તુફાની તત્ત્વો આ કુદરત તણામાં મળી રહું,
બને તો વંટોળો થઈ જગત આ ઉજ્જડ કરું!
ગડેડાટો મોટા કડડકડાટો વીજળીના!
મને વહાલાં વહાલાં પ્રલયઘમસાણો પવનનાં!
કલાપી
‘ખૂન! ખૂન!’ની બૂમો સાંભળી આખી છાવણીના સૈનિકો ભેગા થઈ ગયા. જૅક્સન ઘવાયો હતો, પરંતુ તે ઘા જીવલેણ નહોતો. ગૌતમ અને મંગળ એકબીજા સામે જોતા ઊભા, દુશ્મન પણ ઘવાયેલો હોય તો તેની સારવાર કરવી જોઈએ એવો શસ્ત્રધારીઓનો અલિખિતિ કાયદો તેને સાંભર્યો. ઘા ઉપર પાટો બાંધવા મંગળ પોતાનું વસ્ત્ર ફાડયું અને જેવો નીચે વળી ઘા ઉપરનું લોહી ચોખ્ખું કરવા ગયો તેવી જ નીચે પડેલા જૅક્સને તેને જોરથી લાત મારી.
જૅક્સન પડયો હતો, પરંતુ બેભાન બન્યો નહોતો. તેનું મન વૈરવૃત્તિથી ધગધગી રહ્યું હતું. એ તુમાખી અમલદાર એમ જ સમજતો હતો કે કાળા હિંદીઓ સેવા અને અપમાન માટે જ સરજાયેલા છે. તેની એ સમજ પ્રમાણેનું તેનું વર્તન પણ હતું. માત્ર મંગળ, ગૌતમ અને અઝીઝઉલ્લા જેવા બે-ચાર સૈનિકોને અપમાનની પરાકાષ્ઠા તે બતાવતો નહિ. નાની નાની તોછડાઈ તો તે એ સૈનિકો પ્રત્યે પણ વારંવાર વાપરતો, સૈનિકો દાંત કચકચાવી બેસી રહેતા લશ્કરી કાયદો અજબ છે. ઉપરીની રજપૂર અવજ્ઞા તેને માન્ય નથી.
એ જૅક્સન ઓજ મદિરા અને મદિરાક્ષીની અસરમાં ભાન ભૂલી ન છંછેડવા જેવા બે સૈનિકોને છંછેડવા પ્રવૃત્ત થયો. માત્ર છંછેડીને રહ્યો હોત તોપણ હરકત નહોતી; પરંતુ તેણે આજે હદ ઓળંગી અભિમાની બ્રાહ્મણ લડવૈયાની પવિત્ર ભાંગ અભડાવી અને ઉપરથી વળી સંગીત ભોંકવા તત્પર થયો. તેમાં ન ફાવ્યો અને ઊલટો પોતે ઘવાયો; જેની સલામો ઝીલવાનો જન્મસિદ્ધ હક્ક તેણે પ્રાપ્ત કર્યો હતો તેને જ હાથે એક પળ પણ પ્રિયતમાના દેખતાં ભયંકર અપમાન પામ્યો. પડયે પડયે તેણે હિંદી કૂતરાને લાત મારી!
કૂતરું પણ સામું થાય છે. બ્રાહ્મણત્વ રહ્યું હોય કે ન રહ્યું હોય, છતાં તેનું ભારે અભિમાન ધારણ કરી રહેલા મંગળ પાંડેનું અભિમાન લાતથી ઘવાયું. મુગટધારીના મુગટ ઊતરી ગયા હોય તથાપિ એ મુગટની ઝળક તેની સાત પેઢી સુધી ઓછી વધતી ઝળક્યા કરે છે. રાજાઓના અર્ઘ્ય સ્વીકારતા ઋષિના વંશજ મંગળને લાત વાગતાં તેનામાં દુર્વાસા અને દ્રોણ જાગી ઊઠયો. ઘવાઈને પડલા જૅક્સનના ગળા ઉપર તેણે બંને હાથ કચકચાવીને દબાવ્યા. જૅક્સનનો શ્વાસ રૂંધાયો. રૂંધામણમાં તેણે પછાડ ખાધી. તેના ઘામાંથી રુધિરનો નવો રેલો ચાલ્યો. તેને લાગ્યું કે તેનો પ્રાણ ચાલ્યો જાય છે. તેનું ભાન ગયું.
