૨૩ : ભડકો

ઝબકે મહીં ધૂણી જોગીની.

      ન્હાનાલાલ

સૂર્યોદય થતા પહેલાં તો કવાયતના મેદાનમાં ચોત્રીસમી પલટણ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગઈ. કારતૂસો લેવાની ટુકડીએ ના પાડી હતી એટલે જાહેર રીતે તેનાં હથિયાર છીનવી લઈ. માણસોને વિખેરી નાખવાનાં હતાં. સૂર્યોદય થવાનો ન હોય એવી ખરી આગાહી કોઈ જ્યોતિષી આપે, અને એ ભયંકર આગાહી ખરી પડતી નિહાળતા કઠિન હૃદયનાં છતાં ઉદાસ માનવટોળાં ગંભીરતાથી આકાશ નિહાળતાં હોય, એવા પલટણના સૈનિકો દેખાતા હતા. તેમની પાસે આજે બે પ્રશ્નો હતા : ધર્મભ્રષ્ટ કરનારી કારતૂસો લેવી, અગર જાહેર રીતે શસ્ત્રવિહીન બનવાનું અપમાન સ્વીકારવું. સૈનિકે શું કરવું? ધર્મભ્રષ્ટ થવું? કે અપમાન સહન કરવું?

પલટણના આગેવાનોએ આખી રાત સૈનિકોને શાંત રહેવા વિનવણી કરી હતી. શસ્ત્રાો છીનવી લેવામાં આવે તોપણ સૈનિકોએ અશાંત ન થવું એવો બોધ તેમને ભાર મૂકીને કર્યો હતો. આગેવાનોને જીવ વહાલો હતો માટે નહિ, પરંતુ આખી બળવાની યોજના અસ્તવ્યસ્ત થઈ જાય એ માટે, તેઓ જીવ કરતાં પણ વધારે મોંઘી પ્રતિષ્ઠા ખોવા તૈયાર હતા, શસ્ત્ર છોડી વિખેરાઈ જવું, અને પ્રત્યેક સૈનિકો સ્થળે સ્થળે ક્રાન્તિગ્રન્થિ બની ફેલાઈ જવું એ નિશ્ચય થયો હતો. માત્ર મંગળ પાંડે બેરેકમાં એકલો સૂઈ રહ્યો હતો; તેને કોઈ સાથે મંત્રણા કરવી ન હતી. ભાંગનો એક કટોરો પી તે નિદ્રાવશ થયો. સહુથી પહેલો તે ઊઠયો; ઠંડે પાણીએ તેણે સ્નાન કર્યું; સંધ્યામાં તેણે રોજ કરતાં વધારે સમય વિતાવ્યો; સહુ કરતાં પહેલો તે શસ્ત્રસજ્જ થયો; અચાનક ‘હરહર મહાદેવ’ની બૂમ પાડી. અને સખત શાંત મુખ કરી તે સૈન્યમાં પોતાને સ્થાને જઈને ઊભો.

સૈન્ય મેદાનમાં જઈ ઊભું અને વ્યવસ્થિત રીતે ગોઠવાયું. ગોરા ઉપરીએ કહ્યું :

‘અત્યારે કારતૂસો વહેંચવાની છે. તે કેમ વાપરવી તે અહીં બતાવશે. પછી દરેક જણે આવી શાંતિથી કારતૂસો લેવી.’

એક ગોરા સૈનિકે કારતૂસો કેમ વાપરવી તે મુખ વડે તોડી બતાવ્યું.

આખા સૈન્યમાં કમકમાટી ફેલાઈ. કારતૂસમાં ચરબી નહિ જ હોય તોપણ એક વખત એવી માન્યતા જડ ઘાલી બેઠી એટલે તે ખસવી મુશ્કેલ હતી.

‘હવે આવીને લઈ જાઓ.’ ઉપરીએ હુકમ આપ્યો.

