૩૫ – બાપુજીના પત્ર ખોળામાં

કંઈ કામ માટે કબાટ ખોલુ છું ને કબાટના ખૂણામાં પડેલી પ્લાસ્ટિકની કોથળી દેખાય છે. અંદર દેખાય છે પીળાં પડી ગયેલાં સેંકડો પોસ્ટકાર્ડની થપ્પીઓ. મેં જ એ વારસાને દોરી બાંધીને વ્યવસ્થિત સાચવી રાખ્યો છે. એમાં સંગ્રહાયેલો પડ્યો છે એક અનઅનૂભૂત અમારા કુટુંબનો કાળખંડ. બાપુજીએ મોટાભાઈને છેક તેમના અભ્યાસકાળથી અમારા બાળપણ સુધીના વીસ વરસના ગાળા દરમ્યાન લખેલા સેંકડો પત્રો. દાદાને અમે બાપુજી કહીએ છીએ. અને પિતાને મોટાભાઈ. આ સેંકડો પત્રોમાંથી મોટાભાઈ એ તેના સ્મરણીય, વિચારણીય અંશોને તો એક જુદી ડાયરીમાં સાચવી રાખ્યા છે, તે ડાયરી પણ હાથવગી થઈ. અચાનક બાપુજી યાદ આવ્યા. નાનું બાળક રમતાં રમતાં ક્યાંક દડી ખોઈ નાખે ને ફરી જડી આવે તેમ જાણે ફરી જડી આવ્યા, આ કાગળોમાં, આ સ્મૃતિઓમાં. બાપુજી અત્યારે ક્યાં છે ? હા, હમણાં અમદાવાદ સહુથી નાનાભાઈને ઘરે છે. હજી સ્મૃતિમાં જીવે છે ત્યાં સુધી મર્યા નથી. રોબર્ટો જુઆરોઝની કવિતાની પંક્તિઓ યાદ આવી – “તમે કોઈને યાદ કરો છો ત્યારે જાણે તેને બચાવી લો છો.” અને આમેય મરણ બીજું છે શું ? કોઈનાં સંદર્ભમાંથી સ્મૃતિમાંથી ખસી જવું એ જ તો મરણ. બાપુજી અમારા સંદર્ભમાંથી બહાર ફેંકાઈ ગયા છે. દિવસો સુધી તેમની હયાતીનું પણ સ્મરણ નથી રહેતું. બાપુજીને મન શું આ જ તેમનું સૂક્ષ્મ મરણ હશે ? હશે કદાચ. બાપુજી મુંગામુંગા તેમના તે મરણને જોઈ રહેતાં હશે.

આ બધાં વિચારોમાંથી ફરી મોટાભાઈની બાપુજીના પત્રસારાંશવાળી નોટ અને પત્રો પર નજર પડી. મોટાભાઈએ આ બધું શા માટે સાચવી રાખ્યું હશે ? તેમની ડૉક્યુમેન્ટરીની સેન્સ કહેવી પડે. સારું થયું કે મોટાભાઈએ બાપુજીના આ પત્રો સાચવી રાખ્યા. આત્માના અમરત્વમાં માણતા આપણા ભારતીયોમાં તો આ ઘટના વિરલ જ કહેવી પડે. અ પત્રો થકી Time travel માં હું નહતો ત્યારના અમારા કુટુંબની રોજીંદી ગતિવિધ કે ઐતિહાસિક વળાંકો અત્યારના સમયતટ પરથી જોઈ શકું. બાપુજી ને મોટાભાઈને સમજવાની એક ગુપ્ત ચાવી ય તેમાં પડી છે. દરેકને તેમના કૂળ અને મૂળ સુધી જવાની ઇચ્છા થવી સ્વાભાવિક હશે ? માછલી પણ પ્રવાહની વિરૂદ્ધ તેમાં સ્રોત તરફ જ તરતી હોય છે ને ? ભૂતકાળ તરફ મોં કરી વર્તમાનમાં ટકવા. પિતાપુત્ર વચ્ચે ચાલતો પત્રવ્યવહાર એકદમ પ્રેમાળ સમજભર્યો અને examplary . એ પત્રોમાંથી અમારા કુટુંબના મારા જન્મ પહેલાં ભજવાઈ ગયેલાં હિસ્સાની, તેમના આંતર સંબંધોની, બાપુજીના પ્રેમની, સમજની એમ કેટલીય પરતો નીકળી. બાપુજીના પત્રોમાં ભાષાનું સાદું પોત, ઊંડી સમજણ અને લખાણની પ્રૌઢિનાં દર્શન થયાં. એકાદ પેરેગ્રાફમાં કે વાક્યમાં સત્વ, તત્વ સારરૂપ બાપુજી ઉઘડી આવતાં, પલાંઠીવાળી બેસી જતાં.

મોટાભાઈને હાઈસ્કૂલમાં ભણવા માટે ભાવનગર મોકલ્યાં ત્યારે બાપુજીના કોઈ મિત્રે તેમને ઘરે રહેવાની ઑફર કરેલી તેની કૃતાર્થતા વ્યકત કરતો પત્ર.

