૭ : સહગમન કે ભાવનાસિદ્ધિ?

સુખની પળોને પણ અવધ હોય છે. માનવી એટલે જ મર્યાદા. માનવીના માનવસુખની પણ પાળો બંધાય છે. જીવનભર દાબી રાખેલી ઊર્મિને ચુંબનમાં વહેતી કરી કલ્યાણીએ પણ ગૌતમના સરખું જ અકથ્ય દૈવી સુખ અનુભવ્યું. ઊર્મિના વેગની પ્રથમ મૂર્છા વળતાં કલ્યાણીએ જોયું કે નિર્બળ – ઘવાયેલા ગૌતમને તે થાક લગાડી રહી છે. પણ ના, ગૌતમના હસ્ત હજી તેને કંઠે જ વળગેલા હતા! તેને એકાએક લાગ્યું કે ગૌતમના હસ્તમાંથી કશું ઊડી ગયું હતું. અને… અને…. ગૌતમનો આછો ઊનો શ્વાસ તેના ગાલ ઉપર ગલીપચી કેમ નહોતો કરતો? તે ચમકી. ધીમે રહી તેણે ગૌતમના હાથ પોતાના કંઠ ઉપરથી ખસેડયા. અને પોતાનું મસ્તક ઊંચકી તેણે ગૌતમ તરફ જોયું. તેનાથી ચીસ પડાઈ ગઈ:

‘ગૌતમ, ગૌતમ!’

ગૌતમ અને કલ્યાણીને એક ક્ષણમાં લાખો ગાઉનાં છેટાં પડી ગયાં. તેણે ગૌતમના મુખ ઉપર હાથ ફેરવ્યો; ગૌતમના મુખને તેણે સહજ હલાવ્યું. ગૌતમ એ દેહમાંથી જવાબ આપી શક્યો નહિ. તેણે તંબૂમાં નજર નાખી. તંબૂમાં કોઈ નહોતું. બંને પ્રેમીઓને એકલાં મૂકી રક્ષકો બહાર નીકળી ઊભા હતા. કલ્યાણીએ બૂમ પાડી :

‘ત્ર્યંબક!’

‘શું છે?’ ત્ર્યંબકે દોડતા આવી પૂછયું.

‘જો ને, આ ગૌતમ આંખ મીંચતો નથી અને હસ્યા કરે છે.’

ત્ર્યંબકે ગૌતમ સામે જોયું. તંબૂ બહારથી રક્ષકો પણ દોડી આવ્યા. પોતાના ફટકી જતા મનને ત્ર્યંબકે વજ્રભાર મૂકી સ્થિર કર્યું અને કહ્યું :

‘કલ્યાણી! તું જરા બહાર બેસીશ!’

‘ના. કેમ?’ કલ્યાણીએ પોતાનો નિશ્ચય જણાવી પૂછયું.

‘અમસ્તું જ. હું ઠીક કહું છું.’

‘હું મારા ગૌતમને મૂકી ખસીશ નહિ.’ કહી કલ્યાણીએ પાછો ગૌતમના મુખ ઉપર હાથ ફેરવ્યો. તેની નિશ્ચલ આંખો દેખી કલ્યાણી ચમકી.

‘ત્ર્યંબક! ગૌતમને શું થાય છે?’ કલ્યાણીથી પુછાઈ ગયું. ગૌતમને શું થતું હતું એ કોણ કહી શકે? ગૌતમને જોઈ ત્ર્યંબકને શું થતું હતું તે ત્ર્યંબકથી પણ કહેવાતું નહોતું. ત્ર્યંબકની આંખમાં આંસુ આવી અટકી ગયાં. તેણે મહા પ્રયત્ન કરી આંસુને અટકાવ્યાં. પ્રયત્નપૂર્વક તેણે નઠોરતા કેળવી હતી. પથ્થરહૃદય બનાવી તેણે રુદ્રદત્તની ક્રિયા કરી; જીવનભરની સંગ્રામમહેચ્છાને તિલાંજલિ આપી; ગૌતમ અને કલ્યાણીના સ્નેહને પોષ્યો, અને પોતાના હૃદયની સઘળી કુમળી ભાવનાઓને તેણે કચરી નાખી! શા માટે? કલ્યાણી હસતી રહે – સુખી રહે એ જોવા માટે. તેને સ્થાને આજ આંસુના સાગર ઉછાળતું ગૌતમનું મૃત્યુ તેણે દીઠું અને કલ્યાણી શું શું પૂછતી હતી?

