૫ : યુદ્ધ

સૂર્ય હજી ઊગ્યો ન હતો. પરંતુ તેનાં લોહીયાળ પોપચાં પૂર્વાકાશમાં ઊઘડતાં હતાં. કિટધૂમ  કિટધૂમ નોબત ગડબડી; રણશિંગા સ્થળે સ્થળે વાગી રહ્યાં; સેનાનાયકોની આજ્ઞા-હોકાર મેદાનમાં પડઘા પાડી રહ્યાં. સૈનિકોમાં નિયમિત પગલાંના ધસારા સંભળાયા. અને બંદૂકની રવૈ ફૂટતાં વાતાવરણની શાંતિ કંપી અદૃશ્ય થઈ ગઈ.

ગોરી છાવણીની આસપાસ રચાયેલો રક્ષણકોટ જાણે અબોલ હોય એમ તેમાંથી પ્રથમ કશો જ જવાબ આવ્યો નહિ. એ કિલ્લો લેવાનો હતો અને એની પાછાળ સંતાયલી ગોરી સત્તાને નાબૂદ કરવાની હતી. કિલ્લો કાંઈ ઈંટ, માટી, પથ્થરનો ચણેલો મજબૂત ગઢ ન હતો; પરંતુ માટી અને સામાન્ય લાકડાંનો ઉપયોગ કરી તત્કાળ ઊભો કરવામાં આવેલો, ઝડપથી તૂટે નહિ એવો, રક્ષણવાડો હતો. તે સરખો ઊંચો નહોતો, સરખો પહોળો નહોતો, તેની દીવાલ પૂરી ભરેલી પણ નહોતી. અલબત્ત, આ છાવણી હાથ કરવાની ગૌતમની ઇચ્છા હતી; પરંતુ તે માટે મનુષ્યોનો વધારે ભોગ આપવા તે આતુર નહોતો. આસપાસ આવેલી થોડી છાવણીઓ તેણે સર કરી હતી. અને તેમાં રોકાયલાં માણસો દ્વારા તે દક્ષિણ અને પશ્ચિમ તરફ ક્રાંતિના દેવને આગળ વધાર્યે જતો હતો. પરંતુ દક્ષિણમાંથી મુંબઈની પલટણ આવી પહોંચી છે એવી બાતમી મળતાં જ તેણે કિલ્લો લેવાનો નિશ્ચય કર્યો. એ કિલ્લો તોડવો એ તેને મન રમત હતી.

કિલ્લાની બે બાજુ તરફ ગૌતમે ધસારો કર્યો અને બીજી બે બાજુએ પલટણને દૂર નિક્રિય ઊભી રાખી. અનુકૂળ જગાએ દોરડાં ફેંક્યાં. શસ્ત્રસજ્જ સૈનિકો સાવચેતીથી કિલ્લા ઉપર ચડયા. ગૌતમ મોખરે હતો. તેણે કિલ્લા ઉપર ઊભા રહી ક્રાંતિધ્વજ ફરકાવ્યો અને આખું વાતાવરણ ‘હરહર મહાદેવ’ તથા ‘અલ્લાહો અકબર’ના ગગનભેદી જયઘોષથી ગાજી ઊઠયું.

તે જ ક્ષણે કિલ્લાની અંદરનો એક વિભાગ સજીવ બન્યો. માનવગર્જનાને ડરાવી, શસ્ત્રગર્જનાસહ એક જબરદસ્ત તોપનો ગોળો કિલ્લાના ઊંચાણમાં થઈને પસાર થયો. અને કિલ્લાની બહારના લશ્કરને ઓળંગી, થોડાં વૃક્ષોને તોડી પાડતો તે જમીનમાં દટાયો. કિલ્લાને તે અડયો હોત તો કિલ્લો અને બળવાખોરોની કિલ્લા ઉપર ચેડલી ટુકડી એ બંનેના ટુકડે ટુકડા થઈ જાત. પરંતુ કિલ્લા-રક્ષણહારોને લાગ્યું કે કિલ્લા ઉપર ચડેલી ટુકડી કરતાં કિલ્લા બહાર રહેલું સૈન્ય પહેલું તારાજ થવું જોઈએ. તેમની એ ધારણા ગૌતમ કળી ગયો હતો; તેથી જ તેણે કિલ્લાને અડીને પોતાનું લશ્કર રાખ્યું. અને એ પછી વારંવાર ઊછળી રહેલા અગ્ન્યાસ્ત્રમાંથી તેને ઉગારી લીધું.

