૨૧ : પ્રયાણ

અશ્રુવહેણે ઊભયે તરાવી

જે આશનૌકા હૃદયે ધરાવી;

કેવા રૂડા એ સઢ વિસ્તર્યા’તા

વાયુ મજેના વળી શા ભર્યા’તા!

      ચંદ્રવદન

ગૌતમ બોલી ઊઠયો :

‘છોડ! હાથ છોડ.’

તેનો હાથ છૂટી ગયો, પરતું તેની સામે ત્ર્યંબક આવી ઊભો રહેલો દેખાયો.

‘કેમ મને રોક્યો?’

‘ગુરુઆજ્ઞા હતી.’ ત્ર્યંબકે જવાબ આપ્યો.

‘શી?’

‘તને જતાં રોકવો.’

‘શા માટે?’

‘ગુરુજીને મળ્યા સિવાય તું ચાલ્યો ન જાય તે માટે.’

‘હું ચાલ્યો જવાનો છું એની કોઈને શી ખબર?’

‘ગુરુજીની જાણ બહાર કશું નથી.’

ગૌતમ સહજ સ્થિર રહ્યો. ત્ર્યંબકનો પડછાયો તેની સામે ઊભો હતો જ. ગૌતમે પૂછયું :

‘ત્ર્યંબક! તું જાણે છે કે મને શા માટે રોકવામાં આવે છે?’

‘હા.’

‘કહે; શા માટે?’

‘તારાં લગ્ન માટે.’

‘મારાં લગ્ન તને ગમશે?’

‘શા માટે નહિ? તું અને કલ્યાણી મારાં દુશ્મન નથી.’

‘ત્ર્યંબક! તું મારો મિત્ર હો તો મને સહાય આપ.’

‘જરૂર! ગુરુજીની પણ એ જ ઇચ્છા છે.’

‘ત્યારે હું કહું એમ કર.’

‘શું?’

‘મને અહીંથી જવા દે.’

‘ગુરુજીની આજ્ઞા લઈને જા.’

‘એ આજ્ઞા મળશે નહિ.’

‘ગુરુજીએ કદી શિષ્યોને નારાજ કર્યા નથી.’

‘પરંતુ હું એક એવો અભાગી શિષ્ય છું કે ગુરુજીને નારાજ કર્યા જ કરું છં.’

‘તેનો ઇલાજ તારી પાસે જ છે.’

‘શો?’

‘ગુરુજી કહે તેમ કર.’

‘તો હું વચનભંગ થાઉં છું.’

‘કેવી રીતે?’

‘થોડી ક્ષણો પૂર્વે મેં એક પ્રતિજ્ઞા લીધી છે.’

‘શી?’

‘મંગળ પાંડેને જીવતા ન છોડાવું તો વિહારમાં પગ ન મૂકું.’

‘મંગળ પાંડે જીવશે નહિ.’

‘તને કોણે કહ્યું?’

‘ગુરુજીએ.’

‘ગુરુજી જાણે છે કે મંગળ પાંડે પકડાયા છે?’

‘હા. અને પોતાના હાથે ઘવાયા છે!’

‘જે થાય તે ખરું. પ્રતિજ્ઞા પાળ્યા વગર ન ચાલે.’

‘હું તારો મિત્ર છું – અમુક અંશે શિષ્ય છું. મારી વિનંતી ન સ્વીકારો?’

‘ત્ર્યંબક! તારે શી માગણી કરવી છે? તમે બધા મળી મને ગૂંચવશો નહિ.’

‘મારી એવી ઇચ્છા નથી.’

‘ત્યારે કહે તું શું માંગે છે?’

‘હું માગું તે આપવું પડશે.’

‘બંધાતો નથી.’

‘તારે મંગળ પાંડેને છોડાવવા છે. ખરું?’

‘હા; એ મારું પણ છે.’

‘એ પણ હું પાળી આપું તો?’

‘એટલે?’

‘તારે બદલે હું જાઉં અને પાંડેજીને છોડાવી લાવું.’

ત્ર્યંબકની માગણી સાંભળી ગૌતમનો શ્વાસ ઘડીભર રૂંધાયો. આ ભયંકર ઉદારતાનું દૃષ્ટાંત રુદ્રદત્તના શિષ્યો જ આપી શકે એવી માન્યતાથી સહજ ગર્વ પણ થયો. પરંતુ પોતાને બદલે પોતાના ગુરુબંધુને મરવા દેવાની હિચકારી કલ્પના ગૌતમના હૃદયમાં જરાય સ્થાન પામી નહિ.

