૭ : કંપનીબહાદુરની ભૂખ

ભીખ્યાં ભટક્યાં વિષ્ટિ વિનવણી,

      કર્યાં સુજનનાં કર્મ

આર્ય સુજનતા દૈન્ય ગણી તો,

      યુદ્ધ એ જ યુગધર્મ.

      ન્હાનાલાલ

છલંગ મારી તાત્યાસાહેબ શિવાલયની પાછળ નજર ફેંકી. કોઈ માનવપડછાયો દૂર દૂર ખસતો ચાલ્યો જતો હોય એમ દેખાયું.

‘થોભો; પાછળ ન જશો.’ રુદ્રદત્તે કહ્યું. એ પડછાયાની પાછળ તાત્યાસાહેબ પડશે એમ રુદ્રદત્તને લાગ્યું.

‘હું હમણાં જ એને પકડું છું.’

‘શી જરૂર છે?’

‘ખબર પડે કે એ કોણ છે.’

‘ગણતરી એવી જ રાખવી કે જે આપણને સાવચેત બનાવે. એ દુશ્મન હોય તોય શું?’

તાત્યાસાહેબ પાછા શિવાલય ભણી વળ્યા અને રુદ્રદત્ત  પાસે બેઠા. તેમણે પૂછયું :

‘પંડિતજી! મારી પાછળ તો કોઈ જ જાસૂસ આવે નહિ એ હું જાણું છું. પણ હજી તમારી પાછળ કંપની સરકારની નજર ચાલુ છે કે શું?’

રુદ્રદત્ત હસ્યા. આકાશના તારાઓની માફક તેમના હૃદયમાં પૂર્વ સ્મરણો ચમકી રહ્યાં. એ સ્મરણોને દબાવતાં રુદ્રદત્તે જવાબ આપ્યો :

‘રાવસાહેબ! કોઈ પણ રાજ્યકર્તા પોતાના દુશ્મન પાછળ નજર ન રાખે તો તેનાથી રાજ્ય કેમ થાય?’

‘વાહ વાહ, પંડિતજી! મને બહુ આનંદ થયો. કંપનીના દુશ્મન તરીકે તમે હજી રહ્યા છો એટલે અમારી યોજનાને તમારે સાથ અને સફળતા મળશે.’

‘હું કંપનીનો દુશ્મન નથી. કંપનીના નોકરો પણ હવે બહુ વર્ષથી મને દુશ્મન માનતા અટકી ગયા છે. પાદરી સાહેબના આવ્યા પછી ખાસ કરીને.’

‘કયો પાદરી? પેલો તમારો પાંડુરંગી મિત્ર?’

‘ભાઈ ટોપેજી! એક વાત મને કહી લેવા દ્યો. હૃદયમાં ઝેર ન વરસાવશો. આપના વડીલ મારી જ જોડના અભ્યાસી. હું બહાર ભટક્યો પણ તેમણે શાસ્ત્રના અધ્યનમાંથી કદી મન અને તન ખસેડયું નથી. એ વડીલ રંગે નહિ પણ નામે તો પાંડુરંગ જ છે ને?’

‘પંડિતજી! હું બહુ ઉગ્ર બની જાઉં છું. મને ખાવુંપીવું ગમતું નથી. કંપની સરકારની જડ કેમ કાઢવી એના વિચારમાં મને નિદ્રા પણ આવતી નથી.’

‘એવી ઉગ્રતામાથી શું જન્મે?’

‘અગ્નિ.’

‘અગ્નિમાં આપણે જ ભસ્મ થઈ જઈશું તો?’

‘તો ખોટું શું? પેશ્વા ભસ્મ થયા; છત્રપતિ ભસ્મ થયા, પેલો મ્હૈસુરી મુસ્લિમ કેસરી ભસ્મ થયો. બાદશાહી અલોપ થઈ, અયોધ્યાની નવાબી ડૂબી અને શીખ વનરાજને પાંજરે પૂર્યા. હવે રહ્યું શું?’

