૬ : જીવનને પેલે પાર

કલ્યાણી ક્યારની દેખાતી નહોતી; ત્ર્યંબક પણ નજરે ચડયો નહિ. વિજય મળ્યા પછી તેમણે સ્વાભાવિક રીતે મળવું જોઈતું હતું. ઘોર સંગ્રામની મધ્યમાં સાથે રહેલી કલ્યાણી સંગ્રામ અટક્યા પછી ક્યાં ગઈ હતી? માત્ર ભયસ્થાનોમાં જ મળવાનો તેણે નિશ્ચય કર્યો હતો કે શું? અને…. અને તે કદાચ નાસતા સૈન્યમાં કેદ પકડાઈ હોય તો? ખરે, વખતે ઘાયલ થઈ મેદાનમાં તરફડતી પડી હોય તો? અને કદાચ તે….

મૃત્યુની સામે ધસતાં કદી ન કાંપેલો ગૌતમ કલ્યાણીના મૃત્યુનો વિચાર આવતાં કંપી ઊઠયો. તે એકાએક ઊભો થયો.

‘કેમ પાંડેજી! શું થાય છે?’ તેના એક સાથીએ પૂછયું.

‘કાંઈ નહિ. હું ઘાયલ સૈનિકોને શોધવા લાગું.’ ગૌતમે કહ્યું.

‘એ કામ બીજા નહિ કરે? આપ જરા આરામ લ્યો.’

‘હું થાક્યો નથી. ઉતાવળમાં ઘણા જખમી સૈનિકોને મરેલા માની છોડી દેવાશે. એમ ન થાય એ માટે હું પણ કામે લાગું.’

ગૌતમનો નિશ્ચય અડગ હતો. તેની વ્યાકુળતા અસહ્ય હતી. એ વ્યાકુળતા તેના દેહને સ્થિર બેસવા દે એમ નહોતી. તેણે ટેકરી નીચે ઊતરી મેદાનમાં ફરવા માંડયું. સંધ્યાનો રંગ સમેટાઈ ચંદ્રરૂપે ઘટ્ટ બન્યો. વિજયી ગૌતમ પરાજિત સરખો અસ્વસ્થ બની આમતેમ નજર નાખતો હતો. વળી મુખ જોતો હતો. અને ક્વચિત્ નઃશ્વાસ નાખતો હતો. વિજય સૂર્ય સરખો ઉજ્જ્વળ હશે પરંતુ એ ઉજ્જ્વળતામાં રુધિરનો અર્ક સમાયેલો હોય ત્યારે એ વિજયનો રંગ આંખને ગમે ખરો?

દૂર દૂર ઊતરી આવેલાં મોટાં મોટાં ગીધ મૃતદેહોની પાસે હજી આવ્યાં ન હતાં. મૃત્યુસમાં સ્થિર, ધીર અને શાંત ગીધો પડેલા દેહનું ભાવિ સમજતાં હતાં. તેને જરાય ઉતાવળ નહોતી. ચંદ્રના પ્રકાશમાં તેમના મોટા પડછાયા મનુષ્યાહારી પ્રેતો સરખા લાગતા હતા. પ્રેતની માફક ગીધ પણ અવાચક રહી મૃત્યુના ઘોર પડઘા પાડતા હતા. પડેલા શૂરવીરોનાં શરીરો ગીધનો ભક્ષ્ય બનશે?

એક શિયાળ તેની પાસે થઈ જોતું જોતું દોડી ગયું. તેની ચમકતી આંખમાં ભયપ્રેરક પ્રકાશ હતો. વિજય એટલે મૃત્યુનો પ્રકાશ? કોઈના મૃત્યુમાંથી મેળવેલો વિજયપ્રકાશ તો શિયાળની આંખમાં પણ છે! દૂરથી એ જ શિયાળના દોસ્ત રડી ઊઠયાં. રડી ઊઠયાં કે ગાઈ રહ્યાં? બુદ્ધિહીન માનવી! એને ખબર પણ નથી કે જાનવર રડે કે ગાય છે! માનવીના મૃત્યુ ઉપર આનંદની કિકિયારી કરતાં શિયાળનાં ટોળાં મૃત અગર મૃતપ્રાય દેહ ઉપર ધસી વિજયઘેલી ચિચિયારી પાડતા માનવસૈનિકો સરખાં શુ નથી લાગતાં? વિજય કોનો? ગૌતમનો કે ગીધનો? આનંદોદ્ગાર કોના? ગૌતમના કે શિયાળના?

