૩૩ – એક શેરી જીવે છે મારામાં

જે શેરીમાં અઢાર વરસ સુધી શ્વાસ લીધા છે ત્યાં ફરી જવાનું મન નથી થતું. કિશોરાવસ્થાથી માંડી ભરયૌવનના દિવસોની એ સાક્ષી છે. મારે મારા ભૂતકાળ સાથે કોઈ સંબંધ નથી તેમ નહીં પણ વિગત એ કાળખંડને એ શેરીને યથાતથ વિગતો સાથે મારા સ્મૃતિકોષમાં મેં જતનથી જાળવી રાખી છે. અત્યારે એ જ શેરીમાં હજીય રહેતાં મગનભાઈ, પાર્વતીબેન, જેતુનબેન, મહમદહુસૈન કરતાં વધારે હું એ શેરીમાં રહું છું.

અત્યારે જયારે ફરી એ જ શહેરમાં આવ્યો છું ત્યારે એ શેરીમાં ક્યારેક જઉં છું. ત્યારે ક્ષણ ક્ષણ ફરી અઢાર વરસો કાઢ્યા તે શેરીમાંથી સ્કૂટર પર સડસડાટ પસાર થઈ જઉં છું. પિકચરમાં જેમ એક દ્રશ્યમાં નાયક બાળક હોય અને બીજા દ્રશ્યમાં પાંચ હાથ પૂરો જુવાન થઈ જાય તેવું જ કાંઈક બનતું. કેટલાય લબરમૂછિયા જુવાનોને આધેડ ઉંમરના થઈ ખોંખોં કરતાં ખાંસતા જોયા છે. આ શેરીને છોડીને જાણે મેં તો દ્રોહ કર્યો હોય ને મારી શેરી હવે પરાઈ થઈ ગઈ હોય તેવું લાગ્યું. અને આમેય કોઈકે કહ્યું છે ને કે તમારી શૈશવભૂમિમાં તમારું કાળજું કઠણ હોય તો જ જજો. મન તો ભીખારી થઈ માગ્યા કરશે “પેલો કૂવો લાવો પેલી ડેલી ક્યાં ? ઓલા ઓટલે બેસતી ડોશી ક્યાં ?” કોણ તે બધું પાછું આપી શકે ? જોકે અહીં તો બધું એમનું એમ જ છે. એ જ શેરી એ જ લીમડો, એ જ ઘર, એ જ લોકો. એક હું જ હવે આગંતુક છું.

ધોબી શેરીના ખૂણે વૈદ્યજીએ તેમના હવેલી જેવા ઘરના ઉપરના બે ઓરડા અમને ભાડે આપ્યા છે. ઘર એટલે ખરેખર બંગાળી નવલકથામાં આવતા જમીનદાર જેવું. મહી-મહેમાન સંયુક્ત કુટુંબ, ઘુમટો તાણેલી વહુઆરુઓ, અલ્સેસિયન કુતરાઓ, અગાસીએ બેઠેલા સફેદ કબૂતરો, નીચે ગમાણમાં ગાયો, શેરી આખીને એકાંતરે વહેંચાતી વલોણાની છાશ, સતત ચાલતી મહેમાનોની આવજા, ઘરમાં ઉછરતાં સગાંવહાલાંના છોકરાં અને સેવકો પણ કેટલી જાતનાં ! ગાયની સેવામાં જ ચાર જણ. ઘાસ લઈને આવે ઘોડાગાડીવાળા ચાચા, ગાયો દોહનારા જુદા, વાસીદુ વાળી છાપરે છાણા થાપનારા માજી જુદા, છાશ વલોવવા, ઘાસ નીરવા અને સવારે ઓગઠ ગાડામાં ભરી જનારા ય જુદા, દવાખાનાના કમ્પાઉન્ડરો, ઘોડા ગાડીવાળા અને બીજા નોકરો તો જુદા, આવા જાહોજલાલીવાળા મોટા મોટા રવેશ અને ઊંચી છતવાળા મોટા ઓરડાવાળા ઘરમાં ભાડે રહ્યો છું. રહ્યો છું ભાડે એક ઘરમાં પણ શેરી આખીની માલીકી ભોગવી છે.

