બે – સંસ્કાર

ગીતાના છઠ્ઠા અધ્યાય ‘ધ્યાનયોગ’માં અર્જુને એક પ્રશ્ન ઉઠાવ્યો છે:

कच्चिन्नोभयविभ्रष्टश् छिन्नाभ्रमिव नश्यति ।
अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मण: पथि ।।
एतन् मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषत: ।
त्वदन्य: संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ।। (गीता, 6: 38, 39)

પામે નાશ નિરાધાર છૂટી કો વાદળી સમો,
બંનેથી એ થઈ ભ્રષ્ટ, ભૂલેલો બ્રહ્મમાર્ગને!
મારો સંશય આ, કૃષ્ણ! ઘટે સંપૂર્ણ ભાંગવો,
નથી આપ વિના કોઈ, જે આ સંશયને હણે. (ગીતાધ્વનિ, 6: 38, 39)

અને આ સંશયનો નાશ કરતાં શ્રીકૃષ્ણે બાંયધરી આપી કે:

पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।
न हि कल्याणकृत् कश्चिद् दुर्गतिं तात गच्छति ।। (गीता, 6:40)

અહીં કે પરલોકેયે એનો નાશ નથી કદી
બાપુ! કલ્યાણ-માર્ગે કો દુર્ગતિ પામતો નથી. (ગીતાધ્વનિ, 6-40)

કલ્યાણ કરનારની આ કે બીજા જન્મે કદી દુર્ગતિ થતી નથી એવા આશ્વાસન પછી તેઓ આગળ વધીને કહે છે:

प्राप्य पुण्य कृतांल्लोकान् उषित्वा शाश्वती: समा: ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ।। (गीता, 6.41)

પામી, એ પુણ્ય લોકોને, વસીને દીર્ઘકાળ ત્યાં,
શુચિ શ્રીમાનને ઘેર જન્મ લે યોગભ્રષ્ટ એ. (ગીતાધ્વનિ, 6:41)

યોગભ્રષ્ટ એવો આત્મા પવિત્ર અને પાવન કુળમાં જન્મ લે છે.

ગાંધીગીતા વિશે લખાયેલા પોતાના પુસ્તક ध गोस्पेल ऑफ सेल्फलेस अॅक्शन ઓર धी गीता अेकोर्डिंग टु गांधीમાં મહાદેવભાઈ યાદ અપાવે છે કે ગ્રીક ફિલસૂફ પ્લેટોએ પોતાની ‘ઍપૉલૉજી’માં આ જ વાત લગભગ સરખા શબ્દોમાં કહી છે કે એટલું ચોક્કસ જાણજે કે કલ્યાણકારી માણસનું આ જન્મમાં કે મૃત્યુ પછી પણ કદી કાંઈ અકલ્યાણ થતું નથી. અને कुराने शरीफे નોંધેલી ખાતરીનું પણ સ્મરણ કરાવે છે કે જે કોઈ સુકૃતો કરે છે અને જે શ્રદ્ધાવાન છે એના પ્રયાસોનો કદી ઇન્કાર થતો નથી.

ગીતા આગળ ચાલી એટલે સુધી કહે છે કે:

अथवा योगिनामेव कुले भवति धीमताम् ।
एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ।। (गीता, 6:42)

વા બુદ્ધિમાન યોગીના કુળમાં જન્મ એ ધરે,
ઘણો દુર્લભ તો આવો પામવો જન્મ આ જગે. (ગીતાધ્વનિ, 6:42)

અથવા તો એથીયે વધુ દુર્લભ એવા યોગીઓના કુળમાં જન્મ લે છે.

