૨૩ – મનમાં હીંગોળગઢનું વન

અચાનક જ પાકેલા ઘાસની ભેજ હૂંફ ભરી ગંધ લઈ હવાની એક લહેરખી આવી ગઈ. એ તો લહેરખી આવે ને જાય. જોકે આ લહેરખી, રોકાઈ, નાકના ફોયણામાંથી સીધી મગજ સુધી ગઈ અને ચિત્તમાં અચાનક સંસ્કારો જગાડ્યા. આમ તો આ વિદાય લેતા માર્ચના પ્રખર વસંતના દિવસો, પણ તે પાકેલી ભેજભરી ગંધથી સૃષ્ટિ જાણે શરદકાળની બની ગઈ; અને એક જ ક્ષણમાં ટાઈમમશીનમાં બેસી પાછળ જઈ અઢાર વરસ પહેલાં હીંગોળગઢના ઝાંખ પાંખા ઝાંખર ઝાડી જંગલમાં પહોંચી ગયો. વર્તમાનના ખોળિયામાંથી એક મૂંગી કસક નીકળી ગઈ.

રાજકોટની આસપાસ રજાઓમાં કે રવિવારે બર્ડવોચિંગની બારાખડી શીખતો હું અચાનક વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડના એક પક્ષી નિરીક્ષણ શિબિરમાં શીખાઉ બર્ડવૉચર તરીકે પંદર દિવસ હીંગોળગઢના એ જંગલમાં, હીંગોળગઢના મહેલમાં પહોંચી ગયો. રાજકોટથી બરવાળા જતી વખતે બસ ત્યાંથી પસાર થતી ત્યારે અનેકવાર નાનકડા ડુંગર પર તેની સાથે ભળી ગયેલા ભૂખરા રહસ્યમય મહેલમાં રહેવાનું મન થયા કરતું – તે ઇચ્છા આમ અચાનક આવી સરસ રીતે પૂરી થઈ. દિવસો તો એ રંગીન હતાં જ પણ તેની સ્મૃતિઓ પણ કેટલી રંગીન અને ઇન્દ્રિયસંતપર્ક.

પ્રકૃતિપ્રેમને નામ વનવિહાર કરવા આવતી સ્કૂલોની રંગબેરંગી ટોળીઓ જંગલમાં ઊતરી આવતી. બધાંને પહેલાં વનની આચારસંહિતા પ્રેમથી સમજાવે લવકુમાર ખાચર. ‘એક ડાળી ડાળખુંય તોડવાનું નહીં, પંખીઓને ઉડાવવા નહીં, મોટે મોટેથી શોરબકોર કરી બોલવું નહીં અને આપણી સભ્યતાના ઓધરાળા જેવા બિસ્કીટ ચોકલેટના રેપર, ભેલપૂરીના કાગળિયા કે ઠુંઠા શીશા છોડી જવા નહીં. જે પક્ષી-પ્રાણીઓના ઘરમાં આવ્યા છીએ તેમના સારા અતિથિ બની રહેવું.’ ઉત્સાહી થનગનતા કિશોર કિશોરી યુવાનો આ સંહિતા એટલા જ પ્રેમથી પાળતાં. દિવસ આખો સવારથી સાંજ સુધી શરદના કાચ જેવા ચોખ્ખાં તડકામાં છોકરાઓની ટોળી જંગલ ઝાડીમાં અમારી સાથે ફર્યા કરતી. ટેકરી પર ચડતાં વચ્ચે નિર્જન શિવાલયની નાનકડી ઘંટડી રણકાવતા. તળેટી પર વસેલા ખોબા જેવડા ગામના જૂના રહેવાસી પાસેથી કે પગી ચોકીદાર પાસેથી મહેલની, રજવાડાની, ચિત્તના શિકારની, અંગ્રેજોની, થનગનતી હણહણતી હારબંધ ઘોડારમાંથી વછૂટતા પાણીદાર ઘોડાઓની મહેલોની અસબાબની, રસાલાની વાતો સાંભળતા.

