ગાંધીજીના અંતરની અભિવ્યક્તિ આશ્રમો દ્વારા તો તેમની બાહ્યાભિવ્યક્તિ એમનાં પત્ર-પત્રિકાઓ દ્વારા થતી. જોકે એમના વ્યક્તિત્વમાં જેવો બાહ્યાભ્યંતર સમન્વય હતો તેવો સમન્વય આ બંને ક્ષેત્રોમાં પણ દેખાઈ આવતો. એટલે કે, સામાન્ય રીતે ગાંધીજીના ચિત્તશુદ્ધિ અને ગુણવિકાસ અંગેના પ્રયોગો આશ્રમોમાં થતા અને સમાજ, દેશ કે દુનિયાના પ્રશ્નો અંગેના તેમના વિચારો એમનાં સામયિકોમાં જોવા મળતા. પણ આફ્રિકા કે હિંદમાં એમનો કોઈ એવો આશ્રમ નહોતો કે જ્યાં કાર્યકર્તાના વિકાસની સાથે દેશના કોયડાઓનો સમન્વય ન સધાયો હોય, અને ગાંધીજીની કોઈ પત્રિકા એવી નહોતી કે જેમાં એમનું અંતરનિરીક્ષણ જોવા ન મળતું હોય. આમ આંતર્બાહ્ય બંને ક્ષેત્રોમાં અભેદ એ જ ગાંધીજીની મુખ્ય લાક્ષણિકતા ગણાવી શકાય.
સામાજિક કાર્યમાં પ્રવેશ કરતાંની સાથે જ ગાંધીજીને પોતાના વિચારો તથા કાર્યક્રમને જાહેર જનતા આગળ મૂકવા સારુ કોઈ ને કોઈ માધ્યમની જરૂર પડી હતી. શરૂઆતમાં તેઓ છાપાંઓજોગ પત્રો લખી અથવા કોઈ કોઈ વાર નિવેદનો બહાર પાડીને એ જરૂરિયાત પૂરી કરતા. પણ જેમ જેમ એમની પ્રવૃત્તિઓ વધતી ગઈ તેમ તેમ એમને પોતાના આગવા મુખપત્રની જરૂરિયાત લાગવા માંડી. એ જરૂરિયાતમાંથી શરૂ થયું इन्डियन ओपीनियन નામનું પત્ર, જેનાં લખાણો આજે એંશી વર્ષ પછી પણ અહિંસાના અભ્યાસીને સારુ ઉપયોગી સિદ્ધ થાય છે. इन्डियन ओपीनियन વિશેનાં ગાંધીજીનાં નીચેનાં વાક્યો તેમના દરેક કાર્યની આંતરબાહ્ય અભિન્નતાનાં દ્યોતક છે:
‘મારે હસ્તક હતું ત્યાં સુધીમાં એમાં થયેલા ફેરફારો મારી જિંદગીના ફેરફારો સૂચવનારા હતા. … એક પણ શબ્દ મેં વગર વિચાર્યે, વગર તોળ્યે લખ્યો હોય… એવું મને યાદ નથી. મારે સારુ એ છાપું સંયમની તાલીમ થઈ પડ્યું હતું. મિત્રોને સારુ મારા વિચારો જાણવાનું વાહન થઈ પડ્યું હતું… એ છાપા વિના સત્યાગ્રહની લડત ન ચાલી શકત.’૧
ભારતમાં આવતાંની સાથે જ ગાંધીજીએ કોઈ સામયિક શરૂ કર્યું નહોતું, કારણ છાપાં ચલાવવાં એ તેમનો વ્યવસાય નહોતો. પણ પરિસ્થિતિની જરૂરિયાતમાંથી પત્રકારત્વ એમની પાસે આવી પૂગ્યું.
શરૂઆતમાં તો અવારનવાર કોઈ ને કોઈ ચાલુ છાપાંઓમાં પત્ર, નિવેદન કે લેખ આપીને થઈ. આપણે જે ગાળાનો વિચાર કરી રહ્યા છીએ તે અરસામાં મુંબઈનું बॉम्बे क्रॉनिकल છાપું રાષ્ટ્રીય આંદોલનનું સમર્થક છાપું ગણાતું. તેના અંગ્રેજ તંત્રી, મિ. બેન્જામિન જી. હોર્નિમૅન, ભારતના સમર્થક હતા. તેમને અને તેમના છાપાને હોમરૂલ લીગ સાથે સહાનુભૂતિ હતી અને લીગના અનેક કાર્યક્રમોમાં તેઓ જાહેર રીતે ભળતા પણ ખરા. રૉલેટ કાયદા સામે પ્રચંડપણે ઝુંબેશ ચલાવીને તેમણે હિંદીઓમાં લોકપ્રિયતા મેળવી હતી અને અંગ્રેજ શાસકોના તેઓ અકારા બની ગયા હતા. ગાંધીજી આરંભમાં પોતાનાં નિવેદનો વગેરે बॉम्बे क्रॉनिकल મારફત પ્રસિદ્ધ કરતા. હોર્નિમૅનનાં આકરાં લખાણોથી સરકાર આકળી થઈ ગઈ હતી, પણ તેમની લોકપ્રિયતા જોતાં તેમના ઉપર જાહેરમાં કામ ચલાવવાની તેની હિંમત ચાલતી નહોતી તેથી તેમને રાતોરાત છાનામાના લઈ જઈ સ્ટીમરમાં બેસાડીને દેશપાર કરવામાં આવ્યા. बॉम्बे क्रॉनिकलની છાયા નીચે यंग इन्डिया નામનું છાપું નીકળ્યું. તેની દેખરેખ રાખનાર શ્રી ઉમર સોબાની અને શ્રી શંકરલાલ બૅંકર હોમરૂલ લીગની મુંબઈની શાખાના આગેવાનો હતા. મહાદેવભાઈના વિદ્યાર્થીકાળના જિગરી દોસ્ત શ્રી સૈયદ અબદુલ્લા બ્રેલ્વી હોર્નિમૅનના દેશનિકાલ પછી बॉम्बे क्रॉनिकलના તંત્રી બન્યા, પણ તેમને પણ છાપું ચલાવવામાં સરકાર દ્વારા રોજ ને રોજ કાંઈક ને કાંઈક કનડગત કરવામાં આવતી. થોડા વખતમાં बॉम्बे क्रॉनिकल બંધ કરવામાં આવ્યું. આવી હાલત જોતાં શ્રી બૅંકર અને સોબાનીએ કમસે કમ यंग इन्डियाનો વહીવટ ગાંધીજીએ સંભાળી લેવો એવો આગ્રહ કર્યો. હોર્નિમૅનના ગયા પછી क्रॉनिकलમાં ગાંધીજી એમેય વધુ ધ્યાન રાખતા હતા. તેઓ પોતે પણ પોતાના વિચારો નિયમિત રીતે લોકો આગળ પહોંચાડવા સારુ કોઈક મુખપત્ર ચલાવવાના વિચારમાં જ હતા. અંતે તેમણે यंग इन्डियाના પ્રકાશનની જવાબદારી સ્વીકારી. ૨૬મી એપ્રિલ, ૧૯૧૯ને રોજ હોર્નિમૅનને દેશ છોડી જવાનો હુકમ અપાયો. ૭મી મેને દિવસે यंग इन्डियाનું ગાંધીજીની દેખરેખ હેઠળનું નવું સંસ્કરણ મુંબઈથી નીકળ્યું. દર બુધ અને શનિવારે તે પ્રગટ થવા લાગ્યું. આ વ્યવસ્થામાં સ્વાભાવિક રીતે જ, દેખરેખ અને માર્ગદર્શન ગાંધીજીનું હતું, પણ મહેનત તો મહાદેવભાઈની જ હોય ને! મેથી ઑક્ટોબર સુધી આ છાપું મુંબઈથી નીકળ્યું. તે ગાળામાં ભાતવાડીમાં ભાડાનું મકાન રાખીને મહાદેવભાઈને મુંબઈ આવીને રહેવું પડ્યું. થોડા વખતમાં बॉम्बे क्रॉनिकल ફરી ચાલુ થયું એટલે यंग इन्डियाને અઠવાડિક કરવામાં આવ્યું. ગાંધીજીને એકલી અંગ્રેજી ભાષાનું છાપું પોતાની પાસે હોય તે કેમ ચાલે? તેઓ તો પોતાના વિચારો લોક પાસે લોકભાષામાં પહોંચાડનારા રહ્યા. તેથી તેમણે થોડા વખતમાં જ અમદાવાદથી એક ગુજરાતી અઠવાડિક પણ કાઢવાનું નક્કી કર્યું. આ છાપું પણ એમ તો यंग इन्डियाની માફક બૅંકર, સોબાની વગેરે મિત્રોના વહીવટ હેઠળ હતું. તે नवजीवन अने सत्य નામનું માસિક હતું, જેને શ્રી ઇંદુલાલ યાજ્ઞિક ચલાવતા હતા. પેલા મિત્રોએ તે માસિક ગાંધીજીને સોંપ્યું. ગાંધીજીએ માસિકને સાપ્તાહિક બનાવ્યું અને તેનું નામ ટૂંકાવીને नवजीवन રાખ્યું. ૧૯૧૯ના સપ્ટેમ્બર માસની ૭મી તારીખથી ગાંધીજીના તંત્રીપણા હેઠળ नवजीवन સાપ્તાહિક અમદાવાદથી નીકળવા લાગ્યું.
नवजीवन અને यंग इन्डिया બંને સાપ્તાહિકો જ્યારથી ગાંધીજીના વહીવટ નીચે આવ્યાં ત્યારથી તે પ્રગટ કરવા પાછળ મહાદેવભાઈનો અથાગ પરિશ્રમ કામ લાગતો. તે શરૂ થતાંની સાથે અગાઉ नवजीवन अने सत्य માસિકને (અનામત ન લેવા વગેરેની) જે છૂટ આપવામાં આવી હતી તે સરકારે પાછી ખેંચી લીધી. જાણે કે ગાંધીજીએ તંત્રીપણું લીધું એટલાથી જ नवजीवन છૂટ ખોઈ બેઠું.
પણ સરકાર नवजीवन વિશે જેટલી ચિંતિત હતી, તેટલી જ જનતા એને વિશે ઉત્સુક હતી. તેના પહેલા અંકની જ પાંચ હજાર નકલો ખપી ગઈ, અને બીજા અંકથી વધારેની માગ આવવા લાગી.
यंग इन्डिया મુંબઈથી અને नवजीवन અમદાવાદથી નીકળતું ત્યારે શરૂઆતમાં તો મહાદેવભાઈની દોડાદોડી અમદાવાદ–મુંબઈ વચ્ચે ચાલતી. સ્વામી આનંદનો ધરખમ ટેકો મળ્યો તેને લીધે જ મહાદેવભાઈ મુંબઈ જઈને यंग इन्डियाનું તંત્ર સંભાળવાનું વિચારી શક્યા. પણ સદ્ભાગ્યે તેમને મુંબઈ ઝાઝું રહેવાનું થયું નહીં. नवजीवन શરૂ થયું ત્યાર પછી ૮મી ઑક્ટોબરથી यंग इन्डियाને પણ અઠવાડિક બનાવીને તેને અમદાવાદથી બહાર પાડવાનો નિર્ણય થયો. ત્યાર સુધીમાં नवजीवनનું પોતાનું પ્રેસ થઈ ચૂક્યું હતું. પોતાનો સ્વતંત્ર પ્રેસ વસાવવા અંગે ગાંધીજીએ લખ્યું છે:
‘આવાં છાપાંને સ્વતંત્ર છાપખાનું જોઈએ, એ તો મેં इन्डियन ओपीनियनને વિશે જ અનુભવ્યું હતું. વળી અહીંના એક વખતના કાયદા એવા હતા કે, મારે જે વિચારો પ્રગટ કરવા હોય તે વ્યાપારી દૃષ્ટિએ ચાલતા છાપખાનાવાળા છાપતાં સંકોચાય. એ પણ છાપખાનું વસાવવાનું પ્રબળ કારણ હતું.’૨
यंग इन्डिया અને नवजीवन દ્વારા મહાદેવભાઈએ પત્રકારત્વમાં પ્રવેશ કર્યો. પોતાની અસાધારણ પ્રતિભા અને અથાગ મહેનત તથા ગાંધીજીના વિચારો તથા જીવનની ઉદાત્તતાના સ્પર્શથી આગળ જતાં મહાદેવભાઈ દેશના એક ઉત્તમ પત્રકાર તરીકે જાણીતા થયા.
આ છાપાંઓ ચલાવવા પાછળ ગાંધીજીનો મુખ્ય આશય જીવન અંગેના, રાષ્ટ્ર અંગેના તથા આખી સભ્યતા અંગેના પોતાના વિચારોને દેશ અને દુનિયા આગળ મૂકવા એ હતા. આ વિચારોમાં કેટલાક સ્થાયી મહત્ત્વના હતા, અને કેટલાક સમય સમય પર પરિસ્થિતિમાંથી ઉદ્ભવતા સામયિક મહત્ત્વના હતા. બંનેનો વિવેક કરી દરેક અંકની જરૂરિયાત મુજબ તેને ઓછાવત્તા પ્રમાણમાં એના મહત્ત્વ મુજબ યોગ્ય સ્થાન આપવાનું કામ મહાદેવભાઈ, સ્વામી આનંદ કે જુદે જુદે સમયે મુદ્રણાલય સાથે સંકળાયેલા લોકોનું હતું. આ ઉપરાંત શરૂઆતથી જ આ છાપાંઓમાં પોતાની નોંધો કે લેખો આપવાની જવાબદારી પણ મહાદેવભાઈની રહેતી.
ચંપારણના અનુભવે ગાંધીજીએ એક વાર પોતાના ભત્રીજા શ્રી જમનાદાસ ખુશાલચંદ ગાંધીને લખ્યું: ‘મારી પ્રવૃત્તિઓ વધતી જાય છે. મારો પારો ચડેલો છે તે દરમિયાન મારા જે જે આદર્શો છે તેની ઓળખ દેશને આપી દેવામાં મને ખપાવી દઉં છું.’૩ ચંપારણ વખતે ગાંધીજીએ જે પારાને ચડતો માન્યો તે પારો આગળ ઉપર ઉત્તરોત્તર ચડતો ગયો. એમના જે આદર્શો હતા, તેને દેશ આગળ રજૂ કરવાનું સાધન તે यंग इन्डिया, नवजीवन અને પાછળથી हरिजनबंधु, हरिजन વગેરે પત્રો. દેશ અને દુનિયાને જો કોઈ એક ભેટવસ્તુ ગાંધીજી આપતા ગયા હોય તો તે સત્યાગ્રહ. આ સત્યાગ્રહનાં વિવિધ પાસાં સમજાવતાં તેઓ કદી થાકતા નહોતા. અને પોતાની ઢબે એનું વર્ણન, સ્પષ્ટીકરણ કે ભાષ્ય કરતાં મહાદેવભાઈ કદી થાકતા નહોતા. ગાંધીજી કહેતા કે સત્યાગ્રહનો હેતુ લોકોને હિંમતવાન અને સ્વતંત્ર બનાવવાનો છે. ખરેખર, સત્યાગ્રહની મારફત દેશને ગાંધીજીએ જો સૌથી મોટી કોઈ ચીજ આપી હોય તો તે અભય.
મહાદેવભાઈને यंग इन्डिया અને नवजीवनના કામમાં જાણે કે પોતાનું જીવનકાર્ય પાર પાડવાનું મુખ્ય સાધન મળી ગયું.
કોઈકે એક વાર ગાંધીજીને એક લાંબા કાગળમાં લખ્યું:
‘તમારી પાસે રહેનારા તમારી સ્તુતિ અને કીર્તનથી नवजीवन ભરે એ તમે કેમ સાંખી શકો? અમારે તો ઉપદેશ જોઈએ. તમારાં કીર્તનનાં ટાયલાં નથી સાંભળવાં.’
મહાદેવભાઈ એ કાગળ વાંચીને ગાંધીજી આગળ ખૂબ રોયા. શુભ હેતુને પણ લોકો આમ વગોવે? એમણે ગાંધીજીને કહ્યું: ‘મારા લખાણથી તમને ઝાંખપ આવે તો હું લખવાનું બંધ કરું.’ ગાંધીજીએ કહ્યું: ‘મને કશું એવું નથી લાગતું. તમે જેમ લખો છો તેમ લખો. આરોપો તો લોકો કર્યા જ કરવાના. આપણે સૌને શી રીતે રાજી રાખીએ?’ મહાદેવભાઈ વલ્લભભાઈને ઉદ્દેશીને લખેલા એક પત્રમાં આનો ઉલ્લેખ કરી પૂછે છે:
‘માણસો બાપુ વિશે બધું જાણવાને આતુર હોય છે — તો હું તે વિશે ન લખું? ઝઘડાઓ વિશે લખું? શાસ્ત્રચર્ચા કરું? અને હું કોની સ્તુતિ કરું છું? હું તો પ્રેમની સત્તા વર્ણવું છું. તમને મારા લખાણમાં કાંઈ માઠું લાગતું હોય તો જણાવજો.’૪
ગાંધીજીના ટેકાથી લખવા અંગે સંકોચ જતાં વાર ન લાગી — ટૂંક અરસામાં તો મહાદેવભાઈના લેખોની લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જોવા લાગ્યા. અસહકાર આંદોલનને લીધે એમેય नवजीवन અને यंग इन्डियाની માગણી ખૂબ હતી, ગાંધીજીના લેખો દેશના પત્રકારત્વમાં એક વિશિષ્ટ ભાત પાડતા. મહાદેવની કલમે ગાંધીજીનાં છાપાંઓને વિશેષ ઓપ આપ્યો.
આખા દેશમાં ગાંધીજી સાથે ફરવાને લીધે દેશનેતાઓને મહાદેવભાઈ સાથે ઓળખાણ થઈ ગઈ. ગાંધીજીને આવા યોગ્ય સચિવ મળી ગયા એ જોઈને નેતાઓ પૈકી બે વડીલોને થોડો લોભ પણ થયેલો. દેશબંધુ ચિત્તરંજન દાસ અને પંડિત મોતીલાલ નેહરુ બંને ગાંધીજી પાસે મહાદેવભાઈની સેવાઓની માગણી કરી ચૂક્યા હતા. ગાંધીજી પણ માનતા હતા કે મહાદેવને થોડો વખત બહાર જઈને બીજા વાતાવરણમાં, પોતાનું આલંબન લીધા વિના, સ્વતંત્રપણે કામ કરવાથી તેમની યોગ્યતા વધશે.
મોતીલાલજીએ અલાહાબાદમાં ૫–૨–૧૯૧૯થી इन्डिपेन्डन्ट નામનું એક અંગ્રેજી છાપું શરૂ કરેલું. મોટા નેતાઓ પોતપોતાના વિચારોનું પ્રતિપાદન કરવા સારુ પોતાનું છાપું ચલાવે એ પરંપરા ત્યારે શરૂ થઈ ચૂકેલી હતી. મોતીલાલજી તે છાપું સૈયદહુસૈન નામના એક સજ્જનના તંત્રીપણા હેઠળ ચલાવતા હતા. પણ ટિળક મહારાજ જેમ केसरी કે मराठाને પોતાના પ્રચારનાં મુખ્ય માધ્યમો ગણી તેને સારુ મહેનત કરતા હતા, કે ગાંધીજી यंग इन्डिया કે नवजीवन સારુ પોતાના પ્રાણ રેડતા હતા, તેમ મોતીલાલજી નહોતા કરતા. તેઓ તંત્રીઓ પાસે કામ લેતા. બે વરસના ટૂંકા ગાળામાં જ इन्डिपेन्डन्टમાં પ્રથમ સૈયદહુસૈન, પછી સી. એસ. રંગા આયંગર અને ત્યાર બાદ જ્યૉર્જ જોસેફે તંત્રી તરીકેની ફરજ બજાવી હતી. મોતીલાલજી પોતે इन्डिपेन्डन्ट ચલાવવા સમય કાઢતા નહીં, પણ તેઓ તેની નીતિ નક્કી કરતા અને અવારનવાર એને અંગે મૂલ્યાંકન કરતા રહેતા. તેમને જે ઢબે इन्डिपेन्डन्ट નીકળતું હતું તેનાથી પૂરો સંતોષ થતો નહીં. મહાદેવ જેવો કોઈ તેજસ્વી જુવાનિયો તંત્રી તરીકે મળી જાય તો એનાથી इन्डिपेन्डन्ट શોભી ઊઠે એવું તેઓ માનતા હતા. એટલે અવારનવાર તેઓ ગાંધીજી પાસે મહાદેવની માગણી કરતા રહेતા.
