૩૭ – તાવના ટાપુ પર એકલાં

શરીરની વેદના ઘણીવાર ઇર્ષાળુ પ્રેમિકા જેવી હોય છે. તમારું ધ્યાન જરાય બીજે જાય તો બળી મરે. બસ તેને તો તેમના પાશમાં જ રાખવા હોય. તમારે ધ્યાન ત્યાં જ દેવું પડે. એ દુઃખ દૂખતા દાંત, કળતી પીંડી, ભાંગેલા હાડકાં, ગળાના સોજા રૂપે કે પેટના દૂખાવા રૂપે તમારા પર્યાયરૂપે તમારામાં જીવતું હોય. તમને સતત તેના રટણમાં જ રાખે. આ પીડા પાછી એટલે સ્વાર્થી ને એકલસૂડી હોય કે તેને બીજા કોઈની પડી ન હોય. રમેશ પારેખ કહે છે ને કે ‘પગ ડાબાને પગરખું ખટકે પગ જમણાને શું ?’ આંખમાં ફૂલુ પડ્યુ હોય ને હાથ સાવ નરવો હોય. હાથ ભાંગી ગયો હોય ને પગ ચાલતાં હોય.’

શરદી તાવની આવી પીડામાં, ધીખતો તાવ, તૂટતું શરીર, ગળતું નાક, અને ઊંઘરેટાયેલી આંખે જગતને અને મારી જાતને પણ વચ્ચે વેદનાનો પટલ રાખી અર્ધપાર્દાર્શાક બનાવીને જોઈ છે. આવા જ એક તાવની તંદ્રામાં કશુંક આવું અનુભવ્યું હતું, ટપકાવ્યું હતું. સ્વપ્ન, જાગૃતિ, સુષુપ્તિ અને તુરીય અવસ્થા વચ્ચે દોલાયમાન થતી એ અવસ્થામાં ઘણું પરિચિત અપરિચિત થઈ ગયું છે અને અપરિચિત બધું પરિચિત થઈ ગયું છે. હું તેને શબ્દદેહ આપવા એક પ્રયત્ન કરી જોઉં.

“હું સંજ્ઞાહીનતામાં સરતો જાઉં છું. કાને તેની ક્ષિતિજ છેક જ ટૂંકી બનાવી નાખી છે. આંખો પર નિદ્રાનો નહીં પણ બીજો કશોક અલ્પપરિચિત ભાર છે. સુગંધો અને સ્વાદ સાથેનો સંબંધ પણ પાતળો પડી ગયો છે. અંગો પોતપોતાનો વિસ્તાર સંકેલીને બેઠાં છે. અચાનક પવન ફુંકાય છે. એક ડાળે વેદના ઋચા ગાન જેવો લાગતો પીપળાનો મર્મર ધ્વનિ અત્યારે હૂહૂકાર જેવો લાગે છે – જાણે અંધારી બખોલમાંથી આવતો પ્રેતનો આવાજ. આવા સમયે આ પીપળાની વાચાળતા મને જરાય કરાર વળવા દેતી નથી. આંખમાં ઊંઘના હળ ફરે છે. આંખો બળબળતા ખેતરની જેમ ખુલ્લી છે. નાક શંકરની ગળતીની જેમ ટપકે છે. નાકે તેનું મૂલ્ય રાતોરાત વધારી દીધું છે. એકવાર મહુડાના ફૂલ જેવો, રેશમ જેવો લાગતો અંધકાર અત્યારે થોરની જેમ ખૂંચે છે. પૃથ્વી કોઈ અતલગર્તા તરફ સરતી લાગે છે. તે કદાચ દાંતેનું નર્ક હશે કે વૈતરણીની પારનો પ્રેતાત્માનો દેશ ? હું મેં કરેલા નાના મોટા, જાણે અજાણે કરેલા અનેક પાપોને ફંફોસી ફંફોસીને જલ્દી જલ્દી એકઠા કરું છું. પાપમોચીની નદીના જળમાં હજી સુધી તેને ડુબાડ્યા નથી તેનો ખેદ કરું છું. મણિકર્ણિકાને ઘાટે તરતા દીવાઓની હારમાળા જોતી વખતે કદાચ તેનો પાપનો ભાર નનહીં લાગ્યો હોય. ગંગાની મહત્તા પાસે મારા પાપોને ઉઘાડી કરી દેવામાં મારો અહમ ઘવાયો હશે કદાચ.

