૪ : રુદ્રદત્તનું ભૂત

જીવનમાં પહેલી વાર ત્ર્યંબક થરથર્યો. ઉનાળાની ખુશનુમા ઠંડીમાં કલ્યાણીની દંતાવલી કડકડી ઊઠી. સૌમ્ય રુદ્રદત્તમાં સાગરની વિશાળતાનો સર્વદા ભાસ થતો. આજ સાગરમાં અણધાર્યું ગગનગામી મોજું ઊપડતું હતું. એ મોજું ડુબાવશે? કે માત્ર કંપાવનારો હિલોળો જ ખવડાવશે? કલ્યાણીએ ત્ર્યંબકનો હાથ ઝાલી લીધો.

‘બીશો નહિ.’ રુદ્રદત્તે કહ્યું, અને એક વિશાળ ખઢકને અઢેલી તેઓ ઊભા. આકાશમાં ચંદ્રોદય થયો.

‘આજ રાતવાસો અહીં જ કરીશું.’ રુદ્રદત્તે કહ્યું.

વિહારથી ત્રણેક ગાઉ દૂર મજલ થઈ હતી. બિહામણી રાત ચંદ્રસ્પર્શે સોહામણી વિભાવરી બની ગઈ; ભૂતાવળ સરખું ગાઢ જંગલ કિરણગૂંથી કવિતા બની ગયું; તોય ત્ર્યંબક અને કલ્યાણીનો ભય અદૃશ્ય થયો નહિ, યોગી રુદ્રદત્ત આજ માત્રિક સરખા ભયપ્રેરક બન્યા હતા. શું તેઓ ખરેખર પોતાનું ભૂત બતાવતા હતા!

‘જરા બેસીએ!’ રુદ્રદત્ત બોલ્યા અને  જમીન ઉપર બેઠા. કલ્યાણી તેમનાથી સહજ દૂર બેઠી. ત્ર્યંબક હજી ઊભો જ હતો. રુદ્રદત્તે કલ્યાણીને પોતાની પાસે ખેંચી, અને પોતાના દેહ સાથે તેના દેહને અઢેલાવ્યો. ચંદ્રના વધતા જતા તેજમાં કલ્યાણીનું ધવલ વસ્ત્ર ફરફર ઊડતું હતું. જાણે હિમગિરિને હૈયેથી મંદાકિની વહી રહી!

‘દીકરી! આજ તો નહિ પણ એક સમયે રુદ્રદત્ત ભય પમાડે એવો જ હતો.’

કલ્યાણી દાદાને વધારે ચોંટી. દશેક ક્ષણ સહુ શાંત રહ્યાં.

‘બેટા! નીચે બેસ. ઊભો શા માટે રહે છે?’ રુદ્રદત્તે ત્ર્યંબકને કહ્યું. શિષ્ય ગુરુની સામે વિવેકપુરઃસર બેઠો.

‘આ ખડક જોયો?’ રુદ્રદત્તે પૂછયું.

બંનેએ ટેકરાને નિહાળ્યો. જંગલમાં આવેલી અનેક ડુંગરીઓમાંનો એ એક ટેકરો હતો. હજારેક હાથની તેની લંબાઈ હતી. પરંતુ તેની ઊંચાઈ ભાગ્યે જ સો હાથ જેટલી હશે. એ ટેકરામાં જોવા સરખું કશું જ નહોતું. ચંદ્રના પ્રકાશને લીધે એ ખડક કેટલાંક વૃક્ષો સહ સરસ ચિત્ર સરખો લાગતો હતો.

‘ઉપરથી એમાં કશું વિશિષ્ટ દેખાતું નથી.’ રુદ્રદત્તે કહ્યું. એ અભિપ્રાય બંનેને ખરો લાગ્યો.

