૭ : મૃત્યુ

આખી ધર્મશાળા નઃશબ્દ બની ગઈ. અણધાર્યો અણકલ્પ્યો અકસ્માત બની ગયો. ટોળામાં આવેલા કોઈને ખ્યાલ જ ન હતો કે વિપ્લવવાદીઓની પણ પૂજ્યમૂર્તિ રુદ્રદત્ત સામે કોઈ હાથ ઉપાડશે. ભારતમાં યુદ્ધમાં જાણે કૃષ્ણ પડયા હોય એવી સહુને લાગણી થઈ આવી. અસહાય વાતાવરણ સ્થિર થાય તે પહેલાં તો બે ક્ષણમાં – ત્રણ ક્ષણમાં – ત્ર્યંબકની લાઠી ઘૂમી. એક ફાળમાં તે નીચે ઊતર્યો અને દેવાલયના ચોકમાં ભેગા થયેલા ક્રાંતિકારીઓને જબરદસ્ત પ્રહારો કરવા લાગ્યો. ઘણા મનુષ્યો ભાગવા લાગ્યા અને સાંકડા મંદિરમાંથી નીકળવા લાગ્યા. ત્ર્યંબકે શંકરને બંદૂક ઉપાડતો જોયો, અને પોતાની સામે બંદૂક તાકે તે પહેલાં ત્ર્યંબકે શંકરના હાથ ઉપર ઝપાટો લગાવી તેનું શસ્ત્ર નીચે ખેરવી દીધું. શંકરે પૂંઠાં ફેરવી  ભાગવાનો વિચાર કર્યો. ત્ર્યંબકે તેને ઝાલ્યો. તેના વાળ પકડી પીંખી નાખ્યો અને વજ્રમુષ્ટિપ્રહારો વડે તેને ગભરાવી, ઘાયલ કરી બેભાન બનાવ્યો. શંકર જમીન ઉપર પડયો. ત્ર્યંબકનો ક્રોધ શમતો નહોતો. પડેલા શંકરને સંબોધી તે પોકારી ઊઠયો :

‘ચાંડાલ! હત્યારા!’

અને પગ વડે પ્રહાર કરવા ત્ર્યંબક તત્પર થયો. ત્યાં તો રુદ્રદત્તનો પરિચિત, સ્વસ્થ અને ગંભીર સાદ સંભળાયો :

‘ત્ર્યંબક!’

ત્ર્યંબકે પાછળ જોયું. રુદ્રદત્ત લ્યૂસીને અઢેલીને બેઠા હતા. કલ્યાણી, જૉન્સન તથા તેમનાં પત્ની રુદ્રદત્તની છાતીમાંથી વહેતા રુધિરને કટકા વડે સાફ કરતાં હતાં. ત્ર્યંબક થોભ્યો. રુદ્રદત્તે કહ્યું :

‘ભાઈ! પાછો આવ. મારું મૃત્યુ લોહિયાળ ન બનાવીશ.’

ગુરુને વાગતાં ભાન ભૂલેલા ત્ર્યંબકને જ્ઞાન આવ્યું કે ગુરુને થયેલો ઘાવ મરણઘાવ હતો. ગુરુનું મરણ? ત્ર્યંબકના દેહમાંથી બળ ઓસરી ગયું. તેને ફેર આવ્યા. લથડતે પગે તે પાછો ફર્યો અને ગુરુના ચરણ સમીપ જઈ ઢગલો બની બેસી ગયો.

‘હું ઓજારોની પેટી લઈ આવું. દવા પણ છે.’ કહી જૉન્સન સાહેબ જવા લાગ્યા. તેમની પાછળ તેમનાં મડમ પણ જવા લાગ્યાં.

‘હમણાં ન જશો. લોકો ઉશ્કેરાયેલા છે.’ રુદ્રદત્તે કહ્યું.