શેરીઓમાં અંધકારના નખ વધી રહ્યા છે. ઘરની બહાર નીકળીશ તો કોઈ દૈત્યની જેમ ક્ષત વિક્ષત કરી નાખશે. કોઈ વહેલા ઊગેલા ઘરડા તારા અને મારી વચ્ચેનું પોલાણ ભરવા હું શબ્દોની ઘોષણા કરું છું પણ પૃથ્વીના વાતાવરણમાંથી જ પડઘાતા શબ્દો શતગુણિત ધ્વનિથી પડઘાઈ મારી સાથે જ એકોકિત માંડે છે. ગોબાયેલા વાસણની જેમ છાતી ઉધરસથી ખખડે છે. રંગ, રેખા, ગતિ સ્થિતિના ભેદ ભુંસવા લાગ્યા છે. કફિયલ શ્વાસ જ હોવાપણાનું સતત ભાન કરાવ્યા કરે છે. શ્વાસોચ્છવાસ ગણવાનું મન થઈ આવે છે પણ લાગે છે કે સમુદ્રે ક્યારેય તેનાં મોજાં ગણ્યા નથી. મારી અંદર વસતું આદિ સરિસૃપ તેની મહાકાયાના ભારથી ઊંઘમાં જ પડખું ફેરવે છે ને તેથી આંતરડા, ફેફસાં તેના અસહ્ય ભારથી ચગદાય છે. આદિ પ્રજીવ અમીબા તેના કૂટપાદથી ભયથી દૂર અને ખોરાક તરફ પ્રચલન કર્યા કરે છે. આદિ પક્ષી આર્કિયોપ્ટેરિક્સ થોડુંક ઊડવાના થાકથી હાંફતું બેઠું છે. વધુ ઊડવાની તેની ટેવ નથી. આદિ માનવ હજી લાંબી ઊંઘમાં છે. જાગશે ત્યારે અગ્નિને જોઈને જાણે જ્વાળામુખી ફાટ્યો હોય તેમ છળી મરશે. પથ્થરની આ દીવાલો તેને અસ્ત્રાગારનું ભાન કરાવશે. નખથી દિવાલ ખોતારવાના પ્રયત્ન કરશે. થાકી જશે. સૂર્ય સામે દાંતિયા કરી સૂઈ જશે. ફરી હીમયુગ.

રોગની મીંડમાં ક્યારેક આખુંય શરીર ગાઈ ઊઠે છે. કોઈ દેહની અંદર જઈ ટાંકણું લઈ આ કાયાનો જીર્ણોદ્વાર આરંભે છે. સમવેત સ્વરોમાં ગાઈ ઊઠે છે, શરીરનું સમવાયતંત્ર. તાવના એકાંતના કોઈકે ચાંપી છે ચેહ. દેહના તાપણાથી દેહ તાપે છે. અચાનક સમય પ્રત્યે સભાન થઈ જવાય છે. રાત્રે પરસેવો વળે છે, અસુખ થાય છે અને ઊંઘ ઊડી જાય છે. ઘરનાં બધાં સૂતાં છે. તેમનો સમય પણ સૂતો છે. તેઓ સ્થળકાળની પારની નિદ્રાની અવસ્થામાં તેમના દેહને, તેમના નામને, તેમના અસ્તિત્વને ઓગાળીને સૂતાં છે. એક હું જ જાગું છું. તાવના ટાપુ પર એકલો. સમય મારા માટે જ છે. ડંકા ઘડિયાળ નથી તેથી કેટલા વાગ્યા તેનો અંદાજ નથી. એક એક ક્ષણ સેકન્ડના કાંટાને થડકાવતો સમય કટ કટ આગળ વધતો રહે છે. આટલી બધી અલસ હશે. તેની ગતિ ? આટલું બધું હીંસક, પ્રચુર, અસહ્ય છે તેનું હોવું અને મારું તેથી સભાન હોવું ? આ સમયને તો મેં લાંઘતા ફલાંગતા, ઉડતા, સરકતા જોયો છે તે જ સમય આમ ધીમે ધીમે સૂચિસૂક્ષ્મ છીદ્રે મને વેધી રહ્યો છે. મારા ચાલીસ વરસ આ સમયપટ પર કેવી રીતે ગયા તેનો ખ્યાલે ન રહ્યો. પૂરની જેમ સ્મૃતિકાંપને છોડીને કેવાં પુરપાટ પસાર થઈ ગયા ! હવે તો શરીર સાથે ચેતના ય જડાઈ ગઈ છે પથારી સાથે. આ કાળાપાણીની સજા એકલાં જ ભોગવવી પડે છે. મનનું દુઃખ તો હલકું કરી શકાય, શરીરની પીડાને કોઈ હલકી કરી શકતું નથી. અસાધ્ય રોગના કે કેન્સરના દરદીને જોતાં જ તેમની સામે માથું આદરથી ઝૂકી જાય છે. કાયાના કિલ્લામાં એક એક કાંગરા ખરતા જતા હોય અને છતાં અણનમ યોદ્ધાની જેમ તેમનું જીવ સટોસટ યુદ્ધ ચાલુ હોય તેવા ધીર ખમીરવાળા માણસોને વીર પુરુષો જ કહેવા પડે. વૃદ્ધાવસ્થામાં જયારે એક એક અંગ ગળતું જતું હોય, ઇન્દ્રિયોની બારીઓ એક પછી એક બંધ થવા લાગી હોય ત્યારે આત્મસ્થ બની મરણને સહજ રીતે આવકારતા વૃદ્ધોને જોઈને મારો મરણનો ભય થોડો ઓછો થઈ જાય છે. કબીરે પણ કહ્યું છે ને કે “સાત લોક નો ખંડ મેં / સબકો હી ભરનો પડે દેહ ધરે કા દંડ” પીડા એ પણ શરીરની એક અધિષ્ઠાત્રી દેવી છે તેને અપૂજ ન રખાય. મારી પીડામાં તેની જ પૂજા ચાલી રહી છે.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.