ભારતની આઝાદી માટેની અહિંસક લડત એક આરોહણ સમાન હતી. એમાં લક્ષ્ય તરફ ઉત્તરોત્તર ઊંચો જતો માર્ગ ફરી ફરીને એક દિશામાં આવતો. કોઈક વાર પહાડ ચડ્યા પછી ખીણ ઊતરવાનુંયે થતું, પણ સરવાળે લક્ષ્યસિદ્ધિ તરફ અગ્રગતિ થતી. આ આરોહણમાં લગભગ દાયકે દાયકે એક એક ઊંચી ટૂંક ચડવાની થઈ — ૧૯૨૧–’૨૨માં; ૧૯૩૦–’૩૨માં અને ૧૯૪૨માં. આની વચ્ચેના ગાળામાં કોમી રમખાણો કે બીજી છૂટીછવાઈ હિંસાની ઘટનાઓને આપણે ખીણમાં ઊતરવા સાથે સરખાવી શકીએ. વળી આવી બે ટૂંકોની વચ્ચે જ કેટલાક આગેવાનો બંધારણીય માર્ગો દ્વારા અંગ્રેજો પાસેથી શાસનની સત્તા પ્રજાના હાથમાં લેવાના પ્રયાસ પણ કરતા હતા. ગાંધીજી લગભગ દાયકે દાયકે રચનાત્મક કાર્યક્રમો દ્વારા સ્વરાજની લડતને વધુ સુદૃઢ બનાવતા જતા હતા. આમ આખી લડતની એક ભાત ઊપસતી જતી હતી. આ ભાતમાંયે વિશિષ્ટ સ્થાન હતું સ્થાનીય સ્તરના સત્યાગ્રહ-આંદોલનોનું. આ સત્યાગ્રહોના ઉદ્દેશ સીમિત હતા. પરંતુ તેથી જ તે વધુ ચોક્કસ પણ હતા. આવી લડતો દ્વારા પ્રજા પોતાની અહિંસક શક્તિ પારખતી હતી, અને તેનો આત્મવિશ્વાસ વધતો જતો હતો.
આ સદીના બીજા દાયકાને અંતે ચંપારણના કિસાનોનો, અમદાવાદના મિલમજૂરોનો તથા ખેડાના ખેડૂતોનો સત્યાગ્રહ આ પ્રકારનો હતો. અને ત્રીજા દાયકામાં નાગપુરનો ઝંડા સત્યાગ્રહ, બોરસદનો હૈડિયાવેરા-વિરોધી સત્યાગ્રહ અને વાઈકોમનો અસ્પૃશ્યતા-વિરોધી સત્યાગ્રહો પણ આ જ પ્રકારના હતા. આ સત્યાગ્રહો એક રીતે મર્યાદિત ઉદ્દેશવાળા તો હતા જ, પરંતુ તે દરેક સત્યાગ્રહનાં પરિણામ એવાં આવ્યાં કે, જેને લીધે જનતાનો આત્મવિશ્વાસ વધ્યો અને પોતે કષ્ટ સહન કરીને અન્યાયનો સફળતાપૂર્વક સામનો કરી શકે છે એવી લોકોને પ્રતીતિ થઈ. ગાંધીજીએ ૧૯૨૨માં અસહકારની લડત ચૌરીચૌરાના કાંડ પછી મુલતવી રાખી ત્યારે બારડોલીની પ્રજાને નિરાશા અવશ્ય થયેલી, પણ તેને લીધે ત્યાંના કાર્યકર્તાઓ અદબ વાળીને બેઠા નહોતા રહ્યા. અનેક કાર્યકર્તાઓએ તાલુકામાં ઠેર ઠેર રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપાડી હતી અને ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી વગેરે પ્રવૃત્તિઓથી બારડોલી, વેડછી, વાલોડ, વરાડ, સરભણ-ભુવાસણ વગેરે કેન્દ્રો ગુંજતાં થયેલાં. સર્વ રચનાત્મક કાર્યોને પરિણામે ૧૯૨૮નો બારડોલી સત્યાગ્રહ કદાચ આ પ્રકારની ચળવળોમાં સૌથી અનોખો હતો. ત્યાર સુધી ભારતમાં અજમાવાયેલા સત્યાગ્રહોમાં પ્રજાએ આ લડત દરમિયાન સ્વેચ્છાપૂર્વક વધુમાં વધુ કષ્ટ સહન કર્યું હતું. મહાદેવભાઈના શબ્દોમાં:
‘નિર્બલ કે બલ રામ’નો આધાર રાખી પોતાની ટેક ઉપર ઝૂઝનારા અને સંકટસહન જ મોટું શસ્ત્ર માની છ મહિના સુધી બળિયાની સાથે બાથ ભીડનારા બારડોલીના ભલાભોળા ખેડૂતોનો વિજય થયો. સત્ય અને અહિંસાનો આવો વિજય કેટલાંક વર્ષ થયાં હિંદુસ્તાને જાણ્યો નહોતો. … બારડોલી સત્યાગ્રહ અપૂર્વ કહેવાય. કારણ, તેણે દેશનું નહીં પણ સામ્રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું. અને લોકોની માગણીના ન્યાયીપણા અને મર્યાદાને લીધે એણે આખા દેશની સહાનુભૂતિ મેળવી હતી. આ સત્યાગ્રહનો વિજય ઇતિહાસમાં અનેક કારણોને લીધે અપૂર્વ હતો: મુખ્ય એ કારણે કે બારડોલીને સત્યાગ્રહના પ્રથમ ક્ષેત્ર તરીકે ગાંધીજીએ પસંદ કરવામાં ભૂલ કરી નહોતી એ સિદ્ધ થયું; બીજું, હિંદુસ્તાનમાં રાંકમાં રાંક ગણાતા લોકોએ વિજય મેળવ્યો; ત્રીજું એ કે લડતને છૂંદી નાખવાને પ્રતિજ્ઞાબદ્ધ થયેલી સરકારને પ્રતિજ્ઞાના પંદર દિવસની અંદર લોકોએ નમાવી; ચોથું એ કે રેવન્યુ ખાતામાં મોટો માંધાતા પણ માથું ન મારી શકે એવા નોકરશાહીના સિદ્ધાંત છતાં સરકારને નમવું પડ્યું; પાંચમું એ કે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષની રાષ્ટ્રીય નિરાશા અને યાદવીઓ પછી આવો મોટો વિજય પ્રાપ્ત થયો; છઠું એ કે સત્યાગ્રહના નાયકે૧ પ્રતિષ્ઠાના ભૂતનો ત્યાગ કરી તત્ત્વ તરફ તાણ્યું હતું; અને છેવટે એ કે જે ગવર્નર કેટલોક સમય પોતાના હાથ નીચેના માણસોનું જ સંભળાવ્યું સાંભળતા હતા અને હિંદી પ્રધાનનું કહ્યું કરતા જણાતા હતા. તેમણે સમાધાની કરવામાં પોતાથી થાય તેટલું કર્યું.૨
ઇતિહાસના આ અપૂર્વ પ્રસંગમાં મહાદેવભાઈની ભૂમિકા બેવડી હતી: સત્યાગ્રહ ચાલ્યો ત્યાં સુધી ગાંધીજીના પ્રતિનિધિ અને વલ્લભભાઈના સાથી તરીકે તેમણે સત્યાગ્રહનું નિરીક્ષણ કરી અને એનો દૈનંદિન ચાલુ ઇતિહાસ દેશ અને દુનિયા આગળ પોતાની તેજસ્વી કલમે રજૂ કર્યો અને જ્યારે સત્યાગ્રહની પ્રત્યક્ષ ચળવળ સમાપ્ત થઈ ને મામલો તપાસસમિતિને સોંપાયો ત્યારે ખેડૂતોના પ્રતિનિધિના ત્રણ સભ્યોની સમિતિના સભ્ય તરીકે તેમાં એવી કુશળતાપૂર્વક કામ કર્યું કે બે અંગ્રેજોની બનેલી એ સમિતિએ પણ એ ખેડૂતપ્રતિનિધિઓની તટસ્થતા, કાર્યક્ષમતા અને તેમના સૌજન્યનાં પણ મુક્તકંઠે વખાણ કર્યાં.
બારડોલીના એ અપૂર્વ સત્યાગ્રહનો ઇતિહાસ ખુદ મહાદેવભાઈએ લખ્યો છે. મહાદેવભાઈની અનેક ઉત્તમ કૃતિઓમાં बारडोली सत्याग्रहनो इतिहास એક આગવું સ્થાન ધરાવે તેવી કૃતિ છે. પ્રત્યક્ષ ઇતિહાસ રચાતો હતો ત્યારે મહાદેવભાઈએ એને તાલુકાને ગામડે ગામડે અને ખૂણે ખૂણે જઈને સહાનુભૂતિપૂર્વક નિહાળ્યો છે; સત્યાગ્રહના તત્ત્વની દૃષ્ટિએ એની ઝીણામાં ઝીણી બારીકીને નાણી અને માણી છે; नवजीवन અને यंग इन्डियाના અંકોનાં પાનાંનાં પાનાંમાં તેમણે એ ઇતિહાસની વહેતી ધારાને રસપૂર્વક ઝીલી છે એટલું જ નહીં, પણ મોકો મળતાં સિમલાના હિમગિરિ શિખરે જઈ સહજ સ્વસ્થતા તેમ જ તટસ્થાપૂર્વક એનો ઇતિહાસ આલેખ્યો છે. એ ગ્રંથ વિશે મહાદેવભાઈએ જ લખ્યું છે:
બારડોલી સત્યાગ્રહમાં સૈનિક તરીકે ભાગ લેવાનું સદ્ભાગ્ય તો મને નહોતું મળ્યું. પણ અ-સૈનિક તરીકે મારે ઠીક સેવા આપવાનો લાભ મળ્યો હતો. એ દરમિયાન સરદારની સાથેના સહવાસનાં અને સત્યાગ્રહનાં દર્શનનાં કેટલાંક સ્મરણો મારે માટે પુણ્યસ્મરણ રહેશે. એ અને બીજાં સ્મરણોને ઇતિહાસરૂપે ગૂંથીને ગુજરાત આગળ રજૂ કરતાં આનંદ થાય છે. આ ઇતિહાસ કોઈ સૈનિક રજૂ કરે તો જુદી જ રીતે કરે અને સરદાર પોતે લખે તો વળી તેથી જુદી રીતે લખે. પણ સરદાર અને તેના સૈનિકોને લડવાનો જેટલો શોખ છે તેટલો લખવાનો નથી. એટલે મારે આ કામ ઉપાડવું પડ્યું છે. પરિણામે ‘ગોળી બહારની લાઇન’માંથી લખાયેલાં વર્ણનોની લહેજત એમાં ન મળે, અને दक्षिण आफ्रिकाना सत्याग्रहनो इतिहासમાં મળતો સત્યાગ્રહના પ્રણેતાના સ્વભાવનો શાંતરસ ન મળે. એ ન મળે તો બીજું કાંઈક તો મળી રહેશે.૩
આ સત્યાગ્રહ ચાલતો હતો તે દરમિયાન એટલે કે, ૧૯૨૮ના ફેબ્રુઆરીથી જુલાઈ માસ સુધી અને તપાસસમિતિની કાર્યવાહી ચાલી તે અરસામાં એટલે કે નવેમ્બર ૧૯૨૮થી ફેબ્રુઆરી ૧૯૨૯ સુધી મહાદેવભાઈ મોટે ભાગે ગાંધીજી પાસેથી બારડોલી આવીને રહ્યા છે. અને પહેલા તબક્કામાં વલ્લભભાઈની સાથે કે સત્યાગ્રહનાં જુદાં ક્ષેત્રોમાં ઘૂમ્યા છે. અને બીજા તબક્કામાં તપાસસમિતિની સાથે સાથે ફર્યા છે. વચ્ચે વચ્ચે, અલબત્ત, તેઓ સાબરમતી આશ્રમમાં ગાંધીજી પાસે જઈ આવ્યા છે. नवजीवन કે यंग इन्डिया કાઢવાની સીધી જવાબદારી તેમણે નથી સંભાળી, પણ એને સારુ આવશ્યક સામગ્રી તો તેમણે અઠવાડિયે અઠવાડિયે પૂરી પાડી છે. પણ ૧૯૨૧–’૨૨માં જેલમાં હતા ત્યાર પછી પહેલી વાર મહાદેવભાઈ ગાંધીજીથી આટલો લાંબો ગાળો દૂર રહ્યા છે પણ પોતાના ગુરુના બતાવેલા સાધન સત્યાગ્રહના કુશળ પ્રયોગને જોઈને મહાદેવભાઈ એટલી મસ્તી અનુભવે છે કે इन्डिपेन्डन्ट ચલાવવા અલાહાબાદ ગયા ત્યારે તેમણે જેવો સ્વામીવિરહ અનુભવ્યો હતો, તેવો વિરહ તેમણે બારડોલી સત્યાગ્રહના કાળમાં અનુભવ્યો જણાતો નથી. બલકે આ ગાળા દરમિયાન ગાંધીજીએ અનેક લોકોને લખેલા પત્રોમાં એવું જણાય છે કે વિરહ ગાંધીજીએ વિશેષરૂપે અનુભવ્યો છે. સંખ્યાબંધ લોકોને લખેલા તેમના પત્રોમાં એ વાતોનો ઉલ્લેખ આવે છે કે આજકાલ મહાદેવ બારડોલી જતા-આવતા હોય છે તેથી તેમની પાસે ચાલુ કામોની આશા ન રાખી શકાય. મહાદેવનાં બંગાળી મા ઊર્મિલાદેવીને ગાંધીજી ૨૩મી ફેબ્રુઆરીએ લખે છે:
‘મહાદેવ હમણાં હમણાં બારડોલી અને સાબરમતી વચ્ચે આવજા કરે છે. તે વલ્લભભાઈને મદદ કરી રહ્યા છે. તે ગઈ રાતે બારડોલી ગયા અને સોમવારની સવાર પહેલાં પાછા નહીં ફરે.’૪
બે દિવસ પછી કેરળના શ્રી રામચંદ્રનને લખે છે:
તમારો મહાદેવ ઉપરનો તાર મેં ખોલ્યો છે. એમની સાથેના તમારા પત્રવ્યવહાર વિશે હું કશું જાણતો નથી, એટલે તેના ઉપર કશું પગલું લેતો નથી. મહાદેવ અત્યારે બારડોલીમાં છે. મોડામાં મોડા સોમવારે પાછા ફરશે, ત્યારે તે તમારા તાર બાબતમાં બધી હકીકત મને કહેશે અને પછી હું ઘટતું કરીશ.૫
માર્ચની નવમીએ એમના મિત્ર રેવાશંકરભાઈને ગાંધીજી લખે છે:
‘ભાઈ મહાદેવને કાગળ લખવાનું તમને કહેલું તેમાં એક બાબત અહીં રહી ગયેલી એમ મને ધાસ્તી છે. મહાદેવ અહીંયાં નથી કે તેને પૂછી શકું. …’૬
બીજી બાજુ મહાદેવ જ્યારે વલ્લભભાઈથી છૂટા પડે છે, ત્યારે તેમને પણ મહાદેવભાઈની ખોટ સાલે છે. જૂન માસમાં મહાદેવભાઈ સાબરમતી ગયા ત્યારે કૂવે પાણી ભરવા જતાં કૂવાના થાળા પરથી લપસી પડ્યા હતા. બેત્રણ અઠવાડિયાંનો ખાટલો થયો હતો. તે વખતે સામાન્ય રીતે મહાદેવભાઈને ‘તમે’ કહીને સંબોધતા વલ્લભભાઈ ‘પ્રિય ભાઈ મહાદેવ’ને બારડોલીથી લખ્યું, ‘તું તો ભાંગી પડ્યો અને ખરી વખતે પડ્યો! પણ હવે જલદી આરામ થઈ જાય તો ઠીક. વેદના અસહ્ય થતી હશે, કારણ કે કેડની જગાએ દરદ થયું પણ હવે થોડા દિવસમાં આરામ થશે જ. હાડકું ભાંગ્યું નથી અને સોજો નથી એટલે વાર નહીં લાગે, છતાં ઉતાવળ ના કરતા. …’૭
बारडोली सत्याग्रहनो इतिहास એ માત્ર કાળક્રમાનુસાર નોંધનાર કોઈ લેખકની નોંધપોથી નથી. લેખક ભલેને પોતાને એ લડાઈના સૈનિક ન જણાવતા હોય પણ સત્યાગ્રહનો પ્રયોગ થઈ રહ્યો હતો તેથી અને ખેડૂતો વિશે તેમને ભારોભાર સહાનુભૂતિ હતી તેથી મહાદેવભાઈ એ લડાઈમાં ગળા સુધી ડૂબેલા છે. વળી એના સેનાપતિના તેઓ માત્ર પ્રશંસક જ નથી, પણ જરૂર પડ્યે એમના સલાહકાર પણ છે. આ વિવિધ ભૂમિકામાં એમની કસાયેલી કલમની કળા ભળે છે તેથી એ કોરા ઇતિહાસની પોથી મટીને જીવતોજાગતો રસાળ ગ્રંથ બની જાય છે. પ્રત્યક્ષ લડત ચાલી અને તપાસસમિતિ નિમાઈ તે બંનેની વચ્ચેના ગાળામાં મહાદેવભાઈ વલ્લભભાઈ અને સ્વામી આનંદ જોડે થોડા દિવસમાં વલ્લભભાઈના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ સાથે ગાળવા સિમલા ગયા હતા. એ જ નિરાંતના દિવસોમાં આ પુસ્તકનો ખાસ્સો મોટો ભાગ (પૂર્વાર્ધ — ક્લેશ) લખાયો છે.
