મુંબઈ બંદરે ઊતરતાં જ હિંદની ક્રૂર હકીકતો ગાંધીજી, મહાદેવભાઈ અને તેમની મંડળીની સામે મોં વકાસીને ઊભી હતી.
ખાલી હાથે ગોળમેજી પરિષદમાંથી પાછા આવતા ગાંધીજીનું ભારતના લોકોએ અપૂર્વ પ્રેમ અને ઉત્સાહથી સ્વાગત કર્યું. ઇતિહાસનું ભાગ્યે જ ક્યાંય કોઈ દેશના નેતાનું વાટાઘાટોમાંથી કશું મેળવ્યા વિના આવવા છતાંય પોતાના દેશમાં આટલા ઉમળકાથી સ્વાગત થયું હશે. લોકો જાણતા હતા કે ગાંધીજી પૂર્ણ સ્વરાજની માગણી લઈને ગયા હતા અને કશું જ લીધા વિના પાછા આવ્યા હતા. પણ કોઈનાયે સમજાવ્યા વિના, હૈયાસૂઝથી જ લોકો જાણતા હતા કે ગાંધીજી વિલાયતમાં દેશનું સ્વમાન અને ગૌરવ વધારીને આવ્યા હતા. જ્યાં એક બાજુ ખુશામતખોરોનું ટોળું એકઠું થયું હતું અને પોતપોતાના સાંકડા સ્વાર્થો ખાતર પ્રતિનિધિઓ એકબીજા સાથે ગળાકાપ હરીફાઈમાં ઊતરતા હતા, ત્યાં બીજી બાજુ આ એકલ પુરુષે આખા રાષ્ટ્રનો અવાજ બુલંદ કર્યો હતો અને સાચું હિંદ તો એનાં ગામડાંમાં, એના ગરીબ લોકોમાં, એના અંતિમ જનોમાં વસે છે એ વાતની પ્રતીતિ ઇંગ્લંડની જનતા તથા સામ્રાજ્યના પ્રતિનિધિઓને ગૌરવભેર કરાવી આપી હતી. એણે અરજીઓ નહોતી કરી, એ કરગર્યો નહોતો, એણે પોતાની જાત, ધર્મ કે પક્ષને સારુ નહીં પણ આખા દેશને સારુ દાવો કર્યો હતો, તે દેશની જનતા સમજી ગઈ હતી, તેથી ઉપર ઉપરથી હારીને આવેલા નેતાનો સ્વદેશાગમન વેળાએ વિજયોત્સવ ઊજવાઈ રહ્યો.
જે સરકારના પ્રતિનિધિઓએ સંધિ થતાંની સાથે જ એને તોડી હતી, જેમને એની સત્તાનો મદ હતો, તેમને માટે અહિંસાના આ પૂજારીની વાણી જીરવવી આકરી થઈ પડતી હતી. તેથી તે વિદેશથી પાછો ફરે તે પહેલાં જ સરકારે પોતાનો ગર્વોન્મત્ત હુંકાર સંભળાવવાની તૈયારી કરી રાખી હતી.
ગાંધીજીના વિદેશ જતાં પહેલાં જ જે વટહુકમોનો દોર શરૂ થઈ ચૂક્યો હતો તે એમના પાછા આવતાં પહેલાં વધુ વ્યાપક બની ચૂક્યો હતો. ઠેર ઠેર ગિરફતારીઓ પણ થઈ રહી હતી. વાયવ્ય સરહદ પ્રાંતમાં એના ખુદાઈ ખિદમતગારોની અહિંસક સેનાથી સરકાર જાણે વધારે ભડકી ઊઠી હોય એમ લાગતું હતું. ત્યાં શાંત સરઘસો પર બેફામ ગોળીબાર થયા હતા. ગાંધીજીના આવતાં પહેલાં જ સરહદ પ્રાંતમાં ખાન અબદુલ ગફ્ફારખાનને ગિરફતાર કરવામાં આવ્યા હતા. ગાંધીજીનું સ્વાગત કરવા અને કૉંગ્રેસ કારોબારીની બેઠકમાં હાજરી આપવા સારુ જવાહરલાલજી અલાહાબાદથી નીકળતા હતા ત્યારે તેમની રસ્તામાં જ ગિરફતારી કરવામાં આવી હતી.
ગાંધીજીએ એક તાર દ્વારા આ બાબતમાં વાઇસરૉય પાસે વિરોધ નોંધાવ્યો અને સરકાર દ્વારા કરવામાં આવેલાં કામોએ તેમના અને વાઇસરૉય વચ્ચેના મૈત્રીસંબંધોનો અંત સૂચવે છે કે શું એવી શંકા ઉઠાવી હતી. કૉંગ્રેસને પોતે શી સલાહ આપવી એ બાબત માર્ગદર્શન આપવા વાઇસરૉય તેમને મળવા ઇચ્છશે કે કેમ એ પુછાવ્યું હતું. વાઇસરૉયે તો એમના તારનો જાતે ઉત્તર આપવો પણ જરૂરી નહોતો માન્યો. તેમના મંત્રીએ એ આશયનો તાર કર્યો હતો કે ગોળમેજી પરિષદમાં જે સહકારની વૃત્તિ દર્શાવવામાં આવી છે તે ટકાવી રાખવા ગાંધીજી પોતાની લાગવગનો કેવી રીતે ઉપયોગ કરી શકે તેની ચર્ચા કરવા તો વાઇસરૉય ગાંધીજીને મળી શકે, પણ વટહુકમો બાબત કશી ચર્ચા કરવાની એમની તૈયારી નહોતી.
આવા તંગ વાતાવરણમાં કૉંગ્રેસ કારોબારીની બેઠકો મુંબઈમાં મળી. એમાં કૉંગ્રેસ કારોબારીએ સરકારે સંધિનો ભંગ કરીને નિર્માણ કરેલી પરિસ્થિતિ સામે રીતસર લડત આપવાનો એક કાર્યક્રમ ઘોષિત કર્યો.
આ દિવસો દરમિયાન છાપાંના ખબરપત્રીઓ ગાંધીજીને રોજ મળતા. વિનીત પક્ષના લોકોને આશા હતી કે હજી કાંઈક સમાધાન થઈ શકશે. તેથી તેમણે ગાંધીજીને તરતોતરત સાબરમતી ન જવા આગ્રહ કર્યો. સરદાર વલ્લભભાઈ પણ ગાંધીજી રોકાઈ જાય એમ ઇચ્છતા હતા એટલે ગાંધીજી મુંબઈ રોકાયા. પણ ચોથી જાન્યુઆરી, ૧૯૩૨ની વહેલી સવારે ગાંધીજી અને સરદારને ગિરફતાર કરી લેવામાં આવ્યા.
ત્રણ દિવસ બાદ મહાદેવભાઈને સાબરમતીથી ગિરફતાર કરવામાં આવ્યા. એ વખતનું વાતાવરણ જ એવું જોશભરેલું હતું કે આશ્રમનાં બાળકો પોતાના વડીલોની ધરપકડ થાય તો ગર્વ અનુભવતાં, સાત વરસના બાબલાએ પિતા પોલીસ વાનમાં ચડતા હતા ત્યારે એમ કહીને વિદાય આપી કે, ‘કાકા, આ વખતે બે વરસથી ઓછી સજા ન મળવી જોઈએ!’
૭–૧–’૩૨ની વહેલી સવારે મહાદેવભાઈની સાબરમતી આશ્રમમાંથી ધરપકડ કરવામાં આવી. પણ ૪–૨–’૩૨ને રોજ સાબરમતી જેલમાંથી છોડીને દરરોજ સાંજે પોલીસમાં હાજરી આપવાની નોટિસ એમની ઉપર બજાવવામાં આવી. તેમણે આ નોટિસનો અનાદર કર્યો. એટલે તે દિવસે રાત્રે એમની ફરી ધરપકડ કરવામાં આવી. બીજે દિવસે એમને દોઢ વરસની કેદ અને બસો રૂપિયા દંડની સજા થઈ, અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફરમાવવામાં આવી. શરૂમાં એમને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા, પણ ૧૮–૨–’૩૨ના રોજ એમની નાશિક જેલમાં બદલી થઈ.
મહાદેવભાઈએ ત્રીજી જાન્યુઆરીની ડાયરીમાં ગાંધીજીની ધરપકડ થઈ ત્યાં સુધીની નોંધ કરી છે. તેમાં એક વાત પર પ્રકાશ ફેંક્યો છે કે ગાંધીજીની ગિરફતારીની તૈયારી તો પહેલેથી જ કરવામાં આવી હોવી જોઈએ, કારણ, ગવર્નરના સચિવ મિ. મૅક્સવેલે પોલીસવડાને આ બાબતમાં લખેલા કાગળમાં તારીખ જ નહોતી! ગાંધીજીનો મૌનવાર હતો, પણ તેમણે બે સંદેશાઓ લખીને આપ્યા. પહેલો સંદેશો મજૂર ભાઈઓને સારુ — જેમને ગમે તેટલી ઉશ્કેરણી થાય તોયે શાંતિ જાળવવા ખાસ વિનંતી કરી હતી અને બીજો સંદેશો, વેરિયર એલ્વિન મારફત અંગ્રેજોને ઉદ્દેશીને લખ્યો. ગાંધીજીએ એમને કહેવડાવ્યું કે તેઓ તેમને પોતાના દેશબંધુઓ જેટલા જ ચાહે છે અને તેમણે કદી કોઈ કામ એમના પ્રત્યે ધિક્કાર કે તિરસ્કારથી કર્યું નહોતું. પોતાનાં સગાંવહાલાં જેવું વર્તન એમની જોડે રાખ્યું હતું.
મહાદેવભાઈ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં અમદાવાદ હતા ત્યારે તેમણે ત્યાંના વેપારી મહાજનોને એક પત્ર લખી વેપારીઓએ આંદોલનને જે ટેકો આપ્યો હતો તે બદલ હર્ષ પ્રગટ કરી બ્રિટિશ માલનો બહિષ્કાર કરી આ આંદોલનને ટેકો આપવાની અપીલ કરી હતી.
નાશિક જેલમાં જતાંની સાથે જ મહાદેવભાઈએ ગીતા પર ચિંતનમનન શરૂ કરી દીધું એમ એમની તે દિવસોની ડાયરી જોતાં લાગે છે.
પરંતુ એમના આનંદાશ્ચર્ય સાથે મહાદેવભાઈને ૧૦–૩–’૩૨ને રોજ નાશિક જેલથી ખસેડીને યરવડા જેલમાં ગાંધીજી અને સરદાર પાસે લાવવામાં આવ્યા. ૧૦–૩–’૩૨ની એમની ડાયરીનું પહેલું પાનું મહાદેવભાઈનું અંતરંગ પ્રગટ કરે છે:
‘हरि: ओम श्री सद्गुरवे नम: ।’
૧૦–૩–’૩૨
સ્વપ્ને પણ આ દિવસ મારા નસીબમાં હશે એવો ખ્યાલ નહોતો. હા, એક દિવસ નાશિકમાં એવું સ્વપ્નું આવેલું ખરું કે હું યરવડામાં છું. એકાએક બાપુ પાસે મને લઈ જવામાં આવ્યો અને બાપુના પગે પડી મેં રોવા માંડ્યું, તે કેમે કરી આંસુ ખાળ્યાં ખળાય જ નહીં. રોચે સવારમાં આવીને કહ્યું કે, ‘ચાલો તમારી બદલી છે. એક કલાકમાં તૈયાર થાઓ.’ મેં પૂછ્યું: ‘ક્યાં?’
તો કહે: ‘તું જાણીને ખુશ થશે અને મને ધન્યવાદ દેશે, પણ મારાથી કહેવાય એમ નથી.’ મેં ડૉક્ટર ચંદુલાલને મળવાની માગણી કરી, પણ રજા ન મળી. નવ વાગ્યે નાશિકથી બેઠા. મારી સાથે જે પોલીસ હતા તે જ વિઠ્ઠલભાઈને થોડા દિવસ ઉપર અહીં મૂકી ગયા હતા. એમાંના એક પોલીસનું જૂનું ઓળખાણ. લૉર્ડ રેડિંગને બાપુ મળવા ગયા ત્યારે — તારીખ પણ એ માણસને યાદ હતી: ૧૭મી જૂન, ‘૨૦ — એ સર ચાર્લ્સ ઇન્સનો બટલર હતો. પછી યૂબેન્ક, રા. સા. ગુણવંતરાય દેસાઈ વગેરે સાથે રહીને પોલીસમાં જોડાયો! એણે મને સિમલામાં જોયેલો. વિઠ્ઠલભાઈને ત્યાં પણ જોયેલો. એની યાદશક્તિ પણ ખરી!
