૩૮ – નવલખી લટાર

‘સવારનો રંગ ખડમાકડીના જેવો પોપટી’ એ ઉપમા જીવનાનંદદાસને કેમ સૂઝી હશે તે અત્યારે સમજાય છે. ઘાસના પાન પોપટી રંગમાં એક કુમાશ હોય છે ઘાસના પાન પ્રૌઢ થતાં તે રંગ લીલો થઈ જાય છે – એમ જ કુમળા ફરફરતા નવા ઘાસનો રંગ પોપટી જ હોય ને – એમ ક કુમળી સવારનો રંગ પણ ખુલતો પોપટી. આજે સર સર સરી જતી સવારને એમ જ પસાર નથી થવા દેવી એટલે તો આજે આ સવારમાં જ વહેલો ઓફિસે આવ્યો છું.

આકાશવાણી રાજકોટનું પરિસર તેની વનરાજી અને અંગ્રેજ બાંધણીના બંગલાથી સુંદર છે જ. બાથરૂમની બારીમાંથી દેખાતું સ્થિર સ્થીવર વૃક્ષરાજ બુચ, મારી બારી પાછળ ચમરી ઢોળતો રૂમના પ્રકાશ આયોજનમાં તેજછાયાની પૂરણી કરતો લીમડો, આખા ડોલતાં સુંવાળા સોટા ક્યારેક નિલગીરી, મેંદીની વાડ, મોરના ટહૂકાની રૂપના તાર ખેંચાતી સ્વરરેખા, કોયલની એકાએક ઊઠતી કૂક… આબધું ક્યારેક ક્યારેક અલપઝલપ ચેતનામાં ઝિલાય છે. એક સાથે બધું આત્મસાત્ થતું નથી. સવારના સાડા દસ પછી તો આ પરિસર ઑફિસ, ફાઈલ, પ્રોગ્રામ, મેમો, ઓર્ડર, પ્રમોશન, ટીએ, ડિ.એ,એરિયર્સ, પ્લાનિંગ સ્ટેટમેન્ટમાં ખોવાઈ જાય છે.

રાત્રે આ બંગલો યાદ કરી લે છે તેની અંગ્રેજ મેડમે તેને આપેલી પ્રેમભરી કાળજી, અઢળક પ્રેમ. સ્કોટલૅન્ડ બેલ્સ કે ઇંલેન્ડના રૂવાબદાર અંગ્રેજે આ પરિસરનો એકએક ખૂણો માણ્યો હશે. રાતે પીપળાની ટોચે સ્વપ્નું આવતું હશે. ઊંચા વૃક્ષે બેઠેલા પીપળાની ટોચે કોયલને સ્વપ્ન આવતું હશે. ઊંચા વૃક્ષે બેઠેલા મોરમાં જાગતી હશે અસ્ફુટ ઈચ્છાઓ. ઘાસ વચ્ચેથી સરકતો હશે સાપ, મેંદીની વાડ પરનો કાંચિંડો ઉપરની ઝાડીમાં ભરાઈ રહેતો હશે ચૂપચાપ. પવનની લ્હેરખીથી લીમડો માથું ધુણાવતો હશે. પીપળો ખડખડી ઊઠ્યો હશે. થડ પર દરમાં ભરાવાનું ભૂલી ગયેલો મંકોડો પવનમાં ઊડી પડતો હશે અને ફરી ઘાસના ઊંચા જંગલમાં પડ્યો હશે. ઘાસ તેને વાંસ જેવું લાગતું હશે. પતંગિયા પાંખો સંકેલી સૂઈ ગયા હશે.