‘આપણી એવી જ પાત્રતા હશે.’

‘પંડિતજી! ના બોલો એમ. હું બળવા અને બાળવા આવ્યો છું; ટાઢો પડવા નહિ.’

‘બળવા અને બાળવાનું પાપ એને જ નથી લાગતું કે જે ગીતાજીવન જીવે છે. નિર્મમોભૂત્વા.1′

‘મમત્વ તો હજી રહ્યું છે, અને જ્યારથી છબીલીની ઝાંસી ગઈ…’

ક્રોધના આવેશમાં તાત્યાસાહેબથી વાક્ય પૂરું થઈ શક્યું નહિ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના ઉદ્ગાર આખા હિંદની જનતાના કાનમાં રણકાર કરી રહ્યા હતા :

‘મારી ઝાંસી કદી આપીશ નહિ.’

લક્ષ્મીબાઈમાં આર્ય સ્ત્રીનું વીરત્વ, પવિત્રતા અને વાત્સલ્ય સંક્રાંત થયાં હતાં. લક્ષ્મીબાઈનું નામ સહુને નમન કરવા પ્રેરતું. એ પ્રાતઃ સ્મરણીય વીરાંગનાને લાડમાં તેના સંબંધીઓ છબીલી કહેતા.

ફડનવીસ નાનાસાહેબે સાચવી રાખેલી સ્વતંત્રતા બાજીરાવે નષ્ટ કરી, ફડનવીસ જેવા મહા ચકોર પુરુષની ભીતિ ખરી પાડી. સોહ્યાસોહામણા – ફૂટડા નક્ષત્ર સરખા એ અંતિમ પેશ્વામાંથી આખી પેઢીનું વીરત્વ અને મુત્સદ્દીપણું ઓસરી ગયાં હતાં; રહી હતી માત્ર આખી પેઢીની વિલાસપ્રિયતા અને સ્વચ્છંદતા. ફડનવીસ જતાં જ કંપનીબહાદુરનું છત્ર સુદર્શન ચક્ર સરખું ફરતું ફરતું પેશ્વાઈ ઉપર પથરાયું અને હિંદુ સત્તાનો અંત આવ્યો.

ક્વચિત્ વિલાસપ્રિયતામાંથી જાગૃત થતી શરમ બાજીરાવને પરાધીનતાનું દુઃખ ઉપજાવતી હતી, અને ધૂંધવાતા વીરોની ટોકણીથી તે સ્વાતંત્ર્ય મેળવવા ક્વચિત્ ક્વચિત્ મથન કરતા હતા; પરંતુ મૃત્યુથી ભય પામનારને મુક્તિ કદી મળતી નથી. બાજીરાવના પ્રયત્નો કંપનીબહાદુર વિરુદ્ધની ખટપટ અને બેવફાઈનું નામ પામ્યા, અને અંતે પેશ્વાઈના છેલ્લા વીર બાપુ ગોખલેથી ભસ્મ સાથે પેશ્વાઈ ભસ્મ થઈ ગઈ. પેશ્વાઈનો માલિક આઠ લાખ સાલિયાણું લઈ દેશવટો પામ્યો. પૂનાનો વાડો છોડી ગંગાતટ ઉપર બ્રહ્માવર્ત-બિથુરમાં તેણે ક્ષેત્રસંન્યાસ લીધો.

