૨૧ – આકાશ – અવકાશ – ચિદાકાશ

ફરી એકવાર ખુલ્લામાં રહેવાની તક મળી છે. બારી ખોલું છું ને બારી જાણે અવકાશમાં ખૂલે છે. બારીમાંથી દૂર સુદૂર સૌરાષ્ટ્રની ઓળખ સમી નાની નાની ટેકરીઓની ધાર દેખાય છે. દૂરની સોસાયટી અને મારી વચ્ચે છે અવકાશ. તેમાં છે કોઈ સોસાયટીએ ખરીદેલી જમીનની સીમા બાંધતી તૂટેલી ફેન્સિંગ, અહીં એક કાળે ખેતર હતું તેના પગલા જેવી લુખ્ખી થોરની વાડ, કાચો રસ્તો અને વચ્ચે અ-વ-કા-શ. દૂર એ કાચા રસ્તા પરથી કોઈ વાહન પસાર થાય છે. તેની ગતિ આટલા અંતરે થોડી ધીમી લાગે છે અને અવાજ તો અહીં સુધી આવતો જ નથી. કોઈ મૂંગી ફિલ્મ જોતો હોઉં તેવું લાગે છે.

આ અવકાશથી જ મારા આત્માનું લાલન પાલન થયું છે. ચાર વરસ પોરબંદર દરિયા કિનારે અને દસ વરસ રાજકોટ યુનિવર્સિટીની ચોતરફના ખુલ્લા અવકાશે મનને ભર્યું છે. ખુલ્લામાં આખા આકાશનો ચંદરવો તણાયેલો હોય તેની નીચે મારી રાતો વીતી છે. ક્ષિતિજને જોયા કરી છે – ક્ષિતિજને પામવા દોડ્યો નથી. ક્ષિતિજ અને મારી વચ્ચે જે અવકાશ છે તેના થકી જ ક્ષિતિજ મને વહાલી લાગી છે. નોકરી અર્થે અમદાવાદ રહેવા જવાનું થયેલું ત્યારે સહુથી પહેલાં જે ખોટ સાલી હતી તે આ અવકાશની. બેશક લુખ્ખાસુક્કા સૌરાષ્ટ્ર કરતાં ત્યાં વ્રુક્ષો વધારે હતાં, ચારેતરફ લીલું, લીલું હતું પણ પેલો અવકાશ ત્યાં ન હતો. આ જ કારણસર રમણીય પર્વતો પરના સુંદર હીલરીઝોર્ટ-ગિરિમથકો દાર્જીલીંગ, કોડાઈકેનાલ, સીમલા, ઊટી, પંચમઢી મેં જોયાં છે. ત્યાંનું અનુપમ સૌંદર્ય માણવા છતાં અંદરથી એવું લાગે કે મને કોઈએ આ પહાડોની વચ્ચે પૂરી દીધો છે. ખુલ્લી લીલી ખીણો; ઢોળાવ પરના ગાઢ વનો, ઉત્તુંગ શિખરો, ઝરણાંના રૂપેરી રંગો વચ્ચે પણ મનને મૂંઝારા જેવું લાગે છે અને હું એ અવકાશને ઝાંખું છું. જેનાથી મારા આત્માનું લાલનપાલન થયું છે.

લાઓત્સેએ તો કહ્યું કે ઘરનું મહત્વ તેની ચાર દીવાલોમાં નથી પણ તેની વચ્ચેના અવકાશમાં છે. ઘડાનું મહત્વ તેની માટીમાં નથી પણ તેમાંના અવકાશમાં છે અને આમ દીવાલો થકી, ઘડા થકી આપણે અવકાશના મહત્વને પ્રમાણીએ છીએ. કેટલાંક સ્થાપત્યો જાણે વસ્તુમાંથી, વસ્તુથી નથી બન્યાં હોતાં, અવકાશથી બન્યાં હોય છે. કહો કે એ અવકાશ એ જ તેની વસ્તુ. આપણે આપણાં પંચતત્વોમાં આ અવકાશને માનભેર સ્થાન આપ્યું જ છે ને ! પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને અવકાશમાં. અવકાશનું નામ છેલ્લે એટલે બોલાતું હશે કે જેથી તત્વોની સૂક્ષ્મતાનો ક્રમ સૂચવી શકાય ? કે પછી આ સઘળાં તત્વોના આદિ રૂપે તેણે પાછળ મૂળમાં રાખ્યું હશે કે આ સઘળાં તત્વો અંતે જેમાં લય પામે છે તેના સૂચન રૂપે તેને છેલ્લે રાખ્યું હશે ?