ઘુવડ દૂરના એક વૃક્ષ ઉપર ગર્જી ઊઠયા! ગૌતમ પાછો કંપ્યો. મોતના પડઘા પાડતો એ નિશિરાજ પંખી મૃતદેહ ઉપર ઝઝૂમતો નથી. મરેલાંને મારનાર ગીધશિયાળ સરખો ઘુવડ નહિ; એ જીવતા પક્ષીને હણનાર વીર! સામે મોંએ મારનાર અને મરનાર એ પરાક્રમી યોદ્ધો! ગૌતમે પોતાનું સામ્ય ઘુવડમાં ખોળ્યું! પરંતુ એ સામ્ય તેને કદી મળે? ઘુવડ તો માત્ર મારે છે, મરવા પડેલાંને તે બચાવતો નથી; અને ગૌતમ તો અત્યારે જે બચી શકે તેને ઉગારવા ફરતો હતો!

તેની પાસે પડેલો દેહ એકાએક ખેંચાયો.

‘અરે, આ જીવે છે. આને ઉપાડી લ્યો!’ ઝડપથી ગૌતમે પડેલા દેહનું મુખ જોઈ કહ્યું.

પરંતુ તેને કોઈ ઉપાડે તે પહેલાં તેની ખેંચ અદૃશ્ય થઈ ગઈ. દેહમાં દારુણ કષ્ટ વેઠી રહેલો આત્મા દેહથી છૂટો થઈ ગયો.

‘લઈ જવાનો કશો ઉપયોગ નથી.’ ગૌતમના સાથીદારે કહ્યું.

‘કેમ?’

‘એ મૃત્યુ પામ્યો.’

‘હમણાં હાલતો હતો ને?’

‘એ એની છેલ્લી મૃત્યુખેંચ હતી.’

જે કળથી કે બળથી – બહાદુરીથી કે બુદ્ધિથી વધારેમાં વધારે સંહાર કરે તે વીર! અને એ સંહાર કોના માટે? શાને માટે? કંપની સરકાર જાય એ માટે? નાનાસાહેબ અને બહાદુરશાહને માટે? કંપની સરકાર ઘમંડી છે, તોરી છે, પરદેશી છે. નાનાસાહેબના પૂર્વજો ઘમંડી નહોતા? બહાદુરશાહના પૂર્વજો તોરી નહોતા? કંપની પરદેશી એ તો મોટો દોષ પરંતુ એ કંપની હિંદી બની જાય તો? તો એની સામે યુદ્ધનું કારણ રહે?

અને કદાચ હિંદી ન બની જાય તોપણ મુગલાઈ કે પેશ્વાઈ કરતાં તે વધારે ઊંચી ન હતી? એની રચના કેવી? એનું રાજ્યતંત્ર કેવું? મુગલાઈમાં બીજો શાહઆલમ પાકે પણ ખરો! પેશ્વાઈમાં ફરી રઘુનાથરાવ જન્મેયે ખરો! કંપનીના તંત્રમાં નિર્માલ્ય શાહઆલમ કે સ્વાર્થી રઘુનાથરાવ  માટે સ્થાન ન હતું. પછી મોગલાઈ-પેશ્વાઈ પાછી લાવવા માટે આ બધો સંહાર?

નહિ, નહિ; એ બધો સંહાર દેશની સ્વતંત્રતા માટે હતો. હિંદનું રાજ્ય હિંદીઓ જ કેમ ન કરે? પરંતુ રાજ્ય મેળવવા માટે સંહાર જ કરવો? બીજો કયો માર્ગ? સંહાર ભયંકર છે, ક્રૂર છે. છતાં તેની પાછળ રહેલી સ્વાતંત્ર્યની ભાવના તેને પવિત્ર બનાવી રહી છે, નહિ?