જ્યારે અકબરઅલીએ સાબરમતીમાં ભેટીને આંખ ભીની કરી, અને પોતાની કોટડીમાં બંધ થઈને કહ્યું: ‘મારી દુવા છે કે તમને ગાંધીજી સાથે રાખશે.’ ત્યારે મને થયેલું: ‘તારી દુવા તો હોય, પણ મારું નસીબ ક્યાંથી લાવું?’ એણે કહેલું: ‘લેકિન ફિર ભી મેરી દુવા હૈ.’ અકબરઅલીને વિશે કેવું કેવું સાંભળેલું? પણ એણે મુહબ્બત બતાવવામાં બાકી ન રાખી, અને એની દુવા જ ફળી!
અમે માર્ટિનની સાથે ગોઠવણ કરી આવ્યા છીએ એમ બધાને પ્યારેલાલે તો નાશિકમાં કહેલું. એ પણ મને ગપ્પું લાગેલું. એયે સાચી વાત.
દરવાજા ઉપર જરા કડવો આવકાર મળેલો એટલે ધારેલું કે મારી નાશિકથી પેલાએ ટાઢે પાણીએ ખસ કાઢવા બદલી કરી લાગે છે, અને બાપુનાં દર્શન નથી જ થવાનાં. ત્યાં તો કટેલી હસતા હસતા આવ્યા, અને કહે કે ચાલો મારી સાથે. અમને આજે જ ચાર વાગ્યે ખબર મળ્યા છે કે તમને અમારે મહાત્માજી સાથે રાખવાના છે! બાપુના ચરણ ઉપર માથું મૂક્યું ત્યારે બાપુને આશ્ચર્ય થયું, વાંસા ઉપર, માથા ઉપર, ગાલ ઉપર ખૂબ થપાડો મારી. આટલું વહાલ બાપુએ કદી કર્યું નથી. હું કૃતજ્ઞતામાં અને મારી અયોગ્યતાના ભાનમાં ડૂબી ગયો. બાપુની અને સરદારની પાસેથી જાણ્યું કે મને અહીં લાવવામાં સર પુરુષોત્તમદાસનો પણ હાથ છે. ડાહ્યાભાઈ તો ગઈ વખતે કહી ગયેલા કે …એ કરવાનું કરી દીધું છે.૧
ગાંધીજી, સરદાર અને મહાદેવભાઈ ગાંધી-અર્વિન કરાર થયા પછી એનો અમલ કરાવવા ખેડા અને બારડોલીમાં સાથે ફરેલા. ત્યાર બાદ લગભગ એક વર્ષે આ ત્રિમૂર્તિ ભેગી થઈ હતી. ચાર માસ બાદ ગાંધીજીએ એક સેલમાં રહેતા આ ત્રણ જણ વિશે ગંગાબહેન વૈદ્યને એક પત્રમાં લખ્યું:
‘અહીં તો એક દાસ છે, એક ખેડૂત છે અને એક હમાલ છે. આવી મૂર્તિઓ સોનેરી સાજ પહેરવા બેસે તો તેને ગામડામાં છોકરાં કાંકરા મારે, ને તે બરોબર હોય.’૨
ગોળમેજી પરિષદના મધ્યાન્તર બાદ સ્વાતંત્ર્યયુદ્ધ પાછું શરૂ થઈ ગયું હતું. સરકાર તરફે એની ઢબની તૈયારીઓ અપરિમિત હતી. નેતાઓ ગિરફતાર હતા. સૈનિકોને સતાવવામાં આવતા હતા. પ્રજા પર ધાક બેસાડવામાં આવતી હતી. વિનીત વિચારોવાળા બૌદ્ધિકોને વાટાઘાટોમાં ગૂંચવવામાં આવતા, પ્રચાર-માધ્યમોમાંથી ઘણાને વશમાં રાખી પોતાને અનુકૂળ પ્રચાર કરવામાં આવતો. ઇંગ્લંડમાં અને બીજા દેશોમાં એકતરફી પ્રચાર થાય એની પૂરી કોશિશ કરવામાં આવતી હતી અને એકહથ્થુ આપખુદ સત્તાને કાયદો અને વ્યવસ્થાના વાઘા પહેરાવવા સારુ થોકબંધ વટહુકમો છોડવામાં આવ્યા હતા.
સત્યાગ્રહીઓ તરફે લાંબી લાંબી જેલો ભોગવવા સિવાય બીજો ઝાઝો અભિક્રમ રહ્યો નહોતો. ઠેકઠેકાણે સંખ્યાબંધ સત્યાગ્રહીઓ જાતજાતનાં કષ્ટો વેઠીને પોતાની શ્રદ્ધા અને આત્મવિશ્વાસનો પરિચય આપતા હતા. ૧૯૩૨ની શરૂઆતની મોટી ભરતી બાદ વર્ષના પાછલા મહિનાઓમાં આંદોલનમાં થોડી ઓટ આવી ગઈ હતી. પ્રજા હેબતાઈ ગઈ હતી. એની સહાનુભૂતિ આંદોલન સાથે હતી, પણ પોતે પોતાના હાથમાં દોર સંભાળે એવો અભિક્રમ એની પાસે નહોતો.
તે વખતે આંદોલનનું મુખ્ય મથક યરવડા મંદિરમાં હતું અને એ મુખ્ય મથકનાં મુખ્ય પાત્રો ગાંધીજીના શબ્દોમાં કહીએ તો આ જ દાસ, ખેડૂત અને હમાલ હતા. ત્રણેયનાં દિલમાં દેશભક્તિનો દાવાનળ સળગતો હતો, ત્રણેયના મસ્તિષ્કમાં ચિત્તશુદ્ધિનો હિમાલય શોભતો હતો. ત્રણેયને જેલ બહાર હોત તો આટલી નવરાશ કદી ન મળત. પણ જેલની અંદર ક્ષણેક્ષણનો તેઓ ઉપયોગ કરતા. જીવનને તેઓ વિધાયક દૃષ્ટિએ જોતા તેથી બહારની પરિસ્થિતિ વિશે વાંચી કે સાંભળીને તેમનાં દિલ વલોવાઈ જતાં, તે છતાં તેઓ પ્રસન્નતાથી દિવસો કાપતા હતા. ત્રણેય માનતા હતા કે તપશ્ચર્યા દ્વારા આત્મશુદ્ધિનો સીધો અનુબંધ સ્વરાજ્ય સાથે છે. તેથી જેલ-જીવનની તપસ્યા તેમને વધાવી લેવા જેવી લાગતી. ત્રણેય આમ સ્થિર બેસવાનો યોગ પ્રાપ્ત થવાથી પોતપોતાની રીતે ચિંતન, મનન અને સ્વાધ્યાય દ્વારા પોતાની હૃદ્તંત્રીને ઉત્તરોત્તર વધુ સજ્જ કર્યે જતા હતા. એમ તો ત્રણેયની એક ટીમ હતી, તેથી નિરંતર એકબીજાની સંભાળ રાખતા હતા. છતાં ત્રણેયની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હતી, તેથી પ્રવૃત્તિ પણ અમુક અંશે ભિન્ન થતી. આપણે એને જરા નજીકથી તપાસીએ. મહાદેવભાઈની ડાયરીએ આ જીવન પર અસાધારણ પ્રકાશ પાડ્યો છે.
મહાદેવભાઈનો સ્વધર્મ હતો ગાંધીજીના જીવનને દુનિયા આગળ છતું કરવાનો. એમ તો મહાદેવભાઈને ગાંધીજી સાથે આ જેલમાં લાંબા ગાળા સુધી રાખવામાં આવ્યા હતા, પણ આપણે આ પ્રકરણમાં એમના કોમી ચુકાદા વિરુદ્ધના ઉપવાસ સુધીની વાત જ લેવા માગીએ છીએ. તેથી ૧૦–૩–’૩૨થી ૨૬–૯–’૩૨ સુધીના કાળમાં મહાદેવભાઈએ ગાંધીજીનું જે જીવન નિહાળ્યું તેનો જ કેટલોક અંશ આપણે અહીં આપીશું.
મહાદેવભાઈને જ્યારે નાશિક જેલમાંથી ખસેડીને યરવડામાં લાવવામાં આવ્યા તે પહેલાંથી જ ગાંધીજીના મનમાં સરકાર ‘કોમી ચુકાદા’માં અસ્પૃશ્યોને અલગ મતદારમંડળ આપવાની વાત કરતી હતી તેનો સખત વિરોધ કરવાનો વિચાર પ્રબળપણે કામ કરી રહ્યો હતો. એ અંગે તેમણે ભારતીય વજીર સેમ્યુઅલ હોરને ૧૯૩૨ના માર્ચ માસની ૧૧મી તારીખે એક પત્ર પણ લખ્યો હતો. અને તેમાં તેમને યાદ દેવડાવ્યું હતું કે ગોળમેજીમાં પોતે કહ્યું હતું કે અલગ મતદારમંડળનો પ્રાણપણે વિરોધ કરશે, તે વાત ક્ષણિક આવેશમાં કહી નહોતી. તે કાંઈ વાતોનાં વડાં નહોતાં.
ખબરઅંતર પૂછ્યા પછી ગાંધીજી એ વિષય પર આવી જાય છે. ‘વલ્લભભાઈએ તને કાંઈ કહ્યું કે નહીં?’ વલ્લભભાઈ કહે છે, ‘એને ખાવા તો દો, પછી વાતો કરીએ.’ ભોજન પછી એ પત્ર મહાદેવને બતાવવામાં આવે છે અને એમનો અભિપ્રાય પૂછવામાં આવે છે. તેમને ગાંધીજીની આખી દલીલ શુદ્ધ લાગે છે, અને તેઓ અનુમાન કરે છે કે કદાચ વલ્લભભાઈ કૉંગ્રેસ-પ્રમુખ તરીકે ગાંધીજીને ઉપવાસ કરવા જેવા પ્રશ્ન અંગે સંમતિ કેમ આપી શકે, એમ વિચારતા હશે. પણ ગાંધીજી કહે છે કે વલ્લભભાઈ સાથી તરીકે સંમતિ નથી આપી શકતા. અને છેવટે તેમની જોડેના પોતાના સંબંધો અંગે કહે છે: ‘મેં વલ્લભભાઈને ધાર્મિક રીતે વિચાર કરતા કલ્પ્યા નથી. એમણે તો રાજદ્વારી રીતે જ વિચાર કર્યો, અને એ બરાબર છે. મારો અને વલ્લભભાઈનો સંબંધ પણ ધાર્મિક ન કહેવાય. જ્યારે તમારી સાથેનો સંબંધ ધાર્મિક કહેવાય. વલ્લભભાઈની મુશ્કેલી તો એ છે કે આનો અનર્થ થશે. પેલા કહેશે કે એ તો ગાંધી એવો જ માણસ છે, ગાંડો થયો છે, ગાંડપણ કરવા દો… હું ગાંડો ગણાઉં અને મરી જાઉં તેમાં શું ખોટું? તો મને કૃત્રિમ રીતે મહાત્માપણું મળેલું હશે તે ખલાસ થઈ જશે.’૩ પછીના સાત માસ ગાંધીજીના અનશનનો વિચાર આ ત્રિપુટી પર છાયેલો રહે છે. પરંતુ આ ત્રણેની માનસિક ભૂમિકા એવી છે કે છેવટ સુધી પોતપોતાની રીતે, ચિત્તને ક્ષુબ્ધ કર્યા વિના, અને સદા કલ્લોલમાં રહેતાં પોતાનું તપ નિરંતર ચાલુ રાખે છે.
ગાંધીજી ઉપવાસનો વિચાર હમેશાં અંતરાત્માની પ્રેરણાથી જ કરતા, તેથી તેઓ એ બાબત ચર્ચાવિચારણાને ઝાઝો અવકાશ રહેવા દેતા નહીં, એ આપણે આગળ ઉપર ૧૯૨૪ના હિંદુ-મુસ્લિમ એકતાના પ્રશ્ન અંગે કરેલા ઉપવાસ વખતે જોઈ ગયા છીએ. માત્ર આ ઉપવાસને એક અર્થમાં તેઓ સરકારને આપેલ ‘આખરીનામું’ સમજતા હતા, તેથી તેમણે એ વિશે ચર્ચાવિચારણાનો અવકાશ રાખ્યો હતો. અને આટલા અવકાશની સીમા વચ્ચે આ ત્રણેનું દૈનિક જેલ-જીવન પોતપોતાની રીતે સ્વતંત્ર, પણ પરસ્પર સંકળાયેલું એવું વ્યતીત થતું હતું.
