એકત્રીસ – અણખૂટ વિશ્વાસે વિલાયતમાં

ગાંધીજીના જીવનમાં કેટલાક એવા પ્રસંગો છે જે બાહ્ય દૃષ્ટિએ જોતાં વધુમાં વધુ નિષ્ફળતાના પ્રસંગો ગણાય, અને છતાં તે એમના વ્યક્તિત્વને, અને અમુક અંશે જોતાં આખા દેશના ઇતિહાસને ઊંચામાં ઊચાં શિખરો પર ચડાવનાર પ્રસંગો હતા. બીજી ગોળમેજી પરિષદ અંગે સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૧૯૩૧ સુધી તેમણે લીધેલી ઇંગ્લંડની મુલાકાત એ પ્રકારનો બાહ્ય નિષ્ફળતાનો પરંતુ આંતરિક ઊર્ધ્વગમનનો ભવ્ય અવસર હતો. આ નિમિત્તે ગાંધીજીના અંતરમનને બહારની પ્રવૃત્તિઓ સાથે સાંકળીને દુનિયા આગળ વિશદ રીતે અભિવ્યક્ત કરવાનું કઠણ કામ કરવામાં મહાદેવભાઈની ગાંધીજી પ્રત્યેની વફાદારી અને દેશભક્તિ, તેમની અસાધારણ કર્મણ્યતા અને બુદ્ધિમત્તા, તેમના પોતાના હૃદયહરણ સ્વભાવ અને સુધાઝરતી વાણી એ સર્વ એકત્રિત થયાં ન હોત તો કદાચ ઇતિહાસના આ નાજુક તબક્કે ‘દુષ્ટો દગલબાજો થકી’ જેમનું પનારું પડ્યું હતું તેમની સામે ‘અણખૂટ વિશ્વાસે ભર્યા જીવન’થી આગળ વધનાર ગાંધીજીનું ચરિત્ર આટલું પ્રાંજળપણે સ્પષ્ટ થયું ન હોત. નિરંતર નોંધ લેનાર સચિવ, એ નોંધોને આધારે દુનિયાને નાનીમોટી તમામ ઘટનાઓ સાથે અઠવાડિયે અઠવાડિયે વાકેફ રાખનાર પત્રકાર, જેને પોતે કદી જોયાજાણ્યા નહોતા તેવા દેશના નાનાવિધ સ્વભાવના લોકો જોડે સૌની જરૂરિયાત, ગાંધીજીની શક્તિ અને દેશનાં હિતોનો વિચાર નજર આગળ રાખી મુલાકાતો ગોઠવનાર, કે જાતે મુલાકાત લેનાર વિષ્ટિકાર, ઇંગ્લંડના જુદા જુદા રાજનૈતિક પક્ષોના સંસદસદસ્યોથી માંડીને રાજ્યકારભાર સંભાળનાર મંત્રીઓ જોડે ખુદ વાટાઘાટો કરનાર મુત્સદ્દીરૂપે મહાદેવભાઈ આ દિવસોમાં પ્રગટ્યા. ગાંધીજી સાથે લંડનના ઈસ્ટ એન્ડના ગરીબ મહોલ્લાથી માંડીને શહેનશાહના મહેલ સુધી ફરનાર અને ઈટનના ‘વડા પ્રધાનો પેદા કરનાર’ વિદ્યાલયથી માંડીને ઑક્સફર્ડના વિશ્વવિદ્યાલય સુધી પહોંચી જનાર ગાંધીજી સાથે એમને પોતાના પેટ પર પાટુ મારનાર વિલાયતી કાપડ-બહિષ્કાર આંદોલનના નેતા માનનારા મિલમજૂરોથી માંડીને ગાંધીજીના જીવનને ‘ઈશુખ્રિસ્તના ચરિત્રને વધુમાં વધુ નજીક બેસી શકે એવી હસ્તી’ માનનાર ડીન ઑફ કેન્ટરબરીના નિવાસ સુધી, છાયાની માફક નિરંતર ફરનાર મહાદેવભાઈનું વ્યક્તિત્વ પણ આ ચાર માસ દરમિયાન સોળે કળાએ ખીલ્યું હતું.

મહાદેવભાઈએ એમના સ્વધર્મને અનુસરીને, આ પૂર્ણકળાએ વિકસેલું વ્યક્તિત્વ પણ ગાંધીજીના વિભૂતિમત્વમાં સમર્પિત કર્યું હતું. તેથી આપણે સારુ આ ગાળાની મહાદેવકથા ગાંધીકથામાં એકરૂપ થયેલી જણાશે. માત્ર આપણે તેને મહાદેવભાઈની માફક ગાંધીજીની પ્રવૃત્તિઓના વૃત્તાંતરૂપે નહીં, પણ મહાદેવભાઈની થોડીક લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખી જોઈશું. અલબત્ત, શક્ય તેટલા સંક્ષેપમાં.

ગોળમેજી પરિષદમાં ભારતની જનતાના સાચા પ્રતિનિધિ તરીકે જનાર તો ગાંધીજી એકલા જ હતા. બીજા બધા તો અંગ્રેજ સરકારે પોતાને અનુકૂળ લોકોને શોધી શોધીને ભારતના અનેક વાસ્તવિક કે કાલ્પનિક વર્ગોનું પ્રતિનિધિત્વ કરવા તેડી આણેલા શેતરંજના પ્યાદા જેવા હતા. હિંદી મહાસભાએ ઘણી ઘણી વિચારણા પછી ગાંધીજીને પોતાના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ઇંગ્લંડ પાઠવ્યા હતા. દેશની કોટિ કોટિ જનતાની મીટ તો આખો વખત ગાંધીજી ભણી જ મંડાયેલી હતી. તેથી મહાદેવભાઈએ અઠવાડિયે અઠવાડિયે नवजीवन અને यंग इन्डिया પત્રો દ્વારા પ્રવાસવર્ણનો મોકલી લોકોને ગાંધીજીની ગતિવિધિઓથી વાકેફ રાખવાનો ક્રમ જારી રાખ્યો હતો. नवजीवन કે यंग इन्डियाના આ લેખો માત્ર તે તે પત્રો પૂરતા મર્યાદિત નહોતા રહેતા. અઠવાડિયે અઠવાડિયે તેમાંથી સામાન્ય જનતાને સારુ રુચિકર થઈ પડે એવા ભાગો ઝડપી લેવા હિંદનાં અનેક દૈનિક છાપાંઓ તત્પર હતાં. આમ મહાદેવભાઈના સાપ્તાહિક પત્રો ગાંધીજીની સાથે દેશના આતુર લોકોને પણ યાત્રા કરાવતા. આ પત્રો અને લેખો દ્વારા મહાદેવભાઈ ગાંધીજીના અંતરમનની પણ ઝાંખી કરાવતા.

આપણે પહેલાં પ્રવાસવર્ણનો લઈએ. ‘એસ. એસ. રાજપૂતાના’ સ્ટીમર પર રવાના થતાં, લગભગ અડધો માઈલ દૂર સુધીનાં મકાનો ઉપર ચડીને વિદાય આપતા ભાવભીના ભારતવાસીઓને રામ રામ કરીને સ્ટીમર ભણી મોં કરતાંની સાથે ગાંધીજીએ સ્ટીમરને જ આશ્રમનું રૂપ કેવી રીતે આપી દીધું તેનું વર્ણન ભારતના લોકોને એના પછીના અઠવાડિયામાં જ नवजीवन મારફત જાણવા મળ્યું. સ્ટીમરમાં ગાંધીજીએ પોતાને સારુ સૌથી અગવડભરેલો ખૂણો પસંદ કર્યો. પણ એમાં જગા સારુ કોઈની હરીફાઈ થાય નહીં, પ્રથમ વર્ગના મુસાફરોને મળતી કોઈ ખાસ સગવડ લેવાની ન રહે, અને ત્યાં ઊભા રહેવું પણ સ્ટીમરના વધારે પડતા હાલવાને કારણે મુશ્કેલ થઈ પડતું હતું તેથી, મુલાકાતીઓનો મારો ન રહે અને ગાંધીજીને કામ સારુ પૂરતું એકાંત મળી રહે, એવા અનેક લાભો હતા! પોતાને માટે અને સાથીઓ સારુ આવેલા સામાનને જોઈને ગાંધીજીએ સાથીઓનો ઊધડો લીધો. એનું વર્ણન મહાદેવભાઈએ પોતાની કમજોરી પર ફિટકાર વરસાવતાં અને દરિદ્રનારાયણના પ્રતિનિધિ ગાંધી પ્રત્યે આદર અને અહોભાવ દર્શાવતાં નિખાલસતાથી કર્યું છે. મહાદેવભાઈ સારુ એ પ્રથમ પશ્ચિમ યાત્રા હતી, ઇંગ્લંડની ઠંડીની વાતો સાંભળેલી, પણ અનુભવ નહોતો કર્યો. તેથી દુર્ગાબહેન અને બીજી મિત્રમંડળીએ આગ્રહ કરી કરીને મહાદેવભાઈ સારુ સામાન બંધાવ્યો હતો. ડૉ. અન્સારી પાસેથી ઉછીનો લીધેલ એક લાંબા કોટ સિવાયનો બીજો બધો સામાન એડનના બંદરથી પાછો આવે છે.

એડન બંદર પહોંચતાંની સાથે મહાદેવભાઈ તે શહેર મુંબઈથી લગભગ નાકની લીટીએ પશ્ચિમમાં ૧,૬૬૦ માઈલ દૂર છે, તે જ્વાળામુખીના લાવા પર ઊભું થયેલું નગર છે, અરે, શહેરના વચલા એક ભાગને ત્યારે ‘ક્રેટર’ (જ્વાળામુખીનું મુખ) કહે છે, વગેરે ભૌગોલિક વર્ણન આપવાનું ચૂકતા નથી. સ્ટીમર પર હતા એટલે, સહેજે એમને આ બધી નોંધ કરવાની નવરાશ મળી હશે એમ આપણે કલ્પી શકીએ. વળી ગાંધીજી સાથે રહેવું એટલે ‘જ્વાળામુખીના મુખ પર વસવાટ કરવો’ એવી તુલના કરનાર મહાદેવભાઈને સામાનના ઢગલા અંગે ગાંધીજીના જ્વાળામુખીના નાના સરખા સ્ફોટનો તાજો જ અનુભવ થયો હતો, એ પણ કારણ હશે. પણ ભૂગોળ એકલી શીખવીને મહાદેવભાઈને સંતોપ શે થાય? એટલે તરત તેઓ એ વાતની પણ નોંધ લે છે કે ૧૮૩૯ સુધી તો આ સ્થાનમાં માછીમારોનાં નાનાં ગામડાં જ હતાં, જેની વસ્તી માત્ર ૬૦૦ જેટલી હતી. બ્રિટિશ ઇતિહાસકારો આ ભાગના ઇતિહાસને કેવી રીતે રજૂ કરે છે તે વર્ણવીને મહાદેવભાઈ એમ પણ સૂચવે છે કે જો આ શહેરના સાચા ઇતિહાસ અંગે સંશોધન થાય તો જરૂર સામ્રાજ્યવાદી ઇતિહાસનો એક પડદો એનાથી ખૂલી શકે. મહાદેવભાઈએ પોતાના પ્રવાસના વર્ણન દ્વારા ભારતની જનતાને ગાંધીજીની યાત્રામાં સહભાગી બનાવી, એમના અંતરમાં અવારનવાર ડોકિયાં કરાવ્યાં અને આખા પ્રવાસવર્ણનને વ્યાપક લોકશિક્ષણનું એક માધ્યમ બનાવ્યું.

મુંબઈથી એડન સુધીની સફર વિશે ગાંધીજીએ એક પત્રમાં જવાહરલાલજીને લખ્યું:

‘… દરિયો વધુમાં વધુ લાગ્યો હોય તો તે મીરાંબહેનને. પ્યારેલાલ અને દેવદાસે પણ ઠીક ઠીક ભોગવ્યું. મહાદેવને બિલકુલ ન લાગ્યો, અને તેમણે સૌથી વધુ કામ કર્યું.’

મહાદેવભાઈએ જોકે સ્ટીમરના મુસાફરોમાં ગાંધીજીને સૌથી ચડિયાતા ગણ્યા હતા!

મહાદેવભાઈનાં પ્રવાસવર્ણનોમાં ગાંધીજીને મળનાર અનેક નાનામોટા લોકોની માર્મિક ઓળખાણ પણ આવી જ જાય. ઇજિપ્તની તે કાળની મુખ્ય વિરોધી પાર્ટી વકફ પાર્ટીના પ્રમુખ નહાસ પાશા અને આઝાદીની લડાઈ સારુ પ્રાણ પાથરનાર નેતાનાં પત્ની શ્રીમતી ઝગલૌલ પાશાના સંદેશાઓની મહાદેવભાઈ ખાસ નોંધ લે છે. સ્ટીમરયાત્રા દરમિયાન જ વાયરલેસ દ્વારા અનેક સંદેશાઓ ગાંધીજી પર પહોંચતા. તેમાં મહાદેવભાઈ બેરબેરાના ભારતીયોના સંદેશાનો ખાસ ઉલ્લેખ કરે છે, અને કહે છે કે, ‘પહેલાં તો અમે ધાર્યું હતું કે બેરબેરા અમારી માફક કોઈ વહાણનું નામ હશે, પણ પછી મેં શોધી કાઢ્યું કે એ તો એડનના અખાતની દક્ષિણે આવેલ ૧૮૮૪થી બ્રિટિશરોના હાથમાં પડેલ સોમાલી — લૅન્ડના એક મુખ્ય શહેરનું નામ હતું. એમ જણાય છે કે મહાદેવભાઈ આ પ્રવાસ દરમિયાન સ્ટીમરની લાઇબ્રેરી, ખાસ કરીને એના એટલાસનો ઉપયોગ કરવાનું ચૂક્યા નથી!

અખાતમાંથી પસાર થતાં મહાદેવભાઈ બેય કાંઠાના લોકોના ઇતિહાસને યાદ કરી લે છે અને જે નજરે જોઈ શકાય એટલી ભૂગોળ પણ વાચકો આગળ ધરી દે છે. પણ બધાં વર્ણનોને અંતે મુલાકાતીઓએ દેખાડેલી ગાંધીજી પ્રત્યેની ભક્તિ અને એમનામાં ઊભરાતી આઝાદી માટેની તમન્નાની વાત એ જ મહાદેવભાઈના કાવ્યમય વર્ણનમાં ધ્રુવપદ સમી છે. અને સ્ટીમરમાં કોઈક સવારે કે સાંજે પ્રાર્થના પછી ગાંધીજીએ પ્રવચન કર્યું હોય તો તે ટપકાવવાનું તો મહાદેવભાઈ ચૂકે જ શાના? પણ આ ભક્તિમય નોંધ કરતી વખતેય મહાદેવભાઈની કલમ એ પ્રશ્ન કરવાનું ચૂકતી નથી કે, ‘મૃત્યુ વચ્ચે જીવન ટકે છે’ એવું સૂત્ર-વાક્ય ગાંધીજીએ ઉચ્ચાર્યું ત્યારે તેમને અગાઉ ઉપર વપરાઈ ચૂકેલા એ સૂત્રનો ખ્યાલ પણ હશે ખરો કે જેમાં કહેવામાં આવ્યું છે કે: ‘જિંદગીની વચ્ચોવચ આપણે મોતના મોંમાં છીએ?’ આગબોટમાંથી દીઠેલ સ્ટ્રોમ્બોલી બેટનો જ્વાળામુખી મહાદેવભાઈના આ પ્રશ્નનો નિમિત્ત બને છે. પણ વળી પાછા ગાંધીપ્રેરિત આશાવાદના સૂર પર આવી તેઓ કહે છે: ‘આ જ્વાળામુખી ગમે ત્યારે ફાટી નીકળે તો આપણે મરી જ પરવારીએ એ વાતનું ભાન હોવા છતાં જ્વાળામુખીની તળેટી પર અનેક નાનાં ગામડાં વસ્યાં છે. લાવાથી ફળદ્રુપ બનેલી જમીન પર મબલક પાક ઊગે છે. તે જ રીતે લાખો નિરાશાઓ વચ્ચે પણ અમર આશા છુપાયેલી છે.’

આમ આખી સફરનું સજીવ બયાન આપતાં મહાદેવભાઈ આપણને એમની સાથે ફ્રાન્સ દેશને કાંઠે માર્સેલ્સ બંદરે પહોંચાડી દે છે જ્યાં છાપાંવાળા અને કૅમેરાવાળાઓ ગાંધીજીને વીંટળાઈ વળે છે. મહાદેવભાઈ કહે છે કે દુનિયાના કોઈ પણ ખૂણે કેટલીક વાતો તો આપણા દેશની માફક ચિરપરિચિત જ લાગે છે. એમાં એક છે સી. આઈ. ડી. અને પોલીસ, બીજાં ઔદ્યોગિક નગરો અને ત્રીજા પત્રકારો. ઇંગ્લંડથી આવેલા રૂઢિચુસ્ત છાપાંઓના પ્રતિનિધિઓ તો ગાંધીજીની ટીખળ કરવામાં અને તેઓ કાંઈ પણ કહે તો એને મારીમચડીને વિકૃત કરવામાં જ માનતા હતા, તેના અનેક દાખલાઓ મહાદેવભાઈના ધ્યાનબહાર જતા નથી. સાબરમતીમાં ગાંધીજીના આશ્રમમાં રહી ગયેલા અને માંદગી વખતે આશ્રમવાસીઓ પાસેથી સેવાશુશ્રૂષા પામેલા સ્લોકોમ નામના છાપાવાળાએ ગાંધીજી વિશે ગપ્પાં મારેલાં, તેનો ગાંધીજીએ ઊધડો લીધેલો. ગાંધીજી વિશે એણે કદાચ જીવંત ચિતાર આપવાના ઇરાદાથી જ લખ્યું હશે કે પ્રિન્સ ઑફ વેલ્સ જ્યારે ભારત આવ્યા ત્યારે ગાંધીજીએ એને દંડવત્ પ્રણામ કરેલા તેને યાદ કરીને ગાંધીજીએ કહ્યું કે:

તમારી પાસે તો મેં વધારે ડહાપણની આશા રાખી હતી. આ વાત તો તમારી કલ્પનાશક્તિનીયે સાખ વધારે એવી નથી. હું કદાચ ગરીબમાં ગરીબ કોઈ અસ્પૃશ્ય કે ભંગીને ઘૂંટણિયે પડીને નમસ્કાર કરું ખરો, એની ચરણરજ પણ કદાચ લઉં, પણ પાટવીકુમાર તો ઠીક, પણ શહેનશાહ આગળ પણ ઝૂકું નહીં, કારણ, એ તો મગરૂબીભરેલ તાકાતના પ્રતિનિધિ છે.

