પરિશિષ્ટ ૧ – મહાદેવભાઈની જીવનયાત્રા

૧૮૯૨:

જન્મ: તા. ૧–૧–૧૮૯૨, સ્થળ: સરસ, તા. ઓલપાડ, જિ. સુરત. મૂળ વતન દિહેણ, તા. ઓલપાડ, જિ. સુરત.

પિતા: હરિભાઈ સુરભાઈ દેસાઈ.

માતા: જમનાબહેન હરિભાઈ દેસાઈ.

૧૮૯૯:

યજ્ઞોપવીત ધારણ કર્યું. માતાનું અવસાન.

૧૯૦૧:

સુધી: પિતાની બદલી થાય તેમ ગામો બદલતાં પ્રાથમિક શિક્ષણ લીધું.

૧૯૦૧:

દિહેણની મણિશંકર માસ્તરની અંગ્રેજી શાળામાં દાખલ થયા. ત્રણ વર્ષનો અભ્યાસ દોઢ વર્ષમાં પૂરો કર્યો.

૧૯૦૨:

જૂનાગઢમાં અંગ્રેજી ચોથા ધોરણમાં દાખલ થયા.

૧૯૦૩:

પિતાની બદલી અડાજણ ગામે થતાં ત્યાં રહી સુરત હાઈસ્કૂલમાં ભણવાનું ગોઠવ્યું.

૧૯૦૪:

સુરત પાસે હજીરા નજીક દામકા ગામે શરમાળ મહાદેવે પરદા પાછળ રહીને દારૂ-તાડી વિરુદ્ધ ભાષણ આપ્યું.

૧૯૦૫:

નવસારી પાસે કાલિયાવાડીનાં દુર્ગાબહેન ખંડુભાઈ દેસાઈ જોડે લગ્ન.

૧૯૦૬:

૧૪ વર્ષની ઉંમરે સુરત શહેરમાં મૅટ્રિકમાં પ્રથમ નંબરે પાસ થયા.

૧૯૦૭:

મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રવેશ. ગોકુળદાસ તેજપાલ બોર્ડિંગમાં મફત ભોજન-નિવાસની વ્યવસ્થા થઈ.

૧૯૦૮:

કૉલેજના પુસ્તકાલયમાંથી સાહિત્ય ઉપરાંત દર્શનશાસ્ત્રના ગ્રંથોનો અભ્યાસ.

૧૯૦૯:

અંગ્રેજીમાં કાવ્ય લખવાનો આરંભ. પણ એક સમભાવી અધ્યાપકે કાવ્ય લખવા બાબત ઉતાવળ ન કરવાની સલાહ આપી, તેથી તે પ્રવૃત્તિ સમેટી. अेल्फिन्स्टोनियन નામની કૉલેજ-પત્રિકામાં ‘ભોળાશંભુ’ના તખલ્લુસથી લખવા માંડ્યું.

૧૯૧૦:

બી. એ. થયા. મુંબઈમાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર્સની ઑફિસમાં માસિક રૂ. ૬૦/-ના પગારથી નોકરી. ભાષાંતર કરવાનો અનુભવ. ટિળક મહારાજના गीता रहस्यનો અભ્યાસ.

૧૯૧૧:

એલએલ. બી.ની પ્રથમ વર્ષની પરીક્ષામાં પાસ.

૧૯૧૩:

એલએલ. બી. થયા. ઇક્વિટીના વિષયમાં યુનિવર્સિટીમાં પ્રથમ.

૧૯૧૫:

ગુજરાત ફાર્બસ સભાની ઇનામી જાહેરાતમાં લૉર્ડ મોર્લીની ऑन कॉम्प्रोमाइझનું ભાષાંતર કરવા સારુ પસંદગી થઈ અને રૂ. ૧,૦૦૦નું ઇનામ મેળવ્યું. જૂન માસમાં અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલ તરીકે સનદ લીધી. બંગાળીનો અભ્યાસ કર્યો. રવીન્દ્રનાથ ઠાકુરની चित्रांगदाનું સફળ ભાષાંતર. ૪–૭–૧૯૧૫ના રોજ અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં ગાંધીજીનાં પ્રથમ દર્શન. પ્રથમ મુલાકાતે જ એમના ચરણોમાં બેસવાની વૃત્તિ પ્રગટી.