ગીતા આગળ કહે છે કે તે બુદ્ધિયોગ પ્રાપ્ત કરી સિદ્ધિ તરફ આગળ વધી (गीता, ૬:૪૩) પૂર્વાભ્યાસને કારણે યોગજિજ્ઞાસાથી તે વેદની વિધિને આંબી જાય છે (गीता, ૬:૪૪) અને પાપશુદ્ધિના સતત પ્રયત્નને લીધે છેવટે પરમ ગતિને પામે છે. (गीता, ૬:૪૫) અને અંતમાં ભારપૂર્વક કહે છે કે:

योगिनामपि सर्वेषां मद्गतेनांतरात्मना ।
श्रद्धावान् भजते यो मां स मे युक्ततमो मत: (गीता, 6:47)

યોગીઓમાંય સર્વેમાં, જે શ્રદ્ધાળુ મને ભજે,
મારામાં ચિત્તને પ્રોઈ તે યોગી શ્રેષ્ઠ મેં ગણ્યો. (ગીતા, 6:47)

પણ જે મારામાં અંતરને પ્રવિષ્ટ કરી મને શ્રદ્ધાથી ભજે છે તે સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ છે.

મહાદેવભાઈનો જન્મ પણ દુર્લભ એવા યોગીઓના કુળમાં થયો હતો.

માતા જમનાબહેને તો માત્ર બત્રીસ વર્ષમાં જ જીવનલીલા આટોપી લીધી હતી. તેમાંય મહાદેવને તો એમણે માત્ર સાત વર્ષનો જ કર્યો હતો. સાતમે વર્ષે જનોઈ દીધી. આપણી સાંસ્કૃતિક કલ્પના મુજબ મહાદેવ યજ્ઞોપવીત દ્વારા ‘દ્વિજ’ થયા અને એ જ વર્ષે માતાએ વિદાય લીધી. જાણે કે મહાદેવને જન્મ આપવો એ જ જમનાબહેનનું અવતારકૃત્ય હતું.

પિતાશ્રીની નોકરી ત્યારે ઓલપાડ તાલુકાના સરસ ગામની એક ઓરડાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની હતી. માતાપિતાના સંતાનપ્રાપ્તિના કોડ પહેલાં ત્રણચાર વાર સુવાવડ પછી માને પૂરું દૂધ ન આવવાને કારણે પૂરા થવાના બાકી રહી ગયા હતા. છેલ્લી સુવાવડ પહેલાં પ્રકૃતિથી જ ભક્ત સ્વભાવનાં જમનાબહેને પોતાનાં મનપ્રાણ-અંતરાત્માને ભક્તિમાં લીન કરી દીધાં હતાં. મહિના રહ્યા એની જાણ થતાં જ રોજ સવારે વહેલાં ઊઠી સ્નાનાદિથી પરવારી, હાથમાં બીલી અને પુષ્પોની અંજલિ લઈ જમનાબહેન, ઉઘાડે પગે, સિદ્ધનાથ મહાદેવ જાય છે, આજે જ્યાં સરસ ગામના કુંભારવાડામાં શ્રી મગનભાઈ નારણભાઈ લાડનું ઘર છે તે ઘર ત્યારે કોઈ ઔદીચ્ય બ્રાહ્મણનું હતું. વરસો પહેલાં તે નારણભાઈએ રાખ્યું છે. ગામથી લગભગ સીધા પશ્ચિમ દિશામાં નાકની દાંડીએ સિદ્ધનાથ મહાદેવ તરફ જવાનો દોઢ-બે કિલોમીટરનો રસ્તો જાય છે, બેય તરફ લીમડા, આમલી, પીપળા, જાંબુનાં અને પીલવણ વગેરેનાં વૃક્ષો છે. વરસોવરસ દર્શને જતા લાખો યાત્રીઓની શ્રદ્ધા વડે પેશવાઈ કાળમાં નિર્મિત આ મહાદેવના રળિયામણા મંદિર પર શ્રદ્ધા-ભક્તિનો ઓપ ચડ્યો છે. વરસમાં એક વાર જમનાબહેનના મૂળ વતન દિહેણ ગામથી પણ શ્રદ્ધાળુ યાત્રીઓ બળદગાડાં જોડી બળદોના ઘૂઘરા ગજાવતા ત્યાં આવી પહોંચતા. જમનાબહેન પોતે પણ લગન પહેલાં અને લગ્ન પછી અનેક વાર આ રીતે સિદ્ધનાથનાં દર્શને આવી ચૂક્યાં હશે. પણ આ વખતે જમનાબહેનનાં પગલાંમાં વધુ ગાંભીર્ય હશે, વધુ ભક્તિ હશે, એમણે મનમાં મનમાં જ પોતાના અંતરાત્મા જોડે સંકલ્પ કર્યો હશે અને પ્રાર્થ્યું હશે, ‘હે ભોળા શંકર! આ વખતે તું મારા સંતાનને બચાવી લેજે. જો દીકરો આવશે તો તેને તારી કૃપા માનીને એનું નામ મહાદેવ રાખીશ અને દીકરી આવશે તો પાર્વતી રાખીશ. મારા હૃદયમાં જો ખરેખર પાર્વતી-શંકર વિરાજ્યાં હશે તો મારું બાળક અચૂક બચશે.’ જમનાબહેનની એ શ્રદ્ધા ફળી. સન ૧૮૯૨ના પહેલા દિવસે, એટલે કે જાન્યુઆરીની પહેલી તારીખ અને પોષ સુદ બીજને દિને સવારે નવ વાગ્યે તેમને જે બાળક જન્મ્યો તે બચ્યો. પિતાએ આ વખતે પહેલેથી દવાદારૂ કરવાની કાળજી રાખેલી પણ માતાના મનમાં તો દૃઢ વિશ્વાસ હતો કે મહાદેવજીની કૃપા ફળી છે. તેથી જ તેમણે જન્મરાશિ મુજબ નામ ‘જ’ કે ‘ઝ’ પરથી પાડવું જોઈતું હતું તેને બદલે દીકરાનું નામ મહાદેવ જ પાડવા આગ્રહ રાખ્યો. અને તે જ નામ સર્વમાન્ય બન્યું.