એકાએક કોઈનું હાસ્ય સંભળાયું. ચંદ્રની ઉપર થઈને એક પક્ષી ઊડયું. મૃત્યુ હાસ્ય?’

‘કોણ હસ્યું?’ ગૌતમે પૂછયું.

‘કોઈ નહિ.’ સાથીદારે કહ્યું.

‘મને લાગ્યું કે કોઈ ખડખડાટ હસ્યું.’

‘અમસ્તું જ આપને એમ લાગ્યું હશે. આપ હવે આરામ લ્યો તો સારું.’

ગૌતમે જવાબ ન આપ્યો. તેને હજી પણ એ હાસ્યના ભણકારા સંભળાતા હતા. સંહારમાં સ્વાતંત્ર્ય? સ્વાતંત્ર્ય સરખી પરમ પવિત્ર ભાવના શું મૃત્યુ ભેગી રહેલી હશે?

તેની દૃષ્ટિ સમીપ રુદ્રદત્ત ઊભી રહી હસતા હોય એમ દેખાયું. ગૌતમ પ્રસન્ન થયો. ગુરુને તેણે મનોમન પ્રણામ કર્યા. ગુરુએ પૂછયું :

‘સંહારમાંથી સ્વાતંત્ર્ય મળ્યું?’

‘ગુરુજી! મળવાની તૈયારી છે.’

‘સંહારમાંથી કોઈનેય સ્વાતંત્ર્ય મળ્યું છે?’

‘જ્યાં જ્યાં સંહાર ત્યાં ત્યાં સ્વાતંત્ર્ય. બધે એમ છે.’

‘જ્યાં જ્યાં સંહાર ત્યાં ત્યાં મૃત્યુ! મૃત્યુ ઉપર રચાયેલાં કેટલાં સ્વાતંત્ર્ય જીવ્યાં છે?’

ગૌતમ વિચારમાં પડયો. મારવાની શક્તિ દ્વારા ઊભી થયેલી સંસ્કૃતિથી બધીયે ઈમારત એ જ શક્તિને પરિણામે લુપ્ત પણ થાય! જગતમાં બળ – હિંસક બળ એ જ જો અંતિમ ન્યાયાસન બને તો ગઈ કાલની કંપની સરકાર આ જ લુપ્ત થાય અને આજ જીતેલા વિપ્લવકારી આવતી કાલ બીજા કોઈ વધારે હિંસક બળધારીથી વળી લુપ્ત થાય!

‘મૃત્યુ વગરનું સ્વાતંત્ર્ય શી રીતે મળે?’ ગૌતમે પૂછયું.

‘તું માનવી છે શોધી કાઢ. જગતના ધર્મો તરફ નિહાળી જો, સંહાર ઉપર રચાયેલાં તમારાં રાજ્યો કરતાં ધર્મો વધારે વ્યાપક અને વધારે શાશ્વત છે. હૃદય સ્પર્શવાનો એ માર્ગ તું લઈ જો.’ રુદ્રદત્ત બોલતાં સંભળાયા.

ગૌતમ આગવા વિચારે કરે તે પહેલાં તો તેના અંગરક્ષકની વાણીમાં રુદ્રદત્ત અદૃશ્ય થઈ ગયા. સાથીદારે પૂછયું :

‘અહીં જ ઊભા રહેવું છે?’

‘તું ક્યારનો અહીં ઊભો છું!’ ગૌતમે પૂછયું.

‘વધારે સમય નથી થયો.’

‘મને તમે બોલતો સાંભળ્યો?’

‘ના.’

‘બીજા કોઈને?’

‘ના.’

‘ત્યારે હું શું કરતો હતો?’

‘આપ કાંઈ વિચારમાં હતાં.’

‘ચાલો.’

ગૌતમે આગળ ચાલવા માંડયું. પણ કલ્યાણી ક્યાં? ત્ર્યંબક ક્યાં? જેને જોવા માટે તે આ સ્મશાનમાં નીકળ્યો તે હજી મળતાં ન હતાં! કલ્યાણી તેની સાથે જ હતી; છેલ્લા ધસારા વખતે અડધે સુધી જોડાજોડ હતી. એનો જ દેહ દુશ્મનોના શસ્ત્રાોમાં અદૃશ્ય થયો હોય તો?