ઇતિહાસનું પૃથક્કરણ કરી એને વિષયવાર આલેખવા જતાં કેટલીક વાર તેમાં સહેજે થોડી પુનરુક્તિ આવી જાય છે એટલો દોષ માફ કરીએ તો એ ભારતના આધુનિક ઇતિહાસનો એક અત્યંત રોચક ગ્રંથ બની રહે એમ છે. ખેડૂતોના સત્યાગ્રહના કષ્ટસહનની કથાને મહાદેવભાઈ પુસ્તકના પૂર્વાર્ધમાં લઈ તપાસસમિતિના કામકાજ અને નિષ્કર્ષોને ઉત્તરાર્ધમાં સમાવી તેને અનુક્રમ ‘ક્લેશ’ અને ‘ફળ’ શીર્ષક આપી તેમ કરવાનું કારણ તેઓ આ મુજબ આપે છે:
‘મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ ઉક્તિનું સ્મરણ કરીને ઇતિહાસના પૂર્વાર્ધને ક્લેશ તરીકે વર્ણવ્યો છે અને ઉત્તરાર્ધને ‘ફળ’ તરીકે વર્ણવ્યો છે. કારણ क्लेश: फलेन हि पुनर्नवतां विधत्ते’૮, ૯
૩૮ પ્રકરણો અને ૪ પરિશિષ્ટોથી સમૃદ્ધ આ ગ્રંથમાં મહાદેવભાઈ માત્ર કાળક્રમ અનુસાર ન ચાલતાં, પશુબળ સામે સાચના બળની લડાઈના આ ઇતિહાસને વર્ણવવાની સાથે સાથે પરિસ્થિતિનું પૃથક્કરણ પણ આપે છે; સત્યાગ્રહનાં સાધનોની ખૂબીઓ પણ આપે છે; વલ્લભભાઈની વ્યૂહરચનાઓ અને રણનીતિઓ સમજાવે છે; અને ત્યાંના વાતાવરણમાં ક્રમશ: ફેરફાર થતા થતા બારડોલીના હિંદુ, મુસલમાન, પારસી વગેરે સર્વ લોકોના માનસમાં કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં અને ગભરુ ગાય જેવી ગણાતી બારડોલીની પ્રજા જુલમગાર અમલદારો, કદાવર પઠાણો, રખડુ મવાલીઓ અને મુત્સદ્દી અંગ્રેજ ઉચ્ચ અધિકારીઓનો માથું ઊંચું રાખીને બરાબર સામનો કરી શકે એવી ભડ બની એનું તાદશ ચિત્ર ખડું કરે છે.
આ વર્ષ દરમિયાન મહાદેવભાઈ વલ્લભભાઈની સાથે રહ્યા હતા. જોકે એમ કરવામાં મૂળ પ્રેરણા તો ગાંધીજીની જ છે. ગાંધીજીએ શોધેલા સમાજપરિવર્તનના એક આયુધનો ઉપયોગ ગાંધીજીના એક સેનાપતિ અત્યંત કુશળતાથી કરી રહ્યા છે અને તેમને તેઓ પોતાની શક્તિમતિ મુજબ મદદ કરી રહ્યા છે જ. બારડોલીની લડાઈ દરમિયાન મહાદેવભાઈની એ જ વૃત્તિએ કામ કર્યું છે, ‘દેશનું કેન્દ્ર ખેડૂત છે’ એ મહાસત્ય શ્રી વલ્લભભાઈમાં ૧૯૧૭–’૧૮માં’૧૦ ગાંધીજીએ જાગ્રત કર્યું, પ્રગટ કર્યું એમ કહું; કારણ ઊંડે ઊંડે એ છુપાયેલું તો હતું જ. પણ એ પ્રગટ થતાંની સાથે જ શ્રી વલ્લભભાઈમાં જેવું એ ભભૂકી ઊઠ્યું તેવું ભાગ્યે જ કોઈનામાં ભભૂકી ઊઠ્યું હશે. ખેડૂત નહીં એવા તત્ત્વદર્શીએ ખેડૂતનું સ્થાન ક્યાં છે, ખેડૂતની સ્થિતિ કેવી છે, તેને ઊભો કરવાનું સાધન કયું છે એ કહી દીધું. જેનું હાડોહાડ ખેડૂતનું છે એવા તેમના શિષ્ય સાનમાં ત્રણે વાત સમજી ગયા, અને દ્રષ્ટાના કરતાં પણ વિશેષરૂપે એનું રહસ્ય લોકો આગળ ખોલી બતાવ્યું. … ખેડૂત વિશેના ઉદ્ગારો તેમનાં બારડોલીનાં ભાષણોમાં જેટલા જોવાના મળે છે તેટલા અગાઉના કોઈ ભાષણમાં જેવા નથી મળતા. જમીન મહેસૂલનો પ્રશ્ન એ જ ખેડૂતનો મુખ્ય પ્રશ્ન એટલે ગુજરાતના ખેડૂતોની સેવા કરવી હોય તો તે જમીન મહેસૂલના ફૂટ પ્રશ્નનો નિકાલ કર્યે જ થઈ શકે, એવો એમનો જૂનો નિશ્ચય હતો. એ સેવાની તક એમને બારડોલીએ આપી. બારડોલીવાળા જ્યારે એમને બોલાવવા આવ્યા ત્યારે ભાઈ નરહરિના લેખો એમણે વાંચેલા હતા. ગાંધીજીએ જ્યારે એમને પૂછ્યું કે બારડોલીના ખેડૂતોની ફરિયાદ સાચી છે એની તમને ખાતરી છે, ત્યારે એમણે કહેલું કે ‘એ લેખો ન વાંચ્યા હોય તોયે મને તો ખાતરી જ હતી. કારણ, હિંદુસ્તાનમાં, અને ખાસ કરીને ગુજરાતમાં, જમીન મહેસૂલની વિટંબણા વિશેની ખેડૂતની ફરિયાદ સાચી જ હોવી જોઈએ એવી મારી ગળા સુધી ખાતરી છે.’૧૧
મૂળ તો ગુજરાત ક્લબમાં વકીલો તરીકે ઓળખાણ થઈ હશે. મહાદેવ અને નરહરિને પણ ગાંધીસાહેબ પાસે જવાથી શું લાભ એમ કહી વલ્લભભાઈએ તેમને પરાવૃત્ત કરવા પ્રયાસ કર્યો હશે. પણ પછી એમને ગાંધીજી સાથે જોડાતા જોઈને વલ્લભભાઈએ ગાંધીજીની કિંમત આંકી, ખેડા જિલ્લામાં ત્રણેયે સાથે કામ કર્યું. ત્યાં ગાંધીજી હોય ત્યારે વલ્લભભાઈ મૌન જ પાળતા. નાગપુર સત્યાગ્રહ વખતે ગાંધીજી જેલમાં હતા, પણ મહાદેવભાઈએ અમદાવાદ રહ્યે વલ્લભભાઈને નાગપુરના ઝંડા સત્યાગ્રહમાં સારો એવો ટેકો આપ્યો હતો. બોરસદ સત્યાગ્રહમાં મહાદેવભાઈએ વલ્લભભાઈના મદદનીશ તરીકે કામ કર્યું હતું એ બધું આપણે જાણીએ છીએ. પણ બારડોલી સત્યાગ્રહ વખતે મહાદેવભાઈનો વલ્લભભાઈ પ્રત્યેનો અહોભાવ ખૂબ જ વધી ગયો. એ વેળા એમણે જે વલ્લભભાઈને જોયા તેનું આ ચિત્ર જુઓ. ‘મેં તો ચાર વરસ પર બોરસદમાં એ રણે ચડેલા સરદારની સાથે ચોવીસે કલાક ગાળ્યા હતા. ત્યાર પછી પણ ઘણી વાર તેમને બોલતા સાંભળ્યા હતા. પણ આ વેળા એમની વાણીમાં જે તેજ ભાળ્યું, આંખમાંથી કેટલીક વાર જે વહ્નિ વરસતો જોયો તેવો કદી નહોતો જોયો. લોકોની જમીન ખાલસા થાય તેમાં જાણે પોતાના શરીરના કટકેકટકા થતા હોય અને જે તીવ્ર વેદના થતી હોય તે વેદનાથી ભરેલા તેમના ઉદ્ગારો નીકળતા હતા. એ ભાષણોની તળપદી ભાષા, તેમાં ક્ષણે ક્ષણે ઝબકી ઊઠતા, ભૂમિમાંથી પાકેલા, ભૂમિની સુગંધ ઝરતા પ્રયોગોએ ગામડિયાઓને હલાવવા માંડ્યા. અંગ્રેજીના સપર્શ વિનાનું, સ્વતંત્ર જોમવાળું એમનું ભાષા ઉપરનું પ્રભુત્વ આ સભાઓમાં પ્રગટ થતું મેં પહેલું ભાળ્યું.’૧૨
વલ્લભભાઈની વીરતા અને તેમની ચાણક્યની તોલે આવે તેવી રણનીતિના તો મહાદેવભાઈ બારડોલીની આખી પ્રજાની જેમ પ્રશંસક હતા જ, પણ મહાદેવભાઈને ખાસ આકર્ષણ હતું વલ્લભભાઈની તત્ત્વનિષ્ઠાનું. મૂળમાં અન્યાયપૂર્વક વધારવામાં આવેલ જમીન મહેસૂલ વિશે તટસ્થ તપાસની માગણીથી શરૂ થતી લડત અને એ માગણીને સરકારે તુમાખીભેર ફેંકી દીધી ત્યારે સત્યાગ્રહના તત્ત્વ મુજબ આખા તાલુકાની પ્રજાની સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલી મહિનાઓની તાવણી; હજારો ખેડૂતોને ત્યાં જમીન ખાલસા કરવાની નોટિસનાં પીળાં ફરફરિયાં ચોંટાડવામાં આવ્યાં ત્યારથી માંડીને, દંડ, જપ્તીઓ, ઢોરઢાંખર, ઘરવખરીનો સામાન અને જમીનની હરાજી કે લિલામ; દિવસોના દિવસો સુધી જપ્તી ટાળવા સારુ ઢોરો સાથે ઘરમાં ગોંધાઈને બેઠા રહેવું, સંકડો સ્વયંસેવકો અને ખેડૂતોનો કારાવાસ અને પટેલ — તલાટીઓનાં રાજીનામાં; મુંબઈથી ઉપાડી આણેલા ભાડૂતી પઠાણો દ્વારા સ્ત્રીપુરુષોની જાતજાતની કનડગત અને છેવટે ગામનાં ગામોની બ્રિટિશ હદમાંથી ઉચાળા ભરી ગાયકવાડી ગામોમાં હિજરત સુધીની તપસ્યાઓ વેઠ્યા પછી સમાધાનની વાત ચાલી ત્યારનો એક પ્રસંગ મહાદેવભાઈ નોંધે છે. પૂનામાં સર ચૂનીલાલ મહેતાને ત્યાં વાટાઘાટો ચાલતી હતી. તેમની એવી સાખ હતી કે તેઓ સરકારની નાડી પારખતા એટલી બીજા કોઈ નહીં પારખી શકતા. સરકારના સભ્યો સાથે ઘણી ચર્ચાને અંતે તેઓ ધારાસભાના સુરતના સભ્યોને સહી કરવા સારુ એક ખરડો લાવ્યા. તે ખરડો નીચે મુજબ હતો: ‘અમને કહેવાને આનંદ થાય છે કે અમે સરકારને ખબર આપવાની સ્થિતિમાં છીએ કે નામદાર ગવર્નરે તેમના ૨૪મી જુલાઈના ભાષણમાં કહેલી શરતો પૂરી કરવામાં આવશે.’૧૩ વલ્લભભાઈ વગેરેએ ખરડા વિશે કેટલાક પ્રશ્નો પૂછ્યા એટલે સર ચૂનીલાલે કહ્યું કે, ‘એટલો કાગળ સહી કરીને મોકલાવામાં આવે એટલે થયું. એ સભ્યોને એટલો કાગળ મોકલવામાં વાંધો ન હોય તો પછી એ શરતો કેવી રીતે, કોણ, ક્યારે પૂરી કરશે તેની ભાંજગડમાં તમારે પડવાની જરૂર નથી. તમે તમારી મેળે તપાસસમિતિ જાહેર થાય પછી જ જૂનું મહેસૂલ ભરજે.’૧૩ હવે આ લડતમાં ઝઘડાનો મુદ્દો જ એ હતો કે વલ્લભભાઈની આગેવાની હેઠળ પ્રજાએ માગણી કરી હતી કે મહેસૂલની નવી આકારણી ન્યાય્ય છે કે નહીં તેની તપાસ કરવી અને સરકાર કહેતી હતી કે પહેલાં નવું મહેસૂલ ભરો પછી તપાસનો વિચાર કરીએ. સર ચૂનીલાલે જે સમજૂતી આપી તેમાંથી તો એમ અર્થ નીકળતો હતો કે મહેસૂલ ભરવા અંગે લોકોની વાત સ્વીકારવામાં આવી રહી છે. પણ બધું સ્પષ્ટ ભાષામાં કહેવાયું નહોતું તેથી કોઈ ઉપર મુજબના ખરડા પર સહી કરે, અને એટલાને આધારે સરકાર તપાસસમિતિ આપી દે તો એ સરકાર તરફે ખોટું બહાનું જ થયું ને એમ વલ્લભભાઈને લાગતું હતું. તેથી તેઓ વિમાસણમાં હતા. ત્યાર બાદનો પ્રસંગ મહાદેવભાઈના શબ્દોમાં:
શ્રી વલ્લભભાઈની સાથે આ પ્રસંગે સ્વામી આનંદ હતા, હું હતો. રાત્રે સૂતાં પહેલાં તો અમે સર ચૂનીલાલને કહી દીધું કે આવું કંઈ લખી આપી શકાય નહીં. પણ કેમે ઊંઘ ન આવે. ખૂબ ચર્ચા કરી, પૂનાથી નીકળી આવતા પહેલાં ગવર્નરસાહેબને લખી આપવાના એકબે કાગળોના ખરડા કર્યા, ફાડ્યા. સવારે ચાર પહેલાં હું ઊઠી નીકળ્યો, શ્રી વલ્લભભાઈને પણ જગાડ્યા અને કહ્યું: ‘મને સર ચૂનીલાલના ખરડામાં કશું જ લાગતું નથી. એમાં નથી આપણે બંધાતા, નથી સુરતના સભ્યો બંધાતા, સરકારને નાકનો સવાલ થઈ પડ્યો છે અને સરકાર માને છે કે આથી એનું નાક રહે છે તો ભલે એનું નાક રહેતું.’
વલ્લભભાઈ કહે: ‘પણ એમાં જૂઠાણું છે તે?’૧૪
મેં કહ્યું: ‘છે સ્તો, પણ તે સરકારના તરફથી છે.’
વલ્લભભાઈ: ‘આપણે સરકાર પાસે સત્યનો ત્યાગ કરાવીએ છીએ એમ નહીં?’
મેં કહ્યું: ‘ના; સરકાર સત્યનો ત્યાગ કરે છે અને એને એમાં શ્રેય લાગે છે. એને લાગે તો લાગવા દો. આપણે એને કહીએ કે આમાં સત્યનો ત્યાગ થાય છે.’
વલ્લભભાઈ: ‘ત્યારે તું સર ચૂનીલાલને સાફ સાફ કહેશે કે એ લોકો સત્યનો ત્યાગ કરે છે?’
મેં કહ્યું: ‘હા.’
વલ્લભભાઈ: ‘પણ તે તું જાણે! મને આ લોકોની બાજીમાં ખબર પડતી નથી. એવાં કૂંડાળાં શા સારુ કરતા હશે? બાપુ શું કહેશે? સ્વામી, તું શું ધારે છે?’
સરદારની આ ઘડીની તત્ત્વનિષ્ઠા, અમારા જેવા નાનકડા સાથીઓનો પણ અભિપ્રાય જાણવાની ઇચ્છા, અને ‘આપણે જે કરીએ છીએ તે વિશે બાપુ શું ધારશે’ એ વિશેની અપાર ચિંતા જોઈને સરદાર મારે માટે જેટલા પૂજ્ય હતા તેથીયે અધિક પૂજ્ય બન્યા. લડત દરમિયાન ઘણી વાર તેઓ કહેતા, ‘આ મુત્સદ્દીઓના જૂથમાં હું સીધો ભોળો ખેડૂત ન શોભું; એમની કળા મને ન આવડે.’ એ શબ્દો મને બહુ યાદ આવ્યા. મેં કહ્યું: ‘બાપુ પણ સરકારને આટલો લૂખો લહાવો લેવો હોય તો જરૂર લેવા દે. સરકારને નાક સાથે કામ છે, આપણને કામ સાથે કામ છે.’
