૧ : માર્ગમાં બળવો

અગ્નિના ભડકામાં રુદ્રદત્તનો દેહ અદૃશ્ય થઈ ગયો. સહુનાં હૃદયો ઊંડી ઊંડી વ્યથાથી પીડાતાં હતાં. દુઃખ ઢાંકવાનો પ્રયત્ન નિરર્થક હતો. ગૌતમને હૃદયખંડની વેદના અપાર હતી. બેત્રણ ગોરા વ્યાપારીઓ અને તેમના કુટુંબોને બચાવી લેવાના કાર્યમાં તેણે એક આખો દિવસ રસ્તામાં ગુમાવ્યો તે વહેલો આવ્યો હોત તો? ગુરુજી જરૂર બચી જાત. શંકરથી હથિયાર ઉઠાવાત નહિ અને રુદ્રદત્ત અપક્વ વિપ્લવનું તંત્ર ધારણ કરત. તે સાથે કેટલાક નિર્દોષ ગોરાઓ, સ્ત્રી, બાળકો સાથે રહેંસાઈ જાત! ગુરુજીને એ ગમત ખરું? તેમણે જ ગોરાઓને બચાવતાં પ્રાણ ખોયો હતો ને?

તેને પાદરી યુવાનસેને ખબર આપી ઘવાયેલા રુદ્રદત્ત માટે દવા તથા ઓજારો લાવવા દોડેલા યુવાનસેનનો બંગલો જોતજોતામાં ક્રાંતિકારીઓના એક ટોળાએ ઘેરી લીધો. જૉન્સન અને તેની પત્ની ઘેરાઈ ગયાં. રુદ્રદત્તને થયેલો ઘા ક્રાંતિકારીઓ સહી શક્યા નહિ; રુદ્રદત્તને ઘા કરવાની તેમની ધારણા પણ નહોતી; છતાં શંકરના કાર્ય પ્રત્યે બીજી રીતે અણગમો દેખાડવાનું શક્ય ન હોવાથી તેને પડતો મૂકી સહુ કોઈ ધર્મશાળામાંથી ચાલ્યા ગયા. ગોરાને બચાવતાં રુદ્રદત્ત ઘવાયા એ વિચારે ગોરાઓ તરફનો તેમનો અણગમો વધી ગયો. એક નાનકડી ટોળીએ મૂંઝવણમાંથી માર્ગ કરવા પાદરીના બંગલાને બાળી મૂકવાનો નિશ્ચય કર્યો. જનતાનો આવેશ એટલે નસો. ટોળું ભાન ભૂલી જાય છે; ઉશ્કેરણીમાં તે રાક્ષસી કાર્યો કરી બેસે છે. એ વ્યક્તિ એકલી હોય ત્યારે તે સ્વપ્ને પણ ન કરે, તે ટોળામાં ભળે ત્યારે જરૂર કરે છે! ટોળાએ બંગલો બાળ્યો.

પાદરીના નોકરોએ સાહેબ તથા મડમને નોકરનાં વસ્ત્રાો પહેરાવ્યાં. બની શકે એટલી તેમની ચામડીને ઝાંખી બનાવી. નોકરો ભેગાં બંને જણાં બંગલાની બહાર નીકળ્યાં.

‘ક્યાં છે પેલો કિરસ્તાન, સાહેબડો?’ ટોળાના આગેવાને બહાર પડેલા નોકરને પૂછયું.

‘અમને ખબર નથી.’ નોકરે જવાબ આપ્યો.

‘તમને ખબર નથી? તમને બધો ઠાર કરીશું.’

‘અમને ગરીબોને શું કામ મારો છો? અમે ક્યાં ગોરા છીએ?’ બીજા નોકરે કહ્યું.

‘અને અમારા સાહેબ અને મડમ તો પેલા મંદિરમાં ગયાં હતાં.’ કોઈકે હકીકત કહી.

એ વાત ખરી હતી. સાહેબ અને મડમ પાછાં આવ્યાં તે પછી ટોળું બંગલાને ઘેરી વળ્યું હતું. છતાં એ બંગલામાં સંતાયાં હશે તો અગ્નિમાં બળી મરશે જ એવી એક નોકરની સૂચના થતાં નોકરવર્ગના દેશી સ્વાંગે સહુને મુક્તિ અપાવી. જૉન્સન અને તેની પત્ની નોકરો ભેગાં બહાર નીકળી ગયાં. તેમનાથી પાછા જવાય એમ નહોતું. લ્યૂસી રુદ્રદત્તની પાસે જ બેઠી હતી. લ્યૂસીના વિચારે માતા-પિતાને કંપાવ્યાં. ગામ બળવાખોરોનું મથક હતું. ગામની બહાર પણ બળવાખોરોનાં ટોળાં ફરતાં હતાં. ગોરી ચામડી માટે વાતાવરણ ભયપ્રદ બની ગયું હતું. ‘કંપની ગઈ!’ ‘ફિરંગીઓને મારો!’ વગેરે ઉદ્ગારો પાસે અને દૂર સંભળાયા કરતા હતા. પાદરીના નોકરોએ પણ એ જ યુક્તિ કરી સમૂહને ગમતા ઉદ્ગારોનો ઉચ્ચાર કરવા માંડયો. સમૂહઘેલછામાંથી બચવા માટે સમૂહમાં ભળી જવું એ ઉત્તમ માર્ગ છે.