ગૌતમે મંગળના હાથ ઝાલ્યા. પરંતુ મંગળમાં મહારથીનું બળ ઊભરાઈ આવ્યું હતું. છાવણીમાંથી દોડી આવેલા સૈનિકોએ તેને પકડયો, પરંતુ તેણે જૅક્સનને ગળેથી હાથ ખસેડયો નહિ. બેચાર અંગ્રેજી સૈનિકોએ તેના હાથ છોડાવવા લાકડીના જબરા ઝપાટા લગાવ્યા પરંતુ તેથી તો ઊલટો તેનો ક્રોધ વધારે ભભૂકી ઊઠયો. ગૌતમે તેના હાથ પકડયા ન હોત તો જૅક્સન ક્યારનો રહેંસાઈ ગયો હોત. સૈનિકોમાં બૂમાબૂમ થઈ રહી. એ બૂમાબૂમ વચ્ચેથી મંગળે એક અવાજ સાંભળ્યો :
‘શું કરો છો? પાંડેજી! પડેલાને પટકવો એ નામર્દનું કમ છે, તમારું નહિ.’
મંગળે તે બાજુએ જોયું. તેનો મુસલમાન મિત્ર અઝીઝઉલ્લા આ પ્રમાણે બોલતો હતો. મંગળે તત્કાળ હાથ છોડી દીધા : તે ઊભો થયો, સૈનિકોને તેને પકડી લીધો પરંતુ મંગળમાં અત્યારે સહુના હાથમાંથી છૂટવાનું બળ હતું. તેણે બૂમ મારી પૂછયું :
‘કયા ગોરાએ મને લાકડી મારી?’
એટલામાં બેભાન જૅક્સનને ઉપાડી ગોરા અને કાળા સૈનિકો તેને છાવણીમાં લઈ ગયા. લશ્કરમાં બળવો કરનારા અપરાધી સૈનિકોને પકડવા હુકમ થયો. મંગળ અને ગૌતમને પકડવામાં આવ્યા.
લશ્કરમા ફિતૂર કરવું એ મહાભારે ગુનો છે. દેહાંતદંડની સજાથી જ એ ગુનાનો ન્યાય થાય. તેમાં વળી ઉપરીની સામે થવાનો, તેને ઘાયલ કરવાનો, અને તેનું ખૂન કરવાની કોશિશનો પણ સાથે સાથે અપરાધ થયો હતો. સહુને લાગ્યું કે મંગળ અને ગૌતમ જોતજોતામાં ગોળીઓથી વીંધાઈ જશે.
ગૌતમ અને મંગળને લશ્કરી અદાલત આગળ ખડા કર્યા. એ અદાલત જેટલી ઝડપથી રચાય છે તેટલી જ ઝડપથી તે પોતાના ચુકાદા આપી દે છે. શસ્ત્રધારીઓની બુદ્ધિ તેમના હથિયાર સરખી જ ચપળ હોય છે. સામાન્ય ન્યાયાધીશોનું દીર્ઘસૂત્રીપણું સૈનિક ન્યાયાધીશને ફાવી શકે નહિ.
બંને ગુનેગારોએ ગુનો કબૂલ કર્યો. બીજા બે-ચાર સાક્ષીઓ ખાસ કરી પેલી જૅક્સનની સોબતી બાઈ ખ્ર્ એ જુબાની આપી. લશ્કરમાં ફિતૂર કર્યાનો. ઉપરીની સામે થવાનો અને તેનું ખૂન કરવાની કોશિશનો એમ જુદા જુદા ભયંકર આરોપો તેમના ઉપર પુરવાર થયા. ગુનો કરવા માટે જે ઉશ્કેરણી થઈ હતી તેનો પુરાવો નહોતો. ગુનાનો બચાવ થઈ શકે જ નહિ ખ્ર્ લશ્કરમાં તો નહિ જ.