સૈન્યમાંથી એક પણ માણસ આગળ આવ્યો નહિ. ઉપરીની આંખ ફાટી. તેનો અવાજ પણ ફાટયો. તેણે બૂમ મારી :

‘આ ફિતૂરની પરિણામ જાણો છો?’

કોઈએ કશો જવાબ ન આપ્યો. તેમ કોઈ આગળ પણ ન આવ્યું.

‘હથિયાર છોડો.’

એક સૈનિક ઉપરી પાસે જઈ હથિયાર મૂકવા તત્પર થયો. મંગળ એકાએક સૈન્ય ગોઠવણીમાંથી બહાર ધસી આવ્યો અને બૂમ મારી ઊઠયો.

‘ભાઈઓ! શા માટે નામર્દીનું કલંક વહોરો છો? હથિયાર છોડવાનાં નથી; હથિયાર ખેંચવાના છે.’

મંગળના શબ્દોએ આખા મેદાનમાં વીજળી પ્રગટાવી. પ્રત્યેક સૈનિકની આંખ ચમકી ઊઠી. શસ્ત્ર મૂકી દેવા આગળ વધતો સૈનિક ત્યાંનો ત્યાં જ અટકી ગયો.

ગોરા ઉપરીએ આ અસહ્ય ફિતૂર પ્રત્યક્ષ જોયું. જોરદાર અવાજથી ધમકી ભરેલી આંખથી અને તોછડાઈથી આપવામાં આવેલા હુકમો બરાબર પળાય છે – હિંદવાસીઓ તો તેવા હુકમોનું પાલન કરે જ છે એમ ગોરી પ્રજાની જાણમાં છે. ઉપરીએ હુકમ આપ્યો :

‘મંગળને પરહેજ કરો.’

લશ્કરમાં ઉપરીનો હુકમ એ બ્રહ્મવાક્ય મનાય છે. પરંતુ આ વખતે આખા સૈન્યમાંથી એકે હાથ કે એકે પગ હાલ્યો નહિ.

‘મેજર સાહેબ! આપ ચાલ્યા જાઓ તો કેવું?’ મંગળે સહજ વિનંતી કરી. સાર્જન્ટ મેજર હ્યુસન મેદાન ઉપર હુકમ આપવાને આવ્યો હતો. હુકમ પાળવાને માટે નહિ. જિંદગીને બહુ સાચવી જાણનાર અંગ્રેજ જિંદગીને જોખમાવતાં પણ ડરતો નથી. મંગળ પાંડેની કે આખા શસ્ત્રસજ્જ ફિતૂરી સૈન્યની તેને બીક લાગી નહિ. હુકમ પાળવો જ જોઈએ એવી દૃઢતા ધારણ કરી તે સહજ આગળ વધ્યો અને બૂમ પાડી ઊઠયો :

‘શું? શું બોલ્યો?’

શાંત મેદાનમાં એક ભયંકર ધડાકો થયો. પડું પડું કરતી વીજળી છેવટે પડી જ. એક બંદૂકની ગોળી છૂટી અને તત્કાળ મેજર હ્યુસન જમીન પર ઢળી પડયો.

કંપની સરકારના ઘમંડને આ પહેલો જવાબ. ખરી અગર ખોટી ધર્મભાવનાને ન ગણકારવાની વૃત્તિનો આ પ્રથમ પ્રત્યક્ષ સામનો. લશ્કરી અંકુશ નીચે સંતાયલા અપમાન સામે આ પહેલો ઉછાળો.