‘અમારે માટે આપ ઘાયલ થાઓ; અમે અહીં બેસી રહીએ? એ ન બને. લ્યૂસી અહીં સારવાર કરશે અને અમે દોડતાં જઈ બધું સાધન લાવીએ છીએ.’ કહી સાહેબ અને મડમ બંને દોડતા ધર્મશાળાની બહાર નીકળ્યા.

‘નાહક જાય છે.’ રુદ્રદત્ત બોલ્યા.

‘કેમ?’

‘મર્મ ઉપર ઘા થયો છે. થોડોક વખત આ દેહ ટકશે.’

‘શું?’ કલ્યાણી ચમકીને બોલી ઊઠી. ઘવાયલા પિતામહની સારવારમાં તલ્લીન બની ગયેલી કલ્યાણીને ખ્યાલ જ નહોતો આવ્યો કે રુદ્રદત્ત કદાપિ મૃત્યુ પામે! તે ચમકી ઊઠી.

‘ચમકવાનું કારણ નથી. દેહે બહુ કામ આપ્યું. હવે એ દેહ આરામ લેશે.’ રુદ્રદત્ત બોલ્યા. પરંતુ તેમની નજર એક ડૂસકા તરફ દોરાઈ. ત્ર્યંબકની આંખમાંથી અશ્રુધારા ચાલી રહી હતી. તે અટકાવવાના પ્રયત્નમાં તેના કંઠથી ડૂંસકું ખાઈ જવાયું.

‘ત્ર્યંબક! મર્દને આંસુ શાં?’ રુદ્રદત્ત  બોલ્યા.

‘હું મર્દ નથી. હું આપનો બાળક છું.’ ત્ર્યંબકે ગૂંગળાતે સાદે કહ્યું.

‘બેટા! આ લાંબી જિંદગીમાં અનેક શિષ્યોએ મારા પ્રત્યે ગુરુભાવ કેળવ્યો, પણ ત્ર્યંબક! તારો જોટો જડયો નથી.’

‘ભૂલની… ક્ષમા… માગું છું.’

‘તેં ભૂલ કરી જ નથી. તારું સ્વત્વ તેં મારામાં હોમ્યું. તું આશ્રમની બહાર ગયો હોત તો ગૌતમ સરખો યોદ્ધો બનત. મારા મનથી તો તું સર્વ યોદ્ધાઓ કરતાં મોટો છે. એક ગુરુદક્ષિણા આપીશ?’

ત્ર્યંબકથી બોલાયું નહિ. રુદનયન ત્ર્યંબકે ગુરુચરણે હાથ મૂક્યા.

‘દીકરા, પણ લે કે કોઈ દિવસ હથિયાર ન ઝાલવું.’

ત્ર્યંબકે હજી સુધી હથિયાર વાપર્યું નહોતું, પરંતુ તેની લાઠીનો ઉપયોગ તો તેણે કર્યો હતો. હથિયાર વાપરવાની અને હિંદભરના એક મશહુર યોદ્ધા તરીકે પ્રસિદ્ધ થવાની તેને હોંશ હતી, એ માટે તે ગુરુઆજ્ઞાની રાહ જોતો હતો અને સમય વિતાવતો હતો. બળવાના ભણકારા તેને કાને અથડાતા હતા. ગુરુને તેમાં દોરવાના પ્રયત્નો ચાલી રહ્યા હતા તેનું તે નિરીક્ષણ કરતો હતો. ગુરુ સહજ તેમાં દોરાયા એમ પણ તેને લાગ્યું; કારણ, ગૌતમને છોડાવવા માટે આદરેલી મુસાફરીને અંતે ક્રાંતિકારીઓ તેમને જ નાયક નીમવાના હતા. ત્ર્યંબકને એમાં આશા દેખાઈ. તેનું વીરત્વ કસોટીએ ચડશે એવો તેને ભરોસો ઊપજ્યો.