વ્યક્તિ કરતાં ભાવના સદાય મોટી છે. પેશ્વા કરતાં પેશ્વાઈ મહાન હતી. પેશ્વામાં હજી પેશ્વાઈની સજીવ મૂર્તિ નિહાળવા મથતા બાજીરાવના મિત્રો, આશ્રિતો અને કુટુંબીઓ બાજીરાવની સાથે બ્રહ્માવર્ત ગયા, અને પાછલી કીર્તિની ઝાંખી ઝાંખી સ્મૃતિઓનો આશ્રય લઈને, પેશ્વા બાજીરાવને વીંટળાઈ, નવી પેશ્વાઈ નિહાળવાનો મોહ તૃપ્ત કરતા ગયા. એ બ્રહ્માવર્ત ગયેલી મહારાષ્ટ્રીઓની ટોળીમાં ઉત્તર હિંદની મર્દાનગી અને છટા દાખલ થયાં. મહારાષ્ટ્રી તેમજ હિંદી એ બંને ભાષાઓ ઉપરનું તેમનું પ્રભુત્વ એ ટોળીમાંથી પ્રાંતિક તત્ત્વ દૂર કરી તેમનામાં રાષ્ટ્રીયત્વ ઉમેરતું હતું. એ ટોળીમાંના વેદશાસ્ત્રસંપન્ન પાંડુરંગ શાસ્ત્રીના પુત્ર તાત્યાસાહેબ પેશ્વાના દત્તક પુત્ર નાનાસાહેબની દસ વર્ષ મોટા હતા. અને મોરોપંત તાંબેની પુત્રી ભાવિ મહારાણી લક્ષ્મીબાઈ નાનાસાહેબ કરતાં દસ-અગિયાર વર્ષ નાની હતી. એ બાળકીનું સ્વરૂપ અને ચાતુર્ય અને તેજસ્વી છટા અને કોઈ માનવપરીક્ષકે આપેલ ‘છબીલી’ નામને સાર્થક કરતાં હતાં. સહુની માનીતી અને લાડકવાઈ છબીલી પેશ્વાઈ વિહોણા પેશ્વાના દરબારમાં કિશોરો અને યુવકો સાથે ઘોડે બેસતી, ભાલા ફેંકતી, તલવારના દાવ શીખતી, અને માત્ર કોઈ વિલાસભર્યા અંતઃપુરને શોભાવનારી મુલાયમ આકર્ષક છબીલી બનવા કરતાં, મર્દાનગીભર્યાં રણખેલમાં દીપતી શસ્ત્રધર છબીલી બનવાની આકાંક્ષા સેવતી હતી.

તાત્યાસાહેબને તે પુત્રી સમાન વહાલી હતી : નાનાસાહેબને તે બહેન સમાન હતી; અને પેશ્વાઈમાં ગર્વ લેનાર વિશાળ જનતાને મને એક છબીલી, એક દેવી સરખી પૂજ્ય હતી. નાનાસાહેબની જોડે હાથીના હોદ્દા ઉપર હઠ કરીને બેસતી બળછબીલી ઝાંસીની મહારણી લક્ષ્મીબાઈ બની.

અઢારમેં વર્ષે તો છબીલી વિધવા બની અને આર્ય રાણીને શોભે એવું પવિત્ર વૈધવ્ય ગાળતી એ ઝાંસીનું રાજ્ય ચલાવવા લાગી.

પરંતુ અંગ્રેજોની ભૂમિભૂખ સંતોષાય એમ હતું જ નહિ. નાની નાની બકાલાં કરતી કોઠીઓમાંથી નાનકડાં સંસ્થાનો સ્થાપી દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ તરફથી વહી આવતાં કંપનીનાં સત્તાશીલ મોજાં એકાએક બંગાળા ઉપર ફરી વળ્યાં, અને પ્લાસીના યુદ્ધે બ્રિટિશ સેનાપતિઓ અને મુત્સદ્દીઓના હૃદયમાં હિંદ જીતવાનાં સ્વપ્ન જગાડયાં. વેપારમાં જ સલામતી ખોળતા કંપનીના વિલાયતવાસી વ્યવસ્થાપકો સેનાનીઓનાં સ્વપ્નથી ગભરાઈ ઊઠયા : અને તોય એ વ્યવસ્થાપકોની અનિચ્છાને તુચ્છકારી તેમના સૈનિકો નેવું વર્ષમાં તો આખો ભરતખંડ ગળી ગયા.