‘ત્ર્યંબક! તું ત્ર્યંબક ન હોત તો આ માગણીને અપમાન ગણત.’ ગૌતમ બોલ્યો.

‘અપમાન? તારું અપમાન મેં કદી ઇચ્છયું જ નથી.’

‘માટે જ હું તારી માગણીને મહત્ત્વ આપતો નથી.’

‘કારણ?’

‘કારણ એટલું જ કે ગુરુબંધુને મરવા દઈ જીવતા રહેવાની આત્મકંજુસાઈ ગૌતમમાં નથી.’

‘કલ્યાણીનો વિચાર કર્યો?’

‘એ વિચાર તો પહેલો જ છે.’

‘તેમ હોત તો તું આમ જ ચાલ્યા જવાની તજવીજ ન કરત.’

‘એ વિચાર છે માટે હું ચાલ્યો જાઉં છું.’

‘તું ચાલ્યો જઈશ તો કલ્યાણીનું શું થશે?’

‘કલ્યાણી મારા બંધનમાંથી છૂટશે.’

‘તારું બંધન?’

‘બંધન નહિ તો મોહ.’

‘ગૌતમ મને ભય લાગે છે. કલ્યાણીને મૂકીને તું ન જા.’

‘તો મારી અશાશ્વત જિંદગી સાથે કલ્યાણીનું સૌભાગ્ય કેમ જોડું?’

‘મારી એકલવાઈ જિંદગીને જોખમાવા દે. કલ્યાણી તારો પડછાયો બનશે.’

‘ગૌતમને દેહ ખાતર અને સ્નેહ ખાતર મરતાં આવડે છે. ત્ર્યંબક, બાપુ! મને વધારે છંછેડીશ નહિ. તું સમજ કે હું શા માટે જાઉં છું.’

‘હું સમજું છું.’

‘ત્યારે હવે હું જાઉં? પ્રત્યેક પળ કિંમતી છે.’

‘ભલે.’

ગૌતમે ધાર્યું હતું કે ત્ર્યંબક પોતાને રોકવા બળ વાપરશે અગર બીજી યુક્તિ કરી પોતાનો જતો રોકશે. પરંતુ ત્ર્યંબકે તેને રોક્યો નહિ એની તેને નવાઈ લાગી. બેત્રણ ડગલાં ભરી તે બોલ્યો :

‘ગુરુજીને પ્રણામ કહેજે.’

‘ઠીક.’

‘કલ્યાણીને સંભાળજે.’

‘હં.’

‘અને… એને કહેજે કે મારા ગયાનું દુઃખ ન ધરે.’

‘કહીશ.’

‘અને… જો … ત્ર્યંબક! એ સુખી થાય એમ કરજે.’

‘એ અશક્ય વાત ન કરીશ.’

‘કેમ?’

‘તારા વગર કલ્યાણી સુખી નહિ થાય.’

એકાએક વળી શિયાળના રુદનનો અવાજ સંભળાયો. ગૌતમ ચમક્યો. કલ્યાણીની વાત પણ એટલી આકર્ષક લાગતી હતી કે તે મૂકીને જવાને બદલે તેમાં ગૂંથાઈ રહેવાની વૃત્તિ તેને થતી. એકદમ પાછો ફરી ગૌતમ ત્ર્યંબકને ગળે વળગી પડયો અને બોલ્યો :

‘ત્ર્યંબક, ભાઈ! મને જવા દે!’

બે ક્ષણમાં તે ત્ર્યંબકથી છૂટો પડયો. તેણે અંધકારમાં એક ડૂસકું સાંભળ્યું. શિયાળનું  ક્રૂર રુદન તેને ઢાંકી દેતું હતું. તેનો પ્રેર્યો ગૌતમ ઝડપથી આગળ વધ્યો. ગૌતમને લાગ્યું કે જગતની રચના રુદન ઉપર જ થયેલી છે. ભૂખ્યો સિંહ ગર્જનાભર્યું રુદન કરે છે; સિંહના પંજા નીચે દબાયેલું હરણ ડૂસકાંભર્યું રુદન કરે છે. કોનું રુદન વધારે કરુણ? અને કોનું વધારે સકારણ? ભૂખ્યો ડાકુ શાહુકારને રડાવી પોતાનાં ભૂખે રડતાં બાળકો છાનાં રાખે છે. કયું રુદન વધારે દયાપાત્ર? ભાઈ સરખો ત્ર્યંબક તેનાથી છૂટો પડતાં ડૂસકું ખાતો હતો. આખું હિંદ શિયાળનું રૂપ ધરી રડતું સંભળાતું હતું. કોને રડવા દેવાય? ભાઈને કે દેશને?