પણ ત્યાં તો રુદ્રદત્તે શસ્ત્રભંડારને ભસ્મીભૂત કરી નાખ્યો! એટલું જ નહિ. તેમના દેહે પણ ભસ્મીભૂત થવાની ક્ષણ આવી. એ ક્ષણે ત્ર્યંબકના વીરત્વને ભસ્મીભૂત કરી નાખવાની ગુરુદક્ષિણા ત્ર્યંબક પાસે ગુરુ માગતા હતા! શું કરવું? ગુરુને સંતોષવા? અને જીવનભર પોતાના આત્માને ગૂંગળાવવો?

‘ગુરુજી! એક વખત શસ્ત્ર વાપરી શસ્ત્ર ફેંકી દઈશ.’ ત્ર્યંબકે કહ્યું.

‘ક્યાં વાપરવું છે?’

‘મારા ગુરુ ઉપર હાથ ઉપાડનાર અને તેની પાછળ રહેલા સહુનો સંહાર કરી હું શસ્ત્ર વેગળું કરીશ.’

‘જા ઘેલા! રુદ્રદત્તનું તર્પણ વેર લઈને થાય?’

‘ત્યારે શી રીતે થાય?’

‘હાથમાંથી શસ્ત્ર તજીને અને મનમાંથી ઝેર તજીને. એ પણ જે લે, તે મારા દેહને અગ્નિદાહ કરે; એ પણ લેનાર કોઈ ન મળે તો મારા દેહને એમનો એમ છોડી દેજો!’ રુદ્રદત્તે કહ્યું અને આંખો મીંચી. સહુ શાંત બની ગયાં. ત્ર્યંબક, કલ્યાણી, લ્યૂસી અને પૂજારી પરસ્પરની સામે જોઈ રહ્યાં.

‘મારે હજી કલ્યાણીને સંભાળવી પડશે.’ ત્ર્યંબક બોલ્યો.

‘અને મને ભય છે કે તારે લક્ષ્મીને પણ સંભાળવી પડશે.’ મીંચેલી આંખે રુદ્રદત્ત બોલ્યા.

‘એ હું વગર શસ્ત્રો કેમ કરી શકીશ?’

‘વગર શસ્ત્રો સ્ત્રીઓને સંભાળી ન શકાય એવી દુનિયામાં ન જ રહેવું.’

‘એટલે?’

‘દુનિયાને શસ્ત્રરહિત કરવી, અગર દુનિયામાંથી ચાલ્યા જવું.’

‘એ બનશે?’

‘તો જ માણસમાં માણસાઈ રહેશે.’

‘પણ બધી જનતા ક્યાં એમ માને છે?’

‘બેટા! હું માનું છું. હું તો હવે ચાલ્યો. મારા પછી એકાદ માણસ પણ એ માનતો થાય તો હું સુખથી દેહ છોડું. તારામાં મને શ્રદ્ધા છે.’ રુદ્રદત્તે આંખો ખોલી ત્ર્યંબકની સામે જોયું; રુદ્રદત્તની દૃષ્ટિમાં નવો પયગામ હતો, નવા પયગામનાં તેજ હતાં, માનવીના હૃદયને વીંધી નાખતી વીજળી હતી. ત્ર્યંબકથી બોલાઈ ગયું :

‘ગુરુજી! હું પણ લઉં છું. આ ક્ષણથી મેં શસ્ત્ર છોડયું.’

‘તારું અને આખા જગતનું કલ્યાણ એમાં છે!’ રુદ્રદત્તે પાછી આંખ બંધ કરી અને કહ્યું :

‘મને હવે જમની ઉપર સુવાડો. દૂર્વા કે તુલસી મને આપો.’

‘પંડિતજી! આવે શરીરે જમીન ઉપર?’ લ્યૂસીએ પૂછયું.

‘એમાં હરકત નહિ. અને… હેવ જમીનની નજીક જઈએ એમ સારું. માનો અંક બધાય માટે પથરાયેલો છે.’

