશ.

૧૬.   પ્રકાશક: એસ.ગણેશન, ૧૯૨૮.

૧૭.   સંપાદક: નરહરિ પરીખ: गांधीजीनुं गीताशिक्षण.

૧૮.   गांधीजीनो अक्षरदेह – ૨૬ : પૃ. ૨૭૯.

૧૯.   महादेवभाईनी डायरी – ૮ : પૃ. ૧૮૩.

૨૦.   गांधीजीनो अक्षरदेह – ૨૭ : પૃ. ૨૮૧.

૨૧.   શ્રી મથુરાદાસભાઈ બીમારીને લીધે દેવલાલી ગયા હતા. ગાંધીજી સાથેના કામને લીધે મહાદેવભાઈ દેવલાલી નહોતા જઈ શક્યા. દેવદાસભાઈ ત્યાં જઈ આવ્યા હતા.

૨૨.   गांधीजीनो अक्षरदेह – ૩૦ : પૃ. ૫૧.

૨૩.   કાકાસાહેબ કાલેલકર: बापुनी झांखी : પૃ. ૪૬-૪૭.

૨૪.   महादेवभाईनी डायरी – ૧૧ : પૃ. ૧૫૭.

૨૫.   ચક્રવર્તી રાજગોપાલાચારી.

૨૬.   महादेवभाईनी डायरी – ૧૧ : પૃ. ૧૫૭.

૨૭.   ફૂટનોટ રદ કરી છે.

૨૮.   महादेवभाईनी डायरी – ૧૦ : પૃ. ૧૫૩.

૨૯.   महादेवभाईनी डायरी – ૮ : પૃ. ૪૨૮.

૩૦.   महादेवभाईनी डायरी – ૧૦ : પૃ. ૨૬૩.

૩૧.   નંદનો પરિચય કરાવ્યો ૧૯૨૫માં.

૩૨.   સંત ફ્રાંસિસનું જીવનચરિત્ર લખ્યું ૧૯૩૪માં.

૩૩.   ખાદી કેળો: સાબરમતી હરિજન આશ્રમ હસ્તલિખિત માસિક, मधपूडो: ૧૯૨૬.

૩૪.   महादेवभाईनी डायरी – ૭ : પૃ. ૩૪.

૩૫.   એજન, પૃ. ૧૭૫.

૩૬.   महादेवभाईनी डायरी – ૮ : પૃ. ૧૮૧.

૩૭.   એજન, પૃ. ૨૯૨.

૩૮.   महादेवभाईनी डायरी – ૯ : પૃ. ૪-૫.

૩૯.   બિહારમાં છાત્રસંમેલનના અધ્યક્ષ તરીકેનું આખું ભાષણ. महादेवभाईनी डायरी-૧૦: પૃ. ૧૨૩થી ૧૩૨.

૪૦.   महादेवभाईनी डायरी – ૮ : પૃ. ૪૩૭.

૪૧.   એજન, પૃ. ૪૩૮.

૪૨.   એજન, પૃ. ૩૭૨.

૪૩.   એજન, પૃ. ૮૭.

૪૪.   ગાંધી સંગ્રહાલય-સાબરમતીના પત્રસંગ્રહ ક્રમાંક એસએન/૧૦૫૦૮માંથી.

૪૫.   બન્ને નિવેદનો महादेवभाईनी डायरी – ૭ : પરિશિષ્ટમાં છે અને गांधीजीनो अक्षरदेह – ૨૬ : પૃ. ૩૦૧.

૪૬.   महादेवभाईनी डायरी – ૭ : પૃ. ૪. પત્ર પર તારીખ લખેલી નથી.

૪૭.   શ્રી નારણદાસ ગાંધી.

૪૮.   गांधीजीनो अक्षरदेह – ૨૮ : પૃ. ૧૮૫.

૪૯.   મીરાંબહેન. એ સાબરમતી આશ્રમમાં પહેલવહેલાં તા. ૭–૧૧–’૨૫ના રોજ આવ્યાં હતાં.

૫૦.   महादेवभाईनी डायरी – ૮ : પૃ. ૩૬૫થી ૩૬૯.

૫૧.   महादेवभाईनी डायरी – ૨૦ : પૃ. ૧૪૪.

૫૨.   गांधीजीनो अक्षरदेह – ૨૮ : પૃ. ૩૧૪.

૫૩.   शुक्रतारक समा महादेवभाई: પૃ. ૧૦૧.

૫૪.   गांधीजीनो अक्षरदेह – ૩૪ : પૃ. ૩૭૭.

૫૫.   महादेवभाईनी डायरी – ૮ : પૃ. ૧૪૬.

૫૬.   બંગાળીમાં આ હિંસાનો અર્થ ઇર્ષ્યા થાય.

૫૭.   महादेवभाईनी डायरी – ૮ : પૃ. ૨૧૭.

૫૮.   એજન, પૃ. ૨૫૭.

૫૯.   એજન, પૃ. ૨૨૨.

૬૦.   એજન, પૃ. ૨૪૮.

૬૧.   महादेवभाईनी डायरी – ૭ : પૃ. ૩૧૬.

૬૨.   महादेवभाईनी डायरी – ૧૦ : પૃ. ૧૪૬.

૬૩.   महादेवभाईनी डायरी – ૮ : પૃ. ૫.

૬૪.   यंग इन्डिया ૩૦–૧૨–’૨૬ : गांधीजीनो अक्षरदेह – ૩૨ : પૃ. ૩૯૦.

૬૫.   महादेवभाईनी डायरी – ૯ : પૃ. ૧૫૬.

૬૬.   એજન, પૃ. ૧૫૫.

૬૭.   महादेवभाईनी डायरी – ૭ : પૃ. ૨૧૮થી ૨૨૭.

૬૮.   શાંતિપર્વ: ૧૫૬-૬૪, મૂળ ‘नास्ति सत्यात्परोधर्म’ એમ છે.

૬૯.   વનપર્વ: ૧૬૮-૬૯.

૭૦.   નિકટથી પસાર થવાની મનાઈ.

૭૧.   महादेवभाईनी डायरी – ૭ : પૃ. ૨૨૯-૨૩૦માંથી સારવીને.

૭૨.   સત્યાગ્રહીઓ રસ્તા ઉપર વાડ આગળ ઊભા રહીને ભજનો ગાતા હતા.

૭૩.   महादेवभाईनी डायरी પૃ. ૨૩૪થી ૨૩૮માંથી સારવી.

૭૪.   એજન, પૃ. ૨૪૪.

૭૫.   गांधीजीनो अक्षरदेह પૃ. ૩૫૫-૩૫૬.

૭૬.   महादेवभाईनी डायरी – ૭ : પૃ. ૧૪.

૭૭.   गांधीजीनो अक्षरदेह – ૨૬ : પૃ. ૩૭.

૭૮.   गांधीजीनो अक्षरदेह – ૩૧ : પૃ. ૮૯.

૭૯.   महादेवभाईनी डायरी – ૭ : પૃ. ૩૮.

૮૦.   એજન, પૃ. ૮૮.

૮૧.   महादेवभाईनी डायरी – ૮ : પૃ. ૪૨૬-૪૨૭.

૮૨.   એજન, પૃ. ૧૭૯.

૮૩.   એજન, પૃ. ૩૨૦.

૮૪.   એજન, પૃ. ૩૪૧.

૮૫.   महादेवभाईनी डायरी – ૭ : પૃ. ૧૩૭-૧૩૮.

૮૬.   महादेवभाईनी डायरी – ૧૦ : પૃ. ૨૨૪.

૮૭.   એજન, પૃ. ૨૧૯.

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.