એક દિવસની મુસાફરીમાં અંગ્રેજ વ્યાપારીઓના નિવાસમાં પહોંચી જવાય એવી સગવડ હતી. જૉન્સનનો એવો જ વિચાર હતો. બળવાખોરોનો પણ એ જ ગામમાં પહોંચી ત્યાં વસતા અંગ્રેજોને નાબૂદ કરવાનો વિચાર હતો. મધરાતે ટોળું એક ધર્મશાળામાં અને તેની આસપાસ જરા જંપી ગયું. પાદરી અને તેની પત્ની સહજ દૂર હતાં. એ ટોળામાંથી છૂપી રીતે ચાલ્યાં જઈ પોતાના જાતભાઈઓને વખતસર ખબર આપી. તેમને બચાવવાની તેમની ધારણા હતી. તેમનાથી લોકોના ટોળા ભેગાં રહેવાય એમ ન હતું. ટોળાની રહેણીકરણી સાહેબોને ફાવે એવી નહોતી; અને મિશનરી લોકો બને એટલા સામાન્ય જનતાની નજીક આવતા મથન કરતા છતાં કાળાગોરાનો ભેદ ખ્રિસ્તી ધર્મપ્રચારકોમાં પણ દેખાઈ આવતો હતો; એટલે ઉશ્કેરાયલી હિંદી જનતાની સાથે એક રાત કાઢવી પણ મુશ્કેલ હતી. એક ઝાડ નીચે સહુથી અલગ બેસી રહેલા જૉન્સન અને તેની પત્નીએ જોયું કે વિપ્લવવાદી સૂતા છે – જરા જંપી ગયા છે. બંને જણે ચુપકીથી ચાલવા માંડયું.

ટોળા ભેગા સૂતેલા પાદરીના એક નોકરથી બોલાઈ ગયું :

‘પેલા ચાલ્યા.’

‘કોણ?’ પાસે સૂતેલા સૈનિકે પૂછયું. તે અડધો ઊંઘમાં હતો.

‘છે એ તો. કોઈને કહે નહિ તો કહું.’

‘સૈનિક જાગૃત થયો. તેને શરત કરવામાં અપમાન લાગ્યું. વિપ્લવવાદીઓમાં તે કંઈક આગેવાની ભોગવતો હતો. તેણે ધમકીથી પૂછયઃં

‘સીધેસીધો કહે છે કે નહિ?’

ટોળાના માનસમાં ન્યાયઅન્યાય બંને રૂપ વિકૃત બની જાય છે. નોકર સહજ ગભરાયો, અને વિપ્લવવાદીઓમાં માનીતા થવા માટે તેણે કહ્યું :

‘એ તો બે ગોરા જાય છે.’

‘ક્યાં?’

‘ખબર નથી.’

‘પણ એ ગોરાઓ છે ક્યાં?’

‘પેલા વેશ બદલેલા જાય!’ જે નોકરોએ પાદરીને બચાવ્યા તે જ નોકરોમાંના એકનું માનસ પલટાઈ ગયું. બે ગોરા મરશે તો કોઈનું સત્યાનાશ જવાનું નથી એવી બિનજવાબદાર વૃત્તિ તેમનામાં જાગી.

‘પકડો!’ આગેવાન સૈનિક બોલ્યો.

ઊંઘતા સૈનિકો અને અસૈનિકો ઝબકીને જાગ્યા, અને બહાદુરીના નશામાં સહુએ ‘પકડો! મારો!’ની બૂમોથી વાતાવરણ જાગૃત કરી દીધું.

જૉન્સન અને તેની પત્ની બંને દેશી લિબાસમાં હતાં. છતાં એક વખત શક પડયા પછી તેઓ ઝટ પકડાય એમ હતું. એમની પાછળ કેટલાક માણસો દોડયા. પાદરીને લાગ્યું કે વીફરેલું ટોળું હવે તેને અને તેની પત્નીને મારી નાખશે. માનવી મૃત્યુ દેખી બેબાકળો બની જાય છે; તેનું સ્વમાન ઓસરી જાય છે. પાદરીએ મૃત્યુને સામે જોયું છતાં તેણે આત્મગૌરવ વિસાર્યું નહિ. જેને મરાતં આવડે છે તેને રાજ્ય મેળવતાં આવડે છે. ભયને વિસારી જૉન્સન અને તેની પત્ની પાસે જ આવેલા એક નાનકડા શિવાલયમાં પેસી ગયાં. શિવાલયનું દ્વાર તેમણે બંધ કરી દીધું.

બંગલો બાળ્યા છતાં બચેલા પાદરીને શિવાલયમાં બાળી શકાય એમ હતું નહિ. ફિરંગીએ શિવાલયને ભ્રષ્ટ કર્યું; પરંતુ તેની વિશુદ્ધિ શક્ય હતી. ભ્રષ્ટ થયેલું શિવાલય બાળવાની કોઈને વૃત્તિ થાય એમ હતું જ નહિ, અને મરવાને પાત્ર ફિરંગી પવિત્ર શિવાલયમાં આશ્રય લેતો હતો!