नवजीवनનો પહેલો અંક કાઢવા મહાદેવભાઈ અમદાવાદ ગયેલા. પણ ત્યારે यंग इन्डिया મુંબઈથી નીકળતું અને તેની મુખ્ય જવાબદારી મહાદેવભાઈની રહેતી તેથી તેમણે મુંબઈ રહેવાનું શરૂ કરેલું એ આપણે આગળ ઉપર જોઈ ગયા. नवजीवनએ સ્વતંત્ર પ્રેસ ખરીદી લીધું અને તે પોતાના છાપખાનામાં છપાવા લાગ્યું ત્યાર પછી यंग इन्डिया પણ અમદાવાદથી કાઢવાનો નિર્ણય થયો હતો. બંનેના તંત્રી ગાંધીજી હતા પણ કાર્યભાર સંભાળવાની ખાસ્સી જવાબદારી મહાદેવભાઈની હતી. આ અંગે મુંબઈ તથા અમદાવાદ બંને ઠેકાણે મહાદેવભાઈને ઘણી વાર મોડી રાત સુધી ઉજાગરા વેઠવા પડતા. મુંબઈમાં તો ઘણી વાર પ્રેસમાંથી છૂટા થતાં મોડું થાય ત્યારે મહાદેવભાઈ ભાતવાડીમાં રાખેલા પોતાના મકાન સુધી ન જતાં રસ્તામાં આવતા શ્રી મથુરાદાસ ત્રિકમજીને ત્યાં રાત ગાળતા. અમદાવાદમાં તેઓ ઘોડાગાડીમાં બેસીને મોડી રાતે પણ આશ્રમમાં આવતા. દુર્ગાબહેન તેમને સારુ મોડે સુધી પણ જમ્યા વિના વાટ જોતાં બેઠાં રહેતાં.
મુંબઈ હતા તે દરમિયાન પિતાજીની તબિયત વિશે મહાદેવભાઈને ચિંતા રહેતી. તેઓ અવારનવાર તેમની ખબર કાઢવા દિહેણ પણ જઈ આવતા. પણ માથે ચિંતા ઉપરાંત છાપું કાઢવાનો ભાર, તેથી તેમની પોતાની તબિયત ઉપર પણ એની અસર જણાઈ. ગાંધીજીએ પણ એકબે વાર તબિયત જાળવવાની ચેતવણી આપેલી. ૧૯૧૯ના અંતમાં મહાદેવભાઈ માંદા પડ્યા. પાછળથી તે માંદગી ટાઇફૉઈડની હતી એમ જાણ થઈ. એ આપણે આગળ ઉપર જોઈ ગયા છીએ.
આ છાપાંઓને નિમિત્તે મહાદેવભાઈને કેટલીક વાર ગાંધીજીથી જુદા રહેવાનું થતું. ત્યારે તેઓ यंग इन्डिया કે नवजीवनનો પોતે કાઢેલો અંક ગાંધીજીને મોકલાવતા અને તેમનો અભિપ્રાય માગતા. नवजीवनનો જે કોઈ અંક ગાંધીજી એકલા કાઢે તો તેઓ પણ એવા અંકો અંગે મહાદેવભાઈની ટીકાટિપ્પણીની અપેક્ષા રાખતા. यंग इन्डियाથી માંડીને हरिजन સુધી જ્યારે જ્યારે પણ સાથે રહીને અંક કાઢ્યો છે ત્યારે ત્યારે બંને પોતપોતાના લેખો છાપતાં પહેલાં બીજાને જોવા આપીને છેવટની સંમતિ મેળવતા.
જૂન ૧૯૧૯માં यंग इन्डियाનો એવો અંક મોકલતાં મહાદેવભાઈ ગાંધીજીને લખે છે:
‘यंग इन्डिया મોકલું છું. અંદર ગાડેગાડાં ખામીઓ જોઉં છું. ત્રણ હાથે થયેલ કામને લીધે ઘણી છે. રાત્રે જઈને ખાસ કરીને લીડરો અને કેટલોક ભાગ તો હું જોઈ ગયો. મુખ્ય લીડર ‘સ્વદેશી’માં કેટલીક ક્ષમ્ય અને કેટલીક અક્ષમ્ય ભૂલો રહી ગયેલી મેં જોઈ. પટવર્ધને ફાઇનલ કરીને આપી દીધેલા એટલે પ્રેસવાળા ગણગણવા લાગ્યા, પણ સુધારા કર્યા. તદ્દન નવા માણસને બધું નહીં સોંપી શકાય એમ આ બતાવે છે.’૬
ગાંધીજી કદાચ પકડાઈ પણ જાય એમ માની મહાદેવભાઈ આગળ લખે છે:
‘અને હવે પંજાબના સવાલ પર આવું છું. હું અંદર ‘ઇન્ટરેસ્ટેડ પાર્ટી’ [હિત ધરાવતો પક્ષ] છું એટલે મારાથી કેમ બોલાય? અત્યાર સુધી એ જ લાગણીથી હું ચૂપ રહ્યો છું. પણ એ સવાલનો ફડચો આપ કરવામાં જ હશો, અને રખેને મને અન્યાય થઈ જાય એમ માનીને બે શબ્દ લખું છું. આપને કોઈ માણસ રાખવાની રજા મળે તો આપે મને જ લઈ લેવો જોઈએ એમ કહેવાનાં પાર વિનાનાં મારી પાસે કારણો છે. એમાંનાં ઘણાં કારણો આપની કલ્પનામાં હશે, પણ એક જ કારણ જે આપના ખ્યાલમાં નહીં હોય તે આગળ ધરું છું. આપની સાથે રહ્યો ત્યારથી મારા શરીરનો ઠીક ખર્ચ કર્યો છે એમ મને લાગે છે. તેમ થવાનું એક કારણ મારી ભૂલ અને બીજું કારણ મારી હોંશ. મને પણ જરાક આરામની જરૂર છે — આપને તો છે જ, અને જેલ સિવાય આપણે માટે બીજે ક્યાં આરામ છે? શંકરલાલ બૅંકરની આગળ મારે વિશે ઘટતું-અઘટતું કેટલુંક આપ બોલ્યા તેમાં (એક) વસ્તુ તદ્દન સાચી કહેલી અને તે એ જ કે હું મહાદેવને यंग इन्डियाમાં એકલો કામ કરવા દઉં તો એ જરૂર મરી જાય. આપના ગયા પછી આ વાક્ય, મને બીજા જોડિયાઓ મળે તોપણ, વધારે સાચું પડવાનો સંભવ રહે. મથુરાદાસ સવારે કહેતા કે, ‘ગઈ રાતે તમે ઊંઘમાં બોલતા હતા કે ‘બરોબર પ્રૂફ સુધારો,’ ‘ભૂલ ન રહે’ ઇત્યાદિ. यंग इन्डियाથી બહાર આપના વિના રહેવું મને અસહ્ય થઈ પડશે. જેલના અનુભવો પણ જબ્બર છે. એ અનુભવો આપની સાથે મેળવવાનો મારો પ્રિવિલેજ (વિશેષાધિકાર) છે એમ હું માનું છું. મારી ભૂલ થતી હોય એવો સંભવ છે. પણ આપ આ બધી વાતો વિચારશો એવી વિનંતી છે.’૬
જેલમાં જવાનો વારો તરત આવી પહોંચશે એમ જણાયું. અમદાવાદના કેટલાક વકીલોએ સત્યાગ્રહની પ્રતિજ્ઞા ઉપર સહીઓ કરી હતી. અમદાવાદના ડિસ્ટ્રિક્ટ જજે આ અંગે કાંઈ કરવા જેવું છે કે નહીં એમ પુછાવતો પત્ર મુંબઈની હાઈકોર્ટને લખ્યો. તે यंग इन्डियाના તા. ૬–૮–’૧૯ના અંકમાં છાપવામાં આવ્યો અને એ જ અંકમાં Shaking civil Resisters નામનો ગાંધીજીનો એક લેખ પણ છપાયો. આ બંને ગુનાઓ માટે માફી માગવા, તંત્રી તરીકે ગાંધીજી અને પ્રકાશક તરીકે મહાદેવભાઈને હાઈકોર્ટે સૂચના કરી. પણ બંનેએ એ સૂચનાને અવગણી. તેથી બંને પર કોર્ટના તિરસ્કારની ફરિયાદ મૂકવામાં આવી. આ નિમિત્તે કદાચ બંનેને થોડીઘણી જેલ ભોગવવી પડશે એવી આશા જાગેલી. પણ હાઈકોર્ટે માત્ર ઠપકો આપીને જતા કર્યા!’૭
नवजीवनના ૭–૯–’૧૯ના પહેલા જ અંકમાં ગાંધીજીએ આગ્રહ કરીને દુર્ગાબહેન અને મણિબહેન પરીખના લેખો છાપ્યા. ગાંધીજીએ પોતાના સાપ્તાહિકના પહેલા જ અંકમાં સાવ ઓછું ભણેલી બહેનોના લેખો લઈને એક પરાક્રમ જ કર્યું. બહેનો ભણી ભલે ઓછું હોય, પણ અનુભવમાં એ પુરુષોથી જરાય ઓછી નથી, તથા અનુભવને આધારે ઘડાયેલું સાહિત્ય એ લલિત સાહિત્યની બરાબરી કરી શકે એ વાતની ખાતરી ગાંધીજીએ ભારતમાં પોતે શરૂ કરેલા પહેલા પત્રના પહેલા અંકમાં જ કરાવી. આનાથી બહેનોનો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે.
આ બાબત મણિબહેનનું મંતવ્ય જેટલું સરળ છે તેટલું જ તે ચોટડૂક પણ છે:
‘આ અરસામાં બાપુએ છાપું કાઢવાનો વિચાર કર્યો. ઇન્દુલાલ યાજ્ઞિક नवजीवन૮ નામનું છાપું કાઢતા હતા. તે એમણે બાપુને આપી દીધું. પહેલા नवजीवनમાં બાપુએ અમારી બહેનો પાસેથી લેખો લીધા. બાપુએ મહાદેવભાઈ પાસે કહેવડાવ્યું કે બધી બહેનો લેખો લખે. અમે તો ગભરાયાં. અમને લેખ લખતાં ક્યાંથી આવડે? એટલે મહાદેવભાઈએ બાપુને કહ્યું કે: “બહેનો કહે છે કે અમે શું લખીએ? અમને તો લખતાં આવડતું નથી.” એટલે બાપુએ કહ્યું કે: “કાશી૯ને કહો કે આફ્રિકાની જેલનો અનુભવ લખે, દુર્ગાને કહો કે પેરિનબહેનને રેંટિયો શીખવવા ગઈ હતી તેની વાત લખે. ગોમતી૧૦ને કહો કે એના રોટલા કૂતરા ખાઈ ગયા હતા તે લખે અને મણિને કહો કે એ છાત્રાલય ચલાવે છે એના અનુભવ લખે. હું બધું સુધારી આપીશ.” આમ કરીને બાપુએ અમને લખવા માટે તૈયાર કર્યાં. એમણે સુધાર્યું ને नवजीवनનો અંક તૈયાર કર્યો.’
ગાંધીજીએ તો नवजीवन વિશે મહાદેવની ટીકા માગી જ હતી. પહેલા અંકે જ મહાદેવે ટીકા કરી, જેને ગાંધીજીએ આવકારી:
‘તમારો કાગળ, ટીકા વગેરે પહોંચ્યાં. … દુર્ગા પછી ગૌરી તો મને પણ ખટક્યું. પણ લખાઈ ગયું ને મેં તો છાપામાં જોયું એટલે જ સૂઝ્યું. મણિ પછી ગૌરી કરી છેકી નાખ્યું. દુર્ગા મહાદેવ શોભ્યું નહીં, પણ આપણે શોભાનો વિચાર ન કરી શકીએ એમ હું માનું છું. બાકીની કેટલીક ખામીઓ તમે બતાવી છે તે દૂર થઈ શકતી હતી. ભાઈ ઇન્દુલાલને પછી વંચાવી છે…’૧૧
બીજા જ અંક પછી ગાંધીજી ટીકાની પાછી ઉઘરાણી કરે છે:
‘नवजीवन ઉપરની ટીકા તમારે મોકલવી જોઈતી જ હતી. દરેક અંકની મોકલવી જ. હું માંદો હોઉં કે સાજો, જ્યાં સુધી नवजीवनનું તંત્રીપણું ડહોળું ત્યાં સુધી ટીકા મેળવ્યા વગર કેમ ચાલે?’૧૨
મહાદેવના જીવનનો મૂળ રસ તો સ્વાર્પણનો. એને અંગે ગાંધીજી સાથે અવારનવાર પત્રો દ્વારા પણ સંવાદ ચાલતો. બિહારમાં ગયાથી ૧૩મી ઑગસ્ટ, ૧૯૨૧ને રોજ ગાંધીજીએ એક પત્ર લખ્યો છે. મૂળ અલાહાબાદથી લખેલ મહાદેવના જે પત્રના જવાબમાં તે લખાયેલો છે તે અત્યારે ઉપલબ્ધ નથી. પરંતુ નીચેના જવાબ ઉપરથી પણ એની કલ્પના આવે તેમ છે:
‘સ્વાર્પણમાં ઉત્પન્ન કરવાની શક્તિ જતી નથી, ન જવી જોઈએ. સ્વાર્પણનો અર્થ એટલો જ છે કે મનુષ્ય પોતાની તુચ્છતા સમજે છે ને તેથી જેની ઉપર પોતાનો ભરોસો છે તેનો આધાર લે છે. શંકાશીલ હોય ત્યારે પોતાનો કક્કો ખરો રાખવાને બદલે પોતાના સામાનો ખરો થવા દે છે. અર્જુને કૃષ્ણને ખીજવવામાં મણા ન રાખી. કાચબો ભક્ત હતો. કાચબીએ છેલ્લી ઘડી સુધી ઈશ્વરનું નામ લીધું… (શબ્દ ઊકલતો નથી) તેને સલાહ દેનારાને હડધૂત કરી કાઢી મૂક્યા પણ ઈશ્વરની સાથે તો તકરાર કર્યા જ કરી. સ્વાર્પણનો અર્થ એ નથી કે વિચારશક્તિને ખોવી. શુદ્ધ સ્વાર્પણ મંદતા નથી, તીવ્રતા છે. છેવટનો આધાર તો છે જ એમ જાણી મનુષ્ય હજારો અખતરા મર્યાદામાં રહીને કર્યા જ કરે છે. પણ તે બધામાં નમ્રતા હોય છે, જ્ઞાન હોય છે, વિવેક હોય છે. મગનલાલનું સ્વાર્પણ હું ભારે ગણું છું. પણ વિચારશક્તિ તેણે કદી છોડી નથી. … તમારું કામ જ નોખું છે, તમારામાં સાહસની ખામી છે એટલે આધાર મળ્યે સાહસને જ ખોઈ બેસો છો. ઘણું વાંચવાથી તમારી ઉન્નતશક્તિ મંદ થઈ છે તેથી જ તમે આસિસ્ટંટ થવા ઇચ્છો છો. માણસ સ્વતંત્ર કામ કરવા ઇચ્છતો છતાં અતિ નમ્ર હોઈ શકે.’૧૩
વાચકને સમજાયું હશે કે આ પત્રનો સંદર્ભ શો છે. ગાંધીજીએ મોતીલાલજીની માગણીને સ્વીકારી મહાદેવને इन्डिपेन्डन्ट છાપું ચલાવવા સારુ અલાહાબાદ મોકલ્યા છે. મહાદેવ ગાંધીજીની પડખે રહેવા ઇચ્છે છે. ગાંધીજી આગળ જતાં એ જ કાગળમાં કહે છે:
‘તમે જે દૃષ્ટિએ મારી સાથે રહેવાનું ઇચ્છી રહ્યા છો એ નિર્મળ છે, પણ ભૂલભરેલી છે. તમે તો કેવળ પશ્ચિમનું અનુકરણ ઇચ્છ્યું. જો મારા કામની નોંધ રહી જાય એટલા ઇરાદાથી હું કોઈને સાથે રાખ્યા જ કરું તો હું પોતે કૃત્રિમ બની જાઉં. સહેજે કોઈ રહે ને અદૃશ્ય રીતે નોંધ લે એ એક વાત ને ઇરાદાપૂર્વક બધી નોંધ રાખે એ બીજી. રામની નોંધ કોણે લીધી? ન લેવાઈ એથી કાંઈ હાનિ ન થઈ. જોનસનની ખૂબ લેવાઈ તેથી કંઈ જગતને અનન્ય લાભ થયો હોય એમ હું નથી જોતો. કેવળ સાહિત્યની દૃષ્ટિએ આપણે આ વસ્તુને જોતા જ નથી. પણ તમને હું હંમેશાંને સારુ મારી સાથે ઇચ્છું ખરો. તમારી ગ્રહણશક્તિ ને તૈયારી સરસ છે. તેથી તમે મારી બધી વસ્તુ જાણી લો એમ ઇચ્છું છું. મારામાં વિચારો ઘણા ભર્યા છે. પણ તે પ્રસંગોપાત્ત જ નીકળે છે. કેટલીક સૂક્ષ્મતા કોઈ જોઈ નથી શકતું. વસંતરામ શાસ્ત્રીના કાગળ ઉપરની મારી નિર્મળ ટીકા ન કાકા સમજ્યા, ન સ્વામી સમજ્યા. તમે તેઓના કરતાં કંઈક વિશેષ સમજ્યા. એ ટીકામાં મારી મૃદુતા રહેલી તે ન જોવાઈ તેથી તમારા જેવું માણસ હંમેશાં મારી સાથે હોય તો છેવટે મારું કામ ઉપાડી શકે એવો લોભ રહી જાય છે. તમને હજુ ખાસ એક જ કામમાં રોકી લેવાની ઇચ્છા નથી થતી, પણ તમારી પાસે અનુભવો લેવરાવવા. વળી તમે જેઓને હું ઓળખું તે બધાના પ્રસંગમાં આવી જાઓ તો ભવિષ્યની પ્રવૃત્તિઓ સહેલાઈથી ચાલે.’૧૩
આ પત્ર પરથી સ્પષ્ટ છે કે ગાંધીજીએ મહાદેવભાઈને મોતીલાલજી પાસે મોકલ્યા તે કાયમને માટે નહોતા મોકલ્યા. મોતીલાલજી જેવા એક બુઝુર્ગ નેતા જો અસહકાર આંદોલન પાછળ શક્તિ લગાડે તો સ્વરાજ્ય માટેની અહિંસક લડાઈને મોટું બળ મળે. એ મેળવવા સારુ ગાંધીજી પોતાના સૌથી ઉપયોગી થતા સાથીને પણ થોડા સમય પૂરતા એમને સોંપવા તૈયાર હતા. બીજી તરફથી એમની એ પણ ગણતરી હતી કે મહાદેવ જે થોડો સમય સ્વતંત્રપણે, કોઈનો આધાર લીધા વિના, કામ કરશે તો એની શક્તિ વધુ ખીલશે, અને તેથી પોતે એમને માટે જે કામ વિચારે છે તેને સારુ વધુ યોગ્ય થઈને પાછા આવશે. એ કામ અંગે પણ એમની ધારણા સ્પષ્ટ હતી કે તેઓ માત્ર પોતાનાં વચનોની નોંધ રખાવવા નહોતા ઇચ્છતા, પણ જતે દિવસે પોતાને જે દુનિયાને આપવાનું છે એમ માનતા હતા, તે ખૂબ સમજીકરીને સારી રીતે દુનિયા આગળ રજૂ થાય એમ ઇચ્છતા હતા. અલાહાબાદ જઈને इन्डिपेन्डन्टનું કામ સંભાળ્યા પછી પણ મહાદેવ આ કામને પોતાનો સ્વધર્મ માની નહોતા શક્યા. એ નિર્ણય થોડા સમય બાદ થવાનો હતો, પણ ત્યાર સુધીમાં ગાંધીજી બધી બાજુથી તેમને સ્વધર્મ સમજાવવા પ્રયત્ન કરતા હતા. પોતાને બીજા સહાયક તત્કાળ પૂરતા મળી રહેવાના છે એ જણાવી આ જ પત્રમાં ગાંધીજી આગળ ચલાવે છે:
‘તમે ત્યાંથી નવરા થાઓ ત્યારે જોડાઈ જશો એ ઠીક થશે. તમે પોતે જ यंग इन्डियाમાં પડી તેને સ્વતંત્ર રીતે ખીલવવાનો ઇરાદો રાખો તો મને હરકત નથી. પણ હું તો માનું જ છું કે મારા જવા પછી यंग इन्डिया અનાવશ્યક હશે. કદાચ તમારામાંના કોઈ એમ માનો કે મારો સંદેશો ખીલવ્યા કરશો તો તમે ચલાવશો. એમ થવાને સારુ પણ તમારે રહેવાની જરૂર હું નથી જોતો. તેને બદલે હું એ જોઉં છું કે તમે અનુભવ લઈ પરિપક્વ થયા હશો ત્યારે यंग इन्डिया આખું ચલાવવા વધારે કુશળ હશો.’૧૪
પછી इन्डिपेन्डन्ट વિશે જવાહરલાલને વાત કરીને સંયુક્ત પ્રાંતોના જ કોઈ માણસને એ કામ સારુ શોધી કાઢવાની સલાહ આપે છે.
