૫ : પર્યટન

અડધોક કલાક તે ચાલ્યાં નહિ હોય એટલામાં તો એક ગગનભેદી નાદ સંભળાયો. જ્વાળામુખી ફાટે અને આસપાસની વિસ્તૃત ધરણી ધ્રૂજી ઊઠે એમ તેમના પગ તળેથી ધરણી ધ્રૂજી ઊઠી. રુદ્રદત્તે ઊભા રહી પાછળ દૃષ્ટિ નાખી. પાછળ આકાશ ધુમાડાથી ભરાઈ ગયું હતું. એ ધુમાડો ધસતો ધસતો તેમના ભણી આવતો હતો. થોડે દૂર પથ્થર પડયાના ધબકારા શરૂ થઈ ગયા.

‘ચાલો, જીવનનું એક પ્રકરણ સમાપ્ત થયું.’ રુદ્રદત્ત બોલ્યા. સહુ સમજ્યાં કે શસ્ત્રાગારને રુદ્રદત્તે લગાડેલી આગનું એ પરિણામ હતું. દારૂગોળો ફૂટયો અને તેણે ગુફાને પણ તોડી. કલ્યાણીથી ગુફાનો વિનાશ સહન થયો નહિ.

‘દાદાજી! ગુફા કેવી સરસ કોતરેલી હતી!’ કલ્યાણીએ નઃશ્વાસભર્યા શબ્દોમાં કહ્યું.

‘હા બેટા!’ રુદ્રદત્તે કથનનો સ્વીકાર કર્યો.

‘દારૂગોળો આપી દીધો હોત તો?’

‘કોને આપત?’

‘લક્ષ્મીબાઈને.’

‘મારી ઇચ્છા નહોતી કે એને હાથે સંહાર થાય.’

‘એમ ને એમ રહેવા દેવો હતો.’

‘તો એ કંપની સરકારને હાથ જાત, સરકાર પણ જલ્લાદ બને એમ હું ઇચ્છતો નથી. કંપનીનો દુશ્મન નથી.’

‘પણ આપે તો કંપની સરકારને ઉખેડી નાખવાની સંમતિ આપી છે.’

‘એમાં કંપની સરકારને જ લાભ છે; કંપની આપણું રાજ્ય બને તો ચિરંજીવી રહેશે. પ્રજાથી પરાયું રાજ્ય પાણીના પરપોટા સરખું છે.’

‘પણ તેમને ખબર શી રીતે પડત?’

‘ત્યારે તને હવે આજ એક વાત કહું. મારે પગલે કંપની સરકારના જાસૂસો છે અને થોડા સમયથી વિપ્લવકારોનાં જાસૂસો પણ એ જ કાર્ય કરે છે.’

‘આપે શી રીતે જાણ્યું?’

‘તું આંખ ઉઘાડી રાખજે; તને પણ એની ખબર પડશે.’

ત્રણે જણ આગળ વધતાં જતાં હતાં. એક પથ્થર ઊડીને તેમની પાસે પડયો. દારૂગોળો ફૂટવાનો અવાજ વારંવાર આવતા હતા. પથ્થર તરફ નિહાળી કલ્યાણી બોલી :

‘ગુફાના કોતરકામની કેવી સુંદર રચના હતી! મેં તો રાત્રે હથિયાર કરતાં કલા જ વધારે જોઈ.’

‘માનવજાતનું કલ્યાણ ન સાધે એ કલા ભલે અદૃશ્ય થાય. એ ગુફામાં તો બ્રહ્મરાક્ષસ ભરાયો હતો. ગુફાને તોડયા વગર એ અદૃશ્ય થાત નહિ.’

શાંતિથી વળી તેમણે આગળ ડગલાં ભર્યાં. પ્રભાત પૂરેપૂરું ઊઘડયું એટલામાં તો તેમણે જંગલ વટાવી દીધું. ગામ દેખાવા લાગ્યું. કૂકડા બોલતા સંભળાયા; થોડાં માણસો પણ દેખાવા લાગ્યાં. ગામમાં પેસવાની એક નેળમાં પ્રવેશ કરતાં જ પાછળથી એક માણસ દોડતો આવતો હોય એમ લાગ્યું. ત્રણે જણે પાછળ જોયું. હોડીવાળો શંકર ધસ્યો આવતો હતો. રુદ્રદત્તે કહ્યું :

‘મેં ધાર્યું જ હતું કે શંકર આવશે.’

