ગૌતમ જેમ જેમ આગળ વધ્યો તેમતેમ તેની આસપાસ સૈન્ય સમૂહ વધવા માંડયો. કંપની સરકારના વર્તનથી બળીઝળી રહેલા કંપનીના જ સૈનિકો તો યોજના પ્રમાણે બધે વેરાયેલા હતા જ; એટલે તેઓ તો સંકેત અનુસાર ભેગા થાય જ. વળી એ વેરાયેલા સૈનિકોએ છૂપી રીતે ઉશ્કેરેલા અને સહજ તૈયાર કરેલા અર્ધસૈનિકો પણ ઉત્સાહમાં આવી ગૌતમની સાથે મળી ગયા. ઉપરાંત ક્ષણિક સાહસ, ક્ષણિક આવેશ, કીર્તિલોભ, ધનલોભ, વેરઝેર અને દેખાદેખીથી પ્રેરાયેલી જનતાનાં મોટાં મોટાં ટોળાં તેના લશ્કરમાં ઊભરાવા લાગ્યાં.
આખી પ્રજા હથિયાર ધારણ કરી શકતી. એટલે લશ્કરી વસ્ત્રાો, તલવાર, ભાલા, જમૈયા, બંદૂક સહુ કોઈ સહજ મેળવી શકે એમ હતું. વ્યક્તિગત શસ્ત્રવપરાશની આવડત પણ તે સમયે વ્યાપક હતી. પરંતુ સંયમ, શિસ્ત, કવાયત એ મોટા ભાગને અજાણ્યાં હતાં. કંપની સરકારનાં શસ્ત્ર બહુ ભયંકર અને અસરકારક હતાં. કંપની સરકારનાં શસ્ત્ર બહુ ભયંકર અને અસરકારક હતાં, અને કંપની સરકારનાં રહ્યાંસહ્યાં સૈન્ય એક યંત્ર જેટલી નિયમિતતા અને એકરાગથી કસાયેલાં અને ટેવાયેલાં હતાં. એ બંનેનો ક્રાંતિકારીઓમાં ભારે અભાવ રહેલો ગૌતમને દેખાયો. અંગ્રેજોના વિજયનું એક કારણ તેમની બુદ્ધિ હશે; પરંતુ બીજું – અને જરાય અવગણવા સરખું નહિ એવું બીજું કારણ તેમની કવાયત હતી એમાં ગૌતમને લગાર પણ સંશય નહોતો. કવાયતની કિંમત ગૌતમ જાણતો હતો. કવાયતી અને બિનકવાયતી ટોળાંને ભેગાં કરવામાં રહેલો ભય તે સમજતો હતો. માનવીઓમાં અવ્યવસ્થિત ટોળાં ભેગાં ભળતા કવાયતી સૈનિકો પણ બિનજવાબદાર લૂંટારું બની જવાનો પૂરો સંભવ હતો. ગૌતમે આખા ટોળાને શિક્ષણ આપવા માંડયું. તે આગળ વધતો ગયો અને સૈન્યના જુદા જુદા વિભાગોને કેળવતો ગયો.
તેને માથે મોટી જવાબદારી હતી. બંગાળા, ગંગાજમુનાના પ્રદેશ અને મધ્યપ્રાન્ત સિવાયનું આખું હિંદ બળવા માટે તૈયાર દેખાયું નહિ. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, હૈદરાબાદ અને મદ્રાસને સમાવતો આખો દક્ષિણ-પશ્ચિમ ખંડ ક્રાંતિની ચિનગારીઓથી સહજ પણ પ્રજળ્યો નહિ. પંજાબી સિંહ સૂતો જ રહ્યો. દક્ષિણ-પશ્ચિમમાં પથરાયેલાં કંપની સરકારનાં સૈન્ય મધ્યપ્રાંતમાં થઈ ઉત્તરે આવી, ત્યાં વ્યાપક બનેલી ક્રાંતિને દાબી દેવા તૈયારી કરી રહ્યાં હતાં. ગૌતમને એ તાજાં ક્રાંતિવિરોધી સૈન્ય અટકાવવાનાં હતાં. અને મધ્યપ્રાંતમાં પડેલી છાવણીઓને છિન્નભિન્ન કરવાની હતી. સંભાળવાનો પ્રદેશવિસ્તાર બહુ મોટો હતો અને તેનાં સાધનો ઓછાં તથા અપરિપક્વ હતાં. તેણે મધ્યપ્રાંતની છબી છાવણીઓને ઘેરો ઘાલ્યો. અને સમગ્ર સૈન્યમાં કડક નિયમન અને લશ્કરી તાલીમ દાખલ કરવા મથન કર્યું. દક્ષિણ-પશ્ચિમના નાકા ઉપર પણ તેણે નજર રાખવા માંડી. સ્ત્રી બાળક અને અશસ્ત્ર ગૌરા ઉપર ઘા કરવાની તેણે સખત મના કરી. બિનકેળવાયલાં ટોળાં ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ ભૂલી ક્ષણિક વૈરતૃપ્તિનો સંતોષ મેળવી શિથિલ બની જાય છે, અને કવાયતી વિભાગને શિથિલ કરી નાખે છે.