પેલો બિચારો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો હશે. પત્રકાર મહાદેવભાઈ આ પ્રસંગે આયર્લૅન્ડના નેતા ડી’ વલેરાએ તાજેતરમાં શરૂ કરેલ आइरिश प्रेस નામના પત્રના પહેલા અંકમાં કરેલી ઘોષણાની યાદ અપાવે છે કે:

‘અત્રે આ છાપાનો ઉપયોગ કદીયે અમારા મિત્રોને ખોટે રસ્તે દોરવા કે અમારા વિરોધીઓની વાત ખોટી રીતે ચીતરવા સારુ નહીં વાપરીએ.’

મહાદેવભાઈ દુનિયાના કોઈ પણ ખૂણામાંથી સત્યને પોષક આવાં વચનો શોધીને વાચકો આગળ, ખાસ કરીને ભારતના લાખો ઉત્સુક વાચકો આગળ, ધરી દઈને આખા દેશનાં મૂલ્યોનું ધોરણ ઊંચું લઈ જવામાં સહાયભૂત થતા હતા. એક પત્રકાર તરીકેની મહાદેવભાઈની આ એક ક્ષુલ્લક જણાતી છતાં ખરું જોતાં અનુપમ સેવા હતી.

પણ ‘છાપાંઓ પરથી લોકો અંગે ક્યાસ કાઢવો એ બરાબર નથી.’ એમ કહીને મહાદેવભાઈ આપણને ઇંગ્લંડના લોકો તરફ વાળે છે અને એકબે ઠેકાણે ગાંધીજીના કરવામાં આવેલા સ્વાગતનું વર્ણન કરતાં જ એ વાત સમજાવી દે છે કે ભારત પર શાસન કરનાર અંગ્રેજ રાજ્યકર્તાઓ એક છે અને માનવીય લાગણીઓ ધરાવતા ઇંગ્લંડના વતનીઓ જુદા છે. આ લોકોનું વર્ણન કરવાની તો મહાદેવભાઈને પાછળથી પણ અનેક તકો મળી રહે છે. સરકારે ગાંધીજીનું ભવ્ય સ્વાગત થતું ટાળવા તેમને ઇંગ્લંડના કિનારે ઉતાર્યા પછી ટ્રેનને બદલે કારમાં લઈ જવાનું સૂચન ઍન્ડ્રૂઝ મારફત કરાવ્યું, તેને ગાંધીજીએ સમજીબૂજીને છતાં રાજીખુશીથી માની લીધું. ગાંધીજી કારરરતે ફોકસ્ટનથી લંડન પહોંચ્યા હતા. હજારોની મેદની લંડનના વિક્ટોરિયા સ્ટેશને એમની વાટ જોતી ખડી હતી. લંડનના ઈસ્ટ એન્ડ નામના ગરીબ વિસ્તારમાં કિંગ્સ્લી હૉલ નામના સાદા સ્થાનમાં સેવાભાવી બહેન મ્યૂરિયેલ લેસ્ટરના આગ્રહથી ગાંધીજીએ ઉતારો રાખ્યો તો ત્યાં લોકો ખૂબ ઉમળકાભેર એમના સ્વાગતે પહોંચ્યા.

ઇંગ્લંડમાં ઊતરવા અંગે ગાંધીજી પાસે ભારતમાં જ અનેક સૂચનો આવ્યાં હતાં. તેમાંથી તેમણે ઈસ્ટ એન્ડમાં રહેવાનું બહેન લેસ્ટરનું નિમંત્રણ, ખાસ તો એટલા સારુ સ્વીકાર્યું હતું કે, પોતે એક ગરીબ દેશના પ્રતિનિધિ તરીકે જતા હતા એ વાતને કદી વિસારવા નહોતા ચાહતા, તેમ જ દુનિયાને પણ તેની પ્રતીતિ કરાવવા ઇચ્છતા હતા.

રોજ સવારે તેઓ આસપાસના જુદા જુદા ગરીબ મહોલ્લામાં ફરવા જતા અને કેટલીક વાર લોકોનાં ઘરમાં જઈને એમનાં કામકાજ, એમની રહેણીકરણી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરતા. લોકો કહેતા કે, ‘આ તો આપણા જેવા જ છે!’ એક આંધળી બાઈએ મળવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે ગાંધીજી તેને મળવા જાતે ઇસ્પિતાલમાં ગયા. એ ઇસ્પિતાલનો વૉર્ડ સવારે છ વાગ્યે ધોવાઈને સાફસૂથરો થયો ને બધા દરદીઓ અને કર્મચારીઓ ગાંધીજીને જોવા સારુ એકઠા થઈ ગયા. જે રસ્તેથી ગાંધીજી વહેલી સવારે ફરવા નીકળતા તે રસ્તે બંને બાજુ ઊભા રહીને એમને ‘ગુડ મૉર્નિગ’ કહેવા લોકો ખાસ વહેલા ઊઠીને કેવા કતારબંધ ઊભા રહી જતા તેનું વર્ણન મહાદેવભાઈ ખૂબ આનંદોલ્લાસથી કરે છે, અને સાથે સાથે એવી ગંભીર વાતોય કહી દે છે કે ગાંધીજીએ જાહેર રીતે કહ્યું છે કે પોતાની આકરામાં આકરી ટીકા કરનારને પણ મળવા તેઓ હમેશાં તૈયાર છે, તે છતાં વિન્સ્ટન ચર્ચિલ એમને મળતા જ નથી. હા, તેઓ તેમના ચતુર દીકરાને ગાંધીજી પાસે મોકલે છે ખરા, કે જે વાતવાતમાં ગાંધીજીને એમ પૂછી લે છે કે, ‘જો આ વખતની મંત્રણાઓ પૂરી નિષ્ફળ જશે તો તેઓ શું કરશે!’ ગાંધીજી એને ટૂંકો ને ટચ, છતાં હૈયા સોંસરવો ઊતરી જાય તેવો જવાબ આપી દે છે: ‘સત્યાગ્રહ.’ અને સાથે ઉમેરે છે કે ગઈ વખતે સહન કર્યા હતાં એના કરતાં કેટલાંયગણાં વધુ કષ્ટસહનની તૈયારી સાથે સત્યાગ્રહ થશે.

પ્રવાસવર્ણનમાં જ મહાદેવભાઈ દ્વારા એ વાતની પણ નોંધ લેવાય છે કે એક ગ્રામોફોન કંપનીવાળા (કોલંબિયા) ગાંધીજીની રૅકર્ડ ઉતારવા ઇચ્છતા હતા. તેમને એક વાર તો ઘણી વિચારણાને અંતે ‘ના’ પાડવામાં આવે છે. પણ બીજી વાર વધુ વિચારણાને અંતે, ‘હા’ પાડવામાં આવે છે, કશી જ તૈયારી વિના, ગાંધીજી રૅકર્ડ કરવાના મશીન આગળ પહોંચી જાય છે. એટલે સુધી કે યંત્ર ચાલુ કર્યા પછી પહેલાં તો પૂછે છે કે ‘મારે આમાં જ બોલવાનું છે?’ અને છેવટે ‘બસ પૂરું?’ એમ પણ પૂછે છે. આ ઉદ્ગારો પણ રૅકર્ડ થઈ જાય છે!

નીચે ચકડોળ પર કલ્લોલતાં બાળકોની ચિચિયારીઓના અવાજ સહિત, આટલાન્ટિકની પેલેપાર કરોડો અમેરિકનો ગાંધીજીનો સ્પષ્ટ અવાજ, એક ક્ષણ પણ અટક્યા વિના અડધો કલાક અવિરત સાંભળતા રહ્યા. એ ભાષણમાં તેમણે એમ સમજાવ્યું કે:

ગોળમેજી પરિષદના પરિણામ સાથે એકલા હિંદનો નહીં પણ આખી દુનિયાનો સંબંધ હતો. હિંદને જો પોતાના પ્રાચીન ભૂતકાળના ગૌરવને જાળવવું હોય તો તે સ્વરાજ મેળવીને જ જાળવી શકે… સ્વરાજ મેળવવાની હિંદની લડત તરફ દુનિયાનું ધ્યાન તે મેળવવાની એની અહિંસક પદ્ધતિને લીધે ખેંચાયું છે. હું પોતે તો આ ખૂનામરકીના સાધન વડે મારા દેશની સ્વતંત્રતા મેળવવા કરતાં જરૂર પડે તો જમાનાઓ સુધી રાહ જોવાનું પસંદ કરું. મને મારી હૃદયગુફાના ઊંડાણમાં એમ લાગે છે કે દુનિયા ખૂનામરકીથી તોબા પોકારી ગઈ છે. તેમાંથી નીકળવાનો રસ્તો ખોળી રહી છે. હું એમ માનીને ગર્વ લઉં છું કે તલસી રહેલી દુનિયાને એ રસ્તો બતાવવાનો લહાવો ભારતવર્ષની પ્રાચીન ભૂમિને મળશે. એટલે હિંદને તેની પ્રચંડ લડતમાં સાથ આપવા સારુ જગતની સર્વ મહાપ્રજાઓને નોતરવામાં મને કશો જ સંકોચ થતો નથી… અર્ધભૂખ્યા કરોડોની વતી, હું જગતના અંતરાત્માને એવી વિનંતી કરું છું કે જે પ્રજા પોતાની સ્વતંત્રતા પાછી મેળવવાના પ્રયત્નમાં પ્રાણ પાથરી રહી છે તેની વહારે તેઓ ધાય.

હવે આપણે મહાદેવભાઈ ગાંધીજીના અંતરમનને કેવું ચીતરે છે તે જોઈએ. મહાદેવભાઈ ગોળમેજી પરિષદમાં જતાં સુધીમાં તો ગાંધીજી સાથે એવા તન્મય થઈ ગયેલા કે ગાંધીજીના માનસને જાણે આરસામાં જોતા હોય એવી રીતે, ચીતરી શકતા. તેથી જ પહેલા જ લેખમાં મહાદેવભાઈએ એ વાતની નોંધ લીધી છે કે ગાંધીજીએ લૉર્ડ અર્વિનના અતિશય આગ્રહથી વિલાયત જવાનું તો સ્વીકાર્યું છે, પણ એમના માનસનું દર્શન સેંકડો છાપાંઓના અગ્રલેખો કરતાં અનેકગણી વધારે સચોટ રીતે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ મર્મમાં પ્રવેશીને ગાયું છે:

‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ!
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ!’

એક જૂના બ્રિગેડિયર જનરલ ક્રૉઝિયરે મોકલાવેલ પુસ્તક ए वर्ड टु गांधीમાં તેમણે અંગ્રેજ સરકાર પર કરેલા કઠોર આરોપોનો આછો ખ્યાલ આપીને મહાદેવભાઈ કહે છે:

ગાંધીજી આવા કેટલાક આરોપો મૂકવા અને સિદ્ધ કરવા ઇંગ્લંડ આવ્યા છે. તેઓ એ કામ ઉપર લાગી ગયેલ છે. અને એમની પદ્ધતિ એવી છે કે એનો રદિયો આપવો લગભગ અશક્ય થઈ પડશે. કારણ, તેઓ જે શબ્દો વાપરે છે તે દરેકેદરેક ઇરાદાપૂર્વક એમના હૃદયની ગુફામાંથી સીધા નીકળે છે, જેમાં સત્ય અને અહિંસાનો રણકાર હોય છે. તેથી જ ગોળમેજી પરિષદ સામે ગાંધીજીએ કરેલ પહેલું નિવેદન સંપૂર્ણ સ્વરાજની માગણીનું હતું છતાં એનાથી કોઈનું મનદુ:ખ થયું નહોતું. તેથી જ જ્યારે એમણે ઇંગ્લંડની પાર્લમેન્ટની આમસભાના સભ્યો આગળ બોલતાં ‘બળવાખોર ભારત’ એવા શબ્દો ઉચ્ચાર્યા અને એમ પણ જણાવ્યું કે લૅંકેશાયરે પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, ત્યારે એકેય સંસદસભ્યે એ કથનને ખોટા અર્થમાં લીધું નહોતું. અને તેથી જ જ્યારે તેમણે પરિષદની ફેડરલ સ્ટ્રક્ચર્સ કમિટી આગળ સાફ સાફ જણાવી દીધું હતું કે, આ બેઠકમાં આવેલા પ્રતિનિધિઓ તો સરકારના પસંદ કરીને ગોઠવેલા પ્રતિનિધિઓ છે, ત્યારે સરકારપક્ષે બહુ હોબાળો મચ્યો નહોતો.’

મહાદેવભાઈ ગાંધીજીની અહિંસક શૈલી પર ભાર દઈ વર્તારો કરે છે કે:

‘પ્રેમના રેશમી ધાગે બંધાયેલા ઇંગ્લંડ અને ભારત’ એક સ્વૈચ્છિક ભાગીદારી, જે ઇચ્છા હોય ત્યારે તોડી શકાય અને જે એક રાષ્ટ્ર દ્વારા બીજા રાષ્ટ્ર પર લાદવામાં ન આવી હોય, કે ‘હિંદુ હવે પછી ગુલામ રાષ્ટ્ર રહી શકે નહીં અને રહેશે નહીં’, જેવાં વાક્યો અમે ઇંગ્લંડનો કિનારો છોડીએ તે પહેલાં લોકજીભે ચડી જવાનાં છે.૧૦

ગોળમેજી પરિષદમાં અંગ્રેજ સરકારની મુખ્ય ચાલ, જે પોતાના વીણેલા પ્રતિનિધિઓને ભેગા કરીને ‘ભારતના લોકોમાં જ સંપ નથી, તો અમે શી રીતે સ્વરાજ આપીએ?’ એમ કહેવાની હતી, તો ગાંધીજીનો મુખ્ય પેતરો પરિષદમાં બિલકુલ સૈદ્ધાન્તિક બાબતો સિવાય, બીજા કશામાં ઝાઝા ન પડીને ઇંગ્લંડની મુસાફરીનો ઉપયોગ ભારતની માગણીને ઇંગ્લંડના દરેક વર્ગના લોકોને સમજાવવાનો હતો. સરકારની જાણીજોઈને વિલંબ કરવાની દીર્ઘસૂત્રી નીતિથી તેઓ વાજ આવી જતા અને ચિડાતા પણ ખરા. એટલે મહાદેવભાઈ એની નોંધ લે છે કે ગાંધીજી પરિષદની ઝડપ વધારવા સારુ કોઈ પ્રયાસ બાકી નહોતા રાખતા. ઇંગ્લંડના વહીવટકર્તાઓને ધ્યાનમાં રાખી મહાદેવભાઈ તેમના જ એક મોટા મુત્સદ્દી ચેમ્બરલેનનું વાક્ય યાદ દેવડાવે છે કે: ‘કોઈ કોઈ વાર એવી ક્ષણો આવે છે કે જ્યારે ડહાપણ ડહોળવા કરતાં સાહસ ખેડવું એ વધુ સલામત હોય છે. જ્યારે લોકોનાં હૃદયોને સ્પર્શ કરનાર અને એમની લાગણીઓને ઢંઢોળનારું કોઈ મોટું શ્રદ્ધાભર્યું કાર્ય એવા ચમત્કાર સર્જે છે જે મુત્સદ્દીગીરીની ગમે તેટલી કળાબાજીથી નથી થઈ શકતાં.’૧૧

જ્યારે બ્રિટિશ સામ્રાજ્યના તમામ વિશેષજ્ઞો આંકડાઓ, કાયદાઓ અને તર્કની આંટીઘૂંટીઓથી સજ્જ હતા ત્યારે એ સર્વની સામે અભિમન્યુની માફક ઝઝૂમનાર ગાંધીજીની માનસિક ભૂમિકા સરળ હતી. ‘હું તો ગામડિયાની પેઠે સીધીસાદી ભાષામાં કહી દઈશ કે હું તો મૂરખ છું. રાજ્યબંધારણ કે લાંબીચોડી વાતો નથી કરતો. વિદ્યા મારું બળ નથી. મારે વાદ નથી કરવો. મારે તો મારું દુ:ખ સેવું છું, તેમાં વિદ્વત્તાની શી જરૂર છે?’૧૨ અને આ ગામડિયાની વાતોથી અંગ્રેજ સરકાર કે એમના વીણેલા પ્રતિનિધિઓ ટેવાયેલા નહોતા એ જ એમની મુસીબત હતી.

ઇંગ્લંડ જતી વખતે રસ્તામાં તો ગાંધીજીએ એટલે સુધી કહી દીધું હતું કે, ‘હું પ્રચાર પણ વિરોધીઓની આજ્ઞાથી જ કરીશ.’૧૩ પણ ગાંધીજીનું જીવન એ જ એમનો પ્રચાર હતો અને સત્ય જ એમનો સૌથી શક્તિશાળી તર્ક હતો. એક બ્રિટિશ મુત્સદ્દી, લૉર્ડ સંેકી એક વાર જ્યારે સ્વરાજમાં દેશી રજવાડાંઓનું શું એવી દલીલ કરવા માંડ્યા ત્યારે ગાંધીજીએ તેને પરખાવી દીધું:

શું અસલ વાત તમારાથી છાની છે? શું તમે નથી જાણતા કે, પરિષદ સરકારની હાએ હા કરનારાઓથી ભરી દેવામાં આવી છે? શું એ પણ જણાવવાની જરૂર છે કે જે રાજાઓની તમે વાત કરો છો તેઓ બધા જ સરકારના ઇશારા પ્રમાણે નાચનારા છે? હું તેમને કે તેમની વાતને કાંઈ મહત્ત્વ નથી આપતો. અને જે વસ્તુ સાચી છે, તે તમે પણ જાણો છો.

લૉર્ડ સંકીથી આનો કાંઈ જવાબ નહોતો આપી શકાયો.૧૪

ભારતીય વજીર સર સેમ્યુઅલ હોર સાથે ગાંધીજીની ઘણી વાર વાતો થઈ. એ માણસની નિખાલસતા ગાંધીજીને ગમી. તેથી તેની સાથે એટલી જ નિખાલસતાથી વાત કરતાં ગાંધીજીને સંકોચ ન થયો. ગાંધીજીએ તેમને કહ્યું:

‘મારી ભાષા મારા મનની વાતને છુપાવવાનો કદી પ્રયત્ન કરે એવી આશા મારી પાસે ન રાખતા. હા, એવું પ્રમાણપત્ર હું જરૂર ઇચ્છું છું કે સમાધાન કરવા સારુ મેં કોઈ પણ પ્રયાસ બાકી નથી રાખ્યો.’

