૩ : પ્રયાણ

રુદ્રદત્ત અને ત્ર્યંબક આગળ વધ્યા અને લક્ષ્મીબાઈએ કલ્યાણીને પૂછયું :

‘કલ્યાણી! તને ઘોડે બેસતાં આવડે છે?’

‘બહુ દિવસ થયાં બેઠી નથી.’ કલ્યાણી બોલી.

‘એટલે આવડે છે તો ખરું.’

‘આપે એ કેમ પૂછયું?’

‘વખતે હું તને ઉપાડીને લઈ જાઉં તો તને હરકત ન આવે.’

‘મને શા માટે લઈ જાઓ?’

‘રુદ્રદત્ત વિહારની બહાર ન નીકળે તો એટલો ઈલાજ કરી જોઈએ.’

‘દાદાજીને એટલું બધું મહત્ત્વ કેમ આપો છો?’

‘એમના હાથમાં સુકાન નહિ મૂકીએ તો આખો બળવો નિષ્ફળ જશે.’

‘એમ માનવાનું કારણ?’

‘કારણ? એમનામાં આખો એશિયાખંડ જગાડવાની શક્તિ છે.‘

‘ત્યારે એ આજ સુધી કેમ ન જાગ્યો?’

‘ખરે વખતે એમણે વિરાગ સ્વીકાર્યો તેથી.’

‘તે હવે પાછા રાગી થશે?’

‘તારે ખાતર થાય પણ ખરા.’

‘એ રાગી થાય કે ન થાય; હું તો વિહારની બહાર નીકળી જઈશ.’

‘કેમ?’ ચમકીને લક્ષ્મીબાઈએ પૂછયું.

‘ગૌતમ કેદમાં છે.’

‘તે તું શું કરીશ?’

‘હું છોડાવી લાવીશ.’ કલ્યાણી બોલી.

‘તું? એકલી?’

‘જરૂર! કોઈ સાથે નહિ હોય તો હું એકલી જઈશ.’

લક્ષ્મીબાઈની આંખો જરા મોટી થઈ. તેમને આશા ઊપજી. વિહારમાંથી ન ખસવાનો નિશ્ચય કરી બેઠેલા રુદ્રદત્તે એક વખત ત્યાંથી ખસે એટલે ગમે તે રીતે તેમને વિપ્લવતંત્રમાં જોડી શકાય! મંગળ, તાત્યાસાહેબ, મહાવીર, ગૌતમ એ બધા નિષ્ફળ નીવડયા હતા. લક્ષ્મીબાઈએ છેવટનું બીડું ઝડપ્યું હતું. પરિપક્વ થતી વિપ્લવયોજનાના એકાદ ભાગમાં પણ રુદ્રદત્ત જોડાય તો સફળતા મળે એમ સહુને થયા કરતું હતું. રુદ્રદત્ત કલ્યાણીને ખાતર શસ્ત્રકવચધારી બને એટલો જ માત્ર સંભવ હતો. કલ્યાણીના નિશ્ચયે એ સંભવને શક્યતામાં ફેરવી નાખ્યો.

કલ્યાણી બહુ જ અસ્વસ્થ બની ગઈ હતી. મંગળનો અંત કેવી રીતે આવ્યો તે એ જાણતી હતી. શું ગૌતમનો પણ એમ જ અંત આવશે? એ વિચારે તેના રોમેરોમને કંપાવી મૂક્યું! મહાપવિત્ર મહર્ષિ સમા રુદ્રદત્ત બેઠા હોય અને ગૌતમ ગોરાઓને હાથે કપાઈ જાય? કલ્યાણીને લાગ્યું કે ગૌતમ ન છૂટે તો તેનું પોતાનું જીવન નિરર્થક – શૂન્ય બની જાય. ગૌતમ પકડાયો એ સાંભળતા જ તેણે ઝડપથી નિશ્ચયો કર્યા. એક નિશ્ચય એવો હતો કે તે એકલી જઈ ગૌતને છોડાવી લાવશે – જો બીજું કોઈ સાથ નહિ આપે તો ત્ર્યંબક સાથ આપશે એમ તેને આશા – ખાતરી હતી જ, છતાં તેના વગર ચલાવી લેવાની પણ કલ્યાણીની તૈયારી હતી. તેનું નાનું પણ આશા ભર્યું જીવન હવે ગૌતમ વગર ટકી શકે નહિ એવી તીવ્રતા તેના મને ધારણ કરી.