કિલ્લા ઉપર ચડેલી ટુકડી કિલ્લાના અંદરના ભાગમાં કૂદી પડી. ગોરી છાવણીમાં રહેલા થોડા કાળા સૈનિકોએ તે ટુકડીને આગળ વધતી અટકાવી. ભૂખ, તરસ અને બહારના સમાચારથી અજ્ઞાત રહેલી એ ટોળી ગૌતમનો ધસારો જીરવી શકી નહિ. તે છિન્નભિન્ન બની ગઈ, અને ગૌતમ પ્રત્યક્ષ છાવણી તરફ ધસ્યો. ગૌતમને કિલ્લાની અંદર ઊતરેલો નિહાળી નિક્રિય ઊભી રહેલી પલટણોએ બાકીની બે બાજુ ઉપર ધસારો કર્યો. ગોરા સૈનિકો ભુલાવામાં પડયા હતા. તેમણે પ્રથમના હલ્લા તરફ જ વધારે લક્ષ આપ્યું હતું; બાકી રહેલી બે બાજુ તરફથી હલ્લો આવશે એમ તેમણે ધાર્યું ન હતું. અણધારી બાજુએથી કિલ્લો સર થતો હતો અને વિપ્લવકારી સૈન્ય કિલ્લાની અંદર મોટી સંખ્યામાં આવતું હતું. તોપના મુખને એ બાજુએ ફેરવાય તે પહેલાં તો ગૌતમ અને તેના ચુનંદા સૈનિકો વંટોળિયાની ઝડપે ધસી આવ્યા. અને તેમણે ગોલંદાજોની કતલ કરી તોપોનો કબજો લઈ લીધો. પાસે જ આવેલો એક બંગલો અને બીજાં મકાનો એ ગોરી છાવણીનું મથક હતું; તેમાં ઘવાયેલા તથા અશક્ત ગોરા સૈનિકો, ગોરી સ્ત્રીઓ અને ગોરા બાળકો રક્ષણ શોધતાં હતાં. ગૌતમે તોપના મુખ તે તરફ ફેરવ્યાં. અને એકાએક બંગલામાંથી ધોળો વાવટો ફરક્યો.

ધોળો વાવટો ફરકતાં બરાબર શસ્ત્ર મ્યાન કરવાના હુકમોની પરંપરા ચારે પાસ ફેલાઈ. ગોરા તેમ જ કાળા સૈનિકોએ શસ્ત્ર મ્યાન કર્યાં. અને ગૌતમના સૈન્યનો વિજય કર્યાના ચિહ્ન દ્વારા વિશેષ યુદ્ધની અશક્તિ જાહેર કરી. ગૌતમનું સૈન્ય આગળ વધતું અટકી ગયું. તેનાં શસ્ત્ર ખુલ્લાં હતાં તથાપિ તે જ ક્ષણે તે વપરાતાં બંધ પડી ગયાં, અને કતલ બંધ થઈ, છતાં વિજયસૂચક જયઘોષણા કર્યા વગર ગૌતમનું સૈન્ય રહી શક્યું નહિ. બહાર ઊભેલી ટુકડીએ જયઘોષનો પ્રતિધ્વનિ પાડયો. અને કિલ્લાના મોરચા તોડી સૈનિકોએ અંદર પ્રવેશ ક્યો. પરંતુ એ પ્રવેશની સાથે જ યુદ્ધ બંધ થવાની આજ્ઞા સહુને મળતી. હારેલા દુશ્મનોને કાપી નાખવાની વૃત્તિ સહુને અટકાવવી પડી. શરણાગત ઉપર કદી ઘા ન થાય એ આર્યનિયમ યુદ્ધ સરખી ભયાનક અનીતિમાં પણ નીતિનાં કિરણો ફેલાવે છે. ગૌતમે ગોરા સૈન્યનાં નાયકને પૂછયું :

‘બંગલામાં કોણ છે?’