‘પણ એમાં જ મારું ભૂત સંતાયું છે!’ રુદ્રદત્તનું વચન સાંભળતાં બરોબર રમ્ય ખડક બિહામણો બની ગયો. શબ્દમાં સૃષ્ટિને બદલી નાખવાનું સામર્થ્ય રહેલું છે. ખડક ઉપરનાં વૃક્ષોમાં ભૂતનૃત્ય નજરે પડયું. ખડકની વાંકીચૂકી કિનારીઓ પાછળ ભૂતના વાળ ઊડતા હોય એમ દેખાયું. ખડકના ચીરાઓમાંથી ભૂતની બિહામણી આંખો ચળકવા લાગી.

‘જોશો તો ખરાં ને?’ રુદ્રદત્તે પૂછયું.

ત્ર્યંબક સાવધાન થયો. ગુરુને તે ત્રિકાળજ્ઞાની માનતો હતો. પોતાનો ભય ગુરુ પરખી ગયા એથી ત્ર્યંબકને સંકોચ થયો. ત્ર્યંબકને અભિમાન હતું કે ત્રણે ભુવનમાં કોઈ તેને ભય પમાડી શકે એમ નહોતું. આ જ એ અભિમાન ગળી ગયું. સાવધાન થઈ તે બોલ્યો :

‘હા, જી.’

‘મારે નથી જોવું!’ કલ્યાણી બોલી ઊઠી.

‘હું સાથે જ છું.’ રુદ્રદત્તે કહ્યું.

‘તોય નહિ. દાદાજીનું ભૂત શેં જોવાય?’ કલ્યાણી કંપી ઊઠી.

‘આજે એ ભૂત અદૃશ્ય થવાનું છે.’

‘એટલે?’ વધારે ભય પામી કલ્યાણીએ પૂછયું.

‘હું નહિ પણ ભૂત અદૃશ્ય થશે.’

‘દાદાજી! મને ભય લાગે છે.’

‘ઘેલી! ભૂતનો તે ભય હોય? મારું ચાલે તો હું આખી માનવજાતને ભેગી કરી મારું ભૂત બતાવું.’

‘એ વિચાર મારાથી વેઠાતો નથી.’

‘ત્યારે તું ગૌતમને કેમ છોડાવી શકીશ? અહીં વાસનાશરીર જોવાનું છે. ત્યાં તો ખરા – આ ખડક સમા – શસ્ત્રધારી માનવીઓની સામે થવાનું છે!’

કલ્યાણી સ્થિર થઈ ભૂતથી ભય પામનાર વીર બની શકે નહિ. શસ્ત્રસજ્જ સૈનિકોની વચમાંથી ગૌતમને છોડાવવો એ વીરકાર્ય કલ્યાણીએ કરવું હોય તો તેણે ભૂતને પ્રત્યક્ષ જોવું જોઈએ. ભૂત મૃત્યુથી તો ભયંકર નહિ જ હોય!’

‘બીજા કોઈનું ભૂત હોય તો હરકત નહિ. આ તો દાદાજીનું ભૂત!’ કલ્યાણીના ભયનું ખરું કારણ સમજાયું. તેને ભૂતનો ભય ન હતો; તેને ભય હતો તેના દાદાના ભૂતનો!

‘તોય શું? ગૌતમને છોડાવવા સર્વ અનુભવ લઈશ.’ કલ્યાણીના મને નિશ્ચય કર્યો. રુદ્રદત્તે એ નિશ્ચય પારખ્યો. તેમણે કહ્યું :

‘બેટા! અંદર ભૂત નથી; મારી ભાવના ભરાઈ રહી છે.’

‘ભૂત હશે તોય હું જોઈશ દાદાજી!’ કલ્યાણીએ કહ્યું.