બહારથી લોકોએ ખૂબ ધમકી આપી. જાળીમાંથી પથરા ફેંકાવા માંડયા. પરંતુ મહાદેવના બાણને વાગશે એવા ભયથી પથરા ફેંકાતા બંધ થયા. બારણાં તોડી નાખવાની તૈયારી કરવામાં આવી. મંદિર અગર મંદિરના કોઈ ભાગને રચવો એમાં ધર્મ સમાયેલો છે; મંદિર અગર તેના કોઈ ભાગને તોડવામાં અધર્મનું ભાન સહુને થતું હતું. બારણું તોડવાથી શિવ કોપાયમાન થશે એવો ભય પણ સહુને લાગતો હતો. બારણું પહેલું કોણ તોડે? શિવના નેત્રનો અગ્નિ કોણ સહી લે? હિંદી પ્રજાના માનસમાં ભય પાયારૂપ છે. હિંદુઓના દેવો પણ ભયપ્રેરક છે.

બે ગોરી વ્યક્તિઓને પકડવાનું કાર્ય મહા મહત્ત્વનું બની ગયું. જે કાર્યમાં સાત-આઠ માણસો બસ હતાં. તે કાર્યમાં બસા-ત્રણસો રોકાઈ ગયાં. એક ધક્કે ઊઘડી જાય એવાં બારણાંની પાછળ રહેલો ત્રિલોચનનો અદૃશ્ય કોપ બારણાં વજ્રના બનાવતો હતો. ચીસો પાડવી અને ગાળો દેવી એ બે જ કાર્યો હિંદુઓ માટે શક્ય હતાં. હિંદવાસીઓ એ કાર્યમાં ક્યારે પાછા પડયા છે?

એકાએક ટોળાની ચીસો અટકી. એક ઘોડાએ દૂરથી સહજ તીખો તીણો હણહણાટ કર્યો. સહુનું ધ્યાન એ તરફ દોરાયું. જોતજોતામાં મારતે ઘોડે આવતો એક સવાર તેમની વચમાં થોભ્યો.

‘કોણ?’ ટોળાના એક આગેવાને પૂછયું.

‘કમળ.’ એ શબ્દોચ્ચાર સાથે ઘોડેસવારે કાંઈ હસ્તચિહ્ન કર્યું, વિપ્લવવાદીઓને પરસ્પર ઓળખાવનારી એ નિશાની હતી.

‘નામ?’ આગેવાને તેના વિપ્લવપક્ષનો સ્વીકાર કરી પૂછયું.

‘ગૌતમ.’ ઘોડેસવારે જવાબ આપ્યો.

ગૌતમની ઉંમર નાની હતી, પરંતુ હિંદના વિપ્લવકારીઓમાં તેનું નામ પ્રખ્યાત હતું. રુદ્રદત્તનો એ સમર્થ શિષ્ય વિપ્લવમાં મહત્ત્વને સ્થાને હતો એમ સહુ કોઈ જાણતા હતા. મંગળ પાંડેની અને તેની મૈત્રી હિંદભરમાં કવિતાનો વિષય બની ગઈ હતી. અને ગૌતમનાં હિંદી તેમજ યુરોપિયન યુદ્ધનાં પરાક્રમોની કથા વીરકથાની માફક આબાલવૃદ્ધની નિત્ય વાત બની ગઈ હતી. કંપની સરકારે તેની બાહોશી દાબી નાખવા કરેલા પ્રયત્નોની ખરીખોટી વાતો એટલી બધી પ્રચલિત બની ગઈ હતી કે ગૌતમના નામથી અજાણ રહેવું અશક્ય હતું. તેમાંયે કલ્યાણીનું નામ ગૌતમની કથનીને જીવંત રસકથા બનાવી રહ્યું. ગૌતમના નામ સાથે જ આગેવાને નમ્રતા ધારણ કરી પૂછયું :

‘ગૌતમ પાંડે! આપ ક્યાંથી?’

‘તમારા સરખા અધીરાઓને રોકવા આવ્યો છું.’ ગૌતમે કહ્યું.

‘એટલે?’

‘તમને આમ બહાર પડવાનો કોણે હુકમ આપ્યો?’

‘હુકમ? બધે જ શસ્ત્રાો ઊછળ્યાં છે. અને કંપની સરકારનો પરાજય થયો છે. પછી અમે કેમ બેસી રહીએ?’

‘મુર્ખાઈની પરિસીમા! હિંદીઓ કાં તો બહુ મોડા થાય અગર બહુ વહેલા પડે! ઠરેલા દિવસ પહેલાં નીકળી પડવાનું કોણે તમને કહ્યું?’

ગૌતમે જ્યાં ત્યાં આવી જ અપક્વ અધીરાઈ જોતો આવ્યો હતો. ગઈ કાલે બધો જ વખત અંગ્રેજ વ્યાપારીઓને અધારી ક્રાંતિકારોથી છોડાવવામાં ગુમાવ્યો હતો. આજ અત્યારે વળી એક ટોળું કોણ જાણે શુંયે કરતું હતું!