ગાંધીજીને જેલના યુરોપિયન વૉર્ડમાં રાખવામાં આવ્યા હતા. એમને ખાવાપીવાની પણ વિશેષ છૂટ આપવામાં આવી હતી. બિનરાજકારણી એવા વિષયો પર ગમે તેટલા પત્ર લખવાની પણ છૂટ આપવામાં આવી હતી. તેથી ગાંધીજીની એક મુખ્ય પ્રવૃત્તિ બહારના લોકોને તેમ જ છૂટ મળી ત્યારે જુદી જુદી જેલોમાં પડેલા કેદીઓ સાથે પત્રવ્યવહાર કરવાની હતી. આ પત્રોમાં સિંહભાગ આશ્રમવાસીઓ સાથેનો હતો. અઠવાડિયે એક દિવસ તેઓ આશ્રમ પત્ર લખતા. વલ્લભભાઈએ એને ‘હોમવર્ડ મેલ ડે’ એવું નામ આપ્યું હતું. મહાદેવભાઈના આવ્યા પછી ગાંધીજીએ ઘણા પત્રો એમની મારફત લખાવવા માંડ્યા. અલબત્ત, આશ્રમવાસીઓમાં ઘણા એવા હતા, જેને પત્રો બાપુના હાથના જ જોઈએ અને બાપુને પણ ઘણાને પોતાના હાથે જ પત્ર લખવાથી સંતોષ થાય. પણ છતાંયે એટલું તો નક્કી કે મહાદેવભાઈના આવવાથી ગાંધીજીનો પત્રો લખવાનો શ્રમ થોડો ઘટી ગયો અને પત્રો વધુ સંખ્યામાં અને વધુ લંબાણથી લખાવવાનો ગાંધીજીનો ઉત્સાહ વધી ગયો હતો. અલબત્ત, આ બધા પત્રોને પણ મહાદેવભાઈ તો ‘બાપુએ આજે ૪૨ પત્ર લખ્યા કે ૪૦ લખ્યા’ એમ જ કહેતા. મહાદેવભાઈનું વધારાનું કામ એ રહેતું કે આ સંખ્યાબંધ પત્રોમાંથી ઘણાનો સાર તેઓ ડાયરીમાં લખી લેતા; ઘણાનાં અગત્યનાં વાક્યો ટપકાવતા, કેટલાકની પૂરી નકલ રાખતા. કેટલાક પત્રોની નોંધ કરતા પહેલાં આવેલા પત્રોનો સાર પણ લખી લેતા. જેલવાસનો કાળ તો પ્રમાણમાં મહાદેવભાઈને સારુ ‘આરામ’નો કાળ હતો તેથી આ બધું એમને સારુ સહજ થઈ પડતું. ગાંધીજીના જીવનમાં જેટલી સર્વગ્રાહી વ્યાપકતા હતી તેટલી આ પત્રોમાં વિવિધતા આવતી. તેમાં આશ્રમનાં બાળકોને લખેલ હળવા પત્રોથી માંડીને જીવનના મર્મ વિશે કોઈ સાધક જોડે ચર્ચાયેલા ગંભીર વિષયો સુધીના, કાંતણ-પીંજણના તકનીકી પ્રશ્નો કે આરોગ્ય વિશેના કોયડાઓથી માંડીને સત્યાગ્રહના કલાકૌશલ્ય સુધીના વિષયોનો સમાવેશ થઈ જાય. ગાંધીજીની તર્ક કરવાની રીત એમની આગવી જ હતી — ખાસ કરીને નૈતિક કે આધ્યાત્મિક બાબતોમાં. દાખલા તરીકે:
જીવન સંયમપરાયણ બનાવવાની યોજના ઘડતી વખતે એક ક્ષણ પણ એ વસ્તુનું વિસ્મરણ ન થવું જોઈએ કે આપણે બધા જ પરમાત્માના અંશ છીએ અને તેથી એનો સ્વભાવ આપણામાં રહેલો છે. અને પરમાત્માને વિશે સ્વચ્છંદ જેવી વસ્તુ હોઈ જ ન શકે. એટલે સાબિત થાય છે કે સ્વચ્છંદ માનવસ્વભાવને પણ પ્રતિકૂળ છે.૪
એક યુવતીએ સૌંદર્યની સ્તુતિ વિશે પ્રશ્ન કર્યો. કૉલેજમાં કોઈક યુવકને જોઈને તેના સૌંદર્યની સ્તુતિ કરેલી અને જવાહરલાલની ખૂબસૂરતી પર તે ફિદા હતી એમ પણ તેણે ગાંધીજીને જણાવ્યું હતું. મહાદેવભાઈના શબ્દોમાં:
બાપુએ ત્રણ વાક્યોમાં સૌંદર્યસૂત્ર કથ્યાં: ‘સૌંદર્યની સ્તુતિ થવી જ જોઈએ. પણ તે મૂક સારી. અને ‘तेन त्यक्तेन भुंजीथा: ।’ આકાશનું સૌંદર્ય જેને હર્ષ ન પમાડે તેને કંઈ નથી ગમવાનું એમ કહી શકાય. પણ જે હર્ષઘેલા થઈ નક્ષત્રમંડળને પહોંચવાની સીડી બાંધવાનો આદર કરે તે મૂર્છિત છે.૫
ગાંધીજી એટલે અનુભવોનો ભંડાર. એ અનુભવો વિશે કોઈ કોઈ વાર વાત કરે એ સ્વાભાવિક હતું. અને એવી વાતોને ટપકાવી લેવી એ મહાદેવભાઈનો જાણે કે સ્વધર્મ હતો. કાગળો લખાવતાં મહાદેવભાઈને કહે:
તમે કિચનનું નામ સાંભળેલું ના? એ કહેતો હતો કે ‘તું એકે વસ્તુ એવી નથી કરતો કે જેનું કારણ ન હોય.’ મેં [મહાદેવભાઈએ] કહ્યું: ‘મેં એ જ વસ્તુ આપને વિશે અનેક વાર કહી છે. જેની એક પણ પ્રવૃત્તિ વ્યર્થ નથી તે કારણ વિના કશું જ ન કરે.’ પછી બાપુ કહે: ‘વાત સાચી છે, નાક અમુક રીતે અને અમુક જગ્યાએ કેમ નસીક્યું એમ મને કોઈ પૂછે તો તેનું કારણ આપી શકું.’૬
કસ્તૂરબાને ‘સી’ ક્લાસ આપવામાં આવ્યો છે જાણી ગાંધીજીનો પહેલો પ્રતિભાવ તો ગર્વનો થયો. સત્યાગ્રહીને તો તાવણીથી હર્ષમિશ્રિત ગર્વ જ થાય ને? પણ પછી એમના માનવીય ભાવો જાગ્યા. ‘સાઠ વર્ષની ડોસીને સખત મજૂરી આપતાં એને શરમ નહીં આવી હોય!’ વલ્લભભાઈને હસતાં હસતાં કહે: ‘તમને “સી” મળવો જોઈતો હતો.’ વલ્લભભાઈ કહે: ‘મને કૅમ્પ જેલમાં મોકલે તો બહુ રાજી રાજી થાઉં.’૭
સત્યાગ્રહીથી બહારના લોકોને મળવાનો આગ્રહ ન રાખી શકાય એમ ગાંધીજી માનતા, પણ જેલી ભાઈબહેનોની સ્થિતિની ખબર રાખવી એને માત્ર અધિકાર નહીં, પણ કર્તવ્ય માનતા. તેથી એ વિશે તેમની અનેક વાર જેલ અધિકારીઓ જોડે રકઝક ચાલતી.
કરાંચીની જેલમાં કેદીઓને રાષ્ટ્રીય ધૂનોના પોકાર માટે ફટકા પડ્યા, અને તેનો બચાવ કરનારી નોંધ જિલ્લા મૅજિસ્ટ્રેટે બહાર પાડી તેનાથી ગાંધીજીનું હૈયું વલોવાઈ ગયું. જોકે માલવિયાજી અને સરોજિનીદેવીની ધરપકડના સમાચારથી રાજી રાજી થઈ ગયા.૮
ગાંધીજીનું માનસ સમજવામાં મહાદેવભાઈએ નોંધી લીધેલા એમના પત્રાંશો વિશેષ ઉપયોગી થાય એવા છે. એક બહેને એમને લખ્યું: ‘મારું અપાર આળસ કબૂલ કરવું જોઈએ. મારાથી રોજનીશી નથી જ લખાતી.’ સત્યના પ્રયોગવીરે તરત જવાબ લખાવ્યો: ‘તેમાં આળસ જ કારણ નથી. તેમાં સીધી વાત લખવી કઠણ છે. લખી જોજે.’
ગાંધીજીનું વ્યક્તિત્વ નિત્યવિકાસશીલ હતું. તેથી તેમના અનેક વિચારોમાં પણ વિકાસ થયો છે. પોતાના ત્રીજા પુત્ર રામદાસને લખેલ પત્ર ગાંધીજીના પતિ-પત્નીના સંબંધો અંગેના વિચારોમાં પણ કેવો વિકાસ થયો છે એ સૂચવે છે:
પતિ-પત્ની વિશેના સંબંધની બાબત મારા વિચારોમાં ફેર પડ્યો છે ખરો. જે રીતે હું બા તરફ વર્ત્યો તે રીતે તમે કોઈ તમારી પત્નીઓ તરફ ન વર્તો એમ ઇચ્છું ખરો. મારી સખ્તીથી બાએ કાંઈ ખોયું નથી, કેમ કે બાને મેં કોઈ દહાડો મારી મિલકત નથી ગણી. તેના પ્રત્યે પ્રેમ અને માન તો હતાં જ. તેને હું ઊંચે ચડેલી જોવા ઇચ્છતો હતો. છતાં બા નહોતી વઢી શકતી, હું વઢી શકતો હતો. બાને મેં અમલમાં મારા જ જેટલા અધિકાર નહોતા આપ્યા અને બામાં બિચારીમાં તે લેવાની શક્તિ ન હતી… તેથી હું ઇચ્છું ખરો કે તું નિમુને તારા જેટલી જ સ્વતંત્ર ગણ… તારે વ્યભિચાર કરવો હોય તો તું નિમુનો ડર નહીં ખાય. તેનો પ્રેમ તને રોકે એ જુદી વાત છે. તેમ જ નિમુને વ્યભિચાર કરવો હોય તો તે નીડર થઈ કરી શકે છે. એકબીજાનો પ્રેમ દંપતીને પાપમાંથી ભલે ઉગારે, ડર કદી નહીં… બાના પ્રત્યેનું મારું સાબરમતીનું વર્તન ઉત્તરોત્તર આવું થતું ગયું છે. તેથી બા ચઢી છે… મનમાં પણ બાના પ્રત્યે ખીજ ચઢે છે તો મારા પ્રત્યે ખીજ કાઢું છું. ખીજનું મૂળ મોહ છે… મારો પ્રેમ હજી નિર્મળ થતો જશે તો જ પરિણામો વધારે સુંદર થશે. અસંખ્ય સ્ત્રીઓ મારો વિશ્વાસ સહેજે કરે છે. તેનું કારણ મારો પ્રેમ અને આદર છે એવો મને વિશ્વાસ છે. એ ગુણ અદૃશ્ય રીતે કામ કર્યાં જ કરે છે.૯
પ્રેમાબહેન કંટકને એક પત્રમાં લખે છે:
મારા વિરોધીઓ પહેલાં હતા ને આજે પણ છે. છતાં મને તેઓના પ્રત્યે રોષ નથી આવ્યો. સ્વપ્નામાંયે મેં તેમનું ભૂંડું નથી ઇચ્છ્યું. પરિણામે ઘણા વિરોધીઓ મિત્ર બન્યા છે. કોઈનો વિરોધ મારી સામે આજ લગી કામ નથી કરી શક્યો…
દુનિયાની સામે ઊભા રહેવાની શક્તિને સારુ મગરૂરી કે તોછડાઈ કેળવવાની જરૂર નથી. જિસસ દુનિયાની સામે ઊભા; બુદ્ધ પણ પોતાના યુગની સામે થયા. પ્રહ્લાદે તેવું જ કર્યું. તેઓ બધા નમ્રતાની મૂર્તિ હતા. એને સારુ આત્મવિશ્વાસ અને પ્રભુ ઉપર શ્રદ્ધા જોઈએ…૧૦
જુગતરામભાઈ દવેએ બહારની સ્થિતિનો ઉલ્લેખ કરીને લખેલું કે કેટલાક ઊભા છે, કેટલાક પડી ગયા છે. તેના જવાબમાં ગાંધીજીએ લખ્યું:
જન્મે એટલા ક્યાંય જીવતા જ નથી. વળી હવા બગડે ત્યારે મૃત્યુસંખ્યા વધે છે. તેથી તમે લખો છો તેનું મને આશ્ચર્ય નથી. મૃત્યુસંખ્યા વધી નથી એ આશ્ચર્ય અને આનંદ અને મરણનો ખેદ શાને? મરવાલાયકનું મરણ આવકારલાયક હોય… એકાકી રહેવાની કળા જેણે નથી સાધી તે બહારના ફેરફારોથી અશાંત થાય. પણ સત્યનારાયણને તો જે એકલા ઊભવાલાયક હોય તે જ પામે.૧૧
એક સિત્તેર વરસના દમથી પીડાતા સરકારી પેન્શનરનો ગાંધીજીને દમનો કુદરતી ઉપચાર શો એમ પૂછતો કાગળ આવ્યો. ગાંધીજીએ તેને જવાબ લખ્યો. મહાદેવભાઈએ કહ્યું:
‘આવા કાગળોના ક્યાં જવાબ આપતા ફરશો?’ ગાંધીજીએ ‘ભલે’ કહીને લખેલો કાગળ ફાડી નાખ્યો. ત્યાં સરદાર બોલ્યા: ‘અરે લખોની કે ઉપવાસ કર, ભાજી ખા, કોળું ખા, સોડા પી.’ ગાંધીજી ખડખડાટ હસ્યા અને મહાદેવને કહ્યું: ‘એ કાગળ ઉપાડી લો, આપણે એને લખવું છે.’ અને કાગળના ટુકડાઓ ભેગા કરાવી એને પોતાના અનુભવને આધારે ઉપચાર લખાવ્યા.૧૨
એક દિવસ કોઈ શીખે લખ્યું કે ગાંધીજી કેશ કેમ ન રાખે? ‘આજના સૌથી મહાન હિંદી અને આજના જગતના સૌથી મહાન પુરુષ, પહેલાં થઈ ગયેલા સઘળા મહાપુરુષોની માફક કેશ રાખે એ યથાયોગ્ય છે!’ તેમને લખ્યું:
કેશ અને દાઢી રાખવાની બાબતમાં હું તમારાથી તદ્દન જુદા જ વિચાર ધરાવું છું. બાહ્ય ચિહ્નોનું મહત્ત્વ પહેલાંના વખતમાં ગમે તેટલું મનાયું હોય છતાં કેશ અને દાઢી રાખવાને જે ઊંચું સ્થાન તમે આપતા જણાઓ છો એ સ્થાન અને એ મહત્ત્વ તેનું ન હોવું જોઈએ. કેશની બાબતમાં અત્યાર સુધી હું જે કરતો આવ્યો છું તેમાં કશો ફેરફાર કરવાની જરૂર મને જણાતી નથી. મારા બાહ્ય દેખાવ કરતાં મારા આચરણથી લોકો મારી કિંમત આંકે એ જ મને તો બહુ ગમે.૧૩
ઓરિસામાં કામ કરતા જીવરામભાઈ અને મધ્ય પ્રદેશમાં કામ કરતા જેઠાલાલ (સંપત) જેવા લોકો ઉપર ગાંધીજીનું મન જેલમાં રહ્યા રહ્યા પણ ઠર્યું છે. જેઠાલાલના પ્રયોગને તેઓ ‘શાસ્ત્રીય’ તરીકે વર્ણવે છે અને તેમને એક લાંબા, સ્નેહાળ પત્રમાં ગ્રામસેવાના નીચે મુજળના મૂળ મંત્રો આપે છે:
૧. ત્યાં સમાધિસ્થ થઈ બેસવું. ગ્રામસેવકને પ્રથમ જરૂરિયાત અખૂટ ધીરજ અને આત્મવિશ્વાસની હોય છે.