સાત વરસમાં જ જે માતાએ વિદાય લીધી હતી તેની યાદ મહાદેવને કેટલી રહે? દિહેણ ગામમાં જ એમનું પિયેર હતું. કણથડ પટેલવાળા એ ‘ફોગટ ફળિયા’માં મોસાળપક્ષે એવા પણ લોકો રહ્યા નહોતા કે જેમની પાસે મહાદેવે જમનાબા વિશે સાંભળ્યું હોય. એમને તો માત્ર એટલું જ યાદ હતું કે માતાનું મુખ ખૂબ સોહામણું હતું. એ ભક્તિપ્રવણ હતાં. કોઈ બાળકને વઢે તો એ સહન કરી શકતાં નહીં. છોકરાને બિવડાવવાથી એ બગડે છે એવી મનોવૈજ્ઞાનિક સૂઝ જમનાબહેનને હૈયાસૂઝથી આવેલી હતી. મહાદેવને માત્ર એટલું જ યાદ હતું કે એમની બા મારી ઉપર બહુ હેત કરતી અને ઘણી વાર એ મને શીરો બનાવીને ખવડાવતી. પતિના પંદર રૂપિયાના પગારમાં પણ તેઓનો સંસાર બાદશાહી રીતે ચલાવતી.

એમ કહેવાતું કે મહાદેવનું રૂપ મા જેવું અને કાઠું પિતા જેવું હતું.

પિતા હરિભાઈ મહાદેવથીયે ઊંચા એટલે કે, આશરે પાંચ ફૂટ ને અગિયાર ઇંચ ઊંચા અને ઊજળા વાનના હતા. એમના ચહેરા પર ચમકાટ હતો, જે આંતરિક પવિત્રતાનો આભાસ આપતો. આંખોમાંથી સ્નેહ નીતરતું, જે મોટપણમાં મહાદેવમાં વધુ સ્પષ્ટપણે દેખાઈ આવતું.