ભૂલ થઈ છે એમ ક્રાંતિકારીઓને પણ લાગ્યું. ભૂલની શરૂઆતમાં જ ગૌતમના ગુરુ રુદ્રદત્તને ઘા થયો હતો. એ અસહ્ય પ્રસંગને દબાવી દેવા સમૂહ બધો સમય પ્રવૃત્તિ કર્યા કરતો હતો એ કોઈએ ગૌતમને કહેવાય એમ ન હતું. ગૌતમને કશો જવાબ મળ્યો નહિ. તેણે પૂછયું :

‘અહીં શું કરો છો બધા?’

‘બે ફિરંગીઓ પેલા દેવળમાં સંતાયા છે. તેમને પકડી ઠાર કરીશું.’

‘બે ગારોને પકડવા બસો માણસ! તમારામાં તાલીમ પામેલા કેટલાં છે?’

‘પચાસેક માણસ.’

‘અને બીજા?’

‘બીજા સાથે ગયા છે.’

‘તેમને કોઈ તાલીમ આપે છે?’

‘તાલીમ મળી જશે આપોઆપ.’

‘માટે જ પચાસ લશ્કરીઓ છતાં બે ગોરા પકડાતા નથી! ગૌતમે કટાક્ષમાં કહ્યું. કવાયત શીખેલા શસ્ત્રધારીઓ ભેગા અપરિચિત ધાંધલિયાઓ ભળતાં શિક્ષિતો કવાયત વીસરી જાય છે. બિનકેળવાયેલા સો માણસો કરતાં કેળવાયેલા દસ માણસો યુદ્ધમાં વધારે સારું કામ આપે  એ ગૌમત જાણતો હતો. સામાન્ય જનતામાંથી યોગ્ય યુવાનોને વીણી કાઢી, છૂપી તાલીમ આપી, ક્રાન્તિ માટે તેમને તૈયાર કરવાની યોજનાના એક વિભાગ તરીકે વીખરાયલી પલટણોના સૈનિકોની નાનીમોટી ટુકડીઓ ગુપ્ત રીતે આખા ઉત્તર અને મધ્યહિંદમાં ફેલાઈ હતી. એ સૈનિકોની ટુકડી બીજાઓને પૂરતી તાલીમ આપતાં પહેલાં વગર હુકમે, ઠરાવેલા દિવસ પહેલાં, માત્ર જનકથનથી જંગ ઉઠાવે એ કોઈ પણ સેનાપતિને રુચે જ નહિ. એવી અધીરાઈમાં પરાજયનાં બીજ સમાયેલાં હતાં.

‘ગોરાઓ મંદિરમાં સંતાયા છે!’ આગેવાને ગારોઓ ન પકડાવાનું કારણ આપ્યું.

‘મંદિરને ખોલી નાખો.’

‘મહાદેવનું મંદિર છે.’

‘એટલે? તમને મહાદેવનો ભય છે કે ગોરાઓનો?’

કોઈએ એ પ્રશ્નનો જવાબ આપ્યો નહિ. મંદિરનું દ્વાર ખોલનાર મહાદેવ તેમજ ગોરાઓના ક્રોધનો ભોગ થઈ પડે એ સ્વાભાવિક હતું. મહાદેવનું અગ્નિનેત્ર અને ગોરાની પિસ્તોલ સહુને પહેલ કરતાં અટકાવતાં હતાં. બસો માણસોનું ટોળું ખુલ્લામાં બે માણસો સામે બહાદુરી બનાવવા તત્પર હતું; પરંતુ દહેરામાં સંતાયલા ગોરાની સામે એકલે હાથે ઝૂઝવાની તૈયારી ટોળાથઈ બતાવાય એમ હતું નહિ. કુશળ સૈનિકો પણ બિનકેળવાયેલા, ધાંધલિયાઓની જોડે હિંમત હારતા હતા, અને દેવના ક્રોધને બહાને ગોરાની પિસ્તોલનો ભય છુપાવતા હતા. કાયરની સોબતમાં વીર પણ વીરત્વ ગુમાવે છે.

‘વારું, ગોરાઓને પકડી મારવાના છે?’ ગૌતમે પૂછયું.

‘હાસ્તો, એવો હુકમ છે.’

‘ગોરા સૈનિકોને મારવા હુકમ છે; શસ્ત્રરહિત ગોરાને મારવાનો નથી.’

‘શી ખબર કે એ શસ્ત્રરહિત છે?’

‘બારણું ઉઘાડી તપાસ કરીએ.’

ગૌતમ ઘોડા ઉપરથી ઊતર્યો અને દેવાલય તરફ ચાલ્યો. ટોળું તેની પાછળ વળ્યું. ટેવાયેલો ઘોડો છુટ્ટો ઊભો રહ્યો.

‘બારણું કોણ ખોલે છે?’ ગૌતમે ટોળાને પૂછયું.

‘એ તો બંધ છે.’ કોઈએ કહ્યું.

‘માટે ઉઘાડવાનું એક ધક્કાનું કામ છે.’

કોઈએ જ બારણું ઉઘાડવાની  હા ન પાડી.

‘હું જ બારણું ખોલું છું.’ કહી ગૌતમ આગળ વધ્યો. ટોળું ઉત્સાહમાં આવ્યું અને હરહર મહાદેવની બૂમ સાથે તે ગૌતમની પાછળ ચાલ્યું. ગૌતમે પાછળ ફરી ટોળાને કહ્યું :

‘તમે બધા કેમ આવો છો?’