ભૂલ સર્વદા હાથ નીચેનો જ માણસ કરે છે, ઉપરી નહિ. એ નોકરીનું સર્વસામાન્ય સૂત્ર લશ્કરી નોકરીને બેવડું લાગું પડે છે. મંગળ અને ગૌતમ બંને ગુનેગારો ઠર્યા અને તેમને બંદૂકની ગોળીથી ઉડાડી મૂકવાની સજા થઈ.
પીટર્સને બહુ લાગી આવ્યું. જે બંને વીરોએ બે દિવસ ઉપર આખા બ્રિટિશ સૈન્યનો નોક સાચવી હિંદી સૈન્યની આબરૂ વધારી હતી, તે બંને વીરો આમ ગુનેગાર મનાઈ, પરદેશમાં હાલહવાલ થઈ મૃત્યુ પામે એ તેનાથી સહન થયું નહિ. જૅક્સનને વાગ્યું હતું, પરંતુ તે બીજા દિવસથી સારો થવા માંડયો હતો. બંને સૈનિકો બચી જાય એવી જુબાની આપવા પીટર્સે જૅક્સનને સમજાવ્યો હતો. પરંતુ જૅક્સન કાંઈ આવેલો લાગ જવા દે એમ નહોતું. પીટર્સે કહ્યું :
‘જૅક્સન! તારે ઉદાર થવું જોઈએ.’
‘હું ઉદાર જ છું, પરંતુ મારાથી જુઠ્ઠું નહિ બોલાય.’
બીજાને સપડાવવો હોય ત્યારે સાચનો આશ્રય બહુ ઉપયોગી થઈ પડે છે. જુઠાણાનો તિરસ્કાર તે વખતે જોર પકડે છે. અંતરાત્મા એકદમ વિરુદ્ધ બની જાય છે. સાચની તરફેણના બધા જ દુહા-છપ્પા જીભને ટેરવે રમી રહે છે. અને અંતે બીજાનું બૂરું કરી એ સાચ સંતોષ પામે છે. એ સાચમાં પુણ્ય હશે ખરુ? કોણ જાણે!
‘તું હિંદીઓનો સ્વભાવ જાણે છે; તેમની સ્પર્શાસ્પર્શની ભાવનાને સમજે છે; પછી તું તેમનું પીણું અભડાવવા ગયો?’ પીટર્સે કહ્યું.
‘મેં ફાવે તે કર્યું, પરંતુ તેથી મારું ખૂન કરવાની એ જંગલીઓને સત્તા નથી, જે બન્યું છે તે હું જરૂર કહેવાનો.’
અને જૅક્સને પોતાના લાભ પૂરતી સાચી જુબાની આપી. પરિણામે ગઈ કાલના પૂજનીય વીરો આજે મોતને પાત્ર મનાયા.
ગૌતમ અને મંગળ શાંતિથી મોતની રાહ જોતા બેઠા; પરંતુ ધાર્યા જેટલી ઝડપથી તે આવ્યું નહિ.
શોકગ્રસ્ત પીટર્સ પોતાના તંબૂમાં બેઠો બેઠો હિંદીઓના ભાગ્યનો વિચાર કરતો હતો. તેમને ભારે ઈનામો આપવાની ભલામણનું નિવેદન હજી સેનાધિપતિના વાંચવામાં હાલ જ આવ્યું હતું; એટલામાં તેમને થયેલી મોતની સજાની મંજૂરીનું કામ પણ તેના મેજ ઉપર જઈ પહોંચ્યું. આ લોકો ઉપર દયા ન કરી શકાય?
તે જ વખતે અઝીઝઉલ્લાએ આવી પીટર્સ સાહેબને સલામ કરી. આ નમાઝી, સૂફી અને શાયર સૈનિક હિંદુ-મુસલમાન સર્વમાં માન પામતો હતો. તેની જબાનમાં અદ્ભુત મીઠાશ હતી. તેની રીતભાતમાં દિલપઝીર લિયાકત અને નાજુકી દેખાતાં હતાં. તે સર્વનો મિત્ર અને સર્વનો સલાહકાર હતો. પયગંબર સાહેબનો એ વંશજ સ્વાભાવિક રીતે જ મુસલમાનોમાં પૂજ્ય મનાય. તેનો સૂફીવાદ ગમે તેવા ચુસ્ત હિંદુઓમાં પણ એક સમર્થ વેદાંત જેટલી તેને પ્રતિષ્ઠા પમાડતો હતો.