પશ્ચિમની સેના કદી સેનાનાયક વગર રહેતી નથી. એક સેનાપતિનો યુદ્ધમાં પ્રાણ જાય કે તરત તેનું સ્થાન લેવાને બીજો સેનાપતિ પ્રથમથી જ નિર્ણીત થયો હોય છે. એ અધિકાર પરંપરાને લીધે સેનાનાયકના મૃત્યુથી તેમના સૈન્યમાં કદી ભંગાણ પડતું નથી. હિંદુ, સૈન્યમાં તો રાજા પડે કે સેનાનાયક પડે એટલે સૈન્યે ભાગવું  જ જોઈએ એવો જાણે નિયમ હોય એમ લાગે છે. નાયકના પડવાથી જીત ઉપર આવેલા લશ્કરો પણ પલાયન કરી જાય છે. હિંદના લશ્કરી ઇતિહાસમાં આમ ઘણી વખત બન્યું છે, અને તેને લીધે અમુક અંશે હિંદુઓને રાજકીય પરાધીનતા સ્વીકારવી પડી છે. સેનાનાયક કદી મરતો નથી એ સિદ્ધાંત પશ્ચિમે બરાબર પાળ્યો છે. આત્માના અમરત્વમાં – જીવના પુનર્જીવનમાં – માનતી હિંદુ સેનાના અધિપતિનો ક્ષર દેહ અદૃશ્ય થતાં તેનો આત્મા પણ સૈન્યમાંથી અદૃશ્ય થયો મનાય છે.

મેજર હ્યુસન પડતાં જ લેફ્ટેનન્ટ બૉગે નાયકત્વ ધારણ કર્યું, થનક થનક નાચી રહેલી ધોળા ઘોડા ઉપર બેઠેલી શોભાયમાન ગોરાએ હ્યુસનનો બોલ ચાલુ રાખ્યો. જરા પણ સંકોચ વગર તેણે સૈન્યને આજ્ઞા કરી :

‘મંગળને પરહેજ કરો.’

‘સૈન્યમાંથી એક પણ સૈનિક હાલ્યો નહિ. બૉગ સાહેબના હુકમનો પડઘો પાડતી એક બંદૂક ગર્જી, અને થનગનતો અશ્વ જમીન ઉપર લોટી પડયો.  અંગ્રેજ સૈનિકની જંઘા વચ્ચે દબાઈ ઉચ્ચતા અનુભવતા હિંદી અશ્વનું ગુલામી માનસ મંગળથી સહન થઈ શક્યું નહિ. અશ્વના રૂપની તેને દયા આવી નહિ. ઊલટું તાબેદારીમાં ગુમાન ધારણ કરતું બળરૂપ મંગળની આંખને અસહ્ય થઈ પડયું. મંગળે બૉગ સાહેબના અશ્વને વીંધી નાખ્યો.

અશ્વ ઢળી પડતાં સવાર પણ જમીન ઉપર પડયો. અપમાનની ભયની જરા પણ લાગણી અનુભવ્યાં સિવાય બૉગ સાહેબ જમીન ઉપર ઊભો થયો.

‘લેફ્ટેનન્ટ સાહેબ! પાછા ફરો.’ મંગળે સૂચના આપી.

અંગ્રેજોએ ભયથી પાછાં પગલાં ભર્યાં હોત તો અખંડ સૂર્ય તપતું મહારાજ્ય તેઓ સ્થાપી શક્યા ન હોત. બૉગ સાહેબે કહ્યું :

‘તને કોઈ નહિ પકડે તો હું પકડીશ.’

આટલું કહેતાં બરોબર પોતાની પિસ્તોલ તેણે મંગળ પાંડે સામે તાકી અને ફોડી. મંગળે આ અચૂક નેમને ચૂકવી. સાહેબની પાસે બીજી ગોળી નહોતી. તેણે પોતાની તલવાર ખેંચી અને મંગળ પાંડે સામે ધસારો કર્યો.