‘તમને સહાય કરવા.’

‘મારે તમારી સહાય નથી જોઈતી. હું બારણું ઉઘાડું; ગોરાઓ મને મારે એટલામાં તમે બધા શૂરવીરો એમને પકડી લ્યો અને ઝબેહ કરો; ખરું બારણું ખોલવા તૈયાર ન હોય તે મારી સાથે ન આવે. નામર્દોની સહાય વગર હું ચલાવી લઈશ.’

ગૌતમના શબ્દોએ સહુને શાંત બનાવ્યા. એ ક્ષણભરની શાંતિમાં ઘણાએ પોતાનું ઓસરી જતું વીરત્વ પાછું મેળવ્યું. શરમથી સહુ પ્રજળી ઊઠયા. ગૌતમ આગળ ચાલ્યો. તેની પાછળ બેચાર દસ માણસોએ ચાલવા માંડયું.

‘તમે બધા કેમ પાછળ આવો છો? મેં ના પાડી ને? મારી પાછળ આવશો તો હું જ વીંધી નાખીશ.’ ગૌતમ બોલ્યો.

‘હું બારણું ખોલ નાખીશ.’ એક જણે કહ્યું.

‘મને પણ હરકત નથી.’ બીજાએ કહ્યું.

‘એક ધક્કાનું કામ છે.’ ત્રીજો બોલ્યો.

‘ગોરાને હું જ પહેલો ઝાલીશ જ.’ ચોથાએ કહ્યું.

આમ મૃત્યુ માટે પહેલ કરવાની ઘણાએ તૈયારી બતાવી. ગોતમ રાજી થયો. સમૂહને જેમ નિર્બળ બનતાં વાર નથી  લાગતી તેમ શૂરવીર બનતાં પણ વાર લાગતી નથી. એ સમૂહશૌર્ય કેળવાય તો જ ક્રાન્તિ વિજયી બને. ગૌતમ મંદિરને પગથિયે ચડયો અને બોલ્યો :

‘કોણ બારણું ઉઘાડવા આગળ આવે છે?’

ઘણા માણસોએ આગળ આવવા તૈયારી બતાવી.

‘હું કોઈને ઉઘાડવા નહિ દઉં. એ કામ હું જ કરીશ.’ કહી ગૌતમે પગથિયાં ચડી બારણાને ટકોરા માર્યાં.

‘જે હો તે બારણાં ઉઘાડો.’

‘અંદરથી કશો જવાબ મળ્યો નહિ.’

‘ગોરાઓ કોણ છે તે કોઈ જાણો છો?’

સહુને ખબર પડી ગઈ હતી કે એ તો મિશનવાળા પાદરી હતા. ગૌતમને કોઈએ કહ્યું :

‘એ તો પાદરી છે.’

‘એકલા છે?’

‘ના. એમની બૈરી સાથે છે.’

‘પાદરીસાહેબ! બારણાં ઉઘાડો. તમે સલામત છો એમ માનજો.’ ગૌતમે કહ્યું.

અંદર ધીમી વાતચીત થતી સંભળાઈ.

‘તમારી સાથે તમારાં પત્ની છે. સ્ત્રીઓને અને નઃશસ્ત્રાોને અમારાથી ઘા થાય નહિ. વગર ભયે દ્વાર ખોલી નાખો.’

છતાં દ્વાર ખૂલ્યા નહિ. ગૌતમે બળ કરી બારણાને હડસેલો માર્યો. બારણાને કોઈ મજબૂત પીટ અંદરથી રક્ષી રહી હતી એમ લાગ્યું. તેણે સઘળું બળ વાપરી બીજો ધક્કો માર્યો. મંદિરમાંથી પિસ્તોલનો અવાજ આવશે એમ સહુએ ધાર્યું હતું તેને બદલે એક સ્ત્રીનો કુમળો, તીણો અને પરદેશી લાગતા ઉચ્ચારણભર્યો શબ્દ સંભળાયો :

‘ગૌતમ!’

‘કોણ હશે? મને ઓળખનાર નિર્ભય છે.’

‘અમને ન ઓળખ્યાં?’

‘મેમસાહેબ! પાદરીસાહેબ! આપ છો? આવો આવો : તમે મિત્રોમાં છો.’ ગૌતમે કહ્યું.

જૉન્સન અને તેની પત્નીને ગૌતમે ઓળખ્યાં. ગૌતમના બોલથી તેમણે ગૌતમને ઓળખ્યો હતો. પરંતુ બારણું ખોલી નાખવાથી જૉન્સનની મરજી નહોતી.

‘તું ક્યાંથી?’ પાદરીએ પૂછયું.

‘હું ગુરુજી પાસે જાઉં છું.’ ગૌતમે કહ્યું.

‘જૉન્સન અને તેની પત્નીએ પરસ્પર સામે જોયું. પાદરી બોલી ઊઠયો :

‘ન જીઈશ. જવામાં અર્થ નથી.’

‘કેમ?’

‘રુદ્રદત્ત હશે કે નહિ તેની ખાતરી અપાતી નથી.’