કલ્યાણી દોડતી દોડતી  તુલસીક્યારા પાસે જઈ તુલસીપત્ર લઈ આવી. પવિત્ર કરેલી જમીન ઉપર રુદ્રદત્તને સુવાડયા અને તેમના હાથમાં તુલસીપત્ર મૂકતાં કલ્યાણીનું ઝાલી રાખેલું હૃદય રુદનમાં વહી ગયું. રુદ્રદત્તે ધીમેધીમે કલ્યાણીને વાંસે હાથ ફેરવ્યો. કલ્યાણીને રડવા દઈ રુદ્રદત્ત બોલ્યા :

‘દીકરા! અત્યારે રડવાનું હોય કે ગાવાનું?’

‘ઓ દાદાજી!’

‘દાદાજી કરતાંય મોટા દાદાજી તારા ઉપર નજર રાખે છે. એ જે કરશે એ સારું જ કરશે. બહેન! કશું ભજન બોલ ત્ર્યંબક! ગીતાપાઠ કર. લક્ષ્મી! તુંયે એક પ્રાર્થના સંભળાવ.’

લ્યૂસી સહુથી પહેલી સ્વસ્થ થઈ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાની એક ઈસુપ્રાર્થના તેણે મીઠા સૂરે ગાઈ સંભળાવી. રુદ્રદત્તના મુખ ઉપર શાંતિ છવાઈ જતી હતી. પ્રાર્થના પૂરી થયે રુદ્રદત્ત બોલી ઊઠયા : ‘તમસો મા જ્યોતિર્ગમય’ કોણ કહે છે કે ઈસુ આપણો નથી?

કલ્યાણીનો કંઠ ઊઘડયો જ નહિ. તેને અનેક કીર્તનો આવડતાં હતાં પરંતુ તેના હૃદયમાં શાંતિ નહોતી. તેના હૃદયમાં રુદન વારંવાર ઊપડી આવતું હતું. જેમને ખોળે તે ઊછરી હતી એ માતા અને પિતાનું એકત્ર સ્થાન આજ અદૃશ્ય થતું હતું. એને કેમ શાંતિ વળે? એનું કોણ? દાદાજી જાય છે! ગૌતમ તો ગયો જ! અકથ્ય નિરાધારતા નીચે તે કચડાઈ જતી હતી.

ત્ર્યંબકે ગીતાપાઠ શરૂ કર્યો. એકાએક રુદ્રદત્તે આંખ ઉઘાડી અને પૂછયું :

‘ત્ર્યંબક! શંકર ક્યાં છે?’

‘મને ખબર નથી.’

‘તેં એને એવો માર્યો છે કે અહીંથી ઊઠયો નહિ હોય. જો, એને ઉઠાવી મારી પાસે લાવ.’

ત્ર્યંબકના મનને બંડ કરવાની વૃત્તિ થઈ. પરંતુ શસ્ત્રરહિત થવાનું પણ. તેના હૃદયને પણ શસ્ત્રરહિત બનાવવા મથતું હતું. ક્ષણભર અટકી તેણે કહ્યું :

‘હા જી; હું જોઉં.’

‘અને પંડિતજી! હું જરા જોઈ આવું કે મારા પિતા હજી કેમ ન આવ્યા. દવા જલદી આવે તો સારું.’ લ્યૂસીએ કહ્યું.

‘લક્ષ્મી! દવાનું કામ નથી. ‘ઔષધં જાન્હવી તોયં’ અને બહેન! તું ન જા તો કેવું?’ રુદ્રદત્તે કહ્યું.

‘કેમ?’

‘ચારે પાસ તોફાન છે.’

‘એટલે?’

‘પાદરીસાહેબ અહીં આવી નહિ શકે.’

‘એ ક્યાં હશે?’

‘કાં તો ચાલ્યા ગયા હશે અગર બંગલામાં ઘેરાઈ ગયા હશે.’

‘ત્યારે તો હું જરૂર જઈ આવું.’ કહી અંગ્રેજ કુમારિકા કોઈનું કહેવું સાંભળ્યા વગર ઝડપથી બહાર દોડી ગઈ. રુદ્રદત્તે આંખ ઉઘાડી પાછી મીંચી દીધી.