શ્રી હોરે એના જવાબમાં કહ્યું, ‘હું પણ આપની પાસે એવું જ પ્રમાણપત્ર મેળવવાની ઇચ્છા રાખીશ.’૧૪

બીજી એક જગાએ જ્યારે વાટાઘાટો આગળ વધતી નથી એનો અનુભવ થવા લાગ્યો, ત્યારે ગાંધીજીએ કહ્યું:

‘મારી સાથે વાત કરવી એ તમને સહેલું કામ લાગવું જોઈએ. પણ તમે મારા પ્રેમપ્રયાસોને ઠોકર મારશો તો હું પાછો જઈશ. કડવાશથી નહીં, પણ તમારા હૃદયમાં સ્થાન પામી શકતો નથી માટે મારામાં જ કાંઈક અશુદ્ધતા છે એવા ભાન સાથે.’૧૫

આમ મુત્સદ્દીગીરીની સામે સાધુતાની ટક્કરનો ચિતાર મહાદેવભાઈની કલમે આબાદ રીતે રજૂ કર્યો હતો…

માત્ર હિંદુ-મુસલમાનોનો પ્રશ્ન ગાંધીજીને મૂંઝવતો હતો. પરિષદમાં બોલાવવામાં આવેલા મુસલમાન પ્રતિનિધિઓ પૈકી કોઈ રાષ્ટ્રીય મુસલમાન નહોતા. તેથી રાષ્ટ્રીય પ્રશ્નોમાં એ પ્રતિનિધિઓ રસ નહોતા લેતા. અને તે બાબતમાં એમનું વલણ સરકારની પડખે રહેવાનું જ હતું. આથી ગાંધીજીએ ઇંગ્લંડના પ્રવાસ દરમિયાન મુસ્લિમ નેતાઓ સાથે અલગ બેસીને એમને સમજાવવાનો પ્રયાસ કરી જોયો. પણ તેમને તેમાં કશી સફળતા સાંપડી નહીં. વચ્ચે એવું સૂચન પણ વહેતું મૂકવામાં આવ્યું હતું કે મુસલમાનોનો પ્રશ્ન લવાદને (અંગ્રેજોને?) સોંપી દો. પણ તેમ કરવામાં ભારતની જાંઘ ઉઘાડી પડી જાય એમ લાગવાથી ગાંધીજીએ એ સૂચનને ટેકો આપ્યો નહોતો.

પરિષદની વચ્ચે અને પરિષદની બહાર ગાંધીજીને વડા પ્રધાન રામ્સે મૅકડૉનાલ્ડને મળવાનું થતું. એક વાર એમણે ગાંધીજીને કહી દીધું, ‘તમે ફરી ફરીને પૂછો છો કે શું આપશો. પણ શું શું લેવાની તમારામાં તાકાત છે એ કહો ને!’ ગાંધીજીએ એને કડક જવાબ આપ્યો:

‘તમે મને પડકારો છો, એમ ને? તો તો હું અહીં આવત જ શું કામ? ભારતમાં જ બેઠો બેઠો મારે જોઈએ છે તે સૌ કાંઈ લઈ લેત. મને આજે જ પાછો જવા દો. હું મારે જે જોઈએ છે તે લઈ લઈશ.’

વડા પ્રધાન શું જવાબ આપે? એમણે જ ગાંધીજીને નિમંત્ર્યા હતા. અને ગાંધીજીની વાણી પાછળ એક મહાન અહિંસક આંદોલનનું જોર હતું. એ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા. એ કહે, ‘આપણને બંનેને પોતપોતાની મુશ્કેલી છે.’ ગાંધીજીએ તરત પરખાવ્યું, ‘મુશ્કેલીઓ મારી નહીં, તમારી છે.’૧૬

આમ કોઈ કોઈ વાર સાફ સાફ પરખાવવા છતાં ગાંધીજી વિનયવિવેક ચૂકતા નહોતા. જોકે પરિષદના પરિણામ વિશે એમને કદી મોટી આશા હતી જ નહીં. એક વાર પરિષદમાં એમની જોડે જ આવેલા અને સ્વરાજ્યની બાબતમાં ગાંધીજીને પૂરો ટેકો આપનાર ઘનશ્યામદાસ બિરલાજીએ તેમને પૂછ્યું, ‘આપને આ પરિષદથી શી આશા છે?’ ગાંધીજીએ જવાબ આપ્યો, ‘ખાલી હાથે પાછા જવાની.’૧૭

પરિષદમાં કેટલીક સમિતિઓની બેઠકોમાં ભારતના બીજા પ્રતિનિધિઓ ગાંધીજી વિશે ઝેર ઓકતા તેથી બિરલાજીને ઝાળ ઊઠતી, પણ ગાંધીજી તેમને શાંત પાડતા, ‘તમે શાંત થાઓ, આપણે ખરા છીએ ને? પછી બીજા શું કહે છે એની આપણને શી ચિંતા?૧૮

પોતાનાં સંસ્મરણોમાં બિરલાજી એક વાર લખે છે, ‘ “નિરાશાના વમળમાં ગાંધીજી પ્રસન્નમુખ છે.” તેઓ કહેવા લાગ્યા, “ખાલી હાથે ભલે જઈએ, શરમિંદા બનીને નહીં જઈએ.” તેમને અહીંથી કશું મેળવી જવાની કદી આશાયે નહોતી. અને હવે નિરાશાય નથી.’૧૯

ચર્ચાઓ દરમિયાન એક દિવસ સેમ્યુઅલ હોરે સાફ સાફ કહી દીધું, ‘લશ્કર અમે તમને બિલકુલ આપવાના નથી.’ ગાંધીજીએ તરત કહ્યું, ‘શાબાશ! સ્પષ્ટવક્તા હો તો આવા હો!’

બીજે દિવસે શ્રી હોરે ગાંધીજીને કહ્યું, ‘મેં આપને નારાજ તો નથી કર્યા ને?’

ગાંધીજીએ જવાબ આપ્યો, ‘ના, ઊલટાનો હું તો રાજી થયો, કારણ, મને ખબર પડી ગઈ કે તમે ઈમાનદાર છો. ખુશામત નથી કરતા.’૨૦

જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ એ વધુ ને વધુ સ્પષ્ટ થતું ગયું કે અંગ્રેજ સરકારનો ઇરાદો ભારતને કશું નક્કર આપવાનો નહોતો. લૉર્ડ અર્વિન પરિષદ ચાલુ થઈ તે પહેલાં ભારતથી આવી ગયા હતા. તેમણે કહ્યું કે, ‘મારા હાથની વાત નથી.’

એ વાત સાચી કે ગાંધીજી મુત્સદ્દીઓ સાથેની વાતચીતોમાં અને ગોળમેજી પરિષદની જુદી જુદી કમિટીઓની બેઠકમાં ભારતના પક્ષની રજૂઆત કરતાં કરતાં સામેના પક્ષના દિલને જીતવાનો નિરંતર પ્રયાસ કરતા હતા અને તેને લીધે એકથી વધારે વાર પોતે ચાહીને સમાધાન કરવા સારું હાથ લંબાવતા હતા. પણ તેથી એવો કોઈ અર્થ ન કરે કે ગાંધીજી કોઈથીયે છેતરાય એમ હતા અને કોઈ પણ પ્રકારે દેશની માનહાનિ થાય એને સાંખી લે એમ હતા. મહાદેવભાઈની લેખનીએ ગાંધીજીની દરેક વ્યક્તિ સાથેની વાતચીતને ટપકાવીને આ વાત પુરવાર કરી હતી. જેમ જેમ ગાંધીજી આ મંડળોમાં ઘૂમતા ગયા તેમ તેમ તેમના કટ્ટર વિરોધીઓને પણ સમજાતું ગયું કે ગાંધીજીને અવગણ્યે ચાલે એમ નથી, એમને મજાકમાં ઉડાવાય એમ નથી અને એમને છેતરી તો શકાય એમ નથી જ. તેથી તો લૉર્ડ રીડિંગ જેવા લોકો જ્યારે પણ ગાંધીજી એમની ખુરશી પાસેથી પસાર થતા હોય ત્યારે ઊભા થઈ જતા હતા, એમના મતનો વિરોધ કરનાર છાપાંઓ પણ એમના લેખની માગણી કરવા લાગ્યાં અને કશીયે કાપકૂપ કર્યા વિના એને છાપવાનું કબૂલ કરવા લાગ્યાં. અને મુત્સદ્દીઓ પણ એમને ચતુર તેમ જ સમજુ ગણવા લાગ્યા હતા. ખાસ કરીને પરિષદના મેજ પર લોકો મીઠી મીઠી વાત કરે તોપણ તેથી પોતાનું ધારેલું કામ થઈ જશે એવું માને તેવા ભોળા ગાંધીજી નહોતા. ભારતીય વજીર સાથેની વાતચીત પછી ઘનશ્યામદાસ બિરલાએ એક વાર એમને પૂછ્યું કે, ‘શું હું એમ માની લઉં કે એની સાથેની વાતચીત આશાસ્પદ હતી?’ ગાંધીજીએ તરત કહ્યું, ‘ના, એટલું જ કહું કે તે આટલી હદ સુધી દિલ ખોલીને મારી સાથે વાત કરશે એવી મેં આશા રાખી નહોતી.’૨૧

પણ સાચું પૂછો તો ગોળમેજી પરિષદ સારુ થયેલી ઇંગ્લંડની આ મુલાકાતમાં ગાંધીજીની મુખ્ય પ્રવૃત્તિ પરિષદના મેજ પર થઈ એના કરતાં પરિષદની બહાર જ વધારે થઈ. આ આખી યાત્રાથી આમ તો ગાંધીજી ખાલી હાથે પાછા આવ્યા, અને એ વાત તેઓ દેશમાંથી નીકળ્યા ત્યારથી જાણતા હતા, પણ આ ચાર માસ દરમિયાન ઇંગ્લંડની પ્રજાનું તેમણે જબરદસ્ત લોકશિક્ષણ કર્યું. એમ કહી શકાય કે સોળ વરસ પછી મળનારી બંને પક્ષોની સુલેહભરી આઝાદી સારુ ગાંધીજીએ આ મુલાકાત દરમિયાન ખેડાણ કર્યું હતું અને મૈત્રીનાં બી વાવ્યાં હતાં.

અલબત્ત, આ શિક્ષણનું મુખ્ય માધ્યમ તો ગાંધીજીનું જીવન અને એમનાં સંભાષણો જ હતાં. મહાદેવભાઈએ એ જીવનની નાની નાની વિગતો અને એ સંભાષણોના સર્વ સૂરોને આપણે સારુ નોંધી રાખ્યા છે.

ગાંધીજીએ લંડનના ‘કિંગ્સ્લી હૉલ’માં રહેવાનો નિર્ણય કર્યો, એ એક ઘટનાથી જ ઇંગ્લંડના ઘણા લોકોનાં દિલ તેમણે જીતી લીધાં. અનેક લોકો એમની સેવામાં આવીને સ્વયંસેવકો તરીકે કામ કરવા લાગ્યા. છાપાંવાળાઓએ તેમને મફતમાં છાપાં મોકલ્યાં. જતા-આવતા લોકો તેમને પોતાનાં પૈકીના ગણીને સંબોધવા અને અભિનંદવા લાગ્યા. ગાંધીજીની આસપાસ રહેનારા લોકોના વહેવારોએ પણ પાડપાડોશીઓનાં દિલ જીતી લીધાં હતાં.

મીરાંબહેનની ભારતીય વેશભૂષાએ શરૂઆતમાં કૌતુક અને કટાક્ષ નોતર્યાં, પણ એમની ભક્તિ જોઈને સૌ મુગ્ધ થયાં. દેવદાસ ગાંધીને બાળકો એમના પિતા વિશે પ્રશ્નો પૂછવા લાગ્યાં. પ્યારેલાલ આખો વખત મહાદેવભાઈના જોડિયાભાઈ બનીને રહ્યા. માત્ર મહાદેવભાઈ વિશે ફરિયાદ આવી. ગાંધીજીના વસવાટ દરમિયાન ઘર ચલાવવાનું કામ જેમને સોંપવામાં આવ્યું હતું તે બાઈએ એક વાર ઍન્ડ્રૂઝસાહેબને ફરિયાદ કરી, ‘બીજાં બધાં બરાબર છે, પણ આ મહાદેવ કોઈ નિયમ નથી પાળતા. કોઈ વાર જમતી વખતે હાજર નથી થતા. રાતે મોડે સુધી જાગે છે, ને એવું બધું ઘણુંયે.’ મહાદેવભાઈ પાસે ફરિયાદ ગઈ. ગાંધીજી સુધીય પહોંચી હશે. પણ બાઈને કહેવામાં આવ્યું કે મહાદેવને કોઈ નિયમ લાગુ નહીં પાડી શકાય. કારણ, એ ગાંધીજી સાથે ઊઠવા-બેસનાર માણસ. વળી બીજાં પણ અનેક કામો સંભાળે. કોઈ વાર જમતી વખતે અડધે ભાણે ઊઠીયે જાય ને કોઈ વાર ખાવાનું ભૂલીયે જાય. પેલી બહેને કોચવાતા મને આવી ‘ગેરશિસ્ત’ સ્વીકારી તો ખરી પણ થોડા જ દિવસોમાં મહાદેવના સ્વભાવ પર તે મુગ્ધ થઈ ગઈ. ‘એને વહેલુંમોડું અલબત્ત, થાય છે. પણ ગાંધીજીની કેટલી કાળજી રાખે છે! એની ભાષામાં કેટલી અકૃત્રિમ નમ્રતા છે! અને માત્ર ગાંધીજીની જ નહીં, પણ એમના રસાલાના બીજા લોકાની અને અમારા સૌનીયે કેટલી બધી કાળજી રાખે છે! અને હરઘડી કાંઈક ને કાંઈક મદદ કરવા તૈયાર જ રહે છે! હું તો એમને સમજી જ નહોતી!’

મહાદેવભાઈ નોંધે છે કે પડોશનાં સૌ બાળકો જોડે ગાંધીજીએ દોસ્તી કરી લીધી. અનેક બાળકો વહેલી સવારે ગાંધીજી ફરવા જાય ત્યારે તેમને ‘ગુડ મૉર્નિંગ’ કહેવાના લોભે માબાપને બળજબરીથી વહેલાં ઉઠાડતાં. ઘણાની સાથે ક્ષણ-બે ક્ષણ મળી જાય તોયે ગાંધી વિનોદ કરતા. એક બાળકના પિતાએ ફરિયાદ કરી કે મારું બાળક મને ઠપકારે છે અને પછી ઠાવકું થઈ કહે છે — ‘અંકલ ગાંધીએ કહ્યું છે કે કોઈ મારે તો વળતું મારવું નહીં!’૨૨ આ દિવસો દરમિયાન બીજી ઑક્ટોબર આવી ત્યારે બાળકોએ ગાંધીજીને ખાસ વરસગાંઠની ભેટ તરીકે રમકડાં અને ફળફૂલ આપ્યાં! ઇંગ્લંડથી પાછા ફર્યા ત્યારે ગાંધીજી પોતાની સાથે માત્ર આ રમકડાં જ વધારાના સામાન તરીકે લઈ ગયા હતા.

જેમને કોઈ કોઈ વાર ‘મોટા માણસ’ને મળવાનો મોકો મળશે એવી આશાયે નહોતી, તેવા લોકોને આ લત્તામાં રહેવાથી ગાંધીજીની સાથે એકબે વાક્યો બોલવાની તક મળી જતી. ચિત્રકારો અને મૂર્તિકારો તો ગાંધીજી જે ઓરડામાં બેસતા તેનો એક ખૂણો ભર્યોભાદર્યો જ રાખતા.

કિંગ્સ્લી હૉલમાં અઠવાડિયામાં એક દિવસ ત્યાંના કાયમી રહેવાસીઓ ભેગા મળીને મનોરંજન કાર્યક્રમ કરતા. ગાંધીજી પણ કોઈ કોઈ વાર એ જોવા આવતા. એક વાર નાચતાં જોડકાંઓને નિહાળી રહેલા ગાંધીજીને કોઈકે પૂછ્યું, ‘આપ અમારા નૃત્યમાં ન ભળો?’ ગાંધીજી તરત પોતાની લાઠી લઈને ઊભા થઈ ગયા ને કહ્યું, ‘જરૂર, આ લાઠી એ મારી જોડી!’

આમ ગાંધીજીનો લોકસંપર્ક સતત ચાલુ હતો. મિટિંગોના સમયને બાદ કરતાં બાકી લગભગ બધો સમય ભાતભાતના લોકો જોડે મુલાકાત ગોઠવી આપવાનું અને અનેક મુલાકાતોમાંથી ગાંધીજીને બચાવી લેવાનું કામ મહાદેવભાઈનું હતું. આ કામ કઠણ હતું. મહાદેવભાઈનું મધુર વ્યક્તિત્વ જ આ કઠણ કામને પહોંચી વળે એમ હતું. આ બધા વચ્ચે જઈ એમના પ્રશ્નોના ધીરજથી ઉત્તર આપી, એમને ઢંઢોળીને નીંદરમાંથી જગાડી ભારતની વાત ઇંગ્લંડને સમજાવવાનો મોટો પુરુષાર્થ આ બિનસરકારી મુલાકાતો, ભાષણો, પ્રશ્નોત્તરી, વાર્તાલાપો અને પ્રેસ-મુલાકાતો મારફત ગાંધીજીએ ઉપાડ્યો હતો. ગોળમેજી પરિષદની વિવિધ કમિટીઓની બેઠકમાં હાજરી આપવા કરતાંયે આ કાર્યક્રમોનું મહત્ત્વ સવાયું હતું. આ મહત્ત્વનું કામ, કદાચ મહાદેવના વિના અધૂરું જ રહી ગયું હોત. અનેક મુલાકાતોને ટાળી કે ટૂંકાવીને મહાદેવભાઈ ગાંધીજીના કલાકોના કલાકોનો સમય બચાવી લેતા. ગાંધીજી જે રીતે પિંડ આગળ વર્તતા તેને મહાદેવ બ્રહ્માંડ આગળ છતું કરતા. વેરિયર એલ્વિને કહ્યું હતું તેમ, ‘મહાદેવનું કામ કરોડો લોકોને ગાંધી પ્રત્યક્ષ કરી આપવાનું હતું.’ આ બિનસરકારી પ્રવૃત્તિઓમાં મહાદેવભાઈએ કેવી કેવી બાબતોની કાળજીપૂર્વક નોંધ લીધી છે એ તપાસીશું તો આપણને મહાદેવનો આ કુશળતાપૂર્વક પાર પાડેલો યોગ સમજાશે. એ યોગમાં કોઈ સાધારણ પત્રકારનું રિપોર્ટિંગ માત્ર નહોતું, અસાધારણ પાંડિત્યપૂર્ણ ભાષ્યકારનું ભાષ્ય માત્ર નહોતું, ભક્તકવિ મારફત થયેલું ગુણકીર્તન માત્ર નહોતું, બલકે એ ત્રણેનું પ્રેમરસાયણથી રસાયેલું શ્રદ્ધા-બુદ્ધિ-ભક્તિભર્યું જીવનભાષ્ય હતું.