ગૌતમના હૃદય ઉપર પથ્થર પડયો.

‘કેમ? એ શું? શું થયું?’

‘રુદ્રદત્તની છાતીમાં ગોળી વાગી છે.’

‘શું કહો છો? કોણે એ ગોળી મારી?’

‘મને જે ટોળાએ રોકી રાખ્યો હતો તે ટોળામાંથી કોઈકે.’

ગૌતમે દાંત કચકચાવ્યા. તેની પાસે ઊભેલા બસેં માણસોને પીંખી નાખવાની તેને વૃત્તિ થઈ આવી.

‘કયા કમબખ્તે એ ગોળી મારી? કહી દ્યો. નહિ તો ભેગા થયેલા સહુને હું જીવતા બાળી મૂકીશ.’

‘શંકરે.’ બે-ચાર માણસો બોલી ઊઠયા.

ગૌતમ દેવાલયને પગથિયે બેસી ગયો. તેણે કપાળે હાથ મૂક્યો. જે પ્રસંગ અટકાવવા તે આવ્યો હતો તે જ પ્રસંગ બની ગયો. કેટલીક ક્ષણ સુધી તેનાથી ન બોલાયું કે ન ચલાયું. છેવટે તેણે પૂછયું :

‘ક્યારે?’

‘ગઈ કાલે; ત્રીજા પહેરે.’ પાદરીએ કહ્યું.

‘તમને કોણે કહ્યું?’ કદાચ સાંભળેલી વાત હોય અને તે ખોટી પડે એ મિથ્યા આશા સેવતા ગૌતમે પૂછયું :

‘મેં નજરે જોયું.’

‘ત્યારે તમે અહીં ક્યાંથી?’

‘હું દવા લેવા બંગલે ગયો. એટલામાં મને ઘેરી લીધો અને મારો બંગલો બાળી નાખ્યો. છુપાઈને બધા ભેગો હું અહીં આવ્યો.’

‘લક્ષ્મી ક્યાં?’

‘રુદ્રદત્તની પાસે જ હતી.’

‘આ બધા ક્યાં જાય છે?’

‘પાસેના શહેરમાં. ગોરાઓને મારવા.’

‘અરે, એમને તો હું છોડાવીને હમણાં જ આવું છું. ગોરાઓને બચાવવામાં એક દિવસ ગયો ન હોત તો ગુરુ બચી જાત.’

‘એ ગોરાઓ મહાપાપી છે. એમને બચાવવામાં પણ પાપ છે.’ એક ઉત્સાહી ક્રાંતિવાદી બોલ્યો.

‘અને આ ગોરાઓને બચાવતાં રુદ્રદત્તે પ્રાણ ખોયા!’ બીજાએ કહ્યું.

‘ગુરુજી ગયા જ?’ ગૌતમનું લક્ષ ગુરુમાં જ હતું. ગોરાઓનાં કલ્પિત પાપ તરફ તેની નજર નહોતી.

‘બચે એમ લાગતું નથી.’ જૉન્સને કહ્યું.

‘મને છેલ્લાં દર્શન પણ ન થયાં!’

‘હજી જલદી જા તો તેમના દેહનાં દર્શન કદાચ થાય!’

‘એમ?’ ગૌતમ ઊભો થયો. તેને લાગ્યું કે એ પવિત્ર દેહનાં દર્શન થશે તોપણ તેનો શ્રમ સફળ થશે. તેણે ઘોડો મંગાવ્યો.

ઘોડા ઉપર બેસતા પહેલાં તેણે દૂરથી બીજા ઘોડાના ડાબલા વાગતા સાંભળ્યા. તેની મુસાફરીમાં તેણે આખા હિંદની જાગૃતિ જોઈ હતી, પરતું એ જાગૃતિમાં અપક્વતાએ તેનું હૃદય દુખાવ્યું હતું. ખરા ક્રાન્તિકારીઓની સાથે દેખાદેખી કરનારા, લૂંટફાટ ઇચ્છનારા, અંગત વેરઝેરથી ભરેલા અને માત્ર પ્રતિષ્ઠાને ચાહનારા અનેક મનુષ્યોનો સંઘ ઊભરાતો હતો. તેમનામાં સંયમ ન હતો, તાલીમ ન હતી, ધ્યેયઘેલછા ન હતી. ગૌર વર્ણનો વિરોધ ક્રાન્તિમંડળમાં જોડાવા માટે પૂરતી પાત્રતા ગણાતો. સુઘટિત બંદોબસ્ત, એકતંત્ર, એકવાક્ય અને ઘટ્ટ સંગઠનનો તેનામાં અભાવ હતો. એ બધાનો વિચાર કરી, ક્રાન્તિના આગેવાનોએ રુદ્રદત્તને આખી યોજનાને મોખરે મૂકવાનો અંતે નિશ્ચય કર્યો હતો. કંપનીની પલટણો, અન્યાયથી પ્રજળતા પદભ્રષ્ટ રાજરજવાડાં અને જમીનદારો, અગર ગૌર સંસ્કારના વિદ્રોહીઓથી સુવ્યવસ્થિત કંપની સરકારનો પૂરો સામનો થઈ શકે કે કેમ એ વિષે આગેવાનોમાં શંકા ઊપજવા લાગી. સિંધિયા, હોલ્કર, ધાર, દેવાસ જેવાં રાજ્યો; સતારા, હૈદરાબાદ સરખાં દક્ષિણનાં રાજ્યો; અને હમણાં જ અસ્ત પામેલી શીખ સત્તાના અવશેષ હજી સુધી ક્રાંતિના ઝંઝાવાતથી અસ્પૃશ્ય રહેલા દેખાયા. જેમણે ખરી આશા રાખેલી તેમણે નિરાશાભર્યા જવાબ મોકલાવ્યા. હિંદના સ્વાતંત્ર્યની તેમને પરવા નહોતી. તેમને પરવા હતી અયશની – આરામની. બ્રિટિશ છત્રછાયામાં દેશી રાજ્યકર્તાઓને સલામતી, આરામ, બિનજોખમી સત્તા અને પરાક્રમ રહિત પ્રતિષ્ઠા મળવા માંડયા હતા. તે છોડવાની ઇચ્છા અગર સાહસ કરવાની ઉદારતા અગર દેશભક્તિ તેમનામાં કલ્પવી એ મૃગજળ સરખું મિથ્યા હતું. અને અધૂરામાં પૂરો બળવો ધાર્યા કરતાં વહેલો પ્રગટી નીકળ્યો. બળવો પ્રગટયો એટલે તે પ્રગટાવનાર વ્યક્તિઓો મોખરો સાચવ્યાવગર ચાલે એમ ન હતું.