‘અમારા ઉપરી, સ્ત્રીઓ, બાળકો અને અશક્ત પુરુષો.’

‘તેમને અભય બનાવવા હું આવું છું.’

ગૌતમે ગોરા અને કાળા દુશ્મન સિપાઈઓની કાળજી રાખવા, અને ઘવાયલા સૈનિકોની સારવાર કરવા પોતાના સૈન્યને હુકમ આપ્યો. અને એક નાનકડી ટુકડી સાથે ગોરા સૈન્યના નાયકને લઈ તેણે બંગલામાં પ્રવેશ કર્યો. ભયભીત સ્ત્રીઓ ચીસ પાડી ઊઠી; એ ચીસમાં બાળકોની ચીસે ઉમેરો કર્યો. બંને પક્ષમાં વેરઝેર એટલાં ઊછળી રહ્યાં હતાં કે સામા પક્ષમાં દયા અને ક્ષમાનો અભાવ જ કલ્પવામાં આવતો. હારની ખાતરી નહોતી કે વિજેતા શરણે આવનારને બચાવશે જ.

ગૌતમ બારણા આગળ જ થોભ્યો. તેણે ગોરા નાયકને કહ્યું :

‘હું અશત્ર ઉપર ઘા કરતો નથી; સ્ત્રીબાળક ઉપર હું વેર લેતો નથી. મારા તરફથી સહુને શાંત થવા આપ વિનંતી કરો.’

નાયકે અંદર જઈ સહુને શાંત પાડયાં. છાવણીના સેનાપતિએ ગૌતમને અંદર બોલાવ્યો. ગૌતમ અંદર ગયો. સેનાપતિએ આગળ આવી ગૌતમ સાથે હાથ મેળવવા ચાળો કર્યો. અને એકાએક તે સ્તબ્ધ બની ઊભો રહ્યો. ગૌતમ પણ સેનાપતિ સામે જોઈ રહ્યો. બંનેની આંખોમાંથી ક્ષણભર વેર વરસી રહ્યાં. એકાએક સેનાપતિએ લાંબો હાથ કરી ગૌતમના હાથને પકડયો. અને તે બોલ્યો :

‘ગૌતમ! આપણે બહુ દિવસે મળ્યા. હું વિચાર કરતો હતો કે એવો ઉદાર દુશ્મન કોણ હશે!’

‘પણ જૅક્સન સાહેબ! હું તો જાણતો હતો કે આપ છાવણીના સેનાપતિ છો. તે વગર આટલી હઠ સાથે કોણ લડે?’

‘તમારું ભાગ્ય અત્યારે બળવાન છે. અમે યુદ્ધ બંધ રાખીએ છીએ.’

‘વાસ્તવિક છે. આપનાં શસ્ત્રાો અમને સોંપી દ્યો, અને આપની ઇચ્છામાં આવે ત્યાં જાઓ.’

‘અમને તું કેદ નથી કરતો?’

‘ના. આપની સંખ્યા ઓછી છે. અને હું પુરુષોને કેદ કરું તો સ્ત્રીઓની સાથે જનાર કોઈ નહિ રહે.’

‘ગૌતમ! આપણા જૂના પરિચય ખાતર આજનો દિવસ અમને અહીં જ રહેવા દે.’

‘કેમ?’

‘એમને દિવસો થયાં પેટભર ભોજન મળ્યું નથી.’