પરંતુ રુદ્રદત્ત ના કહેશે તો? તો તેમણે ગૌતમને છોડાવવા પ્રયત્ન કરવો જ પડશે! તેમ ન કરતાં એ શસ્ત્રસંન્યાસી વિહારમાંથી ખસવાની ના પાડે, અને શસ્ત્રધારીઓના કાર્યમાં કશો જ ભાગ ન લે; એ પણ બને એમ હતું. રુદ્રદત્તની કુમળાશનો કલ્યાણીની નિત્ય પરિચય હતો; તેમના દૃઢ આગ્રહનો પણ તેને ક્વચિત્ પરિચય થયો જ હતો.

‘દાદાજી! ગૌતમ પકડાયો.’ રુદ્રદત્ત પાછા આવ્યા કે તરત કલ્યાણીએ વાત શરૂ કરી. પુરુષત્વમાં ભળવા માગતા સ્ત્રીત્વનો સનાતન પડઘો કલ્યાણીના કંઠમાં સંભળાયો. સ્ત્રીપુરુષને જ્યારે પરસ્પરની ભૂખ જાગે ત્યારે તેમની વચમાં હિમાલય ઊભો હોય તો તે પણ અદૃશ્ય થઈ જાય છે. આખી સૃષ્ટિમાં વ્યાપક બનેલા પુરુષપ્રકૃતિનાં સત્ત્વો અને તેમના મિલનની ઘેલછા રુદ્રદત્તની દૃષ્ટિ આગળ ખડાં થયાં. સૃષ્ટિના બીજરૂપ આકર્ષણને નિવારવાની કોઈની શક્તિ નથી – એ શક્તિ કેળવવાની પણ જરૂર નથી. તેમણે જવાબ આપ્યો :

‘હા, બેટા! છૂટશે એ તો.’

‘એને કોણ છોડાવશે?’

‘પ્રભુ!’

કલ્યાણીએ પ્રભુ ઉપર વિશ્વાસ ન આવ્યો. તેણે તરત પૂછયું :

‘હું જાઉં તો?’

રુદ્રદત્તના પગ ત્યાં જ સ્થિર થયા. વાત્સલ્યથી ઊભરાતાં નયને તેમણે પૌત્રીને નિહાળી. બાળપંખીને પાંખો ફૂટેલી તેમણે જોઈ. બાળપંખી પોષણના આભારદર્શન માટે માળામાં સર્વદા પડી રહે એ અશક્ય હતું. તેને ઊડવું હતું; નવું જીવન જીવવું હતું; જે અર્થે તે પોષાયું હતું તે અર્થસાફલ્ય માટે તેને ઝૂઝવું હતું. પોષણ આપનારે નવા બળની અદેખાઈ કરવી? કે એ બળને પોતાના જ પોષણફળ તરીકે માની તેને આવકારવું?

‘ઘણું સારું.’ રુદ્રદત્તે જવાબ આપ્યો.

‘અત્યારે જ નીકળું?’

‘જેવી તારી મરજી, ત્ર્યંબકને સાથે લઈ જા.’

‘પછી તમારી પાસે કોણ?’ કલ્યાણીને દાદાની દયા આવી.

‘તેનો ઊંચો જીવ ન કરીશ.’