મોતીલાલજીએ ગાંધીજી પાસે મહાદેવભાઈની માગણી થોડા સમય માટે જ કરી હતી, પણ એમના જેવો ઉપયોગી માણસ મળી ગયો હોય તો કાયમને માટે રોકી લેવા કોણ ન ઇચ્છે? મહાદેવભાઈએ એ વાતની જાણ ગાંધીજીને કરી. એના જવાબમાં ગાંધીજીએ કહ્યું કે, ‘મોતીલાલજી તો તમે રહો એ ઇચ્છે, પણ તમારી ઇચ્છા એ જ ખરી વાત સમજજો — તમને ત્યાં ઘણો પરિશ્રમ પડે અથવા તમારી તબિયત સારી ન રહે તો તમે ભાગજો.’૧૫
મહાદેવભાઈએ વચ્ચે એમ સૂચવ્યું હતું કે મોતીલાલજી લાલા લજપતરાય પાસે શ્રી કે. સંતાનમની માગણી કરે. તેઓ ઘણો વખત પંજાબમાં રહ્યા હતા. વકીલાતનો ધંધો કરતા હતા. મહાદેવભાઈના સૂચન વિશે ગાંધીજીએ લખ્યું, ‘એને કેમ કહી શકાય? એ તો લાલાજીના જમણા હાથ જેવા છે.’ મહાદેવે કાંઈક સંકોચ સાથે, શરમાતાં શરમાતાં પુછાવ્યું, ‘અને હું?’ તરત ગાંધીજીએ જવાબ આપ્યો, ‘તમે તો મારું મગજ છો.’ કલકત્તા જતાં ટ્રેનમાંથી ગાંધીજી એ જ વાતના અનુસંધાનમાં લખે છે:
‘માણસ જમણા હાથ કરતાં વિશેષ હોતા હશે કે? “હું જો જમણો હાથ હોઉં તો?” એ દુ:ખથી કે જ્ઞાનથી લખાયું હોય. જો દુ:ખથી લખ્યું હોય તો તમે મને સમજ્યા નથી. જો જ્ઞાનથી લખ્યું હોય તો કુશળ છે. બે મગજ એકબીજાથી વિખૂટાં થઈ શકે કઈ રીતે? તમને હું મગજ તરીકે કેળવી રહ્યો છું. સંતાનમ્ તો “પરમેનન્ટ અંડરસેક્રેટરી” છે એટલે તેનાથી ન જ ખસાય — તમે તમને બરાબર ઓળખતા થાઓ એમ ઇચ્છું છું.’
પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે ગાંધીજી કેટલે અંશે ખરા હતા? તેઓ મહાદેવભાઈને છૂટા રહેવાની તાલીમ આપીને પ્રશ્નોને પોતાનો આધાર લીધા વિના ઉકેલી શકે એવા કરવાની ગાંધીજીની હોંશ હતી. મહાદેવભાઈએ પોતાને કદી ગાંધીજીના વારસદાર માન્યા નહોતા. તેઓ આખી જિંદગી ગાંધીજીથી જુદા રહેવાનું કલ્પી જ નહોતા શકતા. જ્યારે જ્યારે પણ ગાંધીજીના મરણનો કોઈ ઉલ્લેખ થતો ત્યારે મહાદેવભાઈને અંધારાં આવી જતાં. ગાંધીજી વિનાના મહાદેવ હોઈ જ ન શકે એવી એમની કલ્પના હતી. છેવટે તેમની વાત જ સાચી ઠરી ને?
અમદાવાદથી તા. ૧૫મી મે, ૧૯૨૧ને રોજ મહાદેવભાઈ મુંબઈ આવ્યા અને ગાંધીજી સાથે, અથવા મુંબઈમાં સ્વતંત્ર રીતે ફરીને તેમણે ટિળક સ્વરાજ ફાળો ઉઘરાવવામાં મદદ કરી. તેમને ફાળો ઉઘરાવવાના કામમાં ત્યાર સુધીમાં ઠીક ઠીક હથોટી આવી ગઈ હશે. ગાંધીજી જાતે એકબે પત્રોમાં મહાદેવભાઈનાં આ વિશે વખાણ કરે છે. ૩૦મી જૂનને દિવસે ટિળક સ્વરાજ ફાળાની છેલ્લી તારીખ હતી. તે દિવસે એક કરોડનો લક્ષ્યાંક પૂરો થઈ ગયો. બીજે દિવસે મહાદેવભાઈ મોતીલાલજી સાથે કામ કરવા અલાહાબાદ જવા ઊપડ્યા હશે. જુલાઈની ત્રીજીથી એમણે પોતાની આ નવી જવાબદારી સંભાળી. અલાહાબાદ પહોંચ્યા પછી પણ મહાદેવભાઈના મનમાં ત્યાં રહેવું કે ગાંધીજીની સાથે કામ કરવું તે અંગે સમાધાન નહોતું થઈ શક્યું. ગાંધીજીએ એમને મોતીલાલજીને સોંપવાનો પોતાનો ઉદ્દેશ સમજાવીને પછી છેવટનો નિર્ણય કરવાનું સૂચવ્યું હતું. એમની ભૂમિકા ‘यथेच्छसि तथा कुरु’ની હતી. જુલાઈના આરંભથી ઑગસ્ટના મધ્ય સુધી મહાદેવભાઈના મનમાં સગડગ રહી. ૧૯મી ઑગસ્ટને દિવસે દેવદાસ ગાંધીને નામે લખેલ એક પત્રમાં તેઓ જણાવે છે કે તેમણે નિર્ણય કરી લીધો છે. ‘મારી ત્રિશંકુ દશા પૂરી થઈ’ એમ તેમણે દેવદાસને જણાવ્યું.
મૂળમાં તો મોતીલાલજીની માગણી પણ મહાદેવ માટે બીજા કોઈની વ્યવસ્થા થાય ત્યાર પૂરતી જ હતી. અને એમ સમજીને એમને સહેજ રાહત આપવા સારુ જ ગાંધીજીએ મહાદેવને એમની પાસે મોકલેલા. પણ અંદર અંદરથી ખુદ ગાંધીજીની ઇચ્છા પણ તેમને પોતાની પાસે બોલાવી લેવાની હતી. આ વખતે આવે તો यंग इन्डिया સારુ નહીં, પણ પોતાને માટે જ આવે, એમ પણ તેમણે નક્કી કરી રાખેલું. એટલે કાં અલાહાબાદ, કાં અહીં મારી સાથે — यंग इन्डिया સારુ નહીં, એટલે સુધી તેઓ કહી ચૂકેલા. પણ હાલ તુરત તો इन्डिपेन्डन्ट છાપાને સારી રીતે ચલાવવું એ જ ધ્યેય સામે રાખીને મહાદેવભાઈએ કામ કરવા માંડ્યું ત્યારથી એમનામાં નવું જોમ દેખાવા માંડ્યું. અનિશ્ચય મટી ગયો. અલબત્ત, અલાહાબાદ બેઠા इन्डिपेन्डन्टના દરેક અંક અંગે ગાંધીજીની ટીકાઓ પણ તેઓ મગાવતા. કેટલીક વાર यंग इन्डियाના ગાંધીજીનાં લખાણ इन्डिपेन्डन्टમાં પ્રગટ થતાં. કોઈ કોઈ વાર इन्डिपेन्डन्टમાંથી यंग इन्डियाમાં ઉતારા આવતા.
નિશ્ચય કર્યા પછી તેમણે જે કામ કર્યું એને અંગે મહાદેવભાઈને પોતાને સંતોષ હતો. બીજા સાથીઓને તો સંતોષ હતો જ. इन्डिपेन्डन्टના સંપાદક જ્યૉર્જ જોસેફને હતો, મોતીલાલજી અને જવાહરલાલને હતો, ગાંધીજીને પણ હતો. મહાદેવભાઈએ એકબે વાર એમ પણ કહ્યું કે ગાંધીજીના હાથ નીચે લીધેલી તાલીમ કામ આવે છે.
એકબીજા વિખૂટા પડે એટલે ગાંધીજી અને મહાદેવભાઈ વચ્ચે પત્રવ્યવહાર તો શરૂ થઈ જ જાય. બેચાર દિવસ બેમાંથી એકનો કાગળ ન આવે તો સામે પક્ષે ફરિયાદ આવી જ સમજો.
આ પત્રમાં તત્ત્વજ્ઞાન પણ ચર્ચાય અને રાજકારણ પણ ચર્ચાય. બંનેને મન તત્ત્વજ્ઞાન અને રાજકારણ બેઉ સાધનાના વિષયો હતા. અલબત્ત, મહાદેવના પત્રોમાં ભક્તિતત્ત્વ વધારે જણાઈ આવે, ને ગાંધીજીના પત્રોમાં અનુભવયુક્ત જ્ઞાન વધુ હોય. મહાદેવભાઈનો ૧૯૨૧ની ધનતેરશને દિવસે લખેલ પત્ર નીચે ટાંકીએ છીએ. તેમાં તેમણે ગાંધીજી પાસે ચિરંજીવી કહીને સંબોધાવાની માગણી પણ કરી હતી જે સ્વીકારતાં ગાંધીજીએ ‘માગ્યા વિના તો મા નહીં પીરસે’ કહીને ત્યાર સુધી મહાદેવને ચિરંજીવી ન કહ્યાનો બચાવ કર્યો છે. પણ પત્રનો ઉતારો તો માંદગીમાં પણ મહાદેવભાઈની મનોવૃત્તિ કેવી હતી તે બતાવવા આપ્યો છે:
‘તાવ ગયો ન ગયો તેની નથી પરવા. પથારીમાં મજા છે. તમને ખોટું ભલે લાગે. હું પારાવાર આનંદ ભોગવી રહ્યો છું. મારો આનંદ કોઈ સમજતા નથી. નથી સમજતો જડ પ્રોફેસર૧૬ કે બીજું કોઈ. કદાચ પંડિતજી૧૭ સમજે, પણ તે તો, કવિતા પોતાનામાં ભરેલી પણ તેને અણમાનીતી રાણીની માફક રાખનારા રહ્યા. મારા આ પાંચ દિવસ ધન્ય જવાના એમ લાગે છે. પાંચ દિવસ એટલે આપને અંજલિ મોકલી ત્યારથી માનીને. રાત્રે નિદ્રા આવતી જ નથી. કાંઈક કાવ્ય જેવું સ્ફુરે છે — કાવ્યો કેવળ કૈવલ્યાનંદનાં. અર્જુન ભગત કહે છે કે ‘નીંદ નહીં પલઘડી શબ્દ મેં જીનકું ખબરો પડી.’૧૮ તેનો અરધો અનુભવ મળી ગયો! મને તમે ધન્ય નહીં ગણો? પણ તમે ન ગણો તો શું? માત્ર તમે પિતા છો અને ન ગણો તો હું મૂંઝાઉં. આજે સવારે આટલા આનંદમાં બે આંસુ આવ્યાં. શા સારુ? જાણશો? તમે મને હજી “ચિ.” કહીને નથી સંબોધ્યો તેમાં.૧૯ પણ “આપ લીએ સો દૂધ બરાબર, માગ લીએ સો પાની”.
‘આજની રાત અમૂલ્ય ગઈ હતી. તેના વર્ણનથી તમને કંટાળો અપાય નહીં, અને હું આંગળીમાં જોર ક્યાંથી લાવું? મેં તમને ભજન મોકલેલું તેની એક કડી આજે અચાનક રાત્રે યાદ આવી. તમને મોકલેલી નકલમાં નહીં હોય એટલે મોકલું છું:
દોરી સર્વની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે
જેવો જંત્ર વગાડે જંત્રી તેવો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે.
‘આજે મારાં ભજનનો mood૨૦ બદલાયેલો હતો. આજે પ્રભાતે આ ચાલતું હતું: (તમને નથી ખબર.)૨૧
બસ અબ મેરે દિલ મેં બસા એક તૂ હૈ
બસ અબ મેરે દિલ કા દિલરુબા, એક તૂ હૈ
ફક્ત તેરે કદમોં મેં અયે મેરે માલિક
લગા ધ્યાન મેરા શામોં સુબહ હૈ.
ગુલિસ્તાં મેં જા કે હરેક ગુલ કો દેખા
ન તેરી-સી રંગત, તેરી-સી બૂ હૈ
ચમન મેં ગુલો પર યે ગાતી હૈ કૂમરી.22
તૂહી તૂ તૂહી તૂ તૂહી તૂ તૂહી એક તૂ હૈ.
બસ આ તો અનુભવી રહ્યો છું.
મારા પ્રણામ લો; આશીર્વાદ આપો.’૨૩
પોતાના સમવયસ્ક અથવા પોતાનાથી મોટેરા એવા આગેવાનો અંગે મહાદેવભાઈ સાથે ચર્ચા કરતાં ગાંધીજી ખૂબ સ્પષ્ટ વાત કહેતા. એક પત્રમાં તેઓ બે વડીલો વિશે કહે છે:
‘માલવિયાજી કે કવિમાં ઈર્ષ્યા હોય એ તો મને કલ્પનામાં નથી જ આવી શકતું. બંનેમાં ભીરુતા છે ને પોતાના વિચારો વિશે અભિમાન છે. જો સાથે ભીરુતા ન હોય તો અભિમાન સહી શકાય. જે દૃષ્ટિએ આપણે અસહયોગની ખામીઓ દરગુજર કરીએ તેમ તેઓ ન કરી શકે અને તેથી તેઓ સામે થાય. વળી મારા વિચારોની નવીનતા અને સાદાઈ તેમને ભ્રમિત પણ કરે છે. આથી વધારે તેઓને વિશે માનવું મને તો પાપરૂપ જ લાગે છે. બિપિનબાબુમાં૨૪ કે વિજયરાઘવાચારીમાં૨૫ તો બધુંયે હોય. રમાકાંતને બાળક માનું છું. તેણે સ્વતંત્ર વિચાર રાખવાનો દાવો કરી વિરોધ કર્યો લાગે છે. આપણે તેનો વિચાર જ ન કરવો ને આપણું પત્રકાર તરીકે મધુર ટીકા કરવાનું કામ કર્યે જવું. … એ કામ यंग इन्डियाમાં બહુ ન થઈ શકે પણ इन्डिपेन्डन्टમાં સુખેથી ખૂબીથી થાય.’૨૬
સ્વરાજ પછી દેશ કેવો હશે તે વિશે કરેલી કલ્પના આજે બહુરાષ્ટ્રીય કંપનીઓનું ઘોડાપૂર આવ્યું છે ત્યારે કેવી લાગે છે!
‘સ્વદેશી વિશે હું લોકોને ન સમજાવી શકું એ પણ મારી તપશ્ચર્યાની ખામી નહીં? સંપૂર્ણ તપસ્વી ન બોલતો છતાં પોતાની ભાવનાઓની અસર પાડે જ છે. કોઈ સાનમાં, કોઈ બોલીને, કોઈ લખીને સમજાવી શકે છે. એ બધાનો અર્થ શું? મારા દેખતાં જ ખાદી પહેરનારા તપશ્ચર્યાને લીધે તેમ નથી કરતા, એ તો પ્રેમવશ કરે છે.
‘ભવિષ્યમાં પણ સ્વતંત્ર હિંદુસ્તાન કંઈ પોતાનું અનાજ બીજેથી મગાવશે? જો નહીં, તો કપડાં પણ નહીં મગાવે. કાંઈ આપણે વિલાયતથી પાણી અને દવા ભરી મગાવશું? આપણા દેશમાં જ્યારે કપાસ નહીં પાકે ત્યારે ધર્મ બદલાશે ખરો? ત્યારે આપણને મુલક છોડવો પડશે. …’૨૭
પણ ગાંધીજી અને મહાદેવભાઈ વચ્ચેના પત્રવ્યવહારમાં ઘણી વાર તો વ્યક્તિગત વિષયો જ ચર્ચાતા.
એક બેસતે વર્ષે ગાંધીજી મહાદેવને આશીર્વાદ આપે છે: ‘તમે નવા વર્ષમાં ‘તન-દુરસ્ત, મન-દુરસ્ત અને દિલ-દુરસ્ત’ રહો એ બંનેને આશીર્વાદ’. મહાદેવભાઈએ જવાબમાં લખ્યું:
‘આપના આશીર્વાદ માથે ચડાવું છું. જરા વિનોદ કરી લઉં. આપે ‘તનદુરસ્ત, મનદુરસ્ત અને દિલદુરસ્ત, એમ એલિટરેશન (અનુપ્રાસ) જાણીજોઈને કર્યું હોય એમ હું નથી કહેતો. પણ જરા આનંદમાં આવી જઈને લખી નાખ્યું છે. મને એ શબ્દો વાંચીને આપણા પંડિતમન્યોએ થોડાં વર્ષો ઉપર એક મિથ્યાપ્રાય ચર્ચા ચલાવી હતી તે યાદ આવી અને હું ખડખડ હસ્યો.’૨૮
એટલે ગાંધીજીનો બીજો કાગળ એનાથી શરૂ થાય છે.
‘દિલ એટલે આત્મા, કેમ કે દિલ એટલે હૃદય — તનદુરસ્ત તો વપરાઈ ગયેલો શબ્દ છે. મારે લખવું હતું શરીરનું પણ એટલેથી જ મને સંતોષ થાય જ શાને? દેહનો ધર્મ કર્યે જ છૂટકો. ખાવાનું, નાહવાનું, ભિક્ષા માગતા ભ્રમણ કરવાનું કરાય ને માત્ર અન્ન મહેનતનો દ્વેષ? મનના યજ્ઞથી મનની, આત્માના યજ્ઞથી આત્માની ને દેહના યજ્ઞથી દેહની શુદ્ધિ થાય છે. દેહને જે અનાજ મળે છે તેનો બદલો માણસ મનનું કામ કરીને ન વાળી શકે. જ્યારે અનાજ મળવાની અપેક્ષા કર્યા વિના માણસ મજૂરી કરે ત્યારે તે યજ્ઞ છે. આ કાળે આ દેશે શરીરયજ્ઞ રેંટિયાથી જ થાય, કેમ કે તેની ત્રુટીથી હિંદુસ્તાનનું શરીર જીર્ણ થયું છે. જ્યારે હિંદુસ્તાનમાં હવાપાણી બદલાય ને આપણી હાજતો બદલાય ત્યારે આપણે બીજો યજ્ઞ કરી શકીએ. જો આ દેશમાં પાણી મેળવવા હંમેશાં કૂવા ખોદવા પડે તો કૂવા ખોદવાની ક્રિયાનો કંઈક અંશ યજ્ઞ બને. પણ જ્યાં સુધી તેવી સ્થિતિ હયાત હોય ત્યાં સુધી જેમ બ્રહ્મચર્ય ઇત્યાદિ આવશ્યક છે તેમ જ પેલો શરીરયજ્ઞ આવશ્યક. માત્ર તે દેહનો જ ધર્મ હોઈ જ્યારે દેહ ખાય નહીં ત્યારે તે યજ્ઞ-ક્રિયામાંથી મુક્ત રહી શકે. પણ જેમ મારા જેવો પ્રાર્થના જે માનસિક ને હાર્દિક ક્રિયા છે તે ચોવીસે કલાક કરે છે એમ માની કે પોતાને મનાવી સદાય અમુક વખત નથી રાખતો તેમ શરીરયજ્ઞ શારીરિક ક્રિયા હોઈ કર્યા વિના પોતાને મનાવી શકતો જ નથી. ક્રિયા એકતાર થઈને ન કરી છેતરે એ જુદી વાત, પણ કર્યે તો છૂટકો જ.’૨૮
ઑગસ્ટ ૧૯૨૦માં શરૂ થયેલું અસહકાર આંદોલન ૧૯૨૧ની આખર સુધીમાં તો ધમધમી ઊઠ્યું હતું. વિદ્યાર્થીઓ આખા દેશમાં હજારોની સંખ્યામાં કૉલેજો છોડતા હતા. પ્રાંતે પ્રાંતે રાષ્ટ્રીય વિદ્યાલયો ખૂલતાં હતાં. ધારાસભા અને વડી ધારાસભાના સભ્યો પોતાના સભ્યપદેથી રાજીનામાં આપીને લડતમાં ઝુકાવતા હતા. વકીલો અને બૅરિસ્ટરો વકીલાત છોડતા હતા. ઠેર ઠેર નાનામોટા કાર્યકર્તાઓની ધરપકડો થઈ રહી હતી. જેલ જવું એ બીવા જેવો કે નવાઈ પામવા જેવો વિષય રહ્યો નહોતો.
સ્વાભાવિક રીતે જ અલાહાબાદમાં આ આંદોલનનાં અનેક કેન્દ્રો પૈકી એક બની ગયું હતું. જ્યાં મોતીલાલજી જેવા પીઢ નેતાએ ઝુકાવ્યું હોય, જ્યાં જવાહર જેવા તરવરતા જુવાનિયા હોય ત્યાં અસહકાર આંદોલન પાછળ શાનું રહે?
અને જે છાપું મોતીલાલજીના માર્ગદર્શન હેઠળ ચાલતું હોય, જેને જ્યૉર્જ જોસેફ જેવા અગન વરસાવતા અને પાછળથી મહાદેવભાઈ જેવા ઠંડી તાકાતવાળા તંત્રીઓ મળ્યા હોય તે આ દિવસોમાં ખીલી ન ઊઠે તો ક્યારે ખીલે?