“આવા સહ્રદયી અને ઉમદા સ્વભાવના માણસો સાથે આપણો સંબંધ બંધાય તેમાં પણ આપણા પર પરમાત્માની અનંત કરૂણા જોઉં છું. જ્યાં આવી અહૈતુક, નિખાલસ અને નિસ્વાર્થ સહેજ ભાવના જોઈએ ત્યાં પૂર્વનો સંબંધ અને ઈશ્વરની દયા અવશ્ય માણવા જોઈએ – બાકી એટલું તો હા અવશ્ય માનું છું કે જો આપણું જીવન શુદ્ધ હશે, આપણી જરૂરીયાતો અને માગણી વ્યાજબી પ્રામાણિક હશે તો તેને સમજનારાં અને ન્યાય આપનારા ચોક્કસ કોઈને કોઈ મળી રહેશે જ… હમણાં મારું મન સંતપ્ત રહે છે પણ આવી બિરાદરીના સંબંધોનો તાજો અનુભવ થઈ રહ્યો છે. અને તેથી મન ખૂબ આનંદ પામે છે…”

મોટાભાઈ અને કાકાએ હરિજનવાસમાં જઈ જાતે જ અભડાવા દૂધ પીધું ત્યારે અમારા કુટુંબને નાત બહાર મુક્યું હતું ને ફરી તેમને નાતમાં સમાવ્યા ત્યારે બાપુજીએ મોટાભાઈને લખેલા એ પત્રમાંથી પ્રગટતું તેમનું શાંત ખમીર ઔદાર્ય અને સમજણ –

“બરવાળા આપણા જ્ઞાતિબંધુઓએ પેલો વિરોધી ઠરાવ રદ કર્યો છે, નાતપટેલે મને બોલાવી આ જાણ કરી દીધી હતી – હવે પૂર્વવત્ સંબંધ ચાલું થઈ ગયો છે. કોઈ પણ જાતનાં ઉશ્કેરાટ વગર શાંતિ અને સદ્દભાવનાવાળા વર્તનથી આ અસર થઈ છે. વ્યાજબી રીતે સત્ય ગણાતા માર્ગના અનુસરણમાં હંમેશા સહન કરવાનું હોય જ. કારણ સામાન્ય જનસમાજ તો વાસ્તવિક અસત્યને નહિ પણ સત્યના ખોખાને – વિકૃત સત્યને જ રૂઢિબંધનને આધારે સ્વીકારે છે. એટલે આવા પ્રસંગે બન્ને વચ્ચે ઘર્ષણ થાય જ. પણ સત્યના અનુસરનારે હંમેશા શાંતિ, ધીરજ, વિરોધીઓ પ્રત્યે પણ સદ્દભાવ અને અવૈરવૃત્તિ રાખવી જોઈએ – વિરોધીઓને હૃદય પલટો કરવા માટે આટલી વસ્તુ બસ છે.”

બેન (મારી મા) સાત ચોપડી ભણ્યા નથી. તેમણે ભણવું તેવો મોટાભાઈનું દુરાગ્રહ ને તેમાંથી જન્મેલા સંઘર્ષ વખતે પિતાએ પુત્રને કહેલાં બે વેણ :

“તારા લખાણમાં ક્યાંય મર્યાદાભંગ નથી. પણ હું તો તારા આવા નિખાલસ અને સ્પષ્ટ વિચારોને આવકારું છું… પ્રથમ તો આવા કામમાં ખૂબ જ ધીરજ અને સહનશીલતાની જરૂર હોય છે. આપણી ઉતાવળે કંઈ જ નથી બનતું. ગમે તેટલો કિંમતી અને મોટા જથ્થામાં પાક બનવતા હોઈએ પણ ચાસણી કાચી રહી જાય તો ઘાણ બગડે છે – મહેનત નકામી જાય છે – આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. બીજાને કેળવવા તેનામાં પોતાની વર્તમાન ઊણપનું ભાન જાગ્રત થવું જોઈએ – જ્ઞાન મેળવવાની પિપાસા લાગવી જોઈએ – અને એ યોગ્યતા આવે ત્યારે જ પાણી મહેનત બર આવે છે.”

મોટાભાઈ – બેને લગ્ન પછી સહુ પહેલું ઘર શરૂ કર્યું તે પ્રસંગે શુભેચ્છાપત્ર – “તમો બન્ને હજુ વયમાં અને જ્ઞાનમાં, સમજણમાં – અનુભવમાં બાળક છો. એટલે ખાવું, પીવું, હરવું ફરવું બોલવું ચાલવું, મિત્રો કરવા, સંબધો બાંધવા વગેરેમાં ખૂબ સજાગ રહેવું જોઈએ – નહીંતર જીવનમાં માનેલા ધ્યેયમાંથી સ્ખલન થતાં વાર લાગતી નથી. તમે સમજું છો એટલે સહેજ ઇશારો કરું છું.”
પિતા પુત્ર-પુત્રવધુના વય સહજ આવેગને ન સમજી શકતાં આક્રોશ પણ કરે છે. આ સમયે બેન સાસરે બાપુજી પાસે હશે અને મોટાભાઈ નોકરીએ રાજકોટમાં.