આ યુગમાં કે જેમાં દરજીએ કપડું વેતરી લીધા પછી વધેલા આડા ત્રાંસા ટુકડા જેવું આકાશ આપણા ભાગે વધ્યું છે. તે યુગને નામ મોટું આપ્યું Space – Age. એપોલો, વોયેજર કે ગેલેલિયો યાન ભલે અવકાશની અનંતયાત્રાએ નીકળી નવા નવા તાગ મેળવ્યા કરે. અહીં તો આ પૃથ્વી પર આ અવકાશ જ ટૂંપાતો જાય છે.

સુંદરમની એક સરસ પંક્તિ યાદ આવે છે –

“ના, ના એ ઝાંઝવા સંઘુ, દૂર એ ભર્ગધામ છે
અહીં તો ધાતુને માટી કેરાં પૃથક્તાના મુકામ છે.”

અવકાશ આપણે બહાર તો જોયો હતો પણ તેનું જ પ્રતિરૂપ આપણામાં ન હોય તે કેવી રીતે બને ? એ અનંત અવકાશને સમાવવા ચિત્તમાં આપણે આકાશની કલ્પના કરી. ચિદાકાશ ચિદંબર રૂપે. જાણે અવકાશ ને ચિદ્દઆકાશ એકબીજા સામે મોઢામોઢ ઊભા રહ્યાં.

અર્થથી સંપૃક્ત વાક્ – વાચા રૂપે વાગર્થ આ ભાષા આપણે રચી પણ અર્થને ચપોચપ ચસકી ન શકે તેવો ન રાખ્યો. ભાષામાંય જાણે આપણે મોકળાશ Space અવકાશ રાખ્યો. આ અવકાશથી જ ભાષા પાંખી બનવાને બદલે વધુ લવચીક અર્થક્ષમ બની. અભિધા, લક્ષણા, વ્યંજના અને વૈખરી મધ્યમાં પશ્યંતિ અને પરાનો વ્યાપાર આ અવકાશથી જ શક્ય બન્યો. જે કવિ બે શબ્દો વચ્ચે બે પંક્તિ વચ્ચે આવો અવકાશ વધુ રચી આપે તે કૃતિ વારંવાર મને બોલાવે છે. ચિત્રકારોમાં વરમીરના ચિત્રમાં સુઘડ શાંત સ્વચ્છ ઘરમાં બારીના કાચમાંથી આવતા પ્રકાશમાં આલોકિત થતાં ખંડનો હૂંફાળો ધરેલુ અવકાશ મને ગમે છે. ખુલ્લા તડકામાં વ્રુક્ષો, ખડકો, દૂર પહાડો અને નહાતી સ્ત્રીઓના ઘનીભૂત આકારોની સાથે જ પૉલ સેઝાં તેનાં ચિત્રોમાં જે અવકાશ દોરે છે તે અવકાશ મને એટલો બધો ગમે છે કે હું ઘણીવાર થોડાં સમય માટે તેમાં રહેવા ચાલ્યો જાઉ છું. ઇટાલિયન ચિત્રકાર-શિલ્પી જ્યાં કોમેત્તી એક Table Space જે Cosmic Space ઊભી કરે છે જે અફાટ અવકાશ ઊભો કરે છે તે જોતાં હું બધાની વચ્ચે હોવા છતાં disturb થઈ જાઉં છું અને તેના લાંબા લાંબા પાતળા Fingure સાથે અવકાશમાં મૌન ડાફો ભરતો હું ય અનંતમાં દૂર દૂરનાં નક્ષત્રો તારાઓ નિહારિકાઓ વચ્ચે ચાલ્યા કરું છું. જ્યાં કોમેત્તીએ તેના ફીગરોને elongated લાંબા સળિયા જેવા દૂબળા બનાવી જે એંગલે તેમને પગલાં ભરાવ્યા છે અને તેમાંથી એક અફાટ અવકશ ઊભો કર્યો છે તેને મારી સો સો સલામ.