‘ઠીક.’ કહી રુદ્રદત્ત ઊભા થયા. ત્ર્યંબક અને કલ્યાણી પણ ઊભાં થયાં. ચંદ્રના પ્રકાશમાં વીખરાયેલા વાળ સમારતા ઊંચા, ટટાર વૃદ્ધ રુદ્રદત્ત પયગંબર સરખા દેખાતા હતા. ત્ર્યંબક કરતાં પણ રુદ્રદત્ત ઊંચા હતા એ જોઈ કલ્યાણીને નવાઈ લાગી. રુદ્રદત્તની પ્રતાપભરી ઊંચાઈનું પ્રમાણ કાઢવાની આજે કલ્યાણીને વૃત્તિ થઈ.

‘ત્ર્યંબક, આ શિલા ખસેડ.’ રુદ્રદત્તે કહ્યું. અને શિલા બતાવ. એક જબરજસ્ત પથરો ત્ર્યંબકે બળપૂર્વક ખસેડયો. પથરાની પાછળ આછું પોલાણ દેખાયું. પોલાણમાં ભયંકર અંધકાર હતો.

‘એની અંદર જવાનું છે.’ રુદ્રદત્ત બોલ્યા.

‘દાદાજી! દીવો કરું?’ કલ્યાણીએ પૂછયું.

‘હા. દીકરી! તું જ મારો દીવો છે.’

ચકમક અને લોખંડ ઘસી તણખો ઉપજાવી કલ્યાણીએ રૂ બાળ્યું. રૂમાંથી ચીંથરું સળગાવતાં સહજ ભડકો થયો.

‘ચાલો અંદર.’ કહી રુદ્રદત્ત આગળ થયા. આછો પ્રકાશ અંધકારને વધારે ઘેરો બનાવતો હતો; પાંચસાત ડગલાં પથ્થરના પીંજરામાં ચાલતાં રુદ્રદત્તે અટકીને કહ્યું :

‘દીવો રાખજે, બહેન! હોલવાઈ જાય નહિ.’

કલ્યાણી સહજ દીવાની  સામે હાથ ધર્યો. રુદ્રદત્ત એક પ્રચંડ શિલાને એક હાથથી ખસેડતા હતા :

‘હું ખસેડું?’ ત્ર્યંબકે પૂછયું.

‘ના, ભાઈ! એમાં કળની જરૂ છે, બળની નહિ.’ કહી એક મોટા પથ્થરના ચોસલાને તેમણે બહાર ખેંચી કાઢયું. પવનનો એક જબરજસ્ત ઝપાટો અંદરથી આવ્યો. કલ્યાણીએ હાથ આડો ધર્યો છતાં પવને દીવાને હોલવી નાખ્યો. ઘોર અંધકાર ફેલાઈ ગયો. ત્ર્યંબક અને કલ્યાણીનાં હૃદય ધડકી ઊઠયાં.

‘હરકત નહિ. ફરી દીવો કર.’ રુદ્રદત્ત બોલ્યા.

કલ્યાણીએ ફરી મહેનત કરી દીવો પ્રગટાવ્યો. રુદ્રદત્ત દીવાનું સાધન લઈ એક ડોકાબારીમાં દાખલ થયા. અને ત્ર્યંબક અને કલ્યાણીને પોતાની પાછળ આવવા જણાવ્યું. કલ્યાણીના હાથમાંથી ફરી દીવો હોલવાયો. રુદ્રદત્ત અંધકારમાં ઊતરી ગયા. દસેક ક્ષણમાં તો હોકાબારીમાંથી રુદ્રદત્તનો અવાજ સંભળાયો :

‘ચાલ્યાં આવો બંને જણ.’

કલ્યાણી પ્રથમ દાખલ થઈ; ત્ર્યંબક તેની પાછળ ઊતર્યો. અંદર પ્રવેશ કરતાં જ ચારપાંચ  શમાદાનીઓમાં દીવા બળતા દેખાયા. રુદ્રદત્તે એ પ્રકાશ કર્યો હશે એમ તેમને લાગ્યું. પ્રકાશમાં તેઓ જોઈ શક્યાં કે તેમની સામે એક મોટો દરવાજો દેખાતો હતો.