વિજયી મુસ્લિમો સરખી ઉદારતા કંપની સરકારે બતાવી હોત તો હિંદુસ્તાનની જનતા કંપની સરકારને અપનાવી લેત. મુસ્લિમોનું સાર્વભૌમત્વ સ્વીકારાય એટલું તેમને માટે બસ હતું. જ્યારે કંપનીબહાદુરનું સાર્વભૌમત્વ સ્વીકારતાં રાજ્યો સહુથી પહેલાં તેને જ હાથે રહેંસાયાં. મહાન શિવાજીનો સતારાનો રાજવંશ અને મહાન રણજીતનો શીખ રાજવંશ એક જ વર્ષમાં કંપનીએ ઉખેડી નાખ્યા; એટલું જ નહિ, તંજોવરનું મરાઠી રાજ્ય, નાગપુરનો ભોંસલે વંશ અને ઝાંસીનો બ્રાહ્મણ રાજવંશ કંપની સરકારે એક ઝપાટે નષ્ટ કરી નાખ્યા. તેજવિહીન છેલ્લા બાજીરાવ પેશ્વાનું લાંબું નિરુપયોગી જીવન અંતે ખૂટયું. અને તેના પુત્ર નાનાસાહેબને મળવાપાત્ર સાલિયાણું બંધ થયું. હિંદના એક સમયના સમ્રાટ મોગલોનો છેલ્લો વારસ દિલ્હીમાં પણ કશી સત્તા ભોગવતો નહોતો. કિલ્લામાં  કેદ કરી રાખેલી તેની બાદશાહી પણ તેના પુત્રને મળવાની નથી, એમ કંપની સરકારે જાહેર કર્યું. અયોધ્યાના કમનસીબ નવાબ વાજીદઅલીના રાજ્યમાં અંધેર ચાલે છે એમ ઠરાવી તેને પદભ્રષ્ટ કર્યો. બ્રહ્મદેશ અને સિકીમમાંથી કોઈ પણ બહાને મુલક કોતરી કાઢયો. અને નિઝામના વરાડ પ્રાંતને ઝૂંટવી લઈ, એ નિર્માલ્ય બની ગયેલા રાજાને રુદન કરતો બનાવ્યો.

છત્રપતિ, પેશ્વા, મોગલ શહેનશાહ અને અયોધ્યાના નબાવે કંપનીબહાદુરના હિંદુમાં વસતા અધિકારીઓની બને એટલી પળશી કરી; પરંતુ દૃઢ નિશ્ચયનોય મુદ્રાલેખ લખી આવેલા એ અધિકારીઓ દયામાં માનતા નહોતા. વિલાયતમાં દયા નિવાસ કરતી હશે એમ ધારી, એ રાજપડછાયાઓએ ભારે ખર્ચ કરી પોતાના વકીલો અને મુખત્યારોને વિલાયત મોકલ્યા; પરંતુ ખોટું ન દેખાય એવી રીતે ના કહેવાની કળા જેમને સિદ્ધ થઈ છે એવા બ્રિટિશ મુત્સદ્દીઓ પોતાના અમલદારોનું કરેલું કાર્ય ફેરવવાની દુર્બળતા કદી બતાવતા નથી. વિલાયતનો ખર્ચ કરી પાછા ફરેલા વકીલોના કુળ, ભૂતકાલીન મહારાજાબાદશાહ ઊકળી રહ્યા.

છબીલીનું ઝાંસી જાય એ તાત્યાસાહેબની કેમ સહન થાય? પુત્રીની મિલકત લૂંટનારને તે કંઈ સજા ન કરે?

તાત્યાસાહેબ ક્રોધના જુવાળ શમતાં કહ્યું :

‘રુદ્રદત્ત ! છબીલીને સ્થાને કલ્યાણીને જુઓ, અને પછી મનને મોહ તજવાનું કહો.’

રુદ્રદત્તનું સ્થિર હૃદય જરા હાલી ઊઠયું : મનને વશ રાખવાનું દુર્ઘટ કાર્ય સફળ રીતે કરતા રુદ્રદત્તને લાગ્યું કે કદાચ હૃદય ઊકળશે તો? સહજ શાંત રહી હૃદય ઉપર ભારે સંયમ રાખી અંતે તેઓ બોલ્યા :

‘છબીલી અને કલ્યાણીમાં મને ફેર લાગતો નથી. બંને મારી દીકરીઓ છે; પરંતુ કંપની સરકારના કૃત્યમાં મને કાંઈ ક્રુદ્ધ કરે એવું દેખાતું નથી.’