સ્વામી કહે: ‘મારો પણ એ જ મત છે.’
છેવટે વલ્લભભાઈ કહે: ‘પણ સુરતના સભ્યો આના ઉપર સહી કરશે?’
મેં કહ્યું: ‘કરશે; સર ચૂનીલાલ મહેતા કહેતા હતા કે તેમને એ વિશે શંકા નથી.’
શ્રી વલ્લભભાઈ કહે: ‘ભલે ત્યારે; એઓ સહી કરે તો કરવા દો, પણ તારે તો સર ચૂનીલાલને સાફ કહી દેવાનું કે આમાં સરકારને હાથે સત્યનો ત્યાગ થાય છે.’
હું ગયો, સર ચૂનીલાલની સાથે વાતો કરી, તેમને કાંઈ એ વાત નવી નહોતી. તેમણે કહ્યું, ‘તમે મારી સ્થિતિની ચોખવટ કરો એ બરોબર છે. સરકારને પણ હું એ જણાવીશ.’ એટલામાં શ્રી વલ્લભભાઈ આવ્યા. તેમણે વળી પાછી એની એ જ વાત ફોડ પાડીને કહી અને જણાવ્યું: ‘સરકારને આવા અર્થહીન પત્રથી સંતોષ થશે એમ મને લાગતું નથી, પછી તો તમે જાણો.’
સર ચૂનીલાલને કશી શંકા નહોતી જ. તેઓ રાજી થયા. ભગવાનની જેમ સરકારની ગતિ અગમ્ય છે. શ્રી વલ્લભભાઈએ કહ્યું કે, ‘સુરતના સભ્યો એ કાગળ લખવાને રાજી હોય તો મને વાંધો નથી એટલે તુરત જ સમાધાન નક્કી થયું.’૧૫
મહાદેવભાઈ આગળ લખે છે:
પણ જો સરકાર પ્રતિષ્ઠાની માયાને વળગીને સંતોષ માનવાને તૈયાર હતી, તો શ્રી વલ્લભભાઈ તત્ત્વના સત્ય વિના સંતોષ માને એમ નહોતું. તેમને તો સંપૂર્ણ, સ્વતંત્ર, ન્યાયપુર:સર તપાસ જોઈતી હતી, અને લડાઈ પહેલાં જે સ્થિતિ હતી તે સ્થિતિ જોઈતી હતી. આટલું કરવાને તો સરકાર તૈયાર હતી જ પણ ત્યાંયે પ્રતિષ્ઠાની માયા વળગેલી હતી જ. પેલો કાગળ લખવામાં આવે કે તરત જ તપાસ તો જે શબ્દોમાં શ્રી વલ્લભભાઈએ માગી હતી તે જ શબ્દોમાં — બળજોરીનાં કૃત્યોની તપાસ બાદ કરીને તેના તે જ શબ્દોમાં — જાહેર થશે એમ નક્કી થયું.૧૬
આ આખા પ્રસંગના વર્ણનમાં આપણી દૃષ્ટિએ મહત્ત્વની વાત એ છે કે સરદારની તત્ત્વનિષ્ઠા જોઈ મહાદેવભાઈને મન તેઓ પહેલાં હતા તેનાથીયે વધુ પૂજ્ય બન્યા.
એક સાહિત્યકાર તરીકે ખેડૂતના સંસ્કારમાંથી કેળવાયેલી વલ્લભભાઈની શક્તિશાળી ભાષાથી મહાદેવભાઈ ખૂબ પ્રભાવિત થાય છે. પુસ્તકના દરેક પ્રકરણને મથાળે મહાદેવભાઈ વલ્લભભાઈનાં ભાષણોમાંથી જ પ્રસંગાનુરૂપ ઉદ્ધરણ ટાંકે છે, અને આખા પુસ્તકમાં તો બીજાં સંખ્યાબંધ એવાં અવતરણો વેરાયેલાં છે. બારડોલી સત્યાગ્રહે ત્યાંની પ્રજાને જે ખમીર આપ્યું તેનું જ બિંબ સરદારના ઉદ્ગારોમાં દેખાતું હતું અને એ પ્રતિબિંબ મહાદેવભાઈના લેખો અને પુસ્તકમાં પડ્યું. ગુજરાતી ભાષાને ખમીરવંતી કરવામાં વલ્લભ-મહાદેવનો એ ફાળો હતો.
મહાદેવભાઈની વર્ણન કરવાની શક્તિ પણ બારડોલી સત્યાગ્રહને મિષે અપૂર્વ રીતે ખીલી છે. સત્યાગ્રહમાં જીત થયા પછી ગાંધીજી બારડોલી આવ્યા તે અરસામાં બે બહેનોનાં મરણ થયાં હતાં તેનું મહાદેવભાઈએ કરેલું નીચેનું વર્ણન આંસુમાં કલમ બોળીને લખાયું હોય તેવું હતું અને તે ગુજરાતી ભાષાના માર્દવનો નમૂનો પૂરો પાડે તેવું છે:
બારડોલીમાં એક અઠવાડિયું રહી આવ્યા૧૭ તે દરમિયાન થયેલાં બે મૃત્યુની નોંધ લેવાનું મન થાય છે. જે બે બહેનોનાં મૃત્યુની નોંધની હું વાત કરું છું તે બે બહેનો કોઈ છાપે ચઢેલી કે ‘કાર્યકર્ત્રી’ કે ‘સેવિકા’ની ઉપાધિથી પ્રસિદ્ધ થયેલી નહોતી, પણ બંનેનાં મૃત્યુ એવાં હતાં કે જેની નોંધ લેવી ઉપયોગી થઈ પડે.
એક બહેન તો ઘણા મહિના થયાં ખાટલે હતી. જે દિવસે ગાંધીજી રાયમ ગામે ગયા તે દિવસે૧૮ એણે શ્રી મોહનલાલ પંડ્યાને ગાંધીજીનાં દર્શન કરાવવાનો આગ્રહ કર્યો હતો. ખાટલેથી ઊઠી શકે એમ તો હતું જ નહીં, એટલે પંડ્યાજીએ કહ્યું, ‘હું ગાંધીજીને આવવાનું કહીશ.’ પાસેના જ ઘરમાં રેંટિયો કાંતનારી બહેનો ભેગી થઈ હતી. તેમનું કાંતણકામ જોઈને ગાંધીજી નીકળતા હતા જ ત્યાં પંડ્યાજીએ ગાંધીજીને પેલી બહેનની વાત કરી. ગાંધીજીએ તુરત જવાનું કબૂલ કર્યું અને ગયા. પેલી બહેન ખાટલા ઉપર બેઠેલી હતી, એનું હાડપિંજર એનાં કપડાંમાં ખૂંચી રહ્યું હતું, એની આંખમાં મૃત્યુની સમીપતા સ્પષ્ટ ભાસતી હતી, પણ ગાંધીજી આવ્યાનો આનંદ તો મૃત્યુને દેખી રહેલી એ આંખો પણ વ્યક્ત કરતી હતી. ધીમે ધીમે એ બહેન ખાટલાને છેડે ખસતી ખસતી આવી. એને હાર પહેરાવવો હતો, પણ એનાથી હાથ બહુ લંબાય એમ નહોતું. ગાંધીજી વાંકા વળ્યા. એણે હાર પહેરાવ્યો, ગજવામાંથી રૂપિયા કાઢી ભેટ ધરી, કુંકુમનો ચાંલ્લો કર્યો. ગાંધીજીએ ‘શાંતિ રાખજે’ કહી વિદાય લીધી.
કોને ખબર હતી કે એ બાપડી ગાંધીજીના દર્શનની જ વાટ જોઈને બેસી રહી હતી? બીજે દિવસે એ બહેનનાં પ્રયાણચિહ્ન સ્પષ્ટ દેખાયાં. સગાંવહાલાંએ પૂછ્યું: ‘બહેન, તારી કાંઈ ઇચ્છા છે?’ બહેનની બિચારીની કશી ઇચ્છા નહોતી, જાણે ગાંધીજીને જોઈને એની બધી ઇચ્છા તૃપ્ત થઈ ગયેલી હતી. એણે એક જ ઇચ્છા બતાવી: ‘મને ખાદીનાં કપડાં પહેરાવીને વળાવજો.’ એનાં કપડાં બદલાવવામાં આવ્યાં, અને તે પછી તે જ દિવસે થોડા જ સમયમાં એ બહેન વિદાય થઈ.
ગાંધીજીના દર્શન અગાઉ અને દર્શન પછી પ્રયાણકાલ સુધી એના મનમાં શા શા વિચારો આવ્યા હશે તે કોણ કળી શકે? પણ તે વિચારો ગાંધીજીના દર્શનની ઇચ્છામાં અને ખાદી પહેરીને સ્વધામે પહોંચવાની ઇચ્છામાં પરિણમ્યા એટલા ઉપરથી એ ધર્મમૃત્યુ થયું એમ કહેવામાં કશો બાધ નથી.
બીજું મૃત્યુ કોઈ રોગી કે લાંબો સમય થયાં ખાટલાવશ બહેનનું નહીં પણ દેખીતી સાજીસમી લાગતી બહેનનું હતું. એની ઉંમર વીસેક વર્ષની. એના પિતા રામભાઈ બારડોલી સત્યાગ્રહને અંગે સાબરમતી જેલમાં ગયેલા. રામભાઈનાં પત્ની પોતાના પતિને થોડા દિવસ ઉપર સાબરમતીમાં મળી ગયાં હતાં, પછી મળવાનો વારો આ બહેનનો હતો. પણ સમાધાની થઈ એટલે બહેનને સાબરમતી જેલમાં મળવા જવાનું રહ્યું નહીં, એટલે એ, પિતાને બારડોલી સ્વાગત આપવા વાંકાનેરથી નીકળી. કાદવપાણીમાં ત્રણચાર માઈલ ચાલ્યા પછી એના પેટમાં દર્દ થવા લાગ્યું, અને રસ્તામાં આરામ લેવા બેઠી. બીજાઓએ બારડોલી આવી ગાડી મોકલી, અને ગાડીમાં એ બારડોલી આવી. અગિયાર વાગ્યે બારડોલી આવીને બહેન ખાટલે પડી. સાંજ સુધીમાં તો એના પેટની વ્યથા અતિશય વધી ગઈ હતી. એક ક્ષણ પણ એનાથી શાંતિથી પડી રહેવાતું નહોતું: ખાટલામાં બેઠી થાય અને ઊભી થાય, ઊલટી કરવાનો પ્રયત્ન કરે, થોડી થાય અને ન થાય, પણ સખ વળે નહીં. ડૉક્ટરો બોલાવ્યા. તેમણે જેટલા ઉપચારો કરાય તેટલા કર્યા; પણ એને શાંતિ વળે નહીં. ન પેટમાં દવા જાય, ન કોઈ રીતે એનું પેટ સાફ કરવાનો રસ્તો થઈ શકે. ડૉક્ટરોએ કહ્યું: ‘ઑપરેશન થાય તો એને આરામ મળે. પણ અહીં ઑપરેશન શી રીતે થાય?’ આમ મધરાત થઈ. એના દુ:ખનું તો પૂછવું જ શું? પણ જેટલું દુ:ખ, તેટલી જ ધીરજ એ બહેને બતાવી. નહોતી ચીસો પાડતી કે નહોતી રોતી; ઊભી કરવાનું કહે કે પગ દાબવાનું કહે, એટલું જ. મધરાત પછી એનાં અંગ જૂઠાં પડવાં લાગ્યાં, એને લાગ્યું કે પ્રાણ નીકળવાના છે. ત્રણેક વાગ્યે એણે માગણી કરી: ‘ગાંધીજીને બોલાવોને, મારે એમનાં દર્શન કરી લેવાં છે.’ આટઆટલાં દુ:ખમાં, એ, પિતાને નથી મળી શકવાની, માતાના વિયોગમાં બારડોલીમાં મરણ થશે, એ વસ્તુઓનું એને દુ:ખ નહોતું; એણે તો ગાંધીજીનું સ્મરણ કર્યું. ગાંધીજીના મુકામે સંદેશો પહોંચાડવામાં આવ્યો. ગાંધીજી તુરત પહોંચ્યા. બહેન મોતીના હાથપગમાં તાકાત રહી નહોતી, આંખે પણ અંધારી આવી હતી, એટલે બોલી, ‘મારી આંખે નથી દેખાતું, પણ ગાંધીજીના અવાજથી ગાંધીજીને ઓળખું છું. મારા બંને હાથ કોઈ જોડી આપો.’ આ પછી વલ્લભભાઈના દર્શનની માગણી કરી. આ બધું પ્રભાતે ચાર વાગ્યે બન્યું. ક્ષણે ક્ષણે પ્રાણ નીકળતા જતા હતા. સવારે છ વાગ્યે તો આખી લીલા સમાપ્ત થઈ. એને કેટલી વ્યથા થઈ હશે તેનું માપ મૃત્યુ પછી મળી શક્યું. એના મોંમાં લોહીની રેલ ચાલી: એનાં આંતરડાં નીચેથી બંધ થઈ ગયાં હતાં; અને રક્તસ્રાવને નીચે માર્ગ નહોતો, તેણે ઉપરથી માર્ગ કર્યો. આટલી તીવ્ર વેદનામાં પણ ન એક આંસુ, ન કાયરતા, ન ગભરાટ કે ન સામાને ગભરાવાપણું. કેવળ ગાંધીજી અને વલ્લભભાઈનાં દર્શનની માગણી. ગાંધીજીએ સાયંકાળે એના મૃત્યુની વાત કરતાં કહ્યું: ‘મોતીને તો મેં કાલે જ પહેલી વાર જોઈ. હું એને ઓળખતો નહોતો, પણ એ વીરાંગના હતી.’
મૃત્યુ પછી મોતીની માતાને બોલાવવામાં આવી. તેણે આંસુ પાડ્યાં પણ કલ્પાંત ન કર્યું. ગાંધીજીએ રોવા-કૂટવાનું બિલકુલ બંધ રાખવાનું સમજાવ્યું, અને તેમણે ઘેર જઈને વચન પાળ્યું. બીજે દિવસે વિદેહ પુત્રીના પિતા સાબરમતીથી છૂટીને આવ્યા.૧૯ પિતાએ પણ કલ્પાંત ન કર્યું; બલકે તે દિવસે ગાંધીજી વાંકાનેર ગયા, તો તેમની પધરામણી પોતાના જ ઘરમાં કરી. મોતીના પિતા શાંત હતા, માતાની આંખ ભીની હતી, અને શોક છતાં ગાંધીજીના આગમનનો ઉત્સવ હતો!
બારડોલીના લોકોને જીવતાં આવડે છે એમ તેમણે લડીને બતાવ્યું. આ બે બહેનોએ તેમને મરતાં આવડે છે એમ મરીને બતાવ્યું.૨૦
બારડોલી અંગે સરકારે નીમેલી સમિતિમાં ન્યાયખાતાના પ્રતિનિધિ તરીકે ૧૯૨૨માં અમદાવાદના સર્કિટહાઉસમાં ગાંધીજીનો ઐતિહાસિક ખટલો ચલાવનાર ન્યાયાધીશ મિ. બ્રુમફીલ્ડ અને મુલકી ખાતાના પ્રતિનિધિ તરીકે શ્રી મેક્સવેલ હતા, જેમની સાથે ભવિષ્યમાં મહાદેવભાઈને વધુ પ્રસંગ પડવાના હતા. ખેડૂતોના પ્રતિનિધિ તરીકે પ્રજા તરફથી મહાદેવભાઈ, નરહરિભાઈ અને શ્રી રામનારાયણ વિ. પાઠકની નિમણૂક થઈ હતી. એ સ્મરણ રહે કે આ ત્રણે જણ વકીલાતનું ભણતા ત્યારથી ગાઢ મિત્રો હતા. પાછળથી મહાદેવભાઈ ગાંધીજીના મંત્રી તરીકે, નરહરિભાઈ એક અર્થશાસ્ત્રી અને કેળવણીકાર તરીકે તથા શ્રી રા. વિ. પાઠક ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાક્ષર તરીકે પ્રસિદ્ધ થયા હતા. આ ત્રણે જણને મદદ કરવા શ્રી મોહનલાલ પંડ્યા, શ્રી કલ્યાણજી વિ. મહેતા, શ્રી ગોરધનદાસ ચોખાવાળા વગેરે અનેક કાર્યકરો સદા તત્પર રહેતા. તપાસસમિતિની નિમણૂક ૧૮મી ઑક્ટોબર, ૧૯૨૮ના ઠરાવથી થઈ. ૧લી નવેમ્બરથી બંને સભ્યો કામે ચઢ્યા. એમનું પહેલું પખવાડિયું પૂર્વતૈયારીઓ અને રિપોર્ટો વાંચવામાં ગયું. પાંચમી તારીખે આ અમલદારો આગળ મુંબઈના પ્રસિદ્ધ ઍડ્વોકેટ શ્રી ભૂલાભાઈ દેસાઈએ લોકપક્ષની રજૂઆત કરી હતી. પ્રત્યક્ષ તપાસનું કામ ૧૪મી નવેમ્બરે શરૂ થયું હતું અને જાન્યુઆરી મહિનાની આખરી તારીખે બારડોલી તથા ફેબ્રુઆરીની આખરી તારીખે ચોર્યાસી તાલુકાનું કામ પૂરું થયું હતું. સમિતિના સભ્યોને લોકપક્ષની રજૂઆત કરનાર ત્રણે સજ્જનો પર વિશ્વાસ બેસતાં પહેલાં પંદરેક દિવસ લાગી ગયા. પણ ધીરે ધીરે તેમને એમની પ્રામાણિકતા પર ભરોસો બેઠો, તેમની કાર્યક્ષમતા પર માન ઊપજ્યું અને તપાસસમિતિને મદદરૂપ થવાની એમની વૃત્તિ વિશે આભારની લાગણી પેદા થઈ.