ડિસેમ્બર માસ આવતાં તો इन्डिपेन्डन्टનું આંગણું રણાંગણ થઈ પડ્યું. इन्डिपेन्डन्टના તે કાળના તંત્રી શ્રી જ્યૉર્જ જોસેફની કલમ પાણીદાર હતી. મહાદેવભાઈએ એક પત્રમાં તેમને વિશે લખ્યું:
‘તેમની ખરી ખૂબી હું અઠવાડિયામાં જોઈ શક્યો છું. પ્રથમથી જ તેમનું હીર તો જોયેલું, પણ આજે તો લાગે છે કે હિંદુસ્તાનમાં બાપુની પછી બેસી શકે એવો બીજો ઍડિટર જોસેફ છે. એની મૌલિકતાનો પાર નથી, જ્ઞાનનો પાર નથી, ચિંતનશક્તિના ક્ષેત્રનો પાર નથી અને લેખનશક્તિ તો એની ગુલામ છે. હું તો એની આગળ કશી ગણતરીમાં નથી. એનું સ્થાન લેવાને આવવું એ મારે માટે ધૃષ્ટતા કહેવાય. જોકે મેં એ ધૃષ્ટતા નથી કરી એમ મારું હૃદય હજી કબૂલ કરે છે.’૨૯
છઠ્ઠી તારીખે નેહરુ પિતા-પુત્ર અને इन्डिपेन्डन्टના તંત્રી શ્રી જ્યૉર્જ જોસેફની ધરપકડ થઈ. આ પહેલાં મોતીલાલજીને નોટિસ મળી હતી કે એમના મકાન આગળથી યુવરાજ (પ્રિન્સ ઑફ વેલ્સ, જેમનો કૉંગ્રેસ તરફે બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો હતો.) પસાર થવાના છે. તે વખતે એમના ઘરમાં એમનાં કુટુંબીઓ અને સંબંધીઓ સિવાય કોઈને હાજર રહેવા દેશો નહીં, પોલીસને દાખલ થવાની છૂટ આપવામાં આવી હતી. મોતીલાલજીએ એ ચેતવણીને સ્વીકારવાની જ ઘસીને ના પાડી હતી. મોતીલાલજીને છ માસની સજા થઈ. એમના છાપા इन्डिपेन्डन्ट સારુ બે હજારના જામીનની માગણી થઈ હતી, તે ભરી દેવી અને તંત્રી તરીકે મહાદેવભાઈએ ચાર્જ લેવો એવી સૂચના તેમણે આપી હતી. તે મુજબ ૭મીએ મહાદેવભાઈએ તંત્રી તરીકે જવાબદારી સંભાળી લીધી. જો કોઈ સંજોગોમાં મહાદેવભાઈની ધરપકડ થાય તો ત્યાર બાદની વ્યવસ્થા કરવા મોતીલાલજીએ ગાંધીજીને વિનંતી કરવા સૂચવ્યું. મહાદેવભાઈએ આ સમાચારની સૂચના ગાંધીજીને તારથી આપી. અને એમની પાસે સૂચન માગ્યાં. ગાંધીજીએ તાર કરી આશા વ્યક્ત કરી કે શ્રીમતી નેહરુ શાંત હશે. મહાદેવભાઈને નિશ્ચિંતપણે કામ સંભાળી લેવાનું સૂચવ્યું અને એ પણ સમાચાર મોકલ્યા કે દેવદાસને જરૂર પડ્યે એમની જગા લેવા મોકલી રહ્યા છે. સાથે સાથે એમણે એમ પણ સૂચવ્યું કે इन्डिपेन्डन्टને સુધારજો. રિપોર્ટ ઉપર ખૂબ અંકુશ રાખજો. રિપોર્ટ ભલે ઓછા મળતા, પણ તે સાચા જ છપાવા જોઈએ.
નવમી તારીખે મહાદેવભાઈએ ગાંધીજીને બીજો તાર કર્યો. તેમાં લખ્યું:
‘જોસેફને બધું મળીને બે વર્ષ (સજા) મળ્યાં. સાદી (કેદ). આગ્રા જેલમાં લઈ ગયા. પહેલા વર્ગમાં ગણાશે. શ્રીમતી જોસેફ ખુશમિજાજમાં. શ્રીમતી નેહરુનો સંદેશો શહેરમાં વહેંચ્યો અને इन्डिपेन्डन्टમાં છાપ્યો. नवजीवनને તાર કરું છું. કૃષ્ણકાંત માલવિયા૩૦ હવે અસહકારી. કલેક્ટરનો હુકમ અવગણી સભ્ય થઈ સ્વયંસેવકો સાથે જેલ જવા આતુર. હમણાં ના પાડી છે અને આપના આદેશની રાહ જોવા સમજાવ્યું છે. એક્સપ્રેસ તારથી સૂચના આપો. કાંઈ ઉતાવળિયું પગલું ભરતાં રોકવા પ્રયત્ન કરું છું. દેવદાસ આવે છે એ માટે આભાર.’૩૧
૧૦મી તારીખે કલકત્તામાં મોતીલાલજીના સમોવડિયા દેશબંધુ ચિત્તરંજન દાસની ધરપકડ કરવામાં આવી. તે પહેલાં જ તેમનાં ધર્મપત્નીની ધરપકડ થઈ હતી. ૧૧મીએ ગાંધીજીના સૌથી મોટા દીકરા હરિલાલની ધરપકડ થઈ. પંજાબમાંથી લાલા લજપતરાય, ડૉ. ગોપીચંદ ભાર્ગવ, શ્રી કે. સંતાનમ્, આસામમાંથી શ્રી ફુકન તથા શ્રી બારદોલોઈ, બંગાળમાંથી શ્રી જિતેન્દ્રલાલ બેનરજી, અજમેરમાંથી મૌ. મોહિયુદ્દીન તેમ જ બીજાઓ, લખનૌથી હરકરણનાથ મિશ્ર વગેરેને પકડીને સરકારે પોતાનું પોત પ્રકાશ્યુ.
૨૦મી તારીખે વળી બીજો તાર:
‘જામીનગીરી જપ્ત થઈ. આજે સવારે મળેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે “શ્રીમતી નેહરુનો સંદેશો” અને (Let us also see it through) આપણે પણ પાર ઉતારીએ. એ બંને લેખોમાં કાયદો અને વ્યવસ્થાના વહીવટમાં દખલગીરી ઉપજાવે એવા શબ્દો છે. નોટિસનો પાઠ यंग इन्डियाને તારથી મોકલ્યો છે. કાલથી હસ્તલિખિત પત્ર કાઢવા ઇરાદો છે. વિગતવાર સૂચના તારથી મોકલો. જોકે કોઈ પણ ઘડીએ ધરપકડ થશે.’૩૧
જવાબમાં ગાંધીજીનો તાર:
‘શાબાશ. બને એટલા નકલો કરનાર સ્વયંસેવકો મેળવો. રોનિયો ઉપર નકલ કાઢો. રોજ, અતિ સંક્ષેપમાં સમાચાર અને બોધદાયક લેખો આપો. સ્વયંસેવકો છાપું વેચે.’૩૨ यंग इन्डियाમાં इन्डिपेन्डन्टના પ્રકાશન બંધ થવા વિશે એક નોંધમાં એનો તાજો ઇતિહાસ સંક્ષેપમાં આપીને ગાંધીજીએ ઉમેર્યું:
‘આપણે જાણીએ છીએ કે કાયદો એટલે સ્વયંસેવકદળોને વિખેરી નાખવાનું જાહેરનામું અને વ્યવસ્થા એટલે જાહેરસભાઓ ભરવાનો મનાઈહુકમ. … પરંતુ સરકારને પોતાની ભૂલ તરત સમજાઈ જશે. इन्डिपेन्डन्ट ભલે નાશ પામે પરંતુ એણે લોકોમાં જે જુસ્સો પેદા કર્યો છે તેનો નાશ ન થઈ શકે. … સંપાદક તેના માલિકોને બદલે ટ્રસ્ટીને સ્થાને હોય તોપણ તેણે તેનું પોતાનું વ્યક્તિત્વ જાળવવું જોઈએ. મહાદેવ દેસાઈમાં રહેલો મુદ્રક ઘડીભર ઊંઘી જાય પણ સંપાદક તરીકે તે જીવે જ છે. અને મને આશા છે કે હવે તેમનું પત્ર છાપવાને બદલે હાથે લખશે…’૩૩
દેવદાસને એક પત્રમાં ગાંધીજીએ લખ્યું: ‘તમે જેલ ગયા, મહાદેવ પકડાયા એવા તારની રાહ જોઉં છું.’
૨૨મી તારીખનો इन्डिपेन्डन्टનો અંક દેશના પત્રકારત્વના ઇતિહાસમાં નવું પાનું ઉઘાડે એવો હતો. પહેલી વાર કોઈ તંત્રીએ કોઈ દૈનિક છાપાનો અંક હસ્તલિખિત કાઢીને વહેંચ્યો હોય તેમ બન્યું. એ અંકનો અગ્રલેખ આમ બોલે છે:
નવો અવતાર૩૪
‘અમારો નવો અવતાર તેમને આભારી છે જેઓ આંખ છતે જોતા નથી, કાન છતે સાંભળતા નથી, જેમને કોઈ વાતનો સારાસારવિવેક નથી. સરકારની દમનનીતિ દીવો લઈને અંધારામાં કૂવામાં પડવાની છે. અમને પકડીને સરકારે પોતાની વિવેકબુદ્ધિ ઉપર જ કુહાડી ચલાવી છે. અમારી જીભ અને કલમને તાળું મારીને તેણે, છતી આંખે જોવાના ને છતા કાને સાંભળવાના અખાડા કર્યા છે. પોતે શું કરે છે અથવા શું કહે છે તેનું સરકારને ભાન નથી. નહીં તો, દાખલા તરીકે, જો સર હારકોર્ટ૩૫નાં આંખ, કાન ને ભેજું ઠેકાણે હોય તો જે વચનો તેણે કાઢ્યાં છે તેવાં કદાપિ કાઢે? મિ. મૉંટેગ્યૂ૩૬ને, જો, પોતે શું કહે છે તેનું ભાન હોય તો “હિંદુસ્તાનમાં તો કાંઈ જ જુલમ ચાલતો નથી” એવું કદાપિ કહે?
‘પોતાના અજ્ઞાનનું અજ્ઞાન, એના જેવો એકે અંધકાર નથી. આપણી તો અજ્ઞાનાંધકારની અને અજ્ઞાનની કાળીમેંશ સત્તાની સામે આજીવન લડાઈ છે.
ઈશ્વર યુદ્ધમાં આપણને સહાય કરતો જણાય છે. શેતાનના તેમ જ ખુદાના પંથ હમેશાં આકેલા જ હોય છે. જુલમગાર પોતે ચાહે તેવો દુષ્ટ હો છતાં માને છે કે પોતે ભલો માણસ છે. પોતામાં સારું કેટલું છે ને નઠારું કેટલું છે એના અને ઈશ્વર હમેશાં શુભ પંથનો દર્શક છે એના જ્ઞાનવાળો દૂબળામાં દૂબળો માણસ પણ મારો પ્રાણ હરશે કે શું એમ જુલમગાર હમેશાં ચેતતો રહ્યા કરે છે. તેથી જાલિમ જેમ જેમ પોતાની સત્તાના મદને વશ થતો જાય છે તેમ તેમ તે પોતાના વિનાશની સમીપ જતો જાય છે.
અને આપણે જેમ જેમ આપણી ત્રુટિને જાણતા જઈએ, માર્ગ ભૂલેલાના માર્ગદર્શક પ્રકાશસ્વરૂપ પરમેશ્વરની સમીપ જ ઝંખીએ, આત્મશુદ્ધિને અર્થે અહર્નિશ તપશ્ચર્યા આદરીએ તેમ તેમ આપણે વિજયશ્રીની પાસે પાસે પહોંચતા જઈએ છીએ.
‘એક જામીનગીરી એટલા સારુ જપ્ત કરવામાં આવી કે “શ્રીમતી નેહરુના સંદેશ” અને “આપણે પણ પાર ઊતરીએ” એ લેખો કાયદાના અમલમાં દખલ દેનારા અને સુલેહશાંતિના “વિઘાતક” ગણવામાં આવ્યા. અમે સાવ સ્પષ્ટ કહીએ છીએ કે અમને આ સરકારનો કરેલો કોઈ પણ કાયદો માન્ય નથી. તેમ સરકારની સુલેહશાંતિ જાળવવાની રીત પણ અમને માન્ય નથી. સત્ય, અહિંસા વગેરે નીતિના કાયદા અમારી પોતાની અને ઈશ્વરની પ્રત્યે અમને વફાદાર રાખવા માટે પૂરતા છે. આથી અમે તો શ્રીમતી નેહરુનો સંદેશો જગતને આપવાની અને કાર્ય “પાર ઉતારવાની” અમારાથી બનશે તેટલી કોશિશ કરશું.
‘આ પ્રયત્ન પણ, પહેલાંનો તેવો પ્રયત્ન દાબી દેવામાં આવ્યો, તેમ, દાબી દેવામાં આવે એ સંભવિત છે. અમને અને અમારા સાથીઓને અકારી થઈ પડેલી ગુલામી-સ્વતંત્રતામાંથી મુક્ત કરવામાં આવે એ સંભવિત છે. આનાથી વધુ મનગમતું પરિણામ કયું ઇચ્છી શકીએ? એક રીતે જોતાં આ સાહસ ખેડવું પડે છે એ માટે અમને ભારે દુ:ખ પણ થાય છે. કારણ, આવા અસત્ય અને અન્યાયના રાજ્યમાં, જેલ બહારનું જીવન અસહ્ય છે.
‘જાલિમ અમારા ક્ષણભંગુર ખોળિયાની સઘળી હિલચાલો રોકવાને સમર્થ છે. પણ અંતરમાં રહેલા અવિનાશી આત્માનો સ્પર્શ સુધ્ધાં કરી નહીં શકે. દેહને તે ભલે પોતાના કાયદાથી વશ કરી શકે, આત્મા ઉપર પોતાના કાયદાનો દોર ચલાવવાનું તેનાથી સ્વપ્ને પણ ન બને. મને મારી નાખવો એનો અર્થ માત્ર એટલો જ થાય છે કે “કાયાપલટ” ભલે થાય; આત્માને શું થાય?’૩૭
इन्डिपेन्डन्टની આ નકલ લઈને મહાદેવભાઈ પં. મોતીલાલજી અને જવાહરલાલજીને જેલમાં મળી આવ્યા. બંને જણની છાતી મોરના ઈંડા જેવા આ રૂપાળા અંકને જોઈને ગજગજ ફૂલી. જવાહર તો પહેલેથી જ ખૂબ ઉમળકાવશ. એ તો મહાદેવને ભેટી જ પડ્યા. લાંબા આશ્લેષ પછી જવાહરે સૂચવ્યું કે આનું ઉર્દૂ સંસ્કરણ પણ કાઢવું જોઈએ. હસ્તલિખિત इन्डिपेन्डन्टનો એક લેખ change but cannot die (બદલાઈ શકું છું પણ મરીશ તો હરગિજ નહીં) લેખનું મથાળું જવાહર વારંવાર ગોખતા જ રહ્યા. એનું ભાષાંતર नवजीवनમાં ‘નવો અવતાર’ એવા મથાળા હેઠળ છપાયું, જે આપણે જોઈ ગયા છીએ. ખર્ચ અંગે પરવા ન કરવાની પણ બંનેએ બાંયધરી આપી. ‘તારે જે ખરચ કરવું હોય તે કરજે, પણ છાપું કાઢજે અને જેલમાં ચાલ્યો આવજે, કારણ, હવે તો તને નહીં છોડે.’ માંદગીમાં ઉત્તેજિત થતા મહાદેવને આદેશ આપીને બિછાનામાં પોઢાડી દેનાર મોતીલાલ કોઈ પિતામહ પોતાના પૌત્રને પહેલી વાર જોઈને હરખાય તેમ મલકાઈ ઊઠ્યા. મહાદેવભાઈએ એમને ખબર આપી કે તેમણે આ અંકની એક નકલ કલેક્ટરને અને બીજી એક સંયુક્ત પ્રાંતોના ગવર્નર સર હારકોર્ટ બટલરને મોકલી આપી હતી. એટલે પકડાવાના સારુ તેમણે પૂરી તૈયારી કરી રાખી હતી.
ગાંધીજીએ વચ્ચે એક વાર ફરિયાદ કરેલી કે इन्डिपेन्डन्ट કઢંગું છપાય છે. પણ તેમણે અનુમાન કરેલું કે બધું જ કામ બિનઅનુભવી લોકોને હાથે થતું હોવાથી આમ તો થાય જ. ડિસેમ્બર માસમાં ગાંધીજીના સંદેશા આવતા કે હવે તો તમારી ધરપકડના સારા સમાચાર આવે તેની રાહ જોઉં છું. એક પત્રમાં મહાદેવભાઈએ લખ્યું:
‘મારા નમ્ર સાહસને ભારે ફતેહ મળી છે. લોકોએ મોંમાગ્યાં મૂલ આપી હસ્તલિખિત નકલો ખરીદી. ખૂબ ઉત્સાહ ફેલાઈ રહ્યો છે. આજે હજાર નકલો કાઢીશ.’૧
મહાદેવભાઈએ એક ઠેકાણે નોંધ કરી છે કે એક અંકના બત્રીસ રૂપિયા આપીને કોઈકે ખરીદ્યો. વર્ષો પછી પ્યારેલાલે આ ઘટનાને યાદ કરી કહ્યું કે મને બરાબર યાદ હોય તો એક નકલના અઢીસો રૂપિયા મળેલા! પણ શ્રી પ્યારેલાલની યાદશક્તિ ઘટના પછી પચીસ વર્ષે અતિશયોક્તિ કરી ગઈ હોય એ માની શકાય છે. પણ આનાનો અંક ત્રીસ-બત્રીસ રૂપિયામાં વેચાય એ પણ એની લોકપ્રિયતાનો આંક આપવા સારુ પૂરતું છે.
આવા ઉત્તેજક શુભ સમાચાર હોય તે કાંઈ મહાદેવભાઈ નરહરિભાઈને લખ્યા વિના ચૂકે? એમણે તેમને જણાવ્યું કે આવું કાંઈક થશે એમ તો તેઓ જાણતા હતા. પણ એમને લાગ્યું કે બાયરનની પેઠે એક દિવસ સવારે ઊઠીને જોયું તો પોતે જગપ્રસિદ્ધ થઈ ગયા હતા. તે દિવસ સુધી એમને પકડશે એમ તેમને લાગતું નહોતું. ‘પણ હવે તો સરકારને ત્યાં રાજાયે સરખા અને પ્યાદાંયે સરખાં. એટલે પ્યાદું પણ રાજાની જેમ મશહૂર થવાનું.’૩૯
નરહરિભાઈને મહાદેવભાઈએ એમ પણ જણાવ્યું કે —
‘મને મારા અહીંના ભક્તો કહે છે કે એમાંનાં સારાં લખાણો તો यंग इन्डियाની યાદી આપે છે! એ તો રામ જાણે. પણ यंग इन्डियाનો રંગરાગ કે ગંધ જરાયે ન આપે, તો તો મારી બધી તાલીમ પાણીમાં ગઈ કહેવાય ને?’૩૯
છેવટે એ રળિયામણી ઘડી આવી પહોંચી. લખનૌથી આવીને તરત મહાદેવભાઈ इन्डिपेन्डन्टના બીજા અંકની તૈયારીમાં લાગી ગયા. ત્યાં પોલીસની વાન એમને નોતરું આપવા આવી પહોંચી. મહાદેવભાઈ તો તૈયાર જ હતા. પોલીસ આવે તે પહેલાં તો તેમણે આવતા અંક સારુ અગ્રલેખ પણ લખી રાખ્યો હતો. એમની જગા લેવા દેવદાસ તત્પર ખડા જ હતા. ગાંધીજીએ દેવદાસને નામે તે જ દિવસે કે બીજે દિવસે તાર કર્યો, જે પાછળથી ૩–૧–’૨૨ને દિને बॉम्बे क्रॉनिकलમાં છપાયો:
‘મહાદેવ વિશે અત્યંત ખુશી થયો. દુર્ગા તંદુરસ્ત અને સશક્ત હશે એવી આશા રાખું છું. તેની ઇચ્છા હોય તો તે પાછી ફરે. તું પકડાઈ જાય અને તારું સ્થાન બીજાઓ લેવા તૈયાર થાય ત્યાં સુધી તું આ પત્ર ચાલુ રાખીશ એવી આશા છે.’૪૦
લખનૌ પંડિતજીને મળવા જતાં અને વળતાં ટ્રેનમાંથી લખેલ એક પત્રમાં મહાદેવભાઈએ ગાંધીજીને इन्डिपेन्डन्टની જામીનગીરી જપ્ત થઈ તે વખતની ‘નॅશનલ જર્નલ્સ લિમિટેડ’ — (इन्डिपेन्डन्ट જે પેઢીની માલિકીનું હતું તેનું નામ)ના ડાયરેક્ટરની ગભરામણનું રમૂજી છતાં કરુણ એવું ચિત્ર ખડું કર્યું:
‘હું કાલે આપને કાગળ લખવા ચાહતો હતો. પણ નથી લખી શકાયો. કાલે હાથનું પેપર કાઢવામાં સવારે અગિયાર વાગ્યાથી તે રાત્રે નવ સુધી, જમવાની કે પિસાબ–પાણીની મિનિટ કાઢ્યા વિના રોકાયો હતો. આપને આશ્ચર્ય થશે કે આવું એક ચીંથરું કાઢવામાં કેમ આટલો વખત ગયો? પણ મારી મુશ્કેલીઓનો પાર નથી. મુશ્કેલીઓની વાત કરનાર માણસ કાયરતાનું લક્ષણ બતાવે છે એ હું ચોક્કસ માનું છું, પણ આપને અહીંની સ્થિતિથી વાકેફ કરવાના હેતુથી બે શબ્દ લખું તો ગેરસમજ ન કરશો.
