સૂના આ સરોવરે આવો;
ઓ રાજહંસ!
સૂના આ સરોવરે આવો!
ન્હાનાલાલ
‘તારો હવે વિશ્વાસ શો?’ પીટર્સે કહ્યું. પાદરી જૉનસનના ઓરડામાં પ્રવેશ કરતાં અચકાતા એ અંગ્રેજ સેનાનીને ગૌતમે પોતાની હથિયાર રહિત અવસ્થા જણાવી અને શસ્ત્ર રહિતને ઘા ન કરવાનો પોતાનો સિદ્ધાંત જાહેર કર્યો તેના જવાબમાં પીટર્સે કહ્યું.
‘હું અદબ વાળી ઊભો છું; આપ હથિયાર લઈ બેસો.’ ગૌતમે કહ્યું.
પીટર્સ હસતો હસતો અંદર આવ્યો. એક બાજુએ વિશ્વાસપાત્ર ગૌતમ નાસી ગયો હતો તેની યાદ ખૂંચ્યા કરતી હતી અને બીજી પાસ અજાણ્યા રુદ્રદત્તની સત્યપ્રિયતા નિહાળી તે સાનંદાશ્ચર્ય અનુભવતો હતો. અંદર આવી તે બેઠો.
‘હવે આપની મરજીમાં આવે તો મને પાછો કેદી તરીકે પકડી શકશો. હું સામો થવાનો નથી.’ ગૌતમે કહ્યું.
‘તું મને જણાવ્યા વગર વહાણમાંથી કેમ ભાગી ગયો?’
‘બીજો રસ્તો નહોતો. મુંબઈમાં એક માસ તમે પૂરી રાખત અને પછી મને ફાંસીએ ચડાવત. તે પહેલાં મારે મારું ઘર જોવું હતું. મારા ગુરુને પગે પડવું હતું. એવી રજા તેમ કેદીને આપી શકત નહિ. એટલે હું મારી જાતે જ છૂટો થઈ ગયો.’
જૉનસનની પત્ની અને પુત્રી પણ ઓરડામાં આવી બેઠાં. પીટર્સને પૂછવાની ગૌતમે બધી હકીકત સ્પષ્ટ કહી દીધી. મુંબઈના બારા પાસે પ્રભાતમાં વહાણ આવતા મંગળ અને ગૌતમ બંને દરિયામાં કૂદી પડયા. નદીના અઠંગ તારાઓને દરિયો તરવો મુશ્કેલ પડતો નથી. ગૌતમને ઘરનું આકર્ષણ હોય; મંગળને ઘરના આકર્ષણ ઉપરાંત અંગ્રેજો ઉપર વેર લેવાનું તીવ્ર ભાન જાગ્રત થયું હતું. આવા ઉત્તેજક વાતાવરણમાં તેઓ ચાર નહિ પણ ચોવીસ ઘડી સુધી તરી શકત.
સમુદ્રની વિશાળ સપાટીએ બંને કેદીઓને સંપૂર્ણ સ્વતંત્રતાનું ભાન કરાવ્યું. તેના ગગનસામી મોજાંએ તેમના હૃદયોને અપૂર્વ ઉત્સાહને હિંચોળે ચડાવ્યો. સમુદ્રને પણ જાણે જીતવાને તેઓ નીકળ્યા હોય તેમ એક એક વામમાં તેણે ભારે પટ કાપવા માંડયો. પરાક્રમી વિજેતાઓને નિહાળી સમુદ્ર પણ તેમને સહાય આપતો ગયો – અંગ્રેજોને હિંદીવાસીઓએ હિંદ જીતી આપ્યું તેમ. તીખો તરવરતો અશ્વ જેમ પવનવેગે સવારને ઉપાડી જાય તેમ સમુદ્રનાં મોજાં આ બંને વીરોને પોતાની પીઠ ઉપર ઊંચકી ફાળ ઉપર ફાળ ભરી આગળ ઉપાડી જવા લાગ્યાં.
તેમના પગ જમીનને અડક્યા તે સમયે સૂર્યોદયની તૈયારી થઈ રહી હતી. તેમના વિજયથી પ્રસન્ન થયેલો સમુદ્ર તે વિજયને ઊજવવા પોતાની સપાટી ઉપર ઝળઝળાટ પાથર્યે જતો હતો. મુંબઈની ઉત્તર તરફના એક જંગલમાં તેઓ ઊતર્યા.
