૧૦ : ઈર્ષાળુ પ્રેમ

હાવાં મોતની એ મહેફિલે

      ચાવી ખજાનાની રહે

મહેતલ ન કાં પૂરી બને?

      શું એ જ માગે આંખડી?

      કલાપી

       

ગૌતમે કહી શકાય એવી હકીકત પીટર્સને કહી. ગૌતમના મુખ પર થાકનાં આછાં ચિહ્ન દેખાતાં હતાં. તોય તેની વીરત્વભરી વાણી અને છટા સહુ સાંભળનારની આંખમાં આશ્ચર્ય પૂરતાં હતાં. પીટર્સના વીર હૃદયમાં સમભાવનો પડઘો ક્યારનો પડી ચૂક્યો હતો. પ્રસન્ન બનતો અંગ્રેજ મજાકમાં ઊતરી પડે છે; અને સૈનિકની મજાક ચમકાવનારી તો હોય જ ક્ષણભર તેણે પોતાની ભૂરી આંકો મટમટાવી અને પછી તે બોલ્યો :

‘મંગળ ક્યાં છે?’

‘પાસેના જંગલમાં છે.’ ગૌતમે કહ્યું.

‘એ કેમ આવ્યો નહિ?’

‘એ આવવા માગતો નથી.’

‘એટલે?’

‘હું પાછો કેદી બની શિક્ષા ખમવા તૈયાર છું. મંગળની એવી તૈયારી નથી.’

‘કંપની સરકારના હાથ કેટલા લાંબા છે તેની એને ખબર નથી?’ પીટર્સે જરા ભાર સાથે પૂછયું.

‘એ હાથને તે કાપવા માગે છે.’

‘શું?’

જૉનસને પીટર્સને જણાવ્યું કે બીજા ગુનેગારનું ઘમંડ ગૌતમને ધમકાવવાથી ઊતરે એમ નહોતું. પીટર્સની જવાબદારી ભારે હતી. બેમાંથી એક જ કેદી પકડાય તોયે અડધો અપયશ તો રહે જ. રુદ્રદત્ત અને ગૌતમની સચ્ચાઈની ઊપજેલી પ્રસન્નતા ઉપરીના દોષદર્શનમાં ઓછાપણું આણે એમ નહોતી. ગૌતમને તાવી જોવાથી મંગળ જડી આવે તો ઠીક એમ વિચાર કરી તેણે કહ્યું :

‘ગૌતમ! તું સતવાદી છે. તારે મંગળની ભાળ આપવી જોઈએ.’

‘કેદી બન્યા પછી એ ધર્મ રહ્યો નથી.’

‘ત્યારે તું કેમ પાછો પકડાયો.’

‘મારા ગુરુના બોલ ખાતર.’

‘એ ગુરુ મરતાં બચી ગયા તે તું જાણે છે ને?’

‘સાહેબ! એ મોતની ઘડી ઘડી બીક શી?’

‘મોત શું તે તું જાણે છે?’

‘અંહ, કૈંક વખત તેનો સામનો કર્યો છે. આપ ક્યાં નથી જાણતા?’

‘યુદ્ધનો નશો જુદો છે. શાંતિથી મરવું…’

એકાએક બારણામાંથી પડછાયો પડયો. પાદરીની દીકરી લ્યૂસી વચમાં જ બોલી ઊઠી :

‘કોણ હશે?’

સહુની નજર બારણા તરફ વળી. આછો બનતો પડછાયો એક દેહમાં અસ્ત પામ્યો. એ દેહધારી હાથમાં બંદૂક લઈ બારણા વચ્ચે શાંતિથી ઊભો રહ્યો.

‘ત્ર્યંબક! તું ક્યાંથી?’ જૉનસને પડછાયાના મૂળને પૂછયું.

‘ગૌતમને લેવા આવ્યો છું.’ ત્ર્યંબકે કહ્યું.

પીટર્સને નવાઈ લાગી. ગૌતમને આ ગામમાંથી બળજબરી કરી લઈ જવો એ મુશ્કેલ હતું. વળી તેને પોતાને પણ આ ન સમજાય એવા વિચિત્ર હિંદી માનસ પ્રત્યે સદ્ભાવ ઉત્પન્ન થયો. મોતથી ન ડરતા વૃદ્ધ રુદ્રદત્ત  અને યુવાન સૈનિક ગૌતમ; મરવાને તૈયાર થતા એ વીરને બચાવવા માટે આવેલો હથિયારધારી ત્ર્યંબક; અને એ ત્ર્યંબકની સામે કોઈ અદ્ભુત ભાવથી જોતી જૉનસનની પુત્રી લ્યૂસી : આ સઘળાનો વિચાર તેના ઉદાર હૃદયમાં વધારે સૌંદર્ય ઉમેરતો હતો.

