૧૯ – ચંદ્રવારાંગના – એક પત્ર

પ્રિય ભોળાભાઈ,

ફરી એક વાર ભોપાલ. ‘તાલો કે તાલ ભોપાલ’માં આ વખતે જુદો જ તાલ. આ વખતે ભારતીય કવિતાના ત્રિવાર્ષિક સંમેલન ‘કવિભારતી-૨’ માં ભારતભરની મુખ્ય ભાષાઓના લગભગ ૪૦ નવલોહિયા કવિઓને આમંત્રેલા. ગુજરાતીમાંથી હું અને ભરત નાયક હતા. આ પહેલાં નવલેખકોની ગોષ્ઠીમાં અને ‘વિશ્વકવિતા સમારોહ’ વખતે ભારતભવન જવાનું થયેલું ત્યારે દેશના કેટલાક નવલેખકોને મળવાનું થયેલું. આ વખતે મનમાં એમ જ હતું કે મોટાભાગના એ જ જૂના ને જાણીતા નવકવિઓને મળવાનું હશે તેથી ઉત્સાહ ઓછો હતો. પણ એક વાત એ પણ મનમાં હતી કે આ પહેલાંના પ્રથમ ‘કવિભારતી’માં અજ્ઞેયજી, વિંદા કરંદીકર, અયપ્પા પણિક્કર, સુનીલ ગંગોપાધ્યાય. સિતાંશુ યશશ્ચંદ્ર, જયંત મહાપાત્ર જેવા કવિઓ હતા. તેમની પરંપરામાં જોડવાનો જાણે કે આ સંયોગ થયો છે, એનો કંઈક રોમાંચ !

સંમેલન ૧૨, ૧૩, ૧૪ ઓક્ટોબરના હતું તેથી ૧૨મી એ સવારે ત્યાં પહોંચાય તેમ નીકળેલો. પણ રાજકોટ ભોપાલ ગાડી કાયમની જેમ થોડી લેઈટ. તેમ છતાં ભારતભવન યજમાનમિત્રો સ્ટેશન પર લેવા આવેલાં – ને તેમને તરત મને પકડી પાડ્યો. મજાની વાત તો એ છે કે ભોપાલ સ્ટેશને આટલા બધા લોકો વચ્ચે ‘કવિને ઓળખી કાઢવાની ગૂઢ શક્તિ તેઓ ધરાવે છે તેનું મને હજીય આશ્ચર્ય છે !’

જ્યાં થાક્યો પાક્યો ઊંઘરેટો ઉતારે પહોંચ્યો તો ત્યાંના યજમાન ચિત્રકાર મિત્રે હાથમાં બધી સામગ્રી પકડાવી. તેમાં કાર્યક્રમની વિગત પણ હતી. ઓહ માય ગોડ ! હું હોટલ ‘પલાશ’ પહોંચ્યો ૧૦-૩૦ વાગ્યે ને ૧૧-૦૦ વાગ્યે તો કાર્યક્રમ શરૂ થવાનો હતો, જેમાં ભારતના ચાર છેડાના પ્રતિનિધિ તરીકે મારે ઉદ્દઘાટન – પઠન શુકન કે અપોષણની જેમ કરવાનું હતું. હું થોડો ફ્રેશ થઈ માંડ માંડ ઉતાવળે ભારતભવન પહોંચ્યો પણ મારી રાહ જોઈ અંતે શ્રી અશોક વાજપેયીએ ભારત નાયકને ઉદ્દઘાટન –નાયક માટે આમંત્રી દીધેલ. જો કે હું આવ્યો તે પહેલાં વાજપેયી એ મજાક પણ કરેલી કે યજ્ઞેશની લાંબી કવિતા હોય છે પણ જો સમયસર આવી જાય તો તેને નાની કવિતા વાંચવાનું કહેશું. જાણીતાં ઉડિયા કવિ શ્રી રમાકાંત રથને ઉદ્દઘાટન માટે આમંત્ર્યા હતા. ધીર સ્થિર વાણીમાં તેમણે ઉદ્દઘાટન સંબોધન વાંચ્યું. ત્યાર બાદ આ પ્રસંગે શ્રી વિંદા કરંદીકર, અયપ્પા પણિક્કર અને શ્રી અખ્તર-ઉલ-ઈમાને પાઠવેલા સંદેશાઓનું પઠન અશોક વાજપેયીએ કર્યો. બધાનો સૂર હતો બ્રેવો ! ગો અહેડ ! ઉદ્દઘાટનવિધિ પછી ભારતના પશ્ચિમ છેડાના કવિ તરીકે ભરતે કાવ્યપાઠ કર્યો. હું મોડો પડેલો પણ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં જ અશોકજીએ નજર મેળવી આવકાર આપેલો.