ત્ર્યંબકને કશો જવાબ જડયો નહિ. તે ઊભો ઊભો ગૌતમ તરફ જોઈ રહ્યો.

‘બોલ ત્ર્યંબક! બોલતો કેમ નથી? મારા ગૌતમને શું થાય છે?’ વિહ્વળ કલ્યાણીએ ફરી પૂછયું.

‘તું અહીંથી ખસીને બહાર બેસે તો હું જોઉં ને? તે સિવાય મને શું સમજાય?’ ત્ર્યંબકે કહ્યું.

‘મારા બેઠાથી તને સમજાતું નથી? જુઠ્ઠું? કહે કહે, મને ભય લાગે છે. ગૌતમ હસતો બંધ ક્યારે થશે?’

‘બહેન! એનું હાસ્ય શાશ્વત બની ગયું છે. એ બંધ નહિ થાય!’ કોઈ રક્ષકે કહ્યું.

‘કેમ?’

‘આપણને રડતાં મૂકી એ ચાલ્યો ગયો.’

‘ક્યાં?’

‘સ્વર્ગમાં.’

‘મને પણ મૂકીને?’

ખરે, ગૌતમ આખા વિપ્લવને મૂકીને – વહાલી કલ્યાણીને મૂકીને ચાલ્યો ગયો હતો. એક યુદ્ધ એટલે લાખો માનવીઓની સૃષ્ટિનો ભંગ! એક ભાંગ્યુંતૂટયું અસ્થિર રાજ્ય મેળવવું કે કાયમ કરવું એટલે લાખો માનવીઓની જીવનકલાને ભસ્મમાં મેળવવી. એક એક માનવી એટલે એક એક સૃષ્ટિ! એવી અનેક સૃષ્ટિઓને ખંડિત કરતાં યુદ્ધના અંગારામાંથી ઉદ્ભવતાં રાજ્યો શું એ ભોગને પાત્ર હોય છે? માનવસંહારથી ઘડાતું કયું રાજ્ય પ્રજાનું ભલું કરી શક્યું છે? અને છતાં માનવી યુદ્ધ માગે છે!

ત્ર્યંબકના વિચાર અટકી ગયા. કલ્યાણીની આંખ પણ મૃત્યુ સરખી સ્થિર બની ગઈ. કોઈ અમાનુષી સત્ત્વ કલ્યાણીના દેહમાં પ્રવેશ પામ્યું હોય એમ લાગ્યું. તેણે મસ્તક ઊંચું કર્યું. કોઈને આજ્ઞા કરતી હોય એવો ચાળો કર્યો. અને અંતે ગૌતમનો મૃત હાથ ઝાલી ગૌતમના અચેતન મુખ સામે જોઈ તે હસી. સહુને ભય લાગ્યો. કલ્યાણી ઘેલી તો નહોતી બની ગઈ?

‘કલ્યાણી!’ ત્ર્યંબકે બૂમ પાડી. કલ્યાણીએ તે સાંભળી નહિ. ગૌતમના ઊડતા વાળ સંકોરતા સંકોરતાં તે પાછી હસી.

‘કલ્યાણી, કલ્યાણી! આમ જો.’ ત્ર્યંબકે ફરીથી બૂમ પાડી.

જાણે કોઈ સ્વપ્નમાંથી જાગૃત થતી હોય એમ કલ્યાણીએ સ્થિર આંખોને સહેજ વિકળ બનાવી ત્ર્યંબક સામે જોયું અને પૂછયું :

‘ત્ર્યંબક! તું બોલાવે છે?’

‘હાં.’

‘કેમ?’

‘મારા ભણી જરા જોઈશ.’

‘કેમ?’

‘હું તને ભસ્મનો બનેલો એક માનવી બતાવું.’

‘ભસ્મનો? અને જીવતો?’