‘એક એક શમાદાની આપણે ઉપાડી લઈએ.’ રુદ્રદત્તે કહ્યું.

ત્રણે જણ હાથમાં દીવા લઈ વિશાળ દરવાજાની સામે ઊભાં. રુદ્રદત્તે દરવાજાની વચમાં હાથ નાખ્યો અને દરવાજો ખસી ગયો. એક વિશાળ સભામંડપ સરખું સ્થાન ખુલ્લું થઈ ગયું. મંડપમાં મોટા મોટા સ્તંભો અને ઊંચી બેઠકો પણ દેખાઈ. ધારીને જોતાં એ સ્તંભો સુંદર કોતરકામથી ભરેલા જણાયા. દૃષ્ટિ વધારે સ્થિર થતાં એથી પણ વધારે આશ્ચર્યજનક દૃશ્ય તેમની નજરે પડયું. આખો મંડપ હથિયારોથી ભરેલો હતો! અનેકાનેક આયુધો જમીન અને ભીંત ઉપર ગોઠવાયલાં પ્રકાશમાં ચમકી ઊઠયાં! ત્ર્યંબક અને કલ્યાણી સ્તબ્ધ બની ગયાં.

‘આ શસ્ત્રભંડાર મેં ભેગો કરેલો.’ રુદ્રદત્ત બોલ્યા.

‘કેમ?’ કલ્યાણીએ પૂછયું.

‘હું એક વખત શસ્ત્રકવચ સજતો હતો.’ રુદ્રદત્તે કહ્યું.

‘કેટલા સમય ઉપર?’ ત્ર્યંબકે પૂછયું.

‘વીસ વર્ષ પહેલાં.’

આજ એંસી વર્ષના રુદ્રદત્ત તેમની ઉંમરના સાઠ વર્ષ સુધી હથિયારધારી હતા! કલ્યાણી અને ત્ર્યંબકની દૃષ્ટિએ એક પુખ્ત છતાં જુવાનીના જોમથી ભરેલી શસ્ત્રસજ્જ રુદ્રદત્તની મૂર્તિ દેખાઈ. તેની આંખમાં ક્રૂરતા છુપાઈ હતી; તેના હાથ ઉપર રુધિરના ડાઘ હતા; તેના પગમાં શાર્દૂલની છલંગ હતી.

‘આ ભંડારમાંથી તો એક સૈન્ય સજી શકાય.’ ત્ર્યંબકે પૂછયું.

‘હું એમ જ કરતો.’

‘આવો એક જ ભંડાર છે.’ કલ્યાણીએ પૂછયું.

‘આવા દસ ભંડારો હતા.’

‘તેમનું શું થયું?’

‘વાપરનાર વગર નિષ્ફળ નીવડયા.’

‘એટલે?’

‘ચારેક ભંડારો ભાઈભાઈના યુદ્ધમાં અદૃશ્ય થઈ ગયા.’

‘બીજા?’

‘બીજા ત્રણેક અફગાન, રૂસ અને ચીનમાં વેડફાઈ ગયા.’

‘કોણે વેડફ્યા?’

‘મેં.’

‘શી રીતે?’

‘હિંદની બહાર અગ્નિ સળગાવવામાં.’

એ અગ્નિ સળગ્યો?

‘હા. પણ એની ઉષ્મા હિંદના ઠરી ગયેલ હૃદયે ઝીલી નહિ.’

‘તોય હજી ત્રણ રહ્યા.’

‘બે અંગ્રેજોએ લૂંટી લીધા.’

‘કોની પાસેથી?’

‘એક પેશ્વા પાસેથી અને એક પીંઢારાઓ પાસેથી. આ એક ભંડાર હવે રહ્યો છે.’

‘તે આપ પેશ્વા સરકારને આપી શકશો?’

‘એ માટે બધાય ક્રાન્તિકારો મારી સહાય મેળવવા મથી રહ્યા છે.’

