પ્રાથમિક શાળાનાં પહેલાં ચાર ધોરણ સુધીનું શિક્ષણ મહાદેવે પિતાની બદલી જે જે ગામે થાય તે તે ગામે લીધું. ઘરમાં સ્નેહાળ પિતા ઉત્તમ શિક્ષક પણ હતા તેથી શાળાઓ બદલવામાં તેમને ઝાઝી મુશ્કેલી નહીં નડી હોય.
ગુજરાતીનાં પાંચ ધોરણો પૂરાં કર્યા પછી મહાદેવને આગળ ભણવા ક્યાં મૂકવા એ પ્રશ્ન આવ્યો. આજે તો ઓલપાડ તાલુકામાં ઠેર ઠેર હાઈસ્કૂલો થઈ ગઈ છે. અને ઓલપાડમાં એક કૉલેજ પણ શરૂ થઈ ગઈ છે, પણ તે કાળે તાલુકામાં એકે હાઈસ્કૂલ નહોતી અને હરિભાઈને લાડકા દીકરાની હોશિયારી જોઈને એને આગળ ભણાવવાની ભારે હોંશ હતી. જિલ્લાના મથક સુરત શહેરમાં પણ તે વખતે બે કે ત્રણ જ હાઈસ્કૂલ હતી. એટલામાં ગામના જ વતની મણિશંકર ભટ્ટે અંગ્રેજી શીખવા સારુ દિહેણ ગામમાં જ ખાસ વર્ગો ખોલ્યા. હરિભાઈના સ્નેહી ડૉ. ચંદુલાલ પાસે રાખીને ભણાવે તો સુરતમાં અંગ્રેજી શિક્ષણ મળે એમ હતું. પણ આટલી નાની વયે મહાદેવને સુરત રાખવા એ હરિભાઈને બરાબર ન લાગ્યું. ગામમાં અંગ્રેજીનો વર્ગ ખૂલતાં હરિભાઈનો કોયડો ઊકલી ગયો. મણિશંકર માસ્તર દિહેણ ગામમાં હરિભાઈના ટીલવા ફળિયામાં જ રહેતા અને તેમણે વર્ગ પણ હરિભાઈના ઘરની પાસે જ ખોલ્યો, એટલે મહાદેવને એ વર્ગમાં જોડી દીધો. મણિશંકર માસ્તર સ્વભાવે બહુ કડક છતાં અંદરથી ખૂબ પ્રેમાળ હતા. ઠોઠ વિદ્યાર્થીઓને તેઓ ખૂબ મેથીપાક આપતા. મહાદેવ બીજા છોકરાને માર પડતો જોઈ થથરતા. જોકે એમને પોતાને કદી માર ખાવાની નોબત આવી નહોતી. માસ્તરનો ભાણેજ નામે નથુ બિચારો રોજેરોજ ટિપાતો. છોટુભાઈને પણ અવારનવાર પીલવણની ઝીણી સોટીના સટાકા પડતા, પણ તેઓ એનાથી રીઢા થઈ ગયા હતા, તેથી એ મારને જરાય ગણકારતા નહીં. નથુને મણિશંકરમામા મારતા જાય અને સ્વસ્તિવચનો પણ સંભળાવતા જાય. નથુ બિચારો મૂંગો મૂંગો બધું સહન કરી લે. આંખમાંથી એક ટીપું આંસુનું નહીં, મોંમાંથી અરેરાટી સુધ્ધાં નહીં. છડી વડે મારતાં થાકે એટલે બે હાથે માથું પકડી ભીંત જોડે ધડમ્ ધડમ્ અફાળે અથવા ભીંત સાથે નાક ઘસાવે અને કહે કે, ‘ભણ્યો, ભણ્યો! તારો બાપ મંદિરમાં સુખડવટો ઘસી ઘસીને મરી ગયો, અને તું શું ભણવાનો?’ આ જ ભાણેજ જ્યારે થોડા કાળ પછી પ્લેગના રોગનો ભોગ બની ગયો ત્યારે આ જ મણિશંકર માસ્તરે ફળિયામાં આળોટી આળોટીને કલ્પાંત કરેલું અને એને મારવા અંગે પશ્ચાત્તાપ કરેલો.
