કૃતિ-પરિચય

અરૂપસાગરે રૂપરતન

હવે પછીનાં પાનાંમાં એક નિબંધ-સર્જકના અંતરંગમાં આપણે પ્રવેશ કરવાના છીએ. આ 30-40 ટૂંકા ગદ્ય-આલેખોમાં મોટી સમૃદ્ધિ ભરેલી છે. અહીં પ્રકૃતિનો ઊંડો આહ્લાદ છે, પંખીઓ અંગેનું કુતૂહલ અને જાણકારી છે, અહીં વ્યિક્ત-સંબંધોની ઉષ્મા અને ધન્યતાના અનુભવો છે.

બાળકની સામે પહેલી વાર ખૂલતા વિશ્વનું વિસ્મય એક કવિએ ‘નાની મારી આંખ એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે!’ એને શીર્ષક તરીકે લઈને યજ્ઞેશ દવેએ એક નિબંધમાં આ વિરાટ વિસ્મયજગતનાં નકશીદાર મનોરમ ચિત્રો આલેખ્યાં છે. બીજા ઘણા નિબંધોમાં પણ એ સૂર રેલાયો છે – એમાં આપણે પણ એવા જ વિસ્મયાનંદથી દાખલ થઈ શકીએ.

શિયાળા-ઉનાળાનાં રૂપો આલેખનાર આ નિબંધકારે સવાર-બપોર-સાંજના રૂપવૌવિધ્યને પણ કવિના સંવેદનથી – પણ કવેતાઈ કર્યા વિના – આલેખ્યું છે.
લેખકની અંગતતા પાંચે ઇદ્રિયોના સ્વાદથી ઊઘડી છે. પ્રકૃતિના જેવી જ ચાહના લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતની પણ છે, સ્પર્શની ને સ્વાદની પણ છે.
આ પુસ્તકમાં વરિષ્ઠ લેખકો સાથેના વ્યિક્ત-સંબંધો વિશેના નિબંધો આગવા છે – લેખકની ચેતનામાં ઝિલાયેલા ઉમાશંકર જોશી, સુરેશ જોષી, મધુસૂદન ઢાંકી સાથેના સંબંધ-પ્રસંગો તાદૃશ બને છે અને લેખકની સંપ્રજ્ઞતા સાથે એમાં ભાવાદ્રર્તા પણ ઊપસે છે.

સર્જકનું અનેક રૂપવાળું સંવેદન-જગત અહીં ઉપમાઓ અને કલ્પનોથી મૂર્ત થયું છે અને સુષમ ગદ્યથી રજૂ થયું છે.

વાચકને એમાં પ્રવેશવા એ નિમંત્રણ આપી રહ્યું છે.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.