ત્ર્યંબકે શંકરની ખોળ કરી. પરંતુ મંદિરના ચૉકમાં તે જણાયો નહિ. ગામની અંદર તેમ જ પાદરીના બંગલા ભણી બૂમો પડતી હતી, અને ભારે કોલાહલ થતો હતો. શંકર ભાન આવતાં ઊઠી ચાલ્યો ગયો હોય અગર તેના સાથીઓ તેને ઉપાડી લઈ ગયા હોય, એ સિવાય તેનું અદર્શન સમજાય એવું નહોતું.

‘શંકર તો નથી.’ ત્ર્યંબકે આવી કહ્યું.

‘ઠીક.’

‘બહારથી ખોળી લાવું.’

‘ના. હવે જડશે નહિ.’

‘શું કામ હતું?’

‘અંત સમયે મારે એનાં દર્શન કરવાં હતાં.’

‘કેમ?’

‘એ મારો ગુરુ હતો.’

‘આપનો ગુરુ? શંકર ખલાસી?’

‘હા.’

‘મનમાં ઊતરતું નથી.’

‘ને ઊતરે. જો, સાંભળ. એક યુદ્ધમાં મેં મારા પુત્રનો – કલ્યાણીના પિતાનો ભોગ આપ્યો. પુત્રનો મૃતદેહ જોઈ મારા હૃદયમાં વેરનો જ્વાલામુખી ફાટી નીકળ્યો. મારા એકેએક દુશ્મને પુત્રવિહોણા કરવાની મને વૃત્તિ થઈ આવી. શંકર અને એક બીજો મહાપ્રતાપી યુવક મારી સાથમાં હતા. શંકર પણ મારો માનીતો યુદ્ધશિષ્ય હતો. મેં શંકરને કહ્યું : ‘શંકર! અત્યારે જ ઊભો થા. અને ઘેરાયેલા શત્રુઓના પ્રત્યેક સંતાનને કાપી નાખ.’ મારા પુત્રના દેહમાંથી હજી રુધિર ટપકતું હતું. શંકરને કમકમી આવી. તેણે જવાબ આપ્યો : ‘પંડિતજી! આમ આવી કાપાકાપી વગર લડવાનો માર્ગ નહિ હોય?’ મારા હૃદયમાં પ્રકાશ પ્રગટયો. પ્રકાશના અક્ષરોમાં હૃદયપટ ઉપર લખાયલું મેં વાંચ્યું :

માનવી પશુ ન બને તો તેને શસ્ત્રની જરૂર શી છે? મેં એ અક્ષરોને હલાવી અલોપ કરી દીધા. મને લાગ્યું કે યુદ્ધનો થાક અને કાયરતા આ ઝંખનાને ઉપજાવે છે. મેં શંકરને એક લાત મારી કહ્યું : ‘કાયર મૃત્યુથી ડરે છે?’ તેણે કહ્યું : ‘પંડિતજી! હું જ તમારું મોત બનીને આવું છું.’ અપમાન – ખોટાં અપમાનથી ધૂંધવાયેલો શંકર પોતાના હથિયાર સહિત મારી છાવણીમાંથી ચાલ્યો ગયો. મારો બીજો શિષ્ય બોલ્યો : ‘આજ્ઞા હોય તો હું જાઉં.’ એ શિષ્યને તે જ દિવસે પુત્રજન્મની વધાઈ મળી હતી. મારા મનમાં નિર્બળતા આવી. મેં કહ્યું : ‘તારે હજી પુત્રનું મુખ જોવાનું છે.’ ‘હું જઈશ. મને એ તૃષ્ણા નથી.’ તેણે કહ્યું, અને તે એક નાનકડી ટોળી લઈ ચાલી નીકળ્યો. પુત્રના શબ પાસે બેસી મેં કંઈક વિચારો કર્યાં. એ બધા ભ્રમ હશે-ઝંખના હશે. પરંતુ પેલા પ્રકાશલિખિત શબ્દો મારા હૃદયમાં અને મારી આંખ આગળ ચમકતા જ રહ્યા. શું હું એક પુત્રના પિતાને અન્યના પુત્રોનું નિકંદન કાઢવા મોકલતો હતો? અને તે કઈ ક્ષણે? મારા કુળનું નિકંદન નીકળતું હતું તે વખતે? હું અપુત્ર બન્યો? સમગ્ર જગતને અપુત્ર બનાવવાની મારી વૃત્તિ શું મારી અપુત્ર સ્થિતિનો ઉતાર હતો? એકાએક મને લાગ્યું કે હથિયાર એ માનવીનું જ્વલંત પાપ અને પાપનો બદલો બને છે. એને ફેંકી દઈએ તો? પાપ પણ ન થાય અને બદલો પણ ન મળે! મેં તે જ ક્ષણે હથિયાર ફેંક્યા. શિષ્યને પાછો આવવા કહેણ મોકલ્યું. શંકરે દુશ્મનોને ખબર આપી દીધેલી એટલે એ શિષ્ય તો નહિ, પણ તેનું શબ પાછું આવ્યું. મેં મારા પુત્રનું અને મારા પુત્ર સરખા શિષ્યનું એમ બે શબ બાળ્યાં. અને તે ક્ષણથી મારા ગુરુ શંકરની ઇચ્છાનુસાર કાપાકાપી વગર લડવાનો માર્ગ શોધું છું. કહે, મારે એને નમવું જોઈએ ને?’