મહેલની બારીએ ઠંડી થપકીઓ દેતી પવનની લહેરખીઓથી અનેક પક્ષીઓના ઉત્કુલ્લ આનંદભર્યા ચહચહાટ કલબલાટ કિલકાર ટહુકારોથી સવાર પડતી. પવન ગોરડ બાવળ અને હરમાના નાનાં નાનાં ફૂલોની આછી ગંધથી ભારક્રાંત થતો. એ ગંધારૂઢ પવનની આંગળીએ એ વનમાં ફરતાં. ગંધ થકી એ વન, છાતીને તરબતર ભરી દેતું. નીચે ઘાસની પીળી જાજમ. તેના પર ગોરડ બાવળ હરમાના આછા ગાઢા લીલા પોપટી બુટ્ટાઓ અને ઉપર શરદનું નીલઆકાશ. હવામાં ચંડોળ, બન્ટીંગ, કસ્તૂરો ખેરખટ્ટોની અલગ અલગ સ્વર સૂરવલિઓ. તેમાં અચાનક જ જંગલને ભરી દેતો. સામેની ટેકરી પરથી પાછો પડઘાતો કૂકડિયા કુંભારનો ગંભીર ધ્વનિ સંભળાતો. ઉપરથી તરતી સરતી કુંજડીઓની ક્રેંકાર કરતી પંક્તિ ડુંગરની ધારની પેલેવાર ખોવાઈ જતી. ટેલિફોનના તાર પર બેઠેલું ભૂખરું ભૂરું ચાસ અચાનક જ ઊડી અવકાશમાં નીલા અને વાદળીરંગના ફુવારાઓ છોડી જતું. લસરકો દોરી જતું. નાનકડાં હૃદયમાં અકથ્ય ઉત્સાહ લઈ આમથી તેમ પતંગિયાની જેમ ઊડતા પોપટી પતરંગા હવામાં અવનવા કંપોજિશન્સ નવી ડીઝાઈન રચતાં. કાળિયોકોશી હવામાં આમતેમ હેરતભરી ઉડાનો લેતો. પાણીની નીલ સપાટી પર હેલિકોપ્ટરની જેમ ઝબૂંળતો કલકલિયો એક ક્ષણમાં જ પાંખ અને પગ સંકેલી લઈ પૂરી ગતિથી જળમાં ઝંપલાવી કેસરી લાંબી ચાંચમાં રૂપેરી માછલી લઈ ઝાડની ડાળ પર જઈ બેસતો.

ચેકડેમથી ભરાયેલું નાનકડું એક તળાવડું છે. રાજેન્દ્ર શાહ કહે છે તેવું ‘નિજમાં નિમગ્ન પરિતૃપ્ત પ્રજ્ઞ’ નહીં, આ તો પક્ષીઓનો જળખોળો છે. દૂર ડેમ પાસે બતકોનું એક ટોળું ધેંક ધેંક ઢોંક જેવા બોદા અવાજો કરતું ઝલમલતી સપાટી પર તરી રહ્યું છે. એકાદ બતકને કોણ જાણે શું યે સૂઝ્યું કે સરોવર સપાટી સરસી ઊડી, ઊડતા ઊડતા જળની બિન્દુરેખા દોરતી ગઈ. નાની ચળકતી શોવલર બતકો વચ્ચે બેચાર મોટી કેસરી રંગની ઠાવકી બ્રાહ્મણી બતકો બાયનોક્યુલરના ફિલ્ટમાં પકડાઈ. એ… એ ડબક ડૂબકી લગાવી જળમાં ગરક અદ્રશ્ય થઈ જનારી ડૂબચેક ડૂબકી બતક ક્યાં ગઈ ? એ એ એ તો છેક ત્યાં નીકળી. વચ્ચે ઝાંખર જળવેલા પર લાંબા પગે જસાના ચાલે છે. ત્યાં વેલાઓ વચ્ચે જ તેનો ક્યાંક માળો હશે. જળમાં ક્રીડા કરવા પાણી પીવા ચૂગવા આવતા યાયાવર પક્ષીઓને પગમાં રિંગ પહેરાવવા તેના આગમનની સંભવતિ દિશામાં પાતળી નોટ બાંધી છે. એક – બે પક્ષીઓ તેમાં પકડાય સપડાયા છે. દિશામાં ફફડતા જાળમાં ફસાતા ગભરાયેલાં પક્ષીઓને પકડવા માથે કૅપ પહેરેલો ઊંચો રફ-ટફ હૅન્ડસમ રેક્ષ આગળ દોડતો આવેછે. રેક્ષ ખાસ આ કેમ્પ માટે બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી તરફથી બોમ્બેથી આવ્યો છે. અમને મહેલના મોટા ઓરડાઓમાં ડેમોન્સ્ટ્રેશન માટે લવાયેલા પેટીમાં પૂરાયેલા સાપો વચ્ચે ડોર્મેટરીમાં ઉતારવામાં આવ્યા છે જયારે તે મહેલની પશ્ચિમ તરફ એક સ્વતંત્ર રૂમમાં રહે છે. છોકરાઓને સાપના ડેમોન્સ્ટ્રેશન વખતે સાપ હાથમાં વીંટી નજીકથી દેખાડે છે. કેટલીક છોકરીઓ ચળકતા સાપની સુંવાળી ત્વચાને અડવા હાથ લંબાવે છે ને લજ્જાથી લાડથી હાથ પાછો લઈ લે છે. રેક્ષના આખા હાથે સાપે ભરડો લીધો છે. નાનાં છોકરાઓ-છોકરીઓ અહોભાવથી અને પ્રણયની ગુપ્ત ઇચ્છાથી તેને જોઈ રહે છે. સ્ટાઈલથી સિગારેટ હાથમાં લઈ પાતળાઘેર હોઠો વચ્ચે દબાવી કસ લે છે. બમ્બઈયા હિન્દી અને અંગ્રેજીમાં આખો દિવસ બોલબોલ કર્યા કરે છે. રાત્રે તેની સ્પેશિયલ રૂમના ટબમાં નહાય છે, વેસ્ટર્ન મ્યુઝિક સાંભળે છે. હીંગોળગઢના એ જંગલમાં તો તે અમારો રેક્ષ હેરીસન હતો. કાઉબૉયના સ્વાંગમાં, અમારો રફટફ હીરો.

