૫ : ઘર

સ્નેહીનાં સોણલાં આવે સાહેલડી;

ઉરના એકાંત મારા ભડકે બળે!

      ન્હાનાલાલ

બ્રિટિશ સૈન્યમાં આનંદઆનંદ થઈ ગયો. પ્રભાતમાં પાછી ફરેલી હિંદી ટુકડીને સઘળા સૈન્યે હર્ષનાદથી વધાવી લીધી. લાખો માનવીઓનું ઘમસાણ વાળી નાખે એવા યુદ્ધસાધનોનો વિનાશ હિંદી ટુકડીએ પોતાના એક પણ માણસની ખુવારી વગર કર્યો એ પ્રસંગ અદ્વિતીય હતો. પીટર્સ અને જૅક્સનને ભારે માન મળ્યું. સેનાપતિએ તેમને બોલાવી સાથે જમવાનું માન આપ્યું. હિંદી ટુકડીને પણ આજે મનમાનતો ખોરાક મળ્યો. સેનાધિપતિએ હિંદી સૈનિકોની ખાસ મુલાકાત લીધી. પીટર્સે ગૌતમ તથા મંગળ બંનેને ઓળખાવી ખરું માન તેમને જ ઘટે છે એમ જણાવ્યું. સેનાપતિએ બંનેની સાથે હાથ મેળવ્યા, અને તેમની બહાદુરી માટે તેમને સારો બદલો આપવા જણાવ્યું. ગૌમતના માથામાં વાગ્યું હતું; એક પથ્થર વાગ્યાનો તાજો જ ઘા તેના કપાળના ઉપલા ભાગમાં પડયો હતો. સેનાપતિએ તેની ખાસ સંભાળ રાખવા જણાવ્યું.

સેનાપતિના ગયા પછી જૅક્સને પીટર્સને કહ્યું :

‘પીટર્સ! તું બહુ ઉદાર છે.’

‘કેમ?’

‘બધો યશ તું પેલા બ્રાહ્મણોને જ કેમ આપે છે?’

‘તેમને નહિ તો કોને અપાય?’

‘ટુકડીનો ઉપરી તું છે. તારી સૂચના પ્રમાણે કામ થયું છે. મન કોને ઘટે? યંત્રને કે યંત્રના પ્રેરનારને?’

પીટર્સે કાંઈ જવાબ આપ્યો નહિ. તે જાણતો હતો કે દુશ્મનોના સખત પહેરા વચ્ચેથી પસાર થઈ, દારૂગોળો ખોળી કાઢી તેના ઉપર બંદૂકની ગોળી છોડી ઉડાડી મૂકવો અને સહીસલામત પાછા આવવું, એ યંત્રની આંધળી શક્તિથી કદી બની શકે નહિ. અતુલ શાંતિ, અતુલ શૌર્ય અને અતુલ સમયસૂચકતાની તેમાં જરૂર હતી. બંને હિંદી વીરોનાં બાવલાં બનાવી ઇંગ્લેન્ડ તેમની પૂજા કરે તો પણ તેમના કાર્યનો બદલો વળી શકે એમ નથી, એવું તે માનતો હતો.

પોતાના તંબૂમાં પહોંચી પીટર્સે જૅક્સનને કહ્યું :

‘જૅક! સેલાસ્ટોપલન આખો નકશો આપણને મળી ગયો છે તે તું જાણે છે?’

‘ના! તે મળે તો તો દુશ્મનની બધી હિલચાલ સમજાય.’

‘ધાર કે એ કોણ લાવ્યું હશે?’

જૅક્સને વિચાર કરી જવાબ આપ્યો :

‘હું નથી કહી શકતો.’

‘ગૌતમ!’

‘એ કેવી રીતે લાવી શકે? દારૂ ઉડાડીને તો તે પાછો નાસી આવ્યો હતો!’

‘તને દારૂ ઉડાડવાની વાત સહેલી લાગે છે! ભલે, પણ ગૌતમે તો રશિયન સરદારના તંબૂમાં પહોંચી, મળ્યાં એટલાં કાગળિયાં પણ ઘસડી આણ્યાં છે.’