ઘોડા નજીક આવી પહોંચ્યા. ગૌતમે એકદમ ટોળાની આગેવાની લઈ લીધી. અને તાલીમ પામેલાઓને આગળ આવવા હુકમ આપ્યો.

‘જે કવાયતી ન હોય તે બાજુ ઉપર થઈ જાય.’ તેણે એક બૂમ મારી જે કવાયતી ન હતા અને માત્ર આવેશવશ થઈ ટોળામાં વૃદ્ધિ કરી રહ્યા હતા, તે સઘળા દૂર ભાગી ગયા. ત્રીસેક પુરુષો ગૌતમની બાજુમાં ગોઠવાઈ ગયા. તલવાર ખેંચીને ગૌતમ ઘૌડાના પેંગડા ઉપર ઊભો થઈ ગયો.

‘અલ્લાહો અકબર! સામી બાજુએથી પોકાર સંભળાયો.’

‘હર હર મહાદેવ!’ ગૌતમ અને તેના સાથીઓએ ગર્જના કરી.

ક્ષણભર શાંતિ છવાઈ. સામેથી આવતું ટોળું જરા અટક્યું.

‘તલવાર મ્યાન કરો, દોસ્તો આવે છે.’ ગૌતમે તલવાર નીચે કરી આજ્ઞા આપી. ખણખણ કરતી તલવારો મ્યાનમાં અદૃશ્ય થઈ. સામેથી પણ તલવાર મ્યાન થવાનો અવાજ આવ્યો.

‘ચાલ્યા આવો. હરકત નથી.’ ગૌતમે વધારે સ્પષ્ટતા કરી.

‘કમળ.’ આગળ વધતા સામા ટોળાના આગેવાને કહ્યું.

‘બરોબર. હું ગૌતમ અહીં છું.’

‘ગૌતમ? તું હજી અહીં છે? હું સૈયદ. પંડિતજી ક્યાં?’

‘પંડિતજીનો દેહ કદાચ હું જોઈ શકીશ. તેમનો આત્મા તો અમર ધામમાં પહોંચ્યો.’

‘શું?’

‘મહાવીરસિંહનું આજ્ઞાપત્ર પહોંચાડું તે પહેલાં શંકરે ગુરુજીને વીંધી નાખ્યા.’

‘હવે?’

‘હું આગળ જાઉં છું. ગુરુનાં દેહદર્શન જે સુઝાડે તે ખરું.’

‘હુંયે આવીશ.’ સૈયદે કહ્યું.

‘મારે પણ આવી એ સાધુના મૃત દેહનું દર્શન કરવું છે. અમારે માટે એમણે પ્રાણ ખોયો.’ પાદરી જૉન્સને કહ્યું.

‘સૈયદ! આપ અને પાદરીસાહેબ આવી પહોંચો. હું અગ્નિસંસ્કાર થતો કદાચ અટકાવું જેથી બધાય તેમનાં દર્શન કરી શકીએ.’

‘સારું. તું આગળ વધ. આ અહીં કોણ ભેગા થયા છે?’

‘એ કહેવા હું નહિ રહું. સઘળા મિત્રો છે. તેમને દોરનાર કોઈ નથી એટલે ગોરાઓને ખોળીખોળી મારવાનું કાર્ય કરે છે. પાદરીસાહેબ અને તેમનાં પત્નીને સુરક્ષિત બનાવી આપ આવો.’

એટલું કહી સૈયદના હાથમાં સઘળું સુરક્ષિત હતું એમ માની ગૌતમ ઝડપથી આગળ વધ્યો અને પ્રભાત થતાં તે નદીકિનારે આવી પહોંચ્યો. દૂરથી તેણે ત્ર્યંબક તથા કલ્યાણીને ઓળખ્યાં. મનમાં જે ભય હતો તે ખરો પડયો.