પિતામહ સુરભાઈ પાસેથી હરિભાઈએ એક બાજુથી ભક્તિનો અને બીજી બાજુથી ગરીબાઈમાં ગૌરવભેર રહેવાનો વારસો સારી રીતે સંભાળ્યો હતો. સુરભાઈ ગણપતિના પૂજક હતા. છેલ્લાં થોડાં વર્ષોથી ગુજરાતમાં ગણેશઉત્સવ વધુ લોકપ્રિય બન્યો છે. ગામેગામ, મહોલ્લે મહોલ્લે ગણપતિચોથને દિવસે ગણપતિ બેસાડવામાં આવે છે. અને અનંતચતુર્દશીએ સમારોહપૂર્વક એનું વિસર્જન થાય છે. આ ઉત્સવ હવે મહારાષ્ટ્રના ગણેશોત્સવની યાદ આપી જાય છે. પણ આજથી પંદર-વીસ વરસ પહેલાં પણ આ ઉજવણી આવી ધૂમધામથી નહોતી થતી, તો સો-સવાસો વરસ પહેલાં તો ક્યાંથી હોય? પણ તે કાળે પણ સુરભાઈ અત્યંત ભક્તિપૂર્વક અને ભારે સમારોહથી ગણેશની સ્થાપના કરતા અને અનંતચતુર્દશીને દિવસે ગણપતિવિસર્જન કરતી વખતે સરઘસ કાઢતા. તે દિવસે તેઓ સરઘસમાં જોડાનારા લોકોનું જમણ રાખતા. તે દિવસે પોતાની બધી ગરીબાઈ ભાવભક્તિની જાગીરી આગળ વિસારી દેતા. ગરીબી તો એવી કે વરસમાં કોઈ કોઈ વાર ભૂખ્યે પેટે દહાડા કાઢવાનો વારો આવે. ખેતી સારુ બળદ માત્ર એક એટલે સૂંઢલ કરીને ખેતી નિભાવે, પણ એ રીતેય બળદ મેળવવો મોંઘો પડે ત્યારે મોટા બે દીકરાઓ હરિભાઈ અને બાપુભાઈને હળ પર જોડીને પણ ખેડ કરતા. ગરીબ હતા પણ ગૌરવને કદી ઘવાવા દેતા નહીં. નવરાશનો સમય તો બધો જ ઈશ્વરભક્તિમાં જાય તેથી તેમને ટીલવા ફળિયાના લોકો સુરભાઈ ભગત કહીને બોલાવતા.

એમ તો દિહેણમાં એ લોકો જ્યાં રહેતા હતા તે આખા ફળિયાને ટીલવું ફળિયું એવું નામ મળેલું. તે સાર્થક હતું. મૂળ દેસાઈઓના આ પરિવારમાંથી સુરભાઈ કરતાં બેત્રણ પેઢી પહેલાં ગુલાબભાઈ કે મોનજીના જમાનામાં બે શાખાઓ થઈ ગયેલી. જેમને આર્થિક સુખની વિશેષ ચિંતા હતી તેમણે તાલુકાના કસબા ઓલપાડ ભણી ઉચાળા ભરેલા અને ત્યાં જમીન લીધેલી અને એને ક્રમશ: વધારેલી. બીજી શાખાએ દિહેણ ગામમાં રહીને જ પૂજાઅર્ચનામાં વધુ ધ્યાન આપેલું. આ શાખાનાં ટીલાંટપકાં જોઈને જ લોકો આખા ફળિયાને ટીલવું ફળિયું કહેતા. જેને અંગેનો ગર્વ ટીલાંટપકાં ગયાં ત્યાર પછીની પેઢીને પણ ઓછો નહોતો! ઓલપાડ જનાર પરિવારોને ‘દેસાઈગીરી’ પણ ખાસ્સી મળતી, દિહેણના લોકોની નહીંવત્ રહી ગઈ હતી.

