૪ – અરૂપસાગરે રૂપરતન

બ્રહ્મનું ઈંડું બેઠું બેઠું કોઈ સેવે છે. એ બ્રહ્મ છે ? બ્રહ્મની પૂર્વનું કોઈ છે કે બીજું કોઈ ? ઈશ્વર બિચારો એકલો છે. ભટકી પણ શકતો નથી. ભટકવા માટે વિશ્વ જ નથી ને ત્યાં અચાનક બ્રહ્માંડનું ઈંડું બ્રહ્મ- અંડ બ્રહ્માંડ ફાટ્યું તે ફાટ્યું તે હજી વિસ્તરતું જ જાય છે, વિસ્તરતું જ જાય છે. લાગ જોઈ ઈશ્વરે પણ કહ્યું ‘એકોહમ બહુસ્યામ’ હું એક છું બહુ થાઉં. તેણે બ્રહ્માંડમાં બ્રહ્માંડવ્યાપી ઘોષણા કરી કે ‘સ એકાકી ને રમતે’ તે એકલો રમતો નથી. ભલે. એ આદ્યશક્તિ શક્તિ ન રહી. ગતિ સ્થિતિ બની, ઠરી, પદાર્થ બની પદાર્થના સાતમા પાતાળે અણુના કેન્દ્રમાં છુપાણી, એ જ રૂપસંહિતાની ઋચા બની.

જે કાંઈ અતંત્ર છે, વાયવી છે, Amorphous છે, એકરૂપ છે તેના રૂપવિધાન, રૂપપ્રપંચ. રૂપવિસ્તારમાં રૂપાયિત થાય છે બહુલતા. અરૂપના સાગરમાં પાકે છે રૂપરતન. અનંત એકરૂપ વાયુરૂપ વિશ્વમાં પૃથ્વી ચડે છે રૂપકારને ચાકડે. તે ફુત્કારે છે, મહાજ્વાલામાં સળગે છે, ધૂંધવાય છે, ફદફદે છે, સીઝે છે, ઠરે છે, છમકરા મારતી વરસે છે, ધોધમાર વારસે છે, વરસતી રહે છે, તરબોળ તૃપ્ત થાય છે, જળ બની હલબલે છે, હિલોળાય છે, ઉછળે છે સમુદ્રોમાં. સમુદ્રને રહે છે ઓઘાન. એ જણે છે અમીબા, શંખ, કોડી, છીપ, મત્સ્ય, કચ્છપ. સમુદ્રનાં એકવિધ ‘સી સ્કેપ’ માંથી માંથું ઊંચકે છે ખંડો. અનેક પર્વતો, ઉપ્તયકાઓ, મેદાનો, નદીઓ, સરોવરો, ભૂસ્તરો, અખાતોથી ધરતીનો સીન ‘લૅન્ડસ્કેપ’ બને છે ને સમુદ્રમાંથી કૂચ કરે છે કાફલો અંડજ પ્રાણીજ ઉદ્દ્ભીજનો. અંધારા વનો ઝૂમે છે. અડાબીડ. વડ, પીપળ, આંબલી, કેળ, ખજૂર, દાડમ, પોપ્લર બર્ચ ને પાઈન. જુઈ જાઈ જાવંત્રી રોઝ મેગ્નોલિયા સેવંતી, દર્ભ દાભડો આમળા ખેર થોર ને ખાખરો, તજ તમાલ લવિંગ. મૂંગા મૂંગા જાળું બનાવે છે કરોળિયા. સર સર સરે છે માછલી. ‘ડ્રાઉં’ કોણે તોડ્યું આ પૃથ્વીનું મૌન ? ઘાસ પર ખરીઓનો અવાજ. સ્તબ્ધ શીંગડા. હણહણતી હેષા. ત્રાડ ચીંઘાડ ચીચીયારીઓથી, ત્રમ ત્રમ તમરાઓથી તરબતર અંધકારમાં અગિયાઓ.