એક મોટા વડની છાયા નીચે ઘોડાનું જીન પાથરી ગૌતમ એક અજવાળી રાતે આડો પડયો હતો. તેને આછી નિદ્રા આવી. તેનું સૈન્ય એક છાવણીને ઘેરી પડયું હતું. સો-સવાસો ગોરાઓ અને પાંચસો હિંદીઓનું સૈન્ય છાવણીનું રક્ષણ કરી રહ્યું હતું. આજ એ છાવણી સર કરવાનો તેણે નિશ્ચય કર્યો હતો. પરંતુ કોણ જાણે કેમ, એ કંપનીનું સૈન્ય આજ ટકી રહ્યું. ગૌતમને શક પડયો કે તેના જ કોઈ સૈનિકો છાવણીવાસીઓને દારૂગોળો પહોંચાડે છે. પ્રભાતે હલ્લો કરી એ છાવણી સર કરવાનો તેનો નિશ્ચય હતો. ઓછામાં ઓછી હિંસા થાય એવી તેને સ્વાભાવિક ઇચ્છા રહેતી. એટલે આજ સુધી હલ્લો કરવાનું તેણે મુલતવી રાખ્યું હતું. પરંતુ આમ દસ-બાર છાવણીઓને ઘેરી રોકાઈ રહેવું એ તેને હવે હાનિભર્યું લાગ્યું. હલ્લાનો હુકમ તેણે આપી દીધો. છાવણી સર થવાની જ હતી એવી તેની ખાતરી હતી. ચારેક જાગૃત પહેરેગીરોની વચ્ચે તે સહેજ નિદ્રાવશ થયો.
વિજયનાં સ્વપ્નમાં કલ્યાણી અને તેની વરમાળ સ્વીકારવા ગૌતમે પોતાને સંબોધતી એક અગમ્ય બૂમ સાંભળી અને તે જાગૃત થયો.
‘શું છે?’ બેઠા થતાં બરાબર ગૌતમે પૂછયું. તેનો હાથ સ્વાભાવિક રીતે જ તલવાર તરફ વળ્યો.
પરંતુ તેનો જવાબ મળે તે પહેલાં તો તેનું આશ્ચર્ય વધી ગયું. તેનાથી બોલાઈ ગયું.
‘તમે ક્યાંથી?’
તેની સામે બે બંદીવાનો ઊભાં હતાં. બંને બંધનમાં હતાં. તેમને બાંધી લાવેલા સૈનિકો જરા છોભીલા પડયા. સૈનિકોના નાયકે કહ્યું :
‘છાવણી ભણીથી આ બે જણ આવતાં હતાં. સંતોષકારક ઉત્તર ન આપ્યો. એટલે અહીં પકડી લાવ્યા છીએ.’
‘સારું કર્યું. એમને છોડી દ્યો. એ મિત્રો છે.’ ગૌતમે કહ્યું.
‘એ મિત્રો નથી. તેઓ ગોરી છાવણીઓમાં સમાચાર પહોંચાડે છે.’ નાયક બોલ્યો.
‘તમે કેમ જાણ્યું?’