૧૯૧૬:

પિતાશ્રી અધ્યાપક તરીકેની નોકરીમાંથી નિવૃત્ત થતાં મહાદેવભાઈએ સહકારી બૅન્કના ઇન્સ્પેક્ટર તરીકે નોકરી સ્વીકારી.

૧૯૧૭:

૨–૧૧–૧૯૧૭, ગોધરાની રાજકીય પરિષદ વખતે દુર્ગાબહેન સાથે ગાંધીજી પાસે આવ્યા.

૬–૧૧–૧૯૧૭થી ગાંધીજી સાથે ચંપારણની યાત્રામાં.

૧૩–૧૧–૧૯૧૭થી ડાયરી લખવાનો આરંભ.

૨૫–૧૧–૧૯૧૭ પિતાની અનુમતિ લઈ ગાંધીજીને ચરણે જીવન સમર્પણ.

૧૯૧૮:

અમદાવાદના મિલમજૂરોની લડતમાં ગાંધીજી જોડે.

ખેડા સત્યાગ્રહ અને સૈનિક ભરતીના કામમાં ગાંધીજી જોડે.

૧૯૧૯:

પંજાબ-પ્રવેશનો મનાઈહુકમ ભંગ કરતાં ગાંધીજી ભારતમાં પહેલી વાર ગિરફતાર થયા ત્યારે તેમણે મહાદેવભાઈને પોતાના ‘વારસ’ કહ્યા. મહાદેવભાઈએ પોતાનો એવો કોઈ અધિકાર ન સ્વીકારતાં હનુમાનને આદર્શ રાખી સેવા કરતાં તરી જવાની નેમ રાખી.

સાબરમતી આશ્રમમાં ટાઇફૉઈડની લાંબી માંદગી.

૧૯૨૦:

ચિત્તરંજન દાસ, મોતીલાલ નેહરુ, રવીન્દ્રનાથ ઠાકુર વગેરે અનેક નેતાઓ જોડે અંગત પરિચય સધાયો.

કૉંગ્રેસ અને ખિલાફત કમિટીની બેઠકમાં હાજરી. ગાંધીજી સાથે પંજાબ અને દક્ષિણ ભારતની મુસાફરી.

૧૯૨૧:

મોતીલાલ નેહરુના इन्डिपेन्डन्ट પત્રના તંત્રીપદે અલાહાબાદમાં. પ્રેસ બંધ થતાં હસ્તલિખિત દૈનિક કાઢ્યું.

પ્રથમ ગિરફતારી અને કારાવાસ ૨૪–૧૨–૧૯૨૧.

૧૯૨૨:

નૈની, આગ્રા અને લખનૌ જેલમાં. જેલવાસ દરમિયાન विराजवहु અને त्रण वार्ताओનો અનુવાદ. ઉર્દૂ ભાષાનું શિક્ષણ. બહેન શાંતાનાં લગ્નમાં હાજર ન રહી શક્યા.

૧૯૨૩:

જાન્યુઆરીની ૨૩મીએ લખનૌ જેલમાંથી મુક્તિ. नवजीवन સારુ લખવા માંડ્યું. કાકાસાહેબ જેલ જતાં नवजीवनના તંત્રી બન્યા. પિતાશ્રીનું હૃદયરોગના હુમલાથી અવસાન.

૧૯૨૪:

ગાંધીજી જેલમાંથી છૂટતાં नवजीवनનું તંત્રીપદ તેમને સોંપ્યું. તેમના ૨૧ દિવસના કોમી એખલાસ ઉપવાસ વખતે તે જવાબદારી ફરી સંભાળી. બેલગામ કૉંગ્રેસ વખતે પ્રમુખ તરીકેની તેમની કામગીરીનો તાદૃશ ચિતાર આપ્યો.

પુત્ર નારાયણનો જન્મ.

૧૯૨૫:

सत्याग्रहनी मर्यादा અને अर्जुनवाणीનું પ્રકાશન. ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી ભાષાંતર यंग इन्डियाમાં ક્રમશ: પ્રસિદ્ધ થવા લાગ્યું. ગાંધીજી સાથે આખા દેશમાં ભ્રમણ.

૧૯૨૬:

સાબરમતી આશ્રમમાં ગાંધીજીનાં ગીતા અંગેનાં વ્યાખ્યાનોની નોંધ શ્રી પૂંજાભાઈ સાથે લીધી. તેને આધારે પાછળથી गांधीजीनुं गीता-शिक्षण પુસ્તક છપાયું.

સત્યાગ્રહ આશ્રમના કાર્યવાહક મંડળના પ્રમુખ નિમાયા.