‘તો આખી ગોરી પ્રજાને હું મિટાવી દઈશ.’ તે મનમાં બોલ્યો.

ફરી હાસ્ય સંભળાયું. એ હાસ્યની પાછળ કોઈ ધીરો નાદ પણ સંભળાયો. તેણે સ્પષ્ટ પ્રશ્ન સાંભળ્યો :

‘આ વેરમાંથી ઝેર મળે કે સ્વાતંત્ર્ય?’

એકાએક બધાને કર્ણે એક કરુણ અવાજ સંભળાયો :

‘પાણી! પાણી!’

દૂર દૂરથી આવતા લાગતા આ અવાજ તરફ સહુ વળ્યા. એ કુમળો બોલ કલ્યાણીનો કેમ ન હોય? પાણી વગરના મરતા દેહનો તડફડાટ કઈ શુભ વસ્તુને આપે? હિંસામાંથી કયું કલ્યાણ ઊઘડે?

ગૌતમ દોડયો. તેણે બે-ચાર મૃતદેહોને ઉપાડી જોયા. પાણીની તેમને જરૂર નહોતી.

‘પાણી! પાણી!’

પાસે જ એક દેહ હાલતો દેખાયો. મૃતદેહને નીચે નાખી ગૌતમ તે તરફ વળ્યો. કલ્યાણીને નીરખવાની આશામાં – તેને બચાવવાની આશામાં તેનું હૃદય રોકાયું હતું. પાણી માગતો દેહ કલ્યાણીનો ન હતો. એમ તેની ખાતરી થતાં તેની ચિંતા વધી પડી. એ દેહ એક ધવાયેલા ગોરા સૈનિકનો હતો. મૃત્યુની પળે દુશ્મન મિત્ર બની જાય છે; મૃત્યુની પળે દુશ્મન માગે તે આપવાની માણસાઈ તેના હરીફમાં ખીલી નીકળે છે. સંહાર સરખા ભયંકર દુષ્કર્મમાં પણ નીતિની – માણસાઈની સેર ફૂટી નીકળે છે. અને સંહારના નૈતિક નિયમો રચાય છે. એ જ સંહારની નિરર્થકતા!

ગૌતમે એ ગોરા દેહને ઓળખ્યો. ‘જૅક્સન સાહેબ?’

રાહત માગી છાવણીમાં રહેલા જૅક્સન અને તેનાં સૈનિકોએ યુરોપીય સૈન્ય આવ્યાની હકીકત સાંભળી એટલે ગૌતમે મૂકેલા રખવાળાનો થાપ આપી તેઓ કંપનીના સૈન્ય સાથે જોડાઈ ગયા. પરંતુ યુદ્ધમાં ગૌતમનો વિજય થયો. અને જૅક્સન મરણતોલ થઈ પાણી માટે તરફડિયાં મારતો છેલ્લા શ્વાસ લેવા લાગ્યો.

‘પાણી!’ જૅક્સને ફરી ઉચ્ચાર કર્યો.

ગૌતમે એક સૈનિકની સુરાહીમાંથી પાણી મેળવ્યું. અને જૅક્સનના મુખમાં ધીમે ધીમે પાણીનાં ટીપાં મૂકવા માંડયાં. જૅક્સનને પાણી મળતાં તેની આંખો ખૂલી ગઈ. ફાટેલી આંખે તેણે ચારેપાસ જોયું અને ગૌતમના હાથમાંનો પ્યાલો બળ કરી હાથમાં લઈ તે પી ગયો.