મુંબઈ ઇલાકામાં દર ત્રીસ વર્ષે થતી જમીન મહેસૂલની ફેરઆકારણીની પરંપરા મુજબ ૧૯૨૬માં તાલુકાની સ્થિતિનો અભ્યાસ કરીને મહેસૂલની રકમ નક્કી કરવા સારુ સરકાર તરફથી પહેલાં પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસિસના અમલદાર શ્રી જયકરને અને પાછળથી સેટલમેન્ટ કમિશનર મિ. એન્ડરસનને નીમવામાં આવ્યા હતા. આ બંનેના રિપોર્ટ અને તેમના નિર્ણયો અંગે જ બારડોલીના ખેડૂતોની ફરિયાદ હતી. તપાસસમિતિનું કામ શરૂ થયું ત્યાર પછી થોડા દિવસમાં જ સમિતિના સભ્યોને ખાતરી થઈ ગઈ કે આ બંને ગૃહસ્થોના રિપોર્ટ ઢંગધડા વિનાના અને પ્રજાને અન્યાય કરે તેવા હતા. એ બંને અહેવાલોને બાતલ કરી નવેસરથી આકારણી કરવાનો વિચાર સમિતિને આવ્યો. આ સાહેબો પોતાનાથી પૂર્વના અધિકારીઓના રિપોર્ટોની ઝાટકણી જેટલી સહેલાઈથી કાઢી શક્યા એટલી સહેલાઈથી મહેસૂલ આકારણીના કોઈ સુવર્ણનિયમો શોધી શક્યા નહીં. પણ તોયે છેવટે એમણે જે આકારણી કરીને મહેસૂલ વિચાર્યું તે તો મરજીમાં આવે તેમ અને કોઈ સિદ્ધાંત વિનાનું જ હતું. હા, લડત શરૂ થતાં પહેલાં જે મહેસૂલ આકારવામાં આવ્યું હતું (૨૨%નો વધારો) તેના કરતાં આ લોકોની આકારણી ખસૂસ ઓછી (૬%નો વધારો) હતી. મહાદેવભાઈ અને એમના સાથીઓના અંદાજ મુજબ તપાસસમિતિએ જે પરિણામ જાહેર કર્યું તેનાં આર્થિક અને નૈતિક બંને દૃષ્ટિએ સુફળ આવ્યાં. બારડોલી અને ચોર્યાસી તાલુકામાં સરકારે ૧,૮૭,૪૯૨ રૂપિયાનો મહેસૂલવધારો ઠોકી બેસાડ્યો હતો તે ઓછો કરી તપાસ અમલદારોએ ૪૮,૬૪૮નો વધારો ઠરાવ્યો, એટલે બંને તાલુકા મળીને લોકોને દર વર્ષે લગભગ એક લાખ ચાળીસ હજારનો લાભ થયો, એટલે ત્રીસ વર્ષને માટે ૪૫ લાખ અથવા વ્યાજની ગણતરી કરીએ તો કરોડ રૂપિયાનો લાભ થયો. આ ઉપરાંત ન વપરાતા કૂવાઓ પરના કર, ક્યારી તરીકે ઉપયોગમાં ન આવતી હોય તેવી જમીન પર ક્યારી તરીકેના લેવાતા કર, ભાઠાં અને બાગાયતની કહેવાતી પણ હકીકતમાં બાવળની કાંટ્ય કે ઘાસિયા જમીન પરના કેટલાક કર પણ ઘટ્યા.
લોકોએ કરેલી તમામ ફરિયાદો સાચી ઠરી. અને લોકોની તથા તેમના આગેવાનોની પ્રામાણિકતા દુનિયા આગળ સિદ્ધ થઈ એ નૈતિક લાભ થયો.
તપાસસમિતિના આ કામ પાછળ એને મદદ કરતા ત્રણે લોકપ્રતિનિધિઓ તથા તેમના સાથીઓ દ્વારા દિવસરાત એક કરી કરવામાં આવેલો પરિશ્રમ હતો. જે સરકારની સામે હજી થોડા માસ પહેલાં જ જબરદસ્ત સંઘર્ષ ચાલી રહ્યો હતો એ સરકારનાં બે ખાતાંઓમાં કામ કરતા મોટા અધિકારીઓએ મહાદેવભાઈ, નરહરિભાઈ અને રામનારાયણ વિ. પાઠકનાં વખાણ એમના વિધિસરના અહેવાલ સાથે લખેલા પત્રમાં કર્યાં. તેમણે એમની સાથેના પોતાના સંબંધને ‘અતિશય મીઠા સંબંધ’ તરીકે વર્ણવ્યા; લોકપ્રતિનિધિઓએ આપેલી મદદને ‘કીમતી મદદ’ ગણાવી અને લોકોની વૃત્તિને ‘તદ્દન વિરોધ વિનાની,’ અને ‘અમારી તપાસમાં અમે આશા નહોતી રાખી એટલો સહકાર આપવાની’ તરીકે વખાણી હતી.૨૧
આ આખા સંઘર્ષનો મહાદેવભાઈએ જે ચિતાર આપ્યો છે તે જગતના અહિંસાશાસ્ત્રના સાહિત્યમાં આજે પણ એક આગવું સ્થાન ધરાવે છે, અને દુનિયાના છયે ખંડના લોકો અહિંસક પ્રતિકારની તાલીમ લેતી વખતે બારડોલી તાલુકાના ખેડૂતોની ઠંડી તાકાત, એના સેનાનાયકની વીરતા, ધીરજ, લોકોની સાથે તાદાત્મ્ય સાધવાની ક્ષમતા અને અહિંસક લોકઆંદોલનની વ્યૂહરચના ગોઠવવાની આવડત અંગે મુગ્ધ થઈને ચિંતન અને અધ્યયન કરે છે તેનું એક મોટું કારણ મહાદેવભાઈએ દેશ અને દુનિયા આગળ રજૂ કરેલો એનો તાદશ ચિતાર છે.
આ આખો સત્યાગ્રહ વલ્લભભાઈના નેતૃત્વ હેઠળ જ ચાલ્યો, બલકે બારડોલી સત્યાગ્રહ દરમિયાન જ વલ્લભભાઈને લોકો દ્વારા ‘સરદાર’નું બિરુદ આપવામાં આવ્યું. ગાંધીજી એની ઝીણામાં ઝીણી વિગતમાં સાબરમતીમાં રહ્યે રહ્યે રસ લેતા, પણ વલ્લભભાઈની ‘રજા’ વિના તેઓ બારડોલી આવ્યા નહોતા અને એમના ‘આદેશ’ વિના તેમણે બારડોલીમાં એકે ભાષણ પણ કર્યું નહોતું. જોકે नवीजवन અને यंग इन्डियाના લેખો દ્વારા તેમણે સરદારનાં અનેક પગલાંઓને સમર્થ ટેકો પૂરો પાડ્યો હતો. સરદાર પોતે તો એકેય ભાષણમાં ગાંધીજીની અહિંસક દોરવણીનો ઉલ્લેખ કરવાનું ચૂકતા નહીં, અને સદા પોતાને ગાંધીજીના નમ્ર સૈનિક જ માનતા. ખુદ ગાંધીજીએ બારડોલીની ચળવળ દ્વારા વલ્લભભાઈએ સાધેલી આધ્યાત્મિક સિદ્ધિની પ્રશંસા આ મુજબ કરી હતી:
તમને ખબર નહીં હોય તો હું તમને ખબર આપું. વલ્લભભાઈ બારડોલીમાં જઈ જીત મેળવી આવ્યા… પણ એમણે જે બીજી એક જીત મેળવી તેની તમને ખબર નથી. વલ્લભભાઈને બારડોલીની લડતમાં વલ્લભ મળ્યા છે… લોકોને પોતાની શક્તિનું ભાન કરાવતાં કરાવતાં વલ્લભભાઈની ધર્મજાગૃતિ વિશેષ થઈ. એમનામાં ધર્મજાગૃતિ નહોતી એમ નહીં, પણ ધર્મ કેવી ચમત્કારી વસ્તુ છે તે એઓ બારડોલીમાં શીખ્યા… જો, કોઈ, વલ્લભભાઈએ બારડોલીમાં આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ કરીને છપાવે તો તે ધર્મનાં વ્યાખ્યાનોનો સંગ્રહ થઈ જશે.૨૨
છેલ્લાં થોડાં વર્ષોથી દેશમાં જે નિરાશાનું વાતાવરણ છવાતું જતું હતું તેને બારડોલી સત્યાગ્રહે એક ઝાટકે ખંખેરી નાખ્યું. આપણે ઠેર ઠેર બારડોલીના વિજયના જે ઉત્સવો ઊજવાયા અને એના સરદારના સ્વાગતની જે વિરાટ સભાઓ થઈ એનું વર્ણન ન કરતાં સાબરમતી આશ્રમમાં થયેલા સરદારના સ્વાગતનો જ ઉલ્લેખ કરીશું. કારણ, એનો સંબંધ અમુક અંશે આપણી કથાના નાયક સાથે પણ છે. બારડોલીની સત્યાગ્રહ છાવણીમાં અંગ્રેજી પ્રકાશનનું કામ સંભાળી રહેલા, ગાંધીજીની સેવામાં પોતાના જોડિયા ભાઈ સમા પ્યારેલાલને સરદારના અમદાવાદને ઘરેથી મહાદેવભાઈ એક પત્રમાં લખે છે:
મારા પ્રિયતમ પ્યારા,
વીખરાઈ ગયેલી છાવણીનું તમારું વર્ણન સાવ સાચું છે, હું આશા રાખું છું કે એને પાછી લીલીછમ બની જતાં બહુ સમય નહીં જાય.
અમદાવાદનું સરઘસ ભવ્ય હતું, પણ વ્યવસ્થા, સુરતની તુલનામાં કાંઈ હિસાબમાં નહોતી. સુરતની સભા તો દેવોએ જોવાલાયક દૃશ્ય હતું; અહીંની સભા અસુરોને નાચવા માટેનો તખતો હતો. પણ બાપુ બોલ્યા એમના ‘શિષ્ય’ની પછી, અને નરકને સ્વર્ગ બનાવી દીધું. મને ખાતરી છે, આવતી કાલના नवजीवनનો બારડોલી – અંક તમને ગમશે. મેં સોળ કૉલમ જેટલું લખી કાઢ્યું હતું — છમાં મારા ખ્યાલો અને દસમાં ભાષણો. આ સિદ્ધિનો મને ગર્વ છે અને હું આશા રાખું છું કે મારી આ લાગણીમાં તમે મારા ભાગીદાર બનશો.
આશ્રમે કરેલું એમનું સ્વાગત અત્યુત્તમ હતું. બિચારા પંડિતજી ‘શૂર સંગ્રામ કો’ના સૂરની એક લીટી લઈ રાત્રે બાર વાગ્યે આવ્યા અને આ પ્રસંગે એ ગાઈ શકે એવું, વલ્લભભાઈની પ્રશંસાનું એક વિજયગીત બનાવી આપવાનું મને કહ્યું. વારુ, બરાબર દસ મિનિટમાં મેં એ બનાવ્યું, અને આપણા લોકકવિને — જુગતરામને — જે કહેવું હોય તે કહે, મને ખાતરી છે એક પ્રસંગોચિત કૃતિ તરીકે સૌએ એને વખાણ્યું.
પણ હું જે કહી રહ્યો છું તેનો ઉત્તમોત્તમ ભાગ આ નથી. આ તો કદાચ એનો તુચ્છ ભાગ છે. પણ જે ઉત્તમોત્તમ હતું તે તો બાપુનું બોલતું મૌન, વલ્લભભાઈના કપાળે બાએ વિજયચિહ્ન કર્યું તે, (અહીં તમને કહું, સાત વર્ષ પહેલાં કવિવર ટાગોર જ્યારે આશ્રમમાં આવ્યા હતા તે વખતે એમના કપાળે કંકુનું તિલક કર્યું ત્યારે એની યોગ્યતા વિશે વિનોબાએ અને મગનલાલભાઈએ મોટી ધમાલ મચાવી હતી!) અને પછી દરેકે પોતપોતાનું ખાસ વલ્લભભાઈને આપવા માટે કાંતેલું સૂતર આપ્યું અને એમાં બાપુનું પોતાનું ૧૮૦ તાર ઉપરાંત હતું. બેત્રણ દિવસમાં આ સૂતર વણાઈ જશે — ૧૫-૨૦ આંકનું જ સ્વીકારાશે, જાડું અને એકધારું ન હોય તે સ્વીકારવામાં નહીં આવે — બધી સૂચનાઓ બાપુની.
પછી બાપુએ વલ્લભભાઈને કહ્યું: ‘કાંઈ બોલશો?’ ગંભીર નીરવતાએ વલ્લભભાઈનો કંઠ રૂંધ્યો અને એ ગળગળા બની ગયા. એમનું ભાષણ ટૂંકું હતું. એનો સાર તો હું આપતો નથી, પણ એ એમના હૃદયના રક્ત સમું હતું.
પછી અમે વિદ્યાલય ગયા. ત્યાં વલ્લભભાઈએ જે ભાષણ કર્યું તે ઘોંઘાટિયા ટીખળનો અદ્ભુત નમૂનો હતો. એણે તો વિદ્યાપીઠને હસાહસથી ધ્રુજાવી જ મૂકી. વિદ્યાર્થીઓ એને જીવનભર યાદ કરશે.
વલ્લભભાઈ આશ્ચર્ય પમાડે એવી રીતે એમનું અસલી રૂપ ધારણ કરતા જાય છે. તવાયલાપણું જતું રહ્યું છે અને એમની ‘ભજિયાત્મક’ ક્લબમાં (આ નામ માટે આપણા રાષ્ટ્રીય કોશકાર જુગતરામનો આભાર માનવો જોઈએ.) મળતા વિશ્રામથી એ જામતા જાય છે.
વારુ, આ રહ્યું મારું રતન. એના પાણી વિશે એના ઝવેરી પોતાનો અભિપ્રાય આપ!!
(માલકૌંસ — ‘શૂર સંગ્રામ કો’ની ધૂન)
શુભ દિન શુભ ઘડી, વીર વધામણી —
ચકિત વિસ્મિત બની, દેશપરદેશની;
દૃષ્ટિ દોડી રહી, બારડોલી ભણી. શુભ.
ત્રાસ અન્યાયના, અમલ ઊતરી ગયા;
અભયથી ફૂલતી, છાતી ખેડુ તણી. શુભ.
સત્ય ને શાંતિના, વિજય વાગી રહ્યા;
હરખથી ગાતું સૌ, કીર્તિ વલ્લભ તણી. શુભ.
નિબિડ નૈરાશ્યનાં, તિમિર તો ટળી ગયાં;
આશથી ઝળકતી, આંખ ભારત તણી. શુભ.
જુગતરામને કહેજો કે એમના કાગળોના પ્રત્યુત્તર વાળવા મારા માટે અશક્ય હતું — દુર્ગા માંદી હતી અને મારો સમય વલ્લભભાઈ, नवजीवन અને આશ્રમની ખટપટમાં વહેંચાઈ ગયો છે.