પરિષદની બહાર થતા કામ વિશે ખુદ ગાંધીજીએ જ એ આશા પ્રગટ કરેલી કે, ‘એમ બને કે અત્યારે જે બીજ વવાઈ રહ્યું છે તેને પરિણામે બ્રિટિશ મનોવૃત્તિ નરમ પડે અને એને લીધે ઇન્સાન હેવાન બનતો અટકે.’ જલિયાંવાલા બાગ જેવા અમાનુષી અત્યાચારો ફરી ન થાય તેમાં ગાંધીજીને મન દેશનું જેટલું કલ્યાણ હતું, તેના કરતાં ઇંગ્લંડનું વધુ કલ્યાણ હતું, કારણ તેમ થાય તો ઇંગ્લંડનો રહેવાસી પશુ બનતો અટકી માનવત્વ તરફ આગળ વધે.

લૅંકેશાયરની મિલોનાં મજૂરમહાજનોએ જ્યારે ગાંધીજીને ત્યાં આવવાનું નિમંત્રણ આપ્યું ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવનાર બ્રિટિશ સરકારને ફાળ પડી. વિદેશી કાપડના બહિષ્કારના ભારતીય આંદોલનને લીધે જો કોઈને વધુમાં વધુ ફટકો લાગ્યો હોય તો તે લૅંકેશાયર અને મૅન્ચેસ્ટરને, સ્વાભાવિક રીતે જ જેમનો ધંધો પડી ભાંગ્યો હોય કે જે રોજી વગરના થયા હોય તેમનો મિજાજ જાય. ભૂખ્યો ક્યું પાપ ન કરે? તેથી સરકારને એવી ધાસ્તી હતી કે લૅંકેશાયરમાં ક્યાંક ગાંધીજી ઉપર શારીરિક આક્રમણ થઈ ન બેસે. પણ પોતાને મજૂરોના પ્રતિનિધિ માનનાર અને જે તેમને દુશ્મન માને તેમની જોડે પણ દોસ્તી કરવા ઇચ્છનાર ગાંધીજી આવા નિમંત્રણને કેમ અવગણે? તેમણે તરત એ નિમંત્રણ સ્વીકાર્યું. સરકારે સલામતીની વ્યવસ્થા થોડી વધુ મજબૂત બનાવી. પણ ગાંધીજી, મહાદેવભાઈ અને બીજા સાથીઓ બેધડક લૅંકેશાયરના મિલમજૂરોનાં ટોળાંઓમાં પ્રવેશ કરતા અને આમતેમ ફરીફરીને તેમનાં અભિવાદનો ઝીલતા. અનેક ઠેકાણે તેમના પ્રતિનિધિઓ જોડે ચર્ચાઓ થઈ. અનેક ઠેકાણે ગાંધીજીએ બહિષ્કાર આંદોલનનો મર્મ સમજાવ્યો. ગાંધીજીની આ મજૂરો પ્રત્યે સહાનુભૂતિ ઓછી નહોતી, પણ ભારતના દરિદ્રનારાયણને તેઓ કદી વિસારી શકતા નહીં.

અહીંની બેકારી જોઈને મને દુ:ખ થાય છે, પણ અહીં ભૂખમરો કે અધભૂખમરો નથી. અમારે ત્યાં ભારતમાં એ બંને છે. તમારે ત્યાં ત્રીસ લાખ બેરોજગાર છે અમારે ત્યાં ત્રણ કરોડ લોકો આખું કે અડધું વરસ બેકાર રહે છે. તમારે ત્યાં બેરોજગારીની રાહત સરેરાશ ૭૦ શિલિંગ અપાય છે, અમારે ત્યાંની સરેરાશ કમાણી જ દર મહિને સાત શિલિંગ અને છ પેન્સની છે… કૃપા કરીને મને એ કહો કે દુનિયાની વસ્તીના લગભગ પાંચમા ભાગના લોકો ભૂખમરાની સીમા પર અને લગભગ સ્વમાનના ભાન વિના જીવતાં હોય ત્યાં મારે શું કરવું?

મહાદેવભાઈ કહે છે કે, ગાંધીજીની આ વાત સાંભળી એક મજૂરે કહ્યું, ‘એમ તો હુંયે બેકાર બન્યો છું. એ વાત ખરી, પણ ગાંધીજીની જગાએ હું ભારતમાં જન્મ્યો હોત તો ગાંધીએ કર્યું તે જ કરત, બીજું થાય પણ શું?’૨૪

મિડલૅંડ્ઝના મજૂરોના એક નાના સમૂહે ગાંધીજીને એક સંદેશો પહોંચાડ્યો. તેમણે નમસ્કાર કહેવડાવીને સામો સંદેશો મગાવ્યો. ગાંધીજીએ કહેવડાવ્યું, ‘હું એમ ઇચ્છું છું કે તેઓ બીજાને હાથે પોતાનું શોષણ કદી ન થવા પામે એની ભારેમાં ભારે કાળજી રાખે.’

डेली मेल નામના ઓછા સહાનુભૂતિવાળા દૈનિકે જાતે માગીને લીધેલ એક લેખમાં ગાંધીજીએ સમજાવ્યું કે ભારતની બાબતમાં ઇંગ્લંડના રૂઢિચુસ્ત પક્ષ અને મજૂરપક્ષમાં ખાસ કશો ફરક નથી. મારે બધાને સરખા સમજાવવા પડે છે. સાચી વાત તો એ છે કે લોકો અંગ્રેજોની ઝૂંસરી ફગાવી દેવા એટલા સારુ ઇચ્છે છે કે એમને ભૂખે નથી મરવું. અને જો તમારા જેવા ઘણા વધારે ધનવાન દેશમાં વડા પ્રધાનને સામાન્ય નાગરિકની સરેરાશ આવક કરતાં પચાસગણાથી વધુ પગાર ન મળતો હોય, જ્યારે હિંદમાં વાઇસરૉયને સામાન્ય નાગરિકની સરેરાશ કરતાં પાંચ હજારગણો પગાર હોય તો બીજું થાય પણ શું? અને આ તો સરેરાશ કમાણી થઈ. કરોડોને તો એનાથી ઓછી આવક થતી હશે.૨૫

લંડન યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રાધ્યાપકે આવીને ગાંધીજી પ્રત્યે પોતાનો આદર પ્રગટ કર્યો ત્યારે ગાંધીજીએ તેમની જોડે થોડો વિનોદ કરી લીધો. મહાદેવભાઈએ આ વાતચીત શબ્દશ: ઉતારી છે:

ગાંધીજી: ‘તમે મહાન વિદ્વાન છો? તમારી બધી નમ્રતા છોડીને મને કહો, તમે મૅક્સ મ્યુલર જેટલા વિદ્વાન છો?’

`હા, જી. મને મારી આવડત વિશે વિશ્વાસ છે. એ ન હોત તો હું વિશ્વવિદ્યાલયમાં આવું સ્થાન જ ગ્રહણ ન કરત. મને લગભગ આખી ગીતા મોઢે છે અને ઉપનિષદનો પણ મેં ઠીક ઠીક ઊંડો અભ્યાસ કર્યો છે.’ એમ કહીને ઉપનિષદના બે શ્લોક બોલી જઈને એણે કહ્યું — नायमात्मा बलहीनेने लभ्यते એ મારો ધ્યેયમંત્ર છે.’

ગાંધીજીએ ટીખળ કરતાં હસતાં હસતાં કહ્યું, ‘ભાઈલા, ઉચ્ચારણમાં તો અમારે તમને ઘણું શીખવવું પડે એમ છે, હોં!’૨૬

ઑક્સફર્ડ યુનિવર્સિટીની મુલાકાત વખતે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ પ્રશ્નોત્તરી માટે પુષ્કળ સમય રાખ્યો હતો અને ગાંધીજી પણ એમને ખિલાવતાં ખિલાવતાં પોતે ખીલ્યા હતા. મહાદેવભાઈની કલમ આપણને અનેક સંવાદોના યથાતથ ઉતારા આપી જાય છે:

એક પ્રશ્ન: ‘સ્વરાજના માર્ગમાં સૌથી મોટો અંતરાય કયો?’

ગાંધીજી: ‘બ્રિટિશ અધિકારીઓની સત્તા છોડવાની અનિચ્છા; અને અનિચ્છુક હાથમાંથી સત્તા સેરવી લેવાની અમારી નાલાયકી.’

પ્રશ્ન: ‘તમે દારૂ પીનારાઓ પ્રત્યે આટલા અનુદાર કેમ છો?’

ગાંધીજી: ‘એ અભિશાપના શિકાર બનેલા લોકો વિશે હું ઉદાર છું, તેથી.’

શ્રીમતી યૂસ્ટેસ માઇલ્સ: ‘તમે કોઈ વાર મગજની નબળાઈ અનુભવો છો ખરા?’

ગાંધીજી: ‘શ્રીમતી ગાંધીને પૂછો! એ તમને કહેશે કે દુનિયા આખી જોડે તો મારો અત્યંત ઉત્તમ વહેવાર હોય છે, પણ એની જોડે તેવો નથી.’

શ્રીમતી માઇલ્સ: ‘મારા પતિનો વહેવાર તો મારી જોડે ઉત્તમ છે, હોં!’

ગાંધીજી: ‘ઓહો! તેમણે તમને સારી પેઠે લાંચ આપી લાગે છે!’ બીજે એક ઠેકાણે પ્રશ્નોત્તરી:

પ્રશ્ન: ‘તમે સ્વતંત્રતા સારુ પૂરા લાયક છો?’

ગાંધીજી: ‘નહીં હોઈએ તો થવા પ્રયત્ન કરીશું. પણ લાયકાતનો અહીં પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. જેમણે અમારી સ્વતંત્રતા લૂંટી લીધી છે, તેમણે તે પાછી આપવી જ જોઈએ. તમને તમારાં કર્મોનો પસ્તાવો હોય તો અમને મોકળા મૂકીને જ તે પુરવાર કરી શકો છો.’

પ્રશ્ન: ‘તમે હિંદને સામ્રાજ્યથી કેટલું અલગ કરશો?’

ગાંધીજી: ‘સામ્રાજ્યથી સમૂળગું. બ્રિટિશ રાષ્ટ્રથી જરાય નહીં.’૨૬અ

ઠેરઠેર લોકો જે પ્રશ્નો પૂછતા તેમાં ગોળમેજી પરિષદમાં થઈ રહેલી વાટાઘાટો વિશે જાણવાની ઉત્કંઠા દેખાઈ આવતી. પરિષદની ખાનગી વાતોને બહાર ન પાડતાં પણ ભારતની માગણી અંગે ચોખવટ કરવાની કોઈ તક ગાંધીજી નહોતા ચૂકતા. ‘હું એવા કોઈ વચગાળાની અવસ્થા સ્વીકારીશ નહીં, કે જેમાં ઉત્તમ કરતાં જરાય ઓછી સ્થિતિ કબૂલ રાખવી પડે.’

પ્રશ્ન: ‘સાંપ્રદાયિક એકતાના તમારા માર્ગમાં બ્રિટિશ વલણ કેટલે અંશે વિઘ્નકર્તા છે?’

ગાંધીજી: ‘મહદંશે અથવા કહો કે ૫૦% – ૫૦%.’

વળી કોઈ વાર બ્રિટિશ લોકોને સૌથી વધુ કઠતી વાત પણ સહજપણે કહી દેતા.

‘સેના પરના સંપૂર્ણ અંકુશથી જરાય ઓછી કોઈ પણ વાત મારાથી ન સ્વીકારાય.’ અથવા, ‘અમારે અમારી ઉપર કબજો કરી બેઠેલું કોઈ લશ્કર જોઈતું નથી. અમે તે સાંખી શકીએ નહીં.’

અહીં એક આઇરિશ દેશભક્ત, જે. ડેલ્વિનનું નીચેનું અત્યંત પ્રાસંગિક કથન મહાદેવભાઈ ટાંકે છે:

‘કોઈ દેશને આઝાદીનો અધિકાર સ્વીકારવા સારુ કાંઈ અધ્યયનની જરૂર નથી પડતી. એ એનો જન્મસિદ્ધ હક છે.’ અને પછી ગાંધીજીને ટાંકે છે કે, ‘એ માત્ર અમારો જન્મસિદ્ધ અધિકાર જ નથી, પણ અમે કષ્ટો વેઠીને એ અધિકાર કમાયા છીએ.’

પોતાના સ્વામીનો પુણ્યપ્રકોપ વર્ણવતાં મહાદેવભાઈ લખે છે:

ઇંગ્લંડમાં ભારત વિશેના પ્રચંડ અજ્ઞાન કરતાં બીજું કાંઈ ગાંધીજીને વધુ ઉશ્કેરતું નથી. ખૂબ મહત્ત્વપૂર્ણ ઇંગ્લિશ નરનારીઓની સભામાં એક વખત ગાંધીજી બોલી ઊઠે છે, ‘ભારત પર ઉપકાર કોણે ચડાવ્યો છે, તમે કે અમે? ઘાયલ કી ગત તો ઘાયલ જ જાણે. તમને એનું ભાન છે ખરું કે તમારી ઉપર વારી વારી જતા હતા એવા દાદાભાઈ, ફીરોજશાહ, રાનડે, ગોખલે વગેરે સર્વે એક બાબતમાં એકમત હતા કે સરવાળે તમે ભારતને નુકસાન જ વધુ કર્યું છે? … અમારામાં ભલે વહીવટની કુશળતા ન હોય, સર હેન્રી કેમ્બેલ બેનરમૅને નહોતું કહ્યું કે સુરાજ્ય કાંઈ સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં? તમે જાતે તો ભૂલો કરવામાં પારંગત છો, લૉર્ડ સેલ્સબરીની ભાષામાં ‘ભૂલો કરતાં કરતાં સફળતા સુધી પહોંચી જતાં તમને આવડે છે; તેવા તમે અમને ભૂલો કરવાની આઝાદી નહીં આપો?’૨૭

ગોળમેજી પરિષદ નિમિત્તે ઇંગ્લંડની મુલાકાતનો પ્રસંગ નિર્વિવાદ રીતે ગાંધીજીના જીવનના સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ચાર-પાંચ પ્રસંગો પૈકી એક હતો. તેઓ તે વખતે બ્રિટિશ સામ્રાજ્યવાદના સિંહને એની બોડમાં જઈને પડકારી રહ્યા હતા. આ પડકારને યથાતથ રીતે વ્યક્ત કરવાનું કામ મહાદેવભાઈએ કર્યું હતું. આ મહાદેવભાઈ સારુ પૂર્ણ કળાએ ખીલવાનો કાળ હતો. એમના જીવનની જે ઉચ્ચતમ કળા હતી, ગાંધીજીના દેદીપ્યમાન વિભૂતિમત્વમાં પોતાનું શીતલ આભાવાળું વ્યક્તિત્વ સંપૂર્ણપણે વિલીન કરવાની કળા — તે તેમણે આ કાળ દરમિયાન અતિ ઉત્તમ રીતે પ્રગટ કરી હતી.

ગાંધીજી આ દિવસો દરમિયાન ભાગ્યે જ ત્રણ-ચાર કલાકની ઊંઘ લેતા. મહાદેવભાઈ ગાંધીજીથી સહજ વહેલા ઊઠતા અને એમના સૂતા પછી સૂતા. ગાંધીજી પોતાના નિવાસસ્થાનેથી મિટિંગ કે મુલાકાતે જવાના સ્થળ સુધી જતાં કેટલો સમય જશે એ જાણી લઈને કારમાં દસ-પંદર કે વીસ મિનિટની ઊંઘ કાઢતા. ઊંઘ પર એમનો એવો કાબૂ હતો. મહાદેવભાઈ અતંદ્ર હતા. કારમાં બેઠા બેઠા તેઓ નોંધો લખતા અને ગાંધીજીની મુલાકાતોના કાર્યક્રમો ગોઠવતા. ગાંધીજી કોઈ કોઈ વાર ભરીસભામાં ઝોકું ખાઈ લઈને ખરી અણીને વખતે જાગીને સામાના પ્રશ્નનો સચોટ જવાબ આપીને લોકોને આશ્ચર્યચકિત કરી મૂકતા. મહાદેવભાઈ તે વખતે આવેલી ટપાલના ઢગલા પર નજર ફેરવી લેતા. ગાંધીજી અઠવાડિયે એક વાર — સોમવારે — મૌન પાળતા, અને શનિ-રવિના દિવસોમાં લંડન બહાર જઈ આખા ઇંગ્લંડ દેશને ધમધમાવતા. મહાદેવભાઈ અઠવાડિયે અઠવાડિયે यंग इन्डिया સારુ લખાણ તૈયાર કરીને ટપાલમાં રવાના કરી આખા દેશ સુધી ગાંધીજીને પહોંચાડી દેતા. દર બુધવારની રાતે એક વાગ્યે તેઓ લખવા બેસતા, તે ગુરુવારની રાતે એક વાગ્યા સુધી સતત લખતા, વચમાં માત્ર એક કલાકની નહાવા-ધોવા-ખાવાની વિશ્રાંતિ લેતા. ગાંધીજીની અવસ્થા એકલે હાથે અનેક મહારથીઓ સામે ઝઝૂમનાર અભિમન્યુ જેવી હતી. મહાદેવભાઈ એમના સચિવ ને સલાહકાર તરીકે આ સૌને તો મળતા જ પણ સાથે ભારતમાંયે અનેકો જોડે પત્રવ્યવહાર દ્વારા સંબંધ જાળવતા. પંડિત જવાહરલાલજી પર લખેલ એમના એક પત્રના કેટલાક ભાગ જુઓ:

૮૮, નાઇટ્સબ્રિજ,
લંડન એસ. ડબ્લ્યૂ.–૧,
ઑક્ટોબર ૨૩, ૧૯૩૧

મારા વહાલા જવાહરભાઈ,

ઍર-મેલ મોકલવાનો દિવસ આવી પહોંચ્યો છે અને હંમેશ મુજબની જ કપરી અવસ્થા ઊભી થઈ છે.