‘પરમદહાડે સવારે ધાડ આવી કે તરત જ ડિરેક્ટરો પ્રેસમાં દોડી ગયા અને ચાલતાં મશીનોને અટકાવ્યાં. પાંચ હજારમાંથી દોઢ હજાર કૉપી નીકળી શકી હતી. મેં કહ્યું, “આપણે નવું કાંઈ ન છાપીએ પણ છાપવું શરૂ કરેલું પૂરું શા માટે ન કરીએ?” તેમનું કહેવું કાયદેસર રીતે સાચું હતું કે નોટિસ મળી પછી એક સેકંડ પણ ન છપાય. પણ તે ભીરુઓમાં એટલું વિચારવાની શક્તિ ન હતી કે નોટિસ મને ઘેર મળી છે, ઘરથી હું જાઉં — જતાં મને કદાચ વાર લાગે — ત્યાર પછી બંધ કરાવું તો જરૂર ચાલે. પણ ધીરજ ખોઈ, મોટરમાં દોડી જઈ તેમણે મશીન બંધ કરાવ્યાં. પછી આવ્યા મારી પાસે. મને કહે “શો ઇરાદો છે?” મેં કહ્યું, “હાથથી પેપર કાઢીશ.” તાજુબ થયા! કાંઈ પણ બોલ્યાચાલ્યા વિના ઘેર ગયા.
‘હું તો ઑફિસમાં જઈને મારા નવા પત્રની તૈયારી કરવામાં લાગી ગયો. ત્યાં બીજા ડિરેક્ટર આવ્યા. હું ઑફિસમાં બેસીને નવા પેપરની તૈયારી કરતો હતો તે પણ તેને ખૂંચતું હતું. મને કહે કે, “તમે આ કાઢો છો પણ એનાં જોખમ વિચાર્યાં છે?” મેં કહ્યું, “હા; તમારે માથે એક પણ જોખમ નથી.” તો કહે કે, “તમે નૅશનલ જર્નલ્સ લિમિટેડ તરફથી તો ન કાઢો ને? તમે નામ પણ બીજું રાખશો ને?” મેં કહ્યું, “મેં તમારી ભીરુતા કલ્પીને આનંદ ભવનમાંથી જ એ કાઢવાનો નિશ્ચય કર્યો છે. નામ તો इन्डिपेन्डन्ट જ રાખીશ. એની તમને કાંઈ ટ્રેડમાર્ક કે પેટન્ટ નથી.” પેલો ચમક્યો. મેં કહ્યું, “ચમકો છો શું કરવા? પંડિત મોતીલાલજીને પણ ખબર છે કે હું આ અખબાર કાઢવાનો છું. તમે પંડિતજીને જોઈએ તો મળી આવો. દરમિયાન તમારી ઑફિસમાં બેસીને હું અખબારોનો અને તારનો ઉપયોગ કરું તે કરવા દેવા જેટલી સલૂકાઈ તમે ન વાપરો?” ધ્રૂજતે ધ્રૂજતે પેલો કબૂલ થયો.
‘મારા બાર કલાકમાં દોઢ કલાક આને સમજાવતાં ગયો! મારા સ્ટાફના પણ ચમક્યા તો હતા જ કે આ તે લખેલા પત્રની શી વાત કરે છે! એટલે બધાને, ખબર, કાઢીને કેમ લખવી, કેમ ગોઠવવી, એ બધું મારે બતાવવાનું હતું. કોઈને condense (ટૂંકાવવાની) કરવાની ટેવ નહીં એટલે ન આવડે. પ્યારેલાલનો પ્રેમ અને ખંત તો આશ્ચર્યકારક પણ તેમનામાં કચાશ બહુ છે. એને પેપર ન સોંપી શકાય. હજી એ તો નાદાન છે એમ જોઉં છું. પણ એની ખંતના જેટલી ખંત તો બીજા કોઈનામાં મળે જ નહીં. પ્યારેલાલે તો કાલે સવારે સાડા પાંચ વાગ્યા સુધી કામ કર્યું: આ તો મારા સાથીઓ વિશે એક કૌંસ૪૧ લખી કાઢ્યો.
‘મારા માટે બીજું વાદળ તૈયાર જ હતું. ચારેક વાગ્યે બીજા ડિરેક્ટર આવ્યા. એ તો કાયદો શીખેલા એટલે પ્રેસ ઍક્ટની વાતો કરવા લાગ્યા. પ્રેસ ઍક્ટ મેં, તેમના માથામાં માર્યો, ત્યારે સંતોષાયા. મેં કહ્યું કે, “તમે ગભરાશો નહીં, પંડિતજીનો ઠરાવ આવે ત્યાં સુધી મને તમારી ઑફિસ વગેરેનો ઉપયોગ કરવા દો.” પણ એ તો કહે, “ઉપયોગ તો તમને કરવા દઈએ પણ આવીને પ્રેસ જપ્ત કરે તો?” મેં કહ્યું, “પ્રેસને તો તમે બાર મણનાં તાળાં લગાવ્યાં છે.”
(અહીં કલમમાં શાહીયે ખૂટી અને લખનૌ પણ આવ્યું. હવે પંડિતજીનાં દર્શન કરી૪૨ તેમની સાથે એકબે કલાક બેસી, પાછો સ્ટેશન ઉપર આવીને બેઠો છું અને આ લખી રહ્યો છું. રાતની સાડા દસ વાગ્યાની ગાડીએ અલાહાબાદ જઈશ. હવે મારી તૂટેલી વાત આગળ ચલાવું.)
‘તો કહે “તોપણ તોડે.” મેં કહ્યું, “તો તો તમને પકડી લઈ જશે અને તમારા ઘરને તોડશે તો તમે આ પાગલ સરકારને અટકાવી શકવાના છો?” એટલે ચૂપ થયા. એટલામાં અમારો એકાઉન્ટન્ટ, મેં સવારે, અખબાર માટે કાગળો, પેન્સિલ વગેરે સ્ટેશનરી મગાવી હતી તેનું બિલ પાસ કરાવવા આવ્યો. ડિરેક્ટરસાહેબે કહ્યું, “એ બિલ નહીં પાસ થાય.” મેં કહ્યું, “આજે સસ્પેન્સ એકાઉન્ટમાં૪૩ લખીને તો પાસ કરો. પંડિતજીને પૂછીને જોઈ લેજો;૪૪ નહીં તો મારી પાસેથી એ પૈસા લઈ લેજો. હું પંડિતજી પાસેથી એ પૈસા લઈ લઈશ. નહીં તો આશ્રમમાંથી મગાવી લઈશ.” પછી પેલાએ એવી ઇચ્છા બતાવી કે ડિરેક્ટરની મિટિંગ થઈ જાય ત્યાં સુધી અખબાર બંધ રહે તો સારું.” મેં કડકાઈથી કહ્યું, “અખબારની ઑફિસ ઘડીકમાં આનંદ ભવનમાં જશે; પછી તેની સાથે તમારે કશી નિસબત નથી. હું અખબાર એક દિવસ પણ બંધ નથી રાખી શકતો.” એટલે પેલા ગયા.
‘દરમિયાન મારું અખબાર તો તૈયાર થતું જતું હતું. પણ ત્રણ સાઇક્લોસ્ટાઇલોએ મને ભારે દગો દીધો. ત્રણ સાઇક્લોસ્ટાઇલો ઉપર સારી નકલ કેમે કરી નીકળે જ નહીં. ત્રણચાર કલાક માથાં ફોડ્યાં પણ મિથ્યા. અને દેવદાસ કૉપી કરનાર વૉલન્ટિયર લાવી નહોતા શક્યા. આખરે કંટાળીને અખબાર ઉપર આજની તારીખ નાખી. રાત્રે બેસીને બે વાગ્યા સુધીમાં હાથે, બેત્રણ જણે મળીને દસ નકલ કાઢી. પ્યારેલાલ તો દસ પૂરી થાય ત્યાં સુધી ઊઠે જ નહીં. તે સાડા પાંચ સુધી જાગ્યા. મેં તો દિવસના ચૌદ-પંદર કલાક કામ કર્યું હતું એટલે બે વાગ્યે સૂઈ ગયો. સવારે ઊઠ્યો અને કાલને માટે “ઍડિટોરિયલ” લખી નાખ્યો. કારણ, જવાહરલાલે તાર કર્યો હતો કે, “પિતાજી મળવા ચાહે છે; તારે કે દેવદાસે આવી જવું જોઈએ.” અખબારની બધી વાતો દેવદાસ મારફતે ન થાય એટલે ખબર તૈયાર કરવાનું પ્યારેલાલ અને મારા સ્ટાફને સોંપી, મારી “ઍડિટોરિયલ” નોટ્સ આપી નીકળી પડ્યો. એટલામાં ખુશખબર આવી કે copyist (નકલો કરનારા) એકાદ ડઝન ઉપર તૈયાર થયા છે અને એક સાઇક્લોસ્ટાઇલ સુંદર નકલ આપવા લાગ્યું છે. હું આશા રાખું છું — મેં આખે રસ્તે પ્રાર્થના કરી છે — કે બસેં સુધી નકલ તો નીકળે.’૪૫
લખનૌના કેદીઓની સ્થિતિનું થોડું વર્ણન કરી, મોતીલાલજી સાથે થયેલી વાતચીતનો સાર આપતાં મહાદેવભાઈ આગળ ચલાવે છે:
‘પંડિતજી બહુ રાજી રાજી થયા — મને જોઈને, અને સોડમાં લીધો. જવાહરલાલજી તો ખૂબ ભેટ્યા. મારું અખબાર જોયું. જોઈને મોહિત થઈ ગયા એમ કહું તોપણ તેમાં લેશ અભિમાન નથી આવતું એમ મને લાગે છે, કારણ, તેમણે તો તે નીરખ્યા જ કીધું. ‘I change but I cannot die’૪૬ એ શબ્દો પચાસ-સાઠ વખત બોલ્યા હશે. આખું વાંચી ગયા. મને કહે કે, “આમાં કાંઈ સૂચના કે સુધારો કરવા જેવું નથી. માત્ર એ અખબાર તું જ કાઢે છે, इन्डिपेन्डन्ट કંપની સાથે કશો સંબંધ નથી એમ કાલે એક લીટી લખી નાખજે.” પૈસાની વ્યવસ્થા તો તરત જ એમણે કરી દીધી. મને પાંચસોનો ચેક તરત આપ્યો; અને કહ્યું કે, “તારે જે ખરચ કરવું હોય તે કરજે, પણ છાપું કાઢજે; અને જેલમાં ચાલ્યો આવજે (કારણ હવે તને નહીં છોડે)” મેં કહ્યું, “મેં એક નકલ નોકસ કલેક્ટરને અને એક સર હારકોર્ટ બટલરને પણ મોકલી તો છે. મારા બધા પ્રયત્ન છતાં જેલમાં ન જાઉં તો મારા વિધિનો દોષ — બીજા કોનો?” ’
પછી અલાહાબાદના બધા ખબર આપ્યા. દેવદાસને મેં અલાહાબાદની શાંતિ માટે અને વ્યવસ્થા માટે કૉંગ્રેસમાં૪૭ નથી આવવા દીધો એ જાણીને પણ ખુશ થયા. પ્યારેલાલને અખબાર માટે આપે મોકલ્યા છે અને હું તાલીમ આપી રહ્યો છું એ જાણી પણ ખુશ થયા, અને કહ્યું કે, ‘તને ઈશ્વર મતિ આપે તેમ ગાડું હાંક્યે રાખ. તને ને તારા અખબારને મારા અનેક આશીર્વાદ છે.’ આથી વધારે આશ્વાસન બીજું શું હોય? હું અનેક ઉજાગરાવાળો છતાં આજે શેર લોહી વધારે લઈને જાઉં છું. વળી આપના આશીર્વાદ આવશે એટલે કેટલું લોહી ચઢશે તેનો ખ્યાલ નથી આપી શકતો. જોકે આપને બધું જ ગમશે એટલી બધી શ્રદ્ધા નથી. જવાહરલાલે, જેટલાં સાઇક્લોસ્ટાઇલ અલાહાબાદમાં હોય તે બધાં મગાવી લેવા માટે ચિઠ્ઠીઓ લખી નાખી. જેટલાની મદદ મળે તે બધાને ચિઠ્ઠી લખી, બધી જિલ્લા કૉંગ્રેસ કમિટીઓને એ અખબાર મોકલવામાં આવે અને તેઓ દરેક તેની થાય એટલી નકલ કરાવીને વહેંચે એવા કાગળો કાલે નીકળી જશે — મારી ઑફિસમાંથી. પુરુષોત્તમદાસ ટંડનજી આવી પહોંચ્યા. તેમણે પંડિતજીને કહ્યું કે, ‘આ અખબારની હિંદી પ્રત કેમ ન નીકળે?’ એટલે હિંદી કાઢવાનો હુકમ મળ્યો. સ્વરાજ પ્રેસની સિક્યૉરિટી પણ જપ્ત થઈ છે, એટલે હિંદી અખબારનું નામ ‘સ્વરાજ’ રાખવાનું — અને તેનો અધિપતિ પણ હું જ!!! આપની માફક હું પણ બે પત્રોનો અધિપતિ થયો — એ આપનું ઠીક અનુકરણ કહેવાય ને? — પણ ભૂલ્યો; આપ તો ત્રણના અધિપતિ છો. છતાં હું, બેનાં અધિપતિ, પણ, ત્રણનો પ્રકાશક તો ખરો ને — यंग इन्डियाનો પ્રકાશક છું એ તો તમે છેક ભૂલી ગયા ન જ હશો. પણ આ તો ગમ્મત થઈ.
ત્યાંથી જુગતરામને મોકલી શકો ખરા? એ અદ્ભુત અક્ષર લખે છે, સાઇક્લોસ્ટાઇલ કરવામાં એ એક્કા છે, અને અમારી જગ્યા પૂરનારા કોઈક તો જોઈએ ના! મને ઉપાડે પછી પ્યારેલાલ અધિપતિ થશે. દેવદાસને તો જાણીજોઈને નથી પકડતા એમ લાગે છે. નહીં તો દેવદાસ અને હું તો છડેચોક ગુના કરી ચૂક્યા છીએ. દેવદાસની, શહેરમાં જે wholesome (હિતકારક) અસર થઈ રહી છે તેની આપને શી વાત કરું? મહાત્માજીના શાહજાદાનાં ઠેર ઠેર દર્શન કરવા ટોળાં મળે છે, સિપાહીઓ સલામ કરે છે, પોતાના ધંધાથી શરમાય છે, અને શરમ, શાહજાદા આગળ વ્યક્ત કરે છે! ટોળાંઓ તો તેમનું કહેલું બરાબર માને છે જ. વૉલંટિયરોનો તો એ, કૃષ્ણ ગોવાળિયાના સરદાર હતા, તેવો સરદાર થઈ ગયો છે. મારા ભાઈનાં જ વખાણ કરવાનાં અને પિતાની આગળ વખાણ કરવાનાં એમાં કાંઈ પક્ષપાત-દોષ હું વહોરી લઉં છું ખરો — તો પક્ષપાતનો અંશ બાદ કરીને મારું વર્ણન વાંચશો. મારે તો દેવદાસની હૂંફ ભારે છે. મારી પણ એને છે એની ‘ના’ નથી. Literally (વાસ્તવિક્તામાં) પણ અમે એકબીજાની હૂંફ લઈએ છીએ. રાત્રે અમારી પાસે ઓઢવાનું ઓછું હોવાને લીધે, અને ટાઢ કકડતી પડવાને લીધે, અમે બંને જણ સાથે સૂઈએ છીએ, અને સવાર-સાંજ પ્રાર્થના કરીએ છીએ કે જેલમાં પણ એમ ભેટીને સૂવાનું મળે.
દેવદાસને અમદાવાદ આવતાં મેં જ રોક્યો એમ કહી દઉં? ઉજ્જડ ગામમાં અમે બંને ‘એરંડા’ રહ્યા એટલે એના વિના અહીં અવ્યવસ્થા ઘણી થાય. મારાથી બે કામમાં બહુ મોં નહીં ઘલાય. જોકે હું પણ Office-bearer (અધિકારસ્થાને) છું, અને મારી સલાહ તો હંમેશાં એમને મળ્યા જ કરે. પણ દેવદાસની તો સતત હાજરી. મારું બરોબર માનવું છે કે દેવદાસ પરમદહાડે સો વૉલંટિયરોના નાયક તરીકે ન ઊભો હોત તો પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વૉલંટિયરોને મારત, માત્ર દેવદાસથી જ શરમાયેલો. દેવદાસને સૌ ઓળખે છે. ‘Gandhi’s son harmless (ગાંધીનો પુત્ર, નિરુપદ્રવી) કહીને કલેક્ટરને ટેલિફોન થાય છે!
પણ અમારી harmlessness (નિરુપદ્રવતા)ના વાંકે અમે જેલમાં નથી જઈ શક્યા એમ આપ ન જ માનો એમ આશા રાખું છું. અમે એકે ઉપાય છોડ્યો નથી.’૪૮
મહાદેવભાઈને અલાહાબાદની કોર્ટમાં હાજર કર્યા તેની વાત કરીએ તે પહેલાં થોડું પાછા વળીને આપણે એમના અંગત જીવનના એક અતિ મહત્ત્વના પાસા પર થોડો દૃષ્ટિપાત કરીએ. આખા પ્રસંગને એકસાથે વર્ણવી શકાય એટલા સારુ કેટલાક જૂના પ્રસંગોને પણ યથાકાળે ન વર્ણવતાં પ્રસંગોપાત્ત આ સ્થાન સારુ સુરક્ષિત રાખ્યા હતા તે અહીં લઈ લઈએ.
આ કાળ દાંપત્ય સંબંધોની દૃષ્ટિએ આકરો હતો. સતત પ્રવાસને લીધે દુર્ગાબહેન અને મહાદેવભાઈને મોટે ભાગે દૂર રહેવાનું થતું. મિલન અને વિરહ બંને ઠીક ઠીક તીવ્ર સંવેગયુક્ત થતાં. મળતી વખતે, ગમે તેટલા ટૂંકા ગાળા સારુ હોય તોપણ આનંદની છોળેછોળ ઊડે ને પ્રેમની ઝડીઓ વરસે. છૂટાં પડે ત્યારે રિસામણાં-મનામણાં ચાલતાં અને બંને હૃદયો અશ્રુસલિલથી ધોવાતાં.
કેટલીક વાર વિષાદની આ લાગણી દુર્ગાબહેનના દૃષ્ટિપથની જોડેજોડે મહાદેવભાઈનો પીછો કરતી અને ઘણી વાર કરુણ તો કોઈક વાર વળી રુદ્ર રસમાં તે પત્રરૂપે પણ પ્રગટ થતી. કોઈક વાર આ અસહ્ય વ્યાકુળતા ઉગ્રરૂપ પણ ધારણ કરતી. એકથી વધારે પ્રસંગે ત્યારે દુર્ગાબહેનને હાથે મહાદેવભાઈના પત્રો ફાટતા. આ કરુણ-કટુ પ્રસંગોની સ્મૃતિ આજે તો અભિન્નહૃદય મિત્ર નરહરિ સાથેના કેટલાક પત્રોમાં જળવાયેલી મળે છે.
૧૯૧૭માં જ્યારે મહાદેવભાઈ ગાંધીજી સાથે જોડાયા ત્યારે દુર્ગાબહેન સાથે તેમની એવી સમજૂતી થયેલી કે બંને જણ ગાંધીજી પાસે જઈને સાથે રહેશે. સામાન્ય જીવનના ભોગો ભોગવવાને બદલે ત્યાગમય જીવન જિવાશે, સેવા થશે અને સાથે જીવન વ્યતીત થશે.