મ. દે.૨૩
બારડોલી સત્યાગ્રહ દરમિયાન સરદારની એક ઉક્તિ ગામેગામ પ્રચલિત થઈ ગઈ હતી: ‘લોઢું ગરમ થાય છે ત્યારે લાલચોળ થાય છે. અને તેમાંથી તણખા ઊડે છે. પણ લોઢું ભલે ગમે તેટલું ગરમ થાય, હથોડાએ તો ઠંડા જ રહેવું ઘટે. હથોડી ગરમ થાય તો પોતાનો જ હાથો બાળે… માટે ગમે તેવી આપત્તિમાં આપણે ગરમ ન જ થઈએ.’૨૪ આ સલાહ પાછળ दुःखेषु अनुद्विग्नमनःની વૃત્તિ હતી તેમ ઉત્સવો વખતે સરદારની વૃત્તિ सुखेषु विगतज्वरःની હતી. આમ સરદારની ‘ધર્મવૃત્તિ’ આપત્તિ અને ઉત્સવ બંને સમયે પ્રગટ થતી તે મહાદેવભાઈએ અનેક દાખલાઓ સાથે પુરવાર કર્યું છે. બારડોલી સત્યાગ્રહના ઇતિહાસનું અંગ્રેજી ભાષાંતર પ્રગટ થયું ત્યારે ગાંધીજીએ यंग इन्डियाમાં એક ખાસ નોંધ લખીને આ પુસ્તકનું સ્વાગત નીચે મુજબ કર્યું:
બારડોલીના સત્યાગ્રહની લડત દરમિયાન મહાદેવ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલના સાહિત્યિક સચિવ હતા. તેમણે એ મહાન અને મહત્ત્વપૂર્ણ લડતનો ઇતિહાસ કેટલાક મહિના પહેલાં ગુજરાતીમાં લખ્યો છે. સરદાર વલ્લભભાઈની એવી ઇચ્છા હતી કે એની એક અંગ્રેજી આવૃત્તિ પણ પ્રગટ કરવામાં આવે જેથી આ બનાવોનો સાચો વૃત્તાંત વિશાળ વાચકવર્ગના હાથમાં આવે. મહાદેવ દેસાઈને આ ઉત્તેજનાભર્યા દિવસોના દિલ હલાવનારા બનાવોની પ્રત્યક્ષ અને વિગતવાર માહિતી હતી. એમણે હવે એની અંગ્રેજી આવૃત્તિ જનતા સમક્ષ રજૂ કરી છે. આવતા વર્ષ દરમિયાન આવનારી ઊથલપાથલને ધ્યાનમાં રાખતાં, આ પુસ્તક દરેક રાષ્ટ્રીય કાર્યકરે વાંચવું જોઈએ.૨૫
એ પુસ્તકની એક નકલ મહાદેવભાઈએ કવિવર રવીન્દ્રનાથને શાંતિનિકેતન મોકલી હશે. તે વાંચીને એમના જે પ્રતિભાવ આવ્યા તે એ પુસ્તકનો સાચો મર્મ પ્રગટ કરે તેવા છે:
મેં તમારી ‘સ્ટોરી ઑફ બારડોલી’ પૂરી કરી. એ ગ્રંથમાં આપખુદ સત્તા પર નૈતિક સત્યના વિજયની આજના યુગમાં અજોડ એવી વીરરસ ગાથાનો પ્રાણ પ્રગટ થાય છે. હું તમારો, એ લડાઈના નાયકનો, તેના લડવૈયાઓનો તેમ જ તમારા મહાન માર્ગદર્શકનો આભારી છું. મારી શુભાશિપો.૨૬
-
બારડોલીનો સત્યાગ્રહ એ દેશના ઇતિહાસમાં અને મહાદેવભાઈના જીવનમાં ૧૯૨૮ની સાલની મુખ્ય ઘટના હતી. તે વર્ષની બીજી કેટલીક પ્રવૃત્તિઓને પણ આપણે આ જ સ્થળે આવરી લઈએ.
આ વર્ષ મહાદેવભાઈ સારુ બારડોલી અને સાબરમતી વચ્ચે આંટાફેરાનું રહ્યું એમ કહીએ તો ચાલે. ૧૯૨૭ના અંત સુધીમાં સાબરમતીનો સત્યાગ્રહ આશ્રમ આખા દેશમાં સત્યાગ્રહીઓને સારુ તાલીમનું એક કેન્દ્ર બની ચૂક્યો હતો, દેશને ખૂણે ખૂણે અને પ્રાંતે પ્રાંતેથી સ્વયંસેવકો આવીને ગાંધીજીના આશ્રમમાં સત્યાગ્રહનાં તત્ત્વો અને તેના અમલની તાલીમ લેતા. અવારનવાર વિદેશી મહેમાનો પણ આશ્રમમાં મહિનાઓ સુધી રહીને અહિંસક જીવનશૈલીનું પ્રશિક્ષણ લેતા. એમને આશ્રમમાં અહિંસાના મંત્ર અને તંત્ર સજીવન થતાં લાગતાં, મીરાંબહેન તો ૧૯૨૫થી ત્યાં સ્થાયીરૂપે રહેવા આવી ગયાં હતાં. અમેરિકાના રિચર્ડ બી ગ્રેગ પણ મહિનાઓ સુધી ત્યાં રહી ગયા હતા. તેમણે ખાદીના અર્થશાસ્ત્ર વિશે તથા અહિંસા વિશે કેટલુંક મહત્ત્વનું લખાણ કર્યું હતું. તેમના इकॉनॉमिक्स ऑफ खद्दर ગ્રંથની લાંબી સમાચોલના મહાદેવભાઈએ नवजीवनમાં લખી હતી. ગ્રેગનું ध पावन ऑफ नॉनवायोलन्स પણ અહિંસાનો અભ્યાસ કરનારાઓ સારું પાઠ્યપુસ્તક જેવું ગણાય છે.
૧૯૨૮ના જાન્યુઆરી માસમાં ‘આંતરરાષ્ટ્રીય બંધુત્વ મંડળ’ નામની અનેક ધર્માવલંબી સભ્યોવાળી એક સંસ્થાની કારોબારીની બેઠક સાબરમતી આશ્રમમાં મળી હતી. એના સભ્યો અને મિત્રો મળી લગભગ ૩૫ જેટલાં ભાઈબહેનોએ આવીને આશ્રમવાસીઓ સાથે ત્રણ દિવસ ગાળ્યા. મંડળના સભ્યોએ વિવિધ ધર્માવલંબી અને અનેક ભાષાઓ બોલનાર આશ્રમવાસીઓને એક ઉદ્દેશથી સાથે રહેતા જોઈ અને જીવનનાં સુખદુ:ખોને સાથે માણતા ને સહેતા જોઈને ખૂબ આનંદ અનુભવ્યો. પોતાની કેટલીક સામાન્ય ચર્ચાઓમાં ભાગ લેવા તેમણે કેટલાક આશ્રમવાસીઓને પણ નિમંત્ર્યા, ગાંધીજી સાથે તેમણે, ધર્મ, ધર્માન્તરણ, અહિંસા, પ્રેમ વગેરે વિષયો અંગે ઝીણવટથી ચર્ચા કરી જેની નોંધ મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં રાખી.૨૭ ધર્મ વિશે ગાંધીજીની પાયાની વાત મહાદેવભાઈએ નોંધેલા નીચેના ટૂંકા ફકરામાં આવી જાય છે:
તમે બંધુત્વ વધારવા ભેગા થયા છો તો તમારા સૌનાં કામો ધાર્મિક થવાં જોઈએ. એમાં ત્યાગ હોવો જોઈએ. મેં તો અનેક વર્ષો ઉપર અનેક ચર્ચાઓ કરવાને પરિણામે એવો નિશ્ચય કરી લીધો હતો કે, બધા ધર્મો સાચા છે; બધા અપૂર્ણ તો છે જ, પણ બધા સાચા છે. અને હું મારા ધર્મને વળગી રહું છતાં મારે બીજા ધર્મો પ્રત્યે મારા ધર્મ જેટલાં જ માન અને પ્રેમ રાખવાં જોઈએ. અને એમાંથી એ ફલિત થાય છે કે મારે સૌને સરખાં ગણવાં જોઈએ. એટલે હિંદુ તરીકે મારી પ્રાર્થના એ ન હોય કે ઇતર ધર્મના હિંદુ ધર્મ સ્વીકારે, અથવા મુસલમાનની પ્રાર્થના એ ન હોય કે બીજા ધર્મના બધા ઇસ્લામ સ્વીકારે, કે ખ્રિસ્તીની પ્રાર્થના એ ન હોય કે બધા ખ્રિસ્તી થાય. પણ આપણી પ્રાર્થના તો એ હોવી જોઈએ કે સૌ પોતપોતાના ધર્મમાં મક્કમ બને, ખ્રિસ્તી સાચો ખ્રિસ્તી બને, હિંદુ સાચો હિંદુ બને, મુસલમાન સાચો મુસલમાન બને. છૂપી છૂપી પણ મારા મનમાં એ લાગણી ન હોવી જોઈએ કે બીજા ધર્મના, મારો ધર્મ સ્વીકારે. આ, બંધુત્વનો પાયો છે.૨૮
પછી મંડળના સભ્યોની પ્રતિક્રિયા જોઈને મહાદેવભાઈ લખે છે:
‘છૂપી રીતે પણ ન ઇચ્છશો કે પારકા ધર્મનો, તમારા ધર્મને સ્વીકારે.’ એ સલાહ ઘણાને વિચારમાં નાખનારી થઈ પડી. ખ્રિસ્તીઓ, મુસલમાનોમાં એવી ઇચ્છા રાખનારા તો ઘણા હોય છે જ. સૌએ પોતપોતાના વિચારો દર્શાવ્યા. એટલે ગાંધીજીને પોતાના વિચારો વધારે સ્ફૂટ કરવા પડ્યા:
‘ઇમામસાહેબના કરતાં મારી સ્થિતિ જુદી છે. મારે મારા ધર્મના પ્રચારને માટે પોતે પવિત્ર બનવું જોઈએ એ વાત તો સાચી જ, પણ હું તો ઇચ્છું પણ નહીં કે કોઈ પોતાનો ધર્મ તજીને મારો સ્વીકારે. મારી તો પ્રાર્થના હમેશાં એ જ હશે કે ઇમામસાહેબ ઉત્તમ મુસલમાન બને, અને ઉત્તમ મુસલમાનના કરતાં પણ ઉત્તમ પુરુષ બને. હિંદુ ધર્મનો અહિંસાનો સંદેશ મને અદ્ભુત લાગે છે. અને એ કારણે મારે મન જેમ મારી સ્ત્રી મને અદ્ભુત સૌંદર્યવતી લાગે છે તેમ, એ અદ્ભુત ધર્મ છે. પણ તેથી બીજા, પોતાના ધર્મ માટે પણ એમ જ માની શકે છે. કોઈને સ્વતંત્ર વિચાર એમ થાય કે એને તો ધર્મ બદલ્યા વિના ન ચાલે તો તે જુદી વાત છે. એમ પ્રામાણિક રીતે માણસ પોતાનો ધર્મ બદલી શકે છે. પણ ધર્મનો પ્રચાર કરવા જવું એ જુદી જ વાત છે. હું તો કહું કે જેમને પ્રાચીન, જંગલી અને ધર્મહીન પ્રજાઓ માનવામાં આવે છે તેમનામાં પણ હું મારો ધર્મ લઈને પ્રચાર કરવા તો ન જ જાઉં, એમાં અભિમાન છે.’૨૯
૨૭મી જાન્યુઆરીએ આશ્રમમાં ગાંધીજીના ત્રીજા પુત્ર રામદાસના વિવાહ થયા. તેનું વર્ણન મહાદેવભાઈની કલમે:
૮ વાગ્યે સવારે વિધિનો આરંભ થયો, અને ૯-૩૦ના સુમારે વિધિ સમાપ્ત થયો, ૯।। વાગ્યે સૌ પ્રાર્થનાસ્થાને ભેગાં થયાં અને ગાંધીજીએ વરવધૂને આશીર્વાદ આપ્યા… ‘રામદાસ તારે વિશે મેં ભારે આશા બાંધેલી છે,’ કહેતાં ડૂમો ભરાયો. ‘તારા કેટલાક દોષો તેં મારી આગળ કબૂલ કર્યા છે,’ કહેતાં તો સત્યવ્રત પિતાની, પોતાનો બીજો કશાનો નહીં તો સત્યનો વારસો કાયમ રાખનાર પુત્રની સત્યશીલતાના વિચારે, પાછી છાતી ભરાઈ આવી, અને અનેક ક્ષણ સુધી અવાક રહ્યા. સામાન્ય પિતાનો પુત્ર વિશેનો મોહ ગળું નહોતો રૂંધતો, ગાંધીજીનો સત્ય વિશેનો મોહ ગળું રૂંધી રહ્યો હતો. એ પવિત્ર પ્રેમ અને મોહની કરુણ ઘડીઓ ચીતરવાનું કોનું સામર્થ્ય છે.
અંતે હૈયું કઠણ કરી ગાંધીજી બોલ્યા: ‘પણ તારા એ દોષો મને વસ્યા નથી, એટલે હું એથી ભય નથી પામ્યો એમ મેં તને કહી દીધેલું છે. તેં કબૂલ કર્યું છે છતાં મેં તને નિર્દોષ ભોળો માન્યો છે; તેથી હું રાજી થયો છું કે તું ચાલાક થઈ જગતને છેતરે તે કરતાં જગત તને ભોળો કહી છેતર્યા કરે તોય હું છાનોમાનો અભિમાન માનવાનો. એવો જ તું રહેજે. ગરીબાઈથી શરમાતો નહીં, બીતો નહીં. …
નીમુને (વધૂને ઉદ્દેશીને) સાચવજે; એનો સરદાર ન બનજે, મિત્ર બનજે. એની એટલે એનાં શરીર અને નીતિની રક્ષા કરજે, ને નીમુ તારાં શરીર અને નીતિની રક્ષા કરે. …૩૦
-
ગાંધીજીને અને તેમના આશ્રમને સારુ એક મહાઆઘાતજનક ઘટના એપ્રિલ માસમાં થઈ ગઈ. ‘આશ્રમના પ્રાણ’ સમા શ્રી મગનલાલ ગાંધીનું ૨૩મી એપ્રિલ, ૧૯૨૮ને દિન અવસાન થયું. તેમની દીકરી રાધા બિહારમાં સ્ત્રીઓની વચ્ચે ફરીને તેમની પાસે પરદાપ્રથા છોડાવવાનું કામ કરતી હતી. શ્રી મગનલાલભાઈ તે વખતે કોઈ કારણસર બંગાળ તરફ ગયા હતા. ત્યાંથી દીકરીને મળવા બિહાર ગયા ત્યારે પટણામાં એકાદ અઠવાડિયાની માંદગી ભોગવી અવસાન પામ્યા. ગાંધીજીએ તે વખતે પોતાનું મૌન છોડીને મગનલાલ ગાંધીનાં પત્ની સંતોકબહેનને આશ્વાસન આપ્યું હતું, પણ આશ્રમનું કામકાજ તો ચાલુ જ રખાવ્યું હતું. ખુદ ગાંધીજી ઉપર દેશને ખૂણે ખૂણેથી દિલસોજીના સંદેશાઓ, તારટપાલ દ્વારા આવ્યા. મગનલાલ ખુશાલચંદ ગાંધીનું નામ કોઈ અંગ્રેજી છાપાએ એમ. કે. ગાંધી એમ છાપ્યું એટલે એમના અને ગાંધીજીના નામનો ગોટાળો કરી આફ્રિકાથી ગાંધીજી વિશે સાચા સમાચાર જાણવા અનેક પત્રો આવ્યા. મહાદેવભાઈ પણ મગનલાલ ગાંધીના અવસાનના સમાચારથી શોકાકુલ થઈ ગયા. તેમણે नवजीवनમાં ઉપરાઉપરી લેખો લખીને મગનલાલભાઈને પોતાની અંજલિ આપી. તેમના અવસાનના સમાચારને મહાદેવભાઈએ ‘વજ્રાઘાત’ અને ‘અત્યંત ભયાનક ફટકા’ તરીકે વર્ણવ્યા. ગાંધીજી વિશે કહ્યું કે ‘એમની ખોટ આ ઘડીએ હું કલ્પી શકું તેના કરતાં ઘણી મોટી છે.’ અને એક પત્રમાં કહ્યું: ‘હું બાવરો અને વ્યાકુળ બની ગયો છું. એ આશ્રમ હતા અને આશ્રમ મગનલાલ હતું. ખાદીક્ષેત્રે એમનું કામ સ્થાયી હતું. અને ખાદી કાર્યકર્તાઓમાંથી એકેયમાં એમનું જ્ઞાન નથી, એમની આવડત નથી, એમની ભક્તિ નથી, એમની શ્રદ્ધા નથી. બાપુના સહકાર્યકરોમાં અને પ્રતિનિધિઓમાં એ સર્વોત્તમ હતા… અમારા દોષો અને ઊણપોને ઢાંકણરૂપ હતા. એમના ઉપરથી બાપુનું મૂલ્યાંકન કરવામાં આવે તો કાંઈ હરકત નથી. મારા જેવા ઉપરથી મૂલ્યાંકન કરવામાં આવે તો એ મહાઆપત્તિરૂપ બને. એમનો પ્રસન્ન સ્ફૂર્તિદાયક ચહેરો સ્મૃતિમાંથી ખસતો નથી; અને આશ્રમ, એમની જીવંત હાજરીમાં જેવો હતો તેવો કદી ફરીથી નહીં બને.’૩૧