એ એ ત્યાં દૂર દેખાય માણસ. હજાર હાથવાળાએ તેણે બે હાથ આપ્યા. હાથ તો આપ્યા પણ હૈયું ને હામ આપીને કમાલ કરી. ઘડા બનાવ્યા ઘડા ચીતર્યા, ખેડ્યા ખેતરો, ચણ્યા ચબુતરા, બુરજો ગોપુરમ્ મહેરાબ ઘરો ઘુમ્મટો છત છાપરાં સ્થંભો તોરણો. કરી કશીદા કારીગરી. ભર્યા ભરત, ગુંથ્યા ગલેફ ‘પોઢનાર સુખી રેજો’ ‘ગુડલક’. કંડાર્યા વનદેવ એપોલો વિનસ શાલભંજિકામાં આ માળાં માણસો તો વિલસ્યા, વિસ્તર્યા, વિહર્યા ચાઇનીઝ ફૂડ, મેક્સિકન ચીકન ઢોંસા રોસોગુલ્લા, સ્પેનીશ ગિટાર, ચીઝ ; ભૈરવી દુહા આંદુલુસિયન ગીત, વાગ્નર, બાક, હોલબુટ, ફૂમતાળી, મોજડી કિમોનો હાયકુ, ઉર્દૂઅદબ, ફ્રેંચ વાઈન, સિમલા ટોપી, લખનવી કુર્તા, ભાવનગરી ગાંઠિયા બાણ; કાલિદાસ, મોજીલું પેરીસ, ઠાવકું પ્રાગ, વોડકા, વરિયાળી શરબત ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ મીર તકી મીર, પુષ્ટિ માર્ગ સુફિયાના કલામ રૂપે.
એક આહ એક વાહ ચિત્કાર ચિચિયારીઓમાંથી ચિં ચિં કરતાં નીકળે બારખડીના શબ્દો. કોણ કહે તે બાર ખડી ? તે તો અંદર અંદર બેઠી – વિચાર કલ્પના કલ્પન પરિકલ્પન સ્વપ્ન સિદ્ધાંત ભાવ વિભાવ ભાષામાં. સાત સૂરના બહેલાવ ફેલાવમાંથી નીકળતી જાય ધૂનો, તરજો, રાગ રાગિણીઓ. સાત રંગ એવા ભળે કે સર્જી દે તેત્રીસ કોટિ રંગો. અને આ તે કેવું કૌતુક કે કાયામાંથી જ ફૂટે કાયા. સુકુમાર મિનિયેચર. પ્રત્યેક માણસ શિલ્પકાર બને એક અપૂર્વ અનન્ય ચહેરાનો.

ઓ હો હો….. આટલાં બધાં આઈડિયા, કોન્સેપ્ટ, કલ્પનાઓ, સિદ્ધાંતો, રીતો ટેકનીકો સ્વપ્નો પાછળ એક મન. એ મનની પાછળ એક શરીર. શરીર પાછળ એક કોષ તે પાછળ રસાયણો. એ રસાયણો પાછળ બાણું-સો જેટલા મૂળતત્વો. એ મૂળતત્વો પાછળ છે માત્ર બે પાંચ ઈલેકટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પોઝીટ્રોન ને મેશોન, ને તેની પાછળ રૂપ રૂપનાં પટાંતરે એક એક માત્ર ‘યા દેવી સર્વ ભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા’ – શક્તિ. નરસિંહ મહેતા ભલે જુદા સંદર્ભમાં કહે ‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં.’ એ ઘાટને ઘડતાં ઘડતાં ઘડનાર પણ ઘડાયો છે. શક્તિ શક્તિ જ રહી, કુંડલું વાળી કેન્દ્રમાં જ પડી રહી હોત તો શું હોત ? એ શક્તિ જ સ્થિતિ બની છે. જે ઘાટ ઘડાતાં ઘડાતાં જ પાણીના મૂળે સદીઓ વહી છે એ ઘાટનું મૂલ્ય છે. શક્તિ સ્થિર થતી સ્થતિ બની તેમાં જ તેની શક્તિ છે. મને બધામાં એકને જોવાનું આશ્ચર્ય નથી પણ એ – એક માત્ર એકમાંથી આટલા બધાં ; આટલું બધું અને તે પણ આટલું બધું જુદું, તેનું આશ્ચર્ય વિસ્મય મોટું છે. મારી યાત્રા છે પેલી ઈલ માછલી જેવી – એકરૂપ સમુદ્રમાં ભળી જતી નદીના નદીમુખથી વિવિધ જનપદ વન તળેટી શિખરમાં તેના ઉદ્દગમ સુધીની.

જોજો જાળવજો. આ બધા સામે કોઈ વૈશ્વિક કાવત્રાખોર તેનીય જાણ બહાર એક કાવત્રું ઘડી રહ્યો છે. તેની સંડોવણીમાંથી કેટલો વખત દૂર રહીશું તે તો ન જાને ! પણ ત્યાં સુધી તો આજની ઘડી તે રળિયામણી.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.