કલ્યાણીએ કલ્યાણની પ્રતિમા સમા રુદ્રદત્ત તરફ ભાવભરી આંખે જોયા કર્યું. જરા રહીને તે બોલી :

‘દાદાજી! તમે સાથે ન આવો?’ કલ્યાણીના બોલમાં અદ્ભુત આર્જવ હતો. દાદા દેવ મટી મનુષ્ય બન્યા. ત્યાગી મટી તેઓ પિતામહ બન્યા; – નહિ, તેઓ કદી મનુષ્ય મટયા જ ન હતા, પિતામહ થતા અટક્યા ન હતા!

‘ગુરુજી! મારી પણ એ જ વિનંતી છે. તમે સાથે ન આવો?’ લક્ષ્મીબાઈએ પ્રસંગનો લાભ લઈ કહ્યું.

પુત્રને ના કહેવાય; પુત્રીને ના કહેવી એ પિતાઓ માટે અશક્ય છે. પુત્રી એટલે જીવનની કુમળાશ; આયુષ્યભરની કરુણા. એને ના શી રીતે કહેવાય?

રુદ્રદત્તના મુખ ઉપર સ્મિત આવ્યું. જાણે હિમગિરિ ઉપર પ્રકાશ છવાયો! તેમણે જવાબ આપ્યો :

‘એક દીકરીને કદાચ ના કહું; પણ બંને દીકરીઓને શી રીતે ના કહી શકું?’

‘અને જીવનભરમાં દીકરીઓ ભાગ્યે જ કાંઈ માગે છે.’ લક્ષ્મીબાઈએ કહ્યું.

‘પણ હું એક શરતે તમારી સાથમાં આવું.’ રુદ્રદત્તે કહ્યું.

‘હથિયાર ન ઝાલશો.’ મહારાણી બોલ્યા.

‘એ તો વ્રત છે જ.’

‘ત્યારે બીજી કઈ શરતે?’

‘હું કહું ત્યારે સઘળા ક્રાન્તિકારીઓએ હથિયાર મૂકી દેવા પડે. એ શરત સહુને કબૂલ હોય તો હું તમારા ભેગો જ છું.’ રુદ્રદત્ત બોલ્યા.

લક્ષ્મીબાઈ ભારે વિચારમાં પડયાં. રુદ્રદત્તે અત્યાર સુધી સર્વ ક્રાંતિકારીઓને નિરાશ કર્યા હતા. તેમની સાથે ઊભા રહેવાની તેમની ચોખ્ખી ના હતી. છેલ્લો પાસો નાખવા આવેલાં મહારાણી રુદ્રદત્તને વિપ્લવમાં મેળવવા સફળ થયાં. પરંતુ રુદ્રદત્તની શર્ત આખા વિપ્લવને શું નિરર્થક કરી નાખતી ન હતી? વિપ્લવનું બળ હથિયાર!

‘વિચારમાં ન પડશો. તમારે કંપની સરકારને ખસેડવી છે, એ જ ને?’ રુદ્રદત્તે પૂછયું.

‘એ જ.’

‘મારો પણ એ જ ઉદ્દેશ છે. બ્રિટિશ પ્રજા અન્ય પ્રજાઓને પરસ્પર સાંકળતી સુવર્ણદોરી બનવાને બદલે પ્રજાઓને ગળી જનાર અજગર બની જાય છે. એનાથી હલાશે ચલાશે નહિ.’

‘તો પછી હથિયાર વગર એ ઉદ્દેશ કેમ સરશે?’

‘જીવનભર હથિયાર વાપરનાર એક શસ્ત્રસંન્યાસીનો મત મૂર્ખાઈ તો નહિ જ હોય ને?’

લક્ષ્મીબાઈ ફરી વિચારમાં પડયાં. કલ્યાણી બોલી ઊઠી :

‘દાદાજી! ગૌતમ માટે શું કરીશું?’

‘આપણે જઈશું; આજે જ જઈશું.’ રુદ્રદત્ત બોલ્યા.