આશ્રમમાં વ્રતોના પાલન અંગે, પરસ્પરના સંબંધો અંગે અને આશ્રમના વહીવટ અંગે જે વહેવાર હતો તેમાં કડકપણા અને ઉદારતા તથા કઠોરતા અને કોમળતાનું એક અદ્ભુત પ્રકારનું મિશ્રણ હતું. આમાં કદાચ મુખ્ય કારણ ગાંધીજીનું પોતાનું વજ્રાદપિ કઠોર અને કુસુમાદપિ મૃદુ ચારિત્ર્ય હતું. દાખલા તરીકે, કોચરબમાં આશ્રમ કાઢ્યો ત્યારે બૅરિસ્ટર જીવણલાલના બંગલામાં નિવાસ હતો. થોડા વખતમાં મુખ્ય સડકથી થોડે છેટે એક પીળા બંગલામાં પણ કેટલાક આશ્રમવાસીઓની રહેવાની વ્યવસ્થા થઈ. તે વખતે સામાન્ય છાપ એવી હતી કે વધુ અનુભવી આશ્રમવાસીઓ જીવણલાલના બંગલામાં રહેતા અને નવા આવેલા લોકો પીળા બંગલામાં રહેતા. શ્રી પ્રભુદાસ ગાંધી ઠેઠ ૨૩–૧૧–૧૯૯૧ને દિન પાઠવેલા પોતાના એક સંસ્મરણલેખમાં લખે છે: ‘કોચરબમાં આશ્રમવાસીઓના બે ભાગ બની ગયા. અને ઘોષિત થયા વિના પરિસ્થિતિ એવી બનતી કે સડકવાળા બંગલા નં. એકમાં રહેનારા ‘અવ્વલ’ આશ્રમીઓ અને પીળા નં. બેમાં રહેનારા બધા ‘દોપ્યમ’ આશ્રમવાસીઓ, જોકે બંને બંગલામાં રહેનારાઓનું રસોડું સાથે હતું.’૩૨ પણ એમાંય અપવાદો દેખીતા હતા. શ્રી મગનલાલ ગાંધી જેવા અનુભવી વરિષ્ઠ આશ્રમવાસીઓ પીળા બંગલામાં હતા. તે વખતે આશ્રમવાસીઓએ પંચમહાવ્રતો પર ખાસ ભાર મૂકવો એવો ગાંધીજીનો આગ્રહ હતો. ત્યાં વિધિસર ઘોષણાપૂર્વક આ વ્રતો પણ લેવાયેલાં. પણ તેમાંય વ્રત લેનારાઓ બંને બંગલામાં વહેંચાઈ ગયેલા. ઉપરોક્ત સ્મરણલેખમાં શ્રી પ્રભુદાસ ગાંધી ઇતિહાસની વાત આગળ ચલાવે છે. અત્યારે જ્યાં સાબરમતીનો આશ્રમ છે ત્યાં પહેલાં રાવટીઓમાં નિવાસ હતો. પછી વાંસની મજબૂત સાદડીઓની અલગ ઝૂંપડીઓ બની. ત્યારે આશ્રમની વચ્ચેથી પસાર થતી સડકની બંને બાજુએ વસવાટ થયો. એ ‘ઝૂંપડીવાળો વિભાગ રાષ્ટ્રીય શાળાનો અને તંબૂની છાવણીવાળો વિભાગ આશ્રમવાસીઓનો એવા બે વિભાગો કશીયે રીતસરની ઘોષણા વિના કહેવાયા એટલે કે, કોચરબમાં અવ્વલ અને દોપ્યમની જે ભાવના ઉદ્ભવી હતી તે બદલાઈને હવે શાળાવાળા અને આશ્રમવાળા એવી સ્પષ્ટ અભિવ્યક્તિ પ્રગટ થઈ. ઈંટચૂનાનાં મકાન પહેલા આશ્રમ વિભાગ માટે બન્યાં.૩૨
સડકની બંને બાજુએ રહેનારાઓમાં સામાન્યપણે પૂર્વ તરફ રહેનારા એકાદશવ્રતધારીઓ અને પશ્ચિમે રહેનારા પ્રયત્નશીલો એમ કહી શકાય. પણ તેમાંય અપવાદો હતા જ. વિવાહિત બ્રહ્મચર્યના આગ્રહમાં કિશોરલાલભાઈ, કાકાસાહેબ અને છગનલાલ ગાંધી જેવા સડકની પશ્ચિમે ‘શાળાવાળા’ વિભાગમાં રહેતા હતા, જ્યારે પશ્ચિમ તરફ રહેનારાઓમાં પણ બિહારના રામવિનોદ બાબુ અને ગુલબદનબહેન જેવાં વ્રતશીલ નહીં પણ પ્રયત્નશીલ દંપતી હતાં. એ બાબત પ્રભુદાસભાઈ કહે છે: ‘મારું વિશ્લેપણ એ છે કે જેલ-સડકની બંને બાજુ આશ્રમવાસીઓના બે વિભાગો હતા એ તથ્ય નિર્વિવાદ હોવા છતાં રહેઠાણના વિષયમાં બાંધછોડ જેવું હતું. સડકની બંને બાજુ વિભાજિત બે વિભાગમાં એક પ્રતિજ્ઞાબદ્ધ આશ્રમવાસીઓનો, બીજો પ્રતિજ્ઞારહિત પ્રયત્નશીલ આશ્રમવાસીઓનો હતો એ મુ. મણિબહેન પરીખનું કથન સાચું જ ગણાય, છતાં કથનમાં ઉમેરો કરવો ઘટે કે પશ્ચિમ બાજુનાં રહેઠાણોમાં પણ પ્રતિજ્ઞાબદ્ધો હતા. પૂર્વ બાજુમાં પ્રતિજ્ઞાબદ્ધ સિવાય કોઈ રહે જ નહીં એવી અતિ કડકાઈ નહોતી. પ્રયત્નશીલને રહેઠાણ મળેલું.’૩૨
અસ્વાદવ્રત તથા અપરિગ્રહવ્રત વિશે આવા જ પ્રકારના અપવાદો હતા. શ્રી મગનલાલભાઈ અસ્વાદ વિશે કડક આગ્રહી હતા. એમના મોટા ભાઈ, એટલે કે પ્રભુદાસભાઈના પિતાશ્રી છગનલાલભાઈ અસ્વાદ વિશે તેવા આગ્રહી નહોતા. બંને મસાલા નહીં લેતા, પણ છગનલાલભાઈ મુરબ્બો વગેરે લેતા, મગનલાલભાઈ નહીં લેતા. જ્યારે આશ્રમમાં રહેનારા પરિવારો પોતપોતાને ત્યાં રસોઈ અલગ બનાવતાં ત્યારે પણ મગનલાલભાઈ તો સામૂહિક રસોડે જ જમતા. એમના નાના ભાઈ નારણદાસ ગાંધીએ અપરિગ્રહવ્રત નહોતું લીધું, પણ તેઓ આજીવિકા સારુ આશ્રમ પાસેથી મગનલાલભાઈની જેમ માસિક ૭૫ રૂપિયા નહોતા લેતા. આશ્રમમાં આવતાં પહેલાં મુંબઈમાં વેપારધંધામાં કરેલી કમાણીને આધારે જ પોતાનું ગુજરાન ચલાવતા. આમ વ્રતો બાબત એક તરફથી આગ્રહ હતો. અને બીજી તરફથી ઉદારતા હતી.
મહાદેવભાઈ આ બાબત પ્રયત્નશીલો પૈકીના એક હતા, અને તેથી જ તેઓ જ્યારે ક્યારે પણ આશ્રમમાં હોય ત્યારે તો એમનું ચિંતન આ વિશે વધારે ચાલતું. ગાંધીજીના એ ભક્ત હતા. એમના દરેક પ્રયોગ વિશે એમને જિજ્ઞાસા, ઉત્સુકતા અને ઉત્સાહ પણ હતાં. પણ એમની ભક્તિ આંધળી કે કેવળ આજ્ઞાનુવર્તી નહોતી. તેથી જે વિચાર તેમને ગળે ન ઊતરે તેની ગાંધીજી સાથે નમ્રતાથી છતાં છૂટથી ચર્ચા પણ કરતા. એવી એક લાંબી ચર્ચા ગાંધીજીએ આશ્રમમાં સ્ત્રીપુરુષોનાં અલગ રસોડાં કરવાનો વિચાર મૂક્યો ત્યારે થઈ. મહાદેવભાઈએ પરમ મિત્ર નરહરિભાઈની સાથે મળીને ગાંધીજીને એક પત્ર લખ્યો. એ પત્રમાં આ બંને જણના સ્વતંત્ર વિચારો જેવા મળે એમ છે. પત્ર આખો જ નીચે ઉતાર્યો છે:
પરમ પૂજય બાપુજી,૩૩
અનેક પ્રકારની લાગણીઓ આ પત્ર લખતાં અમને ઘેરી રહી છે. મગનલાલભાઈના વિયોગનું દુ:ખ હજી જરાય હળવું થયું નથી. અને એમનો વારસો કેવી રીતે ઉપાડી શકાય એનાં સ્વપ્નનાં દિનરાત ચાલી રહ્યાં છે. ત્યાં. આપનું દિશાસૂચન અને અમારી આપની સૂચના ઉપાડી લેવાની અશક્તિ એ મૂંઝવણમાં વધારો કરે છે. અમારામાં દૈવત હોય તો ખાલી થયેલી જગ્યામાં ઊભી જઈ એમની તપશ્ચર્યા જેવી જ તપશ્ચર્યા કરવાનું વચન આપીને આપના દુ:ખનો ભાર હળવો કરતો. પણ તે નથી, તેમ જ આ દુ:ખ હળવું કરવાની લાગણીથી અને આવે અઘરે સમયે કાંઈ અસાધારણ કરવું જોઈએ એના ભાવથી જ આપની આ સૂચના લેવી એ બરોબર નથી એમ સમજીને આ કાગળ લખ્યો છે. બુદ્ધિને એક વાત સમજાય અને હૃદયને ન સમજાય ત્યાં, હૃદય, ઉપરના જેવી લાગણીથી બળ મેળવી શકે છે; પણ આ પ્રસંગે અમારી બુદ્ધિ પણ જે વસ્તુ સ્વીકારવાની ના પાડે છે તેમાં તો અમારા વિચાર દર્શાવીને જ અમારા મનનો ભાર હલકો કરવાની ફરજ પડે છે.
૧. એક કુટુંબની ભાવના ઉપર આશ્રમનું તંત્ર રચાવું જોઈએ, આશ્રમમાં એક પણ વ્યક્તિ પોતાનો સ્વાર્થ ન તાણતી હોય, કુટુંબનો સમગ્ર સ્વાર્થ, અને કુટુંબ દ્વારા દેશનો સ્વાર્થ વિચારનારી હોય એ વિશે બેમત આપણે ત્યાં તો ન જ હોઈ શકે. પણ ક્યાં કુટુંબનો સ્વાર્થ પૂરો થાય છે અને વ્યક્તિગત સ્વાર્થ શરૂ થાય છે એ લીટી દોરવામાં મતભેદ હોવાનો સંભવ છે. સંયુક્ત કુટુંબ આ વ્યક્તિગત સ્વાર્થનો અંત આણશે એવો આપનો આશય હોય તો અમને એ વિશે શંકા રહે છે એટલું જણાવવાની રજા લઈએ. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળાં અને ભિન્ન ભિન્ન અભિરુચિવાળાં અનેક સ્ત્રીપુરુષોને બાહ્ય નિયમના દબાણથી એકઠાં કરવાથી જે ચિત્રવિચિત્ર શંભુમેળો થશે તેમાંથી ક્લેશ, કટુતા અને તીવ્ર અસંતોષ ઉદ્ભવવાનો સંભવ છે. એનો ઇલાજ કરવામાં આપ જેવાનો બધો સમય ખરચાઈ જતાં પણ એકતા અને શાંતિ જળવાઈ શકશે કે કેમ એ સવાલ છે, તો પછી બીજાનું એને પહોંચી વળવાનું ગજું જ શું? આખા આશ્રમના એક સંયુક્ત રસોડાને ચલાવવા શક્તિમાન, આશ્રમમાં આપ સિવાય બીજા કોઈ અમને જણાતા નથી. આમ જે વસ્તુ બુદ્ધિને અશક્ય લાગતી હોય તેનો આરંભ કરવાથી શો લાભ?
૨. સંયુક્ત રસોડાને આપ બ્રહ્મચર્યની વાડ ગણાવો છો. વળી બ્રહ્મચર્યને અર્થે સ્ત્રીપુરુષોએ અલગ અલગ રહેવાની આવશ્યકતા પણ સૂચવો છો, એ વસ્તુ અમારે ગળે ઊતરતી નથી. જે સ્ત્રીઓ અને પુરુષોએ અનેક વર્ષો થયાં સાથે જીવન ગાળ્યાં છે, સાથે વિચારો કર્યા છે, સાથે આકાંક્ષાઓ બાંધી છે અને એકબીજાને હૂંફ આપી છે તેમનો એકાએક વિશ્લેષ કરવાથી તેઓ એકબીજાને માટે ઝૂરશે, સહવાસનું વિશેષ ચિંતન કરી પોતાના બ્રહ્મચર્યનો મનસા વિશેષ ભંગ કરશે. વૈરાગ્ય વિના કરાવેલા ત્યાગમાંથી એવી માનસિક વિકૃતિ પેદા થશે કે જેથી પોતાની આસપાસના માણસ તેમને અકારાં લાગશે. અને પોતે આસપાસના માણસોને અકારાં થઈ પડશે. આવી રીતે હૃદયભગ્ન થયેલાં પાસેથી વિશેષ કામ પણ શું લઈ શકાશે? આ વસ્તુ, પુરુષો કરતાં પણ જે સ્ત્રીઓ પોતાના પતિને અનુસરીને અહીં આવી છે અને જેમણે હજી પતિની હૂંફની જરૂર માની છે તેમને વિશેષ લાગુ પડે છે. ગૃહના કરતાં કાંઈક વિશાળ ક્ષેત્રમાં પડવાનો જે થોડોઘણો પણ ઉત્સાહ કે ઉલ્લાસ તેમનામાં હશે તે આ યોજનાથી હરાઈ જશે. અને તેમના નિસાસા આપે પોષવા ધારેલા આશ્રમ કુટુંબરૂપી છોડને ઊગતો ડામી દે તો એમાં નવાઈ જેવું નથી.
૩. બ્રહ્મચર્યના નિયમો વિશેની, કાર્યવાહક મંડળની ધારણામાં અને આપની ધારણામાં અમને ફેર લાગે છે. કાર્યવાહક મંડળે બ્રહ્મચર્યના નિયમમાં, સ્ત્રીપુરુષના વિષયી સ્પર્શનો ત્યાગ, એટલો જ અર્થ ધાર્યો હતો. આપ એમાં સ્ત્રીના ત્યાગનો વધારો સૂચવો છો એટલે આપ સંન્યસ્ત માગો છો, જ્યારે અમારા મનમાં ગૃહસ્થાશ્રમ બ્રહ્મચારી કલ્પના છે. સંન્યાસનો આદર્શ, એ આદર્શ કરતાં ઊંચો હોય, પણ અમારે માટે તો શુદ્ધ ગૃહસ્થાશ્રમનું એક પગલું બસ થાય એમ લાગે છે.
૪. આપ કહો છો કે આપણે કોઈ સંઘ-ઑર્ડર-સ્થાપવા માગતા નથી. પરંતુ આપ જે ફેરફાર કરવાનો સૂચવો છો તેથી તો રોમન કૅથલિક સંપ્રદાયના સાધુ અને સાધ્વીઓના મઠ જેવું અથવા બૌદ્ધ સંઘના ભિખ્ખુ અને ભિખ્ખુણીઓના વિહાર જેવો આશ્રમનો આકાર થઈ જશે. સાધુઓ અથવા ભિખ્ખુઓ સમાજને દોરી શક્યા છે; સમાજને એમણે ઉપદેશ આપીને માર્ગ બતાવ્યો છે; પરંતુ એઓ સમાજથી બહાર જ રહેલા છે, કોઈ દિવસ સમાજને માટે એઓ આદર્શરૂપે મનાયા નથી.૩૪ જ્યારે આપ તો આશ્રમજીવન સમાજમાં વ્યાપક થાય એમ ઇચ્છો છો.
ગૃહસ્થાશ્રમી બ્રહ્મચારીનો આદર્શ સમાજમાં વ્યાપક થઈ શકે ખરો, પણ સંન્યાસીનો આદર્શ વ્યાપક ન જ થઈ શકે. આપ કહો છો તેમ અમે અલગ અલગ રહીએ, તો સમાજથી પણ અલગ જ પડી જઈએ. આજે અમે સમાજના જ ગણાઈને સમાજમાં હરીએફરીએ છીએ. અમારામાં સત્ય હશે અને દૈવત હશે તો આજે અમારું જે પ્રકારનું જીવન છે તેની સમાજ ઉપર અસર પડશે. પરંતુ મઠના જેવી કે વિહારના જેવી આપણી વ્યવસ્થા થઈ જશે તો આપણે અમુક સંપ્રદાયના સાધુ કે અર્ધસાધુ ગણાશું. આવા થવું કે ગણાવું એ જરાયે ઇષ્ટ નથી લાગતું. કર્મરત બ્રહ્મચર્યપાલક આદર્શ ગૃહસ્થ મગનલાલભાઈ જે પૂજા અને આદર મેળવી શક્યા અને અસર પાડી શક્યા તે Segregation Campમાં રહીને બ્રહ્મચર્ય પાળનાર કે કુંવારા રહીને અતડું બ્રહ્મચર્ય પાળનાર નહીં પાડી શકે.