‘એ ઓળખાયો નહિ?’

‘પેલા રશિયન દૂતને એણે આપણા દેખતાં જ માર્યો હતો તે યાદ છે? તેનાં જરૂર પૂરતાં કપડાં એણે પહેરી લીધાં હતાં. અને એ અંધારામાં તોફાનનો લાભ લઈ. રશિયન દૂત બની જઈ, ઠેઠ અંદર ચાલ્યો ગયો હતો.

જૅક્સન કંઈ બોલ્યો નહિ. અન્યનાં વખાણ સહન કરવાં માનવીને બહુ ભારે થઈ પડે છે. જૅક્સનને લાગ્યું કે તે પોતે ગયો હોત તો આ બધું કરી શકત; એટલું જ નહિ, વધારે ઝડપથી અને વધારે સારી રીતે કરી શકત. ઝાંખરામાં ભરાઈ ઝાંખરા બની, ચપળ નિરીક્ષકોને ચૂકવી, છેક છાવણીની અંદર પહોંચી જવું એમાં કાંઈ મોટી વાત તેને લાગી નહિ. સૈનિકોનો ધર્મ છે કે સ્થળ અને સમયને અનુકૂળ બની જવું. તેને પોતાને અન્યાય થતો લાગ્યો. જાણે પોતાને મળવાનું માન આ હિંદી છીનવી ગયા હોય એમ ધારી તે ઘણો દુભાયો.

આખો દિવસ એમ ને એમ નીકળી ગયો. પરિચારિકા ફ્લૉરેન્સ નાઈટિન્ગેલે યુદ્ધમાં સ્ત્રીઓની નઃસ્વાર્થ સેવા અર્પણ કરવાનું પહેલું દૃષ્ટાંત આ ક્રીમિયાના યુદ્ધમાં પૂરું પાડયું હતું. એ દયાની દેવીએ સૈનિકોના હૃદય પોતાની સેવા વડે જીતી લીધાં હતાં. ઘાયલને પાટો બાંધનાર કરતાં વધુ પ્રિય શું હોઈ શકે?

એ નાઈટિન્ગેલે પણ હિંદી સૈનિક ગૌતમની મુલાકાત લીધી. ગૌતમ કાંઈ ભારે જખ્મી નહોતો થયો. છતાં ફ્લૉરેન્સ નાઈટિન્ગેલે ગૌતમનો પાટો પોતાના હાથે છોડી બીજો પાટો બાંધ્યો ત્યારે ગૌમતને પોતાની મૃત માતા યાદ આવી. ગૌતમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

‘બહાદુર સૈનિક! તારી આંખ કેમ ભીની થઈ? આજે તો આખું સૈન્ય તારો જય પોકારે છે.!’ નાઈટિન્ગેલે વાત્સલ્યથી ગૌતમનાં આંસુ લૂછી પૂછયું.

‘મૈયા! તને જોઈ મને મારી મા યાદ આવી.’

માનું સ્મરણ ખૂની અને ફાંસિયાને પણ અશ્રુભીનો કરે છે. એક ઉદાર સૈનિક માને યાદ કરી આં કેમ ન ભીંજવે? જગતના યૌદ્ધાઓએ પણ આંસુનો આશ્રય લીધો છે.

‘હિંદ જઈશ ત્યારે તારી આ યુરોપિયન માતાને યાદ કરીશ ખરો?’ નાઈટિન્ગેલે પૂછયું.

‘કેમ નહિ? તું તો ગંગામૈયા છે! જમનામૈયા છે! તારાં દર્શન કરીને યુદ્ધમાં મરીએ તો સ્વર્ગ જરૂર મળે.’

‘માતાઓ જ્યારે યુદ્ધ જોતી હશે ત્યારે જગતમાં એક પણ યુદ્ધ નહિ થવા દે.’ નાઈટિન્ગેલે કહ્યું. તેની આંખ જાણે ભવિષ્યનો પડદો ચીરી કોઈ નવીન જગત જોતી હોય એમ સ્થિર બની ગઈ.