પણ ભણાવવા બાબતમાં ‘માસ્તરકાકા’ ખૂબ ચીવટવાળા હતા. એક એક શબ્દ અંગે ચીવટથી સમજાવે અને વ્યાકરણ પાકું કરાવવાની પૂરી કાળજી રાખે. વિદ્યાથીઓની સંખ્યા વધી ગઈ એટલે એક કરતાં વધુ વર્ગ ન લેતાં મણિશંકર માસ્તરે એક વર્ગ લઈને ત્રણ વર્ષ સુધી એને ભણાવી, પછી નવા વિદ્યાર્થીઓને શરૂઆતથી ભણાવવાનો ક્રમ શરૂ કર્યો. મણિશંકર માસ્તર પાસે ત્રણ વર્ષ ગાળી ચૂકેલા ઘણાયે વિદ્યાર્થીઓનો અંગ્રેજીની બાબત આ ત્રણ વર્ષો દરમિયાન પાકો પાયો નખાઈ જતો. આ પ્રકારે ખાનગી શાળા મણિશંકર ભટ્ટે ત્રીસ વર્ષ સુધી ચલાવી. મહાદેવભાઈ પછીની પેઢીના દિહેણના પ્રસિદ્ધ ન્યાયાધીશ શ્રી ધીરુભાઈ અંબેલાલે પણ મણિશંકર માસ્તર પાસે અંગ્રેજીના પાયા નાખેલા. મણિશંકર જેટલા જલદી ખિજાતા એટલા જ જલદી રીઝી પણ જતા. ઘરમાં પત્ની જોડે એમનો છાશવારે કજિયો થતો ત્યારે મોટે મોટેથી બૂમો પાડીને એમને ઘરમાંથી બહાર કાઢવાની ધમકી આપતા. તે ટાણે એમના ઘાંટાથી આખું ફળિયું જોવા ભેગું થતું. પણ એ દંપતી-કલહ મોટો ભાસવા છતાં લઘુક્રિયામાં પરિણમતો.
પોતાની ઉત્તરાવસ્થામાં મણિશંકર માસ્તર રાંદેર જઈને વસ્યા હતા. મહાદેવભાઈએ છેવટ સુધી એમની સાથે મીઠો સંબંધ જાળવેલો. ગાંધીજીના કામ અંગે કોઈ વાર સુરત આવે તો રાંદેરમાં માસ્તરકાકાને જઈને મળવાનું ચૂકતા નહીં. તે કાળે તો મહાદેવભાઈનું નામ દેશભરમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું હતું. અને એમના અંગ્રેજી લેખો પણ પ્રથમ કક્ષાના લેખાતા હતા, તે ‘માસ્તરકાકા’ સારી રીતે જાણતા, તેથી મહાદેવભાઈ આવે ત્યારે ગળગળા થઈ જતા, પણ મહાદેવભાઈ એમને વાંકા વળીને પગે લાગવાનું ચૂકતા નહીં. ભરૂચનાં ગામડાંઓ તરફ ફરતાં અર્જુન ભગત નામના એક સંતનાં ભજનોનો એક સંગ્રહ જ્યારે अर्जुनवाणीને નામે છપાવ્યો ત્યારે એની એક પ્રત મહાદેવભાઈએ ‘આંગ્લભાષાના આદ્યગુરુને સપ્રણામ ભેટ’ એવા લખાણ સાથે મોકલાવેલી.
મણિશંકર માસ્તર દિહેણમાં અંગ્રેજીના વર્ગો ચલાવતા ત્યારે રાત્રે વિદ્યાર્થીઓને વાંચવા સારુ પોતાને ઘેર બોલાવે. એમની જોડે ધર્મની વાતો કરે, સંધ્યા ગોખાવે, શ્રી નથુરામ શર્માએ કરેલા અર્થ સમજાવે અને ત્યાર પછી પોતે સોંપેલું લેસન કરાવે.
મણિશંકર માસ્તરના એક ભાઈ અંકલેશ્વરમાં શિક્ષક હતા. સંસ્કૃતના સારા જાણકાર હતા. ઘણી વાર તેઓ રજાઓમાં દિહેણ આવતા. દિહેણ ગામ બહાર ભણતા વિદ્યાર્થીઓ અને બહાર ભણાવતા શિક્ષકોને સારુ ઉનાળાની રજામાં હવા ખાવાનું અને રજા ગાળવાનું સ્થાન બની રહેતું. ગામની પશ્ચિમ દિશાના વિશાળ તળાવ પરથી કાંઠાનાં વૃક્ષોથી ચળાઈને આવતો પવન દિહેણના ઉનાળાને સહ્ય અને સંધ્યાઓને રમ્ય બનાવી દેતો. મણિશંકરના ભાઈ દિહેણ આવે ત્યારે વિદ્યાર્થીઓને ભેગા કરી કાલિદાસ વગેરેનાં કાવ્યોમાંથી શ્લોકો સમજાવતા અને સંસ્કૃત સાહિત્યનો ચટકો લગાડતા.