કુટુંબમાં ખરેખર કોઈ પાસે મહાદેવભાઈએ વધુમાં વધુ સંસ્કાર મેળવ્યા હશે તો તે પિતા હરિભાઈ પાસે જ. માતાના મરણ પછી એમની દાદીએ નાના મહાદેવની કાળજી રાખેલી. તેમણે એક ગાય પાળેલી અને ગાયનાં દૂધ-ઘીને વેચીને સુરભાઈની આવકમાં તેઓ થોડો ટેકો કરતાં. પણ મહાદેવને પિતા અને માતા બંનેનો પ્રેમ આપવાની જવાબદારી તો હરિભાઈની જ થઈ ગઈ. એક પ્રાથમિક શિક્ષક તરીકે હરિભાઈની અવારનવાર એક ગામથી બીજે ગામ બદલી થતી. હરિભાઈ નાના મહાદેવને પોતાની સાથે રાખતા. આમ ત્રણ-ચાર વર્ષ તો મહાદેવ સતત પિતાની સાથે રહ્યા. તે ગાળામાં નાજુક મહાદેવના શરીરની ચિંતા હરિભાઈ સતત રાખતા. મહાદેવને જરાક અસુખ જણાય તો હરિભાઈની આંખોમાં પાણી આવી જતાં. પણ શરીરની જાળવણી કરતાંયે હરિભાઈએ પુત્રના ચારિત્ર્યની અને એની કેળવણીની વધારે ચિંતા રાખી હતી. સુરત જિલ્લો એટલે કદાચ આખા દેશમાં વધુમાં વધુ ગાળ બોલનાર જિલ્લો. તેમાંયે અનાવિલ જાતિના લોકો તો એમની ભાષા ખાતર પંકાયેલા. બાળકો તો જ્યાં જેની વચ્ચે ફરે તેમના જેવી ભાષા બોલવા લાગી જાય. પણ હરિભાઈ પોતે તો કદી ગાળ બોલતા નહીં ને બીજા કોઈને પણ પોતાની હાજરીમાં ગાળ બોલવા દેતા નહીં. મહાદેવે જિંદગીમાં જો પિતાના હાથનો તમાચો ખાધો હોય તો તે એક વાર એમના મોંમાં અપશબ્દ આવી ગયો તેથી જ. બાકી સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમનું સૂત્ર જ્યારે પ્રચલિત હતું ત્યારે પણ હરિભાઈએ પ્રાથમિક શિક્ષક તરીકેની પોતાની કારકિર્દીમાં સોટીનો ઉપયોગ કર્યાની વાત સાંભળવામાં આવી નથી. શિક્ષક તરીકે એમની શિસ્ત તેથી જરાય ઓછી થતી નહોતી. એમની હાજરી જ વિદ્યાર્થીઓ સારુ શિસ્ત જાળવવા માટે પૂરતી હતી. હરિભાઈ ભણેલા માત્ર ગુજરાતી જ, પણ સંસ્કૃત ગ્રંથો નીચેની ટીકા કે ભાષાંતરને આધારે વાંચવાનો તેમને ભારે શોખ હતો. રામાયણ, મહાભારત, ગીતા અને ઉપનિષદોનો તેમણે આ રીતે સારો અભ્યાસ કર્યો હતો. એના અનેક શ્લોકો તેમણે મોઢે કર્યા હતા. કેટલીક વાર તેઓ આ શ્લોકો છોકરાઓને સમજાવતા પણ ખરા.

હરિભાઈ નિર્વ્યસની હતા અને એમનાં બાળકો પણ નિર્વ્યસની રહે તેના આગ્રહી હતા. એમના સરળ, નિખાલસ અને તેજસ્વી સ્વભાવની અસર આસપાસના લોકો પર પડતી. વર્ષોની નોકરી દરમિયાન તકવાડા (તા. પારડી), સરસ, અડાજણ, વલસાડ, વાલોડ વગેરે અનેક ઠેકાણે કામ કરી ચૂક્યા હતા. જ્યાં ગયા ત્યાં તેમણે વિદ્યાર્થીઓનાં જ નહીં પણ ગ્રામજનોનાં પણ માન અને સ્નેહ સંપાદન કર્યાં હતાં. એમની સ્મરણશક્તિ તીવ્ર અને બુદ્ધિ તીક્ષ્ણ હતી. અક્ષર સુંદર હતા. ગુજરાતી સાહિત્યનું તેમનું વાચન વિશાળ હતું.