૨. પણ તેમનામાં આત્મવિશ્વાસની સાથે એટલી બધી નમ્રતા હોવી જોઈએ કે પોતાના કામથી તે સંતોષ ન માને.
૩. જે લોકો બીજી પદ્ધતિથી કામ લેતા હોય તેમની પાસે પણ શીખી લેવાની ઇચ્છા.૧૪
ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલના પત્ર અંગેની મહાદેવભાઈની નોંધ માર્મિક છે:
હરિલાલનો દુખદ કાગળ આવ્યો છે. તેમાં મનુને બલીબહેન પાસેથી છોડાવવાની માગણી કરી. બાપુને ગુનેગાર ગણ્યા. બલીબહેનના હુમલાની ફરિયાદ કરી. બાપુએ એને લાંબો કાગળ લખ્યો. પણ એમાંનો છેવટનો ભાગ સાગર જેવી ક્ષમાથી ઊભરાતા પિતાના હૃદયમાંથી ટપકતા લોહીના બુંદ જેવો છે: ‘હું હજી તારા સારા થવાની આશા છોડવાનો નથી, કેમ કે હું મારી આશા છોડતો નથી. તું જ્યારે બાના ઉદરમાં હતો તે વખતે તો હું નાલાયક હતો, એમ માનતો આવ્યો છું, પણ તારા જન્મ પછી ધીમે ધીમે હું પ્રાયશ્ચિત્ત કરતો આવ્યો છું. એટલે છેક આશા કેમ છોડું? એટલે જ્યાં લગી તું અને હું જીવીએ છીએ ત્યાં લગી છેલ્લી ઘડી સુધી આશા રાખીશ, અને તેથી મારા રિવાજની વિરુદ્ધ આ તારો કાગળ હું સાચવી રાખું છું કે જેથી જ્યારે તને શુદ્ધિ આવે ત્યારે તારા કાગળની ઉદ્ધતાઈ જોઈને તું રડે અને એ મૂર્ખાઈ તરફ તું હસે. તને મહેણું મારવાને સારુ એ કાગળ નથી સાચવતો. પણ ઈશ્વરને એવો પ્રસંગ બતાવવો હોય તો મને હસાવવા સારુ એ કાગળ સાચવું છું. દોષથી તો આપણે સૌ ભરેલા છીએ. પણ દોષમુક્ત થવાનો આપણો બધાનો ધર્મ છે. તું થા.’૧૫
નાના દીકરા દેવદાસને સુદૂર ઉત્તર પ્રદેશમાં જેલ મળી છે. લગભગ એકલવાયો છે. ઘણા દિવસથી તાવ ઊતરતો નથી. તેઓ પિતાને તાર કરે છે: ‘બાર દિવસ થયા તાવ આવે છે. નરમ ટાઇફૉઈડની શંકા જાય છે. વધારેમાં વધારે ૧૦૨ અને છેલ્લા ત્રણ દિવસ થયાં ૧૦૦ની નીચે છે. હવા અતિશય ખરાબ છે. તમારો કાગળ નથી.’ પિતા તુરત સમજી જાય છે અને કહે છે: ‘હવાનું વર્ણન એ માટે લખ્યું છે કે તમે મારી બદલી કરાવી શકતા હો તો કરાવો.’ પછીનો ત્રિપુટી સંવાદ મહાદેવના શબ્દોમાં:
વલ્લભભાઈ કહે: ‘એને બદલાવવો જ જોઈએ.’ બાપુ કહે: ‘કોઈની મારફતે તો નહીં જ. અરજી કરવી હોય તો આપણે જાતે જ કરીએ. પણ મન નથી થતું. હરિલાલ દક્ષિણ આફ્રિકાની જેલમાં બહુ ખરાબમાં ખરાબ જગ્યાએ હતો, પણ તેની બદલી તેણે પોતે કરાવી, મેં માગણી નહીં કરેલી.’ વલ્લભભાઈ કહે: ‘આપણે ક્યાં કેદી છીએ? અહીં સ્થિતિ જુદી છે, અરજી કરવી જોઈએ.’ એટલે આખરે બાપુએ માન્યું અને હેલીને તાર કર્યો કે મારો દીકરો કોઈ પણ કારણ વિના સાથી વિનાનો અને ભયંકર ખરાબ જગ્યા ગોરખપુરમાં છે. એ તાવમાં પડ્યો છે, એને કાં તો દહેરાદૂન બદલો, કાં તો અમારે ત્યાં અહીં મોકલો.’૧૬
ત્રીજા પુત્ર રામદાસે એક વાર નીતિનો પ્રશ્ન ઉઠાવ્યો અને પછી પૂછ્યું કે ગાંધીજી એક કાળે ખૂબ કડક હતા અને ભારે પ્રાયશ્ચિત્ત કરતા ને કરાવતા તે હવે વધારે પડતા ઉદાર કેમ થઈ ગયા? એના જવાબમાં ગાંધીજી લખાવે છે:
તું લખે છે એમ મેં પૂર્વે જે સખ્તાઈઓ કરી તેનો પશ્ચાત્તાપ નથી. એ બરોબર હતી, તે વખતને સારુ. આજે મારી જરા જેટલી સખ્તાઈ તે હિમાલય જેટલી ભારે લાગે છે. જે કાર્ય આજે હું ઠપકામાત્રથી લઈ શકું છું તેને સારુ પહેલાં મારે પોતાને ઉપવાસો કરવા પડતા ને બીજાંને પણ પ્રમાણમાં તેમ જ કરવું પડતું. પૂર્વે કરતો તેમ જ જો હાલ કરું તો હું નિર્દય ઠરું… હવે મારી ઉદારતા સમજાઈ? પહેલાંની સખ્તી ને આજની ઉદારતા પાછળ એ જ શુદ્ધ પ્રેમ કામ કરી રહ્યો હતો. બાકી તારું લખવું તો બરોબર છે જ કે મારી ઉદારતાનો અનર્થ કરી કોઈ બેદરકાર થાય તો તે ભૂંડું જ છે. એવો ડર રહે છે તેનું કારણ નોખું છે. હું પોતે મારા પ્રત્યે નરમ થઈ બેઠો છું, પ્રથમની મારી અક્કડતા ચાલી ગઈ છે. માગ્યું કામ શરીર આપતું નથી. અને જે હું ન કરું તે બીજાની પાસે લેતાં સંકોચ થાય જ. તેથી મેં આશ્રમમાં ઘણી વાર કહ્યું છે કે હું હવે આશ્રમ ચલાવવા લાયક નથી રહ્યો. આશ્રમનો દરવાન જાગ્રત અને બળવાન હોવો જોઈએ. પહેલાં તો હું કામમાં સૌની સાથે ઊભતો એટલે બીજાએ મારી પાસે ઊભવું જ પડતું. હવે તો મારા કામને જોવાનું ન રહ્યું. મારાં વચનો પ્રમાણે ચાલવાનું રહ્યું.૧૭
મ્યૂરિયલ લેસ્ટર સાથે કામ કરતી એક બહેને ઇંગ્લંડથી પત્ર દ્વારા પૂછ્યું: સૌંદર્ય જોવા અને ભોગવવાની લાલસા કેમ થાય છે? તેને લખ્યું:
સુંદર વસ્તુઓ માટેની ઇચ્છા તદ્દન સ્વાભાવિક છે. માત્ર સુંદર કોને કહેવું તે માટે કોઈ નિશ્ચિત ધોરણ નથી. એટલે હું એ વિચાર ઉપર આવ્યો છું કે એ ઇચ્છા સંતોષવા જેવી નથી. બાહ્ય વસ્તુઓની લોલુપતા રાખવાને બદલે આંતરિક સુંદરતા જોતાં આપણે શીખવું જોઈએ. એ જો આપણને આવડે તો સૌંદર્યનું વિશાળ ક્ષેત્ર આપણી આગળ ખડું થાય છે.૧૮
એ જ બાઈએ બીજો સવાલ જીવનના ધ્યેય વિશે પૂછ્યો. એને લખ્યું:
જીવનનું ધ્યેય નિ:શંક પોતાની જાતને — આત્માને — ઓળખવાનું છે. જ્યાં સુધી જીવમાત્ર સાથે આપણે અભેદ અનુભવતાં ન શીખીએ ત્યાં સુધી આાત્માને ઓળખી શકાતો નથી. એવા જીવનનો એકંદર સરવાળો એ જ ઈશ્વર. એટલે જ આપણા દરેકમાં રહેલા ઈશ્વરને ઓળખવો એ જરૂરનું છે. આવું જ્ઞાન નિ:સીમ, નિ:સ્વાર્થ સેવા દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.૧૮
આમ ગાંધીજીની બહુમુખી પ્રતિભા મહાદેવભાઈની નોંધોમાંથી વિવિધ ક્ષેત્રે પ્રગટે છે. તેમની આધ્યાત્મિક પ્રતિભા સહજ રીતે વધી છે. પ્રેમાબહેનને તેઓ લખે છે:
અંદરનો અવાજ ન વર્ણવી શકાય એવી વસ્તુ છે. પણ કેટલીક વાર આપણને એમ લાગી જાય છે કે અંતરમાંથી અમુક પ્રેરણા થઈ છે. હું ઓળખતાં શીખ્યો એનો કાળ મારો પ્રાર્થનાકાળ કહી શકાય, એટલે ૧૯૦૬ની આસપાસ… ‘અરે આજે તો કોઈ નવો અનુભવ થયો’ એવું કંઈ મારા જીવનમાં જ નથી. જેમ વગર જાણ્યે આપણા વાળ વધે છે તેમ મારું આધ્યાત્મિક જીવન વધ્યું છે.૧૯
આ પત્રોથી ગાંધીજીના અંતરજીવનની જાણ થાય છે. બાહ્યજીવન તો એમનું લગભગ આશ્રમમાં જેવી રીતે ચાલતું હતું તેવી જ રીતે ચાલે છે. દિવસમાં બે વાર આશ્રમને જ સમયે પ્રાર્થના. ખોરાકના થોડા પ્રયોગો. પ્રભુદાસ ગાંધીએ બનાવેલ ‘મગન રેંટિયા’ પર બે હાથે કાંતવાનો રોજના ચાર-પાંચ કલાક અભ્યાસ (રાષ્ટ્રીય સપ્તાહ દરમિયાન કાંતવાના કલાક વધી ગયા હતા), ઢગલાબંધ ટપાલ લખવી કે લખાવવી, બંને સાથીઓ જોડે છાપાં પરથી મળતા સમાચારો અંગે ચર્ચા. આમાં અપવાદ જેવો ક્રમ લાગતો હોય તો માત્ર એક જ વાર લાગે છે, જ્યારે ગાંધીજી મહાદેવભાઈ સાથે બેસીને છાપામાં આવતી કોઈ હરીફાઈના જવાબો શોધે છે. પછી એને પેલા ઉપર મોકલી આપે છે, કોઈ પણ ઇનામ જીત્યા વિના, વધુમાં વલ્લભભાઈની હાંસીના પણ પાત્ર બને છે: ‘કમનસીબ ગણાયા અને સાથે બેવકૂફ પણ બન્યા!’