મંગળે પોતાની બંદૂક ફેંકી દીધી અને પોતાની તલવાર ખેંચી દુશ્મનની સ્થિતિનો લાભ લેવાની વ્યાપારી વૃત્તિ મંગળના હૃદયમાં સ્થાન પામી શકી નહિ. બૉગ સાહેબના ધસારા સામે તે પણ ધસ્યો. એક વીજળી જેવો ચમકારો થયો અને બૉગ સાહેબ ઢગલો બની જમીન ઉપર પડયા. એક બાજુએ તેનો સુંદર અશ્વ અને બીજી બાજુએ એ રૂપાળો અંગ્રેજ જરા પણ તરફડયા સિવાય શાંતિથી મૃત્યુને ભેટી રહ્યા.

મંગળ એ બંનેને જોઈ રહ્યો. આખી કંપની સરકાર સામે એકલો એકલવાયો ઊભેલો મંગળ બે ગોરાઓને અને એક ગોરા અશ્વને જીવનવિહોણા બનાવી ઊભો હતો. જીવનવિનાશ એ સહેલી વસ્તુ છે. બહાદુરીથી મૃત્યુને ભેટતા – ભેટી ચૂકેલા એ બંને બ્રિટિશ વીરોને વહાલભરી દૃષ્ટિએ નિહાળી રહેલા મંગળ પાંડે ઉપર એક બીજા બ્રિટિશ સૈનિકે ધસારો કર્યો. મંગળ સાવચેત થાય તે પહેલાં તો એક દેશી લશ્કરીએ બંદૂકનો કુંદો તેને માર્યો અને તેનું માથું ચીરી નાખ્યું.

આમે ત્રણે ગોરાઓના દેહ ભૂમિશાયી બન્યા. મંગળે રુધિરભરી તલવાર ઊંચકી અને તેણે સૈનિકોને કહ્યું :

‘વીરો! આ ક્ષણ છે. તલવારને ખેંચો. યોજનાની રાહ જોશો તો જીવનભર અપમાન સહેવું પડશે.’

‘મંગળ, મંગળ! ચાલ્યો જા. નાસી છૂટ!’ એક સૈનિકે જોસથી બૂમ પાડી.

‘શા માટે?’

‘તને પકડશે. અમે ક્રાંતિની  યોજના ના બગાડવા પણ લીધું છે. અમે કોઈ તને સહાય કરી શકીશું નહિ.’

‘નામર્દો! મેં તમારી સહાય માગી જ નથી. અપમાન સહન કરવું હોય તો ભલે જીવો.’

‘બધી બાજી બગાડી. અધીર! ઉતાવળો!’

‘જેને મરતાં વિચાર આવે તેની બાજુમાં પણ શું તેજ હોય? આ ત્રણે ગોરાઓને જુઓ. એમનાં શબ પણ તમને ગભરાવી રહ્યાં છે. તમારા કરતાં આ ભૂમિમાં પડેલા મૃતદેહ વધારે વીરત્વભર્યા છે.’

મંગળ હજી તલવાર ફેરવતો હતો. તેનામાં એક જાતની ઘેલછા દેખાતી હતી. આખું હિંદી સૈન્ય – ચોત્રીસમી પલટણ પાછી વળી. મંગળ મેદાન ઉપર એકલો ઊભો હતો. તેને ખાતરી હતી કે આ મેદાન ઉપર જેટલા ગોરા હશે તેટલા આવ્યા સિવાય રહેવાના નથી. તે બંને પ્રજાઓ વચ્ચેનો તફાવત સમજાયો. હથિયારબંધી હિંદી સૈન્ય પાછું વળે છે. જ્યારે એક પછી એક ગોરો એકલો પણ પોતાના હુકમનું પાલન કરાવવા જીવ આપ્યે જાય છે.

મંગળે સૂર્ય તરફ દૃષ્ટિ કરી. સૂર્યમાંથી રુદ્રદત્તનું મુખ ઊપસી આવ્યું. રુદ્રદત્તના મુખ ઉપર સહજ શોક દેખાયો. આ ત્રણ ગોરાઓની હિંસા માટે એ ગુરુ મંગળને ઠપકો આપતા દેખાયા. મંગળને તેમના કોઈ સમયના બોલનો પડઘો સંભળાયો :

‘હજી તો અંગ્રેજોને લાંબો વખત ગુરુ કરવા પડશે.’