‘ગઈ રાત્રે પણ મેં તેમના ઓળા જોયાં. આજે પકડાતાં પૂછયું ત્યારે એમણે જ મિત્ર હોવાની ના પાડી.’
‘તેઓ મિત્ર છે – તટસ્થ છે. હું ઓળખું છું.’ ગૌતમ બોલ્યો.
‘મુંબઈથી સૈન્ય પાસે આવી ગયું છે તે એ જાણે છે. અને તેમની ખબરથી જ આજ છાવણીવાળા શરણે આવતા અટક્યા છે.’
‘મુંબઈથી સૈન્ય આવી ગયું?’ ગૌતમ બોલ્યો.
‘હા જી. બે મઝલમાં અહીં આવશે.’
‘એમ? તને કોણે કહ્યું?’
‘આ બંદીવાને કહ્યું અને સૈયદનો સંદેશો પણ આવી ગયો છે.’
‘દુશ્મનને એ ખબર ન આપે. તમે એમને ઓળખતા નથી.’
‘મારી તો ખાતરી છે છતાં આપની મરજી હોય તો હું છોડી દઉં.’
‘છોડી દ્યો. હું તમને ઓળખાવીશ એટલે તમારી ખાતરી થશે. આમાં એક રુદ્રદત્તની પૌત્રી કલ્યાણી છે અને બીજો રુદ્રદત્તનો શિષ્ય ત્ર્યંબક છે.’
નાયક ચમક્યો. એકાએક તેણે બંદીવાનોને સલામકરી અને તેમનાં બંધન છોડી નાખ્યાં. બંનેએ સાધુવેશ ધારણ કર્યો હતો. નાયકે ધારીને જોયું અને તેને ખાતી થઈ કે બેમાંથી એક ગૌતમના કહેવા પ્રમાણે સ્ત્રી હતી.
‘પરંતુ એ છાવણી ભણી કેમ ફરતાં હતાં?’ નાયકે પૂછયું.
‘તે હું શોધી કાઢું છું. તમે જાઓ. બે કલાક આરામ લ્યો. સૂર્યોદય પહેલાં મોરચો તૂટવો જોઈએ.’
‘જી.’ કહી નાયક અને તેની સાથેના સૈનિકો ચાલ્યા ગયા.
પહેરો ભરતા સૈનિકોને પણ ગૌતમે સૂવાની આજ્ઞા કરી. યુદ્ધ પણ આરામ માગે છે, અને આરામ પણ વહેંચીને વાપરવાના હોય છે. ગૌતમનું એક સૂત્ર હતું : જે કામ સેનાપતિથી થઈ શકે નહિ તે સૈનિક પાસે કરાવાય નહિ. તે ઓછામાં ઓછો આરામ લેતો, વધારેમાં વધારે મહેનત કરતો અને જીવને જોખમાવે એ સ્થળે પોતે મોરચો સાચવતો. પહેરેગીરોને સુવાડી તે જાતે પહેરો ભરવા ઊભો થયો. ત્ર્યંબક અને કલ્યાણી પણ આડાં પડયાં.
ગૌતમને શાની નિદ્રા આવે? કલ્યાણી ફરી તેની પાસે આવી હતી. સ્મૃતિ ઉપર તાત્કાલિક કાર્યોના થર ચડાવી, તેને લુપ્ત કરવા અફળ મથન ચાલતું હોય તેવી ક્ષણે, સ્મૃતિના મધ્યબિંદુરૂપ મૂર્તિ પ્રત્યક્ષ થાય એટલે ચમક ઉપજાવતી અશાંતિનું હૃદય ઉપર સામ્રાજ્ય સ્થપાય. ગૌતમે પહેરો ભરવાનું માથે લીધું એ તેના ઉદાર નેતૃત્વનું પરિણામ હતું. પરંતુ તેણે પહેરો ન ભર્યો હોત તોપણ તેને નિદ્રા તો આવવાની હતી જ નહિ. તેણે હથિયાર લઈ ફરવા માંડયું. છાવણીની આસપાસ તેના સૈન્યે ઘેરો ઘાલ્યો હતો. તેની તીણી નજર દૂર દૂર સુધી દેખી શકતી હતી. બીજા પહેરેગીરો પહેરો બરાબર ભરતા હતા એને તેને ખાતરી થઈ. તે છાવણીની આસપાસ કંપનીના લશ્કરે કરેલી કામચલાઉ કિલ્લેબંદીની નજીક પહોંચ્યો. સનનન કરતી એક બંદૂકની ગોળી તેના કાન પાસે થઈને અદૃશ્ય બની ગઈ. વાતાવરણમાં બંદૂકના અવાજે અશાંતિ ફેલાવી. ગૌતમ સહજ પાછો ફરી ઝાડના એક થડ પાછળ લપાયો.