ટીલવા ફળિયામાં જ જીવણરામ વૈદ્ય કરીને એક સજ્જન રહેતા. તેમને સત્સંગતિને લીધે થોડો આધ્યાત્મિક અનુભવ હતો. છોકરાઓ તેમને ‘દાજી’ કહેતા. છોકરાઓ ભેગા થઈને એમની પાસે વેદ-ઉપનિષદ-પુરાણોની વાર્તાઓ સાંભળતા.
વળી ચોમાસામાં ખેતીના કામથી નવરાશ મળે ત્યારે મોટેરાંઓ રામાયણ–મહાભારતની કથા હસ્તલિખિત પ્રતોમાંથી નાનાંમોટાં સૌને વાંચી સંભળાવતા. ચોમાસું વીત્યે ગાગરિયા માણભટોની કથાઓ અને રામલીલાના ખેલ વગેરે થતા, તે પણ બાળકોને ધાર્મિક સંસ્કાર આપવામાં સહાયક નીવડતા.
અંગ્રેજીના વર્ગોમાં મહાદેવ ખૂબ હોશિયાર હતા. પોતે અંગ્રેજીના પહેલા ધોરણમાં હતા ત્યારે પણ પાસે બેઠેલા છોકરાઓને ભણાવતા. સાંભળી સાંભળીને મહાદેવને ઉપલા બંને વર્ગોના પાઠ તેના વિદ્યાર્થીઓ કરતાં પણ સારા આવડતા. ત્રણ વરસનું ભણતર તેમણે દોઢ વરસમાં જ પૂરું કર્યું હતું.
પછી ફરી પ્રશ્ન આવ્યો આગળ ભણવાનો. એમના સૌથી નાના કાકા ખંડુભાઈ તે વખતે જૂનાગઢ નોકરી કરતા હતા. એટલે એમને ત્યાં ભણવા મૂકવાનું નક્કી કર્યું. વચલા કાકા ઓલપાડ તાલુકાના જ લવાછા ગામે તલાટી હતા. ત્યાંથી ભગવા દાંડીનું બંદર એક માઈલ દૂર થાય. એ બંદરથી રોજ ઘોઘા સુધી મુસાફરોને લઈ જવા-લાવવાનું કામ મછવો કરતો. મછવાનો કૉન્ટ્રાક્ટર ઓળખીતો હતો તેથી ભાડું ન લે અને એમ દિહેણથી ઘોઘા સુધી મફત પહોંચી જવાય એમ હતું. એટલે બે પિતરાઈઓ, કાકી અને રાંદેરના એક સંબંધીનાં પત્ની અને દીકરી એમ છ જણે બે દિવસનું ભાતું સાથે બાંધી, રાતે વાંચતાં ઘાસતેલના દીવાથી આંખને નુકસાન ન થાય એટલા સારું દિવેલનો એક ડબ્બો, મછવાની મુસાફરીમાં ઊલટી ન થાય એટલા સારુ ખાવા માટે સૂંઠ ને ગોળની ગોળીઓ વગેરે સામાન સાથે દિહેણથી ઘોઘા સુધીની મુસાફરી કરી. મહાદેવની ત્યારે દશ કે અગિયારની ઉંમર હશે. એની આ પહેલી દરિયાઈ મુસાફરી હતી. પવનની પ્રતિકૂળતાને લીધે મછવો દાંડીથી સાંજે નીકળી બીજે દિવસે સવારે ઘોઘા પહોંચવાનો હતો તેને બદલે ઠેઠ સાંજે પહોંચ્યો. મછવામાં ચડતાં જ પીવાના પાણીનો ઘડો ઘેરથી સાથે લીધેલો તે ફૂટી ગયેલો અને ખારવાઓના હાથનું પાણી પીવાથી તો વટલાઈ જવાય એવા ખ્યાલે આખો દિવસ તરસ્યા રહીને ઘોઘે જઈને પાણી પીધું. બીજે દિવસે સવારે ટાંગો કરીને ઘોઘાથી ભાવનગર પહોંચ્યા. જૂનાગઢમાં કામ કરતા મહાદેવના સૌથી નાના કાકા ખંડુભાઈ, રામનારાયણ પાઠકના પિતા વિશ્વનાથભાઈ અને દક્ષિણામૂર્તિવાળા મોટાભાઈ, હરગોવિંદભાઈ એ સૌ નથુરામ શર્માના શિષ્યો, એટલે કે ગુરુભાઈઓ હતા. ત્યારે હરગોવિંદભાઈ ભાવનગરના સ્ટેશનમાસ્તર હતા. એમણે દિહેણથી આવેલ યાત્રીઓનું સ્વાગત કરી ગાડીના ડબ્બાનું એક ખાસ ખાનું કરી આપીને એમને ગાડીમાં બેસાડ્યા. ધોળા તથા જેતલસર જંક્શનોએ ગાડી બદલતાં સૌ જૂનાગઢ પહોંચ્યા.