‘રાજ્ય ઝૂંટવી લે તોપણ?’

‘કેમ રાજ્ય ઝૂંટવી ન લે? સો વરસમાં તમારાં હિંદુમુસ્લિમ મહારાજ્યો ઘાસનાં તણખલાં સરખાં ઊડી ગયાં. વંટોળિયો ફૂંકાય છે; ઝાંસી ઊડી જાય એમાં નવાઈ નથી.’

‘અને તમે એ વંટોળિયાને વધાવી લેશો, ખરું?’

‘વધાવી ન લઉં તો પણ એમ તો ઇચ્છું જ કે આ સેંકડો નિર્માલ્ય રાજ્યનામી રાજ્યો ભલે અદૃશ્ય થઈ જાય. એ રાજ્યોની અતિશયતાએ ભૂતકાળના હિંદને ડુબાવ્યું છે અને ભાવિ હિંદને ડુબાવશે પણ તે જ. કાળચક્ર ભલે સહુ ઉપર ફરી વળે.’

‘પેશ્વાના હિતસ્વી આ શબ્દો બોલે છે?’

‘તાત્યાસાહેબ! પેશ્વાઈ સાચવવા મેં શું કર્યું છે તેનો ઇતિહાસ તમારે કામનો નથી; પેશ્વાઈ ફરીથી સ્થાપવા મેં શું કર્યું એ જાણવાથી હવે કાંઈ વળે એમ નથી. કંપની સરકારને હિંદમાંથી દૂર કરવા મેં પરદેશમાં શું શું મથન કર્યું છે તે વાત ગુપ્ત રાખવી જ સારી છે. એટલું આપ જાણી લ્યો કે મેં મારી જિંદગી કદી વહાલી કરી નથી. મને મારા એકના એક પુત્રનું બલિદાન પણ એ પ્રયત્નોમાં આપ્યું છું.’

‘તેનો આછો ખ્યાલ મને છે. માટે આપની પાસે આવ્યો છું.’

‘પરંતુ હું નિષ્ફળ નીવડયો તેમ આપ પણ નિષ્ફળ નીવડશો એવો મને ભય રહે છે.’

‘હિંદ આખું તૈયાર બની ગયું છે.’

‘શબ્દમાં તેમ હશે; કાર્યમાં નહિ.’

‘બધા જ રજવાડાંઓએ મને આશા આપી છે.’

‘એ તમારી આશા ફોક છે. રજવાડાંઓમાં દૈવત હોત તો કંપની સરકારનું છત્ર આખા હિંદ ઉપર પથરાત નહિ. કંપનીના દુશ્મન તરીકે તમે બહાર પડશો તે ક્ષણે તમને એકે રજવાડો પાણી સુદ્ધાંત પાવાનો નથી.’

‘કંપનીના સૈનિકો બળી રહ્યા છે.’

‘એ સૈનિકોને દોરનાર કોઈ રહ્યંૅ નથી.’

‘કેમ નહિ?’

‘હું સમજાવું. મારી છેલ્લી આશા રણજિતસિંહ ઉપર હતી. એ આશા અફળ ગઈ, અને તેના કંપની સરખા કવાયતી લશ્કરથી કંપનીને દૂર રાખી શકાય નહિ. એ તમે જાણો છો. હિંદી લશ્કર એક પીંઢારાનું ટોળુ બની જાય છે!’

‘ત્યારે હવે આપણે હાથ જોડીનું બેસવું?’

‘એમ બને તો ખોટું નથી. ઈશ્વર તરફ હાથ લંબાશે તો તે માર્ગ સૂચવ્યા સિવાય નહિ જ રહે.’

‘એણે જ સૂચવેલો માર્ગ હું લઉ છું.’

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.