‘ગૌતમ! મંગળ પાંડેને તું લાવી શકીશ?’ પીટર્સે પૂછયું.

‘ના જી!’

‘તમે બંને આવ્યા હોત તો વધારે સારું થાત. ચાલ, હું તને છૂટો મૂકું છું.’

‘શા માટે? અમે તો ગુનેગાર છીએ. કંપની સરકાર તમારો જવાબ માગશે.’ ગૌતમે પૂછયું.

‘કંપની સરકારને જવાબ હું આપીશ. માત્ર એટલું ધ્યાનમાં રાખજે કે અંગ્રેજો ઉદાર થઈ શકે છે.’

‘હં.’ ગૌતમ હસ્યો. અંગ્રેજોની ઉદારતા બદલ તેની ખાતરી થઈ કે નહિ તે એ આછા હાસ્યમાં સમજાયું નહિ. પરંતુ જતે જતે તેણે પીટર્સની સામે વેધક દૃષ્ટિએ જોયું, અને છટાભરી સિપાહીસલામ કરી તેણે ચાલવા માંડયું. ત્ર્યંબક તેની પાછળ ચાલતો હતો તે પણ તેણે જોયું નહિ. માત્ર પાદરીના બંગલાના દરવાજા પાસે આવતા ગૌતમે મીઠો તીણો સાદ સાંભળ્યો.

‘ત્ર્યંબક!’

બંનેએ પાછું જોયું. ગૌતમે જોયું કે પાદરીની દીકરી ત્ર્યંબકને બોલાવતી હતી.

‘તું કેમ આવતો નથી?’ લ્યૂસીએ પૂછયું.

‘હમણાં વખત મળતો નથી.’ ત્ર્યંબકે જવાબ આપ્યો.

‘હું આટલું સંસ્કૃત પણ ભૂલી જઈશ.’

‘હવે તો તમે જાતે પણ શીખી શકશો.’

‘મને નથી ફાવતું. અલંકારો સમજાતા નથી.’

‘નોંધ કરી રાખો. હું એક વખત આવી બતાવી જઈશ.’

‘ક્યારે?’

‘એક-બે દિવસમાં.’

‘જરૂર?’

‘હા.’

લ્યૂસી અંધકારમાં અદૃશ્ય થઈ ગઈ. ગૌતમનું ભાન જાગૃત થયું. ત્ર્યંબક તેને બચાવવા આવ્યો હતો! વીરોનું સ્વત્વ બીજાંઓની સહાયતા સહન કરી શકતું નથી. દરિયો ડહોળી આવેલા ગૌતમને એ બાળકનું રક્ષણ જોઈતું નહોતું.

‘ત્ર્યંબક!’ કડક અવાજે ગૌતમ બોલ્યો.

‘કેમ?’

‘તું શા માટે પાદરીને ઘેર આવ્યો?’

‘તારે માટે.’

‘એટલે?’

‘પેલા ગોરાઓમાંથી તને છોડાવવા.’

‘છોકરા! તું મને છોડાવે?’

‘છોકરા! તું મને છોડાવે?’

‘કેમ નહિ? હથિયાર ઝાલતાં તને જ આવડે છે એમ ધારે છે?’

ગૌતમ જરા તિરસ્કારભર્યું હસ્યો. ત્ર્યંબકના હૃદયમાં ઘા વાગ્યો.

‘હું જાણું છું કે તને કસરતનો બહુ શોખ છે.’ ત્ર્યંબકની વ્યાયામઘેલછાને ઉતારી પાડતો યુદ્ધવીર ગૌતમ બોલ્યો.

‘તારી જ પાસે કુસ્તી શીખ્યો હતો તે યાદ છે?’ ત્ર્યંબકે કહ્યું.

‘હા… હા… હા…’ જરા હસીને ગૌતમે કહ્યું. ‘પણ તને આમ મારા બચાવનું ડહાપણ કરવા કોણે કહ્યું હતું?’

‘કલ્યાણીએ.’ ત્ર્યંકબે દૃઢતાથી જવાબ દીધો. અને ગૌતમને ત્ર્યંબક પ્રત્યેના અણગમાનો એકાએક ઉકેલ જડી ગયો.

કલ્યાણીનું નામ તેણે શા માટે લેવું જોઈએ? કલ્યાણીનું સારું લગાડવા આ નાનો ત્ર્યંબક મથન કર્યા કરતો હતો. અને જે અગમ્ય અણગમો ગૌતમને થઈ આવ્યો હતો તેનું મૂળ ત્ર્યંબકના વર્તનમાં જ હતું એમ તેને હવે સ્પષ્ટ સમજાયું.

યુદ્ધપ્રેમી ગૌતમ ફરી આમ ને આમ યુદ્ધ પાછળ ઘેલો થયેલો જ રહે તો કલ્યાણી આ ત્ર્યંબક તરફ ઢળી તો નહિ જાય?