પ. આખા આશ્રમનું એક સંયુક્ત રસોડું બ્રહ્મચર્યપાલનની વાડ થઈ શકે એમ નથી લાગતું. સ્ત્રીપુરુષના એવા સેળભેળ જીવનમાં ભારે જોખમો રહેલાં અમને તો દેખાય છે. રસોડામાં અનેક કુમારિકાઓ હશે અને મંથનકાળમાંથી અથવા ગધ્ધાપચ્ચીસીમાંથી પસાર થતા યુવાનો પણ હશે; પોતાની સ્થિતિથી અસંતુષ્ટ અને જેમની વાસનાઓ અતૃપ્ત રહી હોય એવી વિવાહિતાઓ પણ તેમાં હશે અને વાસનાઓને, બળાત્કારે દાબવા પ્રયત્ન કરતા પુરુષો પણ હશે. આ બધાં, રસોડાનાં અનેક કાર્યોને નિમિત્તે એકબીજાના અતિનિકટ સંસર્ગમાં આવશે. પછી વાડ ક્યાં રહેશે? એક ઉપાધિને ટાળતાં બીજી મોટી ઉપાધિ ઊભી થવાનો સંભવ છે.
૬. આખા આશ્રમના એક સંયુક્ત રસોડા વિના આશ્રમના ભૂકેભૂકા થઈ જવાનો ભય આપને રહે છે, પરંતુ બ્રહ્મચર્યના નિયમનું પાલન કરતાં દંપતીઓમાંથી દુર્ભાગ્યે કોઈ પડે તેથી આશ્રમને જેટલું જોખમ અને ભય છે તે કરતાં ઘણું વધારે જોખમ ને ભય સંયુક્ત રસોડામાં અનેક સ્ત્રીપુરુષો સેળભેળ૩૫ કાર્ય કરે એમાં રહેલું છે. એટલે જે કોટિના માણસો આશ્રમમાં છે તેમને બાહ્ય નિયમના દબાણથી સંયુક્ત રસોડામાં એકત્રિત કર્યા હશે તો તેમના અસંતોષ અને ક્લેશથી આશ્રમના ભૂકા થવાનો વધારે ભય છે.
૭. જેઓ અમુક કોટિ વટાવી નથી ગયા તેવાને માટે સંયુક્ત રસોડું, પાડનારું નીવડવાના પ્રસંગો ઘણા નીકળે છે. આજે પણ રસોડામાં કેટલાક માણસો બીજાએ દૂધ અને ઘી કેટલું લીધું તે જ જોયા કરે છે. પોતે જેટલો અવેજ આપે છે તેટલાનું પોતે ખાતા નથી માટે તેમની પાસે ઓછા રૂપિયા લેવા જોઈએ એવી ફરિયાદો કરે છે. કેટલાક, ખોરાકની બાબત એકાદને અપવાદ મળતો જોઈ પોતે તે અપવાદ ઇચ્છે છે. ભિન્ન ભિન્ન રુચિવાળા માટે ભિન્ન ભિન્ન વસ્તુઓ બનતી હોય અને નજર સામે અનેક વાનીઓ પડી હોય તે નબળાની સ્વાદેન્દ્રિયને જરૂર સતાવશે. જે યોગીરાજને આપ રસોડાના નાયક તરીકે કલ્પો છો તે યોગીરાજ કદાચ ઉત્તરોત્તર પોતાની ઉન્નતિ કરતો જશે પણ બીજા અનેક માટે તો દિનપ્રતિદિન પડતા જવાનો ભય રહેવાનો.
૮. સ્ત્રીપુરુષોને અલગ અલગ રાખવાથી બાળકો ઉપર સારી અસર નહીં પડે.૩૬ બાળકને સંયમી માતા અને પિતા બંનેનો સંયુક્ત સહવાસ મળે એ તેના સર્વદેશીય વિકાસ માટે આવશ્યક છે.૩૭ સ્ત્રીપુરુષોના ફરજિયાત વિશ્લેપથી જે ક્લેશ, કટુતા અને અસંતોષ ઉત્પન્ન થશે તેની બાળકોનાં મન ઉપર માઠી અસર થશે. સમાજમાં કુટુંબ જેમ એક આર્થિક યુનિટ છે, તેમ સાંસ્કારિક યુનિટ પણ છે જ.
૯. સ્ત્રીઓ તથા પુરુષો સંયમ અને મર્યાદાપૂર્વક સાથે રહે એ આશ્રમનું એક સુંદરમાં સુંદર અંગ છે.’૩૮ અમે તો કહીએ છીએ કે આશ્રમની આ એક મોટી શોભા છે. બ્રહ્મચર્યનો નિયમ દાખલ કરવાથી એ સુંદરતામાં વધારો થાય છે. પણ સ્ત્રીપુરુષોના વિશ્લેપથી એ સુંદરતા નષ્ટ થશે, અને એના બદલામાં આપણને કોણ જાણે શુંયે મળશે? અમને તો અનિષ્ટની શંકાઓ થાય છે.
૧૦. આખા આશ્રમના એક સંયુક્ત રસોડા વિના નવા આવનારાઓની વ્યવસ્થાને આપણે પહોંચી નહીં શકીએ. સ્ત્રી-સેવાનું કામ આપણે કરી નહીં શકીએ, દંપતી મહેમાનોને રાખવાની ભારે અગવડ પડશે વગેરે મુશ્કેલીઓ આપ જણાવો છો. કદાચ અમે જે યોજના નીચે સૂચવવાની રજા લઈએ છીએ તેથી એ મુશ્કેલીઓનું નિરાકરણ થાય:
(૧) આશ્રમમાં ત્રણ પ્રકારનાં રસોડાં હોય: (ક) દંપતીઓનાં, (ખ) સંયુક્ત પુરુષોનું, (ગ) સંયુક્ત સ્ત્રીઓનું.૩૯ અમે (ગ) સૂચવીએ છીએ પણ તે અતિશય મુશ્કેલ લાગે છે. એ મુશ્કેલી ન ટાળી શકાય તો પુરુષોના સંયુક્ત રસોડામાં સ્ત્રીઓ ભલે જમે પણ પુરુષોની સાથે રહીને કરવાનું હોય. …૪૦
(ર) સંયુક્ત રસોડાનો મુખ્ય વ્યવસ્થાપક કોઈ જંજાળ વિનાનો એકાકી પુરુષ હોય એ વિશેષ ઇષ્ટ છે.
(૩) કોઈ એકાકી સ્ત્રી અથવા પુરુષ કાર્યવાહક મંડળની ખાસ પરવાનગી સિવાય પોતાનું અલગ રસોડું ન રાખી શકે.
(૪) દંપતીઓનાં અંગત સગાંવહાલાં સિવાયનાં બધા મહેમાન સંયુક્ત રસોડામાં જ જમે. પણ આશ્રમના વ્યવસ્થાપકને દંપતીઓને ત્યાં કોઈ પણ મહેમાનો મોકલવાની સત્તા રહે.
(પ) આશ્રમનાં ધ્યેયો વિગતવાર સ્પષ્ટ કરવાં અને એના ઉપર જે સહી કરે તે આશ્રમના તંત્રમાં મત કે અભિપ્રાય આપી શકે.
(૬) આશ્રમની કોઈ પણ પ્રવૃત્તિ સાથે વ્યવસ્થિત રીતે ન જોડાયેલાં હોય એવાં કોઈ સ્ત્રીપુરુષ આશ્રમમાં ન રહી શકે.
(૭) આશ્રમની પ્રવૃત્તિમાં ન જોડાય પણ કેવળ પોતાની ઉન્નતિ સાધવાના આશયથી લાંબા વખત સુધી મહેમાન તરીકે રહેવા ઇચ્છનારને અપવાદરૂપ સંજોગો સિવાય, કાર્યવાહક મંડળ અહીં રહેવાની પરવાનગી ન આપે. અપવાદરૂપ સંજોગો કોને ગણવા એનો વિવેક કાર્યવાહક મંડળ કરે.
આ ઉપરાંત નિયમાવલિમાં આશ્રમવાસીઓને માટે જે નિયમો છે તેનું પાલન તો આશ્રમમાં રહેવા આવનારે આશ્રમમાં રહે ત્યાં સુધી કરવું જ જોઈએ.
આ પ્રમાણેની યોજનાથી આપે જણાવેલી મુશ્કેલીઓનું નિવારણ થઈ જાય છે. નવા આવનારને આપણી શરતે અને આપણી સગવડે જ આપણે લઈશું. આપણી પ્રવૃત્તિ અંગે कोई व्यक्तिनी आपणने गरज हशे અને તે પોતાના કુટુંબ સાથે જ આવે એવો હશે અને તેને જુદા રસોડાની જરૂર જ હશે તો શક્ય હશે ત્યાં સુધી તેની વ્યવસ્થા આપણે કરીશું. તેઓના બ્રહ્મચર્યપાલનને વિશે આપણે તેમના વચન ઉપર વિશ્વાસ રાખીશું. તેમના વચન ઉપર આપણી શ્રદ્ધા બેસતી હશે તો જ આપણે તેમને લઈશું પછી વિશેષ ચોકી કરવાપણું નહીં રહે.૪૧ બ્રહ્મચર્યપાલનનો નિયમ જ રેઢિયાળ માણસોને આવતા રોકવા માટે પૂરતો છે. દાખલા તરીકે, અમે આશ્રમમાં દાખલ થયા ત્યારે બ્રહ્મચર્યનો નિયમ સૌને માટે ફરજિયાત હોત તો તેટલો નિયમ જ અમને આશ્રમથી છેટા રાખવાને માટે પૂરતો થાત. એ નિયમ કરતાં વાડાની જરૂર ન રહેત. આજે પણ સ્થિતિ બદલાઈ નથી. પણ યોગ્ય માણસોને લેવા ન લેવા એમાં કાર્યવાહક મંડળની શક્તિની કસોટી થશે, એ વાત સાચી. આમાં એવું પણ બનવાનો સંભવ છે કે કાર્યવાહક મંડળ પોતાના અજ્ઞાનમાં પોતાના કરતાં સારા માણસોને પણ આવતા રોકે. પણ એનો ઉપાય તો કાર્યવાહનની લગામ આપના હાથમાં હોય તો જ થઈ શકે. તંત્રમાત્રમાં કાંઈક અન્યાય રહેલો જ છે એ ટૉલ્સ્ટૉયનું કથન સાચું છે.
સ્ત્રી-સેવાનો પ્રશ્ન વિકટ છે. આપના સંયુક્ત રસોડાના અને બ્રહ્મચર્યના નિયમના મૂળમાં વિધવાઓની રક્ષા આપે કલ્પેલી છે, એ ન સમજી શકીએ એવા જડ, આપની કૃપાથી, અમે રહ્યા નથી. વિધવાઓની આસપાસ સંયમનું વાતાવરણ આપણે ભરી દઈએ તો તેમનાં વૈધવ્યનો ભાર, તેમના સંયમનો ભાર, બહુ હળવો થઈ જાય એ વિશે શંકા નથી. દંપતીને સંયુક્ત રસોડામાં જતાં ત્રાસ થાય તો વિધવાની સ્થિતિ કેવી થતી હશે, એનો દંપતી વિચાર કેમ કરતાં નથી? આ આખી સ્થિતિ આદર્શ તરીકે સાચી છે. પણ જેમ ગરીબમાં ગરીબને જે ન મળે તે ન લેવાનો આપણો આદર્શ છતાં આપણે ગરીબમાં ગરીબનું જીવન ગાળતા નથી, બલકે તેનાથી સેંકડો ગાઉ દૂર છીએ, તેમ જ વિધવા બહેનોને જે જે લાભ અને લહાવા ન મળે તે બધાનો આપણે વિવાહિતો ત્યાગ કરીએ એ આદર્શ હોવા છતાં એ સ્થિતિ શક્ય નથી. સંન્યાસ લઈને એ આદર્શ સ્થિતિને જે સ્ત્રીપુરુષો પહોંચી શકે તેને અનેક ધન્યવાદ. પણ આપણે આપણી મર્યાદા સમજવી જોઈએ. એ વિધવાઓ સંયુક્ત થઈને રસોડું ચલાવવું હોય અથવા સંસ્થા ચલાવવી હોય તો ચલાવે, અથવા એમની આંખ ઠરે એવાં, દંપતીજીવન ગાળનારાં ભાઈબહેન સાથે રહે, અથવા પુરુષોના સંયુક્ત કુટુંબમાં જમે એ સિવાય બીજો ઉપાય નથી.
વિવાહિતાને એના પતિથી અલગ કરીને સેવા કરવાનો પ્રસંગ ત્યારે જ ઉપસ્થિત થાય કે જ્યારે પતિ પશુ હોય. એ સંજોગોમાં તો બળાત્કારે પણ એનું રક્ષણ કરીએ, પણ આપણે ત્યાં વિવાહિતાના એવા રક્ષણનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. આપણે ત્યાં તો સંયમ જાળવીને દરેક પતિ પોતાની પત્નીની સેવા કરતાં અને શિક્ષણ આપતાં શીખે એ કરવું ઇષ્ટ છે. પતિ જ પત્નીનો આદર્શ શિક્ષક છે એમ આપે જ ક્યાંક કહ્યું છે. એ સ્થિતિને આપણે ઉત્પન્ન કરવી જોઈએ.
બાકી દરેક સ્થિતિની અને અવસ્થાની સ્ત્રીની સર્વાંગીણ સેવા માટે તો સ્ત્રી-સેવાને પોતાનું જીવન જેણે અર્પણ કર્યું હોય એવી પ્રૌઢ અને સમર્થ વ્યક્તિની આવશ્યકતા છે. આશ્રમની બધી જ પ્રવૃત્તિ માટે જીવનવ્રત લેનાર યોગ્ય વ્યક્તિ ન હોય ત્યાં સુધી એ પ્રવૃત્તિ આપણે ન જ ઉપાડી શકીએ. એટલે અત્યારે આશ્રમમાં સ્ત્રી-સેવાની અલગ પ્રવૃત્તિ છે એવું અમને નથી લાગતું.
અમારી મનોદશાનો ચિતાર આપને મળે એ ખાતર આટલું લંબાણ થયું. એમાં કરેલી ટીકા અને શંકા કરતાં આશ્રમના તંત્રથી આપ તટસ્થ હશો એમ સ્વીકારી લીધું છે. એ તંત્ર આપના હાથમાં રાખો તો તો આપ ઇચ્છો તે કરવાને મુખત્યાર છો.
આપના જેવા આદર્શ સંયમીના અનુભવને વશ થવાની સંપૂર્ણ ઇચ્છા છતાં આપે સૂચવેલી નવી વ્યવસ્થા અમારું સમાધાન કરી શકતી નથી એ ફરી દુ:ખની સાથે જણાવીએ છીએ.
નરહરિ-મહાદેવના
સા. દ. પ્રણામ(આના જવાબમાં ગાંધીજીએ લખ્યું: )૪૨
મારો અર્થ સમજાયો નથી લાગતો એ મારી જ ઊણપ ગણાય ના?
મેં બળાત્કાર ઇચ્છ્યો જ નથી. સમજાવવું એ બળાત્કારમાં ન ગણાય. આપણે ભાંગ્યુંતૂટ્યું પણ સંયુક્ત રસોડું ચલાવ્યું જ છે અને સાથે સાથે નોખાં રસોડાં પણ સેવ્યાં છે.
મારી સૂચના તો આટલી જ છે કે, નોખાં રસોડાં નવાં થતાં બંધ કરવાં જ જોઈએ; ને છે તે વહેલાં એક થાય એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ.
જે સંયુક્ત રસોડું એક પણ ન હોય તો આશ્રમ કહેવાય? જે સંયુક્ત રસોડું એક હોય તો તેમાં કોણ કયા નૈતિક કારણસર ન ભળે?
મારી સૂચનામાં હિંદુ ધર્મે માનેલો સંન્યાસ નથી આવતો, પણ તે સંન્યાસની નવી આવૃત્તિ આવે છે ખરી. પણ તે આવૃત્તિ વિવાહિતને સારુ ઘડાયેલી છે.
સંયુક્ત રસોડું એટલે સ્ત્રીપુરુષનાં બધાં સંબંધ બંધ નથી થતો, પણ તે સંબંધ નિર્મળ થાય છે. જ્યાં લગી એકને બીજા પ્રત્યે ખાસ સ્વાર્થી આકર્ષણ રહ્યું છે, ત્યાં લગી આપણે ગીતાની સમતાને નથી પહોંચતા.
અત્યારે આપણે વિચારવાનું એ નથી કે, બધાં નોખાં રસોડાં એક થાય છે કે નહીં, પણ નોખાં છે તે એક થવાના પ્રસંગો શોધ્યા જ કરશું કે નહીં?
સ્ત્રીઓમાં કોઈ પ્રકારનું ઐક્ય હજી નથી સધાયું. એને સારુ સંયુક્ત રસોડું એક સાધન છે.
પણ આ બધા મારા ખ્યાલો છે. સંયુક્ત રસોડું કે આશ્રમ અમારે નથી ચલાવવો, હું મહેમાન છું, ને મહેમાન તરીકે મારા અનુભવનો ઉપયોગ આશ્રમને આપવા ઇચ્છું છું. મગનલાલના જીવતાં મેં જે વિસ્તાર કરી નાખ્યો ને જેનો તેણે રોજ વિરોધ કર્યો છતાં જે તેણે જેમતેમ નિભાવ્યું હતું તે વિસ્તારને જેટલો ટૂંકાવાય તેટલો ટૂંકાવવાનો મારો પ્રયત્ન છે. આ પ્રયત્ન બધાય વિચારી જે યથાશક્તિ થાય તે કરજો.