આશ્રમનાં બાળકોને ‘વહાલાં પંખીડાં’ એ સંબોધન કરી પત્રો લખવામાં ગાંધીજીને કદી થાક લાગતો નહોતો. કદાચ તેઓ એમની જોડે પત્રવ્યવહાર દ્વારા ગેલ કરી થોડીઘણી તાજગી અનુભવતા હશે. વિદ્યાને તેઓ એક બાજુથી ગંભીર વાત સમજાવે છે કે, ‘ભગવાનને ક્યાંયથી આવવાપણું નથી ને ક્યાંય જવાપણું નથી, ભગવાન સદાય છે ને રહેશે.’ પણ બીજી તરફ એમ પણ કહે છે કે, ‘ફુરસદને વખતે પાનાં રમવામાં મને કંઈ દોષ નથી લાગતો.’ જોકે સાથે સાથે એમ પણ કહી દે છે કે, ‘તેને હું ઉત્તેજન ન આપું.’૨૦ એક બાળકી પૂછે છે: ‘ભૂલની માફી માગતાં તે હોંશ થતી હશે! શરમ ન લાગે? છતાં તમે કેમ કહો છો કે શરમ ન લાગવી જોઈએ?’ ગાંધીજી લખે છે: ‘ભૂલ નઠારું કામ છે તેથી તેની શરમ. ભૂલની માફી માગવી એ સારું કામ છે એટલે તેમાં શરમ શેની? માફી માગવાનો અર્થ ફરી ભૂલ ન કરવાનો નિશ્ચય. એ નિશ્ચય થાય એટલે તેમાં શરમ શાને સારુ?…’૨૧
નિર્મળાને લખ્યું:
‘પોતે પોતાજોગું કાંતીએ તોપણ દેશને ફાયદો છે, કેમ કે એટલી દોલત વધી. વળી ઉદ્યમનો ને સ્વાવલંબનનો બીજાને દાખલો બેઠો.’૨૨
બાબલો લખતાં-વાંચતાં શીખ્યો તે પહેલાં આશ્રમના સંગીતશિક્ષક પંડિત ખરેને કહીને બાપુને પત્ર લખાવતો. એક પત્રમાં તેણે પ્રશ્ન પૂછ્યો: ‘અમે આશ્રમમાં ગીતા સાંભળીએ છીએ. તેમાં અર્જુન નાનકડો સવાલ પૂછે છે અને શ્રીકૃષ્ણ એને લાંબો જવાબ આપે છે. અમે બાળકો તમને દર અઠવાડિયે આટલા બધા પ્રશ્નો પૂછીએ ને તમે ટૂંકા ને ટચ જવાબ કેમ આપો છો?’૨૩
બાપુએ જવાબ આપ્યો:
કૃષ્ણને પૂછનાર એક જ અર્જુન એટલે તેને બધાં મલાવા કાં ન સૂઝે? ને વળી કૃષ્ણ રહ્યો જ્ઞાની, હું રહ્યો થોડા જ્ઞાનવાળો, ને પૂછનારા અર્જુન કેટલા? ગણ જોઈએ. બધાયને થોડું થોડું વહેંચી દઉં તો કેવડી ને કેટલી ગીતા થાય? કેમ કે કૃષ્ણને તો એક જ વાર પુછાયું. મને તો આટલા અર્જુન દર અઠવાડિયે પૂછે.૨૪
મહાદેવભાઈ પોતાની ડાયરીઓમાં પોતાની જાતને છુપાવી ગાંધીજીને જ આગળ કરે છે — જાણે કે ગળથૂથીમાંથી જ રવીન્દ્રનાથનું પેલું ભજન શીખીને ન આવ્યા હોય કે:
મને હઠાવી વિરાજો પ્રભુ
મમ હૃદય૫દ્મદળે
સકળ અહંકારને મારા
ડુબાવો અશ્રુજળે.25
જે ઉપવાસનો વિચાર મહાદેવભાઈના નાશિકથી યરવડા આવતાં પહેલાં જ ગાંધીજી કરી ચૂક્યા હતા તેમાં રહેલી દલીલને તો મહાદેવભાઈએ પ્રથમ વાચને જ ‘શુદ્ધ દલીલ’ કહી હતી એ આપણે જોઈ ગયા. પાછળથી મહાદેવભાઈએ તેને અંગે તર્ક પણ આપ્યો. ‘દમન વિશે અનશન જગત સમજી શકે પણ અસ્પૃશ્યોવાળું કદાચ ન સમજે. અંગ્રેજો જગતને સમજાવવાનો પ્રયત્ન કરશે કે બધા અસ્પૃશ્યોની અથવા મોટા ભાગના અસ્પૃશ્યોની માગણી જુદાં મતમંડળ માટે હતી. વળી અસ્પૃશ્યોને જુદાં મતમંડળ આપીને પ્રજાશરીર ઉપર ભયંકર કુહાડો મારવામાં આવે છે એ તમે આમાં (સેમ્યુઅલ હોરને લખેલ પત્રમાં) વધારે સ્પષ્ટ કરો એમ હું માગું. જોકે ઘણા પ્રામાણિક અંગ્રેજો પણ આ સમજી નથી શકવાના.’૨૬ ગાંધીજી એમની જોડે સંમત થાય છે અને કહે છે કે જુદાં મતમંડળો તો અસ્પૃશ્યતાના પાપને કાયમી બનાવવા જેવું ગણાશે.
જરૂર પડે ત્યારે મહાદેવભાઈ ગાંધીજીને સલાહ આપે છે; ક્વચિત્ ક્વચિત્ એમનાથી જુદો અભિપ્રાય પણ આપે છે, પણ મૂળમાં તો મહાદેવભાઈ ગાંધીજીના ‘હમાલ’ જ છે. તેથી પહેલે દિવસે જ્યારે એમને પ્રાર્થનામાં ભજન ગાવાનું ફરમાન થાય છે ત્યારે તેઓ સુરદાસનું ભજન ગાય છે:
‘प्रभु मोरे अवगुण चित न धरो ।’
અને એને વિશે માત્ર એટલું જ કહે છે, ‘એ વિના મારાથી બીજું શું ગાઈ શકાય?’૨૭
જેલમાં ગુનાઇત કેદીઓ ગાંધીજીની સેવામાં રાખવામાં આવ્યા હતા તેમાં મારુતિ નામના કેદીએ મહાદેવભાઈને પણ ગાંધીજી અને સરદાર સાથે જોડાયેલા જોઈને તેમને પણ ત્રિમૂર્તિમાંના એક માની તેમનો ચરણસ્પર્શ કર્યો. મહાદેવભાઈએ સંકોચ સાથે એને સમજાવ્યું, ‘ભલા માણસ, હું તો તારા જેવો રહ્યો’૨૮ હૃદયનો તંતુ તો એમનો તરત એ કેદીઓ જોડે સંધાઈ જ ગયો. શરૂઆતના દિવસોમાં જ મહાદેવભાઈ સોમા અને મારુતિની કથાઓ હમદરદીથી ભરેલી કલમે પોતાની ડાયરીમાં લખે છે.
શરૂઆતમાં તો ગાંધીજીની સાથે રાખવામાં આવ્યા હતા તે છતાં મહાદેવભાઈને મળેલી સજા મુજબ માત્ર ‘બી’ વર્ગની સગવડો જ ખાવાપીવા અને કપડાં અંગે અપાતી હતી. મહાદેવભાઈનો તો જેલમાં બધા નિયમો પાળવાનો આગ્રહ હતો. તેથી તેમણે વગર આનાકાનીએ બધા પ્રતિબંધો સ્વીકારી લીધા હતા. પણ થોડા સમયમાં તેમને પણ ગાંધીજી અને સરદારની સાથે સ્પેશિયલ કેદી તરીકે રાખવામાં આવ્યા હતા. વચ્ચે ગાંધીજીની મુલાકાતો બંધ થઈ ત્યારે મહાદેવભાઈએ પોતાની પણ મુલાકાતો બંધ થઈ હોવાના સમાચાર દુર્ગાબહેનને ગાંધીજી દ્વારા આશ્રમવાસીઓને લખાયેલા પત્રમાં આપ્યા હતા.
ગાંધીજીનું કામ હળવું કરવાની તક મળે એટલે મહાદેવભાઈ ધન્યતા અનુભવે. એટલે ગાંધીજી હોંશે હોંશે પચાસેક જેટલા પત્રો એમને લખાવે છે, ને એટલી જ હોંશથી મહાદેવભાઈ એને પોતાના સુંદર અક્ષરે લખીને રવાના કરે છે. રવાના કરતાં પહેલાં એમાંના જે અગત્યના પત્રો હોય તેની નકલ પણ રાખી લેવાનું એ શાના ચૂકે?
ગાંધીજી પાસે ઘણા પત્રો આવે છે. છાપાં પણ આવે છે. ઘણી વાર તો જેલના અધિકારીઓ પણ ‘બહારની’ કેટલીક વાતો એમના કાન પર નાખી જાય છે. મુખ્યત્વે સરદાર પાસે અને કેટલીક વાર ગાંધીજી પાસે મહાદેવભાઈને બીજી જેલો વિશે અને બીજા સત્યાગ્રહી કેદીઓ વિશે સાંભળવા મળે છે. કાકાસાહેબ, નરહરિ અને પ્રભુદાસના તપની વાતો મહાદેવભાઈ સાંભળે છે. કાકાને૨૯ પોતાનો રેંટિયો મેળવવા સારુ સાત દિવસ ઉપવાસ કરવા પડ્યા છે. પ્રભુદાસને બે માણસની મદદથી ચલાવીને ઇસ્પિતાલમાં લઈ જવા પડ્યા છે, નરહરિને બીજાઓથી વેગળા રાખ્યા છે. નાશિક જેલમાં મહાદેવભાઈને પણ સામાન્ય કેદીની જેમ જ જીવન વિતાવવું પડેલું. પણ એમને બીજાનાં દુ:ખ આગળ પોતાનાં દુ:ખ દેખાતાં નથી, બીજાના તપ આગળ પોતાનું તપ એમને મન કાંઈ નથી. ‘ક્યાં આ બધાની લાયકાત અને ક્યાં મારી? આમાંથી કોક બાપુ પાસે મૂકવામાં આવ્યા હોત તો કેવું યોગ્ય થાત! પણ કોણ જાણે એ લોકોને વધારે તાવીને એમની યોગ્યતા હજીયે ઘણી વધારવી હશે. અને મારી પાસે ભગવાનને વધારે આત્મનિરીક્ષણ કરાવવું હશે અને મને વધુ શરમાવવો હશે! જેલમાં આવ્યો ત્યારે બાપુની પાસે જવાય તો સારું એમ ઊંડે ઊંડે મન ઇચ્છતું હતું. ન જવાય એમ યોગ્યતાનું ભાન કહેતું હતું, અને હવે મારે બદલે વધારે યોગ્ય આ બધામાંથી કોક હોત તો સારું એમ આત્મા સાક્ષી પૂરે છે. ‘અકલ કલા ખેલત નર જ્ઞાની!’૩૦
સામાન્ય રીતે તો જેલમાં કે બહાર ગાંધીજી કરતાં મહાદેવભાઈ જ પુસ્તકો વધારે વાંચે. પણ અહીં, ગાંધીજીને વધુ પુસ્તકો મેળવવાની છૂટ હતી. તેથી સૌ પ્રથમ એમણે જ મહાદેવભાઈને મૈથિલીશરણ ગુપ્તનું મહાકાવ્ય साकेत વાંચવાની ભલામણ કરી. ગાંધીજીએ કહ્યું કે એ વાંચવું એ બે દિવસનું કામ હતું. મહાદેવભાઈ કહે છે:
૪૫૦ પાનાનું કાવ્ય બે દિવસમાં પૂરું કરવાનું મુશ્કેલ તો લાગ્યું. પણ બાપુ એમ વિના વિચારે કહે નહીં કરીને શરૂ કર્યું અને રાત્રે સૂતાં સુધીમાં તો ૩૦૦ પાનાં વાંચ્યાં હતાં. એટલું એ આકર્ષક લાગ્યું. સવારે પોણાચારે ઊઠવાનું ન હોત તો પૂરું કરીને સૂતો હોત.૩૧
બીજે દિવસે તો પોતાની ડાયરીમાં એ ‘અપૂર્વ મનોહર કૃતિ’ની ટૂંકી સમાલોચના પણ લખી નાખી. મહાદેવભાઈની ડાયરીઓમાં જે જે પુસ્તકોનાં અવલોકનો લસરતી કલમે કરવામાં આવ્યાં છે એનો જ જો સંગ્રહ કરવામાં આવે તો એક દળદાર ગ્રંથ બને અને મહાદેવભાઈને એક સાહિત્ય-સમીક્ષક તરીકે પ્રસ્થાપિત કરે, એટલું જ નહીં પણ હજારો વાચકોને ઉત્તમ ગ્રંથનો સ્વાધ્યાય કરવા સારુ ઉપયોગી સામગ્રી મળી જાય.