ચંપારણમાં જોડાયા પછી એકાદ અઠવાડિયામાં જ એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે સાથે જીવવાની કલ્પના એક સપનું જ બની જવાની હતી. ગાંધીજી મહાદેવભાઈને પોતાની વ્યક્તિગત અને રાજનૈતિક પ્રવૃત્તિમાં જોડવા માગતા હતા, જેને લીધે મહાદેવભાઈ સારુ પ્રવાસમાં પણ ગાંધીજી સાથે જોડાવું અનિવાર્ય થઈ ગયું. એકસાથે સ્થિર જીવન જીવવા કરતાં આ વાત સાવ જુદી હતી. દુર્ગાબહેનની સેવા કરવાની પ્રવૃત્તિ અને નિષ્ઠા જોઈને ગાંધીજીને લાગ્યું કે ચંપારણમાં એમણે ઉપાડેલી સ્થિર પ્રવૃત્તિ ચાલુ રહેવી જોઈએ. મહાદેવભાઈથી અલગ રહીને ચંપારણમાં સેવાકાર્ય કરવાનું કામ દુર્ગાબહેનને કદી રુચ્યું નહોતું. તેમણે અતિ નમ્રભાવે પણ આજીજીપૂર્વક ગાંધીજીની સાથે જ રહીને કાંઈક કામ કરી શકાતું હોય તો તે કરવાની તત્પરતા ગાંધીજી આગળ પત્ર દ્વારા બતાવી હતી તે આપણે જાણીએ છીએ. આ પત્ર પછી અનેક વાર ગાંધીજીએ દુર્ગાબહેનને પોતાની પાસે બોલાવવા પ્રયાસ પણ કરેલા, પણ એકથી વધારે વાર કોઈ ને કોઈ કારણસર દુર્ગાબહેન અને મહાદેવભાઈને લાંબા ગાળા સુધી સાથે રહેવાનું બનતું નહીં. હા, મહાદેવભાઈની બીમારીઓ વખતે દુર્ગાબહેન સાબરમતી અને અલાહાબાદમાં હાજર હતાં ખરાં, પણ એ દિવસોમાં મહાદેવભાઈના વિનોદી સ્વભાવ અને સારવાર કરનારને ઓછામાં ઓછી તકલીફ આપવાની વૃત્તિ છતાં દુર્ગાબહેનને માથે ચિંતાનો ભાર તો રહેતો હશે જ. यंग इन्डियाના કામ અંગે મુંબઈમાં રહેવું પડતું તે દરમિયાન દુર્ગાબહેનને બોલાવી લેવાનો આગ્રહ કેટલાક મિત્રોએ કર્યો હતો. પણ તે વખતે જે લોકોની સાથે મહાદેવભાઈને રહેવું પડતું હતું તે સંજોગોમાં ‘દુર્ગાનું સ્વમાન નહીં સચવાય’ એમ મહાદેવભાઈને લાગ્યું — એક વાર મહાદેવભાઈને नवजीवनના કામ અંગે અમદાવાદ જવાનું થયું ત્યારે તેમણે જોયું કે એ જ વખતે ખાદીકામના પ્રશિક્ષણ સારુ ગાંધીજીએ દુર્ગાબહેનને વિજાપુર ગામે મોકલ્યાં હતાં! મહાદેવભાઈએ નરહરિભાઈને લખ્યું:
‘અમારાં નસીબ અવળાં છે એને કોઈ શું કરે? બાપુ હમણાં રોજ મને દુર્ગાને બોલાવવાનું લખ્યા કરતા હતા. આજે રાતે અથવા કાલે સવારે ત્યાં બે દિવસ આવી જવાનો મેં નિશ્ચય કર્યો હતો. ત્યાં તો દુર્ગાનો અને તમારો કાગળ આવ્યો કે તે આજે વિજાપુર જશે. મને તો એક રીતે આનંદ થયો. ત્યાં તે કામમાં વળગશે અને નવી જગ્યાના વિચારોમાં રોકાશે એટલે મારો વિચાર નહીં કરે. પણ આ તો વિધિની બલિહારીની વાત કરું છું.’૪૯
દુર્ગાબહેન પોતાના વિયોગને સહ્ય બનાવવા અવારનવાર પોતાને પિયેર જઈને મા પાસે વિતાવતાં. મહાદેવભાઈ એ જ દિવસોમાં ગાંધીજી સાથે કે અન્ય કોઈ કામે આશ્રમમાં જવાના હોય તો તાબડતોબ દુર્ગાબહેનને સાબરમતી બોલાવી લેતા. ‘દુર્ગાને આશ્રમમાં પહોંચી જવાનો હુકમ મેં કાઢ્યો છે. રવિવાર સુધીમાં પહોંચી જશે.’ એવું પણ કોઈક વાર લખે.
એક વાર મળવાનું આમ વિધિની બલિહારીથી ટળી ગયું હશે ત્યારે ‘વહાલા ભાઈ’ (નરહરિ)ને લખ્યું:
દુર્ગાને લાગ્યું તો હશે જ, પણ શું થાય? અમે અહીં કોઈક વાર નવરા હોઈએ ત્યારે ગાઈએ છીએ:
ન હૈ કુછ ખા’શ ખાને કી
ન હૈ કુછ ખા’શ પીને કી,
ન મુઝકો કુછ જરૂરત હૈ
તેરા દીદાર કાફી હૈ.
એટલે હાલ તો સ્વાર્થની દૃષ્ટિએ હું પણ એમ ઇચ્છી રહ્યો છું કે દુર્ગા અહીં હોય. પણ એ નહીં બને. એનું પોતાનું સ્વમાન અહીં જળવાય એમ હું નથી જાતો.૫૦
પણ આ વિરહ કોઈ કોઈ વાર ખરેખર આકરો થઈ પડતો. માત્ર નસીબની દુહાઈ ગાઈને ‘વિધિની બલિહારી’ કહીને પ્રશ્ન ઊકલી જાય એમ નહોતું. વિયોગનું શૂળ કોઈ કોઈ વાર ત્રિશૂળ બની રહેતું.
એક વાર એ જ વહાલા ભાઈને મહાદેવભાઈ લખે છે:
‘દુર્ગાનો કાંટો ભારે સાલી રહ્યો છે. એના કાગળ તદ્દન hysteric (ઉન્મત્ત) આવે છે. અને મને ખરેખર ભય લાગે છે કે એને hysteria (હિસ્ટીરિયા) થાય, આંકડી આવે. એનું શું કરવું? બાપુ જાણે છે કે અહીંનું ઘર તદ્દન ભૂંડું છે. અહીં દુભાયા વિના બીજું કાંઈ નથી. માત્ર કામમાં ગૂંથાયા હોઈએ એટલે કોઈના વિચાર ન આવે, છતાં બાપુ કહે છે કે તમે દુર્ગાને બોલાવો. અહીં દુર્ગાને બોલાવું તો એ દુભાય અને હું પણ દુભાઉં. એને સુંદર copyist (નકલ કરનાર લહિયો) તમે નહીં બનાવી શકો? અંગ્રેજી કૉપી કરવા જેટલું પણ આવડતું હોત તો આજે કેવી સારી સ્થિતિ હોત? હું અનેક તરંગો ઉપર કોઈ કોઈ વાર ચડું છું. — ટ્રામમાં બેઠો હોઉં અથવા પ્રેસમાં બગાસાં ખાતો હોઉં ત્યારે મને કોક ઘડીએ પૈસાદારની ઈર્ષ્યા આવે છે. — માનશો? એમ થઈ જાય કે મારી પાસે પણ બે જણાને મુસાફરી કરવા જેટલા અને અહીં સ્વતંત્ર રીતે ખાવા જેટલા પૈસા હોત તો — પણ might havebeensમાં (અમુક થયું, ન થયું હોત કરવામાં) શી બાથ ભરવી?’૫૧
આ સ્થિતિને કદાચ તપ કહી શકાય. જોકે એ તપ કરતાં કષ્ટ વધારે હતું, મહાદેવના જ શબ્દોમાં — તપમાં જ્યાં સુધી conscious joy (સભાન આનંદ) ન હોય ત્યાં સુધી તે તપ નહીં, કષ્ટ છે, ધર્મક્રિયા નથી.
દુર્ગાબહેન કોઈ વાર ચિડાય છે, કોઈ વાર રિસાય છે, અસહ્ય થઈ જાય ત્યારે કોઈ વાર ન કહેવાનું પણ કહી નાખે છે.
મહાદેવભાઈ લખે છે:
‘દુર્ગાની તો રીસ ભારે રહેવાની જ. મારા કયા વર્તનથી એને સંતોષી શકું? તેમાં એણે ગયે વખતે તો એક વાક્યમાં હદ કરી. કહે કે, “હું કોઈ દિવસ તો એવું કરી બેસીશ કે આખી જિંદગી પછી તમે મારાથી છૂટા થઈ રહેશો.” હું એની ઉપર નિર્દય છું, એ મારી ઉપર નિર્દય છે. પણ ડોસા હવે અહીં ઘરની તજવીજમાં છે.’૫૧
આજે સિત્તેર વરસે પાછું વળીને જોતાં એમ લાગે છે કે કોયડો સાવ ન ઊકલી શકે એવો ગૂંચવાયેલો નહોતો. આ પ્રેમ-ત્રિકોણમાં ત્રણે બાજુએ પ્રેમ છે. સામાન્ય રીતે પ્રેમ-ત્રિકોણને કષ્ટકર બનાવતું તત્ત્વ ઈર્ષ્યા આ ત્રિકોણમાં નથી. માત્ર ખેંચતાણમાં આ ત્રણ જણાના સંબંધો ઉપરાંત જીવન જીવવા અંગેના ખ્યાલો, ને આગ્રહો પણ કારણભૂત હતાં. મહાદેવ દુર્ગાને સંતુષ્ટ જોવા ઇચ્છે છે. પોતેય એની સાથે રહેવું પસંદ કરે છે, પણ ત્યારે જ્યાં હતા ત્યાં દુર્ગા સારુ માનભેર રહેવા જેવું વાતાવરણ નથી એવી એમને ખાતરી છે. દુર્ગાના ગાંધીજી સાથે જોડાવા પાછળ સૌથી મોટું કારણ હોય તો પતિને એના આદર્શ મુજબ જીવવા દેવાની વૃત્તિ છે, એમ કરવામાં પોતે બીજાં સગાંવહાલાંઓથી દૂર ખેંચાઈ આવી છે, છતાં એને પતિનો સાથ તો મળતો નથી. એની સમોવડી સાહેલીઓ તો આશ્રમમાં પણ પતિની સાથે રહે છે. પણ એના આશ્રમ જંગમતીરથ છે અને તે એને પોતાની સાથે લઈ જઈ શકતો પણ નથી એટલે હર ઘડી હર પળ એને માટે જીરવવી આકરી થઈ પડે છે. ગાંધીજીને બંને વિશે પારાવાર પ્રેમ છે. બંને સુખસંતોપથી રહે એમ તેઓ ઇચ્છે છે. એ સારુ જ્યારે મહાદેવ કાંઈક સ્થિર થયા છે ત્યારે બંને સાથે રહે એમ એ કહ્યા કરે છે. પણ એમણે નક્કી કરી આપેલી પરિસ્થિતિમાં આ બંનેનો સ્વમાનભેરનો વાસ સંભવ નથી એ સમજવાની એમને નવરાશ મળી નથી. અને મહાદેવે એવી સ્પષ્ટતા ‘વહાલા ભાઈ નરહરિ’ આગળ કરી છે, પણ ‘પરમ પૂજ્ય બાપુજી’ પાસે નથી કરી. દુર્ગા માત્ર મહાદેવ આગળ જ મોં ખોલે છે. બાપુ આગળ નહીં, નરહરિ આગળ પણ નહીં. તેને લીધે ‘પરસ્પરની આ નિર્દયતા’ ‘ડોસો ઘરની તજવીજ કરે છે’ ત્યાં સુધી લંબાય છે.
નરહરિ મિત્રકાર્ય કરવાનું ચૂકતા નથી. આખા આશ્રમમાં દુર્ગાબહેન સૌથી વધુ દિલ ખોલીને મણિબહેન જોડે તથા કાંઈક અંશે નરહરિભાઈ જોડે બોલી શકતાં. નરહરિ તેમને લગભગ રોજેરોજ આવતા મહાદેવના પત્રો વાંચી સંભળાવે છે, તેમાંના અંગ્રેજી ભાગોનો અર્થ ને ભાષ્ય કરી સમજાવે છે. આખી પરિસ્થિતિમાં બાપુના વિચાર અંગે દુર્ગાબહેનના મનમાં અરુચિ ન થઈ જાય એની પણ કાળજી રાખે છે. મહાદેવભાઈ પણ દુર્ગાને કાંઈ ઓછા પત્રો લખતા નથી. લગભગ રોજ એક પત્ર લખે છે. જો ત્રણચાર દિવસ પત્ર ન લખાયો હોય તો તેનો સંતાપ વ્યક્ત કરે છે. આમ ઘણી વાર દુર્ગાને પોતાને નામે એક અને નરહરિભાઈને નામે બીજો એમ બબ્બે પત્રો વાંચવાના મળે છે. પણ દુર્ગા ત્યારે છવ્વીસ વર્ષની છે અને મહાદેવ સત્તાવીસ વર્ષના. બંને સંયમી અને વિવેકશીલ છે, પણ પ્રેમથી તરબોળ છે. એટલે દુર્ગાની લાગણી અને મહાદેવની ચિંતા બંને સમજી શકાય એવાં છે.
મહાદેવની માંદગી પછી ગાંધીજી બંનેને સાથે હવાફેર કરવા મોકલવા માગે છે. જોકે હવાફેર કરવા કયે સ્થળે જવું એ બાબતમાં મહાદેવ અને ગાંધીજી વચ્ચે થોડાક દિવસ મનદુ:ખ પણ રહે છે. એ મનદુ:ખના પ્રસંગને શ્રી ચંદુલાલ દલાલે પોતાની વિશદ શૈલીમાં આબેહૂબ વર્ણવ્યો છે તેને લગભગ આખેઆખો નીચે ઉતાર્યો છે:
‘કેટલાક સમયથી, મહાદેવભાઈને લાગ્યા કરતું હતું કે ગાંધીજીનું એમના તરફનું વર્તન ઇરાદાપૂર્વકની ઉદાસીનતા ભરેલું હતું.
‘ગાંધીજીના બર્મામાં વસતા મિત્ર ડૉ. પ્રાણજીવનદાસ મહેતાનો એક કાગળ, થોડાક વખત ઉપર ગાંધીજી ઉપર આવ્યો હતો, તેમાં એમણે લખ્યું હતું કે એમના એક પુત્રને (રતિલાલને) ઘેલછાની અસર છે, તેની સારવાર ચાલુ છે અને આરામ થશે એમ લાગે છે. પણ તેને કોઈ સારો સોબતી મળે તો સારું એવી ઇચ્છા વ્યક્ત કરી.
‘ગાંધીજીએ મહાદેવભાઈનું નામ સૂચવ્યું અને જવાબમાં લખ્યું કે રતિલાલને, મહાદેવભાઈને સુખેથી સોંપી શકશો; એના જ્ઞાનનો તો તમને અનુભવ છે.
‘એટલે ગાંધીજીએ મહાદેવભાઈને સૂચના કરી કે હવાફેર માટે એમણે બર્મા જવું અને ડૉ. પ્રાણજીવનદાસની મહેમાનગીરીનો લાભ લેવો. મહાદેવભાઈને લાગ્યું કે ગાંધીજીના મનમાં એમ હશે કે આમ કરી એમણે ડૉ. પ્રાણજીવનદાસના પુત્ર માટે સરસ સોબતી આપ્યો અને એમ થતાં એક પંથ દો કાજ થાય. ગાંધીજીએ મહાદેવભાઈને રતિલાલ વિશે કાંઈ વાત ન કરી. મહાદેવભાઈ સમક્ષ એમણે જે દલીલ કરી તે તો બીજા જ પ્રકારની હતી. મહાદેવભાઈ સાથે જે વાત થઈ તે કાંઈક નીચે પ્રમાણે હતી:
ગાંધીજી: ‘ડૉ. પ્રાણજીવનદાસ હાલ કોઈ હવા ખાવાની ટેકરી ઉપર છે.’૫૨
મહાદેવભાઈ: ‘હવા ખાવાની ટેકરી?’
ગાંધીજી: ‘હા, ત્યાંથી જ એમનો કાગળ આવ્યો છે.’
મહાદેવભાઈ આ પત્ર અને સ્થળ વિશે જાણતા હતા. એ સ્થળનું નામ થીટા૫૩ હતું. એમની માહિતી મુજબ ડૉ. પ્રાણજીવનદાસ, ત્યાં પોતાની ખેતી કરાવતા હતા. એ સ્થળે અતિશય મલેરિયા બારે માસ રહે છે. શિવાભાઈ નામના એક ભાઈ ત્યાં જ માંદા પડેલા અને મરતાં મરતાં બચ્યા હતા. વળી ડૉ. પ્રાણજીવનદાસે તો એટલું જ લખ્યું હતું કે એ, ખેતીની તપાસ માટે થીટા આવેલા છે; પણ ગાંધીજીએ તો એ સ્થળને હવા ખાવાની ટેકરી માની લીધી.
આ વખતે મુંબઈ આવ્યા પછી ગાંધીજીએ આ વાત પાછી કાઢી. એમણે કિશોરલાલભાઈને કહ્યું: ‘મહાદેવને બર્મા મોકલવા ઇરાદો છે, ડૉક્ટર મહેતા સાથે રહેશે. એ ત્યાં એક સુંદર હવા ખાવાની ટેકરી ઉપર છે.’
કિશોરલાલભાઈએ આ વાત રેવાશંકરભાઈ૫૪ને કરી, તો માલૂમ પડ્યું કે ડૉક્ટર પ્રાણજીવનદાસ તો કોઈ એવી ટેકરી ઉપર નથી. એ તો ખેતીની તપાસ કરવા જ થીટા ગયા છે.
મહાદેવભાઈને ડૉ. જીવરાજ સાથે વાત થઈ. એમણે કહ્યું: દોઢ મહિના સુધી તો હું તમને બર્મા ન જ જવા દઉં, કારણ તમને જો દરિયાઈ માંદગી લાગુ પડે તો તાવ ઊથલો ખાય એવો સંભવ છે.’
ડૉ. આઈસે૫૫ પણ આવો જ અભિપ્રાય આપ્યો.
આ પછી સ્વામી આનંદે પણ આ વાત કાઢી અને ગાંધીજીને સૂચવ્યું કે, ‘મહાદેવને સિંહગઢ ન લઈ જાઓ?’
ગાંધીજી: તેમને માટે બર્મા જ સરસ છે. સિંહગઢ તો મારા જેવા માંદા માટે હોય. મહાદેવ કાંઈ માંદો કહેવાય? એણે તો વીસ માઈલ ફરતા થવું જોઈએ. વળી બર્મામાં, એ, કેટલું નવું જોઈ શકે! અને કેટલું ફરી પણ શકે!’
આમ કહી એમણે મહાદેવભાઈને પૂછ્યું:
‘તમે કાંઈ વિચાર કર્યો?’
મહાદેવભાઈ: ‘ડૉક્ટરોની સલાહ તો વિરુદ્ધ છે.’
ગાંધીજી: (કાંઈક તોછડાઈથી) ‘ડૉક્ટરની સલાહ તો ઠીક. તમારું મન શું કહે છે? તે કહોની. તમારે ન જવું હોય તો કાંઈ નહીં.’
મહાદેવભાઈ: ડૉ. પ્રાણજીવનદાસ તો ઇંગ્લંડ જવાના છે, એટલે હું ત્યાં જઈને તેમના સહવાસનો લાભ લઈ શકું નહીં.’
ગાંધીજી: ‘તેઓ ના હોય તો શું થયું? તોપણ જવામાં હું અડચણ જોતો નથી.’
તા. ૬–૩–’૨૦ના રોજ ગાંધીજી મુંબઈથી ગયા ત્યારે મહાદેવભાઈને વિદાય આપતાં એટલું જ કહ્યું: ‘પંદર દિવસમાં તો તમે હતા એવા થઈ જશો.’ મહાદેવભાઈને લાગ્યું કે આ વખતે પણ ગાંધીજીના વર્તનમાં એ જ પ્રકારની ઇરાદાપૂર્વકની ઉદાસીનતા છે; અને એમની અને ગાંધીજી વચ્ચે અંતર જરા વધતું જાય છે.
તા. ૭મીએ મહાદેવભાઈ માથેરાન ગયા.
ત્રણ દિવસો સુધી એમણે આ બનાવો વિશે ખૂબ વિચાર કર્યો, ખૂબ મંથન કર્યું. એમને લાગ્યું કે ગાંધીજી અમુક જાતની માનસિક રચનાના ભોગ બન્યા છે. એમનામાં, એક વખત અમુક નિશ્ચય કર્યા પછી એને વાજબી ઠરાવવાના આધારો — કારણો શોધવાની વૃત્તિ, અને સહનશીલતાનો અભાવ દેખાયાં. એમને એમ પણ લાગ્યું એમનાથી વિરુદ્ધ વિચાર કરનારને, ગાંધીજી, બાહ્ય રીતે ગમે તેટલા સહન કરતા હશે, પણ અંતરમાં તો વિરોધ એમને ડંખ્યા જ કરે છે.