તેને ગોરાઓ પ્રત્યે અંગત વેર કશું જ નહોતું. રુદ્રદત્તના કથનમાં તેને આધારે સત્ય દેખાયું. તેને પોતાની જ એક ખામી પ્રત્યક્ષ દેખાઈ. જે રાજસત્તા ઉથલાવી પાડવા તે તત્પર થયો હતો તે રાજસત્તા જેવી બહાદુરી એ બતાવી શક્યો એ ખરું, પરંતુ એની યોજનાશક્તિ ક્યાં? ક્રાંતિની આખી ઘટનાને મંગળ પોતે જ વફાદાર રહી શક્યો નહિ; એક માણસના અંગત અપમાનને તેણે વધારે મહત્ત્વ આપ્યું. તે બહાદુર ખરો; પરંતુ મરવા અને અપમાન સહન કરવા તૈયાર, અન્ય સૈનિકો તેનાથી ઓછા બહાદુર છે એમ માનવામાં શું તેણે ભૂલ કરી નહોતી?

દૂરથી એક નાનકડું સૈન્ય ધસતું આવતું તેણે જોયું. એ સૈન્ય તેને માટે જ – તેને પકડવા માટે જ – આવતું હતું. દૂર નાખી દીધેલી બંદૂક તેણે પાછી લીધી. તલવાર – રુધિરભીની તલવાર – તેણે મ્યાન કરી. તેના હાથ પણ રુધિરથી રંગાયલા હતા. બે, ત્રણ, ચાર ગોળીઓ તે છોડી શકે; બે, ત્રણ, ચાર સૈનિકોને તે તલવારથી કાપી શકે. પરંતુ તેથી શું? હિંદ હજી ક્રાંતિને માટે તૈયાર નહોતું. મંગળથી એ તૈયારી સુધી થોભી શકાયું નહિ. હજી પણ તેને ખાતરી નહોતી કે તે ક્રાંતિના દિન સુધી સઘળું સહન કરી શકત. સમગ્ર હિંદની તૈયારી થતાં સુધી અપમાન સહન કર્યા કરવામાં તેની મર્દાનગતી ઘવાતી હતી. ડહાપણ અને યોજનાની તે પ્રશંસા કરી શક્યો; પરંતુ એ ડહાપણ અને યોજનાને તે સર્વદા સંમતિ આપી શકશે કે કેમ એની તેને પોતાને જ શંકા હતી!

અને નાસી જવાય તો? તો કદાચ ઊગરી જવાય. પરંતુ મંગળને નાસવાનો વિચાર મંજૂર થાય જ કેમ? પાછો પગ કરીને જીવવું એના કરતાં મૃત્યુ શું ખોટું? પાછો પગ એટલે મંગળના વ્યક્તિત્વનો તેજોવધ; મંગળના વીરત્વનો તેજોવધ. નાસવું એટલે હિંદનાએક સૈનિકની કાયરતા, સૈનિક પાછો પગ મૂકે તો તેની સાત પેઢીને લાંછન લાગે! સૈનિક અને ક્રાંતિકારી મૃત્યુથી ડરે તે ક્ષણે સૈન્ય અને ક્રાંતિ ધૂળમાં મળી ગયાં સમજવા.

અને એક મંગળના જીવનની કિંમત કેટલી? તે જીવે તો પગતળે કચરાવાને પાત્ર જંતુના જેટલી. તો મૃત્યુ પામે તો? ભલે તેનું જીવન નિરર્થક હતું; ભલે તેનું જીવન યથાર્થ ન નીવડયું. તેના મૃત્યુથી સર્વને એક શિક્ષણ તો જરૂર મળે કે એક હિંદવાસી મૃત્યુથી જરાય ડરતો નથી. એટલું શું તેના જીવનને સાર્થ કરવા માટે થોડું છે?