પાસે આવતાં બરોબર શંકર શ્વાસ ભર્યો બોલી ઊઠયો :

‘બાપજી! હું મરતો બચ્યો.’

‘શું થયું?’

‘સાંભળ્યું નહિ, બાપજી? આ જંગલમાં ઉત્પાત મચી રહ્યો છે તે! કોણ જાણે શું થયું? દવ બળવા લાગ્યો કે ધરતીકંપ થયો? એક મોટો પથરો માથે પડતો રહી ગયો! અને ધુમાડામાં તો હું ગૂંગળાઈ જ જાત. બાપજી! તમારે પ્રતાપે જીવતો રહ્યો છું.’

‘પણ તું અમારી પાછળ ક્યાંથી આવ્યો?’ ત્ર્યંબકે પૂછયું.

‘તમે બધાં જાત્રાએ નીકળો અને મારું મન ઝાલ્યું રહે? હું તો હવે ઠેઠ લગી આપની સાથે રહેવાનો.’ શંકરે કહ્યું.

‘ભલે, અમારી સાથે રહેજે.’ રુદ્રદત્તે કહ્યું.

ચારે જણ ગામમાં દાખલ થયાં. ગામનાં ઘણાં માણસો ભાગોળે ભેગાં થયાં હતાં. ધુમાડો, દારૂ ફૂટયાના અવાજ અને પથ્થરોની કરચો ઊડયાનો દેખાવ આખા ગામને ભયભીત બનાવી રહ્યાં હતાં. ગામલોકોને યુદ્ધનો ડર લાગ્યો. રખે ને બે રાજ્યો આથડી પડયાં હોય! અને તોફાનના ભણકારા હિંદભરમાં ક્યારના વાગતા હતા! ગામડાં પણ જાણતાં હતાં કે કંઈ અણધારી ઊથલપાથલ થવાની છે!

ધાડ અને યુદ્ધ એ હજી લોકોને નવાઈનો પ્રસંગ લાગતો ન હતો. ગામના હિંમતવાન પુરુષો પાછલી રાતના ડાંગ અને ધારિયાં લઈ ગામને પાદરે ફરતા હતાં; સવાર થતાં સ્ત્રીઓ અને બાળકો પણ ટોળામાં સામેલ થઈ ગયાં. અનેક વાતો અને કલ્પનાઓ ચાલ્યા કરતી હતી. યુદ્ધપ્રિય ખંડેરાવ ગાયકવાડ લશ્કર લઈને નીકળ્યા હોય! પીંઢારા અને કંપની સરકારનો ભેટો થઈ ગયો હોય! કાબૂલીઓ અને રૂસો ચડી આવ્યા હોય! આમ જાતજાતના તરંગોને અંતે તેમણે રુદ્રદત્ત જેવી સૌમ્ય વ્યક્તિને જોવાની આશી રાખી ન હતી.

આસપાસ ગામલોકો રુદ્રદત્તને ન ઓળખે એ અસંભવિત હતું. એક મહાપંડિત અને સાધુપુરુષ તરીકે તેમના પ્રત્યે સ્વતંત્ર સદ્ભાવ હતો. શિવરાત્રિના મેળામાં તો લોકો વિહાર જતા અને ભૈરવનાથની સાથે રુદ્રદત્તને પગે લાગી આવતા. તેમની પાસે ભણેલા કોઈ છોકરાઓ પણ આસપાસનાં ગામોમાંથી નીકળી આવતા.

રુદ્રદત્તનો દેહ દૂરથી પણ ઓળખાય એવો હતો. વિહારથી કદી બહાર ન નીકળેલા સાધુને દૂરથી આવતા જોઈ સહુને નવાઈ લાગી.

‘આ તો પંડિતજી છે!’ કોઈએ કહ્યું.

‘કયાં પંડિતજી?’ કોઈએ પૂછયું.

‘વિહારવાળા.’

‘હોય નહિ!’

‘જુઓ તો ખરા!’

