વારી લે જરી વારી લે તારા
રમતા રસીલા એ ભાવ!
ખોટું હૃદયનું ખેંચવું તેમાં;
લાડકડી; નથી લ્હાવ!
ન્હાનાલાલ
હૅનરીને લાગ્યું કે વિહાર એ તોફાનનું કેદ્ર છે. રુદ્રદત્ત જેવા ભેદી પુરુષની સતત હાજરી. જૉન્સનના માનસનું હિંદપક્ષપાતી પરિવર્તન, અને હમણાં જ ઉદ્ધતાઈ ભરેલી ઢબે એક અંગ્રેજને ન ગણકારતાં ચાલ્યો ગયેલો એક પાંડે. એ બધા પ્રસંગો હૅનરીને ભેદ ભરેલા લાગ્યા. અલબત્ત તે કાંઈ ડરતો નહોતો. અંગ્રેજ કદી ડરે નહિ એવી અંગ્રેજોની માન્યતા હોય છે; તેમાંયે વશ કરેલી પ્રજાનો ડર તો સ્વપ્ને પણ લાગે નહિ છતાં ઝીણવટભરી તપાસ કરી, ચોક્કસ પગલાં સૂચવવાની કુશળતા પણ અંગ્રેજ ધરાવે છે એમ માનતા હૅનરીએ જંગલમાં પડાવ નાખ્યો અને એક હિંદી ભોમિયાને બાતમી લાવવા વિહાર ગામમાં મોકલ્યો.
ભોમિયો બધી બાતમી લઈ આવ્યો. લશ્કરનું આગમન, રુદ્રદત્ત ઉપર ગૌતમ માટે ગુજરેલી સખ્તી, જૉન્સને વચ્ચે પડી કરેલો બચાવ, એ બધી વાત તેણે ગામમાંથી મેળવી; એટલું જ નહિ, પણ તાત્યાસાહેબ ટોપે નામના એક દક્ષિણી ગૃહસ્થ થોડા માણસો સાથે રુદ્રદત્તની પાઠશાળામાં ઊતર્યા છે એ વધારાની હકીકત પણ તેણે હૅનરીને જણાવી.
હૅનરી ફક્ત પાદરી જ નહોતો; તે અંગ્રેજ સત્તાનો ગૌરવર્ણ ઉપર આધાર રાખતો માત્ર પ્રતિનિધિ નહોતો; તે સરકારનો એક ગુપ્તચર પણ હતો. ઘણા પાદરીઓ ઈસુખ્રિસ્તનો પયગામ પ્રજાને પહોંચાડવાની સાથે પ્રજાની જાસૂસી પણ કરતા હતા. તાત્યાસાહેબ એ પેશ્વાના મુખ્યત્યાર છે એની તેને ખબર હતી. શ્રીમંત નાનાસાહેબ પેશ્વાનો બ્રહ્માવર્તનો મહેલ એ અનેક વર્ષો સુધી અંગ્રેજ અમલદારો અને તેમની પત્નીઓની આરામગાહ બની રહ્યો હતો. હિંદી જનતા ઉપર ભારે ઉપકાર કરી કરી થાકી જતા લશ્કરીઓ, બંદોબસ્તી અગર કારોબારી ગૌરાંગ અમલદારો, અને નોકરચાકરોનાં ટોળાંથી વીંટાઈ રહેવા છતાં શ્રમનો સતત ભાસ અનુભવતી મેમસાહેબોએ ઝટ નાનાસાહેબનાં મહેમાન બની જતાં, અને અંગ્રેજ ઇતિહાસકારોને હાથે નરરાક્ષસ તરીકે ચિતરાયલા એ નામધારી પેશ્વાનું અણમાપ્યું આતિથ્ય સ્વીકારી શ્રીમંત મૈત્રી દાવો કરતાં, હૅનરી પણ બેત્રણ વખત એ રાજવંશી આતિથ્યનો અનુભવ કરી આવ્યો હતો. અને જોકે અંગ્રેજ સરકારે શ્રીમંત નાનાસાહેબને સાલિયાણું ન આપ્યું તે વિશે નાનાસાહેબે કડવી ફરિયાદ કરી હતી એમ તે જાણતો હતો. છતાં એ મહેમાનપ્રિય ઉદાર પુરુષ કાંઈ પણ કાવતરું કરવાની શક્તિ ધરાવે છે એમ તેને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. તાત્યાસાહેબની પૂના સતારાની મુસાફરી ઉત્તર હિંદમાં રહેતા અનેક મહારાષ્ટ્રીઓની સરખી સહજ હતી. એમ માનતા હૅનરીએ જ્યારે જોયું કે તાત્યાસાહેબ વિહારમાં આવી રુદ્રદત્તને ઘેર ઊતર્યાં છે ત્યારે તે ચોંક્યો. અને કાંઈક કાવતરાની મંત્રણા હશે એમ ધારી તેનો ઉકેલ કરવા તત્પર થયો.