‘કેમ સૈયદ! કેમ આવ્યા?’ પીટર્સે પૂછયું.
‘હજુરને એક હકીકત દરિયાફત કરવાની છે.’ સૈયદ અઝીઝઉલ્લાએ કહ્યું.
‘શી હકીકત છે?’
‘હઝૂર! ગૌતમ કે મંગળ પાંડેને અહીં સજા થઈ શકશે નહિ.’
‘એટલે?’ પીટર્સે જરા ભવાં ચડાવી પૂછયું. હાથ નીચેનો માણસ ખરું કહે તો પણ તે રુચિકર થતું નથી.
‘સાહેબબહાદુરની નિગાહ બહાર તો નહિ જ હોય. આપણું લશ્કર બેદિલ બની ગયું છે, અને જો એ બંને સિપાહીઓને કાંઈ થાય તો લશ્કર હાથમાં નહિ રહે. સાહેબબહાદુરને એ હકીકત રોશન કરવી દુરસ્ત લાગી એટલે હું અહી આવ્યો.’
પીટર્સે વિચાર કર્યો. પરદેશમાં પોતાના હાથ નીચેનું આખું સૈન્ય બળવો કરી ઊઠશે તો આફતમાં આવી પડેલા બ્રિટિશ સૈન્યની મુશ્કેલી વધી જશે એટલું જ નહિ, પણ તેથી દુશ્મનો વધારે ચડી વાગશે.
પીટર્સ બ્રિટિશ સેનાધિપતિની પાસે ગયો. સેનાધિપતિ તે વખતે ગૂંચવણમાં હતા. તેમણે કાગળો મેજ ઉપર પછાડયા અને પીટર્સને અંદર બોલાવ્યો. પીટર્સે સલામ કરી. સેનાધિપતિએ મુખ ઉપર ભારે ગૂંચવાડો દર્શાવ્યો અને કહ્યું :
‘તમારું હિંદી લશ્કર બહુ મુશ્કેલીઓ ઊભી કરે છે!’
‘હા. જી, હું તે જ કહેતો આવ્યો છું. જો પેલા બે સિપાઈઓને ફાંસી આપવામાં આવશે તો હિંદી સૈન્ય હુલ્લડ કરી મૂકશે.’
‘હુલ્લડ કરશે તો હું આખા હિંદી સૈન્યને ઉડાડી મૂકીશ.’
‘તે કદાચ બની શકશે. પરંતુ હુલ્લડની વાત બહાર પડી જશે; અત્યારના સંજોગોમાં એ ઠીક નહિ થાય.’
‘એ બધો વિચાર મારે કરવાનો છે; તમે શું કહેવા માગો છો?’ લશ્કરીને લાંબી વાતનો અવકાશ ન હોય.
‘હું એટલું જ કહું છું કે આપ એ બંને સૈનિકોને માફી આપો. તેમને લશ્કરમાંથી કાઢી મૂકીશું. પરંતુ મોતની સજા ઘણી ભારે છે. જૅક્સન કાંઈ વધારે ઘવાયો નથી. અને મને તો આ બધા ઝઘડાનું મૂળ તેનું વર્તન લાગે છે.’
‘પણ લશ્કરી અદાલતે શિક્ષા કરી છે. હું શું કરું? મારે તો માત્ર મંજૂરી જ આપવાની. માફી હું ન આપી શકું.’
‘જે માફી આપી શકે તેમને આપ ભલામણ કરો.’
‘જુઓ, આ વાંચો. એ બંને હિંદી સૈનિકોને ભારેમાં ભારે માન આપવાની મેં યુદ્ધમંત્રીને ભલામણ કરી છે. એ ભલામણ કર્યા પછી તરત જ તેમને મોતની સજા કર્યાનું લખાણ મોકલવું એ મને કેટલું બધું ખૂંચતું હશે? જૅક્સને ઉદારતા બતાવી હોત તો કશું જ ન થાત.’