અને કલ્યાણીને ગૌતમ છૂટયા જેટલો  આનંદ થયો! વિપ્લવમાં રહેલો રસ તેના મનથી ઓછો થઈ ગયો. કંપની સરકારના અસ્તિત્વનો નાશ એ તેનો આદર્શ નહોતો : તેનો આદર્શ ગૌતમ હતો. ચલ અને ક્ષણજીવી રાજરમતો નહિ, પરંતુ એ રમતોનું સૂત્રધારણ કરતી જીવંત વ્યક્તિઓ તેના આદરને પાત્ર હતી. તેમાંયે ગૌતમને, તેણે જીવન સાથે જડી રાખ્યો હતો. ગૌતમ-સંસ્કારી, શૂર, સાહસિક, વંટોળિયા સરખો બિહામણો અને લહરી સરખો પ્રિય ગૌતમ!

‘આપ ઝાંસી ન પધારો?’ લક્ષ્મીબાઈએ પૂછયું.

‘મને હરકત નથી. પરંતુ મારો સાથ જોઈતો હોય તો મારું સ્થાન મને જ પસંદ કરવા દ્યો.’ રુદ્રદત્તે કહ્યું.

‘બરાબર. પણ આપની શરત બધા સ્વીકારશે?’

‘તે આપ જાણો.’

‘હું ઇચ્છું છું કે અમે હથિયાર મૂકીને પણ આપને મેળવીએ. પરંતુ શ્રીમંત અને નામદાર બાદશાહ એ કબૂલ રાખે તો બને. હું કબૂલ રખાવીશ. પણ એ તમને મળ્યા પછી.’

‘હવે એટલો બધો સમય રહ્યો નથી. તમારી તારીખ પાસે આવતી જાય છે.’

‘હા, જી! માટે જ વિનંતી કે આપ મારી સાથે ચાલો.’

‘આપ આજે જ પધારો! હું જુદો માર્ગ લઈ એક માસમાં આપને મળીશ.’

‘એટલામાં અમે બધું નક્કી કર્યું હશે.’

‘મને તેની ખબર પડશે. હથિયાર કરતાં હું વધારે કિંમતી હોઈશ. એમ જાણીશ એટલે તરત હું મળીશ. નહિ તો મને વિહારમાં જ ધારજો.’

‘જી.’

‘વિહાર એટલે સ્વૈરવિહાર.’

‘શું?’

‘સ્વર્ગવિહાર પણ!’

‘એમ કેમ બોલો છો?’

‘હું ઘણું જીવ્યો. હૃદય નવો પ્રકાશ માગે છે; નવા પ્રકાશને હૃદયમાં ઉતારતાં જો દેહ વચમાં આવે તો દેહ પડી પણ જાય.’

‘એમ ન બોલો, રુદ્રદત્ત! આપનો જૂનો દેહ અમારે મન બહુ કિંમતી છે.’

‘દેહની તે કિંમત હોય?’

‘કેમ નહિ? આત્માનું એ સાધન છે.’

‘સાધન સાધન બનતું અટકે એટલે આત્મા બીજો દેહ ખોળી લે. દેહની મને ચિંતા જ નથી.’

રુદ્રદત્તના શબ્દોમાં સરળતા-સ્વાભાવિકતા હતી; છતાં તેમાં અપૂર્વ બળ હતું. આવી વાત તેઓ ઘણી વખત કરતા. હિંદના સામાન્ય મનુષ્યને આવી વાત સહજ છે. પરંતુ અત્યારે રુદ્રદત્તના શબ્દો પાછળ કોઈ નવો પ્રકાર દુનિયામાં ધસવા મથતો હતો. એમ તેમની આંખ જોતાં દેખાઈ આવ્યું. જગતમાં નવો વિચાર જન્મતાં વિચારવાહક રુદ્રદત્ત સરખો જ દેખાતો હશે એમ તેમને જોનાર કહી શકે એમ હતું.