આગ્રહે ચડેલા અંગ્રેજે ગામમાં માણસો નિશ્ચિત સ્થાનોએ ફરતા કરી દીધા, અને તે પોતે પાઠશાળા તથા મિશન ઉપર નજર રાખતો બેઠો. અંધકારે તેને સહાય આપી. સંધ્યાકાળે જૉન્સન અને તેની પુત્રી પાઠશાળામાથી પાછાં ફર્યાં હતાં તે સિવાય કશો જાણવા જેવો બનાવ મોડી રાત સુધી બન્યો નહિ. મધરાત થઈ ગઈ; હૅનરીની આંખમાં ઊંઘ ઘેરાઈ; આટલી બધી મહેનત અને કાળજીને પાત્ર કશું જ બનતું નહોતું. એટલે કાંઈ જ બનવાનું નથી એમ માની એક લશ્કરીને શોભે એવી ઢબે તેણે દેવાલય પાછળ બેઠેબેઠે આરામ લેવાનું શરૂ કર્યું; પરંતુ આરામની પહેલી જ ક્ષણે તેનો એક માણસ દોડતો દોડતો આવ્યો :
‘બે માણસો પાઠશાળામાંથી આવે છે.’
‘કોણ હશે?’
‘બરાબર ઓળખાય નહિ; પરંતુ રુદ્રદત્ત અને તાત્યાસાહેબ લાગે છે.’
દૂર આવતા માણસો દેખાયા. હૅનરીએ પોતાના માણસને મોકલી દીધો. અને શિવાલયને ઓથે તે સંતાયો; પરંતુ તેની અજાયબી શમે તે પહેલાં જ બંને પુરુષો શિવાલયની પાસે આવી બેઠા. તેનાથી ખસાય એમ નહોતું. એક કુશળ ચોરની સિફતથી તેણે બંને વચ્ચે થતી વાતચીત સાંભળી. અને બંનેને તેણે ઓળખ્યા. કંપની સરકાર વિરુદ્ધ થતું કાવતરું પકડવાનો યશ પોતાને મળશે એમ માની તેણે સાહસિક ગર્વનો સંચાર હૃદયમાં થવા દીધો. અને ગર્વ સાથે શરીરમાં દાખલ થતી બેદરકારીને લીધે અજાણતાં જ હાથ અગર પગ હાલતાં સહજ ખડખડાટ થયો. એ જ વખતે કૂતરું વિના કારણ ભસી ઊઠયું.
સાપ સરખી સરળતાથી હૅનરી ખસી ગયો. તાત્યાસાહેબે તેનો પડછાયા સરખો આભાસ પારખ્યો. કોઈ ધસી આવે તે પહેલાં મિશનના મકાન પાસે પહોંચી જઈ પાદરીપણામાં સ્વસ્થતા શોધવાનું ડહાપણ હૅનરીએ વાપર્યું. પરંતુ મિશનના મકાન પાસે બનતો એક અવનવો બનાવ જોઈને સ્તબ્ધ બની ગયો. અંધારામાં પણ તે જોઈ શક્યો કે મિશનની વાડ પાસે આવેલા એક મોટા વૃક્ષની છાયામાં એક કાળો પુરુષ અને એક ગૌરાંગ યુવતી ઊભાં ઊભાં વાતો કરે છે!