આ બાબત, કુટુંબો ચલાવનારા મારી સાથે ફરી ચર્ચા ઇચ્છો તો ચર્ચજો. તમારી બે જણની દૃષ્ટિ બધાની પાસે રાખો એ સારું છે.
બાપુ૪૩
આશ્રમનાં સ્ત્રીપુરુષોનાં રસોડાં તો ઝાઝો સમય અલગ અલગ ચાલ્યાં નહોતાં. પણ સામૂહિક રસોડું ૧૯૩૦માં દાંડીકૂચ થઈ ત્યાં સુધી ચાલ્યું હતું.
દસમી જૂન, ૧૯૨૮ને દિને ગાંધીજીએ ‘સત્યાગ્રહ આશ્રમ’ના મથાળા હેઠળ એક લાંબો લેખ લખ્યો હતો.૪૪ તેમાં આશ્રમનો ઉદ્દેશ અને એના નિયમ, એટલે વ્રતો, તથા એની પ્રવૃત્તિઓ વિશે સમજૂતી આપી હતી તેમ જ ખાદી વિદ્યાલયનો અભ્યાસક્રમ પણ આપ્યો હતો, વળી એમાં એમ પણ જણાવ્યું હતું કે આશ્રમની વ્યવસ્થા ૨૪–૭–૧૯૨૬થી કાર્યવાહક મંડળને હસ્તક ચાલે છે તે મંડળમાં ઉપરોક્ત લેખ લખ્યો ત્યારે પ્રમુખ તરીકે મહાદેવભાઈ અને ઉપપ્રમુખ તરીકે ઇમામ અબદુલકાદર બાવાઝીર, અને મંત્રી તરીકે શ્રી છગનલાલ જોષીનાં નામો હતાં. અને એના સભ્યોમાં વિનોબા, નરહરિભાઈ વગેરે નવસજ્જનોનાં નામો હતાં. આશ્રમના ટ્રસ્ટીઓમાં પણ જમનાલાલજી, રેવાશંકરભાઈ, ઇમામસાહેબ અને છગનલાલ ખુ. ગાંધી સાથે મહાદેવભાઈનું નામ મૂકવામાં આવ્યું હતું.
ગાંધીજીએ પોતાની રીતે આ નિર્ણયને આવકાર્યો. अनासक्तियोग પુસ્તક પૂરું કરવા કૌસાની ગયેલા ત્યાંથી મહાદેવભાઈને લખ્યું:
હું હિમાલયના ખોળામાં નાચી રહ્યો છું અને ઋષિરાજ પોતે શ્વેત વસ્ત્ર પહેરી સૂર્યસ્નાન કરતાં કરતાં આનંદમાં લીન થઈ ગયા છે. એની સમાધિ દ્વેષ કરવા જેવી છે. આ દ્વેષમાં તમે ભાગ લેનાર નથી એ જરા ડંખે છે. પણ તમારું સ્થાન ત્યાં છે એટલે ડંખનું દરદ ધીમું પડે છે.
આજથી ગીતાજીનું અધૂરું કામ કરવાનો આરંભ થવાનો છે.
તમે ભલે પ્રમુખ થયા. આવાં કામોમાં પણ તમારે પડવું તો રહ્યું જ છે.૪૫
આ જ અરસામાં ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠના બંધારણમાં પણ કેટલાક સુધારાઓ કર્યા હતા. તેનું જ નવું કાર્યવાહક મંડળ બન્યું તેમાં જોડાવા મહાદેવભાઈને નિમંત્રવામાં આવ્યા.
તે કાળે આચાર્ય કૃપાલાની ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદાય લઈને ઉત્તર પ્રદેશમાં પોતાના રચનાત્મક કાર્યને સંભાળી લેવા પાછા જતા હતા. એમના વિદાયસમારંભનો તાદશ ચિતાર મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં ખડો કર્યો છે.
મહાદેવભાઈએ નોંધેલા કૃપાલાનીજીના વિદાયભાષણનાં અંતિમ વાક્યો આજે ચોસઠ વર્ષ પછી પણ એવાં ને એવાં તાજાં છે:
તમારાં ધ્યેય, આશાઓ અને અભિલાષાઓ તમારા હવે પછીના જીવનમાં સાથે લઈ જાઓ. યાદ રાખો, જીવન ગમે તેટલો બોજો મૂકે તોપણ તેને હળવો સમજવો. બીજાઓની મૂર્ખાઈઓ ઉપર હસજો અને તમારી મૂર્ખાઈઓ ઉપર પણ બની શકે તો હસવાનો પ્રયત્ન કરજો. તમારું ભાગ્ય તમને ગમે ત્યાં લઈ જાય — રિબાવવાના જંતર અને વધસ્તંભ ઉપર પણ — હું તમને ખાતરીથી કહું છું કે જીવન જીવવાયોગ્ય છે.૪૬
મહાદેવભાઈની શૂન્ય બની જવાની ખૂબી એમને લોકોના સદ્ગુણોના હાર્દ સુધી અનાયાસ પહોંચાડી દેતી. તેથી તેઓ સૌમ્યમૂર્તિ દીનબંધુ ઍન્ડ્રૂઝનાં વચનોને જેટલા ભાવથી ઝીલી શકતા તેટલા જ ભાવથી અહિંસક ક્રાંતિકારી કૃપાલાનીના લાવા જેવા શબ્દો પણ ઝીલી શકે છે. કૃપાલાનીજીનું ભાષણ એમ તો નાજુક પ્રસંગે થયેલું હતું, પણ મહાદેવભાઈએ એનો અહેવાલ એટલા પ્રેમપૂર્વક અને ચીવટથી તૈયાર કર્યો કે કૃપાલાનીના જેવા કડક પરીક્ષક પાસેથી પણ આખું ભાષણ વંચાવ્યા પછી તેઓ તે છપાવવાની પરવાનગી મેળવી શક્યા.
આ પ્રકરણ સંકેલતાં પહેલાં એક નાના સરખા વિષયની નોંધ કરી લઈએ. જે વસ્ત્રવિદ્યા વિશે આગ્રા જેલમાંથી મહાદેવભાઈએ એવું વિધાન કર્યું હતું કે કાંતણને તેઓ અલંઘનીય એવું પવિત્ર માનતા નહોતા, તે વસ્ત્રવિદ્યા આ પાંચછ વર્ષોમાં એમના વ્યક્તિત્વ ઉપર પણ પ્રભાવ પાડી ચૂકી હતી. તેમણે કાંતણકળા પર અદ્ભુત કાબૂ મેળવી લીધો હતો. તેમનું ઝીણું, એકધારું અને કસવાળું સૂતર વણવા સારુ વણકરો તત્પર રહેતા, તેઓ કાંતતા હોય ત્યારે આસપાસના લોકો કાંઈ કળાપ્રદર્શન જોતા હોય એટલી તન્મયતાથી તેમને જોઈ રહેતા. દરેક કૉંગ્રેસ અધિવેશન વખતે તેઓ તે સમયનાં વ્યાખ્યાનોનાં બયાન આપવા સારુ नवजीवनનાં જેટલાં પાનાં આપતા તેનાથી ઓછાં ખાદીપ્રદર્શન કે કાંતણ- હરીફાઈના વર્ણનનાં આપતા નહીં. અને વસ્ત્રવિદ્યાએ એમના ચિત્ત પર એવો કબજો જમાવ્યો હતો કે તે એમની ભાષા અને લેખનશૈલી તથા તેમના અલંકારોમાંથી પણ ટપકી પડતી. મહાદેવભાઈની ડાયરીના બારમા ખંડની સૂચિમાં કૉંગ્રેસનો ઉલ્લેખ સત્તર વાર અને આશ્રમનો ત્રેવીસ વાર છે, પણ ખાદીનો ઉલ્લેખ એકાવન વાર છે. પણ આ તો સહજ વિનોદ થયો. કાઠિયાવાડ રાજકીય પરિષદના ગાંધીજીના ભાષણની શૈલીનું વર્ણન મહાદેવભાઈથી એક વાક્યાંશમાં આમ થઈ જાય છે: ‘જે મુખ્ય ઠરાવની ચર્ચા ગાંધીજીએ પરિષદમાં ખૂબ ઝીણવટથી કરી — કોઈ સુંદર પીંજનાર રૂના ઝીણામાં ઝીણા રેસા એકેએક નોખા પાડી દે છે તેનું સ્મરણ કરાવનારી ઝીણવટથી કરી — …’૪૭ તો બીજી તરફ ગાયકવાડી મહુવા તાલુકાના નાનકડા પૂના ગામમાં ભરાયેલ છઠ્ઠી રાનીપરજ પરિષાદનું વર્ણન કરતાં તેમાં ગોઠવેલા નાનકડા ખાદીપ્રદર્શન વિશે લખતાં મહાદેવભાઈનો કવિ સહેજ ડોકિયું કરી જાય છે: ‘બીજો વિભાગ પીંજણનો હતો. અહીં જુદા જુદા પ્રકારની પીંજણો હતી. એ વાપરવાની રીત બતાવી હતી. જાડી, પાતળી અને મધ્યમ પ્રકારની તાંતથી પીંજેલા રૂના નમૂના હતા; અને આ બધા નમૂનાની સાથે સાથે, હાથ વડે સાફ કરેલા, ઓટેલા અને પીંજેલા રૂના જેના રેસેરેસા સંપૂર્ણપણે છૂટા પાડેલા હતા — જાણે શરદઋતુનું વાદળ — તેનો નમૂનો હતો.’૪૮
આખો વખત દોડાદોડીમાં ગાળતા અને બારડોલીના ખેડૂતો સાથે એકરાગિતા અનુભવતા મહાદેવભાઈએ આ દિવસોમાં ગાંધીજીને ઉદ્દેશીને બહુ વિયોગભર્યા પ્રેમપત્રો લખ્યા જણાતા નથી. પણ મહાદેવની ગેરહાજરી કોઈ કોઈ વાર ગાંધીજીને સાલી હોય એમ લાગે છે ખરું. મહાદેવ બારડોલી ગયા છે એમ તો ગાંધીજી કાંઈ કેટલાને લખી વળ્યા છે. એ કૂવાના થાળેથી પડીને ખાટલાવશ થયા ત્યારે તો એ સમાચાર મહાદેવના મિત્રોને લખ્યા વિના કેમ ચાલે? વળી જાણીતા પત્રકાર શ્રી સદાનંદે ગાંધીજીના કહેવાતા એક લેખની નકલ જોવા સારુ એમની પાસે મોકલી આપી ત્યારે તેમણે સદાનંદને લખ્યું: ઍંગ્લો અમેરિકન ન્યૂઝપેપર સર્વિસ માટે મેં લખ્યો હોવાનું કહેવાતા લેખની નકલ સાથેનો તમારો પત્ર મને મળ્યો છે. આ નકલમાં નિર્દેશ કરેલા વિષય પર મેં આ સમાચારસંસ્થાને કે અન્ય કોઈ સંસ્થાને કોઈ લખાણ મોકલ્યું નથી. પરંતુ તમે મોકલેલી નકલ વાંચી જતાં મને લાગ્યું છે કે તે મારી લંકાની મુલાકાત દરમિયાન કોલંબોમાં આપેલા એક ભાષણનો બેદરકારીથી લેવાયેલો છાપાંનો અહેવાલ છે. આ ભાષણનો સારો કહી શકાય તેવો અહેવાલ મહાદેવે પ્રસિદ્ધ કરેલી લંકાની યાત્રાની પુસ્તિકા૪૯માં આપેલો છે.૫૦
નોંધ:
૧. સરદાર વલ્લભભાઈ.
૨. મહાદેવ દેસાઈ: बारडोली सत्याग्रहनो इतिहास પૃ. ૨૫૬-૨૫૭.
૩. એજન, પૃ. ૪ પ્રસ્તાવના.
૪. गांधीजीनो अक्षरदेह – ૩૬ : પૃ. ૪૭.
પ. એજન, પૃ. ૫૧.
૬. એજન, પૃ. ૯૧.
૭. ગ. મા. નાંદુરકર: सरदारश्रीना पत्रो – ૪ : પૃ. ૨૧૭.
૮. ક્લેશ ફળ વડે જ નવીનતા પ્રાપ્ત કરે છે.
૯. મહાદેવ દેસાઈ: बारडोली सत्याग्रहनो इतिहास: પ્રસ્તાવના, પૃ. ૪.
૧૦. ખેડા સત્યાગ્રહ વખતે.
૧૧. મહાદેવ દેસાઈ: बारडोली सत्याग्रहनो इतिहास: પૃ. ૯૫-૯૬.
૧૨. નરહરિ પરીખ: सरदार वल्लभभाई – ૧ : પૃ. ૪૦૬.
૧૩. મહાદેવ દેસાઈ: बारडोली सत्याग्रहनो इतिहास: પૃ. ૨૫૧.
૧૪. ખરડો મોઘમ શબ્દોમાં લખાયો હતો તેથી તે સ્વીકારવામાં સરકાર તરફે જૂઠાણું થતું હતું એમ વલ્લભભાઈને લાગતું હશે.
૧૫. મહાદેવ દેસાઈ: बारडोली सत्याग्रहनो इतिहास: પૃ. ૨૫૨-૨૫૩.
૧૬. એજન, પૃ. ૨૬૪.
૧૭. તા. ૨–૮–’૨૮થી તા. ૧૨–૮–’૨૮ સુધી.
૧૮. તા. ૫–૮–’૨૮.
૧૯. તા. ૧૮–૮–’૨૮.
૨૦. महादेवभाईनी डायरी – ૧૨ : પૃ. ૧૪૮થી ૧૫૧. नवजीवन ૨૬–૮–’૨૮.
૨૧. મહાદેવ દેસાઈ: बारडोली सत्याग्रहनो इतिहास: પૃ. ૨૯૯.
૨૨. महादेवभाईनी डायरी – ૧૨ : પૃ. ૧૪૬.
૨૩. महादेवभाईनी डायरी – ૧૨ : પૃ. ૧૩૮-૧૪૧.
૨૪. નરહરિ પરીખ: सरदार वल्लभभाई – ૧ : પૃ. ૪૧૭.
૨૫. गांधीजीनो अक्षरदेह – ૪૨ : પૃ. ૨૩૯.
૨૬. The Collected Works of Mahatma Gandhi – ૪૨ : P ૪૫૪. અનુ. ના. દે.
૨૭. महादेवभाईनी डायरी – ૧૨ : પૃ. ૧૪થી ૨૨.
૨૮. એજન, પૃ. ૧૭.
૨૯. એજન, પૃ. ૧૮.
૩૦. એજન, પૃ. ૪૫-૪૬.
૩૧. એજન, પૃ. ૧૦૯-૧૧૦.
૩૨. ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ સારુ પાઠવેલ કેટલાક પ્રશ્નોના જવાબમાં રાજકોટથી શ્રી પ્રભુદાસ ગાંધીએ લખેલ પત્રમાંથી આંશિક ઉતારો.
૩૩. પત્ર ઉપર તારીખ લખી નથી.
૩૪. અહીં હાંસિયામાં ગાંધીજીએ નોંધ કરી છે: ‘બધું અપ્રસ્તુત’.
૩૫. અહીં હાંસિયામાં ગાંધીજીએ નોંધ કરી છે: ‘કલ્પનામાત્ર’.
૩૬. ગાંધીજીની નોંધ: ‘એવાં અલગ કલ્પ્યાં નથી’.
૩૭. ગાંધીજીની હાંસિયામાં નોંધ: ‘એ સહવાસ તો મુદ્દલ બંધ થતો જ નથી’.
૩૮. ગાંધીજીની નોંધ: ‘એ અંગને ટાળવું નથી’.
૩૯. ગાંધીજીની નોંધ: ‘ક અને ખ છે, ગ નથી’.
૪૦. અહીં કંઈ લખવાનું રહી ગયું લાગે છે.
૪૧. ગાંધીજીની હાંસિયામાં નોંધ: ‘આ અધૂરો વિચાર છે’.
૪૨. આ લખાણની પણ તારીખ નથી; પણ એમ લાગે છે કે ઉપરનો કાગળ મળતાં જ આ લખાયું હશે.
૪૩. महादेवभाईनी डायरी – ૧૨ : પૃ. ૧૧૪થી ૧૨૩.
૪૪. गांधीजीनो अक्षरदेह – ૩૬ : પૃ. ૩૯૩થી ૪૦૪.
૪૫. ગાંધી સંગ્રહાલયના હસ્તલિખિત પત્રક્રમાંક એસ. એન. ૧૧૪૫૩.
૪૬. महादेवभाईनी डायरी – ૧૨ : પૃ. ૫૫થી ૫૭ પરથી સારવીને.
૪૭. એજન, પૃ. ૨૮.
૪૮. એજન, પૃ. ૧૧૨.
૪૯. विथ गांधीजी इन सिलोन.
૫૦. गांधीजीनो अक्षरदेह – ૩૬ : પૃ. ૩૮૮.
Feedback/Errata