જૅક્સનને સહજ સંતોષ થયો. તેને ભાન આવવા લાગ્યું. બીજો પ્યાલો પીતાં તે સંપૂર્ણ શુદ્ધિમાં આવી ગયો. તેણે ગૌતમ સામે જોયું. ચંદ્રકિરણો પ્રકાશ વેરી રહ્યાં હતાં. તેણે ગૌતમને ઓળખ્યો. કંપનીનાં સૈન્યનો પરાજય તેના સ્મરણમાં આવ્યો. કાળી ચામડીનો વિજય એ ઘણી વખત ગોરી ચામડીનો અસહ્ય પરાજય બની જાય છે. ઈશ્વરે રાજ્ય કરવા મોકલેલા ગોરાઓને કાળા દેહધારીઓનો સ્વાતંત્ર્ય ઝંખના ઈશ્વરના અપરાધ સરખો લાગે છે. જૅક્સન ઘવાયો હતો; પોતાનાથી જિવાશે કે કેમ તેની એને શંકા ઊપજી. ગૌતમને અઢેલીને તે પાણી પીતો હતો. મૃત્યુ પામતું જીવન એકાએક તેના દેહમાં ઝબક્યું. પાણી પીતે પીતે તેણે હળવે રહીને કમરે ભરાવેલી કટાર કાઢી અને ગૌતમને અગર તેના સાથીદારને કશી ખબર પણ પડે તે પહેલાં. અત્યંત બળ કરી એ કટાર ગૌતમની છાતીમાં ખોસી દીધી.

‘કાળા! બદમાશ! કંપની સામે?’

એટલું બોલી તે જમીન ઉપર ઢળી પડયો; જૅક્સનના જીવને છેલ્લું બળ કર્યું. અને એ બળ વાપરી રહી તે છેલ્લા શ્વાસ લેવા માંડયો.

એકાએક વાગેલો ઘા વીજળી સરખો તીખો અને ચમચમતો પ્રથમ તો ગૌતમને સહજ લાગ્યો. જૅક્સનને છૂંદી નાખવા તૂટી પડેલા અંગરક્ષકોને ગૌતમે વાર્યા. અને પોતાને હાથે છાતીમાંથી કટાર ખેંચી કાઢી. કટાર ખેંચતા બરોબર રુધિરનો એક મહાધોધ તેના દેહમાંથી ફૂટી વહેવા લાગ્યો.

‘જૅક્સન, ગોરા! છેવટે દગો?’

‘તને મારી મેં…. કંપનીને… બચાવી. તું હોત તો…’ જૅક્સનથી આગળ બોલાયું નહિ. તેણે છેલ્લો શ્વાસ મૂક્યો. અને ગૌતમ સરખા એક કુશળ સેનાપતિને મૃત્યુને માર્ગ છોડી પરમ સંતોષપૂર્વક તેણે પ્રાણ તજ્યા.

ગૌતમ આછું હસ્યો, પરંતુ જખમની જામતી વેદનાના પ્રથમ ઝટકામાં તે મૂર્છિત થઈ પડયો. જૅક્સનના દેહ ઉપર જે તેવું મસ્તક ઢળી પડયું. પડતે પડતે તેનાથી બોલાઈ ગયું :

‘કલ્યાણી! આ યુદ્ધ….!’

મૂઢ બની ગયેલા અંગરક્ષકોએ જોયું કે ગૌતમને વાગેલો ઘા જીવલેણ હતો. વિજયી છાવણીમાં વાત ફેલાઈ અને મહા વિજયીની લાગણી અનુભવતા બધા જ સૈનિકો દોડતા તે સ્થળે આવ્યા. કેદ પકડાયેલા અને ઘવાયેલા ગોરાઓને રહેંસી નાખવાની સહુને પ્રબળ ઇચ્છા થઈ આવી. પરંતુ ગૌતમના દેહ તરફ નજર કરતાં તેમનું વેર ઓસરી ગયું. અને તેના દેહમાંથી વહેતું લોહી અટકાવવા, તેને સગવડ ભરેલી રીતે સુવાડવા, અને બને તો જખમ રુઝાવવાની પ્રવૃત્તિમાં સહુ કોઈ પડયા. રુધિર સહજ અટક્યું. અને ગૌતમે આંખ ખોલી. તેનામાં જરાય શક્તિ રહી નહોતી. આખી ક્રાન્તિના આધારરૂપ આ મહાવીર હજી જૅક્સનના મૃત દેહ ઉપર માથું મૂકી રહ્યો હતો.

‘દુશ્મનના… શબ… નું ઉશીકું!’