‘ત્યારે કેટલાકને મારીને મરવું?’

‘ન મારી નિરર્થક ન માર!’ મેદાનમાંથી એક અવાજ મંગળને સંભળાયો.

‘કોણ એ બોલ્યું? રુદ્રદત્ત? ગુરુ!’

તેણે ચારે પાસ નજર કરી. ગોરું સૈન્ય માત્ર ધસતું દેખાયું. રુદ્રદત્તનો પડછાયો સરખો નજરે પડયો નહિ.

‘એ અહીં ક્યાંથી હોય?’

છતાં તેની દૃષ્ટિ રુદ્રદત્તને જોઈ રહી. તેના મુખમાંથી ખુન્નસ અને વેરઝેર ઓસરી ગયાં. મરતી વખતે ગુરુઆજ્ઞા માનવાનું તેને મન થયું. તે પોતે પકડાશે અને પકડાઈને ગોરાઓને હાથ ઝબેહ થઈ જશે એમ તે જાણતો હતો. છતાં તેના મનમાં કિન્નો ન રહ્યો પાંચસાત અંગ્રેજને માર્યાથી શું? એથી ક્રાંતિ સફળ થતી હોય તો ભલે તે કાર્ય થાય. પરંતુ ક્રાન્તિની સફળતા ખૂનની સંખ્યા ઉપર આધાર રાખી શકે જ નહિ. ક્રાન્તિનો આધાર મરવાની તૈયારી ઉપર રહેલો છે. તે પોતે જ મરવાની તૈયારીનું મંગલાચરણ કરે તો શું ખોટું?

અંગ્રેજોને હાથે મરવું સહેલું હતું. પરંતુ એના કરતાં વધારે ઉજ્જ્વલ મૃત્યુ શું ન મળી શકે? સ્વહસ્તે મૃત્યુ થાય તે મૃત્યુ અપવિત્ર ન થાય, અને આત્મહત્યા એ કાયરતાના પરિણામરૂપ ન હોવાથી તેમાં પાપ પણ લાગે એમ ન હતું. કદાચ પાપ લાગે તોય તેનું પ્રાયશ્ચિત્ત ઇચ્છવા યોગ્ય હતું. આત્મઘાતી સાતે જન્મ આત્મઘાત કરી મૃત્યુ પામે છે. દેશને માટે સાતે જન્મ સુધી મરી શકાતું હોય તો તે સ્વીકારી લેવું જોઈએ. મંગળનું મન આમ વિચારી રહ્યું હતું.

ગોરી ટુકડી છેક પાસે આવી. બંદૂકો અને સંગીનો તેની સામે ધસતી હતી. હાથ ઉપાડવાની મના કરતા રુદ્રદત્ત વારંવાર ઝબકી જતા હતા. મંગળે પોતાની બંદૂક ઊંચકી. તે નીચે બેઠો. તેણે પગ લાંબો કરી બંદૂકનું મુખ છાતી સામે ગોઠવ્યું; પગના અંગૂઠા વડે બંદૂકનો ઘોડો તેણે દબાવ્યો.

જબરજસ્ત ધડાકો થયો. મંગળ પાંડે લોહીલુહાણ થઈ જમીન ઉપર ઢળી પડયો. ત્રણ મૃત અંગ્રેજ અને એક મૃત પશુની સાથે તે પણ ભૂમિ ઉપર ઢળી પડયો. ભૂમિ એ જગન્માતા છે. એને ખોળે કોને સ્થાન ન મળે? એને પશુ તથા માનવીના ભેદ નહિ! પછી એને માનવી માનવી વચ્ચે તો ભેદ હોય જ શાના? ગોરા અને કાળા બંનેને એ સરખા ભાવથી ગોદમાં સુવાડે છે.

મૃત્યુએ ગોરાકાળાની માનવતા એક બનાવી.

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.