ગણિત એમનો પ્રિય વિષય. એમ તો એમના વચેટ ભાઈ બાપુભાઈ ઓછું ભણેલા છતાં ગણિતના ખાં હતા. મહાદેવભાઈ કહેતા કે બાપુકાકા જો ભણ્યા હોત તો ગણિતના રૅંગલર થાત. એમ તો એ તલાટીની નોકરી કરતા, પણ રજાઓમાં જ્યારે ગામની હાઈસ્કૂલના શિક્ષકો દિહેણ આવે ત્યારે ઉચ્ચ ગણિતના અઘરા દાખલાઓનું ગુજરાતી ભાષાંતર કરી બાપુભાઈ આગળ રજૂ કરતા અને તેઓ તેને સરળતાથી ઉકેલી આપતા. એક વાર કોઈ ખાસ પ્રસંગે ઘરે બે ગાડાં ભરીને સામાન આવેલો તે સામાનનાં નંગ, વજન, કિંમત વગેરે તેમણે ઘેર આવ્યા પછી મોઢે લખાવેલાં.

હરિભાઈ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા. ગણિત શીખવવા વિશે એમનો આગ્રહ એવો કે ગણિતના પુસ્તકનો તો ઉપયોગ એને જ કરવો પડે કે જેનું ગણિતનું જ્ઞાન અધૂરું હોય. તેથી તેઓ બધા દાખલા મોઢે જ લખાવતા. ગણિતની નવી નવી પદ્ધતિઓ શીખવતા જાય અને મનમાં મનમાં દાખલાઓ ગોઠવીને પાટિયા પર લખાવતા જાય. ગણિતશિક્ષક તરીકે એમનો આત્મવિશ્વાસ પણ ભારે હતો. એમના મરણ બાદ પાંત્રીસેક વર્ષ પછી આ લેખક જોડે વાલોડના એક વૃદ્ધ નાગરિકનો થયેલો નીચેનો સંવાદ શિક્ષક તરીકેના હરિભાઈના ગૌરવને સમજવામાં કામ લાગે એવો છે:

‘હેં, તમે મહાદેવ હરિભાઈના દીકરા?’

‘જી હા.’

‘તમારા દાદાનો મારી ઉપર ખૂબ ઉપકાર ચડેલો છે.’

‘તે વળી કઈ રીતે?’

‘હરિભાઈ માત્ર ત્રણ માસ વાલોડની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે આવેલા. ત્યારે હું ફાઇનલમાં ભણું. ત્રણ મહિના પછી એમની ક્યાંક બદલી થઈ, અને ત્યાર બાદ થોડે વખતે મેં ફાઇનલની પરીક્ષા આપી. ને તેમાં હું નાપાસ થયો. થોડા દિવસ પછી તેઓ મને અચાનક સુરતમાં મળી ગયા. મેં તેમને જયજય કર્યા એટલે એમણે ખબરઅંતર પૂછ્યા. મેં એમને કહ્યું કે ફાઇનલમાં નાપાસ થયો. ત્યારે તેમણે પૂછ્યું કે “કયા વિષયમાં?” મેં કહ્યું કે “ગણિતમાં.” તો કહે કે “તેવું બને નહીં. મારી પાસે ત્રણ મહિના ભણેલો છોકરો ગણિતમાં નાપાસ થાય નહીં.” પછી તો એમણે જાતે ફી ભરીને મારું ગણિતનું પેપર ફરી તપાસાડાવ્યું ને હું પાસ નીકળ્યો! નહીં તો મારું ભણતર જ ત્યાંથી અટકી જાત.’

પોતે ત્રણ માસ સુધી ગણિત શીખવ્યું હોય તેવો વિદ્યાર્થી પોતાના વિષયમાં નાપાસ ન થાય એવો આત્મવિશ્વાસ ધરાવનાર પ્રાથમિક શાળાના શિક્ષકો આજે કેટલા મળશે?