ફિક્કું હસી તે પાછો ઘેનમાં પડયો. જાણે કોઈનો બોલાવ્યો જાગતો હોય તેમ પાછો ઊંડા અભાનમાંથી જાગૃતથયો. એને સાદ કરીને કોણ બોલાવતું હતું? મૃત્યુ? ના ના; મૃત્યુનો સાદ આવો મીઠો ન હોય!

‘ગૌતમ!’

ગૌતમે આંખ ઉઘાડવા પ્રયત્ને કર્યો. તથાપિ એ કાર્ય તેને શક્તિ બહારનું લાગ્યું. સેનાનાયકથી આંખ પણ ઊઘડતી નહોતી! આનું નામ શરીરબળ? માનવી મારી શકે છે; તે મરેલાને જિવાડી શકે ખરો?

‘ગૌતમ! ગૌતમ!’

મરેલા ગૌતમને કોઈ જિવાડતું હતું કે શું? એ સંબોધનમાં સંજીવની હતી. મૃત્યુના બારણામાંથી શું સ્વર્ગનો આ સાદ આવતો હતો? ગૌતમે આંખ ઉઘાડવા મથન કર્યું; એ મથન પણ નિષ્ફળ નિવડયું. અભિમાનભર્યો માનવી પોતાની પામરતા પ્રત્યક્ષ કરી હસ્યો. તેના હોઠ હસવા માટે પણ હાલ્યા નહિ. માત્ર આખા મુખ ઉપર ચંદ્રના સરખી શીળી પ્રસન્નતા પથરાઈ રહી.

‘ગૌતમ! એક વાર તો બોલ?’

ઊંડો ઊતરી જતો ગૌતમ ચમક્યો. એ સાદમાં ડૂસકું હતું – રુદન હતું. તેની કલ્યાણી તો તેને નહિ બોલાવતી હોય? જેને ખોળતાં તેણે મૃત્યુ મેળવ્યું એ કલ્યાણી શું છેવટે જડી? તેણે મૃત્યુ સામે બાથ ભીડી અને અત્યંત બળથી આંખો ખોલી નાખી. આંખ ઉઘાડતાં તેને મેરું પર્વત ઊંચક્યા સરખો ભાર લાગ્યો. તેનો પરિશ્રમ સફળ થયો. તેની સામે – તેના મસ્તક ઉપર હાથ ફેરવતી – તેની પ્રિયતમા કલ્યાણી બેઠી હતી. મૃત્યુ સમયનું એ કેવું મહદ્ ભાગ્ય!

‘ગૌતમ! મારા ગૌતમ!’

‘નાનકડા તંબૂમાં બે-ત્રણ ડૂસકાંભર્યાં નઃશ્વાસ સંભળાયા. તેની લશ્કરી પથારી પાસે ત્રણેક મનુષ્યો આંસુ લૂછતાં ઊભાં હતાં. ઘેલી સરખી કલ્યાણી એ વીર પ્રિયતમની દૃષ્ટિ મેળવવા સાદ ઉપર સાદ પાડતી હતી. જગતમાં કોની ટહેલ પુરાઈ છે? આંખ ન ઉગાડતાં ગૌતમના દેહમાંથી ઊંડે ઊંડે ઊતરી જતા જીવનને કલ્યાણીની ધા ઊંચે લઈ આવી.

‘ગૌતમ! મારા ગૌતમ!’

ગૌતમના મુખ ઉપર પરમ પ્રસન્નતા છવાઈ. તેને ઘા વાગ્યો હતો એ વાત તે વીસરી જ ગયો. આવેશમાં આવી તેણે બૂમ પાડી :

‘કલ્યાણી!’

ગૌતમની બૂમ એક અર્ધ અસ્પષ્ટ ઉદ્ગાર સમી બની ગઈ; છતાં તે કલ્યાણીએ સાંભળી. કલ્યાણીનું હૃદય ઊછળી રહ્યું. અંગેઅંગમાંથી તેનો આત્મા બહાર નીકળી ગૌતમમય બની જવા મથી રહ્યો. ગૌતમને દાબી દેવાની, ગૌતમને કચી નાખવાની, અને ગૌતમના હૃદયમાં પેસી જવાની તેનો કોઈ વિચિત્ર વૃત્તિ થઈ આવી.