‘આપ કેમ નથી આપતા?’

‘સહાયને પાત્ર કોઈ નથી.’

‘કેમ?’

‘સહુને પોતાનું રાજ્ય જોઈએ છે; કોઈને પ્રજાનું રાજ્ય ખપતું નથી.’

‘રાજા એ પ્રજામૂર્તિ જ છે.’

‘હિંદમાં એ ભાવના મરી ગઈ છે. એટલે થોડા રાજા આજ જશે અને થોડા રાજા કાલ જશે. બધાય જવાના એ નક્કી!’

‘તો આપ પ્રજાને રાજ્ય અપાવો.’

‘પ્રજાને રાજ્ય જોઈશે તે ક્ષણે મળી રહેશે.’

‘કંપની સરકાર છતાં?’

‘ઈશ્વર ગાદી ઉપર બેઠો હોય તોપણ પ્રજાને ના કહેવાની કોઈમાં તાકાત નથી.’

‘પ્રજામાં આ હથિયારો વહેંચી દઈએ તો?’ ગુરુની ઇચ્છાનુસાર કાર્ય કરવા તત્પર રહેતા શિષ્યે પૂછયું.

‘પ્રજાને હથિયારની જરૂર નથી.’

‘કેમ?’

‘પ્રજાનો નિશ્ચય થાય તે જ ક્ષણે રાજા અને તેનું રાજ્ય નિરર્થક બની જાય છે.’

ત્રણે જણ શાંત રહ્યાં. રુદ્રદત્તે ધીમે ધીમે આગળ ડગલાં ભરવા માંડયાં. ભીંતે ભાલા, તલવાર, જમૈયા, વીછુવા, વાઘનખ, બરછી અને ઢાલો ચમકી ઊઠયાં. શસ્ત્રાોને લાગેલો કાટ પણ તેમના ચળકાટને વૈચિત્ર્ય આપતો હતો. એક ભીંતે શસ્ત્રાો અને બખ્તરો ટીંગાડેલા નજરે પડયાં. ત્ર્યંબકે નહિ જોઈ હોય એવી તરેહ શસ્ત્ર અને વસ્ત્રમાં દેખાતી હતી. કલ્યાણી તો સ્વપ્ન જ અનુભવતી હતી.

વિશાળ ઓરડો બારીકાઈથી નિહાળતા આખી રાત વીતી જાય એમ હતું. ઓરડાની પાછળ પણ પોલાણ હતું. સ્તંભોની પાછળ પણ મોટી મોટી ઓસરીઓ અને બેઠકો હતી.

‘હજી જોવાનું ઘણું બાકી છે.’ રુદ્રદત્તે કહ્યું. અને એક ખુલ્લા દ્વારમાંથી બીજા ઓરડામાં ત્રણે જણે પ્રવેશ કર્યો. પ્રથમના ઓરડા સરખો જ આ ઓરડો વિશાળ હતો. ઓરડાની જમીન અને ભીંત જુદી જુદી જાતની બંદૂકો, તમંચા અને પિસ્તોલોથી ભરેલી હતી. વગરે બોલ્યે – પણ ઉતાવળથી – ત્રણે જણે ઓરડો પસાર કર્યો અને તેઓ ત્રીજા ઓરડામાં દાખલ થયાં. ત્રીજા ઓરડામાં તોપ, જંજાળ અને ગોફણો ઊભરાતી હતી. તીરકામઠાં પણ ભીંતે લટકતાં હતાં.

‘હજી ભોંયરા છે.’ રુદ્રદત્તે કહ્યું અને એક જમીન સરખું પાટિયું ખોલી તેમાં પ્રવેશ કર્યો. ભોંયરામાં સીડીથી ઊતરવાનું હતું. ભોંયરું પણ મહાવિશાળ ઓરડા સરખું હતું. દારૂગોળોનો ત્યાં ભંડાર ભરેલો હતો. રુદ્રદત્તનો પડછાયો તેમની પાછળ ભીંત ઉપર પડયો અને કલ્યાણીએ ચમકીને પાછળ જોયું! રુદ્રદત્ત હસ્યા અને બોલ્યા :

‘રુદ્રદત્તનું ભૂત બધે ફરે છે!’