૧૯૨૭:

नवजीवनમાંના લેખો સારુ ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક.

ગાંધીજી સાથે શ્રીલંકા પ્રવાસ. એનાં વર્ણનો પાછળથી विथ गांधीजी इन सिलोन રૂપે પ્રસિદ્ધ થયાં.

૧૯૨૮:

બારડોલી સત્યાગ્રહ અંગે સરદાર વલ્લભભાઈ જોડે અને પાછળથી તપાસસમિતિ જોડે. સાબરમતી આશ્રમમાં કૂવેથી લપસી જતાં લાંબો વખત ખાટલો ભોગવ્યો.

૧૯૨૯:

ગાંધીજી સાથે બ્રહ્મદેશનો બે અઠવાડિયાંનો પ્રવાસ. बारडोली सत्याग्रहनो इतिहासનું પ્રકાશન. શ્રી કુમારપ્પા સાથે માતર તાલુકાની આર્થિક તપાસ. લાહોર કૉંગ્રેસમાં હાજરી.

૧૯૩૦:

મીઠાના સત્યાગ્રહની તૈયારીરૂપે લખાણો. એ સત્યાગ્રહમાં આગેવાનીભર્યો ભાગ. ૨૬મી એપ્રિલે અમદાવાદમાં છ માસની સજા.

૧૯૩૧:

જેલમુક્તિ પછી ગાંધીજી સાથે ગોળમેજી પરિષદ વખતે ઇંગ્લંડમાં. પાછળથી તેમની સાથે યુરોપની યાત્રામાં. ઇંગ્લંડથી यंग इन्डियाનું સફળ સંપાદન. ગોળમેજી વખતના લેખો રાજાજી અને કુમારપ્પાએ अे नॅशन्स वॉइस રૂપે પ્રગટ કર્યા.

૧૯૩૨:

ગાંધીજી અને સરદાર પટેલ જોડે યરવડા જેલમાં.

૧૯૩૩:

જેલમુક્તિ પછી ઑગસ્ટમાં ફરી પકડાયા.

બેલગામની જેલમાં गीता अॅकोर्डिंग टु गांधी લખ્યું, જે એમના મરણ પછી પ્રગટ થયું.

૧૯૩૪–’૩૫: ગાંધીજી સાથે પ્રવાસ તેમ જ વર્ધામાં.

૧૯૩૬:

ગુજરાતી સાહિત્ય પરિષદના પત્રકારત્વ વિભાગના પ્રમુખ. જવાહરલાલ નેહરુની આત્મકથાનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયું.

૧૯૩૭:

સરકારી શાળામાં ન જવાના પુત્રના સંકલ્પને વધાવી લઈ પોતાના કામ મારફત શિક્ષણ આપવાની શરૂઆત કરી.

૧૯૩૮:

જગન્નાથપુરીમાં કસ્તૂરબા તથા દુર્ગાબહેન વગેરેના પ્રવેશને લીધે ગાંધીજી અકળાયા. તેથી ક્ષોભ અનુભવી મહાદેવભાઈ એમનો સાથ છોડવા તૈયાર થયા, પણ ગાંધીજીએ ઘસીને ના પાડી.

તબિયત લથડી.

૧૯૩૯:

રાજકોટ અને મૈસુર રાજ્યનાં પ્રજાકીય આંદોલનો અંગે ગાંધીજીની સૂચના મુજબ મહત્ત્વનો ભાગ ભજવ્યો.

૧૯૪૦:

ક્રાંતિકારી કેદીઓને છોડાવવા બંગાળ તેમ જ પંજાબમાં સફળ પ્રવાસ.

વ્યક્તિગત સત્યાગ્રહીઓની પસંદગી કરવાનું જવાબદારી ભરેલું કામ ગાંધીજીએ મહાદેવભાઈને સોંપ્યું.

૧૯૪૧:

તબિયત વધુ લથડી. અમદાવાદમાં કોમી હુલ્લડ વખતે શાંતિ સ્થાપવાનો સફળ પ્રયાસ.

૧૯૪૨:

‘ભારત છોડો’ આંદોલન વખતે ૯મી ઑગસ્ટે મુંબઈથી ગિરફતાર. ૧૫મી ઑગસ્ટે પુણેના આગાખાન મહેલમાં ગાંધીજીના સાન્નિધ્યમાં અવસાન અને તેમના હાથે અગ્નિસંસ્કાર.

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.