તે પછી તો સવારથી રાત સુધીમાં ભરચક કવિતાપઠનની બેઠકો જ બેઠકો. બેઠકો જ કહેવાય. કારણ કે વાંચનાર કવિ સિવાય બધી વિશાળ એરકંડિશન સ્ટુડીયોમાં ગાદિતકિયે અઢેલીને, પગ લાંબા ટૂંકા પહોળા કરીને, નિરાંતે, બગાસું ખાતા કે એકકાન એકચિત્ત થઈ બેઠા બેઠા બધાં સાંભળતા હતા.

વચ્ચે ટી-બ્રેક વખતે અશોક વાજપેયી મળ્યા ને તમને તથા રઘુવીર ચૌધરીને યાદ કર્યા. પરેશના પણ ખબર અંતર પૂછ્યા. ઉદ્દઘાટનના આભારવચનમાં ભારતભવન ટ્રસ્ટી (તેમણે ટ્રસ્ટી તરીકે રાજીનામું આપી દીધું છે પણ સ્વીકારાયું નથી) શ્રી જે. સ્વામીનાથને સાંપ્રત પરિસ્થિતિમાં દરેક કલાકારે પોતપોતાની રીતે શાંત ખમીરથી નવફાસીવાદી બળો સામે ઝૂઝવા તૈયાર રહેવા જણાવ્યું હતું. તેમના એ સૂરમાં ભારતભવનના વિવાદનો અને તેની સ્વાયત્તતા અળપાવાની શક્યતા વિશે ગર્ભિત ઇશારો હતો.

તે પછી દિવસ રાત કે પછી એક દોર કવિતાના. વાગીશ્વરીનાં નેત્રસરોવરમાંથી અંજલિ ચાંગળુ ભરી લેવા મથતા નવલોહિયા વિપ્લવખોર મિત્રો કવિતાપદાર્થને પામવા મથી રહ્યા હતા. કવિતાપાઠની બેઠકોની સાથેસાથે ત્રણે દિવસ ‘વિલાતી જતી અંગતતા’(disapearing personal) વિષયના ભાગરૂપે ‘શૃંગારનો અભાવ’, ‘ઈંદ્રિયરાગનો હ્રાસ’,’વનઉકેલ્યો પ્રશ્ન – કવિતા અંગત કે સામાજિક’ અને ‘આંતરવિશ્વ પર અવિશ્વાસ’ એ વિષયો પર ઉદ્યમી અધ્યાપક કવિમિત્રોએ તેમનાં લધુ=દીર્ધ વક્તવ્યો રજૂ કર્યા. શ્રી વાજપેયીના મંતવ્ય પ્રમાણે આજે કવિતા જયારે જડ, શુષ્ક અને યાંત્રિક જીવનના ઢાંચામાં ફસાઈ ગઈ છે, સામાજિક પ્રતિબદ્ધતાનાં નગારાં વાગી રહ્યાં છે ત્યારે આ ચર્ચા વિશેષ પ્રસ્તુત છે. આ વિષયો પરની ચર્ચા પણ રસિક, વિશદ, ક્યારેક કંટાળાજનક, દુર્બોધ અંધારમાં અડબડિયાં ખાતી તો ક્યારેક ઉત્તેજક હતી. અને કાંતવાદમાં માનનારા મારા જેવા ભોટને તો ઘણી વાત બંને પક્ષો સરખાં જ સાચા લગતા. અંતે તો બધું અંશ-કળારૂપ જ છે ને !

હૈદરાબાદનો મકરંદ પરાંજપે કુશળ અને તૈયાર લાગ્યો. આ ‘એકડેમિક’ ચર્ચામાં હું તો ચૂપ જ રહ્યો – ‘હું તો બોઇએ નઈં ને ચાઈએ નઈં.

બીજે દિવસે ૧૩મી તારીખે સાંજે મારો વારો હતો. મને મહાભારતના બકાસુરનો વારો યાદ આવી ગયો. આમ તો સાંજ હતી પણ સભાગાર ઉપર ઝળુંબતી સર્ચલાઈટ, વીડીયો કૅમેરાની લાઈટ. ફોટોગ્રાફરનો વીજઝબકાર અને કાવ્યજ્યોતિનો સદૈવ પ્રકાશ હતો. કવિતાપઠન શરૂ કરતાં પહેલાં શ્રોતાઓને ધરપત અને ધીરજ રાખવાનું કહેલું. ધરપત એટલા માટે કે હું એક કવિતા વાંચવાનો હતો. ને ધીરજ એટલા માટે જે તે લાં….બી છે. ગુજરાતીમાંથી હિન્દીમાં સદ્ય અનૂદિત કવિતા ‘પ્રહેલિકા’ (સજ્જન સૌમ્યમૂર્તિ તમારા સહકાર્યકર શ્રી મહાવીરસિંહ ચૌહાણે માત્ર દોઢ જ દિવસમાં પ્રેમથી સ-રસ અનુવાદ તૈયાર કરી આપેલો તે.) જ્યોત્સનાબેન મિલને વાંચી. તમે જ્યોત્સનાબેનને ઓળખો જ છો, કવિ રમેશચંદ્ર શાહના લેખિકા પત્ની છે, ગુજરાતી પણ સરસ બોલે છે. એ રીતે એ દ્રીભાષી છે. ને પછી મૂળ કવિતાનો મેં ગુજરાતીમાં “મારો ચલાવેલો ! પઠન પૂરું થયું. ઘણી બધી તાલીઓથી, આંખોથી ને પછી હાથથી દાદ મળી. ચાલો ફેરો સફળ ગયો ! બીજે દિવસે ભરતએ પણ તેની કવિતાના લયમાં બધાંને મહાલતાં કરી દીધેલાં.