એમ જણાય છે કે साकेत અંગે ગાંધીજી અને કવિ મૈથિલીશરણ વચ્ચે પત્રવ્યવહાર પણ થયો છે. મહાદેવભાઈનો અભિપ્રાય એવો હતો કે ઊર્મિલાની વિરહવેદના સાકાર કરનાર साकेतનો નવમો સર્ગ સંસ્કૃત કવિઓના અનુકરણ જેવો હતો અને ગાંધીજીનું કહેવું હતું કે साकेत ગ્રંથનો વિષય:
‘રામ તુમ્હારા ચરિત સ્વયં હી કાવ્ય હૈ,
કોઈ કવિ બન જાય સહજ સંભાવ્ય હૈ,’
એવો હોય તો તેમાં નવમો સર્ગ કાંઈક વિષયાંતર કે અતિરેક જેવો લાગે છે. મૈથિલીશરણજીએ ઊર્મિલા વિશેનો બચાવ કરતો અઢાર પાનાંનો એક પત્ર ગાંધીજીને લખ્યો, જેને વિશે ગાંધીજીએ અભિપ્રાય આપ્યો કે એ પત્ર પોતે જ એક કાવ્ય છે. એ પત્રની નકલ કરનાર ‘અજમેરી’ મૈથિલીશરણજીના મુસ્લિમ શિષ્ય છે અને હિંદી સાહિત્યના ભારે પ્રેમી છે એવી નોંધ મહાદેવભાઈ કરે છે.૩૨
એવી જ રીતે પોતાની ડાયરીના આ પહેલા ભાગમાં મહાદેવભાઈએ રોમાં રોલાંના રામકૃષ્ણના જીવનચરિત્રની પણ ભારે પ્રશંસા કરી છે.૩૩
આ જેલવાસ દરમિયાન મહાદેવભાઈએ પણ ગાંધીજીની સાથે સાથે વસ્ત્રવિદ્યાની ઉપાસના કરી હતી. રોજ તેઓ પાંચેક કલાક કાંતવા કે પીંજવામાં ગાળતા. ગાંધીજીએ ડાબે હાથે કાંતવાની કળા હસ્તગત કરવા પ્રયત્ન કરેલો, જ્યારે મહાદેવભાઈ ૮૦ આંકનું ઝીણું સૂતર કાંતતા. ગાંધીજીએ જમણા હાથના દરદને લીધે ડાબે હાથે કાંતવાની શરૂઆત કરેલી. પછી એનો અભ્યાસ એટલો વધાર્યો કે એ હાથ પણ દુખવા લાગ્યો. મહાદેવભાઈને જ્યારે ઝીણા કાંતણમાં ગતિ મેળવવા અતિ પરિશ્રમ કરવો પડ્યો ત્યારે તેમણે દાક્તરની સલાહ માની કામના કલાક ઘટાડ્યા હતા.
મહાદેવભાઈએ આ જેલમાં પણ ફ્રેંચ અને ઉર્દૂ શીખવાનું ચાલુ રાખ્યું જેની ગાંધીજીએ પોતાના અનેક પત્રમાં નોંધ લીધી છે. શબ્દોની સાચી જોડણીનો આગ્રહ અને એની વ્યુત્પત્તિ સમજવાની કોશિશમાં ગાંધીજી અને મહાદેવભાઈનો આગ્રહ એક એકથી ચડી જાય તેવો હતો. એક પ્રસંગ મહાદેવભાઈની ભાષામાં:
મીરાંબહેનનો કાગળ લખતાં લખતાં પૂછ્યું: ‘inexhaustibleની જોડણી શી? એમાં “h” છે કે નહીં? મેં “h” લખ્યો છે.’ મનેયે શંકા ગઈ. ડિક્શનરી જોઈ, અંદર “h” નીકળ્યો. પછી કહે: ‘એનો ધાતુ જુઓ એટલે સમજાશે.’ ધાતુ જ “h”થી શરૂ થતો હતો: haus to draw. પછી બાપુ કહે: ‘પણ એવા બીજા કેટલાક શબ્દો છે જેમાં ‘h’ નથી આવતો, એ કયા?’ મેં કહ્યું: ‘exonerate’.
બાપુ કહે: ‘ના, ના, એમાં તો “h” છે જ’ મેં કહ્યું: ‘નથી જ; એમાં મૂળ onus છે.’
બાપુ કહે: ‘ના ના, એમાં honour મૂળ હોવું જોઈએ.’ મેં કહ્યું: ‘આમાં આપણે શરત કરીએ એમ છીએ. અને હું જીતવાનો છું.’ ડિક્શનરી કાઢી અને હું જીત્યો. પછી બીજો શબ્દ inexorable નીકળ્યો. એટલે રાજી થઈ કહે: ‘એમ લૅટિન ધાતુઓ જાણવામાં બહુ અર્થ રહેલો છે.૩૪
મહાદેવભાઈએ આવતાંની સાથે રસોઈ બનાવવાની મુખ્ય જવાબદારી પોતાના હાથમાં લઈ લીધી હતી. એને અંગે ત્રણ લીટીની મહાદેવભાઈની ટૂંકી નોંધ:
‘આજે ખીચડી-શાક રાંધીને અહીં રસોડાનો પ્રયોગ શરૂ કર્યો. વલ્લભભાઈને તો બહુ સંતોષ થયો જ. નિર્લેપ રહીને એમની એટલી સેવા કરી શકાય તો બહુ સરસ વાત છે.’૩૫
મહાદેવભાઈની કલમ જે કોઈ વિષયને અડકે ત્યાં મનોરમ ચિત્રો ઊભાં કરી દે છે. એને જેલની દીવાલો નડતી નથી. બાપુના ઉપવાસની ચિંતા એની ગતિને રોકતી નથી. જુઓ એક નાનું સરખું દૃશ્ય:
અહીં બિલાડીનાં બચ્ચાં હવે અતિશય હળી ગયાં છે. પ્રાર્થના વખતે બાપુના ખોળામાં બેસે, અમારી સાથે ગમ્મત કરે, અને ખાવા ટાણે તો કીકાકીક કરી મૂકે. ઘણી વાર બાપુના પગ આગળ વીંટળાય. વલ્લભભાઈ એને ખીજવે, તારની જાળીની નીચે એને ગોંધી આનંદ મેળવે. આજે એક બચ્ચું બહુ ગભરાયું. આખરે એ જાળીને માથું મારતું મારતું ઓટલાના છેડા સુધી લઈ ગયું અને ત્યાંથી બહાર નીકળ્યું. આ એણે પોતાની બુદ્ધિ વાપરી. બિચારું ગભરાયેલું હતું, ધીમે ધીમે ચાલતું હતું. બાપુને દયા આવી ગઈ. પછી દૂર જઈને એણે શૌચ કરવાની તૈયારી કરી. જમીન ખોદી, શૌચ કરી એને ઢાંકી. ત્યાં માટી બહુ નહોતી એટલે બીજે ગયું, ત્યાં એ જ ક્રિયા સંતોષપૂર્વક કરી અને બીજાં બચ્ચાંએ એને ઢાંકવામાં મદદ કરી! બાપુ કહે: ‘આ બચ્ચાં ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવી જોઈએ.’૪૬
અથવા ફિજીથી પોતાના પતિ, તોતારામ સન્નાઢ્યની સાથે આશ્રમમાં આવીને રહેલાં ગંગાબહેનના મરણના સમાચાર સાંભળીને બાપુએ અને મહાદેવભાઈએ વ્યક્ત કરેલા ભાવોનું આ ટૂંકું ચિત્ર:
આજે ગંગાબહેનના મૃત્યુના ખબર આવ્યા. એમને ખબર પડી ગઈ હતી કે મૃત્યુ આવે છે એટલે સાવધ હતાં, અને રામનામનો જપ જપતાં વિદાય થયાં. બાપુએ મોટાં ગંગાબહેનને કાગળ લખ્યો તેમાં લખ્યું: ‘ગંગાબહેને જીવીને આશ્રમને શોભાવ્યું અને મરીને આશ્રમને શોભાવ્યું, એમ આપણે કહી શકીએ.’ આશ્રમમાં તાર કર્યો:
ગંગાબહેનના મરણના સમાચાર જાણી અમને બધાંને લાગણી થઈ આવી. અમર શ્રદ્ધા સાથે એમણે જીવી જાણ્યું અને મરી જાણ્યું, એનો મને આનંદ છે. તોતારામજી આનંદમાં છે તેમાં નવાઈ નથી.
ખબર આવી ત્યારે બાપુ કહે: ‘જુઓ આ નિરક્ષર બાઈ! કેવું એનું મૃત્યુ! બંનેએ આશ્રમને શોભાવ્યું. તોતારામજી ગિરમીટિયા, ત્યાં ફિજીના કોઈ ગિરમીટિયાની દીકરીને પરણેલ હશે, એટલે બંને ગિરમીટિયાં કહેવાય; પણ બંનેએ કેવું જીવન ગાળ્યું?’
‘ગંગાબહેન જેવું મૃત્યુ આપણને સૌને આવો. કશું ભાગ્યમાં ન હોય તોપણ અંતની ઘડીએ આશ્રમમાં હોઈએ અને ગંગાબહેનની જેમ રામનામ લેતાં પ્રાણ નીકળે તો કેવું સારું, એમ થાય છે. પણ અંતે મુખમાંથી રામનામ નીકળવાને માટે અને મરતી વખતે હરખાવાને માટે જિંદગી પણ તેવી હોવી જોઈએ ના?’૩૭
૧૯૩૨ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના કાળમાં દેશની આઝાદીની લડાઈએ ભરતી અને ઓટ બંને જોયાં. અંગ્રેજ સરકારે પહેલું આક્રમણ કરી દેશનેતાઓને ગિરફતાર કરી લીધા, પણ તેથી આંદોલન દબાઈ ગયું નહીં. ઠેરઠેર સ્વયંસેવકોનાં ઝુંડનાં ઝુંડ નીકળીને બ્રિટિશ જેલો ભરવા લાગ્યાં. જેલો ૧૯૩૦ પછી ફરી એક વાર સત્યાગ્રહી કેદીઓથી છલકાઈ ગઈ. કેટલીક નવી ‘કૅમ્પ જેલો’ તાત્કાલિક ઊભી કરવામાં આવી. જૂની જેલોમાંથી વર્ષોના રીઢા થઈ ગયેલા ગુનાઇત કેદીઓને છૂટા મૂકી રાજદ્વારી કેદીઓ સારુ જગા કરવામાં આવી. સરકારનું કામકાજ સામાન્ય કાયદાઓને જોરે નહીં, પણ વટહુકમોને જોરે ચાલવા લાગ્યું અને તેથી સરકારને સત્યાગ્રહીઓએ ‘ફતવા-રાજ’ એવું નામ આપ્યું. આ ઉપરાતં સરઘસો ઉપર લાઠીચાર્જ, પોલીસોના જુલમ વગેરે સામાન્ય ક્રમ થઈ પડ્યા.
થોડાક મહિનાઓ બાદ જેલ જનારાઓનો પ્રવાહ મંદ પડ્યો. નવા જેલ જનાર સત્યાગ્રહીઓ ઓછા નીકળતા. જૂનામાંથી ઘણા સજા પૂરી કરી નીકળ્યા પછી બીજી વાર જેલ જતાં ફેરવિચારણા કરવા લાગ્યા. મુંબઈ જેવાં શહેરોમાં ‘ભાડૂતી’ લોકોને સત્યાગ્રહ સારુ મોકલીને સત્યાગ્રહી ટુકડીઓ બનાવવામાં આવી.
વિનીત વિચારોના નેતાઓ હજીયે બ્રિટિશ સરકાર ભણી જ મીટ માંડીને બેઠા હતા. એમને મન એમ હતું કે બીજી ગોળમેજી પરિષદમાં જે કામ સમિતિઓને સોંપવામાં આવ્યું હતું તે પૂરું થશે ત્યારે દેશવાસીઓના હાથમાં વધુ ને વધુ સત્તા આવશે.