જૉન્સનના પત્નીને વિશ્વાસપાત્ર સૈનિકોને સોંપી. આખા ટોળાને પોતાની પાછળ ધીમે ધીમે આવવાની આજ્ઞા આપી. સૈયદ જૉન્સનને ઘોડા ઉપર બેસાડી ગૌતમની પાછળ ગયા. સહુએ દુઃખી હૃદયે રુદ્રદત્તનો અગ્નિદાહ નિહાળ્યો. આંખમાં આંસુ આવે એ બહાદુર નહિ એવી સામાન્ય માન્યતા છે. પરંતુ બહાદુરીને અને રુદ્રદત્તને કશો સંબંધ નથી; નહિ, બહાદુરીને અને રુદ્રદત્તને ગાઢ સંબંધ છે. જે બહાદુર હોય તે ઊંડું રુદન કરી શકે છે; પણ ઉપરછલું રુદન બહાદુરો માટે નથી.

ચિતા છાંટતી વખતે સહુને રડવું આવ્યું. ગંભીર ઈશ્વર પરાયણ ફિલસૂફ સૈનિક, સૈદય, ઊર્મિપ્રદર્શનમાં અપમાન સમજતા અંગ્રેજોના પ્રતિનિધિ પાદરી જૉન્સન, મૃત્યને હસી કાઢતો વીર ગૌતમ અને પ્રભુનું સાન્નિધ્ય સેવતો પૂજારી : એ સહુએ હૃદયને રોક્યું નહિ અને આંસુને ખાળ્યાં નહિ. માત્ર બે જ વ્યક્તિઓની આંખ કોરી હતી. ત્ર્યંબકે અને કલ્યાણીએ હૃદય ઉપર વજ્રભાર મૂક્યો હતો.

તડકો વધી ગયો હતો. પૂજારીએ સહુને મંદિરમાં આવવા વિનંતી કરી; ગ્રામનિવાસીઓએ તેમને પોતાનાં મકાનોમાં આવવા આગ્રહ કર્યો. કોઈને ગામમાં પાછા જવાની ઇચ્છા ન હતી. ગૌતમ ચિતા પાસેથી ખસતો ન હતો; તેની આંખ બાવરી બની ગઈ હતી. કલ્યાણીએ કહ્યું :

‘ગૌતમ! તું ઘડીક સૂઈ જઈશ?’

‘એને આરામની બહુ જ જરૂર છે.’ સૈયદે કહ્યું.

‘ગુરુ ગયા! હવે આરામ જ છે ને?’ ગૌતમે કહ્યું.

‘ગામમાં જો આવવું હોય તો પેલી ધર્મશાળામાં જરા બેસો.’ પૂજારીએ કહ્યું. કિનારા ઉપર એક નાનકડી ધર્મશાળા હતી. આગ્રહને વશ થઈ સહુ ધર્મશાળામાં ગયાં. ગૌતમની આંખ ખેંચાતી હતી. જગત ફરતું લાગતું હતું. તેણે સૈયદને પૂછયું.

‘પણ સૈયદ! તમે ક્યાંથી આવ્યા?’

‘તું જરા આડો પડ, પછી કહું.’ સૈયદે જોયું કે ગૌતમ ઉત્કટ અને તીવ્ર ઊર્મિને શિખરે હતો. એવી તીવ્રતા મનને ઘેલું પણ બનાવે.’

‘તમે કહેશો નહિ ત્યાં સુધી મારાથી સુવાશે નહિ.’

‘ટોકરાસ્વામીએ મને બોલાવ્યો હતો.’

‘ચાણોદવાળા?’

‘હા.’

‘કેમ?’

‘ગુજરાતનો મોવાસ તેમણે તૈયાર કર્યો છે.’

‘પણ ગાયકવાડનો શો જવાબ આવ્યો?’

‘પહેલાં તો ના આવી હતી.’

‘હવે?’

‘ટોકરાસ્વામી આશા બતાવે છે. ખંડેરાવને મુસ્લિમ ધર્મ પ્રત્યે મમતા છે. વગર ઢીલે તેમણે તને બોલાવ્યો. કદાચ મને હા કહે એમ સ્વામી ધારે છે.’

‘ગાયકવાડ ભળે તો તો…’ ગૌતમ વાક્ય પૂરું કરે તે પહેલાં કલ્યાણીએ સહજ બળથી તેનું મસ્તક નમાવી કહ્યું :

‘ગૌતમ! હવે ગાયકવાડ અને ટોકરાસ્વામી બધાયને બાજુએ મૂકી તું આડો પડીશ?’

ગૌતમે પોતાના હાથ ઉપર મસ્તક મૂક્યું. આંખ મીંચવા તેણે પ્રયત્ન કર્યો. આંખ મીંચતા બરોબર તેણે આંખ પાછી ઉઘાડી. ફાટી આંખ કરીને બોલ્યો :

‘ગુરુજી પધાર્યાં?’

કલ્યાણીએ શરમ બાજુએ મૂકી ગૌતમની આંખ ઉપર હાથ મૂક્યો અને કહ્યું :

‘ગૌતમ! હવે સૂઈ જા.’

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.