વિદ્યાર્થીઓ પાસે દિહેણના શિક્ષકનો માત્ર પત્ર હતો. તેથી છોકરાઓની પરીક્ષા લઈને તેમને જૂનાગઢની હાઈસ્કૂલમાં અંગ્રેજી ચોથા ધોરણમાં બેસાડવામાં આવ્યા. નથુરામ શર્માના શિષ્યનું કુટુંબ એટલે સવારે ઊઠીને સ્નાનાદિથી નિવૃત્ત થઈ સંધ્યાનો ક્રમ ચાલુ થયો. કાકી કડક શિસ્તવાદી તેથી કુંડ પર જઈ કપડાં ધોવા મોકલતાં અને ઘેર આવી દાળચોખા વીણ્યા પછી લેસન કરવા બેસાડતાં. મહાદેવે કદી જાતે કપડાં ધોયેલાં નહીં, કુંડમાં ઊતરતાં પગ ધ્રૂજે. છોટુએ દયા કરીને એને ઘાટ પર બેસી રહેવાની છૂટ આપી અને એનાં કપડાં પણ પોતે ધોવાની જવાબદારી માથે લીધી. બધાં તોફાનમસ્તીની પાછળ પણ છોટુભાઈનો સ્નેહાળ સ્વભાવ તો વરતાઈ જ આવતો. કાકીને ખબર પડી કે મહાદેવ જાતે કપડાં ધોતો નથી એટલે ખિજાયાં. છોટુભાઈએ કુંડમાં ભૂસકા મારવા માંડ્યા તેથી મહાદેવ ગભરાઈ ગયા. રડતાં રડતાં ઘેર જઈને કહ્યું કે છોટુ કૂવામાં પડી ગયો છે ને ડૂબી જવાનો. કાકી દોડતાં કૂવે પહોંચ્યાં ત્યારે ‘મૂઆને તરતાં આવડતું દેહું (દેખું)’ એવું પ્રમાણપત્ર આપી ઘેર પાછાં આવી ખંડુકાકાને વાત કરી. ખંડુકાકાએ કુંડે જઈ કપડાં ધોવાનો કાર્યક્રમ બંધ કરાવ્યો. કાકી કૂવે કપડાં ધૂએ અને છોકરાઓ વારાફરતી પાણી કાઢી આપે એમ નક્કી થયું. નાજુક મહાદેવ સારુ એય મુસીબત હતી. કોઈ દિવસ જાતે દોરડા વડે કૂવામાંથી પાણી ખેંચેલું નહીં તેથી હાથે ફોલ્લા પડ્યા. છોટુભાઈએ એમાંથી મુક્તિ અપાવી ને બધા દાળચોખા વીણવાની જવાબદારી મહાદેવની થઈ.
જૂનાગઢમાંયે છોટુભાઈનું તોફાન તો ચાલુ જ. કૉલેજ-કંપાઉન્ડના આંબેથી મરવા તોડી લાવે. એક વાર પોતે ઉપર ચડેલા ને બે ભાઈઓ નીચે ઊભા મરવા વીણતા હતા ત્યારે અચાનક રખેવાળે આવી નીચે ઊભેલાને પકડ્યા. છોટુભાઈ તો ઉપરથી કૂદકો મારી બારોબાર રફુચક્કર થઈ ગયેલા. પકડાયેલા છોકરાઓને હેડમાસ્તર આગળ રજૂ કરવામાં આવ્યા. બંનેને ચાર ચાર આનાનો દંડ થયો. દંડ માફ કરાવવા ખંડુકાકા હેડમાસ્તર પાસે ગયા. હેડમાસ્તરે કહ્યું કે, ‘હું જાણું છું કે આ છોકરાઓ તોફાની નથી. પણ મરવા વીણતાં પ્રત્યક્ષ પકડાયા છે એટલે નિયમનું પાલન કરવા ખાતર પણ મારે દંડ તો કરવો જ પડશે.’
જૂનાગઢનું આ વરસ નથુરામ શર્માના પ્રભાવને લીધે નિત્ય સંધ્યા, એકાદશી વગેરેના ઉપવાસ કે એકટાણાં, પખવાડિયે એક વખત દિવેલનો જુલાબ વગેરે નિયમો દ્વારા કડક શિસ્તપાલનનો અનુભવ થયો.
અંગ્રેજી પાંચમીથી સુરત ભણવાનું ગોઠવાયું.
Feedback/Errata