બાપુએ જ્યારે ફેડરલ સ્ટ્રક્ચર્સ કમિટીમાં બોલતાં એક સખત ભાષણમાં કહ્યું કે આ ‘તાજની નીચે’ ને એવા બધા વાક્યપ્રયોગો વારંવાર કરવામાં આવે છે તેનાથી તેઓ વાજ આવી ગયા છે, ત્યારે ત્યાં એક નાનો સરખો સ્ફોટ થયો. બાપુએ કહ્યું કે એ લોકો એ મનોવૃત્તિ જેટલી ઝટ છોડે એટલું સારું. લૉર્ડ સેંકીએ બાપુને એમની નિખાલસતા અને નિર્ભીકતા અંગે અભિનંદન આપ્યાં અને મને લાગે છે કે તેઓ ખરા દિલથી તેમ કરતા હતા. પરંતુ મારા અંદાજ પ્રમાણે ૨૭મી સુધી કશાયની આશા ન રાખી શકાય.

મુસલમાનો સાથેની વાતો થંભી ગઈ છે અને એ લોકો બોલાવે નહીં ત્યાં સુધી બાપુ એમની પાસે જવાની તકલીફ લેવાના નથી. દત્તા (ડૉ. એસ. કે.)એ અમને એક કિસ્સો કહ્યો જેનાથી તમને રમૂજ ઊપજશે એની મને ખાતરી છે. એક દિવસે તેઓ એક અંગ્રેજ મિત્ર, કેમ્બેલ રહોડ્ઝને ત્યાં ઝીણાની સાથે ભોજન લઈ રહ્યા હતા. જ્યારે લઘુમતીનો પ્રશ્ન ચર્ચાતો હતો ત્યારે ઝીણા શેમ્પેઇનની ત્રીજી બાટલી ઢીંચી ચૂક્યા હતા. મિ. રહોડ્ઝે પૂછ્યું, ‘તમે સૌ સાથે મળીને એક સર્વસંમત ઉકેલ સૂચવીને સરકારને તે આપવાની ફરજ કેમ નથી પાડતા?’ શેમ્પેઇનની સૌમ્ય (!) અસર તળે ઝીણાએ જવાબ આપ્યો: ‘અહીં જ બરાબર તમે ભૂલ કરો છો. અમને શું મળવાનું છે એ અમે જાણીએ નહીં ત્યાં સુધી સર્વસંમત ઉકેલ પર આવવું અશક્ય છે અને સરકાર તો આ રીતે બળદની આગળ ગાડાને ગોઠવે છે.’ આ વાત બરાબર એ જ હતી કે જે બાપુ કહેતા આવ્યા છે, અને મુસલમાનો જેનો ઇન્કાર કરતા આવ્યા છે! (સહેજે યાદ આવવાથી એટલું કહી દઉં કે આ દાખલો નશાબંધીના વિરોધીઓને ખૂબ સબળ દલીલ પૂરી પાડશે!)

લૉર્ડ અર્વિન બાપુને મળ્યા (અથવા બાપુ એમને મળ્યા) અને એમણે આગ્રહ રાખ્યો કે તેઓ રજા ન આપે ત્યાં સુધી બાપુએ પાછા જવાનો વિચાર ન કરવો. એ કહે છે કે પરિસ્થિતિ સાવ આશા ગુમાવી બેસવા જેવી નથી. અથવા તો ચૂંટણી પતે પછી તો એવી નહીં જ રહે. અને એ પોતે બીજાઓને એ વાત ગળે ઉતારવા પ્રયત્ન કરશે કે કૉંગ્રેસની મોટા ભાગની માગણીઓ સ્વીકારી શકાય તેવી છે. જો કન્ઝર્વેટિવો (રૂઢિવાદી પક્ષ) જીતે (અને એની ઘણી શક્યતા છે) તો અર્વિન પ્રધાનમંડળના એક સભ્ય બની શકે. પણ બાપુ આવી દૈવયોગી અટકળો પર કશો આધાર રાખતા નથી. અને કોઈ પણ ઠેકાણે અને દરેક સ્થાને મોં મૂકીને બોલે છે. ચેટહમ હાઉસની મિટિંગ ભારે યશસ્વી નીવડી. જોકે લોધિયન પ્રમુખ હતા, પણ એ લત્તો રૂઢિવાદીઓનો ગઢ છે. યૂસુફઅલી અને કર્નલ ગિડનીએ સાવ અર્થ વગરની કચરા જેવી વાતો કરી, પણ બાપુ પૂરેપૂરા ખીલ્યા હતા. એમણે ઘણાનાં મન હરી લીધાં. તમે ઇતિહાસકાર જી. પી. ગૂચને ઓળખો છો. એણે કહ્યું કે ચેટહેમ હાઉસમાં એણે જોયેલી આ સર્વોત્તમ સભા હતી અને એ સભાએ ઘણા પર જબરદસ્ત પ્રભાવ પાડ્યો છે. મેં સદાનંદની મારફત આખા ભાષણનો અહેવાલ તાર દ્વારા મોકલી આપ્યો છે, જે તમે જોયો હશે. ચેટહેમ હાઉસનો ઉલ્લેખ નહોતો કર્યો, કારણ, એમની સભાઓ બંધ બારણે થતી માનવામાં આવે છે.

  • મેં એક ખાનગી થિયેટરમાં એક નાટક જોયું! તમને આંચકો લાગશે? ખરું પૂછો તો મને એ વાતની કલ્પના જ નહોતી કે ખાનગી થિયેટરો કેવાં હોય છે. એ લાઇસન્સ વગરનું નાટક હતું. એનો તો મને જરાય વાંધો નહોતો, પણ એનાં બધાં દૃશ્યો (લગભગ દસ) અપવાદ વિના શયનખંડનાં જ દૃશ્યો હતાં અને એકધારી રીતે ભૂંડાં હતાં! અને છતાં મારે કબૂલ કરવું જોઈએ કે ભજવણી શ્રેષ્ઠ કોટિની હતી! પણ મને ગમ્યું તે નાટક તો ‘બેરેટ્સ ઑફ વિમ્પોલ સ્ટ્રીટ’ હતું — મેં તમને જેને વિશે લખ્યું હતું તે ઐતિહાસિક નાટક — એની કલ્પના અને ભજવણી બંને રીતે સોહામણું. એની રજૂઆત, એનું મંચન અને બધુંયે એટલું નજાકતભરી રીતે સંસ્કારી હતું. હા, હું જાણીજોઈને ‘સંસ્કારી’ શબ્દ વાપરું છું. હું ખાનગી થિયેટર પણ સંસ્કારી હોઈ શકે એમ વિચારી શકું છું. તેથી હું બેરેટ્સ જોવા ફરી એક વાર ગયો! સાથેની કાપલી તમને ખૂબ રમૂજ પૂરી પાડશે. એક ગરીબ પ્રજાના પ્રતિનિધિના સચિવો આવો ધંધો કરી રહ્યા છે!

    ખૂબ સ્નેહપૂર્વક
    તમારો મહાદેવ૨૮

    ઉપરના પત્રાંશ જોવાથી આપણને મહાદેવભાઈના વ્યક્તિત્વનાં અનેક પાસાંનો ખ્યાલ આવે છે. અલબત્ત, એમની મહેનત, એમની બુદ્ધિમત્તા તથા એમની ગાંધીભક્તિ તો એમના ઘણાખરા પત્રોમાં દેખાઈ આવે. પણ આ પત્રમાં એમનું સ્વતંત્ર વ્યક્તિત્વ, એમની રસિકતા અને એમની વિનોદવૃત્તિ પણ છતી થાય છે. ગાંધીજી જેટલી જ દૃઢતાથી મહાદેવભાઈ પણ એમ કહી શક્યા હોત કે ‘મારામાં વિનોદ ન હોત તો હું ક્યારનોય મરી પરવાર્યો હોત.’

    ગાંધીજીનો સમય બચાવવા ખાતર ઘનશ્યામદાસ બિરલાએ એમને શૉર્ટહૅન્ડમાં નોંધ લે અને ઝડપથી ટાઇપ કરે એવો સ્ટેનોગ્રાફર મેળવી આપવાની વાત કરી. ગાંધીજીએ કહ્યું:

    હમણાં એની કાંઈ જરૂર નથી. લખવા કે લખાવવાનો સમય જ ક્યાં રહે છે? લેખ તરીકે મારી આગળ જે કાંઈ આવે છે તેને પાસ કરી દઉં છું. મહાદેવની ભાષા તો મને અનુકૂળ થઈ ગઈ છે. એનું લખાણ પણ સારું હોય છે. પ્યારેલાલનું એવું નથી, એના અક્ષર બહુ ખરાબ હોય છે અને એની ભાષા પણ પૂરી સંતોપકારક નથી હોતી. વિદ્વાન તો તે સારો છે, પણ તેની ભાષા અને લેખનશૈલી હમેશાં એકધારાં નથી હોતાં. તેનું ધ્યાન પોતાના વિષયમાં કેન્દ્રિત થયેલું હોય છે ત્યારે તો સારું લખે છે. નહીં તો ત્રુટિઓ રહી જાય છે.૨૯

    શ્રી પ્યારેલાલ પૂર્ણકળાએ તો ખીલ્યા મહાદેવભાઈના મૃત્યુ પછી. એમનું લખાણ સોળે કળાએ ખીલી ઊઠ્યું ગાંધીજીના મૃત્યુ પછી. એમનું એ અવતારકૃત્ય હતું. પરંતુ ગોળમેજી પરિષદ વખતે ગાંધીજીના લહિયા, અનેક પત્રોના લેખક અને यंग इन्डिया અને नवजीवनના ખબરપત્રી અને લેખક થવાનું સામટું કામ મહાદેવભાઈને માથે જ હતું.

    મહાદેવભાઈના અહેવાલોમાં એક જીવંતપણું હતું, કારણ, તેઓ પોતે ઝિંદાદિલ હતા. ગાંધીજીનાં ભાષણો, એમના વાર્તાલાપો અને એમની પ્રશ્નોત્તરીને લગભગ શબ્દેશબ્દની નોંધ આપવા ઉપરાંત ગાંધીજી (અથવા ઘણી વાર પોતે એકલા) જેમને મળતા તેમને વિશે થોડી લીટીઓમાં પણ એવું સરસ શબ્દચિત્ર દોરતા કે પેલી નવી વ્યક્તિ વાચકની ઓળખીતી બની જતી. એમણે દોરેલાં ચિચેસ્ટરનાં બિશપ બેલ, અને કેનન કેમ્પબેલ, मेन्चेस्टर गार्डियनના માજી તંત્રી સી. પી. સ્કૉટ, માજી બ્રિગેડિયર જનરલ કોઝિયર તથા ડીન ઑફ કેન્ટરબરીનાં શબ્દચિત્રો ટૂંકાં પણ પ્રભાવકારી છે. ગાંધીજીની ચાર્લી ચૅપ્લિન, બર્નાર્ડ શો અને માદામ મૉન્ટેસોરી સાથેની મુલાકાતો પણ આજે સાઠ વર્ષેય રસપ્રદ લાગે તેવી છે. ગાંધીજીને જ્યારે કહેવામાં આવ્યું કે ચાર્લી ચૅપ્લિન એમને મળવા માગે છે, ત્યારે તેમણે પૂછ્યું કે, ‘એ કોણ છે?’ વર્ષોથી એમનું જીવન એમની ચાલુ પ્રવૃત્તિઓ સાથે જ એટલું ગૂંથાયેલું રહ્યું હતું કે ચાર્લી ચૅપ્લિન જેવા જગવિખ્યાત હાસ્ય-અભિનેતા કોણ હતો તેનીયે તેમને ગતાગમ નહોતી. પરંતુ મહાદેવભાઈ તરત ચૅપ્લિન કોણ છે એ કહે છે. પણ જેવું ગાંધીજીને કહેવામાં આવ્યું કે ચાર્લી ચૅપ્લિન લોકોના માણસ હતા અને લોકો સારુ જીવતા હતા અને લાખોને તેમણે હસાવ્યા છે, ત્યારે તરત જ તેમની સાથે મળવાનું તેમણે સ્વીકાર્યું. ચૅપ્લિન વિશે મહાદેવભાઈ કહે છે કે, ‘શ્રી ચૅપ્લિન વિશે મારી છાપ એવી પડી કે તેઓ માયાળુ અને મિલનસાર, ડોળ વિનાના સદ્ગૃહસ્થ હતા અને ફિલ્મમાં દેખાય છે તેવા જરાય નહોતા. પણ કદાચ પોતાની જાતને છુપાવવામાં જ એમની કુશળતા રહેલી હતી. ગાંધીજીએ એમને વિશે સાંભળ્યું નહોતું પણ એમણે ગાંધીજીના રેંટિયા વિશે સાંભળ્યું હતું એમ દેખાઈ આવતું હતું, કારણ, પહેલો પ્રશ્ન એમણે એ પૂછ્યો કે ગાંધીજી મશીનરીની વિરુદ્ધ કેમ હતા. ગાંધીજીને એ પ્રશ્ન એટલો ગમી ગયો કે એમણે ભારતમાં લોકોને વરસમાં છ માસ સુધી કામ નથી મળતું એની વાત વિગતવાર સમજાવી. ત્યારે તમારો વિરોધ માત્ર કાપડ અંગે છે?’ ‘બરાબર.’ ગાંધીજીએ કહ્યું. ‘દરેક દેશે ભોજન અને વસ્ત્ર બાબતમાં સ્વપર્યાપ્ત હોવું જોઈએ, અમે પહેલાં સ્વાશ્રયી હતા અને હવે પાછા તેવા થવા માગીએ છીએ. ઇંગ્લંડ એના મોટા પાયાના ઉત્પાદનને લીધે બજાર બહાર ગોતવી પડે છે. અમે એને શોષણ કહીએ છીએ. અને શોષણ કરનાર ઇંગ્લંડ આખી દુનિયા સારુ ખતરનાક છે. પણ તે જે સારું હોય, તો ભારત અગર શોષણ કરનાર બને તો કેટલું બધું વધારે ખતરનાક બને?’

    ‘તો પ્રશ્ન ફક્ત ભારતને લાગુ પડે છે?’ શ્રી ચૅપ્લિને તરત મુદ્દો પકડતાં પૂછ્યું. ‘પણ તમને જો રશિયાની જેમ આઝાદી મળી હોય, અને તમારા બેકારો સારુ તમને કાંઈક બીજું કામ મળી રહે અને તમે સંપત્તિની સમત્વયુક્ત વહેંચણી કરી શકો તો તમે મશીનરીનો તિરસ્કાર નહીં કરો? તમે ઓછા કલાકના કામ અને મજૂરોને વધારે ફુરસદ આપવાની વાતને ટેકો આપશો?’

    ‘ચોક્કસ.’ ગાંધીજીએ કહ્યું. મહાદેવભાઈ આ વિશે લખે છે:

    આ પ્રશ્નની ચર્ચા તો સો વાર થઈ છે પણ અત્યાર સુધી મને કોઈ બિનતજ્જ્ઞ એવો સાદો વિદેશી નાગરિક નથી મળ્યો કે જેણે પરિસ્થિતિને આટલી ઝડપથી સમજી લીધી હોય. કદાચ એનું કારણ હતું ચૅપ્લિનની પૂર્વગ્રહમુક્ત અને ગમાઅણગમા વિનાની વૃત્તિ અને એમની સહાનુભૂતિ.

    સરોજિનીદેવીએ જ્યારે તેમને ઇંગ્લંડની એક જેલની તેમની મુલાકાતની યાદ અપાવી ત્યારે તે સહાનુભૂતિ વધુ સ્પષ્ટપણે પ્રગટી:

    હું ધનવાન લોકોના ટોળાનો મુકાબલો કરી શકું છું, પણ આ કેદીઓ સામે મારાથી ઊભા રહી શકાતું નથી. હું મારી જાતને કહું છું કે બસ ઈશ્વરકૃપાથી જ તું આ લોકો માંહ્યલો નથી. આપણાથી એમને સારુ કાંઈ નથી થઈ શકતું તેથી આપણે ખૂબ લાચારી અનુભવીએ છીએ. એ સળિયાની અંદર અને આપણે બહાર છીએ, એ સિવાય એમની અને આપણી વચ્ચે ફેર પણ શો છે? હું તો જેલવ્યવસ્થામાં ધરમૂળથી સુધારા કરવાના પક્ષનો છું. ગુનો એ બીજા રોગો જેવો જ રોગ છે, અને એનો ઇલાજ જેલોમાં નહીં, પણ સુધારઘરોમાં થવાં જોઈએ.૩૦

    વિખ્યાત બાલશિક્ષિકા માદામ મૉન્ટેસોરીનો એક આંતરરાષ્ટ્રીય વર્ગ ઇંગ્લંડમાં ચાલતો હતો. તેની મુલાકાત લીધી ત્યારે માદામે ગાંધીજીને ‘શરીર નહીં, પણ આત્મા’ તરીકે વર્ણવ્યા. ગાંધીજીએ માદામ મૉન્ટેસોરી બાળકોના વ્યક્તિત્વને સમ્માને છે તે વાત પર ભાર દઈ, માણસનું માણસ તરીકે ગૌરવ કરવામાં જ અહિંસા છે એમ કહી શિક્ષણ વિશેની પોતાની કલ્પના વિગતવાર સમજાવી.

    અંગ્રેજી નાટ્યસાહિત્યમાં જેનું સ્થાન કદાચ શેક્સપિયર પછી બીજા નંબરે ગણાય તે જ્યૉર્જ બર્નાર્ડ શૉ ઘણા વખતથી ગાંધીજીને મળવા માગતા હતા. એમની મુલાકાત ખાસ્સી કલાકેક ચાલી અને એમણે માનવવંશશાસ્ત્ર, ધર્મ, સમાજ, રાજકારણ, અર્થશાસ્ત્ર વગેરે અનેક વિષયોની ચર્ચા કરી. એમનો વાર્તાલાપ એમની તણખાઝરતી વિનોદવૃત્તિ અને કટાક્ષયુક્ત વ્યંગથી ઝળહળતો હતો.