લક્ષ્મીબાઈ રુદ્રદત્તને મેળવી શક્યાં. રુદ્રદત્તની શર્ત અગમ્ય હતી એ ખરું; પરંતુ કંપની સરકારની જડ ઉખેડવામાં તેમણે સંમતિ આપી એ નાની વાત ન હતી. કલ્યાણી રુદ્રદત્તના વાનપ્રસ્થને હલાવી શકી હતી. વિહારથી કદી બહાર ન નીકળતા એ ઋષિને આખા ઈશાન માર્ગે ફરતો કરી દેવાનું કાર્ય કલ્યાણીએ કર્યું એ આશ્ચર્યજનક તો કહેવાય જ.

લક્ષ્મીબાઈ પોતાની યોજના નક્કી કરવા રુદ્રદત્તની શરત કાર્યકર્તાઓ પાસે મંજૂર કરાવવા માટે વિહારથી ચાલી નીકળ્યાં. રુદ્રદત્તે પાઠશાળા એક મધ્યવયી શિષ્યને સોંપી. અને ત્રિવેણીસ્નાન માટે જવા નીકળ્યા. સાથે કલ્યાણી અને ત્ર્યંબક હતાં. શિષ્યોએ સાથે આવવા ઇચ્છા કરી. ગામના વૃદ્ધોએ સંઘ કાઢવાની અને પંડિતજીની સાથે યાત્રાએ જવાની અભિલાષા બતાવી, પરંતુ રુદ્રદત્તે તેની ના પાડી, એ અભિલાષા ભાવિ ઉપર છોડવા સહુને શિખામણ આપી.

‘અમારા ગામનું તો છત્ર જાય છે!’ એક ભાવિકે કહ્યું.

‘મોટામાં મોટું છત્ર ઈશ્વરનું; એ તો સદાકાળ છે જ!’ રુદ્રદત્તે કહ્યું.

‘પણ પંડિતજી! આપને લીધે ગામની શોભા હતી. વિદ્વાનો, અમીરો અને રાજરજવાડાં પણ આપને લીધે આવતા.’

‘અને આ તો ધોરી માર્ગ બની ગયો.’

‘લોકો પૈસેટકે પણ જરા તરતા થયા.’

‘અને કલેશકંકાસ કેટલાં ઓછા થઈ ગયાં!’

‘એ બધું મારે લીધે થયું માનો છો એ તમારી મોટાઈ છે. ગામે મને આશરો આપ્યો એ હું ભૂલી શકું એમ નથી.’ રુદ્રદત્તે કહ્યું.

‘ગુરુજી! પાછા ક્યારે પધારશો?’ એક શિષ્યે પૂછયું.

‘આવીશ. ત્રિવેણીસ્નાન અને કાશી વિશ્વેશ્વરનાં દર્શન કરી લઈ તત્કાળ પાછો આવીશ!’ રુદ્રદત્તે કહ્યું.

સંધ્યાકાળે રુદ્રદત્તે, કલ્યાણીએ તથા ત્ર્યંબકે ગામની વિદાય માગી. રાત્રે નીકળવાનું જોખમભર્યું હતું એમ સૂચન થતાં તેમણે શુભ મુહૂર્તનો આશ્રય લીધો, અને બે ગાઉ દૂર આવેલા એક સ્થળે નિવાસ કરવાની અનુકૂળતા જણાવી.

‘બાપજી! ગાડીની કેમ ના પાડી?’ એક ભાવિક ભક્તે પૂછયું.

‘યાત્રા તો પગે ચાલીને જ થાય.’ રુદ્રદત્તે કહ્યું.

‘પણ આ હજાર ગાઉ જવાય?’

‘ગંગોત્રીનાં પાણી મેં રામેશ્વર ચડાવ્યાં છે; આજે પહેલી વાર પરિક્રમા નથી કરતો!’ રુદ્રદત્તે કહ્યું.