બપોરનો તડકો, જમ્યા પછીની ઊંઘ, ઊંઘમાં હરફર કરી અવરજવર કરતાં અવાજો, પવનથી ખખડતી બારીઓ, મહેલની બારી ઝરૂખા ઓરડાના પડછાયા અને બપોરની શાંતિમાં મૌન જંગલ પર પથરાયેલ તડકો. નમતા પહોરે હું બહાર નીકળું છું. જંગલમાં આમતેમ ફરી સાંજ પડી છે. કેસરી સૂર્ય ઓલી ટેકરીઓની ધાર પાછળ ડૂબે છે. જંગલ આખું પંખીઓના મધપૂડા જેવું ગુંજે છે. ધીમે ધીમે એ ક્લાંત અવાજો શાંત થાય છે. પીંછાની જેમ ફરકી જતા દશરથિયાની સુંવાળી પાંખોનો અવાજ લસરકો કરી પસાર થઈ જાય છે. માયાવી અંધકારમાં કશું કળાતું નથી. એ રહસ્યમયતામાં બે-ચાર દશરથિયા અતૃપ્ત આત્મા જેવા ચક ચક ચરર્ અવાજ કરતાં રઝળતાં ફરે છે, ભયાનકતાનો પુટ ચડાવે છે. ડુંગર પરના મહેલમાં રાત્રે તારા નક્ષત્રો જડિત આકાશ જોતાં જોતાં નજર જાય છે મોટા ગોળ કેસરી ચન્દ્ર પર. મોડી રાતે શરદ ચાંદનીની ઠંડક પવનમાં ભળે છે. મહેલની બારીમાંથી દેખાય છે. પથરાયેલું વન, પથરાયેલી ચાંદની અને પથરાયેલું મારું મન. બપૈયાનો આર્ત સ્વર પિ…પિયુ પિ…પિયુ સંભળાય છે. બપૈયો ફરી મૌન થાય છે. તેના મૌનમાં વનની મારા મનની સ્તબ્ધતા સંભળાય છે. ફરી બપૈયો તેના આર્જવભર્યો ટહુકાઓ રેલાવે છે, હૃદયમાં અકથ્ય વેદના થયા છે. એ આર્જવભર્યો સ્વરમાં કોઈ માગણી નથી. આ દુનિયાના દુઃખ નથી. અસહાયતા નથી. છે માત્ર વિહવળતા અને પૂર્વજન્મોની કોઈ અસ્ફુટ કરુણ સ્મૃતિ. આ લોહીમાં ઠરેલો, અસ્થિના પોલાણમાં બેસેલો અનુભવ છે.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.