    ‘હું તમારે વિશે થોડુંઘણું જાણતો હતો પણ અત્યારે આપણી વચ્ચે આત્માની સગાઈ હોય એવો અનુભવ થયો. આપણે દુનિયામાં ખૂબ નાના સમુદાયના સભ્યો છીએ.’ એકાદ પ્રશ્ન એમણે ગોળમેજી પરિષદ વિશે પણ પૂછી જ પાડ્યો, ‘આ પરિષદ તમારી ધીરજની કસોટી નથી કરતી?’ ગાંધીજીને દુ:ખ સાથે કબૂલ કરવું પડ્યું, ‘એને સારુ ગજા બહારની ધીરજની જરૂર પડે છે. આવી વસ્તુ જ અસલ વાતને છુપાવવાની મહામાયાજાળ છે અને ઘાંટા પાડી પાડીને અમારી ઉપર જે ભાષણો ઠોકવામાં આવે છે, તે તો લાગ જોઈને વખત બગાડવાની જ યુક્તિ છે. હું એમને પૂછું છું કે તમે હૈયું ખોલીને તમારી નીતિની સાફ જાહેરાત કેમ નથી કરતા, કે જેથી અમે અમારી પસંદગી અંગે કાંઈક નિર્ણય કરીએ? પણ ઇંગ્લંડના રાજકારણી સ્વભાવમાં જ જાણે એમ કરવું બંધબેસતું નથી. એને તો આંટીઘૂંટી અને કુટિલ ગલીઓથી જ ચાલતાં આવડે છે.’૩૧

    ડીન ઑફ કેન્ટરબરી સાથેની મુલાકાતનું મહાદેવભાઈએ કરેલું વર્ણન એક ઉત્તમ શબ્દચિત્ર છે. ડીને કહ્યું, ‘છાપાંવાળાઓને પ્રશ્ન થાય છે કે ગાંધીને કેન્ટરબરી આવવાનું શું પ્રયોજન હશે. મેં એમને કહ્યું કે રાજકારણની વાત બાજુએ રાખીએ, તો અમારા બંને વચ્ચે એક ખૂબ મોટો સામાન્ય વિષય છે — ધર્મ. આધ્યાત્મિક વિષયોની ચર્ચા કરવા જ હું શ્રીમાન ગાંધીને મળવા માગતો હતો અને મને ખાતરી છે કે અમે ફરીથી પણ મળશું.’

    એમણે ખૂબ આંતરિક ઘરોબાવાળી વાત કરી. પણ બીજે દિવસે એક કમિટીની મિટિંગમાં બોલવાનું હતું માટે તે દિવસે ત્રણ વાગ્યે ગાંધીજીને મૌન લેવું પડ્યું. ‘તો, તમને સાક્ષી રાખી, મિ. ડીન, હું મૌનમાં પ્રવેશ કરું છું!’ ગાંધીજીએ વિનોદપૂર્વક કહ્યું, ‘અને તમને જે બોલાવશે એની ઉપર અભિશાપ વરસજો.’૩૨ ડીને એવા જ વિનોદભાવથી જવાબ આપ્યો, ડીનના નિમંત્રણથી ગાંધીજી અને એમના સાથીઓએ કેન્ટરબરીના દેવળની પ્રાર્થનામાં હાજરી આપી. ડીને પ્રાર્થના પછીના પ્રવચનમાં ઇંગ્લંડ જે શિસ્તબદ્ધ સ્વતંત્રતા ભોગવે છે તે ભારતને પણ આપવા સારુ પ્રાર્થના કરી.

    મહાદેવભાઈની બહુમુખી પ્રતિભા અને વ્યાપક જિજ્ઞાસા તેમને તેઓ જેમની મુલાકાત લેતા તેમની અભિજ્ઞતાના વિષયોના જાણકાર બનાવી દેતી. પણ તેથીયે વધારે તે તે લોકો સાથે એમની દોસ્તી થઈ જતી. એ કહેવાની જરૂર ન હોય કે ગમે તે વિષયની ચર્ચા ચાલતી હોય પણ

    ‘जैसे ऊडीं जहाज को पंछी
    पुनि जहाज पर आबे.’

    — ની જેમ મહાદેવભાઈની સર્વ વાતો અને સર્વ વર્ણનોનો છેવટનો અનુબંધ તો ગાંધીજી જોડે જ સંધાઈ જતો. ડીન કહेવા લાગ્યા કે મહાત્માજી સાથે કોઈની પણ તુલના થઈ શકે એમ હોય તો તે આસિસિના સંત ફ્રાન્સિસની. ડીને કહ્યું, ‘મેં ગાંધીજી સાથે થયેલી વાતો પ્રેસવાળાઓને કહી છે. એમાંથી કેટલી છપાશે એ તો ભગવાન જાણે, માત્ર હું જે નથી બોલ્યો તેવા શબ્દો મારા મોંમાં ન મૂકે તો બસ. પણ આ તકનો લાભ લઈને મારે બ્રિટિશ પ્રજા આગળ એટલું તો ઘોષિત કરી દેવું જોઈએ કે જો ગોળમેજી પરિષદ નિષ્ફળ નીવડે તોપણ અમે હવે જબરદસ્તીનું રાજ સાંખી લેવાના નથી — બ્રિટિશ પ્રજા અમૃતસર (જલિયાંવાલા બાગ)નું પુનરાવર્તન સાંખી નહીં લે.’૩૩

    ઇટન એટલે રૂઢિવાદ અને સામ્રાજ્યવાદનો ગઢ. છેલ્લાં સાડા ચારસો વરસથી ત્યાંની પબ્લિક સ્કૂલમાં ઇંગ્લંડના ધનવાન વર્ગના કિશોરો ભણે છે. અને આ વિદ્યાલય ‘વડા પ્રધાનને પેદા કરનાર’ ગણાય છે. ઇંગ્લંડના ઘણા વડા પ્રધાનો અને હિંદના અનેક વાઇસરૉયોને ત્યાં જ તાલીમ મળી હતી. ઇંગ્લંડની સેનાના ઘણા જનરલો પણ ત્યાં તાલીમ પામ્યા હતા.

    એવા ગઢમાં મોટા વિદ્યાર્થીઓએ ગાંધી જેવા ‘બળવાખોર’ ને નિમંત્ર્યા અને હેડમાસ્તરના પાંચસો વરસ જૂના મહેલમાં ગાંધીજીને ઉતારો આપ્યો. એની સંમતિ આપવી એ પણ અધિકારીઓ સારુ સહેલું કામ નહીં સિદ્ધ થયું હોય, મહાદેવભાઈ કહે છે કે —

    ઇટનના વિદ્યાર્થીને ૨૫,૦૦૦ જેટલાં પુસ્તકોથી ઠસોઠસ એવા પુસ્તકાલયનો લાભ મળે છે. પણ એને ભારતનો જે ઇતિહાસ ભણાવવામાં આવે છે તે તો પરંપરાગત જ છે. કદાચ ગાંધીજીને નિમંત્રવાની રજા આપવાનું કારણ પણ એ જ હશે કે છોકરાઓને એ વાતનો બરાબર પદાર્થપાઠ મળે કે ભારત પોતે પોતાનું ચલાવી શકે એમ નથી, અને એણે પરાધીન જ રહેવું જોઈએ. ગાંધીજીએ ભેગા થયેલા પચાસેક જેટલા વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા નિમંત્ર્યા. એમના પ્રશ્નો પણ જાણે પહેલેથી નક્કી કરી રાખેલા હોયને એવા હતા. ‘શૌકતઅલીએ અમને મુસ્લિમ કેસ સમજાવ્યો, તમે હિંદુ કેસ સમજાવશો?’ પ્રમુખે પ્રસ્તાવના વખતે પણ આ જ પ્રશ્ન ઉઠાવ્યો હતો, અને વિદ્યાર્થીઓ પણ એનો એ જ પ્રશ્ન ખડો કરતા હતા. પૂર્વ લંડનના ગરીબ લત્તામાં રહેતાં બાળકો ગાંધીજી ઉપર એમનાં ઘર, એમનાં કપડાં, એમના ચપ્પલ અને એમની ભાષા વિશે પ્રશ્નોની ઝડી વરસાવતા. એના કરતાં આ પ્રશ્ન કેટલો જુદો હતો!

    પણ ગાંધીજીએ પડકાર ઝીલી લીધો અને એવો જવાબ આપ્યો કે જેની એ લોકોને અપેક્ષા નહીં હોય. ‘તમે ઇંગ્લંડમાં એક મોટું સ્થાન ધરાવો છો, તમારામાંથી કેટલાક વડા પ્રધાનો ને જનરલો બનશે. તમારું ચરિત્ર હજી ઘડાય છે, ત્યાં સુધીમાં હું તમારા હૃદયમાં પ્રવેશ કરવા માગું છું. તમને ભણાવવામાં આવતા ખોટા ઇતિહાસને સ્થાને હું તમને કેટલીક સાચી હકીકતો કહેવા માગું છું. મોટા અધિકારીઓમાં મને અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં, પણ ખોટી માહિતીને આધારે આવતું અજ્ઞાન દેખાય છે. મારે તમને સાચી માહિતી એટલા સારુ આપવી છે કે હું તમને સામ્રાજ્યના ઘડવૈયા તરીકે નથી જોવા માગતો. પણ એક એવા રાષ્ટ્રના સભ્ય તરીકે જોવા માગું છું કે જેણે બીજા દેશોનું શોષણ કરવું બંધ કરી દીધું હોય. અને જે શસ્ત્રો વડે નહીં, પણ પોતાની નૈતિક તાકાત વડે શાંતિનો રખેવાળ બન્યો હોય. મારે તમને કહેવું જોઈએ કે જ્યાં સુધી મને લાગુ પડે છે ત્યાં સુધી તો હિંદુ કેસ નામની કોઈ વસ્તુ જ નથી. કારણ, મારા દેશની આઝાદીના પ્રશ્ન અંગે તો હું તમારા બધાના કરતાં જરાયે વધારે હિંદુ નથી. હિંદુ મહાસભાવાદીઓ મારફત હિંદુ કેસની રજૂઆત થાય છે. એ લોકોનો દાવો એવો છે કે તેઓ હિંદુ માનસના પ્રતિનિધિઓ છે, પણ મારા મત મુજબ તે વાત સાચી નથી. એ લોકો એ જ પ્રશ્નનો રાજકીય ઉકેલ ઇચ્છે છે, તે એટલા સારુ કે તે ઉકેલ એમને અનુકૂળ આવે તેમ છે. હું આને વિધ્વંસક દાવપેચ કહું છું. અને એમને વીનવી રહ્યો છું કે મોટી બહુમતીના પ્રતિનિધિ તરીકે તેમણે આગળ આવીને નાની લઘુમતીને જે જોઈએ છે તે આપવું જોઈએ. તેમ કરવાથી વાતાવરણ જાદુઈ રીતે સુધરી જશે. સંપ્રદાયવાદનો આ હાઉ તો મોટે ભાગે શહેરો પૂરતો જ સીમિત છે. અને શહેરો કાંઈ હિંદ નથી. એ તો લંડન અને બીજાં પશ્ચિમી શહેરોની નકલ માત્ર છે. એ જાગ્રતપણે કે સભાનપણે ગામડાંઓનો શિકાર કરીને જીવે છે અને ઇંગ્લંડના દલાલ બનીને તમારી સાથે શોષણમાં ભાગ પડાવે છે. ભારતની આઝાદીના મહાન પ્રશ્ન આગળ આ કોમી પ્રશ્ન કાંઈ વિસાતમાં નથી. પણ આઝાદીના એ પ્રશ્ન અંગે તો બ્રિટિશ મિનિસ્ટરો સમજીબૂઝીને ચુપકીદી સેવે છે. એ લોકો એ વાત ભૂલી જાય છે કે અસંતુષ્ટ બળવાખોર હિંદ આગળ એ ઝાઝો વખત ટકી શકશે નહીં — એ વાત સાચી છે કે અમારો બળવો અહિંસક છે, પણ બળવો તો એ છે જ. જેવી વિદેશની ફાચર વચ્ચેથી કાઢવામાં આવશે તેવા સમાજનાં બે ફાડિયાં ભેગાં થયે જ છૂટકો છે. તેથી હિંદુ કેસ જેવી કશી વાત નથી. અને જે હશે તો એનું દુર્લક્ષ કરવું ઘટે.૩૪

    ‘પણ તમારે જો ઇતિહાસનો અભ્યાસ કરવો જ હોય તો એનાથી ઘણા મોટા પ્રશ્નનો અભ્યાસ કરો. લાખો લોકોએ અહિંસા અંગીકાર કરવાનું કેવી રીતે નક્કી કર્યું અને તેઓ એને કેવી રીતે વળગી રહ્યા, તેનો અભ્યાસ કરો કે જેથી તમે મોટા થાઓ ત્યારે તમારો વારસો સુધારી શકો. તમારો દેશ અમારી પર રાજ કરે છે એ તમારે માટે ગર્વનો વિષય ન બનવો જોઈએ. આજ સુધીમાં કોઈએ પોતાને જંજીરમાં નાખ્યા વિના બીજાને જંજીરમાં નાખ્યા નથી. અને કોઈ દેશે પોતે ગુલામ બન્યા વિના બીજા દેશને ગુલામ બનાવ્યો નથી. આજે ઇંગ્લંડ અને હિંદ વચ્ચે જે નાતો છે, તે અત્યંત પાપમય, અત્યંત અસ્વાભાવિક નાતો છે. અને હું ઇચ્છું છું કે તમે અમારા આ કાર્યને એટલા સારુ દુઆ આપો કે અમે સ્વતંત્રતા મેળવવાનો અમારો જન્મસિદ્ધ ને સ્વાભાવિક અધિકાર ઉપરાંત અમારી તપશ્ચર્યા અને કષ્ટસહન દ્વારા એના બેવડા અધિકારી બનીએ. હું ઇચ્છું છું કે તમે મોટા થાઓ ત્યારે તમારા દેશનો શોષણના એના પાપમાંથી ઉદ્ધાર કરીને દેશના ગૌરવમાં અદ્વિતીય એવો ઉમેરો કરો અને તેમ કરી માનવજાતિની પ્રગતિમાં પ્રદાન કરો.’૩૪

    ગાંધીજીનું મિશન અંગ્રેજો પાસેથી માગીભીખીને હિંદ સારુ અધિકારો મેળવવાનું નહોતું. ગાંધીજી તો હિંદને સ્વતંત્રતા અપાવીને ઇંગ્લંડને એનાં પાપોનું પ્રક્ષાલન કરાવવા અને એના માનવીય ગૌરવમાં વૃદ્ધિ કરાવવા માગતા હતા. એમનું જીવનકાર્ય માત્ર વીરતાનું નહીં, પણ મહાવીરપણાનું હતું. એ વાતની પ્રતીતિ મહાદેવભાઈએ હાઈસ્કૂલના કિશોરો આગળ આપેલા ગાંધીજીના પ્રવચનની નોંધ પરથી છતું કર્યું છે.

    ગોળમેજી પરિષદની અંદર અને પરિષદની બહાર હિંદને આઝાદી આપવાની વિરુદ્ધ ઠેકઠકાણે મુખ્ય દલીલ એ જ કરવામાં આવતી હતી કે એની માગ એકીઅવાજે આવવી જોઈએ. આજે તો પ્રતિનિધિઓ આ બાબતમાં મતભેદ પ્રગટ કરે છે. શરૂઆતમાં તો ગાંધીજી આનો વિવેકપૂર્ણ અને સૌમ્ય જવાબ આપતા હતા પણ જ્યારે તેમણે જોયું કે આ દલીલને આઝાદી ન આપવા માટેના બહાના તરીકે જ વાપરવામાં આવે છે, ત્યારે તેમણે પરિષદની અંદર ને બહાર ગોળ ગોળ બોલવાને બદલે ચોખ્ખું ને ચટ એ પરખાવી દીધું કે વીણી વીણીને ભેગા કરેલા સરકારના મળતિયાઓની પરિષદ પાસેથી એકીઅવાજે આઝાદીની માગણીની અપેક્ષા રાખી જ ન શકાય. અમે જીવનમરણનો સંગ્રામ ખેલ્યા છીએ. ઇંગ્લંડના એક વધુમાં વધુ ખાનદાન માણસે અમારી કસોટી કરી છે અને અમે તેમાં નાપાસ નથી સિદ્ધ થયા. પરિણામે તેણે જેલના દરવાજા ખોલી નાખ્યા અને ક્રૉંગ્રેસને ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જવા વિનંતી કરી. અમે લાંબી લાંબી વાતો ને વાટાઘાટો કરી. એમાં અમે વધુમાં વધુ ધીરજ રાખી. એક સંધિ થઈ જેની હેઠળ કૉંગ્રેસે ગોળમેજી પરિષદમાં પ્રતિનિધિત્વ કરવાનું સ્વીકાર્યું. સરકારે એ સંધિને પાળવા કરતાં તોડી વધારે. ઘણા દગદગા પછી મેં આવવાનું સ્વીકાર્યું, કારણ, પેલા ઇંગ્લિશમૅનને આપેલું વચન મારે પાળવું હતું. અહીં આવીને મેં જોયું કે ભારત અને કૉંગ્રેસની સામે મંડાયેલી તાકાતો અંગે મેં ખોટી ગણતરી કરી હતી. પણ તેનાથી હું બેબાકળો બનતો નથી. મારે જઈને કષ્ટસહન દ્વારા એ પુરવાર કરવું પડશે કે આખો દેશ આ માગણી કરે છે. હું તમારા શરીરને બદલે તમારા દિલને સ્પર્શ કરવા માગું છું. આ વખતે જો હું સફળ નહીં થાઉં તો આવતી વખતે થઈશ.૩૫ આ વાર્તાલાપને અમે કંઈક વિસ્તારથી એટલા સારુ આપ્યો કે પરિષદની અંદર શું કે પરિષદની બહાર શું ગાંધીજીની મુખ્ય વાતોનો સાર આ વાર્તાલાપમાં આવી જાય છે.