‘હા અલ્યા એ જ છે.’

પંડિતજીને લેવા સહુ આગળ વધ્યા. પંડિતજીની પાસે આવતાં સહુ તેમને પગલે લાગ્યાં.

‘મહારાજ! પધારો, પધારો. અમારા ગામને કંઈ પાવન કર્યું આજે?’ આગેવાને કહ્યું.

‘હા, ભાઈ! આજે આવવું પડયું. બપોર અહીં ગાળવી છે.’ રુદ્રદત્તે કહ્યું.

‘બપોર શું? અહીં જ રહો તો, બાપજી! અમારા ગામનો દહાડો ફરી જાય.’

‘સાંજે તો નીકળી જવું છે.’

‘આપ આવો અને અમે આજ ને આજ જવા દઈએ? એ તો ન બને. જારબાજરી એમ ખૂટયાં નથી.’

‘મારે બહુ લાંબે જવું છે.’

‘ક્યાં જશો?’

‘કાશી જાત્રા કરવી છે.’

‘તમારે જાત્રા શી? જ્યાં તમારા પગ ત્યાં તીરથ.’

વાતો કરતા ગામલોકો રુદ્રદત્તની સાથે ગામની ધર્મશાળામાં આવ્યા. નાનકડું દેવમંદિર અને તેને લાગીને આવેલી પહાળી જેવી ધર્મશાળા એ હિંદુસ્તાનના પ્રત્યેક ગામડાનું અંગ કહી શકાય. અભ્યાગતનો એ સાર્વજનિક ઉતારો. રુદ્રદત્ત સાથેનાં માણસો માટે રસોઈની પણ વ્યવસ્થા થઈ ગઈ. હિંદી ગૃહસ્થની માફક હિંદી ગામડાં પણ અતિથિસત્કારમાં મોટું માન સમજે છે. ગામમાં અજાણ્યો માણસ પણ ભૂખ્યો રાખી ન શકાય.

પાછલી રાતના ભયંકર તોફાનની વાત નીકળી, રુદ્રદત્તને કૈંક ખબર હોવી જોઈએ એમ લોકો ધારતા હતા. કારણ એ માર્ગે જ આ ગામમાં આવી શકાય એમ હતું. રુદ્રદત્તે કહ્યું :

‘દારૂગોળાનો જૂનો ભંડાર હતો તે ફૂટયો.’

‘એમ?’

‘કોણે ફોડયો હશે?’ શંકરે પૂછયું.

‘જેણે ફોડયો તેણે. કોઈ પોતાનું નામ આપવાનું છે?’ પણ બધાને ભારે બીક લાગી. એક જણે અણગમતી વાત આગળ ન ચાલે એ માટે કહ્યું.’

‘અમે તો પાછલી રાતના સૂતા જ નથી.’ બીજાએ કહ્યું.

‘ભય લાગે એવો જ પ્રસંગ હતો. સારું થયું કે જંગલમાં જ એ ફૂટયો. વસ્તીમાં ફૂટયો હોત તો હજારો માણસો માર્યા જાત.’ ત્રીજાએ કહ્યું.

‘બાપજી! આપ તે વખત ક્યાં હતા?’ શંકરે પૂછયું.

‘હું પાસે જ હતો.’ રુદ્રદત્તે કહ્યું.

‘પંડિતજીને કશું થાય નહિ. પ્રભુના માણસ એ તો.’ એક ગ્રામજને કહ્યું.

‘ભાઈઓ! એક વાત ધ્યાનમાં રાખજો. નાના જંતુની પણ હિંસા ન કરશો.’ રુદ્રદત્તે કહ્યું.

‘ખરું છે, પંડિતજી!’

‘એક શ્રાવકના ગોરજી પણ એમ જ કહેતા હતા.’ શંકર બોલ્યો.

‘ગોરજીએ કહ્યું તે હું કહું છું. અને હું કહું છું તે હજી બીજા કહેશે. જગતમાં મોટામાં મોટું પાપ હોય તો તે હિંસા છે.’