‘હા; જીવતો છતાં મરેલો.’

‘કોણ?’ મૃદુતાથી કલ્યાણીએ પૂછયું.

‘હું ત્ર્યંબક! હું જીવતી ચિતા છું!’

‘ત્ર્યંબક, ભાઈ! તું ચિરંજીવ રહે! તારું જીવન જીવતો બાગ બનો!’

‘આ જન્મે તો નહિ.’

‘કેમ?’

‘કલ્યાણી! તું જઈશ પછી હું કોને માટે જીવીશ?’

‘મારા ગૌતમને મૂકી હું જીવતી રહું?’

‘અને હું રુદ્રદત્ત સરખા ગુરુને, ગૌતમ સરખા ભાઈને અને કલ્યાણી સરખી પ્રેરણાદેવીને મૂકી જીવતો રહું?’

કલ્યાણીએ ત્ર્યંબક તરફ જોયું. ખરે, એ ભસ્મ-મનુષ્ય હતો! એની કરુણકથની સહુ કરતાં શું વધારે કઠણ ન હતી? ખાલી જીવનનો ભાર ઉપાડતો માત્ર કલ્યાણીને ખાતર જ જીવતો એ તપસ્વી શું દયાપાત્ર નહોતો?

‘કલ્યાણી! તેં મને એક વરદાન આપ્યું હતું.’ ત્ર્યંબકે કહ્યું.

‘હં.’

‘એ વચનની હું યાદ આપું છું.’

‘મને તે યાદ છે.’

‘તું આજ ગૌતમ સાથે પરણી ગઈ.’

‘મારા મનથી તો હું ક્યારનીય એને પરણી છું.’

‘મારી માગણી અયોગ્ય નહિ હોય એવી ખાતરી પછી જ તેં વરદાન આપ્યું છે, નહિ?’

‘તું કંચન સરખો શુદ્ધ છે.’

‘અને એવો ને એવો જ હું શુદ્ધ રહીશ. કહે. હું માગું?’

‘માગ. અને મારી છેલ્લી ઘડીએ તું માંગીશ તે આપીશ.’

‘હું એટલું જ માગું છું કે મારા જીવતાં તું તારી છેલ્લી ઘડી લાવીશ નહિ.’

‘ફટ ભૂંડા! એ શું માગ્યું? ગૌતમ ગયે હું જીવીને શું કરીશ?’

‘ગૌતમે શસ્ત્ર ફેંક્યા. ગુરુનો એ આદેશ મૃત્યુક્ષણે સ્વીકાર્યો. તું હવે જગત પાસે શસ્ત્ર ન ફેંકાવી શકે? ગુરુનો આદેશ પૂરો પળાય નહિ ત્યાં સુધી આપણે ગુરુને અને ગૌતમને બેવફા બનીએ છીએ.’

‘ગૌતમ હોત તો બધું કરત.’

‘ગૌતમની પત્નીનો ધર્મ છે કે ગૌતમનું કાર્ય આગળ વધારવું.’

‘પતિને મૂકી જીવવામાં કાયરતા છે.’

‘અસહ્ય વિયોગ સહન કરવામાં જ વીરત્વ છે. આજ સુધી તેં વીરત્વ દાખવ્યું. હવે નહિ દાખવે?’

‘ત્ર્યંબક, ત્ર્યંબક! તું મને જીવવા માટે લલચાવે છે?’

‘કલ્યાણી! તારા અને મારા જીવનમાં લલચાવા જેવું શું છે? હા; આશાભંગ ભસ્મસ્તંભ સરખાં આપણાં જીવનને ખરી લાલચ મૃત્યુની છે. મૃત્યુથી ન લલચાઈશ!’

કલ્યાણી સ્તબ્ધ બની ગઈ. થોડી ક્ષણ તે ગૌતમ સામે જોતી રહી. ગૌતમની સાથે જ ચિતાશયન કરવું સુખભર્યું હતું? ગૌતમ શું ઇચ્છે? સહગમને કે ભાવનાસિદ્ધિ? શસ્ત્રપ્રેમમાં ગૌતમે જીવનભર વિયોગ મંજૂર રાખ્યો. એણે શસ્ત્રસંન્યાસ લીધો અને વિયોગ તો ઊભો જ રહ્યો! વિયોગ કેમ સહન થાય?