એ રવેશમાંથી પંચનાથ પ્લોટ, રસ્તો, ગરનાળા પરનો પુલ બધું જોયાં કર્યું છે. ઊંચા રવેશમાંથી જોવા છતાં તટસ્થતાનો કોઈ ભાવ ન હતો. હું જ વહેતો હતો તે વહેતી શેરીમાંથી. કેટકેટલું મારા ચિત્તનો જ એકભાગ થઈ ગયું છે. પીપળાના પાન પાછળ ટમટમતા નક્ષત્રો, વહેલી સવારે જોયેલો કોહૂતેક ધૂમકેતૂ, એ વીનું, ફારૂક અને પાર્વતીબેન. વહેલી સવારે જટાશંકર રાવળ તેમની પેટની હરસની તકલીફને લીધે હાથમાં લોટો લઈ મંત્ર ગણગણતા આમથી તેમ ચાલ્યા કરે છે. બાજુના ગામડાથી ખાતરના ગાડાવાળો અમારી ગમાણનો ઓગઠ લેવા અને ઉકરડાનો કચરો લેવા વહેલી સવારે આવ્યો છે. દૂહો લલકારતો પાવડાથી કચરો ઢસરડે છે. કચરો ઢસડવનો એક ધાત્વિક અવાજ સવારની શાંતિમાં ઉઝરડા પડે છે. હળવી હલકે ગાતા ગાડાવાળાની હલકે કિચુડાતું ગાડું દૂર ચાલ્યું જાય છે. રમજાનના મહિનામાં કાળી રાખોડી લુંગી અને ઝબ્બો પહેરેલો, ગળામાં પીળા મણકાની લાંબી માળા, હાથમાં લોબાનનો ધૂપ લઈ એક સૂરીલો ફકીર કુરાનની આયાત પઢતો પઢતો ચાલ્યો જાય છે. તેના સ્વરમાં માગણી નથી. નરી સુખદ વેદના અને આર્જવતા છે. પાછળ જુમા મસ્જીદમાંથી પહેલી બાંગનો અવાજ આવે છે અને મારી સામે જાણે અરબસ્તાનની અફાટતા ખડી થઈ જાય છે. મસ્જીદમાંથી ઊંચી ફૂટી નીકળેલી એક અટૂલી નારિયેળી પણ આ ગીચ વિસ્તારમાં સમુદ્ર, આકાશ અને ક્ષિતિજનો ખ્યાલ જગાવી જાય છે.

દિવસ આખો દારિદ્ર, પીડા, લાચારી અને દુઃખથી દુણાયેલો ચહેરો સવારે તાંબાના લોટથી જળધારાથી શેરીના પીપળાને પાણી પાતી વખતે દીવો કરી પૂજા નમસ્કાર કરતી વખતે અપ્રિતમ સુંદર બની જાય છે. ભીતરની સુંદરતા બંધ આંખોમાં ડોકાય છે. આવા અનેક આધેડ, વૃદ્ધ ચહેરાઓ રવેશમાં નીચે બેસીને છનાછાના ચૂપચાપ મન ભરીને જોયા છે. સામે નાનકડા દેશી નળિયાવાળા બેઠાઘાટના મકાનમાં બેચાર ક્રિશ્ચયન પુરુષો રહે છે. નાની મોટી હૉટલોમાં નોકરી કરતાં. પાતળિયો દક્ષિણી જુવાન તો કોઈ આધેડ – બધાં કુંવારા. એમાં જ છે દમનો દર્દી માર્ટીન. સામે છે ઘાસ ગદબ વેચવાવાળા કાળા સીસમ જેવા ચહેરા પર સાફાથી શોભતા હંસરાજનો વાડો. સવારે સવારે જાંબલી ફુલોના ઝુમખાવાળા રજકાના ભારા. ઘાસના લીલાંછમ પૂળાઓ ઠલવાય છે. બપોરે નરમ, માંદો, ઢીલો, કરમાયેલો રજકો એક આછો કરુણભાવ જગાવે છે. સાંજ સુધીમાં તો ઘાસ રજકાના ભારા પૂળાઓ વેચાઈ જાય છે. વાડો સાવ ખાલી થઈ જાય છે. આ ઘાસના વાડામાં જ સામે રહેતા દમિયલ માર્ટીને એક અરડૂસીનો છોડ ઉછેર્યો છે. સવારે પાણી પાઈ તેના પાન તોડી લસોટીને પીવે છે. હું તેને જોઉં છે કે મળું છે ત્યારે ‘હેલો માર્ટીન’ કહી હાથ ઊંચો કરું છું. પણ આછું હસી તેનો અશક્ત હાથ ઊંચો કરે છે.