બહુ બોલ્યાથી રુદ્રદત્તનો ઘા જીવંત બન્યો. તેમાંથી લોહી ઊભરાયું. તેમણે આંખો મીંચી. કલાક સુધી અત્યંત શાંત અવસ્થા તેમણે અનુભવી ઘાયલનો તરફડાટ કે મરણોન્મુખનો જલ્પ રુદ્રદત્તને સ્પર્શી શક્યાં નહિ. દેહમાંથી આત્માને છૂટો પાડવા ટેવાયેલા મહાત્માને દેહકષ્ટ લાગતું નહોતું.

આસપાસ ચીસો સંભળાતી હતી; પંરતુ મંદિરની અંદર કોઈનો પ્રવેશ થયો નહોતો. ટોળાં જતાં, આવતાં, દોડતાં, બૂમો પાડતાં અંદરથી સંભળાતાં હતાં. ગામ છેક નાનું ન હતું. ત્ર્યંબકને લાગ્યું કે ક્રાંતિકારીઓના મુખ્ય સ્થળમાંનું એ એક હોવું જોઈએ. સંધ્યાકાળે દૂર દૂર ભડકા થતા દેખાયા. પૂજારી ખબર લાવ્યો :

‘પાદરીસાહેબનો બંગલો બળ્યો.’

‘લક્ષ્મી પાછી આવી?’ રુદ્રદત્તે આંખ ખોલી પૂછયું.

‘ના.’

‘ઈશ્વરેચ્છા! એના પ્રત્યેક કાર્યમાં કલ્યાણ છે. આપણી ટૂંક દૃષ્ટિથી કાર્યની કલ્યાણપરંપરા ઓળખી શકાતી નથી. કલ્યાણી, ત્ર્યંબક દુઃખ કે મૃત્યુ દેખી ડરશો નહિ. પરમસુખ અને અમૃતના એ માર્ગ છે.’

કલ્યાણીનું હૃદય હાથમાં રહેતું નહોતું. તેની આંખ ઘડી ઘડી અશ્રુથી ઊભરાઈ જતી હતી. રુદ્રદત્ત બોલતા ત્યારે તેના આશા પડતી કે પ્રભાવશાળી વૃદ્ધ હજી જીવી શકશે; તે શાંત સૂતા ત્યારે તેની શ્રદ્ધા ડગમગી જતી. શાંત પડેલા દાદાને તેણે પૂછયું :

‘દાદાજી! આપણે વિહાર જઈશું?’

‘નહિ જવાય.’

‘કેમ?’

‘આ મારી છેલ્લી ઘડી છે.’

કલ્યાણીનું રુદન પાછું ઊછળી આવ્યું. રુદ્રદત્તે કહ્યું :

‘બેટા! મારી દીકરીથી રડાય?’