આખું ગામ તેમને વળાવવા આવ્યું. જતે જતે ભૈરવનાથના મંદિરમાં ત્રણે જણે પ્રવેશ કર્યો તે જ વખતે ભૈરવનાથની નોબત ગડગડી અને ઘંટા ધણધણી. ભૈરવનાથની સાયંઆરતી શરૂ થઈ. આરતી પૂરી થઈ. ભૈરવનાથની અગ્નિશિખાની ઉષ્મા સહુએ આંખે અડકાડી. પૂજારી અને રુદ્રદત્તની આંખો મળી. રુદ્રદત્તે પાઠશાળા સ્થાપી એ અરસામાં જ ભૈરવનાથમાં પૂજારીની સ્થાપના થઈ હતી. થોડે થોડે સમયે મળતા એ બંને વૃદ્ધો વચ્ચેનો સહુને અજાણ્યો પરિચય આજ ચમકી ઊઠયો. પૂજારીએ શિવના ચંદનનો એક ગોળો રુદ્રદત્તના હાથમાં મૂક્યો અને કહ્યું :

‘પંડિતજી! સંભાળજો.’

‘જ્યાં જઈશું ત્યાં શંકરની સૃષ્ટિ એ સંભાળશે.’ રુદ્રદત્તે કહ્યું. રુદ્રદત્તને નદી પાર ઉતારવા હોડી પણ તૈયાર હતી. ખલાસીએ હોડી હંકારતાં પૂછયું :

‘બાપજી! પાછા ક્યારે આવવાના?’

‘યાત્રા પૂરી થયે પાછો આવીશ.’

‘મને સાથે લઈ જાઓ તો?’

‘હું નહિ કહું તોપણ તું સાથે આવીશ જ.’

કહ્યા વગર તો કેમ અવાય? પણ બાપજી! મન બહુ થાય છે. બહુ વરસથી ગામ બહાર નીકળ્યો નથી. તમારા જેવાનો આશરો હોય તો ગંગાસ્નાન થાય.

‘તારે મારા કરતાં મોટો આશરો છે.’

‘એમ કેમ?’ ખલાસીએ સહજ ચમકીને રુદ્રદત્ત સામે જોઈ પૂછયું.

‘હું ખરું કહું છું.’

‘શી રીતે? આપના કરતાં કોણ મોટું છે. બાપજી?’

‘મારા કરતાં કંપની સરકાર મોટી ખરી ને?’

‘સરકારની વાત જુદી છે. એમને કોણ ઓળખે! અમારે મન તો તમે જ મોટા બાપજી! ગામ બહુ સૂનું પડશે.’ જરા ગૂંચવાઈને ખલાસી બોલ્યો.

‘સહુના વારાફેરા છે. પણ શંકર! તારો દીકરો કેમ હમણાંનો દેખાતો નથી?’

‘તમને ખબર નથી? એ તો, બાપજી! આપણા પાદરીસા’બની નોકરીમાં રહી ગયો.

‘એમ કે? એમની સાથે જ ગયો હશે?’

‘હા, બાપજી!’

‘હું રસ્તામાં પાદરીસાહેબને મળવાનો છું.’

‘ત્યારે તો, બાપજી! છોકરાની ખબર લાવજો.’

વાતો કરતાં સામો કિનારો દેખાયો. હોડી કિનારે અટકી અને ત્રણે જણ જમીન ઉપર ઊતરી પડયાં.

‘બાપજી આવજો. માયાભાવ રાખજો.’ શંકર ખલાસીએ વારંવાર કહ્યા કર્યું. અંધકારમાં ત્રણે જણ અદૃશ્ય થયાં ત્યાં સુધીમાં આ કિનારે હોડી અને સામે કિનારે માણસો સ્થિર રહ્યાં. રુદ્રદત્તની સાથે ગામનો આત્મા ચાલ્યો જતો હોય એવું નિસ્તેજ વાતાવરણ બની ગયું.