હરિભાઈના સ્વમાનીપણા વિશેનો એક સરસ કિસ્સો શ્રી નરહરિ પરીખે महादेवभाईનું पूर्वचरित પુસ્તકમાં નોંધ્યો છે: ‘અમદાવાદમાં રજાઓમાં ટ્રેનિંગ કૉલેજની વિદ્યાર્થિનીઓનો એક દસબાર દિવસનો નાનો પ્રવાસ ત્યાંની ઍગ્લો-ઇન્ડિયન લેડી સુપરિન્ટેન્ડેન્ટે ગોઠવેલો. જવાને આગલે દિવસે તેના કોઈ મિત્રે એને મળવા બોલાવી એટલે એણે હરિભાઈને ચિઠ્ઠી લખીને જણાવ્યું કે કાલે વિદ્યાર્થીઓ સાથે પ્રવાસમાં તમારે જવું. એમનો તો પિત્તો ઊછળ્યો, તરત જ લેડી સુપરિન્ટેન્ડેન્ટને જવાબ આપ્યો કે વિદ્યાર્થિનીઓ સાથે પ્રવાસમાં જવાનું કામ મારું હોય નહીં. હું આ ઉંમરે આવી રખડપટ્ટી કરી શકું નહીં. એટલું જ નહીં પણ તમો સાથે જાઓ એ જ શોભે, એ તમારી ફરજ છે. પેલી બિચારી ટાઢી થઈ ગઈ અને જવાનું કહેવા માટે દિલગીરી દર્શાવી. આમ કોઈ પણ પ્રસંગે અને જ્યાં જાય ત્યાં એમના સ્વમાનીપણાનો અને સંસ્કારિતાનો પ્રભાવ પડ્યા વિના રહેતો નહીં.’

હરિભાઈને ભજનો ગાવાનો પણ બહુ શોખ હતો. પરોઢિયે ઊઠીને પથારીમાં બેઠા બેઠા ભજનો ગાતા.

ભજનોનો શોખ મહાદેવભાઈને વારસામાં મળેલો. પાછળથી ગામમાં સુરજી શંકરજી કરીને એક ડિગ્રી વિનાના દાક્તર આવેલા. તેમને સંગીત સારું આવડતું. મહાદેવ એમની પાસે સંગીત શીખતા અને કેટલાક શાસ્ત્રીય રાગો પણ શીખેલા.

હરિભાઈએ જમનાબહેનના અવસાન પછી જલાલપુર તાલુકાના એરુ ગામનાં ઇચ્છાબહેન જોડે લગ્ન કર્યાં હતાં. ઇચ્છાબહેનની ઉંમર તો મહાદેવભાઈથી માત્ર ત્રણેક વર્ષ જ વધારે હતી. તેથી મહાદેવ તેમને ‘ઇચ્છા’ કહીને જ સંબોધતા. નાનપણમાં બન્ને જણ ઘણી વાર સાથે મળીને ચોપાટ પણ રમતાં, પણ મોટપણમાં મહાદેવે ઇચ્છાબાનું મા તરીકે પૂરું સન્માન રાખ્યું હતું. ઇચ્છાબહેન પોતે પણ જાજરમાન વ્યક્તિત્વવાળાં હતાં.