આંદોલનના મધ્યસ્થ મથકમાં બેઠેલી ત્રિપુટી રોજેરોજ દેશની આ પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરતી હતી. એ ત્રિપુટીના દરેક સભ્યના હૃદયમાં આગ હતી. તેથી તે દેશના સ્વાતંત્ર્ય સારું કાંઈક ને કાંઈક કરવા તૈયાર હતા. દરેકના મસ્તિષ્કમાં સત્યાગ્રહીની શાંતિ હતી તેથી તે વધુ ને વધુ તપસ્યાને જ આઝાદી સારુ યોગ્યતા પ્રાપ્ત કરવાનું માધ્યમ માનતો હતો.
ગાંધીજી પાસે જો પત્રોનો ઢગલો આવતો હતો, તો સરદાર રોજેરોજ છાપાંઓ કે સામયિકોને એકથી વધારે વાર જોઈ જઈ દરેક સમાચારના અર્થો ઘટાવતા રહેતા. ત્રિપુટીના ત્રીજા સભ્ય, મહાદેવ, આ બાબતમાં કશી પહેલ કરતા નહોતા એ સાચું. પણ દરેક બાબતમાં એની સલાહ બાકીના બે સભ્યોને મન કીમતી સલાહ હતી. એને પોતાને મન આ કાળ કર્મયોગ દ્વારા વધુ ને વધુ શુદ્ધ બનવાનો હતો. તેથી તે સતત પોતાની જાતને સામાન્ય માનતા, સામાન્ય પુરુષાર્થ કર્યે જતા. બાકીના બે મુરબ્બીઓની એ જે કાંઈ વ્યક્તિગત સેવા કરી શકતા એનાથી એ ખુશ રહેતા.
વિચારના વિષયોમાં દેશની પરિસ્થિતિ એ પહેલું સ્થાન લેતી. સરદારનું ચિંતન આ બાબતમાં ખૂબ વ્યાવહારિક, તીક્ષ્ણ સૂઝથી ભરેલું અને કેટલાક મૌલિક ઉકેલોવાળું હતું. અલબત્ત, એ ખેડૂત જેટલા હતા એટલા સિપાઈ પણ હતા. એટલે પોતાની વાત જણાવ્યા પછી છેવટે તો બાપુની આજ્ઞાને જ શિરોધાર્ય કરનારા. ગાંધીજી બંને સાથીઓની વાતને ધ્યાનથી સાંભળી એમાંથી ગ્રહણ કરવા જેવું લાગે તે ગ્રહણ કરનારા, પણ સત્યાગ્રહના સાધન અંગે નિત્ય ઊંડું ચિંતન કરી રોજ રોજ એને અંગે મૌલિક વિચારનારા, સામી બાજુનો વિચાર સમજવા સારુ સદા ખુલ્લું મન રાખનારા છતાં પોતાના સિદ્ધાંતો પ્રત્યે અવિચળ નિષ્ઠા રાખનારા અને આત્મવિશ્વાસથી ભરપૂર હતા. મહાદેવભાઈ આ સત્યાગ્રહ તત્ત્વને અંદર-બહારથી સમજનારા, સરદાર સાથે જીવનને માણનારા અને બાપુ સાથે જીવનને નાણનારા, હમેશાં બંનેની સેવા સારુ ખડે પગે રહેનારા, પણ છેવટે તમામ પ્રવૃત્તિઓને બાપુ સારુ સમર્પિત સમજનારા હતા. ત્રણ જણની આ ટીમના બાપુ નિર્વિવાદ રીતે કૅપ્ટન હતા. અને કૅપ્ટનની એ શ્રદ્ધા હતી કે આ તાવણી જો આમની આમ બે વરસ લગી ચાલશે તો આંદોલનનો બધો કચરો આપોઆપ સાફ થઈ જશે. એમની ઉત્કટતા તીવ્ર હતી. પણ એમની ધીરજ અપાર હતી.
ત્રણે જણના ચારિત્ર્યના એક એક મુખ્ય લક્ષણને આબાદ રીતે પ્રગટ કરતો એક નાનકડો પ્રસંગ મહાદેવભાઈના શબ્દોમાં:
‘આવતી કાલે સત્યાગ્રહ-સપ્તાહ શરૂ થાય છે. એટલે પીંજવાનું શરૂ કરવાનું છે. બાપુને પૂછતો હતો કે ‘પીંજણની તાંત કેવી છે? તમારાથી કેટલી વાર તૂટતી હતી?’ બાપુ કહે: ‘જતન કરતાં આવડે તો કાંઈયે ન તૂટે. શંકરલાલ મારી પાસેથી લે કે તૂટે. કાકા મારી પાસેથી લે કે તૂટે. પણ મારી તો દહાડાના દહાડા સુધી ચાલતી. એ તો જતનનું કામ છે. જુઓની આ લંગોટ પહેરું છું. તે જાળવી જાળવીને પહેર્યા કરું છું. બીજાની પાસે તે હોત તો ક્યારનોયે ફાટી જાત.’ વલ્લભભાઈ કહે: ‘એ તો પહેરતા જ ન હો અને ખીંટી ઉપર સંભાળી રાખી મૂક્યો હોય એવું લાગે છે.’ બાપુ કહે: ‘એમ જ છે.’ ‘જતન કરતાં આવડે તો’ એ શબ્દમાં બાપુનું આખું જીવન આવી જાય છે એમ કહી શકાય. ‘દાસ કબીર જતન કર ઓઢી, જ્યોંકી ત્યોં ધર દીની ચદરિયાં’ એ શબ્દ બાપુને જોઈને ઘણી વાર યાદ આવે છે. ત્રીસ-પાંત્રીસ વર્ષ થયાં શરીરની અને મનની શુદ્ધિનું જાગ્રત જતન એમણે જેવું કર્યું છે તેવું કોણે કર્યું હશે?૩૮
મુલાકાતો બાબતમાં સરકારે એટલી જ શરત રાખી હતી કે રાજકારણી લોક જોડે નહીં મળી શકાય, પણ સત્યાગ્રહીઓને મનાઈ નહોતી તેથી રાજકારણની વ્યાખ્યા શી કરવી તે તેમણે ગાંધીજી ઉપર જ છોડ્યું હોય એમ લાગતું હતું. ગાંધીજી પોતે એક વાર સરકારની શરત સમજીને એને માની લે પછી તે શરતનું પાલન ખૂબ ચીવટથી કરતા. પત્રવ્યવહાર બાબત પણ તેમ જ, કોઈ રાજનૈતિક વિષયના પ્રશ્નનો આડકતરો પણ ઉલ્લેખ આવે તો ગાંધીજી તેનો જવાબ લખતા નહીં. બલકે કોઈ પુસ્તક વિશે પણ અભિપ્રાય નહોતા લખતા. મુલાકાત દરમિયાન પણ જેને રાજનૈતિક વિષય ગણતા તેવા કોઈ પ્રશ્નને જાતે છેડતા નહીં કે મુલાકાતીને છેડવા દેતા નહીં.
જૂન માસમાં લોધિયન કમિટીનો રિપોર્ટ બહાર પડ્યો. અસ્પૃશ્યો વિશેની ભલામણનો સાર સાંભળીને ગાંધીજી કહે:
આ કમિટીએ આટલું તો ઠીક કામ કર્યું જ કહેવાય કે અસ્પૃશ્યતાની વ્યાખ્યા આપી અને અત્યાર સુધી સાત કરોડ તરીકે ગવાતા હતા તેની સંખ્યા સાડા ત્રણ કરોડ ઠરાવી… આ વ્યાખ્યા થવાથી હિંદુઓ ધારે તો ક્ષણવારમાં અસ્પૃશ્યોને અપનાવી શકે છે…૩૯
પણ બિરલાનું કરન્સી ઉપર લખાતું પુસ્તક વાંચતાં વાંચતાં ગાંધીજી કહે:
જેટલી મોટી ચોરી તે ચોરી નહીં, મોટી લૂંટ તે લૂંટ નહીં, મોટા પ્રમાણમાં ખૂન તે ધર્મયુદ્ધ. દેશનું હેમ લૂંટ્યું, ખેમ લૂંટ્યું, ધન ખેંચી જાય છે, તેટલાથી સંતોષ ન થયો એટલે હૂંડિયામણના ત્રાગડા રચ્યા. તેથી સંતોષ ન થયો એટલે રિઝર્વ લૂંટ્યા. દુનિયામાં એકે દેશ આવી રીતે લૂંટાયો અને હણાયો નહીં હોય. મહમદ ગઝની એક વાર લૂંટીને ચાલ્યો ગયો. મોગલે લૂંટ્યું હશે તે પણ દેશમાં રહ્યું. પણ આ લૂંટ!!૪૦
લૉર્ડ અર્વિનનું ભાષણ છાપામાં જોઈ વલ્લભભાઈ કહે: ‘જુઓ તમારા મિત્ર!’ ગાંધીજી કહે: ‘જરૂર હું એને મિત્ર માનું છું. તેનું આખું ભાષણ જોયા વિના હું અભિપ્રાય ન આપું.’૪૧ પણ લૉર્ડ સેંકીનો આખો લેખ જોઈ ગાંધીજી દુ:ખી થયા. તેઓ કહે કે એને કાગળ લખવો જોઈએ. વલ્લભભાઈ કહે, ‘એને લખોની કે તે હાડોહાડ જુઠ્ઠો છે.’ ગાંધીજી ખડખડાટ હસ્યા. ગાંધીજી કહે: ‘એના કરતાં વધારે સખત મેં કહ્યું છે કે એનું વર્તન સજ્જનને છાજે તેવું નથી. એથી આગળ વધીને કહું છું કે તું દ્રોહી છે… અંગ્રેજને આ વસ્તુ ભારે આકરી લાગે એવી છે.’૪૧
આ અરસામાં મુંબઈમાં કોમી રમખાણો થયાં હતાં. એવું લાગતું હતું કે આ રમખાણોને અટકાવવામાં સરકારને કાંઈ રસ જ નહોતો. બલકે શાંતિની માગણી કરનારાઓને સરકાર કહેતી હતી કે કૉંગ્રેસને કહોને! આ હુલ્લડો પાછળ સરકારની ઉશ્કેરણી અને કદાચ દોરવણી પણ કામ કરતી હશે એવી આશંકા ગાંધીજી અને વલ્લભભાઈને હતી તેથી ગાંધીજીએ આ બાબતમાં પોતાનું મન કઠણ બનાવી દીધું હતું. એક પત્રમાં ગાંધીજી એને વિશે લખે છે:
‘આ વખતે મારું હૃદય એવું પથ્થરવત્ થઈ ગયું છે કે મુંબઈની ઘટનાઓની અસર અદૃશ્યરૂપે જે થઈ હોય એ ભલે, હું પોતે તે જાણતો નથી. ઘડીભર નિસાસા નાખીને શાંત થઈ ગયો લાગું છું.’૪૨
દેશની પરિસ્થિતિ અંગે જ્યારે ચર્ચા ચાલતી ત્યારે ગાંધીજી સામાન્યપણે વિરોધીઓની પ્રામાણિકતા વિશે શંકા કરતા નહીં, જ્યારે વલ્લભભાઈને તે વિશે ભારોભાર શંકા રહેતી. ગાંધીજી ગોળમેજી વખતે ઇંગ્લંડમાં જે લોકોને મળ્યા તેનાથી એમને ખાતરી થઈ ગઈ હતી કે અંગ્રેજોમાંથી ઘણા તટસ્થ લોકો પણ પ્રામાણિકપણે એમ માને છે કે હિંદીઓ પોતાનું રાજ સંભાળવાને લાયક નથી. પરંતુ ગાંધીજી એમ પણ માનતા હતા કે અંગ્રેજો નબળા પડ્યા વિના કોઈ વાત માને એમ નથી.
જેલમાં વાતાવરણને સાત્ત્વિક રાખવામાં મુખ્ય ફાળો ગાંધીજીનો. કોઈક વાર એ પત્રોના જવાબ લખાવતા હોય ત્યારે કાગળ કાપી તેમાંથી પરબીડિયાં બનાવતાં બનાવતાં સરદાર અટકી જતા અને બહારથી બહુ ન દેખાડવા છતાં એમની આંખોમાં પ્રશંસા છાઈ જતી. એ પત્રોમાં જેટલું લાઘવ હતું તેટલું જ ગાંભીર્ય પણ હતું.
એવા બે પત્રોના નાના, પણ સચોટ દાખલા નીચે આપ્યા છે: ૧૬મી મે, ૧૯૩૨નો એક પત્ર:
‘જે કંઈ માગો તે કેવળ યજ્ઞભાવનાથી માગો.
૧. ગુરુ તે છે કે જે પોતાના આચારથી આપણને સદાચારી બનાવે.
૨. સાચું વ્યક્તિત્વ આપણી જાતને શૂન્યવત્ બનાવવામાં રહેલું છે.
૩. જીવનનું રહસ્ય નિષ્કામ સેવા છે.
૪. સૌથી મોટો આદર્શ એ છે કે આપણે વીતરાગ બનીએ.
૫. આંતરબાહ્ય નિયમોનો નિશ્ચય ઘણું કરીને ઋષિમુનિઓએ પોતાના અનુભવ પરથી કર્યો છે. ઋષિ તે છે કે જેણે આત્માનુભવ કર્યો છે.