નાઈટિન્ગેલ ગઈ એટલે ગૌતમ તંબૂની બહાર નીકળ્યો. ગઈ રાતનો વજ્રદેહી વીર અત્યારે રુદન શોધતો કોમળ બાળક બની ગયો. તેની માતા તેને યાદ આવી, તેના પિતા તેને યાદ આવ્યા. બંનેમાંથી કોઈને તે આ જગતમાં દેખી શકવાનો નહોતો. તે નાનો હતો ત્યારે વૃદ્ધ રુદ્રદત્તને સોંપી બંને સ્વર્ગવાસી થયાં હતાં. રુદ્રદત્તના એક યુવાન મિત્ર અને શિષ્યનો તે પુત્ર. ગૌતમના પિતાને યુદ્ધનો બહુ શોખ હતો. પોતે વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ હોવા છતાં યુદ્ધના પ્રસંગો તે ખોળ્યા  જ કરતો. યોદ્ધા તરીકે તેની સારી ખ્યાતિ હતી. અનેક રાજાઓ યુદ્ધના પ્રસંગે તેને બોલાવતા. માત્ર યુદ્ધના ચડસથી જ તે આવા આમંત્રણો સ્વીકારતો, અને યુદ્ધ બંધ પડે એટલે રુદ્રદત્તની પાસે આવીને રહેતો. કંપની સરકારને અને ઠગ ટોળાંને પરસ્પર સામનો કરવાનો સમય આવ્યો ત્યારે એક ઠગ સરદારે ગૌતમના પિતાને પોતાની સહાયે બોલાવ્યો. યુદ્ધને ખાતર જ તેને યુદ્ધ કરવાનું હતું; યુદ્ધમાં શું  મળવાનું છે તેનો તેને કદી વિચાર આવતો જ નહિ; એટલે યુદ્ધોમાં સરદારી ભોગવ્યા છતાં તે જાતે ગરીબ જ રહ્યો.

એક યુદ્ધમાં ગૌતમનો પિતા સખત ઘવાયો. તેણે મૃત્યુ આવતું જોયું. કેટલાક દિવસની દુઃખભરી મુસાફરી કરીને વિહાર ગામે તે પોતાને ઘેર આવ્યો. સ્ત્રીપુત્રની રુદ્રદત્તને ભાળવણી કરી, અને નારાયણના નામોચ્ચાર સાથે તેણે દેહ છોડયો. પત્નીની આંખમાં સત ચમક્યું. ઘાયલ પતિની અંત સુધી સારવાર કર્યા કરતી યુવતી અંત પછી પણ પતિની પાસેથી ખસી નહિ. જીવતા પતિ અને શબ વચ્ચે જગતને દેખાતો ભેદ તેને ન દેખાયો. અશ્રુરહિત આંખે તેણે મૃત પતિના દેહ સામે જોયા કર્યું. જરા રહી હતી તેણે ‘જય અંબે!’ નો ઉદ્ગાર કાઢયો. સહુ કોઈ સમજી ગયા. રુદ્રદત્તે છેવટનો ઉપાય અજમાવ્યો : નાનકડા ગૌતમને લાવી મા પાસે ઊભો રાખ્યો. માની આંખમાંથી અમૃત વરસ્યું. ઘડીભર રુદ્રદત્તને પણ લાગ્યું કે ગૌતમને જોઈને તેની માતાનો આવેશ ઓછો થશે, અને મૃત પતિની પાછળ મરવા કરતાં જીવતા નિરાધાર બાળકને માટે તે જીવવું પસંદ કરશે. પત્ની અને માતા વચ્ચે એક ક્ષણભર દારુણ યુદ્ધ થયું. એકાએક તેના કંઠમાંથી ઉચ્ચાર નીકળ્યો :

‘અંબા મા એનું રક્ષણ કરો! ગુરુજી! ગૌતમ તો તમારો છે. મારે શું?’