‘મૃત્યુ સામે નથી જોવાતું.’

‘મૃત્યુ કરતાં ઘણા મોટા જગતમાં છે. મૃત્યુ તો જીવનના એક ઝોલાનું અટકસ્થાન. અટકાઈશ નહિ. શાંત. થા એટલે હું આ દેહને મૂકી દઉં. રુદ્રદત્ત જાણે સહજ વાત કરતા હોય એમ પોતાના સ્વાભાવિક સ્મિત સહ બોલ્યા.

કલ્યાણીથી રડી શકાયું નહિ. તેને લાગ્યું કે તેના જીવનની સમગ્ર જગતના જીવનની – કોઈ મહાઘડી આવે છે. સંધ્યાકાળ થતાં પૂજારીએ મંદિરમાં દીવો કર્યો અને નોબત વાગી.

‘ડંકો થયો, ખરું?’ રુદ્રદત્ત બોલ્યા.

‘હા, જી.’

‘મને બેસાડો.’

‘બેસાશે?’

‘ઉઠાશે. સંધ્યાકાળે સુવાય નહિ; પ્રભુનો ડંકો બજતો હોય ત્યારે તો નહિ જ.’

ત્ર્યંબક અને કલ્યાણીએ રુદ્રદત્તને બેસાડયા. રુદ્રદત્તે બંનેનાં મસ્તક ઉપર હાથ મૂક્યો.

‘ત્ર્યંબક! તારું પણ ધ્યાનમાં રાખજે. ન સમજાય તો ખૂબ વિચાર કરજે. જગતનો ઉદ્ધાર હિંસામાં નથી. બહેન! ગૌતમ મળે તો પરણી જજે બસ! નવો દેહ અને નવી રમત! જય….! પ્રભુ…! તારા ડંકાસહ વિસર્જન…!! ૐ …!’

રુદ્રદત્તે કલ્યાણીના ખભા ઉપર માથું ઢાળી દીધું. ત્ર્યંબકે કલ્યાણીને ખભેથી ગુરુના દેહને અળગો કરી જમીન ઉપર સુવાડયો. ગુરુના ધવલ વાળમાં દીપી રહેલું ધવલ મુખ ટમટમતા દીવામાં પણ ધવલ સ્મિત કરી રહેલું હતું. અર્ધખૂલી આંખ જગતને જોતી દેખાતી છતાં જગતથી વિરામ પામી ગઈ હતી. શાંભવીમુદ્રાસ્થિત કોઈ યોગી ન હોય!

‘ત્ર્યંબક ! શું થયું?’

‘ગુરુજી પધાર્યા.’

‘હવે નહિ બોલે?’

‘ના.’

‘આપણે શું કરીશું?’

‘કલ્યાણી ! બીઈશ નહિ. જરા પૂજારી મહારાજને બોલાવ.’

‘કેમ?’

‘ગુરુજીના દેહને… લઈ … જવો…’

‘શું આ દેહને બાળવાનો?’

ત્ર્યંબકે જવાબ આપ્યો નહિ.

‘ઓ! દાદાજી! તમે ક્યાં ગયા?’ કલ્યાણી બૂમ પાડી ઊઠી. તેના પગ નીચેથી જમીન જતી રહેતી હોય એવો તેને ભાસ થયો. રડયા વગર તેનું હૈયું ફાટી જશે એમ તેને લાગ્યું. કલ્યાણી રડી ઊઠી.

એ રુદન રુદ્રદત્તના આત્માએ સાંભળ્યું હોત તો તે દેહમાં ફરી પ્રવેશ કરત. પરંતુ દેહ છોડી ગયેલો આત્મા દેહીઓના રુદન ક્યાં સાંભળે છે? નહિ તો છેક બાળપણથી સંભાળી લાડમાં ઉછેરેલી સંસ્કારી વહાલી પૌત્રીને આમ નિરાધાર છોડી રુદ્રદત્ત સ્વધામ જાય ખરા?

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.