‘તું… પાસે આવી?’ ગૌતમે ધીમા અવાજે પૂછયું.

‘હા. અને હું હવે પાસે જ રહીશ.’

ગૌતમને પણ ઉછાળો આવ્યો. બને હાથ વચ્ચે કલ્યાણીને લેવા તેણે હાથ ઊંચક્યા. પરંતુ હાથ ઊંચકાયા નહિ. માત્ર જમણો હાથ સહજ ઊંચો થઈ કલ્યાણીના ખોળામાં પડયો. કલ્યાણીએ એ હસ્તને પકડી આછો આછો પંપાળવા માંડયો. ગૌતમ અનવધિ આનંદ અનુભવતો હતો.

‘કલ્યાણી!’ જરા રહી ગૌતમ બોલ્યો.

‘શું કહે છે?’

‘ગુરુજી સાચા હતા.’

‘એટલે?’

‘વેરની – બળની જીત ભાવિ પરાજયોની પરંપરા… શરૂ કરે છે.’

‘તો તારે શેની જીત જોઈએ?’

‘પ્રેમની… પ્રેમની જીતમાં… બધાય જીતે છે.. અને જીવે છે.’

‘તારાં વહાલાં શસ્ત્રાોનું શું કરીશ?’

‘શસ્ત્રાો… તો… મેં ફેંકી દીધાં… ઘા વાગતાં… બરાબર…’

‘તો મારા ગૌતમ! શસ્ત્રરહિત ગૌતમ સાથે હું પરણી ચૂકી.’

ગૌતમે આંખ ઉઘાડી મીંચી દીધી. કલ્યાણીનો હાથ તેણે પોતાના હાથમાં પકડયો અને તેને કોઈ અદ્ભુત સ્વપ્ન આવ્યું. કલ્યાણી સાથે તેનાં લગ્ન એક મહામંડપમાં થતા હોય એવો ચિતાર તેની મીંચેલી આંખ સમક્ષ પ્રત્યક્ષ થયો. જે જે ઇચ્છાઓ, જે જે કલ્પનાઓ તેણે ઘડી હતી તે બધીયે તાદૃશ ફળતી તેણે નિહાળી. લગ્નનો મંત્રોચ્ચાર થતો પણ સાંભળ્યો. ખરે. કલ્યાણીની સૂચના મુજબ ત્ર્યંબક મંત્રોચ્ચાર કરતો હતો, અને એમ બંનેનાં જાગૃત નિદ્રામય સ્વપ્ન ખરાં પાડવા મથતો હતો.

‘મંત્રોચ્ચાર કરતાં ત્ર્યંબક રડે છે કે શું?’ ગૌતમે આંખ ખોલી જોયું.

ગૌતમની આંખ ખૂલી અને મંત્રોચ્ચાર બંધ. પાસે ઊભેલા ત્ર્યંબક તંબૂને એક ખૂણે જઈ ઊભો.

‘કલ્યાણી!’

‘હં.’

‘લગ્ન થઈ ગયું?’

‘હા.’

‘હવે?’

‘હું અને તું એક.’

‘મને ખરું… લાગતું.. નથી.’

‘ખરું લાગે એમ કરું?’

‘હા.’

‘મારા ગૌતમ! જો તું મારો છે અને હું તારી છું.’ કહી કલ્યાણીએ બેધડક મુખ ઉપર નીચા વળી તેના હોઠ ઉપર દીર્ઘ ચુંબન લીધા જ કર્યું. ગૌતમના બંને હાથ ઘાને ન ગણકારતાં ઊંચા થયા અને કલ્યાણીના કંઠની આસપાસ વીંટાઈ વળ્યા. એ પરમ દૈવી ચુંબનનું સુખમય ઘેન અનુભવતો ગૌતમનો આત્મા છેવટના પરમ આનંદનો અર્ક સંગ્રહી દેહને હસતો રાખી ઊડી ગયો!

જીવનની ક્ષણે ક્ષણે – જીવનના અણુઅણુમાં મૃત્યુ શેં છુપાઈ રહેતું હશે?

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.