સેનાધિપતિએ પીટર્સને કાગળ આપ્યો. પીટર્સ તે ઝડપથી વાંચી ગયો અને કાગળ પાછો આપી બોલ્યો :
‘નામદાર સાહેબ! આ પત્રમાં હિંદી સૈન્યની, આ બંને હિંદી સૈનિકોની અને મારી આપે જે ભારે તારીફ કરી છે તેને માટે હું આપનો ઋણી છું. પરંતુ આ વાંચ્યા પછી મને હિંમત રહે છે કે આપ જો લખશો તો એ બે હિંદી સૈનિકો બચી જશે, અને અમારી કંપની સરકારની ઘણી ગૂંચવણો ઊકલી જશે. એક સૈનિક તરીકે, મહારાણી વિક્ટોરિયાના એને પ્રજાજન તરીકે હું આપ નામદારને આટલી વિનંતી કરું છું.’
સેનાધિપતિએ સહજ વિચાર કર્યો અને જણાવ્યું :
‘જુઓ, મને તમારા માટે અને તમારા એ બંને હિંદીઓ માટે ઘણી લાગણી થાય છે. વધારેમાં વધારે હું એટલું કરી શકું કે એ સજા હાલ મુલતવી રહે. જો આપણું પ્રધાનમંડળ ધારે તો મારી માફીની ભલામણ સ્વીકારે. તે ન સ્વીકારે તો શિક્ષા કાયમ રહે. દરમિયાન તમે તમારું હિંદી સૈન્ય લઈ અત્રેથી ચાલ્યા જાઓ. બંને ગુનેગારોને જાપતામાં રાખો. અને મુંબઈ પહોંચ્યા પછી બેએક માસમાં માફીનો હુકમ ન મળે તો તત્કાળ એ બંને જણને ફાંસી દેજો. હું ભલામણ તો કરું છું; પરંતુ મને ખાતરી નથી કે માફી મળશે. જાઓ.’
‘આપનો આભાર માનું છું.’ કહી પીટર્સ ત્યાંથી ચાલી નીકળ્યો. તેણે કશી વાત કરી નહિ. માત્ર બે દિવસ જ કૂચ કરવા માટે તેણે સૈન્યને હુકમ આપ્યો.
હિંદી સૈન્યમાં ખરેખર બેદિલી ફેલાઈ હતી. જો ગૌતમ અને મંગળને સજા કરવાનો પ્રયત્ન થયો હોત તો સૈન્ય બળવો કરી બેસત. બળવા માટે તૈયાર થયેલા લશ્કરે જ્યારે દેશ પાછા ફરવાનો હુકમ સાંભળ્યો ત્યારે બે સજા પામેલા સૈનિકો માટે દરેક સૈનિકોનો જીવ ઊંચો થયો. રાત્રે થોડા આગેવાનો પીટર્સની પાસે જઈ પૂછવા લાગ્યા :
‘ગૌતમ અને મંગળને સજા ક્યારે થશે?’
‘તેની તમારે શી પંચાત? હુકમનો અમલ કરો.’
‘હા જી, અમારી તૈયારી છે. પરંતુ આપણા લશ્કરમાં બ્રાહ્મણો છે એ ચાલ્યા જાય અને ગૌતમ તથા મંગળની લાશ હિંદુ ધર્મ વિધિ મુજબ બળે નહિ તો નાહક તેમનું મોત બગડે. એટલા ખાતર હુઝૂરને અમારી વિનતિ છે.’ અઝીઝઉલ્લાએ વિવેકથી આ પૂછપરછનું કારણ જણાવ્યું.
પીટર્સ સમજી ગયો કે આ તો માત્ર બહાનું છે. તેણે ખરી હકીકત જણાવી :
‘ગૌતમ તથા મંગળ બંને આપણી સાથે જ આવશે.’