૬. કામ્ય કર્મોના ત્યાગને ગીતા સંન્યાસ કહે છે.
૭. જે પોતાના દેહનો માલિક બને છે તે જ પુરુષ છે.
૮. સૌંદર્ય આંતરિક વસ્તુ હોવાથી એનું પ્રત્યક્ષ દર્શન થઈ શકતું નથી.’૪૩
અને ૨૯ જૂન, ૧૯૩૨નો આ બીજો પત્ર:
‘પ્ર. બંધાયેલો કોણ?
ઉ. જે ‘હું’ને માને છે.
પ્ર. મુક્તિ એટલે શું?
ઉ. રાગદ્વેષાદિથી છૂટવું તે.
પ્ર. નરક એ શું છે?
ઉ. અસત્ય.
પ્ર. મુક્તિ મેળવનાર કઈ વસ્તુ છે?
ઉ. અહિંસા.
પ્ર. મુક્ત દશા કઈ?
ઉ. રાગદ્વેષાદિનો સર્વદા અભાવ.
પ્ર. નરકનું પ્રધાન દ્વાર?
ઉ. અસત્ય આચાર.’૪૪
ગાંધીજીએ એક ખાસ પ્રસંગે પતિના અત્યાચારથી બચવા સારુ પુરુષનું વંધ્યીકરણ કરાવવું અથવા સ્ત્રીને ગર્ભનિરોધના ઉપાયો શીખવવા એ હિતકર છે, એમ આશ્રમના વ્યવસ્થાપક શ્રી નારણદાસ ગાંધીને સૂચવ્યું હતું એવી નોંધ મહાદેવભાઈએ કરી છે.૪૫
-
આઝાદીની લડાઈના મધ્યસ્થ કાર્યાલયનું વાતાવરણ હરહમેશ ભર્યુંભાદર્યું અને હાસ્યના ફુવારાથી છલકાતું રાખવાનું કામ ત્રિપુટીના ત્રીજા સભ્ય સરદાર વલ્લભભાઈનું હતું. ‘૩૦ની સાબરમતીની જેલમાં તેમણે સિગારેટ છોડી દીધી હતી. ‘૩૨માં ગાંધીજી સાથે હતા ત્યારે તેમણે ચા છોડી દીધી અને પોતે પણ ગાંધીજી જે લે તે જ ખોરાક લેવા માંડ્યો હતો. ગાંધીજીની ઝીણી ઝીણી સેવાનાં કામો તેમણે ખૂબ ખંતથી ઉપાડી લીધાં હતાં. ૧૦મી માર્ચને રોજ મહાદેવભાઈ એમની જોડે યરવડા મંદિરમાં જોડાયા ત્યાર પછી એમણે ગાંધીજી અને સરદાર બંનેની વ્યક્તિગત સેવાનાં કાંઈક કાંઈક કામ ઉપાડી લીધાં હતાં. તે પહેલાં સરદાર પણ ગાંધીજીની થોડીઘણી વ્યક્તિગત સેવાચાકરી કરતા હતા. છાપાંઓ વાંચી રાજનૈતિક પરિસ્થિતિનું પૃથક્કરણ કરવાનું એમનું મુખ્ય કામ હતું. દિવસ દરમિયાન કલાકોના કલાકો સુધી તેઓ ઓરડામાં કે બહાર ચોગાનમાં આંટા મારતા. આ વ્યાયામ એમને સારુ નિત્ય શારીરિક કસરત તેમ જ માનસિક ચિંતન પૂરું પાડતો.
સરદારના વિનોદ અને અટ્ટહાસે ગાંધીજી અને મહાદેવના જેલ-જીવનમાં ત્યાં મળતાં માખણ-રોટી કરતાં ઓછું પોષણ નહીં આપ્યું હોય.
ગાંધીજીને ભોજનની દરેક વાનગીમાં સોડા નાખવાની ટેવ હતી. તેથી ચર્ચામાં કોઈ પ્રશ્નનો નિવેડો ન આવતાં જુએ તો વલ્લભભાઈ બોલી ઊઠતા: ‘એમાં સોડા નાખોને!’ ગાંધીજીને દાતણનો કૂચો લઈને લાંબા વખત સુધી દાતણ કરતા જોઈને સરદાર કહે, ‘હવે થોડાક દાંત તો બચ્યા છે, એમાં આટલું શું ઘસ ઘસ કરતા હશે?’ વલ્લભભાઈ મહાદેવભાઈ પાસે સંસ્કૃત શીખતા હતા. તેમાં એમને રસ પડવા લાગ્યો હતો. તેથી તેઓ અવારનવાર સાધારણ વાતચીતમાં સંસ્કૃત વાક્યાંશોનો ઉપયોગ કરતા. એક વાર મહાદેવભાઈથી કાંઈ ચૂક થઈ. વલ્લભભાઈ તરત કહે, नैतत् त्वपिउपपद्यते । અને થૅંક્સ સારુ વારંવાર કહે: कृतार्थोडहम् । ગાંધીજી એક વાર નવી આવેલી ચોપડીની વિષયસૂચિ જોવામાં ગરકાવ થઈ ગયા. તેવામાં એક શબ્દ જોઈ ગાંધીજી કહે, ‘બ્રિટિશ બાઇબલ’ એ વળી શું હશે? વલ્લભભાઈ કહે, ‘પાઉન્ડ, શિલિંગ અને પેન્સ’, પુસ્તકમાં ખરેખર એમ જ લખેલું મળ્યું.૪૫એ એક છાપામાં ગાંધીઝ કન્સ્ટ્રક્ટિવ વેક્યુઈટીઝ (ગાંધીની રચનાત્મક ગફલતો ) એમ લખેલું હતું. મહાદેવભાઈ ગાંધીજીને પૂછે, ‘રચનાત્મક ગફલતો’એ વળી કેવી હશે? વલ્લભભાઈએ કહ્યું, ‘આજે તારી દાળ બળી ગઈ હતીને, તેવું!’૪૫એ
ગાંધીજી પોતાના પત્રોમાં પણ વલ્લભભાઈએ સંસ્કૃતમાં કરેલી પ્રગતિનાં વખાણ કરે છે. એક વાર મહાદેવભાઈને ગાંધીજીએ પૂછ્યું, વલ્લભભાઈના ઉચ્ચારો સુધરે છે કે? મહાદેવભાઈએ કહ્યું:
જરૂર. એમને હવે ખબર પડી જાય છે કે આ ઉચ્ચાર ખોટો છે. સાચી વાત તો એ છે કે એમને આ અભ્યાસમાં ખૂબ રસ પડવા લાગ્યો છે. આજ સુધી આ વસ્તુ જાણી નહોતી, હવે આ નવી જ વસ્તુ હાથ લાધી. स्वर्गद्वारमपावृतम् જેવી લાગણી થયેલી છે. એટલે વિદ્યુતવેગે પ્રગતિ કરતા જાય છે.
એ સાંભળી ગાંધીજી કહે: ‘એ જ અભ્યાસની કૂંચી છે.’૪૬ કોઈ વાર ગાંધીજી વલ્લભભાઈની પ્રગતિને અરબી ઘોડાના વેગ સાથે સરખાવે, કોઈ વાર ઇન્દ્રના ઘોડા ઉચ્ચૈ:શ્રવાના વેગ સાથે. ડાબે હાથે સૂતર કાંતવાનું શરૂ કર્યું ત્યારે ગાંધીજીને લાંબા ગાળા સુધી સફળતા સાંપડેલી નહીં. એ જોઈ સરદાર તેમને પ્રયોગ પડતો મૂકવાનું કહેતા. ગાંધીજી કોઈક વાર કહેતા કે કાલે તમે મારી ભણી જોશો નહીં તો જરૂર કંતાશે. એક વાર કહ્યું કે જોજે, કાલે રેંટિયો, જરૂર ચાલવાનો છે. શ્રદ્ધા મોટી ચીજ છે. વલ્લભભાઈ પૂછે, ‘આમાં પણ શ્રદ્ધા?’ ગાંધીજી કહે, હા, હા. શ્રદ્ધા તો ખરી જ. ૧૧–૫–’૩૨ની મહાદેવભાઈની ડાયરી નીચેનો પ્રસંગ નોંધે છે:
બાપુ આજે રેંટિયા ઉપર વધુ સફળ થયા. ત્રણ કલાક કાંતીને ૧૩૧ તાર કાઢ્યા. વલ્લભભાઈને કહે, ‘જુઓ આજે કેવું પરિણામ આવ્યું છે?’ વલ્લભભાઈ કહે, ‘હા, નીચે ઠીક પડ્યું છે.’ બાપુ કહે, ‘પણ એ સૂતરફેણી પણ બંધ થશે પછી તો કહેશોને કે હવે થયું?૪૭
અને ૨૫–૫–૧૯૩૨ની ડાયરીનો એક અંશ:
વલ્લભભાઈને પાકીટો બનાવતા, અનેક વસ્તુઓ સંઘરતા અને બીજા અનેક કિસ્સાઓ કરતા જોઈને [બાપુ] કહે છે: ‘સ્વરાજમાં તમને શેનું દફતર આપશું?’ વલ્લભભાઈ કહે: ‘સ્વરાજમાં હું શું લઈશ ચીપિયો અને તૂમડી!’ બાપુ કહે: ‘દાસ અને મોતીલાલજી પોતાના હોદ્દા ગણતા અને મહમદઅલીએ અને શૌકતઅલીએ પોતાને કેળવણી મંત્રી અને સરસેનાપતિ તરીકે ગણાવ્યા હતા. લાજમાં રહ્યા લાજમાં કે સ્વરાજ ન આવ્યું અને કશું ન થયા.’૪૮
નોંધ:
૧. महादेवभाईनी डायरी – ૧ : પૃ. ૬.
૨. એજન, પૃ. ૨૮૫.
૩. એજન, પૃ. ૬.
૪. એજન, પૃ. ૧૫.
૫. એજન, પૃ. ૧૬.
૬. એજન, પૃ. ૧૬.
૭. એજન, પૃ. ૨૦–૨૧.
૮. એજન, પૃ. ૧૧૬.
૯. એજન, પૃ. ૩૫૬–૩૫૭.
૧૦. એજન, પૃ. ૩૫૯.
૧૧. એજન, પૃ. ૨૭.
૧૨. એજન, પૃ. ૨૯.
૧૩. એજન, પૃ. ૧૨૯.
૧૪. એજન, પૃ. ૨૩૪–૨૩૫માંથી સારવીને.
૧૫. એજન, પૃ. ૧૨૫–૧૨૬.
૧૬. એજન, પૃ. ૨૩૧.
૧૭. એજન, પૃ. ૩૫૫–૩૫૬માંથી સારવીને.
૧૮. એજન, પૃ. ૨૪૨–૨૪૩.
૧૯. એજન, પૃ. ૩૫૧.
૨૦. गांधीजीनो अक्षरदेह – ૪૯ : પૃ. ૨૬૫.
૨૧. महादेवभाईनी डायरी – ૧ : પૃ. ૨૩૩.
૨૨. गांधीजीनो अक्षरदेह – ૪૯ : પૃ. ૧૯૫.
૨૩. આ પ્રશ્ન લેખકે અત્યારે સ્મરણ પરથી નોંધ્યો છે.
૨૪. महादेवभाईनी डायरी – ૨ : પૃ. ૫૪.
૨૫. મૂળ બંગાળી પરથી. અનુવાદ: મહાદેવ દેસાઈ.
૨૬. महादेवभाईनी डायरी – ૧ : પૃ. ૭.
૨૭. એજન, પૃ. ૭.
૨૮. એજન, પૃ. ૮.
૨૯. કાકાસાહેબ કાલેલકર.
૩૦. महादेवभाईनी डायरी – ૧ : પૃ. ૧૭.
૩૧. એજન, પૃ. ૨૬.
૩૨. એજન, પૃ. ૧૧૫.
૩૩. એજન, પૃ. ૧૯૪.
૩૪. એજન, પૃ. ૮૯.
૩૫. એજન, પૃ. ૩૨.
૩૬. એજન, પૃ. ૧૩૯.
૩૭. એજન, પૃ. ૧૩૭–૧૩૮.
૩૮. એજન, પૃ. ૭૫.
૩૯. એજન, પૃ. ૧૯૯.
૪૦. એજન, પૃ. ૨૧૮.
૪૧. એજન, પૃ. ૧૩૧.
૪૨. गांधीजीनो अक्षरदेह – ૫૦ : પૃ. ૪૩.
૪૩. गांधीजीनो अक्षरदेह – ૪૯ : પૃ. ૪૧૧.
૪૪. गांधीजीनो अक्षरदेह – ૫૦ : પૃ. ૧૦૬.
૪૫. महादेवभाईनी डायरी – ૧ : પૃ. ૨૪.
૪૫એ. એજન, પૃ. ૩૩.
૪૬. એજન, પૃ. ૩૬૦.
૪૭. એજન, પૃ. ૧૫૦.
૪૮. એજન, પૃ. ૧૭૮.
Feedback/Errata