મહાવેદાન્તી અને પ્રખર દાર્શનિક રુદ્રદત્તની આંખમાં બીતાંબીતાં અશ્રુ આવ્યાં. અશ્રુને તેમણે આંખમાં ને આંખમાં સમાવી દીધાં. ગૌતમની માતા પોતાના પતિનું મસ્તક ખોળામાં લઈ ચિતા ઉપર બેઠી. જડ કાષ્ઠ ભડભડ બળતા અગ્નિના ધક્કાથી જરા ખસ્યું હશે, પરંતુ આ જીવંત પત્ની અગ્નિની ઊર્ધ્વગામી જ્વાલાઓ વચ્ચે નિશ્ચલ બેસી રહી. તેને મન ચિતા એ અગ્નિકુંડ નહોતો; અમૃતનો ફુવારો હતો!

સતીનો રિવાજ ભલે બંધ થયો! જીવતા સુકોમળ નારીદેહને અગ્નિમાં બાળવાની ભયાનક ક્રિયા ભલે અદૃશ્ય થઈ! પરંતુ જગતનાં પાર્થિવ-અપાર્થિવ સર્વ દૃશ્યોમાં ચિતા ઉપર બળતી આર્ય સતીનું દૃશ્ય દિવ્યતમ છે. સતીના સરખી જ્વલંત પવિત્ર ભાવના હજી જગતે જાણી નથી. મૃત્યુને ઠોકર મારતી, અગ્નિદાહ સરખા અસહ્ય દેહકષ્ટને જરા પણ ન ગણકારતી, પ્રાણેશ્વરના આત્માની સાથે એકતા સાધવા દેહની ખાખ બનાવી આત્માને છૂટો ઉડાડતી આર્ય અબળા આર્યાવર્તનું અજોડ અને અમર ચિત્ર છે! હિંદુસ્તાનને અને જગતને એ ચિત્રમાંથી અખૂટ જીવન મળ્યા કરશે.

સતીનો રિવાજ બંધ થયો ખરો, પરંતુ સતી બંધ નહિ થાય. ચિતામાં બળવાબાળવાનો વિધિ અદૃશ્ય થયો ખરો, પરંતુ દેહવિલયના યજ્ઞની જ્વાલા કદી નહી હોલાય. સ્ત્રી જ સતી બની શકે; તેનું જીવન જ યજ્ઞમય છે. પ્રિયને આત્મનિવેદન કરવું એ તેનું નિત્યકર્મ છે. તેને મૃત્યુ કેમ અઘરું લાગે? સ્ત્રીને નીંદતો, બુરખે બાંધતો, સ્ત્રીને ઘર બહાર પગ મૂકવા દેતાં ધ્રૂજતો સ્વાર્થી પુરુષ સતીની સરખામણીમાં શું રજૂ કરશે? કોણ મોટું? સ્ત્રી કે પુરુષ? એ પ્રશ્નનો ઉત્તર એક બીજો પ્રશ્ન પૂછવાથી જ મળી શકશે. મહાન શું? સ્વાર્થ કે સ્વાર્થત્યાગ? સ્વાર્થત્યાગની મૂર્તિ સમી સ્ત્રીને પગલે પગલે પુરુષ ચાલશે ત્યારે જ જગત વસાવવાલાયક થશે. ત્યાં સુધી તે જગત કલહ, ક્લેશ અને રુદનથી ભરેલું કતલખાનું જ રહેશે!

ગૌતમે યુરોપની સતી જોઈ. તેને જોતાં માનું સ્મરણ કેમ ન થઈ આવે? ધીમે ધીમે તેને ઘર સાંભર્યું. પાઠશાળા સાંભરી અને રુદ્રદત્ત સાંભર્યાં. માતાપિતાનું સ્થાન પૂરનાર એ ગુરુને અણગમતો યુદ્ધનો ધંધો સ્વીકારી, તેણે એ પવિત્ર પુરુષનું મન કેટલું દૂભવ્યું હશે તેનો તેને વિચાર આવ્યો. તેણે બહુ સમય સુધી ગુરુની આજ્ઞાનું પાલન કર્યું, પરંતુ અનુભવી ગુરુ જાણતા જ હતા કે ગૌતમનો વારસામાં ઊતરી આવેલો ક્ષાત્રસ્વભાવ એકાદ વખત જ્વાલામુખી સરખો ફાટી નીકળશે; અને ગૌતમ પોથાંનો ભાર ફેંકી દઈ સમશેર ધારી બનશે.