પીટર્સે એ બંને કેદીઓનો આખા સૈન્યના દેખતાં વહાણ ઉપર પહેલા ચડાવ્યા. પછી સૈન્ય વહાણમાં દાખલ થયું. મહાજળમાં અણું સરખું વહાણ ઊછળતું ચાલ્યું. એ અણુમાં પરમાણુ સરખા સેંકડો સૈનિકોની માનવદૃષ્ટિ મહાજળની પણ પાર પહોંચી જતી. એ શું? નાનકડો માનવી ક્યાં સુધી નજર નાખી શકે છે? તેની દૃષ્ટિને પંચમહાભૂત પણ રોકી શકતાં નથી. તે પરબ્રહ્મ સુધી પહોંચી જાય છે. તો પછી એક અરબી સમુદ્રને તેની દૃષ્ટિ ઓળંગી જાય તેમાં કાંઈ નવાઈ નથી. સહુની નજર આગળ સહુસહુનું ઘર તરવા લાગ્યું અને જેમ જેમ કિનારો પાસે આવતો ગયો તેમ તેમ સહુને પોતાનાં વૃદ્ધ માતાપિતા, અણસમજણાં બાળકો અને મહેનતુ પત્ની યાદ આવતાં ગયાં.
પણ ગૌતમ અને મંગળના મનમાં શા વિચારો ચાલતાં હશે? તેમને ફાંસી મળશે કે બંદૂકની ગોળી? તેઓ વહાણમાં જ મરશે કે જમીન ઉપર? આજે મૃત્યુ આવશે કે કાલે?
‘પંડિતજી! આ તો બહુ ભારે સજા થઈ તો તેનો અમલ જલદી થાય તો સારું. મરવાનો ડર લાગતો નથી. પણ આવી રીતે જીવવાનો ડર ભારે પડે છે!’ એક દિવસ ગૌતમે કહ્યું.
મંગળે કાંઈ જવાબ ન આપ્યો. ગુનેગાર ઠરેલા બિનગુનેગારના મનમહાસાગરમાં પર્વત સરખાં મોજાં ઊછળળાં હતાં. ધરતીને ગળી ગયેલો સમુદ્ર હજી પણ બાકી રહેલી ધરતીને કેમ ગળી જતો નહિ હોય? ગરીબ અને તવંગર, પરાજિત અને વિજેતા, નોકર અને માલિક, કાળા અને ગોરા એવા ભેદ પાડનારા પાપી માનવો અને એવા ભેદ સહી લેનાર પામર માનવોને પ્રલયમાં ડુબાડી દીધા હોય તો શું ખોટું?
વહાણના કેદખાનામાં પુરાયેલા એ સૈનિકોને બોલાવવા એક બીજો સૈનિક આવ્યો.
‘તમને સાહેબ બોલાવે છે.’
‘જા, જા, સાહેબવાળા! તારા સાહેબને ગરજ હોય તો અહીં આવીને મળી જાય. અમે તો નથી આવતા.’ મંગળે જવાબ આપ્યો. પેલો સૈનિક ગયો. થોડી વારમાં પીટર્સ ત્યાં આવ્યો. ગૌતમે ઊભા થઈ સલામ કરી. મંગળ બેસી રહ્યો.
‘ગૌતમ, મંગળ! મારા બહાદુર દોસ્તો! તમને હું મારું મુખ બતાવી શકતો નથી. તમને આ સજા ઘટતી નથી એ હું જાણું છું. એટલે મારી દિલગીરીનો પાર નથી.’ પીટર્સ લાગણીપૂર્વક બોલ્યો.
લાગણીનો એક મીઠો બોલ હિંદી હૃદયમાં અનુપમ પડઘો પાડે છે. મીઠાશની પાછળ મૃત્યુ રહ્યું હોય તોપણ હિંદી તેને વધાવી લે છે. પરંતુ કટુતાથી આપેલા મુગટ તેને ખપતા નથી. મંગળ બોલ્યો :
‘સાહેબ! આપ શું કરો? અમારું કિસ્મત! આપે તો બનતું બધું કર્યું છે.’
‘આવતી કાલ આપણે મુંબઈ પહોંચીશું. મેં તમને માફી આપવા મજબૂત ભલામણ કરી છે અને સેનાપતિસાહેબે તેને ટેકો આપ્યો છે. જો માફી મળશે તો હું ઘણો ખુશ થઈશ; પરંતુ કમભાગ્યે જો તેમ ન થાય તો… તો… તમે બહાદુર છો…’
‘સાહેબ! અમને માફી ન મળે તો બહુ સારું.’ મંગળ બોલ્યો.
‘એમ કેમ?’
‘જો અમે જીવીશું તો આપના ભયંકર દુશ્મન બનીશું. એટલે માફીનો ઉપયોગ સારો નહિ થાય.’