સવાર સવારમાં જ લટાર મારવા નીકળ્યો છું. બંગલાની પોર્ટિકોની સામે જ નાનો ફૂવારો છે. તેમાંથી સતત સફેદ જળમાળા જેવી સેરો ઊડે છે. સ્કૂટર પાર્ક કર્યું હોય તે લેતી વખતે નજર જાય છે પણ કદી આગળ તેના થાળા સુધી ગયો નથી. આજે પહેલીવાર જ આ તરફ. એના થાળામાં ત્રણ નિલોત્પલ ખીલેલાં છે. ‘ઉત્પલ’ બોલતાં જ સુરેખ કોમળ પાંખડીઓ એક પછી એક ખુલેલી નજર સામે તરવરે છે. કમળનો આવો જાંબલી ઝાંયવાળો સુકુમાર રંગ જોયો નથી. થાળાના પાણીમાં ઉપરથી પડેલાં પીપળાના પાંદડા પડ્યાં છે. હમણાં જ પડ્યાં હશે તેથી કોહવાયા નથી. નહીંતર સીદી સૈયદની જાળીને ટક્કર મારે તેવી નકશીદાર જીણી જાળીની ભાત પડી હોત. જીણાં જીણાં જળમોતીઓનો થાળના પાણીમાં પડવાનો હળવો અવાજ આવે છે, થાળાના પાણીમાં નાનાં નાનાં વલયો રચાયા કરે છે. નાનકડી માછલીઓ સપાટી પર આવી તેનું નાનકડું મોં ખોલ્યા કરે છે. ઉપર આકાશ તરંગિત સપાટી પર હલબલ ઝલમલે છે. ઉપર ગોરંભો હોવાથી મેદૂર આકાશમાંથી આછો પ્રકાશ જ આવે છે. દસ વાગ્યા છે પણ સવારના સાત વાગ્યાનું વાતાવરણ હજી એમને એમ જ છે. અત્યારે ભટિયાર કે ભૈરવના સૂરો કાનને આગંતુક અજુગતા ન લાગે. ગાઈ શકાય.

થાળાથી થોડે દૂર ઝાડી તરફ જાઉં છું. ધરતીનો આનંદ હરિત રોમહર્ષણરૂપે ઊગી નીકળ્યો છે. ગયા વરસના પ્રમાણમાં આ વરસે વરસાદ સારો છે. ઘાસ ગોઠણબુડ ઊગ્યું છે. તાજા ઘાસની ભેજભરી ગંધ હવામાં બધે તરબતર તરે છે. ઘાસ વચ્ચે એક કેડી અડધી –પડધી ઢંકાઈ ગઈ છે. કેડી પર ચાલી ચાલી માણસે ઘાસ ભૂસ્યું તો ઘાસે ફરી તે કેડી ઢાંકી. એક જાપાનીઝ હાઈકુ યાદે આવે છે. જેમાં વિરહિણી પ્રેમીકા ફક્ત એટલું જ ગાઈ છે,

“તારા ગયા પછી કેડી ઘાસથી ઢંકાઈ ગઈ છે”

અ વિરહાકુલ એકાકી નાયિકા તેના એકાંતવાસમાં, વ્રેહપીડામાં દિવસો વિતાવી રહી છે. પ્રિયતમ આવ્યો નથી. તે સંકેત તો તેણે ‘તારા ગયા પછી’ એ પંક્તિમાં જ આપી દીધો. સમયનો સંકેત આવ્યો ઘાસથી. પ્રિયતમ ગયા પછી નથી તે બહાર ગઈ, નથી તેનો પ્રિયતમ આવ્યો કે નથી કોઈ બીજું સાંત્વના આપવા આવ્યું.

ગોઠણબુડ ઘાસમાં પાછળની ઝાડી તરફ જાઉં છું. નજીક નજીક ઊભેલા વૃક્ષો, મોટા વૃક્ષો પર ચડી ગયેલી જાડા વળાંક થડિયાવાળી પુરાણી વેલ, અઘેરીના નાના નાના છોડ, ક્યાંક કુમળા ચણોઠીના વેલા, નેપાળનો રતુંમડો છોડ, બાવળની ઝાડી નીચે લીલું અંધારું. એ અંધારામાં વહાલથી વળગેલી વેલના પાતળા તાતણાંઓ લટકે છે. નવાઈની વાત તો એ છે કે એ આ મીની જંગલથી ૨૦ ફૂટ દૂર જ દીવાલની પેલી પારરેઈસકોર્સનો ધણધણતો ધમધમતો રિંગ રોડ છે અને અહીંયા છે અકૂતોભય શાંતિ અને શાતા. શાંતિનો આ નાનકડો ટાપુ છે.

બાવળની ઝાડી પાસે ઘાસમાં એક મોર એકલો એકલો નાચે છે. પાસે જે ઢેલ નિસ્પૃહભાવે અલિપ્ત ચરતી રહી હતી તે તો ક્યારનીય ચાલી ગઈ છે. મોરને ય તેની પડી નથી. મોર તો નાચે છે અંતરમાં ન સમાતા આનંદને વ્યક્ત કરવા, પ્રકૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ અને કૃતાર્થતા પ્રગટ કરવા. એની થરકન જ અંદરની. ‘જંગલ મેં મોર નાચા કીસીને ના દેખા’ આપણે કેમ એ વાત લઈને આવ્યા હશું ? મોરને કોઈ દ્રષ્ટા મળે તો જ તે નાચને સાર્થકતા મળે માટે ? એક વ્યવહારુ સાક્ષી માટે ? કે આ જગત દ્રષ્ટાના દ્રશ્યમાં આગમન સાથે જ નિર્માણ પામે છે તેવી કોઈ દલીલ આગળ ધરવા ? આવી દલીલ એ માનવકેન્દ્રી વિશ્વ વ્યવસ્થા ઇચ્છતો અહમ્ નથી ?