તે સમયમાં પગરસ્તો વિકટ મનાતો નહિ. હિંદમાં રેલગાડીની હજી માત્ર શરૂઆત થઈ હતી; જ્યાં થઈ હતી ત્યાં જાદુઈ ઘટના તરીકે તે લોકોને વિસ્મય પમાડતી. એટલે પગરસ્તા જ સ્વાભાવિક મનાતા બળવાના સૈનિકોએ રોજના પંદર-સત્તર ગાઉની મજલ કરવા માંડી. ગુજરાત આવતાં કોઈ જૂનો મિત્ર તેમને મળી ગયો. તેણે ઘોડાની અને હથિયારોની સગવડ કરી આપી તેમની ઝડપ વધારી દીધી. વિહાર પાસે આવતાં મંગળ પંડિત એક જંગલમાં વાસો રહ્યો અને તેને ઘોડો સોંપી પગે ચાલતો ગૌતમ વિહાર આવી પહોંચ્યો. બપોરનો સમય હતો. તેઓ ધારતા જ હતા કે તેમની પાછળ સૈન્યની ટુકડી મોકલવામાં આવશે જ. સવારમાં મુસાફરી કરી વિહારથી પાંચેક ગાઉ દૂર ઝાડની ઘટામાં એક સૈન્યટુકડી પડી છે એવી ખબર પણ ગૌતમને મળી હતી. તેને ઓળખનાર કોઈ ખેડૂતો અને મજૂરો પણ રસ્તામાં ભેગા થયા હતા.
બને એટલી ચૂપકીથી તે પાઠશાળા નજીક આવ્યો. આશ્રમના બધા વિદ્યાર્થીઓ ગુરુ સાથે નદી સ્નાન કરવા ગયા હતા. પાઠશાળાને પાછલે બારણે તે આવીને ઊભો.
‘કોણ હશે?’ અંદરથી કલ્યાણીએ પૂછયું.
એ જ કોકિલટહુકો સાંભળવા તે દરિયો ડહોળી, બસો-અઢીસો ગાઉ ભૂમિ કાપી, મહાસમર્થ કંપની સરકારનું કેદખાનું તોડી આ ઝૂંપડું ખોળતો આવ્યો હતો! ભીષણ રણગર્જનાઓમાં પથ્થર સરખું સ્થિર રહેતું ગૌતમનું હૈયું ધબકી ઊઠયું. તેનાથી જવાબ આપી શકાયો નહિ.
કલ્યાણી બારણા પાસે આવી. મુસાફરી અને યુદ્ધના ટાઢતડકાથી કાળો પડી ગયેલો ગૌતમ પ્રથમદર્શને કલ્યાણીતી પણ ઓળખાયો નહિ.
‘કોનું કામ છે?’ તેણે બારણા પાસે આવી પૂછયું. અને પૂછતાં બરોબર તેણે ગૌતમને ઓળખ્યો. તેનાથી બોલાઈ ગયું :
‘ગૌતમ!’
હજી ગૌતમને વાચા સાધ્ય થઈ નહોતી. તે વગર બોલ્યે નીચું મુખ રાખી ત્યાં જ ઊભો રહ્યો.
‘ગૌતમ! અંદર આવ ને? કેમ ઊભો રહ્યો?’ લાંબા પરિચયને લીધે કલ્યાણી ઘણી વખત ગૌતમને તુંકારતી.
‘ક્યાંથી આવ્યો? કેમ આવો થઈ ગયો છે?’ કલ્યાણીએ અંદર પ્રવેશ કરતા ગૌતમને પ્રશ્નો પૂછયા. પ્રશ્નોના જવાબ આપવાની ગૌતમને ઇચ્છા જ નહોતી. કલ્યાણીના મધુર સાદને સાંભળ્યા કરવાની, એ સાદના રણકારમાં જ ડૂબી
રહેવાની – ગૌતમને ઇચ્છા હતી. યુદ્ધહાકથી કર્કશ બનેલા પોતાના અવાજને વચ્ચે નાખી તે આ વાતાવરણને શા માટે કર્કશ બનાવે?
‘કેમ બોલતો નથી?’ કલ્યાણીએ એક આસન પાથરતાં કહ્યું, ‘બેસી જા; થાક ઘણો લાગ્યો છે.’