આવી ખુલ્લી મોતની લાગણી સાંભળી પીટર્સ હસ્યો. તેને લાગ્યું કે હિંદીઓમાં કાંઈક બાળકો સરખું નિખાલસપણું હોય છે.
‘અને ગુનેગારને માફી શાની? એનું દયાદાન ન જોઈએ.’ ગૌતમે જણાવ્યું.
‘ત્યારે હું માફીની ભલામણ પાછી ખેંચી લઉં?’ જરા કડક બની પીટર્સે કહ્યું. મહેરબાનીનો ઉત્તર આભારથી મળવો જોઈએ, પરંતુ મહેરબાનીને તુચ્છકાર મળે ત્યારે તે વૈરમાં બદલાઈ જાય છે. અલબત્ત, પીટર્સમાં વૈરવૃત્તિ જાગૃત થઈ નહોતી; તે બાળકોને માત્ર ધમકી જ આપતો હતો.
‘હા, જી! અમારે અને આપને માટે એ જ ઠીક છે.’ ગૌતમ કહ્યું.
‘અને ધારો કે તમને માફી મળે તો?’ પીટર્સે પૂછયું.
‘તો સાહેબ! હું આખું હિંદ સળગાવી મૂકીશ.’ મંગળની આંખમાંથી અંગાર વરસ્યો. પીટર્સ મંગળની સામે જોઈ રહ્યો. ગૌતમનું મુખ પણ તંગ બની ગયું હતું; જાણે હિંદને સળગાવવાની તૈયારી તે ન કરતો હોય! પીટર્સ જરા ઝંખવાયો, પરંતુ ગોરાપણાનું ગુમાન તેને હસાવી શક્યું! અંગ્રેજો તો હિંદના વિજેતા છે; આ બે ગર્વિષ્ઠ સૈનિકો પોતાના મુખમાંથી ફાવે તે બોલે તેનો કાંઈ અર્થ નથી. એમ માની પીટર્સ હસ્યો અને બોલ્યો :
‘તમે બે જણ ઓછા પડશો. આખું હિંદ સળગાવવા માટે તો વધારે માણસો જોઈએ.’
પીટર્સ હજી મશ્કરી જ કરતો હતો. તેને હજી આ બંને વીરો માટે ઘણો ભાવ હતો. પરંતુ એ મશ્કરી ખ્ર્ એ ઉપેક્ષા ખ્ર્ પેલા બે કેદીઓના હૃદયમાં વળ ઉપર વળ ચડાવતી હતી.
‘નહિ, સાહેબ! અક અંગારે આખું જગત સળગી ઊઠે!’ મંગળ બોલ્યો.
‘પરંતુ અંગ્રેજોને અગ્નિ બુઝાવતાં આવડે છે એ યાદ રાખજો!’ પીટર્સે કહ્યું.
ત્રણ જણ શાંત ઊભા. થોડી ક્ષણો વીતી એટલે પીટર્સે પૂછયું :
‘ગૌતમ! પેલા કાગળો ક્યાં છે?’
‘કયા?’
‘તું પેલા નકશા લઈ આવ્યો હતો તે.’
‘હવે તે મળી શકે એમ નથી.’
‘શું તેં ફાડી નાખ્યા?’
‘ના, જી!’
‘દરિયામાં ફેંક્યા?’
‘ના, જી!’
‘ત્યારે શું કર્યું? એ તો બહુ મહત્ત્વના છે. એ કાગળો સાચવીને પાછા મોકલવાનો મને હુકમ છે.’
‘તે ભલે હોય. પણ એ પત્રો આપના હાથમાં નહિ આવે.’
‘તમારું ભેજું ફરી ગયું છે, નહિ! મંગળ! જરા ભાંગ પીને શાંત થા. પછી હું કાલે તમને બોલાવીશ.’
બંને જણાનો વાંસો થાબડી પીટર્સ ત્યાંથી ચાલ્યો ગયો. મંગળે અગ્નિમય આંખ ઉપર બે-ત્રણ વાર ઝડપથી પાંપણ પાડી. ગૌતમે ઊંડો શ્વાસ લીધો.
Feedback/Errata