આમ વાતોમાં બપોર વીતી ગયા. ત્રીજે પહોરે રુદ્રદત્ત અને તેમનું મંડળ જવાને તૈયાર થયું. લોકોએ રહેવા માટે ઘણો આગ્રહ કર્યો. પરંતુ રુદ્રદત્તે લાચારી બતાવી. સાથે વળાવવા આવવા કહ્યું. રુદ્રદત્તે જવાબ આપ્યો :

‘માનવીને ખરો વળાવો પ્રભુનો. જ્યાં હોઈશું ત્યાં એ ખરો જ.’

ગામની પરવાડ સુધી લોકો તેમને વળાવવા ગયા. રુદ્રદત્તે લોકોને પાછા મોકલી દીધા. રુદ્રદત્ત અને કલ્યાણી આગળ ચાલતાં હતાં; ત્ર્યંબક અને શંકર પાછળ ચાલતા હતા. આમ ને આમ બે ગાઉ વટાવ્યા અને સૂર્ય પશ્ચિમ કિનારે ઊતર્યે. તાપ તો સખ્ત હતો જ; પરંતુ સૂર્યના નમવાથી વાતાવરણ હવે શીળું થયું. એક સસલું દેખાઈને ઝડપભર્યું અદૃશ્ય થઈ ગયું. રુદ્રદત્ત બોલ્યા :

‘ત્ર્યંબક! તારો પ્રશ્ન યાદ છે?’

‘હા, જી.’

‘તેં ફરી પૂછયો કેમ નહિ?’

‘આપે પોતે જ કહેવાનું જણાવ્યું હતું. વળી બધા વચ્ચે મને એ પ્રશ્ન પૂછવાનું ઠીક ન લાગ્યું.’

‘તલવારની મને અનુકંપા આવી એમ તને લાગ્યું ખરું?’

‘હા, જી.’

‘એનું કારણ તને જડયું?’

‘ના, જી! હજી તે ખોળું છું.’

‘તલવારનો સહવાસ સેવતાં સેવતાં તલવાર નિરુપયોગી છે એમ મને દેખાયું.’

‘જી.’ ત્ર્યંબકને અનુકંપાનું એ કારણ બહુ વાસ્તવિક લાગ્યું નહિ.

‘એમાં કાયરતા નહોતી; માનવસંસ્કારની વિચિત્રતા હતી.’

‘કેવી રીતે?’

‘મૃત્યુમાંથી અમૃતભણી! આપણું વેદવાક્ય ખરું પડતું લાગ્યું. તલવારે જ તલવારને જીતવાનો બોધ આપ્યો! એ નવું જ્ઞાન આપનારી ગુર્વાણીને ગાળી નાખતાં મન સહજ લાગણી તો થાય જ ને?’

‘તલવાર જગતમાંથી ગળી ગઈ એમ આપ ધારો છો?’

‘ગળી જશે પણ તે પહેલાં આપણા જેવા અનેક માનવોનાં બલિદાન તે લેશે.’

‘બલિદાનથી તો તે પુષ્ટ થશે.’

‘બલિદાનનો જગતમાં એક જ અર્થ થાય છે : સ્વવધ : અન્યનો વધ નહિ.’

‘સ્વવધથી દુશ્મનોની તલવાર તેજ બનશે.’

‘બલિદાનનો સિદ્ધાંત જગતમાંથી દુશ્મન શબ્દને દેશવટો આપશે.’

કોઈક દાંત કચકચાવતું હોય એમ સંભળાયું. રુદ્રદત્તે પાછળ જોયું. ઝાંખા અજવાળામાં શંકર મુઠ્ઠી વાળતો દેખાયો.

‘શું છે, શંકર?’

‘કાંઈ નહિ, બાપજી! પણે જાનવર જેવું દેખાયું.’

‘એ પણ હોય. પૃથ્વી શું એકલા માનવીની જ છે?’ રુદ્રદત્ત બોલ્યા.