‘હું તમારે ખાતર એટલી સગવડ કરી આપું છું. આજ તમે બધાંય મારાં મહેમાન બનો.’ સહજ વિચાર કરી ગૌતમે કહ્યું. તેને ખરેખર વિચાર કરવા માટે કારણ હતું. જૅક્સન તેનો જૂનો દુશ્મન હતો. રશિયન યુદ્ધમાં તેણે વેઠેલું દુઃખ હજુ તાજું હતું છતાં એક જ ઝંડા નીચે લાંબો સમય રહેલા સૈનિકોમાં એક પ્રકારની બિરાદરી જાગે છે. પરસ્પરના દોષ ભૂલી જઈ અણીને વખતે સહાયતા આપવી એ આવી બિરાદરીનું મુખ્ય લક્ષણ એ ભ્રાતૃભાવથી પ્રેરાઈ જૂના સહસૈનિકને તેણે, જૂની અને આજની ખુલ્લી દુશ્મનાવટ વિસારી બધી સગવડ કરી આપવાનું કબૂલ કર્યું.

અલબત્ત, કાચા કિલ્લાનો તો ગૌતમે જ કબજો લીધો. છાવણીમાં રહેલો બધો સરંજામ તેણે તાબે કર્યો. અને કિલ્લાના રક્ષણ માટે ગોઠવેલી તોપો તેણે મેદાનમાં લઈ જઈ પોતાના ઉપયોગ માટે સજ્જ કરાવી. સૈનિકોમાંથી થોડા જ જાણતા હતા કે પ્રભાતના યુદ્ધ પછી પણ તેમણે બીજા યુદ્ધને માટે તૈયાર રહેવાનું છે. એ વસ્તુ તેમણે થોડી વારમાં જાણી લીધી. વારાફરતી સૈનિકોને ઓછીવધતી  આસાએશ આપી ગૌતમે સહુને શસ્ત્રસજ્જ થવા હુકમ કર્યો. તેનાએક મદદનીશે પૂછયું :

‘પાંડેજી! આટલી ઉતાવળ શા માટે?’

‘ઉતાવળ? જુઓ પેલો ધૂળકોટ ક્ષિતિજ! એ ગોરું સૈન્ય હોય તો?’

‘છાવણીઓ તો લગભગ બધી હાથ આવી. આટલામાં તેમનું લશ્કર ક્યાંથી હોય?’

‘હજારો ગાઉથી આવી પરાયા દેશ ઉપર સ્વામિત્વ સ્થાપનાર ગોરાઓ આટલી છાવણીઓ ગયે રાજ્ય છોડી જશે? હજી તો આથીય ભારે જંગ માટે તૈયાર રહેવું પડશે.’

‘હું બધાને તૈયાર કરું છું.’ કહી તેના મદદનીશે જમતા, થાક ખાતા, વાતો કરતા સૈનિકોને ઝડપથી તૈયાર કરવા માંડયા. ગૌતમની ધારણા ખરી હતી. ધૂળકોટ વંટોળિયાની માફક ધસ્યો આવતો હતો. એ ધૂળકોટમાં ધીમે ધીમે હાલતીચાલતી આકૃતિઓ પણ દેખાઈ. ગૌતમની માન્યતા પ્રમાણે એ મુંબઈ તરફથી આવતી પલટણ હતી. એ પલટણને અટકાવવી એ તેનું મુખ્ય કર્તવ્ય હતું. એના ઉપર ઉત્તરની વિપ્લવપ્રવૃત્તિઓની અંતિમ સફળતા આધારા રાખી રહી હતી.

છાવણીઓ માટે ગૌતમે વૃક્ષોની વિશાળ ઘટા પસંદ કરેલી હતી. એથી કેટલુંક સ્વાભાવિક રક્ષણ મળી રહેતું, અને સામા પક્ષને સચોટ રીતે હાનિ કરી શકાય એવી સગવડ પણ રહેતી હતી. જે થાકે એ યોદ્ધો નહિ. સવારના યુદ્ધનો થાક ઉતારવા રહેવાય એમ ન હતું. ઉનાળો અને તેમાં ભરબપોર! પરંતુ તાપ, થાક અને સંકટની ગણના શૂરને હોતી નથી. ગૌતમે સહુ સૈનિકોને ઉત્તેજ્યા અને તેના મદદનીશની સહાયતાથી વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા. થોડું લશ્કર આગળ ધસવા માટે તૈયાર થયું.