“તમારા પ્રેમની અકળ લીલા હું સમજી શકતો નથી. તમરા એકબીજાના સાન્નિધ્યમાં ઝગડાની પરંપરા ચાલે છે અને વિયોગમાં પત્રોની પરંપરા. અઠવાડિયામાં બે વખત પાનાં ભરીને કઈ મહત્વની બાબતો લખવા જેવી હશે. ભલે ગમે તે હોય પણ પ્રેમીની ગેરહાજરીમાં – પ્રેમી અને તે સંબંધી પત્રોની પણ ગેરહાજરીમાં જ શુદ્ધ પ્રેમની મીઠાશ-મધુરતા વધુ ખીલે છે…… એક પિતા તરીકે આવી નાજુક બાબતમાં પુત્રને આમ લખવું કદાચ યોગ્ય ન ગણાય પણ સહજ ભાવે આટલું લખાઈ ગયું.”

મોટાભાઈએ એકલા રહેતા હતા ત્યારે આળશ છોડી હાથે રાંધવાનું શરૂ કર્યું તે સમાચારને બીરદાવતો પત્ર –

“હાથે રાંધવાનું રાખ્યું તે ઠીક કર્યું. જીવનમાં બધી કળાઓ શીખવાની જરૂર છે. રાંધવાની પણ એક કળા છે એ તો અનુભવ થતાં જણાય છે. તારા જીવનમાં કાયમી સંગાથી અને મહાન શત્રુને (આળસને)સમજીને ઓળખીને તેનાથી મુક્ત થવાનો યોગ્ય પ્રયત્ન કરીશ તો તારો જીવનવિકાસ ઝડપી થશે. આવા શત્રુનો લાંબા વખતના સંબંધે આપણી સાથે મિત્રતાનો દાવો બંધાયો હોય છે. એટલે એને છોડવા આપણું મન – આરામપ્રિય મન તૈયાર રહેતું નથી. છતાં સાચા દિલના પ્રયત્ન આગળ કોઈ વસ્તુ અશક્ય નથી.,,”

અમારા માટેની, તેમના પૌત્રો માટેની અપત્ય સ્નેહભાવના ને ચિંતા પણ પત્રોમાં વ્યક્ત કરતાં. એક પત્રમાં અમારા માબાપને દેવલાલી માશીને ઘરે ઉનાળાની ગરમીના હડદા ખાતાં છોકરાંઓને લઈ ન જવા માટે સૂચન કરે છે પણ આજ્ઞા નહીં.

“સૌ. ભાનુમતિ તથા બાળકોને દેવલાલી મોકલવામાં સંબંધમાં અમારે કહેવાપણું ન હોય. આ બાબતમાં જે કંઈ નિર્ણય લેવાય તે સમજણ અને વિચારપૂર્વક લેવાય તેમ ઇચ્છીએ. તમને યોગ્ય લાગે તેમ કરશો.

બાળકો ભગવાન તરફથી મળેલી કિંમતી બક્ષિશ કે થાપણ એના શારીરિક મને માનસિક વિકાસમાં એની જાળવણીમાં આપણે પૂરતું ધ્યાન આપવું જોઈએ – આપણા આનંદ ખાતર તેમને સહન ન કરવું પડે તે જોવું.”

દૂર રહ્યે રહ્યે સતત અમારી ચિંતા કરતાં દરેક દાદામાંના એક દાદા – અમારા બાપુજી લખે છે “

“દિપકભાઈ અમોને ખૂબ યાદ આવે છે.. તે મનસ્વી છે તો ધીમે ધીમે શિષ્ટપાલન કરાવશો…”

“બાળકોને ખાસ સાચવશો. ત્રણેય બાળકો તમારા છે એટલે અમારે તેમાં ભલામણ કરવાપણું ન હોય. છતાં આટલું લખ્યા વગર નથી રહેવાતું કે ચિ.કુમારને ખાવાપીવામાં સાચવશો અને શિક્ષા તો કરશો જ નહિ.”

“ચિ, ભાઈ યજ્ઞેશના હાથનો પત્ર મળ્યો. વાંચી અમે સૌ ઘણાં રાજી થયા છિયે… હવે પત્ર લખતા આવડે છે પણ લીટી પુરી થતી હોય ત્યારે શબ્દને છૂટો ન પાડવો –આટલું ધ્યાનમાં રાખવું.”

આ પત્રો ન હોત તો બાપુજીને આ રીતે ન ઓળખી શકાયા હોત. મારેય ત્રાણું વરસનાં પથારીની કેદ ભોગવતા, મરણને હાથતાળી આપતાં, ચકલીના નાના બચ્ચાં જેવા થઈ ગયેલા આત્મસ્થ બાપુજીને કાગળ લખી ઘડી બે ઘડી માટે પણ તેમની કેદમાંથી છોડાવવા જોઈએ.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.