ચારે જણ આગળ ચાલ્યાં. સંધ્યા જામી હતી. પશ્ચિમમમાંથી સૂર્ય અદૃશ્ય થઈ ગયો. પાસેના ગામે જતાં અડધો કલાક લાગે એમ હતું. ખાખરાનાં લીલાં જૂથ અને સાગના સ્તંભ જેવાં વૃક્ષો તથા પત્રવિહીન મહુડાનાં વૃક્ષો વાંકાચૂકી ડાળીઓ વડે ચારે પાસ સુંદર ચિત્ર રચતાં હતાં. વચ્ચે વચ્ચે આંબા અને રાયણનાં વિશાળ વૃક્ષો ઘટા કરી રહ્યાં હતાં. જમીન ખરડાયેલી ન હતહી; પથરા અને નાના નાના ટેકરાઓ ચોમેર વેરાયેલા પડયા હતા. રસ્તો બે ઊંચા ટેકરાઓ વચ્ચે થઈને જતો હતો.

‘જરા થોભો.’ શંકર બોલી ઊઠયો.

‘શું છે?’ કલ્યાણી બોલી.

‘પેલા ટેકરા ઉપર વાઘ છે.’ શંકરે કહ્યું, અને ટેકરા તરફ આંગળી દેખાડી.

ખરે, એક વિકરાળ વાઘ ટેકરા ઉપર બેઠો બેઠો રાજરાજેદ્રશો આખા મેદાન ઉપર દૃષ્ટિ ફેંકી રહ્યો હતો. તેની ઝીણી પણ અંગાર સરખી ચમકતી આંખો સહુએ જોઈ. તેનું લાંબું પુચ્છ આછું આછું હાલતું તેના મનને વ્યક્ત કરતું હતું. તેને જોતાં જ ત્ર્યંબકે પોતાની ડાંગ ઊંચકી અને કહ્યું :

‘હરકત નહિ; હું આગળ થાઉં છું.’

‘આપણે જરા થોભી જઈએ તો?’ શંકરે કહ્યું.

‘થોભવાની જરૂર નથી. ત્ર્યંબક, ડાંગ ન ઉપાડીશ. મારી પાછળ બધાં ચાલ્યાં આવો!’ રુદ્રદત્ત બોલ્યા અને સ્થિર ડગલે આગળ વધ્યા.

વાઘને અને આ ટોળીને વીસેક હાથનું છેટું હતું. એક છલાંગમાં વાઘ તેમાંથી ગમે તેના ઉપર હુમલો કરે તે સહજ હતું; પરંતુ વાઘ સામો આવવાને બદલે ઊભો થઈ ટેકરાની બીજી પાસ ઊતરી ગયો, અને કોઈ ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો.

‘હજી સંભાળજો. વાઘની જાત વહુ ડંસીલી હોય છે. પાછળથી આવી મારે.’ શંકર બોલ્યો.

‘હવે ભય નથી, ગામ દેખાય છે. અંધારા પહેલાં તો આપણે પહોંચી જઈશું.’ રુદ્રદત્તે જરા પણ ભય પામ્યા વગર આગળ ચાલતાં કહ્યું.

ત્ર્યંબકને નવાઈ લાગી. ગુરુનું માનસ ભયને ઓળખતું ન હતું. તેની ખાતરી અનેક વેળા તેને થઈ હતી. જંગલી પશુઓ પણ ગુરુને ગભરાવી શક્યા નહિ એ તેણે પ્રત્યક્ષ નજરે જોયું. ગુરુની શાંતિ અને કાયરની શીતળતા નહોતી; અગ્નિને પી જનાર યોગીની એ શાંતિ હતી.

આ ગામે પણ રુદ્રદત્તનો સત્કાર થયો. આમ ચાર-પાંચ દિવસમાં સવારસાંજ પાંચપાંચ ગાઉ ફરીને વિહારથી પચાસ ગાઉ દૂર એ રુદ્રદત્તની ટોળી આવી પહોંચી. ગુજરાતની સરહદ તો ક્યારનીય તેમણે વટાવી દીધી હતી. માળવાના ચાળીસેક ગાઉની મજલ થઈ ચૂકી હતી. પગરસ્તો જે જ્ઞાન અને અનુભવ આપે છે તે વાહનમાં મળતાં નથી. માનવી અને પ્રદેશ બંને પગે ચાલનારના મિત્ર બની જાય છે. રુદ્રદત્તનું નામ માળવાનાં ગામડાંમાં પણ જાણીતું લાગ્યું. શહેરની મુસાફરી તેમણે જાણી જોઈને ટાળી દીધી.