થડ પાછળ તે લપાતાં બરોબર ચમક્યો. થડની પાછળ અન્ય વ્યક્તિઓએ પણ આશ્રય લીધો હતો એમ તેનો અને છુપાયેલી વ્યક્તિનો દેહ અથડાતાં તેની ખાતરી થઈ.
‘કોણ છે?’ ઘેરા અવાજે ગૌતમે પૂછયું.
‘એ તો હું; કલ્યાણી.’
‘કલ્યાણી! આવું સાહસ?’
‘સાહસિકને જોવા સાહસ જ કરવું પડે ને?’
‘તું કેમ અહીં આવી?’
‘સાચું કહું? તને જોવા આવી.’
‘મને હમણાં તો જોયો હતો. ગુરુજીના દહનને વધારે દિવસ નથી થયા.’
‘મારાથી રહેવાયું નહિ.’
‘અહીં કેટલું જોખમ છે તે સમજાયું?’
‘ગઈ કાલની હું અહીં ફરું છું.’
‘ગઈ કાલની! તું હતી ક્યાં?’
‘તને અને તને જ જોયા કરતી હતી.’
‘શી રીતે?’
‘એમાં રીત શી? આજ પકડાઈ ગઈ, કાલ નહોતી પકડાઈ.’
‘તારી હાજરી વિષે મારા નાયકને પડેલી શંકા ખરી હતી?’
‘હા. ગઈ રાત્રે તું મોરચા ઉપર ચડી ઊભો તે મેં જોયું હતું.’
‘એમ?’ તું ક્યાં હતી?’
‘હું તારી પાસે જ હતી. લાકડાં અને માટીના બનેલા આ કિલ્લા ઉપર સંતાવાનાં સ્થળો બહુ છે.’
‘મારી પાછળ બે દુશ્મન સૈનિકોની તલવાર ચમકી હતી તે તેં જોઈ હતી?’
‘જોઈ હતી એટલું જ નહિ; મેં અને ત્ર્યંબકે એ બંને તલવારો પકડી લીધી હતી.’
‘એમ?’
‘કિલ્લાની એક અણરક્ષાયલી જગા પાસે ગઈ રાતે ગૌતમ આવ્યો હતો. છાવણીની અંદર સ્થિતિ મુશ્કેલીભરી લાગતી હતી તે નજરોનજર દેખાય એવો તેને લાગ મળ્યો. બે સૈનિકોને કિલ્લાની આગળ રાખી પોતાની તરફ સતત દૃષ્ટિ રાખવાનું કહીને ધીમે ધીમે તે કિલ્લા ઉપર ચડયો અને ત્યાં જ ઊભો થયો. સહજ નીચાણમાં બેસી રહેલા અને રખે કોઈ કિલ્લા ઉપર ચડે એવા અનુમાનથી તત્પર રહેલા એ ગોરા સૈનિકોએ છલાંગ મારી ગૌતમ ઉપર તલવાર ઉગામી. ગૌતમ તૈયાર થવા નીચો વળ્યો. બંદૂકના બે પ્રહાર થયા. ગૌર સૈનિકો નીચે ગબડી પડયા. ગૌતમે જાણ્યું કે તેના અંગરક્ષકોની ગોળીએ બંનેને વીંધી નાખ્યા હતા.
‘તને એમ લાગ્યું હશે કે એ બંને ગોળીથી વીંધાયા નહિ?’ કલ્યાણીએ પૂછયું.
‘હા.’
‘એમને ગોળી વાગી નથી; તેમની તલવાર અમે ઝૂંટવી અને તેમને નીચે ગબડાવ્યા.’