‘ઓ ત્ર્યંબક! તું મને મરતી ન અટકાવ. મારી સુખની ઘડી દૂર જાય છે!’ કલ્યાણી બોલી ઊઠી.

‘હું અટકાવતો નથી. હું તો તારા વચનને ખરું પાડવા મથું છું.’

‘ત્યારે… ત્યારે… મને તું ખૂબ રડવા દે!’

રુદન ન હોત તો માનવીનું હૈયું તૂટી જાત. કલ્યાણીએ બંને આંખ ઉપર હાથ મૂક્યો અને હૈયું છૂટું મૂક્યું. તેના તીણા આક્રન્દમાં આખી છાવણી ડૂબી ગઈ. મૃત્યુને ક્ષણે ક્ષણે નિહાળી પથ્થર બનેલા વીર હૃદયો પણ રડી ઊઠયાં. આંસુમાં અપમાન સમજતા ત્ર્યંબકની આંખમાં જળધોધ ઊમટયો. રાતી ચોળ આંખો કરી રડતો સૂર્ય પણ રુદનશ્રેણીમાં સામેલ થયો.

આખું સૈન્ય સજ્જ થઈ ઊભું હતું. વિજયી સૈન્યના મુખ ઉપર શ્યામતા છવાઈ હતી. પકડાયેલા કેદીઓ છૂટા મુકાયા. કૈંક ગૌર કેદીઓ ટોપીઓ ઉતારી ઉદાસ ચહેરે વીર શત્રુને અંતિમ માન આપવા ઊભા રહ્યા. વીર ગૌતમનું રક્ત ટપકતું શબ ચિતા ઉપર મુકાયું. અગ્નિ ઝબક્યો. અને એક યુવતીની કરુણ ચીસ સંભળાઈ:

‘ગૌતમ, ગૌતમ!’

વીરને માન આપતા વીર સૈનિકોની આંખમાંથી ગરગરગર અશ્રુશ્રેણી ઊતરી પડી. ક્રૂરમાં ક્રૂર ગણાતા સૈનિકે પણ રુદન છુપાવ્યું નહિ; હાથમાં શસ્ત્ર ધરી રહેલા સૈનિકોએ ડૂસકાં ખાળ્યાં નહિ. ગૌતમને આચ્છાદી રહેલો અગ્નિ પણ તણખે તણખે રડી રહ્યો. સૈનિકનું રુદન પૌરુષભર્યું તો નહિ જ ને? છતાં સૈનિકને પણ રુદનની ક્ષણો આવે છે.

‘કાળાં-ગોરાં હૃદય એક થાય તો જગત વૃંદાવન ન બને શું?’ અશ્રુભીની આંખે સહુના – ત્ર્યંબકના – અશ્રુ નિહાળતી સૈનિકવેશમાં છુપાયલી લ્યૂસીના હૃદયમાં ભણકાર ઊઠયા.

‘ત્ર્યંબક! હું તારી સાથમાં જ છું.’ લ્યૂસીએ અશ્રુભર્યા ત્ર્યંબકને કહ્યું.

ત્ર્યંબકે તેના તરફ જોયું. આખું જગત તેને ઝાંઝવાં સરખું જલપડદા સમું જૂઠું – ભ્રમમય લાગ્યું. કલ્યાણીની ગૌતમને પોકારતી ચીસ અને લ્યૂસીની અર્ધસ્પષ્ટ વાણી એ બે જ શબ્દભણકાર જાણે સત્ય હોય એમ તેના હૃદય ઉપર વારંવાર અથડાવા લાગ્યા.

પ્રેમભૂખ્યા જગતમાં આ હિંસા શી?

ભડભડ બળતી ચિતા તરફ ત્ર્યંબક સ્થિર દૃષ્ટિએ જોઈ રહ્યો.

‘ગૌતમ, ગૌતમ!’

એક જ વખતે જાગેલી એ ચીસના ભણકારા ઓસર્યા જ નહિ.

0  0  0

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.