શંકર સતત તેમની સાથે જ રહેતો હતો. માત્ર રાત્રિને વખતે બે-ત્રણ વાર તે અદૃશ્ય થઈ ગયો હતો. એમ ત્ર્યંબક તથા કલ્યાણીના જાણવામાં આવ્યું. મધરાતે ચોરની માફક બધાંયને સૂતાં મૂકી ધર્મશાળામાં ખરી ગયેલા શંકરને જોઈ એક વખત ત્ર્યંબકે રુદ્રદત્તને રાત્રે જ સૂચન કર્યું :

‘ગુરુજી!’

‘કેમ બેટા? સૂતો નથી? રુદ્રદત્તની જાગૃત જીભે જવાબ આપ્યો.’

‘ના. મને આ શંકરનો વિશ્વાસ પડતો નથી.’

‘આપણને લૂંટી એ પૈસાદાર થાય એમ નથી.’

‘એ ગમે તેમ હોય, પણ એનું વર્તન વિચિત્ર લાગે છે.’

‘આપણે તેમાં શું?’

‘જાણવું હોય તો જોઈએ કે એ શું કરે છે?’

‘હું તને કહું એ શું કરે છે તે.’ રુદ્રદત્તે કહ્યું અને ત્ર્યંબક વિસ્મય પામ્યો. તેના મને પ્રશ્ન પણ કર્યો.

‘શું. ગુરુજી શંકરની પ્રવૃત્તિઓ પણ સમજી શક્યા છે?’

‘જો, શંકર એ ગુપ્તચર છે.’ રુદ્રદત્તે કહ્યું.

‘એમ? આપે ક્યાંથી જાણ્યું?’

‘હું વિહારમાં આવ્યો ત્યારનો એ મારા ઉપર નજર રાખે છે.’

‘પણ એ તો હોડીવાળો છે!’

‘માટે જ ઘણો કાબેલ બાતમીદાર બની ગયો છે.’

‘કોનો બાતમીદાર?’

‘કંપની સરકારનો!’

‘એમ?’

‘જૂના અમલદારો એની ઉપર ભારે વિશ્વાસ રખાતા. આજ તેનું વજન ઘટી ગયું છે.’

‘કારણ?’

‘જૂના અમલદારોએ રુદ્રદત્તના ભૂતને ઓળખતા હતા. નવા અલમદારોએ રુદ્રદત્તના ભૂતને જોયેલું જ નહિ; એમને રુદ્રદત્તનો પરિચય પણ નહિ, અને પરિચય હોય તો હિસાબ પણ નહિ!’

‘ત્યારે શંકરને આપણે દૂર કરીએ.’

‘શા માટે? આપણા કૃત્ય કંપની સરકારની કે કોઈની વિરુદ્ધનાં નથી.’

ત્ર્યંબક સમજ્યો, પરંતુ તેને એ રાતે ઊંઘ ન આવી. શંકર પાછલી રાતે છાનોમાનો આવી સૂઈ ગયો; તે ત્ર્યંબકે જોયું. સવારે આગળની મુસાફરી શરૂ કરતાં જ ત્ર્યંબકે પૂછયું :

‘અલ્યા શંકર! તું રાતે ક્યાં ગયો હતો?’

‘ક્યાંય નહિ, ભાઈ!’ શંકરે જવાબ આપ્યો.

‘મેં તને જતાં જોયો હતો ને?’

‘એ તો જરા ચલમની તલપ લાગી હતી. તમને બધાંને ધુમાડો ફાવે નહિ એટલે બહાર બેઠો.’

‘અને શંકરને એનો દીકરો યાદ આવે છે; નહિ?’ રુદ્રદત્તે પૂછયું.

‘હા બાપજી! તમે માબાપનું મન સમજો. બાળકોને એની શી કદર?’ શંકર બોલ્યો.

‘ત્યારે આપણે એ બાજુએથી નીકળીએ. તું તારા દીકરાને મળી લે. હું ખ્રિસ્તી મિત્રને મળી લઉં.’ રુદ્રદત્તે કહ્યું.

‘કયો ખ્રિસ્તી મિત્ર?’ કલ્યાણીએ પૂછયું.