‘કલ્યાણી! મારો જીવ તેં બચાવ્યો?’
‘એ ખબર નથી. અમે ન હોત તોપણ તું બચી શકત.’
‘ચાલ, આપણે પાછાં ફરીએ. આસપાસ ગોળીઓ વીંઝાય છે.’
‘ગૌતમ! એક માંગણી તું કબૂલ ન કરે?’
‘શી?’
‘મને તારી અંગરક્ષક બનવા દે.’
‘તું મારી આત્મરક્ષક છે.’
‘એવી વાતમાં તું મને ફસાવીશ નહિ.’
‘પણ તારાથી હથિયાર કેમ ઝલાશે?’
‘તારે ખાતર હું હથિયાર ઝાલીશ.’ કલ્યાણીની આંખ ચમક ચમક થઈ રહી હતી. પ્રિયતમને સારું ભાવના અને સિદ્ધાંતના પણ ભોગ અપાય છે. એમ ગૌતમ જોઈ શક્યો. શું સારું? પ્રેમ કે સિદ્ધાંત? શું મહાન? પ્રેમનો ભોગ કે સિદ્ધાંતનો ભોગ? પરંતુ પ્રેમને ખાતર સર્વસ્વનો ભોગ આપવો એવો જ જેનો સિદ્ધાંત બંધાયો તેને સિદ્ધાંત વિરોધ પણ કેમ કહેવાય? પ્રેમ પણ મહાન ભાવના નથી? પ્રેમમાં સનાતન સિદ્ધાંત શું સમાયો નથી? કઈ ભાવનામૂર્તિ પ્રિયતમ કરતાં મોટી હશે! અને કલ્યાણીએ શસ્ત્રસંન્યાસનું વ્રત ક્યારે લીધું હતું?
‘તું ઘેલછા ન કાઢ. અહીં મારું રક્ષણ પૂરેપૂરું થાય છે. આવતી કાલ જરૂર વિજય મળવાનો.’ ગૌતમે કહ્યું.
‘બીજું સૈન્ય આવતી કાલે જ અહીં ધસારો કરશે એ તું જાણે છે?’
‘હા, મારા સૈનિકો નથી જાણતા. પણ હું જાણું છું.’
‘બંને બાજુ કેમ પહોંચી વળાશે?’
‘માટે જ કિલ્લો સવારમાં સર કરીશ. વળી સૈયદની ટુકડી પણ આવી મળશે.’
‘ત્યારે હું શું કરું?’
‘તારે અહીં આવવું જ નહોતું જોઈતું.’
‘મારાથી રહેવાયું નહિ એટલે હું આવી.’
‘ઓ કલ્યાણી!’ ગૌતમથી બોલાઈ ગયું. કલ્યાણીનો કુમળો હાથ ગૌતમે પોતાના હાથમાં લીધો. અને જોરથી તેને દબાવી નાખ્યો. કલ્યાણીએ દુઃખનું અસહ્યપણું આછી રિસકારીથી વ્યક્ત કર્યું. પરંતુ તેણે હાથ છોડાવી લીધો નહિ. કેટલાક અંગદુઃખમાં અવર્ણનીય મીઠાશ રહેલી હોય છે. વૃક્ષની બંને બાજુએથી મૃત્યુપ્રેરક ગોળીઓની ત્વરિત ગતિ વચ્ચે વચ્ચે ચાલતી હતી; છતાં આ બંને પ્રેમીઓને તેનું અભાન હતું.
છાવણીની પાસે જ આવેલા શહેરમાંથી કૂકડાં બોલી ઊઠયાં. કલ્યાણીના સુંવાળા હાથને સ્પર્શ કરી રહેલો ગૌતમ ચમક્યો અને તેણે કલ્યાણીના અજબ માધુર્યભર્યા હાથને છોડી દીધો.
‘કલ્યાણી! મને માફ કરજે.’
‘કેમ?’
‘મારી ભૂલ થઈ.’
‘શી?’
‘તારો સ્પર્શ થઈ ગયો.’