થોડી ક્ષણ શાંતિથી સઘળું નિહાળી ત્ર્યંબકે પૂછયું :

‘આ બધું કોનું?’

‘આ બધી મારી મિલકત.’

‘લાખો રૂપિયા ઊપજે, નહિ?’

‘કરોડો.’

વળી સહુ શાંત થયાં. બત્તીમાંથી એક મોગરો જમીન ઉપર પડયો. ઝડપથી કલ્યાણીએ તેના ઉપર પગ મૂકી અંગારઅંશ હોલવી નાખ્યો. રુદ્રદત્તે તે જોયું અને તેઓ બોલ્યા :

‘એક જ ચિનગારી આ કરોડોની મિલકતને ભસ્મ કરી શકે.’

‘ત્યારે ગુરુજી! મિલકતનો સદુપયોગ થવા દ્યો.’ ત્ર્યંબક બોલ્યો.

‘હું તે જ કરવા માગું છું.’

‘શી રીતે?’

‘આ શસ્ત્રભંડારની હોળી કરીને.’

‘આ બધી યુદ્ધસામગ્રી એળે જશે!’

‘જગત સમસ્તની યુદ્ધસામગ્રી જે દિવસે હોળીમાં હોમાશે તે દિવસે જગતમાં નવું પર્વ ઉજવાશે.’

‘કેમ?’

‘કારણ શસ્ત્રની માફક શસ્ત્રબળની સઘળી સંપ્રાપ્તિ ભસ્મ જેટલી પણ કીમતી નથી. શસ્ત્ર છોડશે તે દિવસે મનુષ્ય પશુ મટશે.’

‘ગુરુજી! કેટલું સૈન્ય સજ્જ થઈ શકે.’

‘એક લાખ માણસ.’

ભોંયરામાંથી ત્રણે જણ ઉપર આવ્યાં. કલ્યાણીએ પૂછયું :

‘દાદાજી! આ ગુફા તો કોતરેલી છે!’

‘હા, બહેન! પણ તે મેં નહિ. એ ગુફા હજાર બારસો વર્ષથી કોતરાયેલી છે.’

‘કેવી સરસ છે! કોણે એ કોતરી હશે?’

‘ભગવાન બુદ્ધના કોઈ ભક્તે, બુદ્ધથી ઘેટાંનો નિસાસો પણ ખમાતો નહિ. એ યુદ્ધમંદિરમાં રુદ્રદત્તે લાખો માનવીઓના સંહારનું સાધન એકઠું કર્યું.’

ધીમે ધીમે ત્રણે જણ ગુફાના પ્રથમ ખંડમાં આવ્યાં. રુદ્રદત્તે એક તલવાર તરફ આંગળી બતાવીને કહ્યું :

‘ત્ર્યંબક! આ મારી તલવાર.’

બંને જણે તલવાર સામે જોયું. અને રુદ્રદત્તની સામે જોયું. રુદ્રદત્ત જાણે કલ્યાણીને નિહાળતા હોય એવી કોમળતા તેમના મુખ ઉપર દેખાઈ. એ તેમની વહાલી તલવાર તેમની કમરે લટકતી હશે ત્યારે રુદ્રદત્ત કેવા દેખાતા હશે? તલવારધારી રુદ્રદત્ત ત્યાં જાણે એકાએક પ્રગટ થયા! તેમની આંખમાં ક્રૂરતાભરી લાલાશ તરી આવી. કલ્યાણીએ ભય પામી એ કલ્પિત મૂર્તિને મૂકી ખરા રુદ્રદત્તને નિહાળ્યા. તેમની આંખમાં અનુકંપા હતી.