ગૌતમે આજ્ઞા પાળી. કઈ કઠોરતા માધુર્ય પાસે મૃદુ બની જતી નથી? જગતમાં કોણ રાજ્ય કરે છે? પુરુષ કે સ્ત્રી? જગતમાં કોની આજ્ઞા પળાય છે? તલવારધારીની કે મૂર્ત મીઠાશની?
‘ભૂખ લાગી હશે!’ કલ્યાણીએ કહ્યું.
‘હવે મરી ગઈ.’ ગૌતમે ધીમેથી કહ્યું.
‘જા, જા, બોલતાં જ આવડે છે!’ વર્ષોના વિયોગનો ગાળો ભુલાઈ ગયો. કલ્યાણીને લાગ્યું કે જાણે ગૌતમ તો ગયો જ નહોતો.
‘નહાવાનું પાણી તૈયાર છે.’ પાછું કલ્યાણીએ કહ્યું.
‘મારે નહાવુંય નથી ને ખાવુંયે નથી.’
‘કેમ?’
‘જે થોડી ક્ષણો મળે તેમાં તારી સામે જોયા કરવું છે.’
‘શાનો લવારો કરે છે? પાછું ક્યાંઈ નાસવું છે કે શું?’
‘હું નાસી આવ્યો છું; અને અહીંથી પાછો તત્કાળ નાસીશ.’
‘પણ છે શું?’
‘મને ફાંસીની સજા થઈ છે.’
કલ્યાણીની વિશાળ આંખો વધારે વિસ્તૃત બની ગઈ. તેનો અધર ઉપલા હોઠથી છૂટો પડી ગયો. પાસે આવેલી ભીંતે તેણે હાથ દઈ દીધો. પોતે જાગે છે કે સ્વપ્ન જુએ છે તેની તેને ભ્રાન્તિ પડી.
‘તને છેલ્લી જોઈ લેવા હું આવ્યું છું. ફાંસીએ ચડીશ અને તારું મુખ સંભારીશ એટલે મને મૃત્યુ પણ મધુરું લાગશે.’
‘તું શું કહે છે?’
‘હું ખરું કહું છું. હવે ફક્ત ગુરુનાં દર્શન કરી લઉં. પછી હું ચાલ્યો જઈશ.’
‘હવે અંહીંથી નહિ જવા દઉં.’
‘પણ મારી પાછળ તો લશ્કર પડયું છે.’
‘ત્ર્યંબક ભટ તો એમ વાત લાવ્યો હતો કે તે કોઈથી ન બને એવું કાર્ય કરી યશ મેળવ્યો છે.’
‘એ તો કોણ જાણે, પણ મને ફાંસીની સજા થઈ છે અને તને મળવા નાસી છૂટયો એથી મારી પાછળ લશ્કર ધસ્યું આવે છે.’
‘તે વખતે તું સંતાઈ જજે.’ કલ્યાણીએ એક બાળકની જેમ સરળતાથી કહ્યું. જાણે લશ્કરથી સંતાવું એ સહેલી વાત ન હોય!
‘હું સંતાઈશ. પણ ગુરુજીને પૂછશે એટલે તેઓ કહ્યા વગર કેમ રહેશે?’ રુદ્રદત્તની સત્યશીલતાની પરાકાષ્ઠા ગૌતમે કલ્યાણીના ધ્યાન ઉપર આણી.
‘તેમને ખબર નહિ આપીએ. લશ્કર જતું રહે એટલે તું ગુરુજીને મળજે.’
‘ઓ ઘેલી! તને ખબર છે કે લશ્કર આખું ઘર અને ગામ શોધી વળશે? થોડી વારમાં ઘોડાના પગ વાગતા સંભળાશે. મને તો ચાલ્યો જ જવા દે.’
‘ત્યારે હુંયે સાથે આવીશ.’
ગૌતમને પહેલી જ વાર લાગ્યું કે પ્રેમ એ બંધન પણ છે. પોતાને જ નાસવું મુશ્કેલ હતું. તેમાં આવી સુકુમાર કિશોરી તેની સાથે જક કરીને આવે તો કેટલી મુશ્કેલી પડે?
તેને બીજો વિચાર આવ્યો. અહીંથી પોતે નાસી છૂટે, છતાં તેના પકડાવાનો સંભવ તો પૂરેપૂરો હતો. ન પકડાવા માટે તેણે ડુંગરો અને જંગલો તો સેવવાનાં રહ્યાં જ. આમ કલ્યાણીને તો છોડવી જ પડશે. કલ્યાણી વગર જીવવું એના કરતાં રીતસર પકડાઈને ફાંસીએ ચડવું શું ખોટું?’