ગૌતમનો એક રિવાજ હતો કે પ્રથમ પ્રહાર તેણે ન કરવો. યુદ્ધ જાહેર કર્યા પછી આવી પ્રણાલિકા માન્ય કરવી એ તેના કેટલાક સાથીઓને અવ્યવહારિક લાગતું હતું; છતાં સેનાપતિનો હુકમ એ યુદ્ધનું મધ્યબિંદુ બની રહે છે. સામું સૈન્ય નજીક આવ્યું. એ સૈન્યે ઘણું મોટું લાગતું હતું. ગૌતમના સૈન્યની આસપાસ ફરી વળી તેને તારાજ કરવાની ઇચ્છાથી તે ગૌતમના સૈન્યની સામે ગોઠવાઈ ડાબીજમણી બાજુએ પણ વધવા માંડયું. ગૌતમના મદદનીશે યુદ્ધ શરૂ કરવાની આજ્ઞા માગી, કારણ સામા પક્ષની વ્યૂહરચના અટકાવવી જોઈતી હતી. પરંતુ પ્રથમ ઘા ન કરવાનો નિશ્ચય કરી બેઠેલા ગૌતમે સામા પક્ષની શરૂઆત સુધી રાહ જોવાનું સૂચન કર્યું.

એ રાહ વહુ વખત જોવી પડી નહિ. તોપના એક ગગનભેદી નાદ સાથે ગૌતમના લશ્કરની છેક આગળ એક તોપનો ગોળો આવી જમીનમાં અર્ધો દટાઈ ગયો; અને ગૌતમના આખા સૈન્યમાં જીવ આવી ગયો. કેળવાયેલા ગોલંદાજોએ સામે તોપોનો મારો શરૂ કર્યો, અને સામા આવતા સૈન્યને અટકવાની ફરજ પાડી. બાજુએ ધસી આવેલી ટુકડીઓ સામે ફરતા રાખેલા સૈન્યની પલટણોએ ધસારો કર્યો. આખું વાતાવરણ પ્રલયની ઘોર રમત સરખું વિકરાળ અને અશાંત બની ગયું.

ધુમાડાનાં વાદળાંથી આકાશ ભરાઈ ગયું. તોપ અને બંદૂકના ધમકારાથી પૃથ્વી ધણધણી ઊઠી. શસ્ત્રના ખખડાટ અને વીરના હોકાર વચ્ચે વચ્ચે ફૂટી નીકળતા. માનવી અને ઘોડાના ધસારાથી ઊડતી ધૂળ ધુમાડાનાં વાદળાંને ઘટ્ટ બનાવી રહી. ક્વચિત્ ઘાયલ થતા સૈનિકોની ચીસ તરી આવતી. બપોર પછીનો ઉગ્ર સૂર્ય ઢંકાઈ ગયો. જબરદસ્ત જંગ મચ્યો. ગોરું લશ્કર તેમજ ગૌતમનું લશ્કર બંને કવાયતી હતાં. સૈન્યની સાથે ફરતા અર્ધસૈનિકો, લૂંટશોખીનો અને અસંયમી સાહસિકોને ગોતમે સંઘર્યાં જ નહોતા. તાલીમ ન લે અગર તાલીમ લીધા છતાં કસોટીમાં પાર ન ઊતરે એવા સૈનિકોની ગૌતમને જરાય જરૂર નહોતી. એક મરણિયો સોને ભારે પડે એ કહેવતને સુધારીવધારી ગૌતમ કહેતો કે એક કવાયતી સો મરણિયાને ભારે પડે. નિયમબદ્ધતાના આગ્રહમાં તેણે કંઈ કંઈ યુદ્ધ હોંસીલાઓને સૈન્યમાંથી રુખસદ આપી દીધી હતી. એટલે  બંને કવાયતી સૈન્યો વચ્ચે લાંબા સમય સુધી ઘર્ષણ ચાલ્યા જ કર્યું.