વિહારની સીમ ગૌતમે વટાવી. સીમાડે એક પાળિયો હતો. કોઈ સ્થાનિક વીર ગામનું સંરક્ષણ કરતાં ખપી ગયો હતો. તેનું એ નાનકડું ગામડિયું સ્મારક હતું. એક ગામડિયો ગામને માટે મરી શકે એ ગ્રામાભિમાન ઓસરતું જતું હતું. કંપની સરકારના સુરક્ષિત પ્રદેશમાં મૃત્યુ મોંઘા થઈ પડયાં હતાં.

‘ગોરાઓએ આવી બધાને બાયલા બનાવી દીધા!’ ગૌતમ બબડયો. પાળિયાની પાછળ એક ઝાડ સાથે ઘોડો બાંધેલો હતો માનવીના પગરવને પારખી ઘોડો હાલી ઊઠયો – હણહણી ઊઠયો. મર્દ મર્દને પિછાની લે છે. જરાય સંકોચ વગર ગૌતમ ઘોડા પાસે ગયો. પ્રભાતના આછા અજવાળામાં પૂજનીય અશ્વકૃતિ તેણે દેખી. અશ્વે મર્દાનગીરી ભરી છટાથી ગરદન ઊંચકી. તેના નાના અણીદાર કાન ઊભા થયા અને હાલી ઊઠયા. આગલો એક પગ કલામય રીતે ઊંચકી અશ્વે જમીન ઉપર પટક્યો. ગૌતમે ઘોડાની ગરદન થાબડી ઘોડાના સમગ્ર દેહની ચામડી થરકી ઊઠી. ઘોડાએ સવારને પારખ્યો; ગૌતમ ભણી તેણે મુખ ફેરવ્યું. મુખ ઉપર ગૌતમે હાથ ફેરવ્યો અને બુચકારી કરી. હાથી સરખા કદાવર અશ્વે ગરદન નીચી નમાવી. ફરી ગૌતમે ઘોડાને થાબડી પંપાળ્યો અને તે બોલ્યો : ‘શાબાશ, બચ્ચા!’

જાનવરો પણ કેટલીક ભાષા અને કેટલાક ભાવ સમજી શક છે, ઘોડાએ થનગનવા માંડયું.

‘બસ બચ્ચા! બહું થાકવાનું છે. અધીરો ન થા.’

ઘોડાનું દોરડું ગૌતમે છોડયું અને તેને ગળે બાંધી દીધું. પેગડામાં એક પગ મૂકી તે ઘોડા ઉપર ક્ષણમાં બેસી ગયો. દોડવાને તલપી રહેલો ઘોડો આગળ વધ્યો.

‘સબૂર… જરા.’ ગૌતમે ઘોડાને રોક્યો.

સૂર્યોદય થતો હતો. તેણે વિહાર ભણી દૃષ્ટિ નાખી. દૂર દૂર ઝાડની વચમાંથી ઝાડની ટોચ ઉપરથી આછાં આછાં મકાનોનો ભાસ થતો હતો. એક કલાકાર – એક ચિત્રકાર જે કુમળા ભાવથી કોઈ પ્રિય દૃશ્યને જોઈ રહે તેવો ભાવ ગૌતમના મુખ ઉપર તરી આવ્યો.

પક્ષીઓના મધુર કલરવમાંથી આછો ભણકાર સરખો ઘંટનાદ સંભળાયો. ભૈરવનાથ મંદિરને કોઈ ભાવિકે જગાડયું હતું. જાણે કોઈ પરભૂમિનો સાદ પૃથ્વી ઉપર પછડાતો ન હોય!

તેણે તત્કાલ ઘોડાને ઉપાડયો. જોતજોતામાં પવનવેગ ધારણ કરતા ઘોડાના વેગમાં ગૌતમની ભીની થતી આંખ સુકાઈ ગઈ.

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.