કેટલાય અજાણ અનામી ફૂલો અજ્ઞાતમાં જ ખીલીને કરમાઈ જાય છે, કેટલાય પક્ષીઓના ટહૂકા આકાશમાં રેલાઈ જાય છે, બ્રહ્માંડના અફાટ અવકાશમાં કેટલાંય વિચ્છુરિત જ્યોતિપુંજોની, નક્ષત્ર નિહારિકાઓની લીલા ચાલ્યા કરે છે ત્યાં તો કોઈ દ્રષ્ટા નથી. સ્રસ્ટા જ તેનો નાચ ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ની જેમ નાચ્યા કરે છે. અસ્તિત્વને પણ આવિર્ભાવમાં આત્મપ્રતીતિ જોઈએને ? આ બધાં વિચારોને. વાયવી તર્કોને ફરી મોરપંખની રંગ છાલક વાગે છે. મોરથી દસેક ફૂટની દૂરતા જાળવી છે. આ દૂરતાથી તેને સલામતી લાગે છે અને મને એક એસ્થેટીક ડિસ્ટન્સ મળે છે. મોરની પીછું માધવે મુકટ તરીકે કેમ ધારણ કર્યું હશે તેનો અંદાજ આવે છે.

ઘાસની ઉષ્ણગંધથી ભારાક્રાંત હવાથી નાકના ફોયણા ફોરે છે. બે ચાર વગડાઉ જંગલી છોડમાં ફૂલો ખીલ્યાં છે. હવામાં પારદર્શક પાંખોવાળા વાણિયા આમ તેમ ઊડે છે. આ વાણિયાની મોતી ગોળ હીરા જેવી આંખોમાં જાપાનિઝ કવિએ આખો ફ્યુજિયામા પડઘાતો જોયો છે. ઉઘાડના તડકામાં આમથી તેમ તિર્યકરેખા દોરતા, ઊડતા કે કાળિયા કોશીની ચાંચમાં ઝડપાઈ છે. આ વાણિયાઓને નાનપણમાં હળવેકથી પાછળથી પકડી તેના લાંબી પેટપૂંછડીએ પાતળો દોરો બાંધી હૅલિકોપ્ટરની જેમ ઊડાડ્યા છે, પતંગની કેમ ઉતાર્યા છે, બાકસની ડબ્બીમાં પૂર્યા છે.

બે ચાર સફેદ પીળાં પતંગિયા વચ્ચે લાલ ટપકાવાળું કાળું વરણાગિયું પતંગિયું ઊડતું ઊડતું આવ્યું છે. આવા જ પતંગિયાને જોઈને ઈસ્સાને લાગ્યું હતું –

“તરતા પતંગિયા !
જયારે તું મારી આંખ સામે નાચે છે
ઈસ્સા – માટીનો માણસ !”

પાણીની ઓરડી પર એક શકરોબાજ અલસ બેઠો છે. તેની તીક્ષ્ણ આંખથી જગત આખું જાણે કે તેણે પકડ્યું છે. બે ચાર કોયલ તેને જોઈને ચિત્કારે છે અને શકોરબાજને સંતાઈ જવા ફરજ પાડે છે.

દિવસે ઝાડ પર કરેલી રોશની જેવા પીળી કરેણના નાની ઘંટડી જેવા પીળાં ફૂલો તડકામાં સળગે છે. ઘેરી પોપટી પત્તીઓની ચામર વચ્ચે ખુલતાં પીળાં ફૂલોના નાના નાના ભડકાથી આખું ઝાડ આલોકિત થઈ ગયું છે.

આ પીળી કરેણનો રંગ, ઘાસની ગંધ, વાણિયાઓની તિર્યક્ વલય ઉડ્ડયન રેખા, વ્હાલથી વળુંભેલી વેલ, કથ્થાઈ કરકરુ થડ, લીલો અંધકાર અને મોરપિચ્છનો સ્પર્શ ભરી ઑફિસમાં જઉં છું. આ બધું ગુપ્તધણ સાચવીને રાખવું પડશે.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.