સાથે સાથે મહાદેવભાઈએ મનથી નક્કી કર્યું કે આવું અનુમાન બાંધવામાં ઉતાવળ થઈ છે એમ ખાતરી થશે તો એ માફી પણ માગશે.
એમણે બીજી એ ગોઠવણ વિચારી રાખી કે ગાંધીજી, જો, મહાદેવભાઈને પોતાની સાથે પ્રવાસમા હંમેશ રાખવાના હોય તો દુર્ગાબહેનને પણ સાથે રાખવાની જોગવાઈ કરવી પડશે; તેથી દર વર્ષે અમુક દિવસો રજા લેવી. આવી માગણીથી પોતાની કિંમત ઓછી અંકાય તો તેની પરવા ન રાખવી.
માથેરાનથી તા. ૧૦મીએ ઉપર જણાવેલા પ્રસંગ વિશેનો સવિસ્તર અહેવાલ, તથા પોતાની ઉપર જે છાપ પડી, જે વિચારો આવ્યા, ભવિષ્ય સંબંધી જે ગોઠવણો વિચારી રાખી, તે બધું નરહરિભાઈને લખી મોકલ્યું.
કિશોરલાલભાઈ તો મુંબઈ જ હતા. નરહરિભાઈએ આ પત્ર તેમને વંચાવ્યો હશે.
એ રાત્રે કિશોરલાલભાઈએ એક કાગળ નરહરિભાઈને લખ્યો. એમ લાગે છે કે કિશોરલાલભાઈને પણ લાગ્યું હતું કે મહાદેવભાઈએ તા. ૧૦મીએ નરહરિભાઈને જે કાગળ લખ્યો હતો તેમાં મહાદેવભાઈ ઉપર ગાંધીજીના વર્તનથી જે છાપ પડી હતી તે અકારણ નહોતી.
માથેરાનનું રોકાણ મહાદેવભાઈ માટે બહુ લાભદાયક નીવડ્યું. આવ્યે ચાર દિવસ થયા હતા તોપણ એમને લાગ્યું કે જાણે બેત્રણ વર્ષથી કોઈ આરામ જ મળ્યો નથી. હવાપાણી સરસ હતાં અને સહવાસ પણ સરસ હતો. લલ્લુભાઈ એમની બહુ સંભાળ રાખતા અને મહાદેવભાઈ મોટી માંદગીમાંથી હમણાં જ ઊઠ્યા છે, એટલે એમને કંઈ તકલીફ ન પડે એ માટે એ બહુ કાળજી રાખતા. એમની સાથે હળવી હળવી વાતો કરે, રમતો રમે, પોતાના અનુભવો કહે, અને કામનું તો કાંઈ દબાણ જ નહીં.
ગાંધીજીથી છૂટા પડ્યા પછી મહાદેવભાઈએ એમને કાગળ લખ્યો નહીં. પણ તા. ૧૦મીએ ગાંધીજીએ જ એમને લખ્યું, ‘હું ન લખું એટલે તમારાથી પણ ન લખાય એવો કાયદો માથેરાનમાં ઘડાયો લાગે છે… તમારી તબિયત ત્યાં સરસ રહેવી જ જોઈએ…’ આ પત્ર ૧૧મીએ મળ્યો હશે.
આ દિવસોમાં મહાદેવભાઈએ ખૂબ ચિંતન કર્યું પણ ૧૦મીએ કાગળ લખ્યા પછી ઠંડા પડી વિચાર કરવાનો સમય મળ્યો. બધું વાગોળવા માંડ્યું. ગાંધીજી વિશે જે અભિપ્રાયો બાંધ્યા હતા તે બાંધવામાં ઉતાવળ — અન્યાય તો નહીં થયો હોય?
ત્યાં તો ગાંધીજીનો કાગળ આવ્યો. એ વાંચતાં ઉકળાટ શાંત પડ્યો. બધું વિચારતાં જુદી જ દૃષ્ટિએ બધું જોવા લાગ્યા.૫૬
આ પ્રસંગમાં ગાંધીજીએ મહાદેવભાઈને ન્યાય કર્યો જણાતો નથી. પણ મહાદેવભાઈની ભક્તિ અને ગાંધીજીના પ્રેમના પ્રવાહમાં એવાં મનદુ:ખ તો ક્યાંય તણાઈ જતાં.
નરહરિભાઈએ એક વાર મહાદેવભાઈને સારા સમાચાર આપ્યા: ‘દુર્ગા મજામાં છે. અમે રોજ રાતે हिंद स्वराज વાંચીએ છીએ. ટીકા સાથે. મણિ૫૭ અને દુર્ગા બંને સ્વદેશી વ્રત લેવા ઘડી ઘડીમાં તૈયાર થઈ જાય છે. પરંતુ ઘરના માણસોને અમુક અમુક પ્રસંગે નાખુશ કરવા પડે તે સવાલનો નિર્ણય તેમના હૃદયમાંથી હજી તેમને મળ્યો નથી. હું કહું છું કે ત્યાં સુધી તમે વ્રત ન લો. પણ તમારાં વિલાયતી કપડાંની ગાંસડી બાંધી સ્વદેશી તો પહેરવા જ માંડો.’૫૮
આમ નરહરિ એક સાચા મિત્ર તરીકે એક બાજુ મહાદેવને દુર્ગાના સમાચાર આપી તેમની ચિંતા ઓછી કરવા માગતા હતા તો બીજી તરફ દુર્ગાબહેન અને મણિબહેન બંનેને ગાંધીજીના આદર્શો ઘૂંટી ઘૂંટીને પાવા માગતા હતા.
નરહરિના પત્રથી રાજી થઈ મહાદેવ લખે છે: ‘તમે દુર્ગાની સરસ સેવા કરી રહ્યા છો. આશ્રમને કાંઈ મારી ફરજમાંથી કોઈ રીતે મુક્તિ નથી મળતી પણ એ પણ મારું અદૃષ્ટ હશે.’૫૯
આશરે બે-અઢી માસ દુર્ગાબહેન અલાહાબાદમાં મહાદેવભાઈ સાથે રહી શક્યાં હશે. એ દરમિયાન મહાદેવભાઈએ માંદગી પણ ભોગવેલી. બંને જણે વચ્ચે છ દિવસ વારાણસી જઈને હવાફેર કરેલો. થોડીક ફુરસદ મળે ત્યારે મહાદેવભાઈ દુર્ગાબહેનને લઈને પ્રયાગ ફરવા પણ જતા. કોઈક વાર સાથે બેસીને કશુંક સત્ સાહિત્ય વાંચતા પણ ખરા. દુર્ગાબહેનના આ દિવસો ખૂબ આનંદોલ્લાસના વીત્યા. ઘરથી બહાર લગભગ બધી રીતરસમોમાં જ્યાં ફેર હતો તેવે ઠેકાણે રહેવાનું એટલે ગોઠવાવાની જે અગવડો આવે તે આવી હશે. પણ શ્રીમતી જોસેફ ખૂબ બહાદુર અને મળતાવડાં હતાં. એમણે દુર્ગાબહેનને ઠીક સ્નેહ આપ્યો. નેહરુકુટુંબ સાથે પણ દુર્ગાબહેનને ઘરોબો બંધાયો. સાત્ત્વિક આનંદમય દાંપત્યના ભાગીદાર ગાંધીજીને બનાવ્યા વિના કેમ ચાલે? એ કાળે લખેલ એક પત્રના કેટલાક અંશ:
એક વાત આપને ગમે એવી મેં અનાયાસે કરવા માંડી છે. સવારે ગાડીમાં ક્યાંક શાંત સ્થળે જઈને પંદર મિનિટથી અરધો કલાક ફરવાનું રાખ્યું છે. એક દિવસ રસ્તેથી પાછા ફરતાં ગાડીમાં જ ભારે થાક અનુભવ્યો; ટંડનજીનું ઘર રસ્તામાં આવતું હતું ત્યાં ઊતર્યો અને થાકીને લોથ થઈને પડ્યો. એઓ જરા ગભરાયા; પણ મેં કહ્યું, “મને ઉત્તમ ઊનું કરેલું પાશેર–નવટાંક દૂધ આપો, મને શાંતિ થશે, અને પછી મને ઉત્તમ સંતોની વાણીવાળાં હિંદી પુસ્તકો આપો.’ એમની સાથે ખૂબ વાતો થઈ. દૂધ પીધા પછી એમણે રામાયણની એકબે સુંદર આવૃત્તિ, અદ્ભુત ટીકાવાળી સંસ્કૃત અને તુલસી, દાદુ, દયાળ, કબીર વગેરેની વાણી અને સંતવાણી મારી આગળ મૂક્યાં. હું હરખઘેલો અને જરા તાજો થઈને ઘેર આવ્યો; ત્યાં રામનરેશ ત્રિપાઠી હતા, તેણે તેની કવિતા ‘કૌમુદી’ આપી, અને કહ્યું કે, ‘તમે હિંદી આજકાલ વાંચવાના છો તો હું સવારે આવતો જઈશ.’ મેં રાજી થઈને કહ્યું, ‘જરૂર આવો.’ હવે ચાર દિવસ થયા મારો ભજનો — જૂના હિંદી — નો ભારે અભ્યાસ ચાલી રહ્યો છે. આખો દિવસ ન્યૂઝપેપર અને સારાં monthly કોઈ અંગ્રેજી weekly અને કાંઈક ઇચ્છાનુસાર પુસ્તક ઉપરાંત ભજનોનું વાચન ચાલે છે — જેમાં દુર્ગા ઉત્સાહપૂર્વક ભળે છે, કારણ, તેના હૃદયમાં મારા કરતાં વધારે નિર્મળતા અને પવિત્રતા છે, અને કેટલીક વાર તો એ મારા કરતાં હિંદીનો અર્થ કરવામાં ચઢી જાય છે. કાલે એણે મને ઘેલો બનાવ્યો — એક પદના વાક્યનો અર્થ કરીને. એટલે અમને બંનેને હમણાં પાર વગરનો આનંદ મળે છે. તેમાં, સવારે રામનરેશજી આવે; તે અઘરાં વાક્યો, વચનો, શબ્દો સમજાવે એટલે આગલા દહાડાનું પાકું થાય, અને હું મારો એક નાનો હિંદી કોશ પણ તૈયાર કરતો જાઉં છું. જે ઉપાસના હિંદીની હું કરી રહ્યો છું તે જોઈને આપનું મન રીઝ્યા વિના રહે નહીં. બીજું profane (એટલે sacred નહીં) — ધાર્મિકેતર સાહિત્ય પણ વાંચું — કેવળ ભાષાની દૃષ્ટિથી, અને આપ જરૂર રાજી થશો. આપના આત્માને હું રાજી કરી રહ્યો છું એમ મને પગલેપગલે લાગે છે. આ કથામાં એક રસિક પ્રકરણ બાકી રહી ગયું.
કાલે મોટરમાં હું અને દુર્ગા જમનાજી ઉપરના એક રમ્ય સ્થળ ઉપર હવા લેવા ગયાં હતાં. અંધારું થયું હતું. દૃશ્ય અવર્ણનીય હતું, — આ પત્રમાં તો વર્ણન ન જ કરું — અને ચંદ્રનો ઝાંખો પ્રકાશ મારી ઝાંખી આંખને તેજ આપી રહ્યો હતો. દુર્ગા ન હતી વાંચી શકતી, એની તો અમારા ભોગના અંતના રોગને પરિણામે એક આંખ પણ હંમેશ માટે બગડી છે. ચશ્માંની જરૂર છે એમ ડૉક્ટરે કહ્યું પણ બળદની અંધારી મેં બાંધી છે, અને એને શું બંધાવવી એમ કરીને અમે ડૉક્ટરનું ન માનેલું. પણ એ ઝાંખા પ્રકાશમાં હું નાનક વાંચતો હતો. તેમાં કેટલાંક, તમારો આત્મા उछाळे એવાં પદ આવ્યાં. તેમાંના બેત્રણ કટકા આપી દઉં. નરસિંહ મહેતા પ્રભાતનો મહિમા આમ ગાઈ રહ્યા છે:
રાત રહે જ્યાહરે પાછલી ઘટ ઘડી સાધુ પુરુષને સૂઈ ન રહેવું,
નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ એક તું એક તું એમ કહેવું.
જોગિયા હોય તેણે જોગ સંભારવા ભોગિયા હોય તેણે ભોગ તજવા.
ઇ. પણ નાનકે તો પ્રભાતનો મહિમા વધારે કવિત્વથી ગાયો છે. એ હું વાંચતો હતો ત્યારે આપ મને હરેક ઘડી યાદ આવતા હતા. આ રહ્યું તે પદ:
જીત બેલે અમૃત બરસે, જીયાં હવે દાતિ
તિન બેલે તૂ ઉઠિ બહુ ચિર પહરે પિછલી રાતિ
જે વેળાએ અમૃત વરસે છે અને જે ધન્ય વેળાએ જીવમાં અનેરું ચેતન — તકવા — આવે છે; તે ધન્ય પહોરે — પાછલી રાતના ચોથા પહોરે — તું ઊઠ. ઊઠીને શું કરે? તેના જવાબમાં અદ્ભુત રીતે બોલે છે:
ઇસ દમ મૈનું કીબે ભરોસા,
આયા આયા ન આયા આયા
યા સંસાર રૈનદા સપના
કહિં દીખા કહિં નહિં દિખાયા
સોચ વિચાર કર મત મન મેં
જિસને ઢૂંઢા ઉસને પાયા
નાનક ભક્તન કે પદ પરએ
નિસદિન રામચરન ચિમલાયા.
કેવું અદ્ભુત છે!
મોતીલાલજીને મળીને આવ્યા પછી બીજા દિવસના इन्डिपेन्डन्ट સારુ મહાદેવભાઈએ જે અગ્રલેખ લખ્યો તે ધખધખતો હતો. એનું મથાળું — ‘સરકારનું ગાંડપણ’ — જ લેખનું અર્ધું કામ કરી જાય છે. નીચે પ્રસ્તુત છે એનો એક નાનકડો અંશ:
‘સ્પષ્ટ છે કે એક સમાંતર સરકાર તરીકે કૉંગ્રેસ નોકરશાહી માનસવાળાની આંખમાં કણીની માફક ખૂંચે છે. રોજ એને માલૂમ પડે છે કે સત્તા પોતાના હાથમાંથી સરી જઈ કૉંગ્રેસીઓના હાથમાં જાય છે. એ જ કારણથી ઉત્કટ ઉગ્રતાએ એનો કબજો લીધો છે. આપણે મન તો એ તણખલું પકડતાં ડૂબતા માણસ જેવો છે.’
અને એ લેખને અંતે:
‘હવે અમારા વિશે એક શબ્દ. મોતીલાલજીએ અમારા આ પ્રયત્નને આશીર્વાદ આપ્યા છે; અને પત્રની કચેરી તરીકે વાપરવા માટે એમણે એમનો “આનંદ ભવન” મહેલ આપ્યો છે. અમારા વાચકોને આ ઉપરથી પૂરતી નોટિસ મળશે કે “નૅશનલિસ્ટ જર્નલ્સ લિમિટેડ” નામની સંસ્થા સાથે આ પત્રને કોઈ સંબંધ નથી. જેઓ જૂના इन्डिपेन्डन्टને નભાવતા હતા તેઓ જ એના માલિક બની શકે; પણ આ નવાના, તો જેઓ ગરીબાઈને વરેલા છે તેઓ જ હોઈ શકે. અને વધારાનો લાભ તો એ છે કે એ લૉર્ડ રીડિંગના “કાયદા”ના બંધનથી પર છે.’૬૦
મહાદેવભાઈ પર નોટિસ આવી કે તરત તેમણે પં. મોતીલાલજીને એક પત્ર લખીને એની જાણ કરી:
‘છેવટે મને પણ સદ્ભાગ્ય સાંપડ્યું છે. મારી પર ક્રિમિનલ ઍમેન્ડમૅન્ટ ધારાની કલમ ૧૭(i) અને ઇંડિયન પીનલ કોડની ૧૧૭ મુજબ કામ ચલાવવામાં આવશે. એ જ ધારાઓ મુજબ જોસેફ પર પણ કામ ચલાવેલું.
આનંદ ભવનમાં મારા દફતરની ઝડતી મારો ‘નવો અવતાર’ લેખ અંગે લેવાઈ રહી છે. એમને જે કુકર્મ કરવું હોય તે છો કરતા, તમને ટૂંક સમયમાં જ મળવાની આશા રાખી શકું?’૬૦
આ જ સમાચાર તેમણે इन्डिपेन्डन्टના વાચક બંધુઓને પણ એક નોંધ દ્વારા આપ્યા.
૨૪મી ડિસેમ્બરને રોજ ઉપર જણાવેલી ધારાઓ મુજબ ખટલો ચાલ્યો. કોર્ટમાં દુર્ગાબહેન પણ હાજર હતાં. એમણે પતિને ફૂલનો હાર પહેરાવ્યો અને કંકુનો ચાંલ્લો કર્યો. થોડા દિવસના સહવાસ, इन्डिपेन्डन्टના કામકાજનું પ્રત્યક્ષ દર્શન અને પતિની ધરપકડે દુર્ગાબહેન જાણે કે નવદુર્ગા થઈ ગયાં હતાં. દુર્ગાબહેન વિશે મહાદેવભાઈ ગર્વપૂર્વક લખે છે:
‘૨૪મીએ મૅજિસ્ટ્રેટ આગળ હાજર થયો. (ત્યારે) મારા ઉત્સાહ અને આવેશનો પાર નહોતો. જેલમાં જવાની રોજ વાત થવાથી તે વાતથી ટેવાઈ ગયેલી મારી સ્ત્રીની હિંમત જોઈને હું ચકિત થયો. તેણે પણ અદાલતમાં મારી સાથે આવવાની માગણી કરી. “મને ખૂબ સજા થશે ને તું રોશે તો?” રોઈને પોતાનું તેમ જ મારું અપમાન તેનાથી કદી ન જ થાય એવો ભાવ બતાવી ભાઈ દેવદાસ સાથે તે પણ આવી.
‘પોલીસ પ્રૉસિક્યૂટર વખતસર આવ્યો ન હતો. મેં મજાક કરીને મૅજિસ્ટ્રેટ મિ. બેનને કહ્યું, “તમારે વળી પ્રૉસિક્યૂટરની શી જરૂર છે?” “મને જે કાંઈ પૂછવું હોય તે પૂછીને સજા કરવા ધારેલી હોય તે કરોની એટલે અધ્યાય પતે.” મિ. બેને હસીને જવાબ આપ્યો: “તમારા સામે આરોપ શો છે તે જ મને ખબર નથી એટલે શી રીતે કેસ ચલાવીએ?” પ્રૉસિક્યૂટર આવ્યો, મારી કબૂલાતોથી સૌને મદદ મળી, અને લગભગ પંદરેક મિનિટમાં આખો ખેલ ખલાસ થયો.’૬૧
કેસ ચાલ્યો ત્યારે મૅજિસ્ટ્રેટે મહાદેવભાઈને પૂછ્યું: ‘તમે સાક્ષીની ઊલટતપાસ કરવા માગો છો?’
મહાદેવભાઈએ જવાબ આપ્યો: ‘ના જી. તેઓ (પોલીસ અમલદારો) તો ભૂલ જ ન કરી શકે એવા હોય છે. તેમની ઊલટતપાસ કોઈ શું કરી શકે?’
પ્રેક્ષકોના કક્ષમાં બેઠેલા દેવદાસ વગેરેના ચહેરા પર આ કટાક્ષથી સ્મિત ફરકી ગયું હશે. બાકી જેમને વિશે આ વાક્ય કહેવાયું તેઓ આ વાક્ય સમજવાની પણ ભૂલ કરે તેવા નહોતા.
ન્યાયાધીશે આરોપીને કાંઈ કહેવું હોય તો કહેવાની સૂચના કરી. મહાદેવભાઈએ નીચેનું નિવેદન કર્યું:
‘સાફ વાત એ છે કે આપણી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હું એક યુદ્ધના કેદી તરીકે આજે તમારી સમક્ષ ઊભો છું. જો અમે, એટલે અસહકારીઓ, તમારી માફક પશુબળના પૂજારી હોત તો હું બેધડક કહું છું તમે અગર તો તમારામાંના કેટલાક આ યુદ્ધમાં આજે અમારા પણ કેદી હોત. પરંતુ ન કરે નારાયણ કે કોઈ પણ મનુષ્યને અમે યુદ્ધના કેદી તરીકે પકડીએ અને તેમ કરી અમે અમારા સરજનહારના ગુનેગાર થઈએ.