ટેકરો ચડતેઊતરતે રુદ્રદત્તે પૂછયું :

‘કલ્યાણી! થાકીશ તો નહિ ને?’

‘ના, દાદાજી મને થાક નહિ લાગે.’ કલ્યાણી બોલી. તેને પ્રયાગ પહોંચી જવું હતું; ગૌતમનું કેદખાનું તે જોઈ રહી હતી.

‘આપણે અત્યારે બહુ દૂર નહિ જઈએ.’

‘મને હરકત નથી.’

‘આજની રાત આપણે આ જંગલમાં જ વિતાવીશું.’

‘કેમ?’

‘આ જંગલમાં મારું ભૂત હજી ભમ્યા કરે છે.’

‘ભૂત? આપનું ભૂત?’ ત્ર્યંબક વિસ્મય પામી બોલ્યો.

‘હા. ભૂતથી તું બીતો નથી ને?’

‘ગુરુ પાસે હોય ત્યાં લગી મને કશો જ ભય નથી.’ ત્ર્યંબકે કહ્યું.

‘ત્ર્યંબક! ગુરુ કાંઈ સદાકાળ જીવશે?’ રુદ્રદત્તે હસીને પૂછયું. ‘મારા હૃદયમાં તો તેઓ સદાકાળ જીવશે.’

‘તો એ વાત સિદ્ધ કરી બતાવજે. તારી આંખ આગળથી રુદ્રદત્ત ઊઠી જાય તોય એને જીવતો જ માનજે.’

‘ગુરુજી! આપ શું બોલો છો?’

‘હું કશું નવું કહેતો નથી. આજ આ દેહને જન્મ્યે એંશી વર્ષ થયાં. જર્જરિત દેહ પડે પણ ખરો.’

‘ગુરુજી! આપે આવી વાત કદી કરી નથી.’

‘વાત કરવાનું કારણ છે. મારો દેહ ન હોય તે વખતે મારા આત્માને જીવતો રાખવા તું જ એ એકલો મથન કરી શકીશ; એટલે કે મારું શ્રાદ્ધ તારે હાથે થાય.’

‘ગુરુજી! ગુરુજી! આ વાત અસહ્ય નથી બનતી? કલ્યાણી રડે છે.’

‘અસહ્યને સહ્ય બનવાજે. એમાં જ જીવનની સફળતા છે.’

રાત્રિના અંધકારમાં ત્રણે જણ ડગલાં ભર્યે જતાં હતાં. રાત્રે ઠંડક હતી – ઉનાળો શરૂ થયો છતાં જગતનાં વૃક્ષો પાસે અને દૂર ઝઝૂમતાં હતાં – જાણે ભૂતાવળ માનવીઓને બિવરાવતી ન હોય! અગમ્ય પ્રદેશમાંથી અગમ્ય વાણી ઉચ્ચારાતી હોય એમ સમીરનો ઓછો વધતો સુસવાટ ત્ર્યંબક અને કલ્યાણીની મૂંઝવણ વધારી રહ્યો હતો.

દૂર અને દૂર ચાલ્યા જતા ગહન આકાશની માફક ગહન રુદ્રદત્ત પડછાયા સમા આગળ ચાલ્યા જતા હતા. શિયાળનાં રુદન ક્યારનાં શરૂ થઈ ગયાં હતાં. તમરાંનો તમતમાટ આખી સૃષ્ટિને જીવંત બનાવતો હતો. દૂરથી કોઈ ઘુવડ સ્પષ્ટ એકાક્ષરી ઘુઘવાટ કરતો હતો. ચીબરી ઊડતી ચિપચિપાટ કરતી હતી.

અસહ્ય એકાંતમાં રુદ્રદત્તનો ભવ્ય કંઠ સંભળાયો :

‘મારું ભૂત બતાવું.’

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.