    પરિષદમાં એક મુદ્દો અંત્યજને જુદાં મતદારમંડળો આપવા વિશે પણ હતો. ભારતીય સમાજમાં રહેલા દોષોને આધારે બંધારણીય ગૂંચવાડા ઊભા કરીને હિંદની આઝાદીને આઘી ને આઘી ઠેલતા જવું એ અંગ્રેજોનો હેતુ સ્પષ્ટ હતો. ગાંધીજી નોખા મતદારમંડળના વિરોધી હતા. આ પ્રશ્ન આજે પણ રસપ્રદ થાય એવો છે. એટલે એને અંગે ગાંધીજીએ કરેલી દલીલોની મહાદેવભાઈએ રજૂ કરેલી નોંધ આજે પણ પ્રસ્તુત થઈ પડે એમ છે:

    જો એમને નોખાં મતદારમંડળો આપવામાં આવે તો ગામડાંઓ, જે રૂઢિવાદના ગઢ છે તેમાં એમનું જીવન દુ:ખી દુ:ખી થઈ જાય… મને તો ખાતરી છે કે અસ્પૃશ્યોને માટે નોખાં મતદારમંડળોનો પ્રશ્ન એ શેતાની સરકારના ભેજાની અદ્યતન ઊપજ છે. ખરી જરૂરિયાત તો એમનાં નામ મતદારમંડળોમાં દાખલ કરવાની અને એમને સારુ બંધારણમાં મૂળભૂત અધિકાર આપવાની છે. એમની સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર કરવામાં આવે કે એમના પ્રતિનિધિને જાણીજોઈને અળગા રાખવામાં આવે તો એમને સારુ એમને પૂર્ણ સલામતી આપનાર ખાસ ચૂંટણીપંચોની વ્યવસ્થા થવી જોઈએ… અસ્પૃશ્યોને માટે નોખાં મતદારમંડળથી તો તેમને કાયમની ગુલામગીરી મળશે. મુસલમાનોને અલગ મતદારમંડળ મળે, તો એ કદી મુસલમાન મટશે નહીં. તમારે અસ્પૃશ્યોને સદા માટે ‘અસ્પૃશ્ય’ રાખવા છે? અલગ મતદારમંડળ એ કલંકને સ્થાયી બનાવશે. ખરી જરૂરિયાત તો અસ્પૃશ્યતાનાબૂદ કરવાની છે. તેમ કરવાથી ‘ઉપરના’ એક વર્ગે ‘નીચલા’ વર્ગ ઉપર લાદેલી દુષ્ટ આડ દૂર થશે.૩૬

    આ વખતની મુલાકાતમાં ગાંધીજીની સમ્રાટ પંચમ જ્યૉર્જ સાથેની મુલાકાત એક વિશેષ ઘટના હતી. સ્વરાજ માટેના બંધારણીય અધિકારોની માગણીની દૃષ્ટિએ જોઈએ તો આ મુલાકાત કેવળ ઔપચારિક કહેવાય એવી હતી. કારણ, ઇંગ્લંડમાં રાજાનું સ્થાન પોતે જ એક ઔપચારિક સ્થાન છે. પણ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ આ મુલાકાતનું થોડું મહત્ત્વ જરૂર ગણાવી શકાય. ચર્ચિલ જેને અડધા નાગા ફકીર કહેતા હતા, તેવો એક માણસ રાજાને મળવા જાય એ ભારતીય નાગરિકોનું સન્માન વધારે એવી ઘટના હતી એમ કેટલાક માનશે. આ મુલાકાતમાં ગાંધીજીની સાથે એકલા મહાદેવભાઈ હતા. છાપાંવાળાઓ તો ગાંધીજી કેવો વેશ પહેરીને રાજાને મળશે એ અંગે વિધવિધ પ્રકારની અટકળો કરતા હતા. પણ ગાંધીજી પોતાની પોતડી અને ચાદરના વેશમાં જ અને મહાદેવભાઈ ધોતિયું, ડગલો અને સફેદ ગાંધીટોપીમાં જ ગયા હતા. આ મુલાકાત અંગે ટિપ્પણી કરતાં મહાદેવભાઈએ એની વધારે પડતી કિંમત ન આાંકવાની સલાહ આપી છે:

    કેટલાક કહેશે કે બકિંગહામ રાજમહેલનો સત્કાર-સમારંભ એક મહત્ત્વની ઘટના હતી. શહેનશાહ અને શહેનશાહબાનુ પ્રત્યે અદબ સાથે મારે કહેવું જોઈએ કે હું તેમ નથી કહી શકતો. આવા સમારંભનો કશો અર્થ છે ખરો? શહેનશાહ અને શહેનશાહબાનુ લોકોને ખરેખરા અર્થમાં મળે છે ખરાં? એ લોકો કાંઈ કામકાજ પતાવે છે ખરાં? પતાવી શકે ખરાં? એ મળવું મૂક અભિનય જેવું વધારે નથી થતું? અને છતાં કોઈ કહી શકે છે કે ગાંધીજી તો ત્યાં ગયા હતા, શા સારુ ગયા? જો તે એટલું બધું અર્થવિહીન હતું તો શા સારુ એમણે જવાનું ટાળ્યું નહીં? વાચકોને એમના મનની કાંઈક ઝાંખી આપું? ક્વેકર લોકોની એક મિટિંગમાં એમણે તેનું વર્ણન કર્યું: ‘હું અહીં એક મૂંઝવણભરી સ્થિતિમાં છું. હું અહીં મારા દેશના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે નહીં, પણ આ દેશના મહેમાન તરીકે આવ્યો છું. તેથી મારે અહીં ફૂંકી ફૂંકીને ચાલવું જોઈએ. તમે એમ ધારો છો કે લઘુમતી કમિશનમાં વડા પ્રધાનનું ધમકીભર્યું ભાષણ મને ગમી ગયું હતું? મેં તો ત્યાં ને ત્યાં જ એનો રદિયો આપી દીધો હોત, પણ હું ચૂપ બેઠો. ઘેરે આવીને મેં ઠપકાનો એક હળવો પત્ર લખ્યો. અને આ અઠવાડિયે મારી આગળ એક નૈતિક કોયડો આવીને ઊભો છે. મને શહેનશાહના સ્વાગત-સમારંભનું નિમંત્રણ મળ્યું છે. ભારતમાં બની રહેલી ઘટનાઓ અંગે મારા દિલમાં એવી બળતરા થાય છે કે એવા સમારંભોમાં હાજરી આપવાને મારું દિલ નથી કરતું. અને જો મારા પોતાના સ્વતંત્ર અધિકારથી અહીં આવ્યો હોત તો મને નિર્ણય કરતાં વાર ન લાગત. પણ મહેમાન છું એટલે નિર્ણય કરતાં ઢચુપચુ થાઉં છું. હું કોઈ કામ ઉતાવળે ન કરી શકું. મારે તો દરેક ક્ષણે વસ્તુનું કાયદેસરનું પાસું નહીં, પણ નૈતિક પાસું તપાસવું પડે છે.’૩૭

    મહાદેવભાઈ કહે છે:

    નૈતિક પાસાના વિચારે જ એમણે જવાનું નક્કી કર્યું. એમણે લૉર્ડ ચેમ્બરલિનને એક વિવેકભર્યો પત્ર લખીને નિમંત્રણ આપવા બદલ આભાર માન્યો અને જણાવ્યું કે તેઓ અને તેમના સાથી [મહાદેવભાઈ] જેને પણ નિમંત્રણ હતું, તેઓ બંને પોતાની સામાન્ય વેશભૂષામાં જશે. સામાન્ય રીતે ગાંધીજી સર્વ સામાજિક સમારંભોમાંથી માફી માગી લે છે. પણ બીજા કેટલાક પ્રસંગોની માફક અહીં પણ એમને અપવાદ કરવો પડ્યો. કારણ, અવિવેક દેખાય એવું કશું તેઓ કરવા માગતા નહોતા. ‘એમની વિરુદ્ધ વાપરી શકાય એવું કાંઈ પણ કરવાથી તેઓ બચવા માગે છે.’૩૭

    મહાદેવભાઈને તો આ મુલાકાત અંગે ગાંધીજીનું વલણ કેવું હતું એ દુનિયાને જણાવવામાં જ રસ હતો. પણ શ્રી ઘનશ્યામદાસ બિરલાએ પ્રત્યક્ષ મુલાકાતનું વિગતવાર વર્ણન આપ્યું છે, અને તેમની દૃષ્ટિએ એનું મહત્ત્વ સમજાવ્યું છે. તે આ સંદર્ભમાં જોઈ લેવા જેવું છે. છઠ્ઠી નવેમ્બર, ૧૯૩૧ની પોતાની ડાયરીમાં શ્રી બિરલા લખે છે, ‘ગઈ કાલે ગાંધીજી અને અમે શહેનશાહના મહેમાન હતા. અમે બધા મળીને લગભગ ૪૦૦ હતા. કેટલાક તો દેશી પોશાકમાં હતા. હું તો દેશી પોશાક લાવ્યો જ નહોતો, એટલે ‘ચિમની’ હૅટ પહેરીને જ ગયો હતો. મહેલમાં વીજળીનો ભપકો અને કાળા પોશાકવાળાઓની વચ્ચે અડવાણે પગે અને ચાદર ઓઢેલા ગાંધીજી અમાસની રાત્રે ચંદ્ર જેવા લાગતા હતા. શહેનશાહ અને શહેનશાહબાનુ સિંહાસન ભવનમાં એક તરફ ઊભાં રહ્યાં અને અમે લોકો પ્રણામ કરતા તેમની સામેથી પસાર થયા! બધા પ્રણામ કરી રહ્યા, એટલે શહેનશાહ અને શહેનશાહબાનુએ અમુક નક્કી કરેલા લોકોને બોલાવીને વાતો કરવી શરૂ કરી. પહેલાં હૈદરાબાદના પ્રધાન, પછી મૈસુરના પ્રધાન, પછી વડોદરાના પ્રધાન, ત્યાર પછી ગાંધીજીને બોલાવવામાં આવ્યા. તેમની સાથે લગભગ સાત મિનિટ સુધી ઊભાં ઊભાં વાત થઈ.

    ‘વાતચીતમાં મુખ્ય ભાગ સમ્રાટનો હતો. ગાંધીજી હસતા જતા હતા; બોલ્યા બહુ ઓછું. વાતચીતનો સાર આ પ્રમાણે સાંભળવામાં આવ્યો:

    સમ્રાટે કહ્યું કે, ‘હું આપને સારી રીતે ઓળખું છું. હું જ્યારે યુવરાજ તરીકે દક્ષિણ આફ્રિકા ગયો ત્યારે આપે હિંદી પ્રજા તરફથી મને માનપત્ર આપ્યું હતું. ઝૂલુયુદ્ધમાં પણ આપે મદદ કરી. ત્યાર પછી મહાયુદ્ધમાં પણ આપે અને આપનાં ધર્મપત્નીએ બહુ મદદ કરી. અફસોસની વાત એ છે કે, ત્યાર પછી આપનું વલણ બદલાઈ ગયું અને આપે સત્યાગ્રહ અખત્યાર કર્યો. આપ જાણો છો કે, પોતાની હકૂમત કાયમ રાખવી એ સરકારને માટે આવશ્યક છે — રાજ્ય તો આખરે ચલાવવું જ પડે છે.’ ગાંધીજીએ કહ્યું, ‘શ્રીમાનને એટલો સમય નથી અને હું પ્રત્યુત્તર આપવા ઇચ્છતો પણ નથી.’ સમ્રાટે કહ્યું, ‘ઠીક, પણ રાજ્ય તો કરવું જ પડે છે.’ પછી તેમણે બંગાળની બૉમ્બબાજીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ‘આ બહુ બૂરી વસ્તુ છે, એથી કાંઈ લાભ નથી.’ ગાંધીજીએ કહ્યું કે, ‘હું એ રોકવાનો ખૂબ પ્રયત્ન કરતો રહું છું.’ પછી સમ્રાટે પૂછ્યું: મેં સાંભળ્યું છે કે આપ બાળકોને ખૂબ ચાહો છો, એ સાચું છે?’ ગાંધીજીએ કહ્યું કે, ‘હું બાળકો વચ્ચે જ રહું છું.’

    ઘટના પર વિવેચન કરતાં શ્રી બિરલા લખે છે, ‘ગાંધીજીનું સમ્રાટને મળવું એ રાષ્ટ્રીયતાનો વિજય છે. આ પહેલો પ્રસંગ છે જ્યારે એક અર્ધનગ્ન માણસ અને સાથે ગાંધીટોપી પહરેલા મહાદેવભાઈ સમ્રાટને મળ્યા.’૩૮ પત્રકારો આગળ તો ગાંધીજીએ આ મુલાકાતને વિનોદમાં જ ફેરવી નાખી. કોઈક પત્રકારે એમને પૂછ્યું, ‘તમે આટલાં ઓછાં વસ્ત્રોમાં શહેનશાહને મળવા કેમ ગયા?’ ગાંધીજીએ કહ્યું, ‘શહેનશાહની બેઅદબી માફ, પણ તેમણે એકલાએ જ બે જણને ચાલે એટલું પહેર્યું હતું તેથી!’

    ગાંધીજી કહેતા કે જો મારામાં વિનોદવૃત્તિ ન હોત તો મેં ક્યારનોયે આપઘાત કરી લીધો હોત તે વાતની પ્રતીતિ ઇંગ્લંડમાં અનેક વાર થતી.

    ગાંધીજીને મળવા આવતા ભાતભાતના લોકો સાથે તેઓ ઘણી વાર મજાક કરી લેતા. એક સવારે મીરાંબહેન ફરીને પાછાં આવતાં હતાં ત્યારે એક જણે એમની પાસે આવીને કહ્યું, ‘મેં નૌકાદળમાં એકવીસ વરસ ચાકરી કરી છે. તમારા બાપુજીના હાથ નીચે કામ કરતો. વળી મારા જમાઈ ગાંધી સારુ બકરીનું દૂધ પૂરું પાડે છે. ગાંધી મને હસ્તાક્ષર આપે ખરા કે નહીં? એમની વિનંતી ખાલી ન ગઈ. ગાંધીજીએ તેમને અંદર બોલાવ્યા. અંદર આવીને એમણે પોતાની આત્મકથા કહી. પણ આ વખતે આટલી વધારાની વાત કરી: ‘તમને અને તમારા કાર્યને સારુ સફળતા ઇચ્છું છું જી. મેં તો જિંદગી પૂરતી જોઈ લીધી. યુદ્ધ દરમિયાન મેં સૈનિક તરીકે કામ કર્યું હતું; એકથી બીજી જગાએ મને ફેંકવામાં આવ્યો હતો — ઠરી જતા પગ સાથે અમને સલોનિકા અને ગલિપોલીમાંથી કૂચ કરાવી હતી. આવતી લડાઈમાં જોડાવાને બદલે તો હું જેલમાં જવાનું વધુ પસંદ કરું. એ તો જી એક ભયંકર ધંધો છે. હું તમારા કાર્ય સારુ લડવાનું પસંદ કરું ખરો. તમારા કામમાં સફળતા ઇચ્છું છું.’ એમની પાસે દૂધ પૂરું પાડનાર દીકરી અને જમાઈના ફોટાઓ હતા.

    એ જવાની તૈયારી કરતા હતા એટલામાં ગાંધીજીએ એમને પૂછ્યું, ‘તમને કેટલાં બાળકો છે?’ ‘આઠ જી, ચાર છોકરાઓ અને ચાર છોકરીઓ જી.’ ‘મારે ચાર દીકરા છે,’ ગાંધીજીએ કહ્યું, ‘એટલે તમારી સાથે અડધે રસ્તે દોડી શકું એમ છું.’ અને આખો ઓરડો ખડખડાટ હસી પડ્યો.૩૯

    હવે આપણે ખૂબ સંક્ષેપમાં ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં ભજવેલા ભાગ પર દૃષ્ટિ કરીએ. અલબત્ત, મહાદેવભાઈએ આ પરિષદ અને એની વિવિધ ઉપ-સમિતિઓમાં ગાંધીજીએ આપેલાં એકાદ ડઝનેક જેટલાં ભાષણોની વિગતવાર નોંધ લીધી છે, તેથી જ આ ઐતિહાસિક તબક્કે ગાંધીજીએ ભજવેલા ભાગનો અહેવાલ આપણને મળે છે. આખા સામ્રાજ્ય અને એના મળતિયાઓની સામે આ સુકલકડી માણસ એકલે હાથે ઝઝૂમ્યો હતો. બ્રિટિશ સરકારે ઇચ્છ્યું હોત તો કદાચ ગાંધીજીનાં ભાષણોને એમના અધિકૃત અહેવાલમાં દાટી કે છુપાવી દીધાં હોત, પણ ગાંધીની સિંહગર્જનાને જીરવવા અને ઝીલવા મહાદેવની લેખિની સમર્થ હતી. તેથી એ ઇતિહાસ જળવાયો છે. અહીં પ્રત્યેક ભાષણની વિગતમાં જવું અશક્ય પણ છે અને અપ્રસ્તુત પણ છે. અહીં તો આપણે માત્ર એટલી જ નોંધ કરીએ કે આ નોંધો દ્વારા મહાદેવભાઈએ બમણી વફાદારીનું કામ બજાવ્યું. પહેલી વફાદારી ગાંધીજી પ્રત્યે કે જેને લીધે એમના શબ્દોનો મર્મ સમજીને એ શબ્દોને ઝીલ્યા. બીજી વફાદારી દેશ પ્રત્યે જેના લોકોને ગાંધીજીના દરેકેદરેક ભાષણથી મહાદેવભાઈએ વાકેફ રાખ્યા.

    ગોળમેજી પરિષદની ફેડરલ સ્ટ્રક્ચર કમિટી સામેના પ્રથમ ભાષણમાં ગાંધીજીએ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ભૂમિકા સમજાવીને રાષ્ટ્રીય ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં દેશની માગ શી છે એની સ્પષ્ટ સમજ આપી. એમણે કહ્યું કે અમારે માત્ર રાજનૈતિક બંધારણીય ફેરફારો નથી જોઈતા. અમારે ઇંગ્લંડ જોડે સંબંધો કાપી નથી નાખવા, માત્ર અમારે એની જોડે સરખેસરખી ભાગીદારી જોઈએ છે. ઇંગ્લંડ જેટલી જ સંપૂર્ણ આઝાદી મેળવ્યા વિના એ શક્ય નથી.

    સરકારે જાણીજોઈને ગાંધીજીને પજવવાના ખ્યાલથી જ જાણે ન હોય, તેમ તેમને ગોળમેજી પરિષદની લઘુમતી સમિતિના અધ્યક્ષ નીમ્યા હતા. એની જાહેર બેઠકની શરૂઆતમાં જ ગાંધીજીએ એક અઠવાડિયા સુધી ખાનગી વાટાઘાટો દ્વારા એકમતી સાધવામાં સાંપડેલી નિષ્ફળતાના એકરારથી કરી. એમણે એ પણ સ્પષ્ટતા કરી કે કમિટી બનાવવામાં જ એવી રીતે આવી હતી કે તેમાં નિષ્ફળતાનાં કારણો સમાયેલાં હતાં. વળી જ્યાં સુધી સરકાર શું આપવાની છે એની જાણ ન થાય ત્યાં સુધી આસપાસના કજિયાથી આપણે શું ખોવાના છીએ એનું ભાન શી રીતે થાય? એટલે એની કશી જાહેરાત કર્યા વિના લઘુમતી સમિતિને બોલાવવી એક વખતનો નિર્ણય હતો. ગાંધીજીએ લઘુમતી સમિતિને અનિશ્ચિત કાળ સુધી મુલતવી રાખવાની સલાહ પણ આપી.