મારી અગાઉ ગયેલા મારા સાથીઓની માફક જ હું પણ તમને મદદ જ કરવાનો છું. તમારા ઉપર ઉપકાર કરવાને ખાતર નહીં પણ મને જેલમાં જવાનું મળે એટલા માટે. અમે તો સૌ બળવાખોર છીએ અને ભારે અજબ વાત તો એ છે કે તમારા કોઈ પણ કાયદાને નહીં માન્ય રાખવાના મુખ્ય ગુના માટે અમારા ઉપર મુકદ્દમો નહીં ચલાવતાં, આવા નાના નજીવા ગુનાઓ આગળ કરી અમને પકડવાનાં તમે ફાંફાં મારી રહ્યા છો. હું તમારા ક્રિમિનલ લૉ ઍમેન્ડમૅન્ટ ઍક્ટને માન્ય નથી રાખતો. એટલું જ નહીં પણ ગવર્નર-જનરલ-ઑફ ઇન્ડિયા-ઇન-કાઉન્સિલના નહીં રદ થયેલા જાલિમ કાયદાઓમાંના એકને પણ માન્ય નથી રાખતો. એટલે હું તો, (તમે) ભારેમાં ભારે જે સજા ફરમાવવી તમારા હાથમાં હોય તેને બરદાસ કરવા અહીં સજ્જ ઊભો છું. મને ભય માત્ર એટલો જ છે કે ચાહે તેવા દોજખની ઊંડી ખાઈમાં તમે અમને નાખો તથાપિ તમારી સામેની અમારી જબરદસ્ત બંડની વૃત્તિને તમે અમારામાંથી કાઢી શકવાના નથી, યા તો તમારા સડી ગયેલા રાજ્યતંત્ર પ્રત્યે વફાદાર રહેવાનો દંભ પણ અમારામાં લાવી શકવાના નથી.
અને બાદશાહની કોઈ ને કોઈ જેલના પરોણા તરીકે તમે મને સ્વીકારો તે પહેલાં ઉપકારનો એક શબ્દ મારે કહેવાનો છે. આજે હું છુટકારાની એક લાંબી હાશ સાથે જેલમાં પ્રયાણ કરીશ. સરકારનાં કૃત્યોની સચ્ચાઈપૂર્વક અને છતાં દ્વેષરહિત રહી ટીકા કરવાની કઠણ ફરજમાંથી હું છૂટીશ. એ શક્તિ તો કેવળ મારા મુરશિદે [ગુરુએ] જ સાધી છે. ખરેખર, હું સરકારનો આભારી છું કે હવે મારે રોજ ઊઠીને મારામાં રહેલી અધમ વૃત્તિઓ સાથે એ બધાં જુદ્ધ ચલાવવાનું નહીં રહે. હું એટલા માટે પણ આભારી છું કે તમારા જેલના નિયમો જો કરવા દેશે, તો અહીં કરું છું તેના કરતાં સારાં કામો કરવામાં — દાખલા તરીકે કાંતવામાં — ત્યાં હું મારો વખત ગાળીશ. અને તમારા ચાહે તેટલા નિયમો હશે છતાં મારામાં જે કાંઈ ભક્તિભાવ છે તે વડે મારા સરજનહારનું ચિંતન તો હું ત્યાં કરીશ જ કરીશ. હું તમારો ઉપકાર માનું છું.’૬૨
સજા તે જ દિવસે ફરમાવવામાં આવી. સજા ફરમાવતાં પહેલાં મૅજિસ્ટ્રેટે કહ્યું: ‘તમારે કશો બચાવ કરવાનો છે કે કેમ એ તો હું પૂછવું જ ભૂલી ગયો.’ મહાદેવભાઈએ કહ્યું, ‘આ પ્રશ્ન પૂછવાનું કશું પ્રયોજન છે કે કેમ એ જ હું જાણતો નથી.’ એટલે મૅજિસ્ટ્રેટે ચોખવટ કરી: ‘એ તો માત્ર મારે પૂછવું જોઈએ માટે પૂછ્યું છે. મારે મારી ફરજ બજાવવી જોઈએ.’
મૅજિસ્ટ્રેટે એક વર્ષની જેલ અને ૧૦૦/- રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો એક માસ વધારાની સજા કરીને પોતાની ફરજ બજાવી.
આમ પત્રકારત્વમાં પ્રવેશનું પ્રકરણ જેલવાસથી પરિપૂર્ણ થયું.
એક પત્રકાર તરીકે મહાદેવભાઈએ પછીનાં વર્ષોમાં પોતાનું ઘણું ગજું કાઢ્યું. પણ यंग इन्डिया, नवजीवन અને इन्डिपेन्डन्टના શરૂઆતના દિવસોમાં કામ કરવાની તક એ તેમને સારુ પત્રકારત્વની તાલીમના પાયારૂપ બની રહી. ઠેઠ ૧૯૧૮માં જ એક બીજા રિપોર્ટરની કચાશ જોઈને ગાંધીજીએ કહેલું:
‘આવી રીતે રિપોર્ટ લખાતા હશે?… રિપોર્ટ તો એવા થાય કે એક દિવસના રિપોર્ટને બીજા દિવસ સાથે સંબંધ, બીજાને ત્રીજા દિવસ સાથે સંબંધ અને બધા વાંચી જઈએ તો તેમાંથી આખો ઇતિહાસ નીકળી આવે. હું નામ ભૂલી ગયો પણ ઘણું કરીને તેનું નામ રસેલ હતું. તેણે પેકિંગની ચડાઈના રિપોર્ટમાં એવો તો તાદૃશ ચિતાર આપ્યો હતો કે સૌ દિંગ થઈ ગયેલા. એડવિન આર્નલ્ડે “જપાન બાય લૅંડ ઍડ સી” કરીને કાગળો લખ્યા છે. તે પણ કેટલા સુંદર.’
પછી મહાદેવને ઉદ્દેશીને કહ્યું:
‘તમે કાંઈ રસેલ કે આર્નલ્ડ ન થઈ શકો એમ માનવાનું કારણ નથી. એ લોકો કાંઈ શરૂઆતથી એવી શક્તિ લઈને નહીં આવેલા. પ્રયત્ને જ થયેલા.’૬૩
પાછળથી મહાદેવભાઈના રિપોર્ટોને આધારે લોકોએ ઇતિહાસ લખ્યા ત્યારે ગાંધીજીની મહાદેવભાઈ વિશેની શ્રદ્ધા કેટલી સાચી હતી તે પુરવાર થયું હતું. ગાંધીજી અને મહાદેવભાઈએ જે પત્રકારત્વ ચલાવ્યું તેણે આપણા દેશના પત્રકારત્વે ત્યાર સુધી જે કેટલાંક મૂલ્યો સ્થાપ્યાં હતાં તેને પુષ્ટ કર્યાં અને કેટલાંક નવાં મૂલ્યો પ્રસ્થાપિત કર્યાં. ઓછામાં ઓછા ખર્ચે કાઢવામાં આવેલી પત્રિકા પાછળ પણ જે સત્ય-અહિંસાનું તપોબળ હોય તો તે મહાન સામ્રાજ્યને પણ હચમચાવવામાં સફળ નીવડે છે એ વાત પણ એનાથી સિદ્ધ થઈ, इन्डिपेन्डन्ट છાપું શરૂ થયું ત્યારે, મહાદેવભાઈ એમાં જોડાયા તેનાથી મહિનાઓ પહેલાં જ, ગાંધીજીએ એને સારુ જે સંદેશ પાઠવ્યો હતો તેમાં ગાંધી પ્રસ્થાપિત પત્રકારિતાનાં મૂલ્યોનાં બીજ જોવા મળે છે:
‘તમારા પત્રનું જે નામ તમે પસંદ કર્યું છે તે નામને લાયક તેની અંદરનાં લખાણો હોય એવી હું બહુ આશા રાખું છું. હું વધુ આશા એ પણ રાખું છું કે પૂરા સ્વાતંત્ર્યની સાથે તમારા લેખોમાં એટલા જ પ્રમાણમાં આત્મસંયમ તથા સત્યનું કડક પાલન થશે. ઘણી વખત આપણા પત્રોમાં, બીજાઓમાં પણ એવું હોય છે, હકીકતને બદલે કલ્પના અને સંગીન દલીલને બદલે ઊભરા જોવામાં આવે છે. મેં જે ત્રુટિઓ તરફ તમારું ધ્યાન ખેંચ્યું છે તે ટાળીને તમારા પત્રને દેશમાં એક શક્તિ અને લોકકેળવણીનું… સાધન બનાવશો.’૬૪
આ ગાંધી-પત્રોએ સત્યનિષ્ઠાનો ચીલો પાડ્યો. લખાણોમાં અતિશયોક્તિ કે અતિરંજન એ સારી પત્રકારિતાને શોભે નહીં, સારી પત્રકારિતા તો સત્યથી જ શોભે એ મૂલ્ય દેશમાં પ્રસ્થાપિત થયું.
જ્યારે સત્ય પ્રગટ થાય ત્યારે એ આકરું હોઈ શકે, પણ તેની અભિવ્યક્તિમાં દ્વૈષ, ઈર્ષા, તિરસ્કાર, વૈરભાવ ન હોવાં જોઈએ એ બીજું મૂલ્ય પણ આ પત્રોએ પ્રચલિત કર્યું.
સત્યને શોધનાર પોતાની વાતનું જ મમત ન રાખે, પણ સામા પક્ષની વાતને પણ સમજવા પ્રયત્ન કરે, એના વિચારને પોતા તરફ કાંઈ વિકૃત રૂપ આપ્યા વિના જેમનું તેમ પ્રગટ કરે, પછી જરૂર હોય તો એનો સમુચિત ઉત્તર આપે.
સાચી પત્રકારિતા અને ભય બેઉ સાથે ચાલી શકે જ નહીં, એ વાત તો આ પત્રોને લીધે બીજાં અનેક છાપાંઓએ પણ માન્ય રાખી.
ભાષાનો સંયમ એ છાપાંઓમાં પણ કેળવવા જેવો ગુણ છે એ લોકોને આ પત્રોથી સમજાયું. એની ભાષામાં અશ્લીલતા, અશિષ્ટતા કે અસભ્યતાને સ્થાન જ ન હોય એનો પણ આ પત્રોએ દાખલો પૂરો પાડ્યો.
સત્યને જ્ઞાનનો સધ્ધર આધાર પણ જોઈએ. સમાચાર કે વિચારના મૂળમાં કેવી રીતે જવું, તેની તુલના દુનિયામાં બીજા સ્રોતો સાથે કરતાં તે સમાચાર કે વિચાર ક્યાં અને કેવા લાગે છે, એ પણ આ પત્રો દ્વારા પ્રગટ થયું. જલિયાંવાલા બાગકાંડનો ઉલ્લેખ કરતી વખતે સી. એફ. ઍન્ડ્રૂઝે એની સરખામણી ગ્લેંકોકાંડ સાથે કરી. મહાદેવભાઈએ તરત સ્કૉટલૅંડના ગ્લેંકોનો ૧૭મી સદીનો ઇતિહાસ વાચકો આગળ રજૂ કરીને આ બે કાંડ કેવા સમાન હતા તે બતાવ્યું. જલિયાંવાલા બાગ અંગે તપાસ કરનારી પ્રજાકીય કમિટીએ બહાર પાડેલી વિગતો જાણ્યા પછી તેમને એમ લાગ્યું કે આ કાંડ તો ગ્લેંકોને પણ સારો કહેવડાવે તેવો હતો. તેમણે ડાયરીમાં નોંધ્યું:
‘મિ. ઍન્ડ્રૂઝે જલિયાંવાલા બાગની કતલને ‘ગ્લેંકોની કતલ’ની સાથે સરખાવી ત્યારે તરત મેં તો यंग इन्डियाમાં ગ્લેંકોની કતલનું વર્ણન પ્રગટ કર્યું. મિ. ઍન્ડ્રૂઝના મનમાં જલિયાંવાલાના ઘાતકીપણા વિશે કેટલી ધૃણા હશે તે દર્શાવવા માટે જ મેં એ છાપ્યું. પણ મને ફરી વાંચી ગયા પછી લાગ્યું કે ઍન્ડ્રૂઝે કાંઈક અન્યાય કર્યો છે, અને મને તે વિશે બહુ દુ:ખ થયું. હું પ્રિન્સિપાલ રુદ્રને૬૫ મળ્યો, તેમની સાથે વાત થઈ. તેમનો વિચાર પણ મારા જેવો જ હતો. પણ આજે મને મિ. ઍન્ડ્રૂઝની સરખામણીની યથાર્થતાનો ખ્યાલ આવે છે. ગ્લેંકોની કતલ કરતાં પણ જલિયાંવાલાની કતલ વધારે બૂરી, વધારે નિંદ્ય હતી એમ મને હવે લાગે છે, કારણ ગ્લેંકોના કાળના ને આજના કાળના સુધારામાં તો આસમાન-જમીનનું અંતર છે.’૬૬
સત્યાગ્રહી પત્રકાર સત્યનાં મૂળ શોધે છે, વિરોધીને સહજ પણ અન્યાય થાય તે એને સારુ અસહ્ય છે પણ દેશકાળનું ભાન પણ એ વીસરતો નથી.
એક સામ્રાજ્યના દમનની સામે પત્રકારિતાની લડતના નમૂનાઓ તો આ પત્રોએ ડગલે ને પગલે પૂરા પાડ્યા. તેમાંયે इन्डिपेन्डन्टનો હસ્તલિખિત અંક કાઢીને તો મહાદેવભાઈએ આપણા દેશની પત્રકારિતામાં આડો આંક વાળ્યો. આ હસ્તલિખિત પત્રિકા ભૂગર્ભમાં પ્રગટ થનાર ફરફરિયા જેવી નહોતી. તે તો જપ્ત થયેલા પ્રેસને ન ગણકારનારી, પોતાનું નામઠામ સર્વ જાહેર કરીને જે કાંઈ જોખમ આવે તે વહોરી લેનારી નિર્ભય સત્યાગ્રહી પત્રિકા હતી.
આ પત્રોમાં કોઈ પણ પ્રકારની જાહેરખબરો ન સ્વીકારીને પણ એક નવી ભાત પાડવામાં આવી.
આવાં અનેક નાનાંમોટાં લક્ષણોને લીધે આ પત્રોએ આપણા દેશને પત્રકારત્વને સમૃદ્ધ, સંગીન અને સ્વસ્થ બનાવ્યું.
મહાદેવભાઈ દેશના પત્રકારત્વમાં બહુમૂલ્ય ફાળો આપી શક્યા એનું રહસ્ય એ હતું કે તેઓ આ કાર્યને ધર્મ સમજીને, પોતાનું નમ્ર કર્તવ્ય સમજીને કરતા હતા. એમ તો પત્રકારિતા તેમનો વ્યવસાય નહોતો. એમણે જેટલું લખાણ કર્યું એના કરતાં વધુ લખાણ કરનાર પત્રકારો આપણને મળી આવશે. રિસર્ચ કરનારાઓ એમનાથી ઊંડાણમાં જનારા પણ મળી આવશે. પણ એ પત્રકારિતામાં આવી મૂલ્યપ્રતિષ્ઠા ભાગ્યે જ સાંપડે. જ્યારે એક કામ વ્યવસાય મટી ધર્મ બની જાય છે ત્યારે તેમાં ગુણાત્મક પરિવર્તન આવે છે. મહાદેવભાઈનું પત્રકારત્વ તેવા ગુણાત્મક પ્રદાનનું ઉદાહરણ હતું.
નોંધ:
૧. મો. ક. ગાંધી – सत्यना प्रयोगो (આવૃત્તિ ૬ ) : પૃ. ૩૮૮-૮૯.
ર. એજન, પૃ. ૬૩૬.
૩. महादेवभाईनी डायरी – ૪, ૫, ૮.
૪. ગ. મા. નાંદુરકર: सरदारश्रीना पत्रो – ૪ : પૃ. ૫.
પ. મુંબઈના એક આગેવાન કાર્યકર્તા, ગાંધીજીના ભાણેજ અને મહાદેવભાઈના સમવયસ્ક મિત્ર.
૬. ગાંધી સ્મારક સંગ્રહાલય – સાબરમતીના હસ્તલિખિત પત્રસંગ્રહમાંથી.
૭. ચંદુલાલ ભ. દલાલ: स्व. महादेव देसाई स्मृतिचित्रो, પૃ. ૬૦.
૮. એનું મૂળ નામ नवजीवन अने सत्य હતું.
૯. શ્રી છગનલાલ ખુશાલચંદ ગાંધીનાં પત્ની અને પ્રભુદાસ તેમ જ કૃષ્ણદાસનાં મા.
૧૦. શ્રી કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાળાનાં પત્ની.
૧૧. गांधीजीनो अक्षरदेह – ૧૬ : પૃ. ૧૨૧.
૧૨. એજન, પૃ. ૧૩૯.
૧૩. गांधीजीनो अक्षरदेह – ૨૦ : પૃ. ૪૬૯-૪૭૦.
૧૪. એજન, પૃ. ૪૭૦.
૧૫. એજન, પૃ. ૪૮૧.
૧૬. આચાર્ય કૃપાલાની.
૧૭. પંડિત મોતીલાલ નેહરુ.
૧૮. સં. મહાદેવ દેસાઈ: अर्जुनवाणी.
૧૯. ગાંધીજી મહાદેવભાઈને જે કાગળો લખતા તેમાં સંબોધનને સ્થાને અત્યાર સુધી ‘ભાઈશ્રી મહાદેવ’ લખતા એની સામે ફરિયાદ છે.
૨૦. માનસિક વૃત્તિ.
૨૧. અસલમાં આ શબ્દો આવા કૌંસમાં છે.
૨૨. સફેદ કબૂતર.
૨૩. महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૧૯.
૨૪. બિપિનચંદ્ર પાલ (૧૮૫૮–૧૯૩૨); બંગાળના શિક્ષણવેત્તા, પત્રકાર, વક્તા અને રાજદ્વારી આાગેવાન.
૨૫. ૧૮૫૨–૧૯૪૩; હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષ, ૧૯૨૦.
૨૬. गांधीजीनो अक्षरदेह – ૨૧ : પૃ. ૪૩.
૨૭. એજન, પૃ. ૨૭૩.
૨૮. महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૨૧.
૨૮એ गांधीजीनो अक्षरदेह – ૨૧ : પૃ. ૩૫૯.
૨૯. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના એક હસ્તલિખિત પત્રમાંથી.
૩૦. મદનમોહન માલવિયાજીના પુત્ર.
૩૧. महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૯૪.
૩૨. એજન, પૃ. ૯૪ની પાદટીપ.
૩૩. गांधीजीनो अक्षरदेह – ૨૨ : પૃ. ૭૭.
૩૪. इन्डिपेन्डन्टનો લેખ. नवजीवन, તા. ૨૬–૧૨–’૨૧ના વધારામાં પ્રગટ.
૩૫. સંયુક્ત પ્રાંતોના ગવર્નર.
૩૬. હિંદી વજીર.
૩૭. महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૯૫–૯૬
૩૮. महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૧૦૩.
૩૯. ચંદુલાલ ભ. દલાલ: स्व. महादेवभाई देसाई स्मृतिचित्रो, પૃ. ૯૨.
૪૦. गांधीजीनो अक्षरदेह – ૨૨ : પૃ. ૯૧.
૪૧. આડવાત લખી નાખી.
૪૨. પંડિત મોતીલાલ નેહરુ, જવાહરલાલ નેહરુ, જ્યૉર્જ જોસેફ વગેરેને લખનૌની જેલમાં રાખવામાં આવ્યા હતા.
૪૩. ઉબળકમાં.
૪૪. મતલબ કે ‘ઘટતું કરજો.’
૪૫. महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૯૭થી ૧૦૦.
૪૬. હસ્તલિખિત પત્રનો આ મુદ્રાલેખ હતો.
૪૭. ૧૯૨૧ની આખરમાં અમદાવાદમાં ભરાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં.
૪૮. महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૧૦૦–૧૦૨.
૪૯. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી.
૫૦. એજન.
૫૧. એજન, ૧૧ જૂન ૧૯૧૯ના હસ્તલિખિત પત્ર પરથી.
૫૨. હિલ સ્ટેશન.
૫૩. થાટોન.
૫૪. ડૉ. પ્રાણજીવનદાસના ભાઈ.
૫૫. એમનું નામ હતું એમ. એસ. કેળકર.
૫૬. ચંદુલાલ ભ. દલાલ: स्व. महादेवभाई देसाई स्मृतिचित्रो, પૃ. ૬૧થી ૬૭માંથી સારવીને.
૫૭. નરહરિભાઈનાં પત્ની.
૫૮. ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતીના પત્રસંગ્રહમાંથી.
૫૯. એજન.
૬૦. महादेवभाईनी डायरी – ૧૬ : પૃ. ૧૦૫–૧૦૬.
૬૧. એજન, પૃ. ૧૬૪.
૬૨. એજન, પૃ. ૧૦૭થી ૧૦૯.
૬૩. महादेवभाईनी डायरी – ૪ : પૃ. ૧૦૮–૧૦૯.
૬૪. महादेवभाईनी डायरी – ૫ : પૃ. ૧૬–૧૭.
૬૫. દિલ્હીની સેઇન્ટ સ્ટિવન્સ કૉલેજના પ્રિન્સિપાલ જે ઍન્ડ્રૂઝના ઘનિષ્ઠ મિત્ર હતા.
૬૬. महादेवभाईनी डायरी – ૫ : પૃ. ૪૩૧.
Feedback/Errata