તેણે નિશ્ચર્ય કર્યો :
‘કલ્યાણી! હું નહિ જાઉં, પણ મને તારે સંતાડી રાખવો પડશે.’ ગુરુની ઝૂંપડીમાં અને ખુલ્લી પાઠશાળામાં સંતાવાની જગા ક્યાંથી હોય? વિદ્યાર્થીઓ અને રુદ્રદત્તને આવવાનો સમય થઈ ગયો હતો. બધાથી છુપાવાની અત્યારે તો જરૂર હતી. કલ્યાણીએ ઝડપથી સંતાવાનાં સ્થળોની કલ્પના કરવા માંડી. ઝૂંપડીનો ખૂણો, પાણિયારાની ઉતરડ, નાનો ગોદડાનો વીંટો એ કશું પૂરતું લાગ્યું નહિ.
‘ગૌતમ! ગંજીમાં સંતાઈ રહેવાય કે નહિ?’ તેણે પૂછયું.
‘હા, હા, ગમે ત્યાં, ઝડપથી! જો, વિદ્યાર્થીઓનો ‘નર્મદે હર’નો અવાજ આવે છે.’
વીજળીની ત્વરાથી ગૌતમ અને કલ્યાણીએ ગંજીનો એક ભાગ ખાલી કર્યો. તેના પોલાણમાં પાસે એક બંદૂક રાખી ગૌતમ બેઠો. તેને હરકત ન પડે અને સંતાઈ રહે એ પ્રમાણે કલ્યાણીએ ગંજી પાછી ગોઠવી કાઢી.
વિદ્યાર્થીઓ અને ગુરુ આવી ગયા.
‘કલ્યાણી! આ તડકા વખતે ગંજી શા માટે ગોઠવે છે?’ ગુરુએ પૂછયું.
‘એકલી પડી અને કશું કામ નહોતું એટલે પૂળા ઠીક કર્યા.’ કલ્યાણીએ જવાબ આપ્યો.
કલ્યાણીએ આજે ગાય અને ગંજીની બહુ જ સંભાળ રાખવા માંડી. દાદાને જમાડી લીધા; પરંતુ બધાની નજર ચૂકવી તે પોતે કશું જમી જ નહિ. તેની નજર ગંજી તરફ ફર્યા કરતી. જરા પણ લાભ મળે એટલે ગંજીની બાજુમાં જ તે જઈને ઊભી રહે. ઘરમાંથી કાચુંકોરું લાવી એક વાટકો છાનોમાનો તેણે ગંજીમાં સંતાડી દીધો.
થોડી વારમાં સૈનિકો ઘરને ફરી વળ્યા; ઘરને તપાસ્યું; અને ગંજી ઉથલાવી નાખતાં ત્ર્યંબકની યુક્તિથી જ માત્ર તેઓ અટક્યા.
પરંતુ રુદ્રદત્તની સામે બંદૂક તારી પચીસ ગણતા સૈનિકના હાથને ચોવીસની બૂમ પડતાં જ કોઈએ વીંધી નાખ્યો ત્યારે આખી મેદની સ્તબ્ધ બની ગઈ. આકાશ કે પાતાળમાંથી એ ઘા આવ્યો તેની કોઈને સમજ પડી નહિ.
માત્ર એકલી કલ્યાણી જ જાણતી હતી કે એ ઘા તો ગંજીમાં સંતાયેલા ગૌતમે કર્યો હતો. કલ્યાણી થરથરી ઊઠી. પરંતુ ગૌતમ પોતાને ખાતર ગુરુની હત્યા થવા દે? એ ઘાએ ન સરે તો બીજો ઘા કરવા તે તત્પર જ હતો. જૉનસન પાદરીએ પીટર્સને અટકાવ્યો ન હોત તો તે પણ ગૌતમની ગોળીથી વીંધાઈ જાત.
ઘાસની પાછળ રહ્યે રહ્યે ગૌતમ બધું સાંભળતો હતો. સૈનિકો શેરીમાં ગયા એટલે તેણે ઘાસ ખસેડયું અને બધું દૃશ્ય નિહાળ્યું. પચીસ બોલતાં પહેલાં તો તેણે સૈનિકને વીંધી નાખ્યો હતો.
Feedback/Errata