તેને મંગળની સોબત થઈ. લડાયક પૂરભૈયો બ્રાહ્મણ મંગળ પાંડે જેમ યુદ્ધ કરી જાણતો હતો તેમ બુદ્ધિચાપલ્યની પટાબાજી પણ કરી શકતો હતો. ન્યાયનો તેણે સારો અભ્યાસ કર્યો હતો અને તેથી વાદવિવાદમાં તે બહુ જ આનંદ માનતો. બ્રાહ્મણો લશ્કરમાં જોડાતા, તથાપિ સંધ્યાવંદન અને સહજ સંસ્કૃતજ્ઞાનનો પરિચય અહર્નિશ રાખ્યા કરતા. લશ્કરમાં રજપૂત, જાટ કે મુસલમાનની સાથે ભેળાઈ, તેમની સરસાઈ કરવાનો તેઓ  લાભ રાખતા; પરંતુ નોકરીના સમયની બહાર શ્રેષ્ઠત્વ અને પવિત્રતાનો બ્રાહ્મણોનો હક બરાબર સાચવી રાખતા. તેઓ સ્નાન કરવાનું ચૂકતા નહિ. ગાયત્રીનો પાઠ કર્યા વગર જમતા નહિ અને રસોઈ પોતાના હાથે જ બનાવી કોઈનો પણ સ્પર્શ ન થાય એવી જમવામાં કાળજી રાખી, પોતાની જન્મસિદ્ધ મોટાઈનું પ્રદર્શન કરતા.

મંગળ પાંડેએ નાનપણમાં એક-બે વર્ષ રુદ્રદત્તની પાસે ગાળ્યાં હતાં. પરંતુ એ અતિજલદ બ્રાહ્મણ શસ્ત્રની રમતમાં વધારે ધ્યાન દેવા લાગ્યો. છેવટે તે લશ્કરમાં જવા લાગ્યો. લશ્કરો વીખરાય અને તેમાંથી બીજા લશ્કરો ઊભાં થાય એમ વારંવાર બનતું. સિંધિયાનો સૈનિક હોલ્કરના સૈન્યમાં જોડાતો, અને હોલ્કરનો સૈનિક કંપની સરકારની કવાયત શીખતો. આવાં કૈંક સૈન્યોમાં ઘડાયેલો મંગળ બે માસ આસાએશ લેવા લશ્કરમાંથી છૂટો થયો અને પોતાનું ન્યાયનું અધ્યયન તાજું કરવા પાછો વિહારમાં આવી રુદ્રદત્ત પાસે રહ્યો. ગૌતમ અને મંગળ ભેગા થયા. ગૌતમનો રાજસ્ ગુણ તેની સોબતમાં ભભૂકી ઊઠયો અને છેવટે ગુરુ આજ્ઞા નહિ આપે એવા ભયથી ગુરુની આજ્ઞા લીધા વગર લડવૈયાનું જીવન ગાળવા તે છાનોમાનો નાસી ગયો.

નાસી જતાં પહેલાં તે કોને મળ્યો? શા માટે તે કલ્યાણીને મળ્યો હતો? કેવું સુંદર નામ? કઈ પ્રિયતમાનું નામ પ્રિયતમના હૃદયને હીંચોળે ચડાવવું નથી? કલ્યાણીનાં આંસુ પણ ગૌતમને રોકી શ્કયાં નહિ. વીરત્વનો આવેશ સ્નેહની, ધર્મની પૂજ્યભાવના પાળો તોડી નાખી બેફાટ ફેલાયે જતો હતો. પાંજરામાં પુરાઈ સ્વર્ગનું સુખ ભોગવતા સિંહને એ પાજરું તોડી પૃથ્વીના વિશાળ પટ ઉપર ગગનના ઘુમ્મટ નીચે ઘૂમવાનું મન થાય અને પાંજરું તોડી તે તલપી રહે, તેમ વિહારનો ગ્રામવૈભવ, રુદ્રદત્તનું વાત્સલ્ય અને કલ્યાણીના પ્રેમની દીવાલો ઓળંગી વીર ગૌતમ સમરાંગણ શોભાવતો થઈ ગયો.