‘યુવાનસેન.’

‘એ ક્યાં રહે છે?’

‘અહીંથી પંદર ગાઉ દૂર. કાલ સવારે જ ત્યાં પહોંચી જઈશું.’

‘જરૂર, બાપજી! એ રસ્તે જાઓ તો હું છોકરાનું મોઢું જોઈ લઉં.’ શંકરે લાગણીભર્યા સ્વરમાં કહ્યું.

‘હરકત નહિ. એમ પણ રસ્તો છે.’

અને ચારે જણે પ્રયાગ પહોંચતાં પહેલાં પાદરી યુવાનસેનના નવા થાણા તરફ જવાની લાલસા સેવી. આટલી મુસાફરીમાં એક વાત બધાને સ્પષ્ટ દેખાઈ – હિંદનું વાતાવરણ બહુ તંગ બની ગયું હતું.

ગામેગામ વાત ચાલતી :

‘બંડ થયું!’

‘બળવો જાગ્યો!’

‘કંપની ગઈ!’

‘અંગ્રેજોને માર્યા!’

પરંતુ એ વાતનો પુરાવો માગતાં તે મળતો ન હતો. ક્વચિત્ રુદ્રદત્ત પૂછતા :

‘બળવો જાગ્યો એમ શા ઉપરથી કહો છો?’

‘લોકો વાતો કરે છે.’

‘કોઈએ બળવો જાગ્યો જોયો?’

‘ના; એ તો કલકત્તા ભણી બન્યું.’

અંગ્રેજો જશે તો હિંદની શી વલે થશે એવો ભય તે સમયની જનતાને નહોતો. રાજ્યોની ઊથલપાથલ અને યુદ્ધનાં ખેલનથી તે સમય પરિચિત હતો. એટલે બળવો જાગ્યાનો ગભરાટ બધે ફેલાયેલો ન જ હોય, પરંતુ આ બધી વાતો ઉપરથી એક ચોકસાઈ તો થતી જ હતી; બળવો નહિ જાગ્યો હોય તો જોતજોતામાં જાગશે! કેટલાક વૃદ્ધો તો રુદ્રદત્તને જ પૂછતા :

‘પંડિતજી! કાશી કેમ જાઓ છો?’

‘કાશી જવાનાં ત્રણ કારણ : કાં તો ભણવા માટે, જાત્રા માટે અગર ત્યાં બળવા માટે.’

‘કદાચ બંડને માટે આપ જતા હો.’

‘હું વૃદ્ધ તેમાં શું કરું?’

‘વૃદ્ધ ભલે હો, પણ પંડિતજી! ભલભલા આપને નામે નમી પડે છે.’

પંડિતજી હસતા અને વાત ફેરવી નાખતા. રસ્તામાં ક્વચિત્ અંગ્રેજ ઘોડેસવારો પણ જતા જોવામાં આવતા. અંગ્રેજ સૈનિકોને આ બદલાતા વાતાવરણની ખબર પડતી ન હતી; ખબર પડતી હોય તો પણ તેની તેમને કશી દરકાર ન હતી. પોતાનાં અજિતશસ્ત્ર બળમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી. મરાઠા, રાજપૂત, શીખ અને મુસલમાન સર્વે પોતાનાં કળબળથી મહાત કરનાર ગોરાઓમાં એવો આત્મવિશ્વાસ જાગૃત થાય તેમાં નવાઈ ન કહેવાય.

એક પ્રભાતે એ મુસાફરોએ બે ગાઉ દૂરથી એક મિનારો જોયો. કલ્યાણીએ પૂછયું :

‘દાદાજી! પેલું કયું મકાન છે?’

‘આપણે ત્યાં જ જઈએ.’

‘કેમ?’

‘આપણા પાદરીસાહેબ ત્યાં જ રહે છે.’

‘ત્યારે તો લક્ષ્મી આપણને મળશે.’ કલ્યાણીએ કહ્યું અને ત્ર્યંબક સામે જોયું.