‘તેથી શું?’ પવિત્ર વાતાવરણમાં જ ઊછરેલી કલ્યાણીને પ્રેમની પરાકાષ્ટામાં અત્યારનો સ્પર્શદોષ જરાય સમજાયો નહિ. કદાચ પ્રેમસ્પર્શમાં દોષ રહેલો જ ન હોય એમ કેમ ન કહેવાય?
‘સ્પર્શનો અધિકાર મેં મેળવ્યો નથી.’
‘અધિકાર? જો!’ કહી કલ્યાણીએ ગૌતમનો હાથ પોતાના હાથમાં લીધો અને પોતાના ગાલ ઉપર મૂકી આછા બળથી દબાવી રાખ્યો. ગૌતમનું હૃદય ધડકી ઊઠયું. તે જાણે ધરતીકંપ અનુભવતો હોય એમ વિહ્વળ, પરવશ અને લાચાર બની ગયો. તેના મન અને દેહ ઉપરથી સંયમનાં બંધન તૂટી જતાં હોય એમ તેને સ્પષ્ટ સમજાયું. કલ્યાણીને બાથમાં લઈ કચરી નાખવાની કોઈ પ્રબળ વૃત્તિ તેને થઈ આવી. સ્નેહનો સ્પષ્ટ આવિષ્કાર ચુંબનલાલસા મહાવેગથી તેના હૃદયનું મંથન કરી રહી. ક્ષણ બે ક્ષણ બંને ભાનભૂલ્યાં પ્રેમીઓ જીવનના આ પરમ ઐક્યમાં જગતનું દ્વૈત ભૂલી ગયાં. બ્યૂગલનો એક ઉત્તેજક સૂર શાંત એકાન્ત મેદાનમાં ગાજી રહ્યો.
ગૌતમે કલ્યાણીને કચરી નાખવા ધસતા હસ્તને એકદમ રોક્યા; ચુંબનલાલસાને તેણે ગૂંગળાવી દીધી. ધીમે રહીને તેણે પોતાનો દબાઈ રહેલો હસ્ત કલ્યાણીના હસ્ત અને કપોલ વચ્ચેથી ખસેડી લીધો.
‘જવું છે?’ કલ્યાણીએ પૂછયું.
‘હા. પ્રભાત પહેલાં કિલ્લો લેવો છે.’
‘જા.’
‘તું શું કરીશ?’
‘મને ફાવશે તે.’
‘પણ અહીં તો યુદ્ધ શરૂ થશે.’
‘મને ત્ર્યંબકને યુદ્ધનો ડર નથી.’
‘તમે તો શસ્ત્રરહિત છો.’
‘ત્ર્યંબક શસ્ત્રરહિત છે. હું નહિ.’
‘મારે માટે તું ગુરુના આત્માને ખિન્ન કરી રહી છે.’
‘તારે માટે હું બધું કરી શકીશ.’
‘કેમ?’
‘ગૌતમ! મને ભય લાગે છે. હું અને તું વિખૂટાં પડી જઈએ તો?’
‘શા માટે? કંપની સરકાર નાબૂદ થાય એટલે મારાં શસ્ત્રાો પણ નાબૂદ થતાં માનજે.’
‘તેથી શું?’
‘પછી ગુરુઆજ્ઞા પ્રમાણે આપણે લગ્ન કરી શકીશું.’
‘તોય મને બીક લાગે છે. જા જા. રણશિંગા વાગે છે. તારી રાહ જોવાય છે.’
આટલું કહી કલ્યાણી વૃક્ષને ઓથેથી ખસી દોડી ગઈ. ગૌતમે ઝડપથી પોતાના સૈન્ય તરફ ડગલાં ભરવા માંડયાં. સૈનિકો સજ્જ થતા હતા તે એ જોઈ શક્યો. આજનો તેનો નિશ્ચય દૃઢ હતો. કિલ્લો હાથ આવવો જ જોઈએ એમ તેનું મન બોલી રહ્યું હતું. તેને પાછળ જોયું. પ્રભાતના આછા લાલ પ્રકાશમાં પીગળી ગઈ હોય એમ કલ્યાણી દેખાઈ નહિ.
‘શું છેલ્લું મળી લીધું?’ ગૌતમના દેહને કંપાવતો પ્રશ્ન તેના હૃદયે પૂછયો.
Feedback/Errata