થોડા વરસો પહેલાં દક્ષિણભારતમાં ચિદંબરમનું મંદિર જોવા ગયા હતા. ત્યાંના ચાર ગોપુરમમાં ભરતનાટ્યશાસ્ત્રની ભરતનાટ્યમના વિવિધ કરણો કંડારેલા છે. તેની મજા તો હતી જ પણ તે મંદિર ઓળખાય છે, આપણા ભોળિયા શિવ મહાદેવ નટોના રાજ નટરાજ મંદિર તરીકે. આપણે એક લયાત્મક અંગભંગીમાં નર્ત્તતી ગતિશીલ મૂર્તિ જે જોઈએ છીએ તે નટરાજની મૂળ મૂર્તિ આ ચિદંબરમ્ મંદિરની. ત્યાં જોવા ગયા ત્યારે તે મૂર્તિ અમે ગૂઢ-મંડપમાં જોઈ. સામાન્ય રીતે મુખ્ય દેવની મૂર્તિ ગર્ભમંડપ કે ગર્ભગૃહમાં હોય છે. અમે ત્યાં પૂછ્યું તો જે જાણવા મળ્યું તેનાથી આદરપૂર્વક અહાહા કહેવાઈ ગયું. ચિદંબરમના મંદિરમાં ગર્ભગૃહમાં સ્થાપના કરેલી છે આકાશલિંગમની ! આકાશ-અવકાશરૂપી લિંગની. બહાર જે નટરાજ છે તે આ જ આકાશલિંગમનો આવિર્ભાવ. મૂળ દેવ તો આકાશલિંગમ – Space –અવકાશ. ચિદંબરમ્ મંદિરના ગર્ભાગારમાં ખરેખર કશું જ નથી માત્ર અવકાશ જ છે. મને તો અવકાશરૂપી એબ્સ્ટ્રેકટ અને લિંગ રૂપી કોન્ક્રીટ બે વાતને ભેગી કરી અવકાશલિંગમની વિભાવના આપી તેનો રોમાંચ હજુ સુધી ગયો નથી.

આપણા બ્રહ્મબિન્દુ ઉપનિષદે જીવાત્મા પરમાત્માની વાત આ અવકાશથી સમજાવી :

“घटसंभृतमाकाशं लीयमाने घटे यथा
घटो लियेत नाकाशं तंज्जीवो घटोपम: !!”

“જયારે ઘડાનો નાશ થાય છે ત્યારે ઘડામાં રહેલું અવકાશ નાશ પામતું નથી પણ બહારના મહાકાશ સાથે ભળી જાય છે. તેમ આ શરીરનો નાશ થયે તેમાં રહેલો જીવાત્મા પરમ આત્મા સાથે ભળી જાય છે.”

આ બધું ડહાપણ ડહોળું છું ત્યાં સામે દૂર દેખાતી ટેકરીઓ વચ્ચેનો અવકાશ મને ઇજન આપે છે. રવીન્દ્રનાથનું એક નિરીક્ષણ યાદ આવે છે. પદ્દ્માના તીરે કાશના ગુચ્છા, ધાનના ખેતરો, ભાંગતી ભાઠાની જમીન, વિસ્તીર્ણ પટ, ઉન્મુક્ત અબાધ આકાશની સંગે હોડીમાં યાત્રા કરતાં કરતાં રવીન્દ્રનાથે તેમની યુવાનીમાં જે અવકાશને જોયો છે, તે જ ઉત્તરવયે એક સમજ બની તેમના સાહિત્યમાં આવ્યો છે. ત્યારે ઉન્મુક્ત અવકાશને જોઈને રવીન્દ્રનાથે લખ્યું હતું :
“આ સંસારમાં ઘણા બધા પૅરેડૉક્સ છે. તેમાં આ પણ એક છે કે જ્યાં બૃહત દ્રશ્ય, અસીમ આકાશ, નિબીડ મેઘ, ગંભીર ભાવ એટલે કે જ્યાં અનંતનો અવિર્ભાવ છે ત્યાં તેને અનુકૂળ સંગી હોય તો માત્ર એકાકી માનવી – અનેક માનવીઓનું ટોળું તો ભારે ક્ષુદ્ર અને અતિ સામાન્ય હોય છે. અસીમતા અને એક માનવી, બન્ને એકબીજાની સમકક્ષ છે; પોતપોતાના સિંહાસને એકબીજાની મુખોમુખ બેસવાને યોગ્ય, પણ જો થોડાં વધારે માણસોને એકઠાં કર્યા હોય તો તેઓ એકબીજા સાથે ખેંચાખેંચી તર્ક-વિતર્ક કરી એકબીજાને ઉતારી પાડે છે; એક માનવી જયારે પોતાનાં સમસ્ત અંતરાત્માને વિસ્તૃત કરવા ઇચ્છે ત્યારે આટલો વિશાળ અવકાશ તેને માટે જરૂરી બને.”

ઇલેકટ્રોન પ્રોટોન વચ્ચે, પરમાણુમાં, ગ્રહો નક્ષત્રો વચ્ચે, બે સૂર વચ્ચે, બે શબ્દ વચ્ચે, બે માણસ વચ્ચે જે અવકાશ છે તે અવકાશને મારા પ્રણામ.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.