ત્ર્યંબક પેશ્વાના દરબારમાં જવાનો છે એ વાત તેણે પોતે જ લ્યૂસીને કરી હતી. સાંજે જ ત્ર્યંબકે પાઠશાળાની બહાર નીકળતાં કહ્યું :
‘લક્ષ્મી! હવે તારે સંસ્કૃત બીજા પાસે શીખવું પડશે.’
‘કેમ? બીજા પાસે મને નહિ ફાવે.’ લ્યૂસીએ કહ્યું.
‘હું બ્રહ્માવર્ત જાઉં છું; શ્રીમંત પાસે.’
‘તારે શું કામ પડયું?’
‘એ તો ખબર નથી, પણ કાંઈ શીખવવાનું હશે.’
‘તારા ગુરુજી હા પાડે છે?’
‘તેઓ ના તો નહિ જ કહે.’
‘તને જવું ગમે છે?’
‘ગુરુજી પાસેથી જવાનું મન થતું નથી, પરંતુ દેશાટન કરવાનું હવે મન થાય છે.’
‘મારો અભ્યાસ અધૂરો રહી જશે.’
‘તમે ગોરાં એવાં ચીવટવાળાં હો છો કે તમે બધું જ કરી શકો છો.’
‘ક્યારે જવાનો?’
‘કાલે; કદાચ સવારે જ.’
‘એટલો જલદી?’ લ્યૂસીએ આશ્ચર્યથી પૂછયું.
‘હા.’
‘મારું એક કામ ન કરે?’
‘શા માટે નહિ?’
‘આજે રાત્રે મને મળી જઈશ?’
રાત્રે? અને તે એક યુવતીને મળવાનું! ત્ર્યંબકને એ વિચાર બહુ ફાવ્યો નહિ. તેણે કહ્યું :
‘જતા પહેલાં પાદરીસાહેબને, મેમસાહેબને અને તને મળીને જ જઈશ.’
‘મને એકલીને મળવા જ હું બોલાવું છું.’
‘એ કેમ બને?’
‘મારે ખાતર એટલું બનાવ.’
‘કાંઈ કામ હોય તો અહીં જ કહી દે.’
‘ના; અંધારામાં કહેવા જેવું છે.’
સ્તબ્ધ બનતો કડક ત્ર્યંબક જવાબમાં કાંઈ કહે તે પહેલાં જ લ્યૂસીએ ફરી હસીને કહ્યું :
‘ત્યારે હું રાહ જોઈશ; આંબા નીચે.’
‘પણ ક્યારે?’
‘આખી રાત.’
‘નહિ, નહિ. પ્રભાતમાં નદીએ સ્નાન કરવા જઈશ તે વખતે ત્યાં થઈને જઈશ.’
‘જરા વહેલો નીકળજે.’
એટલું કહી લ્યૂસી ગઈ. તેની ચપળતાભરી ચાલ; ફૂટડો ગોરો દેહ, ભૂરાશ વેરતી આંખો, અને ઝીણા ઝીણા ભાવને ત્વરાથી પ્રદર્શિત કરતું મુખ તેના ગયા પછી ત્ર્યંબકની પાસે ખડાં થયાં. ત્ર્યંબકે કલ્યાણી નિહાળી. લ્યૂસી અને કલ્યાણી બંનેને તેણે સરખાવી જોઈ. કોણ ચડે? કૃષ્ણા કે સુભદ્રા? સંસ્કૃતના અભ્યાસી ત્ર્યંબકને એ ભારતપ્રસિદ્ધ લલનાયુગ્મ યાદ આવ્યું; અને તે સાથે તેણે મનને બળપૂર્વક વારી લીધું.
‘બ્રહ્મચારીને સ્ત્રીઓના વિચાર શા?’ તે બબડયો. તેણે મુદ્ગલ જોડ ઘુમાવી; અને યોગસૂત્રનો ગુટકો કાઢી તે વાંચવા બેઠો. તેણે વાંચવા માંડયું અને ગૌતમ તેની પાસે આવી પહોંચ્યો.