આટઆટલા વિયોગ વચ્ચે કલ્યાણી ગૌતમ માટે ઝૂરતી રહી હતી; ગૌતમને બચાવવા તેણે ભયંકર જોખમ માથે લીધું હતું એટલું જ નહિ, ગૌતમનું રક્ષણ કરવા તેણે ત્ર્યંબકને પાદરીના ઘરમાં મોકલ્યો હતો : એ બધું પ્રેમી વીસરી ગયો અને ઈર્ષ્યાની આગમાં બળવા લાગ્યો.

‘શા માટે કલ્યાણીનું નામ વચમાં લાવે છે?  ગૌતમથી બોલાઈ ગયું.

ત્ર્યંબકને કંઈ સમજ ન પડી. ઊગતા યુવકને એટલી ખબર તો હતી જ કે કલ્યાણી ગૌતમને ચાહે છે. પરંતુ ગૌતમ સરખા રખડતા લડવૈયાને કલ્યાણી પ્રત્યે ભારે લાગણી રહી હોય એની તેને શંકા હતી. છતાં કલ્યાણીનું નામ દેવાથી તેના પ્રિયતમને શા માટે ખોટું લાગવું જોઈએ. તેની એને સમજ પડી નહિ. પ્રેમમાં ઈર્ષ્યા જાગે એટલે પ્રિયને બુરખે બાંધવાની વૃત્તિ થાય છે; સૂર્યચંદ્રની આંખ ફોડવાનું મન થાય છે; અને જગતના સર્વ માનવીઓનું નિકંદન કાઢવા યોજના ઘડવી પડે છે. ઈર્ષાળુ પ્રેમ!

‘શા માટે નામ ન લાવું?’ ત્ર્યંબકે જવાબ આપ્યો.

‘તને શો અધિકાર?’

‘એ ગુરુદુહિતા છે.’

‘એની સામે કુદૃષ્ટિ કરીશ તો રૌરવમાં પડીશ.’

ત્ર્યંબકના અંગેઅંગમાં અગ્નિ વ્યાપ્યો, શું તેણે કલ્યાણી પ્રત્યે કુદૃષ્ટિ કરી હતી? સ્નેહ અને વિકારમાં ભેદ જ નહિ?

‘એ શિખામણ તું લે ને!’ ત્ર્યંબક બોલ્યો.

‘છોકરા! તારી ઉંમર કેટલી?’ ગૌતમે મોટાપણું ધારણ કરવા માંડયું.

‘એકવીસ વર્ષની.’

‘હજી તું ઘણો નાનો છે.’

‘તારાથી પાંચ-છ વર્ષ નાનો હોઈશ; વધારે નહિ.’

‘ચોવીસ વર્ષ સુધી તો અષ્ટાંગ બ્રહ્મચર્ય સાધવું જોઈએ.’

‘તે હું જાણું છું. તારા કરતાં મારો અભ્યાસ વધારે તાજો છે.’

‘માટે જ તું પેલી અંગ્રેજ છોકરી અને કલ્યાણી પાછળ ફાંફાં મારતો હોઈશ!’

રાત્રિનો અંધકાર વધતો જતો હતો. રુદ્રદત્તની પાઠશાવા નજીક જ દેખાતી હતી. ગૌતમે કરેલી ઝેરી ટીકા તેને પોતાને તો માત્ર હસવા પાત્ર જ લાગી હતી; પરંતુ તેણે ત્ર્યંબકના દેહમાં વીજળી પ્રેરી. ગૌતમના ગળા ઉપર એક જબરજસ્ત હાથીની ચૂડ ભરવાઈ.

‘ત્ર્યંબક! મૂર્ખ! હાથ છોડ.’ ગૌતમ મુશ્કેલીથી બોલી શક્યો. પરંતુ હાથ છૂટયો નહિ. ગૌતમ બળવાન હતો; પરંતુ તેની આ હુમલા માટે તૈયારી નહોતી. ગળું દબાતાં તેના દેહમાંથી બળ પણ અદૃશ્ય થતું લાગ્યું. આ ઝનૂની બ્રાહ્મણ યુવક તેને ગૂંગળાવી મારી નાખશે કે શું એવી ભીતિ તેને લાગી.

આસપાસ શાંતિ હતી. ગૌતમના ગળા ઉપરથી અણધાર્યો હાથ ખસી ગયો. કોઈ ત્રીજો પુરુષ ત્ર્યંબકને ખસેડતો બોલી ઊઠયો :

‘બેવકૂફો! ચારે પાસ અગ્નિ લાગ્યો છે અને બે ભાઈઓને પરસ્પર ગળાં દાબવાં છે?’

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.