કુટુંબીજનોમાં મહાદેવના સંસ્કાર પર જેણે પ્રભાવ પાડ્યો હોય એવું વ્યક્તિત્વ, જેમને સ્વામી આનંદ ‘મહાદેવથી મોટેરા’ કહીને નવાજ્યા છે તે પિતરાઈ ભાઈ છોટુભાઈનું હતું. પિતા બાપુભાઈ જેવી જ તીક્ષ્ણ બુદ્ધિ, કઠણ શરીર, કષ્ટ સહન કરવાની શક્તિ, અને કોઈ પણ સંકટકાળે એનો તરત ઉકેલ કાઢવાની સમયાનુવર્તિતા એમનામાં અસાધારણ હતી. એમના તથા નાના ભાઈ મગનની (અથવા ખંડુભાઈના દીકરા ગુલાબની) જનોઈ મહાદેવની સાથે એક જ માંડવે દેવાયેલી. અડાજણ ગામનાં ખેતરો ખૂંદીને રસ્તે બોર ખાતાં જઈ, તાપી નદી પરનો હોપ પુલ ઓળંગી, સુરત હાઈસ્કૂલ સુધી ચાલતા જવામાં પણ મહાદેવને છોટુભાઈનો રોજનો સંગાથ હતો. બંને પિતરાઈ ભાઈઓનો સ્વભાવ સાવ જુદો જુદો પણ પરસ્પર સ્નેહ અગાધ. છોટુભાઈ ટીખળી અને તોફાની. મહાદેવને રમતગમતનોયે શોખ નહીં. છોટુભાઈ બંડખોર, મહાદેવ શરમાળ અને આજ્ઞાંકિત. પણ છોટુભાઈનાં રોજેરોજનાં નવાં નવાં ધિંગાણાંમાં કોઈ કોઈ વાર મહાદેવને સાથ આપવો પડતો. મહાદેવ કોઈ વાર પોતાના શરમાળપણા કે બીકને લીધે પાછળ રહી જાય અથવા કંઈક સાહસ કરતાં ખંચકાય તો છોટુભાઈ એની વહારે ધાતા. મહાદેવને તરતાં નહોતું આવડતું તો છોટુભાઈને કુંડમાં ધૂબકા મારવાનો શોખ. મહાદેવ કુંડમાં ઊતરીને વચ્ચે આવી કપડાં ધોતાં બીએ તો છોટુભાઈ એનાં કપડાં ધોઈ આપે. મહાદેવને કૂવેથી પાણી ખેંચતાં હાથમાં ફોલ્લા પડે તો છોટુભાઈ એમાંથીયે એને મુક્તિ અપાવે. ૧૯૦૪માં પ્લેગને લીધે હરિભાઈને અડાજણ છોડી હજીરા પાસેના દામકા ગામમાં રહેવા જવું પડેલું. ત્યારે ત્યાંના ઉત્સાહી જુવાનિયાઓએ આ બે અંગ્રેજી ભણતા કિશોરો પાસે દારૂતાડીની વિરુદ્ધ ભાષણો કરાવેલાં. નીડર છોટુભાઈએ તો મંચ પર આવી પ્રેક્ષકોની સામે નિ:સંકોચપણે પોતાની છોડિયાંફાડ ભાષામાં ભાષણ ઠપકારેલું, પણ શરમાળ મહાદેવે પોતાના જીવનનું પ્રથમ ભાષણ કાંઈક સંસ્કારી ભાષામાં પણ, પડદાની પાછળ છુપાઈને કરેલું. બંને ભાઈઓને આખી જિંદગી સારું બન્યું, બંનેનાં કાર્યક્ષેત્ર ઘણાં વરસો સુધી જુદાં જુદાં પણ એકબીજાની વહારે હંમેશાં દોડી જાય. મહાદેવના મૃત્યુ પછી કેટલાય દિવસો સુધી છોટુભાઈ સેવાગ્રામ આવીને રહેલા અને સ્નેહીના મૃત્યુના આંચકાથી સુન્ન થઈ ગયેલા મહાદેવના પુત્ર નારાયણ અને ભાઈ પરમાનંદને પોતાના જીવનના અવનવા પ્રસંગો સંભળાવીને હસાવી હસાવીને એમનાં મન હળવાં કરેલાં. છોટુભાઈનો વિનોદ એટલો માર્મિક હતો કે મહાશોકમાં પડેલાં દુર્ગાબહેનના ચહેરા પર પણ કોઈ વાર આછા સ્મિતની રેખા આવી જતી. અને ખૂબી તો એ હતી કે છોટુભાઈનો તે વખતનો આખો વિનોદ મહાદેવના શોકમાંથી પોતાને કાઢવાનો પ્રયાસ હતો.

આમ ધાર્મિક, પ્રામાણિક, મહેનતુ, સાદું અને ચોખ્ખું જીવન ગાળનાર પરિવારમાં મહાદેવનો જન્મ થયો હતો. ચિત્તશુદ્ધિ અને સમાજક્રાંતિના જે યજ્ઞમાં મહાદેવનું પાછલું અડધું જીવન ગુજરવાનું હતું તેનું ઉત્તમ બીજ મહાદેવને વારસામાં મળ્યું હતું એમ કહી શકાય. આ સંસ્કારોની ગંગોત્રીથી જ મહાદેવની જીવનગંગા આગળ વહેવાની હતી.

એમના બાળપણની તથા કિશોરાવસ્થાની કેટલીક વધુ વાતો જાણીએ તે પહેલાં એ બાળપણ કેવા દેશકાળમાં વીત્યું એ જરા જોઈ લઈએ.

નોંધ:

૧.   નરહરિ પરીખ: महादेवभाईनुं पूर्वचरित, पृ. .

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.