પંજાબના શીખ વિગ્રહમાં તે ઝળકી ઊઠયો. મંગળ પાંડે પાછો ત્યાં ભેગો થઈ ગયો. કંપની સરકારે તેની કદર કરી ચાંદ આપ્યા અને નાના સિપાઈમાંથી મોટો સિપાઈ બનાવ્યો. ‘સ્વાહા!’ એ ઉચ્ચાર સાથે યજ્ઞનારાયણ જેમ હોમેલું દ્રવ્ય સ્વાહા કરી જાય તેમ કંપની સરકારે એક શતકમાં હિંદુસ્તાનના પ્રાંતેપ્રાંત સ્વાહા કરી દીધા. સિંહ તરીકે ઓળખાતા રણજિતનો શીખ પ્રદેશ પણ છેવટે તો હુતદ્રવ્ય બની ગયો. હિંદમાં રાષ્ટ્ર-અભિમાની ઓટ આવી; તે એટલે સુધી કે ઈ. સ. 1848-50ના અરસામાં તેનું બિંદુ પણ રહ્યું નહિ! એક હિંદી બીજા હિંદી બીજા હિંદી સામે જરા પણ સંકોચ વગર લડતો અને મુલક જીતી કંપની સરકારને ચરણ ધરતો.

ક્રીમિયામાં યુદ્ધ જાગ્યું એટલે કંપની સરકારે એક ચુનંદા હિંદી સૈન્યને પોતાના રાજ્યની કુમકે મોકલ્યું. કષ્ટ અને અપમાન વેઠી જીવ ઉપર આવી ગયેલી હિંદી ટુકડીએ ગઈ રાત્રે જ ભારે પરાક્રમ બતાવી યુરોપિયન સેનાનીઓને ચકિત કરી દીધા હતા. વિજયને ધબકારે હિંદીઓનાં હૃદય ધડકવાં જોઈએ. બીજાઓને શું થયું તે તો કોણ જાણે! પરંતુ ગૌતમ ઉદાસ બની ગયો. નાઈટિન્ગેલને જોઈ તેને પોતાની માતા યાદ આવી, અને માતા યાદ આવતાં તેને પોતાનું આખું પૂર્વજીવન યાદ આવ્યું. બે વર્ષથી કોઈના સમાચાર તેને મળ્યા નહોતા. રુદ્રદત્ત શું કરતા હશે? કલ્યાણી શું કરતી હશે? ગૌતમ સરખા એક ક્રૂર સિપાઈને તે હવે શાની સંભારતી હોય?

ગૌતમને ભારે અણગમો થઈ આવ્યો. તેને પોતાનો વિજય ખાલી ખાલી લાગ્યો. અલબત્ત, બધા તેને વખાણતા હતા, પરંતુ કલ્યાણીએ આ વિજય જોયો હોત તો? અને પોતાની ક્રૂરતા નિહાળી કલ્યાણીને બીજા કોઈ પ્રેમપાત્રને પ્રેમ સોંપ્યો હોય એ કેમ ન બને? કેટલાં વર્ષથી તેણે કલ્યાણીને જોઈ નહોતી? પોતાના સરખા રખડી મરવા સર્જાયેલા સાધારણ સૈનિકની રાહ કલ્યાણી શા માટે જોતી રહે?

ગૌતમને ફેર આવ્યા. તેણે આંખો બંધ કરી. એક બાજુ ખુલ્લા મેદાનમાં મંગળ પોતાને અને ગૌમતને માટે બાટી બનાવી રહ્યો હતો. તેણે ગૌતમને આંખો ઉપર હાથ મૂકતો દીઠો. તે હાથ ધોઈ દોડતો તેની પાસે આવ્યો અને હાથ ઝાલી પૂછવા લાગ્યો :

‘ગૌતમ! શું થાય છે?’

‘કંઈ નહિ. મારે ઘેર જવું છે.’

‘અહીં ઘર ક્યાંથી, ઘેલા?’ મંગળે હસીને કહ્યું.

ગૌતમની આંખમાંથી દડદડ઼આંસુ પડવા લાગ્યાં.

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.