    ગાંધીજીના પ્રમુખપણા હેઠળ લઘુમતી સમિતિમાં કોઈ સર્વસંમત નિર્ણય ન થઈ શક્યો એટલે કેટલીક લઘુમતીના પ્રતિનિધિઓએ મળીને પોતાનું એક સર્વસંમત નિવેદન ઘડ્યું, સર હ્યુબર્ટ કારે કટાક્ષમાં ગાંધીજીનો આભાર માનીને કહ્યું કે, ‘આપ નિષ્ફળ ગયા એટલે જ બીજી લઘુમતીઓ સર્વસંમત થઈ શકી.’ ગાંધીજીએ એનો વળતો જવાબ આપતાં કહ્યું કે, ‘સરકારને આત્મસંતોષ લેવાથી હું વંચિત નહીં કરું, પણ એમણે જે કર્યું છે તે માત્ર મડદું ચીરવાનું કામ કર્યું છે. કારણ, એમની યોજના જવાબદાર રાજ્યતંત્ર મેળવવાની નહીં, પણ નોકરશાહીમાં ભાગ પડાવવા માટેની જ છે.’૪૦

    લઘુમતીઓની યોજનાઓ તરફ આંગળી ચીંધીને વડા પ્રધાને તો એટલે સુધી કહી દીધું હતું કે આ બધી લઘુમતીની જનસંખ્યા ગણીએ તો તે દેશના ૪૬% થાય. એટલે વડા પ્રધાને ગણતરી કરી બતાવી કે આ યોજનાને સાડા અગિયાર કરોડ લોકોનો ટેકો છે. ગાંધીજીએ કહ્યું કે:

    આમ તે કાંઈ આંકડા ગણાતા હશે? તમે જ જે આંકડા ગણાવ્યા તેમાં ખાટલે મોટી ખોડ છે. જેમણે આ યોજના પર સહીઓ કરી તે સૌને પોતપોતાની કોમના પ્રતિનિધિ ગણી લીધા. તો અહીં હાજર રહેલી એક મહિલા-પ્રતિનિધિએ આમાં સહી નથી કરી. અને મહિલાઓની સંખ્યા તો દરેક કોમમાં અડધોઅડધ છે. એ ગણીએ તો વડા પ્રધાનના ૪૬%, ૪૬ મટીને ૨૩ % થઈ જાય.’ ગાંધીજીએ ફરીથી ભારપૂર્વક કહ્યું કે, ‘સેવાના અધિકાર વડે કૉંગ્રેસ દેશના ૮૫%થી ૯૫ ટકા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશની ખેતી કરનારી જનતાની સેવા અહીં આવેલા સૌમાં ફક્ત કૉંગ્રેસે જ કરી છે. સરકાર જો આ પડકારને ઝીલવા તૈયાર હોય તો લોકમત લઈ જુઓ અને પછી જુઓ કોણ કેટલા ટકાનું પ્રતિનિધિત્વ કરે છે તે. એનાથી આગળ ચાલીને હું તો એટલે સુધી કહું કે તમારી જેલોના ચોપડા તપાસો અને જુઓ કે એ ચોપડામાં સત્યાગ્રહી મુસલમાનો કેટલા ભારે પ્રમાણમાં નીકળે છે.’ આ જ ભાષણમાં ગાંધીજીએ અસ્પૃશ્યોને અલગ પાડવાનો વિરોધ કર્યો, અને છેવટે એટલે સુધી કહ્યું કે, ‘મારામાં જેટલી શક્તિ છે તેટલી બધી વાપરીને એ કહેવા માગું છું કે આ યોજનાનો વિરોધ કરનાર હું એકલો જ હોઈશ તો હું પ્રાણપણે એનો વિરોધ કરીશ.’

    ફેડરલ સ્ટ્રક્ચર કમિટીની એક બીજી મિટિંગમાં સંરક્ષણના વિષય પર ચર્ચા કરતાં તેમણે કહ્યું કે:

    જે દેશના હાથમાં એના સંરક્ષણ અને વિદેશનીતિની જવાબદારી ન હોય તેને જવાબદારીભર્યું તંત્ર મળ્યું જ ન કહેવાય… અત્યારે તો અમારા દેશમાં જે સેના છે તે તો કબજે કરી બેઠેલી ફોજ છે. પછી ભલે એમાં શીખ, ગુરખા, પઠાણ, મદ્રાસ કે રાજસ્થાનના લોકો કામ કરતા હોય — છે તો એ વિદેશી સરકારના અંકુશ હેઠળની ફોજ. હું તો એમ જ કહું છું કે જો સેનાનો કબજો અમારા હાથમાં ન આવતો હોય તો એનું અત્યારે ને અત્યારે વિઘટન થવું જોઈએ. તમે બ્રિટિશ મિનિસ્ટરો અને પ્રજા જો ખરેખર ભારતનું કલ્યાણ ઇચ્છતાં હો, ને અત્યારે ને અત્યારે અમને સત્તા હવાલે કરવા માગતાં હો તો સેનાનો કબજો અમારા હાથમાં હોવો જોઈએ એ એની અનિવાર્ય શરત છે.’૪૨

    આવા ધારદાર શબ્દો મોટા ભાગના સભાસદો જ્યાં ચૂંચાં કરવાની પણ હિંમત ન દેખાડતા હોય ત્યાં, દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યની રાજધાનીમાં એના તમામ રાજકર્તાઓની ઉપસ્થિતિમાં અને એની આખી પ્રજાને ઉદ્દેશીને છાતી કાઢીને માત્ર ગાંધીજી જ બોલી શકે. અને એમની પાછળ મૂંગે મોઢે બેસી રહીને, હાથમાં એકાદ પાટિયું અને એકાદ જાડી નોટબુક રાખીને, ગાંધીજી બોલતા હોય એટલી જ ઝડપથી એમના શબ્દો ઝીલી લઈને મહાદેવભાઈની કલમ જ ઉતારી શકે. મહાદેવભાઈનું હૃદય એક ખરલ સમું હતું. એમાં ગાંધીવાણી મહાદેવની ભક્તિ સાથે મળી, મહાદેવના નાનામોટા દરેકેદરેક તપ:પૂત કર્મ સાથે ઘૂંટાઈ ઘૂંટાઈને એક અદ્ભુત રસાયણ તૈયાર કરતી. આ રસાયણ મૂળ ગાંધીવાણીના પદાર્થને વધુ પુષ્ટિકર અને સ્વાસ્થ્યકર બનાવતું. મહાદેવની લેખિની વડે તે એટલું સુપાચ્ય બનતું કે સહજે સર્વજનસુલભ બની જતું.

    ગોળમેજી પરિષદમાં ગાંધીજીનું છેલ્લું ભાષણ અપ્રતિમ હતું. એ આખા ભાષણને અહીં લઈ જ ન શકાય. પણ તેમાંથી એક ફકરો — જે મોહન-મહાદેવની જુગલબંધીને લીધે આપણી આગળ આજે પણ શબ્દબદ્ધ મોજૂદ છે અને જે વિચારની સમૃદ્ધતાને લીધે આજે પણ એટલો પ્રસ્તુત છે તે ઉતારવાનો લોભ ખાળી શકાતો નથી:

    તમારા એક મુત્સદ્દી મારી જોડે ચર્ચા કરતા હતા. એમણે કહ્યું, ‘ખરેખર તમે સંપૂર્ણ સ્વતંત્રતાનો આવો અર્થ કરતા હશો એ હું સમજતો નહોતો.’ એમણે જાણવું જોઈતું હતું, પણ એ જાણતા નહોતા. એ શું જાણતા નહોતા તે હું તમને કહું. મેં જ્યારે એમને કહ્યું, ‘હું સામ્રાજ્યનો ભાગીદાર ન થઈ શકું,’ ત્યારે એમણે કહ્યું, ‘અલબત્ત, એ તર્કસંગત વાત છે.’ મેં જવાબ આપ્યો, ‘પણ મારે તે બનવું છે. મને કોઈ બળજબરીથી બનાવે તેમ નહીં, પણ મારી ઇચ્છા ગ્રેટ બ્રિટનના ભાગીદાર બનવાની છે. મારે અંગ્રેજ પ્રજા જોડે ભાગીદાર બનવું છે, પણ તમારા લોકો જે ભોગવે છે તે જ સ્વતંત્રતા મારે ભોગવવી છે, અને મારે આ ભાગીદારી માત્ર ભારતના લાભ ખાતર નથી જોઈતી કે નથી જોઈતી પરસ્પરના લાભ ખાતર. મારે તો એ ભાગીદારી એટલા સારુ જોઈએ છે કે આજે જે ભાર આખી દુનિયાને દળીને ચૂરેચૂરા કરી રહ્યો છે તે એમના ખભા પરથી હટી જાય.’

    ગાંધીજીએ ગોળમેજી પરિષદની છેલ્લી બેઠકમાં પોતે ખાલી હાથે જતા હતા છતાં ઉત્સાહપૂર્વક કહ્યું, ‘મને શહેનશાહ અને શહેનશાહબાનુથી માંડીને લંડનના ઈસ્ટ એન્ડમાં જ્યાં મેં નિવાસ કર્યો છે ત્યાં વસતા ગરીબમાં ગરીબ માણસનો આભાર માનવાનું સુખદ કાર્ય કરવા દો.

    એ મહોલ્લો જે લંડનના ઈસ્ટ એન્ડના ગરીબ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાં હું એમના માંહ્યલો જ બની ગયો છું. એ લોકોએ મને પોતાના પરિવારના એક સભ્ય, એક કૃપાપાત્ર સભ્ય તરીને સ્વીકાર્યો છે. મારી સાથે ગાંઠે બાંધી જઈશ તેવું એ મોંઘામાં મોંઘું ધન હશે. અહીં પણ જેમના જેમના સંપર્કમાં આવ્યો છું તેમના તરફથી મને આદરવિવેક સિવાય બીજું કશું મળ્યું નથી. હું આટલા બધા અંગ્રેજોના સંપર્કમાં આવ્યો છું. મારે સારુ એ અમૂલ્ય લહાવો હતો. એમણે ઘણી વાર એમને સારુ જે અપ્રિય હશે એવા સત્યને સાંભળ્યું છે. મારે એવી વાતો એમને કહેવી પડી છે, પણ એમણે કદીયે જરાકેય અધીરાઈ કે ચીડ નથી દેખાડી. આ બધી વાતો ભૂલવી મારે સારુ અસંભવ છે. મારું ગમે તે થાઓ, આ ગોળમેજી પરિષદમાંથી ગમે તે નીપજે, પણ એક વાત તો હું જરૂર મારી સાથે લેતો જઈશ, કે ઉપરથી માંડીને નીચે સુધી મને તો વધુમાં વધુ વિનય અને સ્નેહ સિવાય કશું સાંપડ્યું નથી. મને લાગે છે કે આ માનવીય સ્નેહ મેળવવા ખાતર પણ મારું ઇંગ્લંડ આવવાનું સાર્થક થયું છે.

    જોકે અંગ્રેજ સ્ત્રીપુરુષોને જૂઠાણાં પર પોષવામાં આવ્યાં છે, જેને તમારાં છાપાંઓને ઘણી વાર કદરૂપા કરતાં હું જાઉ છું, ને લૅંકેશાયરમાં ત્યાંના લોકોને મારા પ્રત્યે ચિડાવાને કદાચ કાંઈક કારણ પણ હશે, પણ ત્યાંય મેં કશી ચીડ કે ગુસ્સો ન ભાળ્યો. ત્યાંનાં કારખાનામાં કામ કરતા કારીગરોમાંયે નહીં. તેથી માનવસ્વભાવ વિશેની મારી શ્રદ્ધા વધુ ઊંડી ગઈ છે અને વધુ અદમ્ય બની છે.

    મારી જોડે હું હજાર હજાર અંગ્રેજોની ભાઈબંધી લેતો જાઉં છું. હું એ લોકોને ઓળખતો નથી, પણ વહેલી સવારે જ્યારે હું સડક પર ફરવા નીકળું છું ત્યારે હું તેને તેમની આંખોમાં નિહાળું છું. મારા અભાગિયા દેશનું ગમે તે થાય તોયે આ સર્વ આતિથ્ય, આ સર્વ કૃપા, મારા સ્મરણમાંથી કદી ભૂંસાશે નહીં, તમારી સહિષ્ણુતા બદલ હું આભારી છું.૪૩

    મહાદેવભાઈ ઇંગ્લંડ છોડતાં પહેલાં બાબલાને યાદ કરીને એને સારુ કાંઈક વસ્તુ ખરીદવા એગથા હેરિસન સાથે બજારમાં ગયા. તેઓ તેમને રમકડાંની એક પ્રસિદ્ધ દુકાન હરોડ્ઝ સ્ટોર્સમાં લઈ ગયા. પણ ત્યાંનો આડંબર જોઈને મહાદેવભાઈ કહે, ‘બીજાં બાળકોને પૂરતું ખાવાનું નથી મળતું ત્યાં હું બાબલાને માટે આવાં રમકડાં કેમ ખરીદી શકું?’ છેવટે તેમણે એક સસ્તી દુકાનમાંથી છ પેનીની રંગની પેટી અને ચિત્રો દોરવા માટે એક ચોપડી ખરીદી.

    નોંધ:

    ૧.   गांधीजीनो अक्षरदेह – ૪૭ : પૃ. ૪૩૩.

    ૨.   સંપાદકો: સી. રાજગોપાલાચારી, જે. સી. કુમારપ્પા, ધ નૅશન્સ વૉઈસ: પૃ. ૯૬.

    ૩.   એજન, પૃ. ૧૦૧.

    ૪.   એજન, પૃ. ૧૧૧.

    ૫.   એજન, પૃ. ૧૧૫.

    ૬.   એજન, પૃ. ૧૧૬.

    ૭.   ઘનશ્યામદાસ બિરલા: गांधीजी साथे गोळमेजीमां : પૃ. ૧૮.

    ૮.   એજન, પૃ. ૨૮, ૨૯.

    ૯.   મ્યૂરિયોલ લેસ્ટર: गांधीजीनी युरोपयात्रा : પૃ. ૨૬થી ૨૯માંથી સારવીને, અને गांधीजीनो अक्षरदेह – ૪૮ : પૃ. ૮.

    ૧૦.   સંપાદકો: સી, રાજગોપાલાચારી, જે. સી. કુમારપ્પા:ध नॅशन्स वॉइस : પૃ. ૧૨૦.

    ૧૧.   એજન, પૃ. ૧૨૧.

    ૧૨.   ઘનશ્યામદાસ બિરલા: गांधीजीनो साथे गोळमेजीमां: પૃ. ૧૨-૧૩માંથી સારવીને.

    ૧૩.   એજન, પૃ. ૧૩.

    ૧૪.   એજન, પૃ. ૨૮.

    ૧૫.   સંપાદકો: સી. રાજગોપાલાચારી અને કુમારપ્પા: ध नॅशन्स वॉइस : પૃ. ૧૩૨.

    ૧૬.   ઘનશ્યામદાસ બિરલા: गांधीजीनो साथे गोळमेजीमां : પૃ. ૩૯-૪૦માંથી સારવીને.

    ૧૭.   એજન, પૃ. ૫૧.

    ૧૮.   એજન, પૃ. ૫૩.

    ૧૯.   એજન, પૃ. ૫૫.

    ૨૦.   એજન, પૃ. ૫૬.

    ૨૧.   એજન, પૃ. ૨૮.

    ૨૨.   સંપાદકો: સી. રાજગોપાલાચારી અને જે. સી. કુમારપ્પા: ध नॅशन्स वॉइस : પૃ. ૨૨૮.

    ૨૩.   સંપાદકો: સી. રાજગોપાલાચારી અને કુમારપ્પા: ध नॅशन्स वॉइस : પૃ. ૨૦૮થી ૨૧૨માંથી સારવીને.

    ૨૪.   એજન, પૃ. ૨૧૩.

    ૨૫.   એજન, પૃ. ૧૨૨.

    ૨૬.   એજન, પૃ. ૧૪૧.

    ૨૬અ. એજન, પૃ. ૧૯૧-૧૯૨.

    ૨૭.   એજન, પૃ. ૧૪૭.

    ૨૮.   નેહરુ મ્યુઝિયમ અને પુસ્તકાલય, નવી દિલ્હીના પત્રસંગ્રહમાંથી.

    ૨૯.   ઘનશ્યામદાસ બિરલા: गांधीजी साथे गोळमेजीमां: પૃ. ૨૫.

    ૩૦.   સંપાદકો: સી. રાજગોપાલાચારી અને કુમારપ્પા: ध नॅशन्स वॉइस : પૃ. ૧૨૮-૧૨૯માંથી સારવીને.

    ૩૧.   એજન, પૃ. ૧૫૮.

    ૩૨.   એજન, પૃ. ૨૧૪.

    ૩૩.   એજન, પૃ. ૨૧૪-૨૧૮ માંથી સારવીને.

    ૩૪.   એજન, પૃ. ૧૮૧-૧૮૩ માંથી સારવીને.

    ૩૫.   એજન, પૃ. ૧૮૭-૧૮૮.

    ૩૬.   એજન, પૃ. ૧૮૮-૧૮૯માંથી સારવીને.

    ૩૭.   એજન, પૃ. ૧૫૮-૧૫૯.

    ૩૮.   ઘનશ્યામદાસ બિરલા: गांधीजी साथे गोळमेजीमां: પૃ. ૬૮-૬૯.

    ૩૯.   સંપાદકો : સી. રાજગોપાલાચારી અને કુમારપ્પા : धी नॅशन्स वॉइस : પૃ. ૧૨૮.

    ૪૦.   એજન, પૃ. ૩૮.

    ૪૧.   गांधीजीनो अक्षरदेह – ૪૮ : લેખસંખ્યા ૨૦૪, છેલ્લો ફકરો.

    ૪૨.   એજન, લેખસંખ્યા ૨૧૦.

    ૪૩.   એજન, લેખસંખ્યા ૨૩૬, છેલ્લો ફકરો.

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.