ત્ર્યંબકે નજર બદલી આગળ ચાલવા માંડયું. તડકો ચડી ગયો અને એકાદ કલાકમાં તેઓ એક ખ્રિસ્તી દેવાલય પાસે આવી પહોંચ્યા. દેવાલયની નજીક બેઠા ઘાટનો એક બંગલો હતો. બંગલામાંથી તીણા ઉદ્ગાર સંભળાયા અને એક યુરોપીય યુવતી દોડી આવી.

‘કલ્યાણી! ત્ર્યંબક! તમે ક્યાંથી? પંડિતજી! નમસ્કાર કરું છું.’ લ્યૂસી કલ્યાણીને ભેટી પડી.

પાછળ પાદરી અને તેમના મડમ પણ બહાર આવ્યાં. પાદરી રુદ્રદત્તને ભેટી પડયા.

‘પંડિતજી! બહુ સારું થયું આપ પધાર્યા તે. આજ કેટલા દિવસથી અમે આપને જ યાદ કરતાં હતાં. ઈશ્વરે આપને મોકલ્યા.’ પાદરી જૉન્સને ખુશાલી દર્શાવી.

‘પાદરીસાહેબ! ઈશ્વરની આજ્ઞા વગર ઝાડનું પાન પણ હાલતું નથી.’ રુદ્રદત્તે કહ્યું.

‘પણ ઘણી વખત ઈશ્વર આપણી ઇચ્છાને અનુકૂળ થાય છે.’ પાદરીએ કહ્યું.

‘આપણી સદ્ઇચ્છા હોય તો.’

‘આમ ને આમ પંડિતજીને બહાર ઊભા રાખવા છે? તડકામાં? મડમે ગાર્હસ્થ દર્શાવ્યું.’

‘પંડિતજી! પધારો અંદર, ક્યારના નીકળ્યા છો?’ જૉન્સને કહ્યું.

‘અંદર તો નહિ આવું; હું ધર્મશાળામાં જઈશ.’ રુદ્રદત્ત બોલ્યા.

‘મારું ઘર હોય અને આપ ધર્મશાળામાં ઊતરો? એ કદી ન બને. હું બ્રાહ્મણને બોલાવી રસોઈ કરાવીશ.’ મડમ બોલ્યા.

‘અને આપની સાથે તો બહુ બહુ વાતો કરવી છે.’ જોન્સને કહ્યું.

‘હું કૂવે સ્નાન કરી લઉં. આપ ધર્મશાળામાં પધારો. મારે આજ સાંજે તો આગળ વધવું છે.’ રુદ્રદત્ત બોલ્યા.

‘સાંજે તે જવા દેવાય? ફરી કોણ જાણે ક્યારે મળીએ! મારે વિલાયત પાછા જવું છે.’ પાદરીએ કહ્યું.

‘અને વિલાયત જતાં પહેલાં આપને મળવા અમે બધાં વિહાર આવવાનાં હતાં.’ લ્યૂસી બોલી.

‘તેને બદલે અમે જ તને મળવાને આવ્યાં. આવી પહોંચ વહેલી : મારે તને લગ્ભેટ આપવી છે.’ રુદ્રદત્તે કહ્યું.

‘લગ્નભેટ? કોનાં લગ્ન?’

‘તારાં લગ્ન. તું વિલાયત જઈશ ત્યારે પરણીશ ને? હું તો ત્યાં આવીશ નહિ. અને અત્યારથી ભેટ આપી મૂકું.’

‘મારે વિલાયત જઈને પરણવું નથી. હું તો પાછી હિંદમાં જ રહેવા આવીશ; હિંદને જ મારો દેશ બનાવીશ.’

‘ત્યારે હું તને ક્યાં રહેવું તે સમજાવીશ.’

જૉન્સનનો અત્યંત આગ્રહ છતાં રુદ્રદત્ત પાદરીના ઘરમાં રહ્યા નહિ. તેમણે ગામની ધર્મશાળામાં આવીને સ્નાન કરી લીધું. નાહીધોઈ શંકરનાં દર્શન કરી કલ્યાણીએ સાદી રસોઈ બનાવી. રુદ્રદત્ત ઘણુંખરું ઉપવાસ કરતાં. દિવસમાં એકાદ વખતે મળે ત્યારે દૂધ અગર ક્વચિત્ જાડો રોટલો અગર ફળ માત્ર જમતા.

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.