એકે પક્ષ મચક આપતો નહોતો. કોઈને પણ તસુ આગળ વધવું એ મહાભારત કાર્ય બની ગયું હતું. મોત વેરતાં શસ્ત્રાો કાતિલ જ હોય. કદીક એકાદ ટુકડી ઘસી આવતી તો તેના ફુરચેફુરચા ઊડી જતાં. હઠ વગર યુદ્ધ જામે નહિ. નમ્યું આપવાની અગર પાછા ખસવાની કોઈની તૈયારી નહોતી. યુદ્ધાગ્નિમાં સેંકડો માનવીઓની આહુતિ અપાઈ. બંને પક્ષને લાગ્યું કે સામો પક્ષ બળવાન અને બહાદુર છે. ગૌતમે ધાર્યું કે વરસતા  અગ્નિવરસાદમાં થઈને પણ અમુક ટુકડીઓએ ધસારો કરી ગોરા લશ્કરની તોપો બંધ કરવી જોઈએ. સરખી તૈયાર અને સરખાં બળની ખેચંતાણમાં સાહસ કર્યા વગર અંત આવે એમ નહોતું. પરંતુ એ ટુકડીઓને આગળ કોણ દોરે?

ગૌતમે પોતે મોખરે જવાનો નિશ્ચય કર્યો. તે હુકમ આપે તે પહેલાં તેને કાને મીઠો અવાજ અથડાયો :

‘ગૌતમ!’

તેણે બાજુએ જોયું અને તેની આંખ મોટી થઈ. તેને બોલાવનાર વ્યક્તિએ કહ્યું :

‘જો હું તારી સાથે જ છું!’

પુરુષવેશમાં સૈનિક બનેલી કલ્યાણી એ વાક્ય બોલતી હતી. પરંતુ યુદ્ધના કચટાડમાં પણ ગૌતમ તેને ઓળખી શક્યો.

‘કલ્યાણી! તું જઈશ? આ સ્થાન તારા માટે નથી.’ ગૌતમે કહ્યું.

‘હવે ? આ વખતે હું જાઉં? ક્યાં જાઉં? શા માટે જાઉં? જ્યાં તું ત્યાં હું!’

‘હું આગળ ધસું છું. તોપના મુખ સામે જાઉં છું.’

‘બરાબર! હું પણ એ સૂચવું છું; ચાલ.’

ગૌતમ સ્થિર બની ગયો. ફાટી આંખે તે કલ્યાણીને જોઈ રહ્યો. તેના એક મદદનીશે દોડતા આવી કોલાહલમાં સંભળાય એમ તેને કહ્યું :

‘દુશ્મનની ડાબી હરોળ પાછી હઠે છે.’

‘તેને હઠાવ્યે રાખો. હું વચમાં ધસારો લઈ જાઉં છું.’

‘વચમાં? હજી તોપોની તીખાશ ઘટી નથી.’

‘એ ઘટાડવા જ હું જાઉં છું. ડાબી હરોળ ઉપર હલ્લો કરો.’

એક જબરદસ્ત ઘોષણા ગર્જી રહી. ગૌતમના સૈન્યની વચમાંથી તીરની માફક એક ટુકડી છૂટી પડી; સામેથી તોપોનો ભીષણ મારો ચાલી રહ્યો હતો. ગૌતમે તેની બાજુમાં દોડતી કલ્યાણીને કહ્યું :

‘કલ્યાણી! સામે મોત છે.’

‘તારી સાથે મરવું મને ગમે છે!’ કલ્યાણીએ કહ્યું.