સજ્જડ શ્વાસે થતી બેઠકો વચ્ચે જમવા, ઊંઘવા, વાતો કરવા જાગૃતિ જેવો વિરામ. રાત્રે અશોક વાજપેયીના ઘરે બગીચામાં, કે ભવ્ય હૉટલોમાં બીયરની બૉટલ, ભૂખ અને વાતો ઊઘડતી. બધાં હોહા, દેકારો, કે ગુફતગુ કરતાં, પ્રેમ, ઈર્ષા ને રોષ કરતાં, કવિતા અને પ્રેમનું સંપાદન કરતાં. જૂના નવાં મિત્રો થયાં.

કેટલીક સમજાયેલી. મને ગમેલી કવિતાઓનું આચમન કરાવું ? અનુવાદની, ધ્રુષ્ટતા કરી છે, આશા છે કે તમને ગમે.

આસામનો નાનકડો કુમળી દાઢીવાળો શરમાળ છોકરડો નીલિમકુમાર. જેવો તે ફ્રેશ તેવી જ તાજી તેની કવિતા :

‘હું સૂઈ શકતો નથી.
ચન્દ્રવારાંગના બેઠી છે
આકાશમાં.
વાદળ કુટીરનાં બારી-બારણાં ખોલી
કૃષ્ણપક્ષની બીજ – આ ચન્દ્રવારાંગના
બેઠી છે આકાશમાં.
કોઈ તેની નિકટ ગયું નથી
તળાવમાં બેઠી બેઠી
અનાવૃત કરે છે તેનો દેહ.
સર્પની જેમ
દેહ તેનો
લે છે વળાંક
જળમાં સુગંધ.
હું વિહવળ અધીર
હું સૂઈ નહી શકું
હે ચન્દ્રવારાંગના’

આ ‘ચન્દ્રવારાંગના’ નું કલ્પન કેવું લાગ્યું તમને ?
પંજાબના નાનકડા સરદારજી સુરજીત પાતારે પિતૃઓને યાદ કરતી નાનકડી કવિતા કરી છે :
દરેક વખતે
આપણાં જ આંસુ
હોતાં નથી આપણી આંખોમાં
ક્યારેક
રડે છે પૂર્વજો
આપણી આંખોથી.

એક મારાથી કવિ હેમંત જોગલેકરની સહજ કવિતાનો વિસ્મયલોક મને અભિભૂત કરી ગયો :

‘ત્યારે છે ને
ધૂળ, ઘાસ અને પથ્થર મારા પગને સીધી જ ગલીપચી કરતાં
અમારું સિંહાસન રહેતું જમરૂખના ઝાડ પર
બધાં જ પાંદડાંનો સ્વાદ કંઠસ્થ હતો
સહજ હું ફૂલોની ભીતર રમી આવતો.
ત્યારે છે ને
અભરાઈના હિમાલય પર સમાધિ લગાવી બેસતો
એક દિવસ આકાશનો ગુંબજ ઉઠાવી
ડોકિયું કર્યું હતું બહાર
પછી રાખી દીધો હતો ત્યાં ને ત્યાં.
ત્યારે છે ને
વાંચેલું બધું સમજાઈ જતું તાબડતોબ
બધા રંગો કેવા અલગ અલગ નીખરી આવતા
ઇતિહાસના બધા રાજાઓને મૂછો રહેતી
ત્યારે છે ને
હું તીરકામઠું લઈ લડાઈ કરતો
ને
માની આંગળી બંધ રહેતી
મારી મુઠ્ઠીમાં.’

છેલ્લે દિવસે સાંજે ભારતભવનની વિદાય લીધી ત્યારે વિશાળ તળાવના કિનારે પાટનગર ભોપાલ આંખો ફાડી જાગતું હતું. તળાવની પેલેપાર દૂર દિગંતનાં ક્ષિતિજ સૂતી હતી. ઉપર તારા ટમટમતા’તા, પવન ફરફરતો હતો, જળ ઝલમલતું હતું ને મન હળુહળુ હતું. કવિતાના ‘ક’ પાસે અટકી ગયેલું મારું મન અહીં આળોટતું હતું. ચાલો ત્યારે કાગળ પરથી હળવે હળવે વિદાય લઉં ? આવતીકાલે વહેલી સવારે તો ગૌરાંગ-સુસ્મિ સાથે પંચમઢી જવાનું છે.

લિ. યજ્ઞેશનાં વંદન

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.