‘એ તલવાર આજે પીગળી જશે.’

ત્રણે જણ ગુફાની બહાર નીકળ્યાં. મધ્યરાત્રિ વીતી હતી. આકાશમાં ચંદ્ર હજી પ્રકાશતો હતો.

‘અત્યારે આપણે અહીં જ સૂઈશું.’ રુદ્રદત્ત બોલ્યા.

ત્રણે જણે પથ્થરની છાટ ઉપર મૃગચર્મ પાથર્યા.

‘કલ્યાણી, દીકરા! સૂઈ જાઓ.’

‘ગુરુજી! એક વાત મને ન સમજાઈ.’ ત્ર્યંબકે કહ્યું.

‘કઈ વાત?’

‘તલવારની આપે દયા ખાધી. એમ કેમ?’

રુદ્રદત્ત હસ્યા.

‘એનું કારણ અત્યારે નહિ કહું.’

‘ક્યારે કહેશો?’

‘સવારે. જ્યારે તલવાર પીગળી રહી  હશે ત્યારે.’

ત્રણે જણ સૂતાં. ચમકતાં તારાઓની સોડમાંથી ચંદ્ર ચાલ્યો જતો હતો. ચંદ્ર અને તારાએ મળી સહુની નિદ્રામાં તેજસ્વપ્ન ગૂંથ્યાં. રુદ્રદત્તની ધીમી વાણીએ ત્ર્યંબક અને કલ્યાણી જાગી ઊઠયાં ત્યારે એકલા તારા ચમકતા હતા – ચંદ્ર ચાલ્યો ગયો હતો.

‘ત્ર્યંબક, કલ્યાણી! હવે ઊઠશો?’ રુદ્રદત્ત બોલ્યા.

‘હા, જી!’ ત્ર્યંબકે બેઠા થઈ કહ્યું.

‘હજી તો રાત છે ને દાદાજી?’ કલ્યાણીની આંખ ઉપરથી હજી નિદ્રા ખસતી નહોતી.’

‘બહુ રાત નથી.’

‘ઠીક.’ કહી આંખો ચોળતી કલ્યાણી બેઠી થઈ.

‘અને અડધા કલાકમાં આ સ્થળે ભયંકર ઉત્પાત થશે.’ રુદ્રદત્ત બોલ્યા.

‘શાથી?’ કલ્યાણીએ સહજ વિકળતાથી પૂછયું.

‘મેં આ શસ્ત્રભંડાર સળગાવી દીધો છે.’

આશ્ચર્ય અને ભયની તીવ્ર લાગણી અનુભવતાં બંને જણ તૈયાર થયાં. ત્રણે મુસાફરોએ પોતાનાં મૃગચર્મ વાળી હાથમાં લીધાં અને આછા અંધકારમાં આગળ પગ મૂક્યો.

ભોંયરાની – ગુફા બાજુમાં ભયંકર સુસવાટ આવતો સંભળાયો. ક્ષણભર ત્રણે જણ ખમચ્યાં અને આગળ વધ્યાં.

‘ગુરુજી!’ ત્ર્યંબકે રુદ્રદત્તનો હાથ પકડી ભયત્રસ્ત અવાજે સંબોધન કર્યું અને તેમને આગળ પગ મૂકતાં અટકાવ્યા.

‘શું છે, બેટા?’ રુદ્રદત્તે પૂછયું.

‘આપ હાલશો નહિ.’

‘કેમ?’

‘એક ભયંકર સર્પ આપના પગને અડીને જાય છે.’

રુદ્રદત્તે અને કલ્યાણીએ એક જબરજસ્ત નાગ પગ આગળ થઈને જતો નિહાળ્યો. ક્ષણભરમાં નાગ અદૃશ્ય થઈ ગયો. રુદ્રદત્ત હસ્યા અને બોલ્યા :

‘એ તો મારું ભૂત અદૃશ્ય થાય છે!’

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.