‘ત્ર્યંબક! આ મારા જૂના મુદ્દગલ – સીસું ભરેલા….’ ગૌમતે કહ્યું. તેને બોલતો અટકાવી ત્ર્યંબકે જવાબ આપ્યો :
‘એ તો ગુરુજીના છે.’
‘હું જાણું છું. પરંતુ મને લાગતું હતું કે મારા સિવાઈ કોઈ એને ઉપાડી શકે નહિ. તેં મારો વિચાર ફેરવ્યો. તૈયારી ભારે છે.’
‘ગુરુજીની કૃપા! અને તારી પણ ખરી.’
‘મારી કેમ?’
‘તું પટ્ટશિષ્ય. તેં મને ઓછું શિખવાડયું નથી. પણ તે શા કામનું?’
‘કેમ?’
‘એનો ઉપયોગ થવાનો નહિ.’
‘મારી સાથે તો તેં ઉપયોગ કર્યો હતો.’ હસીને ગૌતમે કહ્યું.
‘માફ કરજે. ગૌતમ! તારા ઉપર મારાથી હાથ ઉપડાઈ ગયો.’
‘હું પણ એવો જ છું.’
‘મારે એક વાતનું શિક્ષણ રહી જાય છે.’
‘શાનું?’
‘વીનતોડના દાવનું.’
‘ચાલ જરા જોર કરીએ. અને પછી હું તને બતાવું. તને વાર નહિ લાગે.’
પાઠશાળાની પાછળના ભાગમાં વિદ્યાર્થીઓ માટે ખોદી મૂકેલી ખુલ્લી કસરતશાળામાં બંને પટ્ટશિષ્યો ગયા. બંનેનાં વહેતા હૃદયને બળપૂર્વક રોધે એવું શારીરિક કાર્ય જરૂરનું હતું. ગૌતમે વીનતોડના દાવ ત્ર્યંબકને શીખવવા માંડયા. વગરશસ્ત્રો શસ્ત્રધારી દુશ્મનનો કેમ પરાભવ કરવો તેનું એ દાવમાં શિક્ષણ સમાયેલું હતું. આર્યાવર્તમાં ખીલેલી વ્યાયામકળા ઓછી વિસ્તૃત નથી.
રુદ્રદત્તની નજર પણ તેમના ઉપર પડી. તેમણે જાણી જોઈને ત્ર્યંબકને એ દાવ શીખવ્યા નહોતા. શસ્ત્રસજ્જતાનો વિચાર પણ તેમને અણગમતો થઈ પડયો હતો. પરંતુ તેઓ કાંઈ બોલ્યા નહિ.
ત્ર્યંબકને આ બધી મહેનતને પરિણામે સારી ઊંઘ આવી; પરંતુ તે જાગ્યો ત્યારે લ્યૂલીની ભૂરી આંખો એને ખેંચતી હોય એમ લાગ્યું. તે સાદડીમાં બેઠો થઈ ગયો. લ્યૂસી આશ્રમમાં શાની હોય? પરંતુ રાત્રે તેને મળવાનું વચન ત્ર્યંબકને સાંભર્યું અને એક ધોતિયું તથા અંગૂછો ખભે મૂકી આશ્રમ બહાર નીકળ્યો.
ધાર્યા પ્રમાણે જ તે જાગી ગયો હતો. રોજના કરતાં અડધીક ઘડી તે વહેલો હતો. ગામમાં શાંતિ ફેલાઈ હતી. કોઈ હજી જાગતું હોય એમ તેને દેખાયું નહિ. તેણે મિશનનો માર્ગે લીધો. ક્ષણભર એમ પણ થયું કે મિશન તરફ ન જતાં નદીને જ રસ્તે વળી જવું. પરંતુ લ્યૂસી રાહ જોતી હશે એ વિચાર છેવટે તેને ખ્રિસ્તી દેવાલય તરફ દોર્યો.
Feedback/Errata