‘એથી આગળ વાત થઈ શકી નહિ. ભયંકર ઘસારા સાથે ગૌતમે દુશ્મનના સૈન્યની તોપો ઉપર હલ્લો કર્યો. ત્યાં આગળ ઘમસાણ મચી ગયું છતાં એ હલ્લા પછીની દશ-પંદર ક્ષણે તોપોની ગર્જના એકાએક અટકી ગઈ. ગોરા સૈન્યનો મધ્યભાગ નિક્રિય બની ગયો. ડાબી બાજુની ટુકડી હઠવા માંડી હતી તે હવે નાસવા લાગી. જમણી હરોળમાં ભંગાણ પડી ગયું. એકાએક આખા ગોરા સૈન્યે પાછાં પગલાં માંડયાં. કંપનીના લશ્કરનો કેટલોક ભાગ વ્યવસ્થિત અને કેટલોક ભાગ અવ્યવસ્થિત રીતે પાછો હઠવા લાગ્યો. હારનાર બમણા વેગથી હારે છે; જીતનાર બમણા વેગથી જીતે છે. ભય અગર પરાજય સમૂહની સાથે દેખાય એટલે તેનું માનસ વિજયની ખુલ્લી બારીઓ પણ જોઈ શકતું નથી; વિજય સમૂહની સામે દેખાય એટલે ભયની ઊંડી ખીણો પણ પુરાઈ જતી લાગે છે. નાસતા સૈન્યનો ગૌતમને પીછો લીધો. શરણ ન સ્વીકારાય ત્યાં સુધી દુશ્મનાવટ ચાલુ જ રહે છે.

અંતે સુલેહનો વાવટો ફરક્યો. ગૌતમે એકદમ ધસારો બંધ કર્યો અને સુલેહ માગતા સૈન્યના અવશેષનો સંહાર અટકાવી દીધો. ખુલ્લા મેદાનમાં કંપની સરકારના સૈન્ય ઉપર આવી ખુલ્લી જીત એ ક્રાન્તિકારીઓ માટે મહા પ્રંસગ હતો. વિજય માનવીને ઘેલો બનાવી દે છે. ઘમંડી બનાવી દે છે, ક્રૂર બનાવી દે છે. પશુ બનાવી દે છે! ગૌતમે વિજયઘેલછા વધવા ન દીધી. સહુથી પ્રથમ બંને પક્ષના સૈનિકોની સારવાર માટે તેણે હુકમ કર્યો. ઘાયલ અને શરણાગતને મિત્ર ન ગણનાર માટે ભારે શિક્ષા કરવાની તેણે ધમકી આપી. ઓછી થાકેલી ટુકડીઓને આ કામ માટે રોકી દીધી. પાસે આવેલી નાની ટેકરી ઉપર તે વિશ્રામ લેવા અને આગળની યોજના ઘડવા માટે થોડા સાથીઓ સાથે બેઠો. તેને તે જ ક્ષણે ખબર મળી કે પ્રભાતમાં છૂટા રાખેલા કિલ્લેબંદી છાવણીવાળા ગોરા સૈનિકો નાસીને કંપનીના લશ્કરમાં મળી ગયા હતા.

‘હશે! હું જાણતો હતો કે જૅક્સન જુઠ્ઠો છે એથી આપણને કશી હાનિ નથી.’ ગૌતમે કહ્યું.

ઉનાળાની લાંબી સંધ્યા રંગીન પ્રકાશમાં આખા મેદાનને વીંટી લેતી હતી. કોઈ કોઈ સ્થળે ધૂળ ઊડતી હતી. કોઈ કોઈ સ્થળે આછી ધૂમ્રસેર આકાશમાં ચડી ઓગળી જતી હતી. વિજયી સૈનિકો હુકમ અનુસાર આમતેમ દોડતા હતા અને ઘવાયેલા સૈનિકોને ડોળીઓમાં ઘાલી સારવાર માટે લઈ જતા હતા. યુદ્ધ બંધ થયું હતું. ગૌતમને વિજય મળ્યો હતો. વિપ્લવની સફળતા દેખાતી હતી. આવાં બેચાર યુદ્ધને અંતે કંપની સરકાર સદાયની અદૃશ્ય થવાનો સંભવ ઊભો થતો હતો. છતાં ગૌતમની આંખ વ્યાકુળ બની ગઈ હતી. તે ચારેપાસ નજર નાખ્યા કરતો હતો.

શા માટે?

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.