પાછળ બુંદેલખંડી ધોબીઓની ધોબીશેરીમાં ઘરે ઘરે કપડાના પોટલાં, ઢગલાં પડ્યા છે. રેડિયો ચાલું છે તેના ગીતોની કંપનીએ કપડાની એક એક કરચલી સળ બેસતી જાય છે ગરમ ગરમ ઇસ્ત્રી ફરતી જાય છે. દિવસે તો આખીશેરી કોઈવાર કપડાના તોરણથી લચકતી પડી છે. પેન્ટ-લેંઘાના પાયચા કેળના પાનની જેમ ફડફડે છે. હોળી આવતાં જ બગલાની પાંખ જેવા સફેદ ઝબ્બો લેંઘો પહેરી આ બુંદેલખંડી પુરુષો હોળી રમવા નીકળી પડે છે. રમવાનું એટલે કીલ, પચરંગી રંગથી નહીં. રમવાનું એટલે માત્ર ગુલાલથી. સફેદ કપડાં અને તાંબા જેવા ચેહરા પર ગુલાલ છંટાય છે. દિવાળીમાં વાઘબારસથી બેસતા વરસ સુધી બારીએ, ઓટલે, ગોખે દીવાઓથી આખી શેરી ઝાકઝમાળ થઈ જાય છે.

બપોરે શાંતિમાં સ્કૂલેથી દફતરની મારામારી કરતા દોડતા આવતા છોકરાઓનો અવાજ સંભળાય છે. તે પછી સંભળાય છે છેલ્લા વાસણ ઉટકવાનો કિચૂડાટ અને પછી આખી બપોર ક્યાંક વાગતા જયભારતી, વિવિધ ભારતીના ફિલ્મી ગીતો આવ્યા કરે છે. આખી બપોર હવે તંદ્રામાં સંભળાતા આછા આછા કાગળના ફેરિયાના અવાજોને હવાલે. બુરખો પહેરેલી સ્ત્રીઓની ભરત ભરેલી પહોળી ઈજારનો રેશમી ફફડાટ, કાછિયાનો ઊંચા સપ્તકે જઈ સ્વરના ઠહેરાવ પર સ્થિર થઈ ધીરે ધીરે ઢાળ ઉતરતો આવાજ, તેલધૂપેલ વેચવાવાળા – સાઈકલ ફેરિયાની બુમ સાથે કેરિયરમાં બાંધેલી પેટીમાં ખખડતા શીશો, બંગડી, ચૂડી, વેચતા ફેરિયો, બુટચંપલ છત્રી સંધાવવાવાળાનો, મદારીની ડૂગડૂગીનો, સરાણિયા, પીંજરાની ત્રાકનો અવાજ સંભળાય છે. એકાદ બે રખડું છોકરા ચોરને કાંધ મારે તેવા તડકામાં રખડી રહ્યા છે. બપોરના આછા નીલ આકાશમાં એક અલસ સમળી સેલારા માર્યા કરે છે. કુકડા, બકરાં ચર્યા કરે છે.

નમતા પહોરે શેરીઓમાં છપરાં છજાં નળિયાં રવેશ ઝરૂખાના પડછાયાઓ પથરાય છે. શેરી ઊભરાવા લાગે છે માણસોથી. કુકડીની પાછળ પડેલા છોકરાઓથી કુકડી દોડતી ઊડતી પાંખો વીંઝાતી કૂક કૂક કૂક કરી આંતકિત અવાજ કરતી ભાગ્યા કરે છે. બારણાં ખુલતાં છોકરાઓ શેરીઓમાં આવી ગયા છે. લસણના વઘારમાં ચડતા શાક અને શેકાતી રોટલીની વાસની ભીડ થાય છે. સગડી ચૂલાના ધૂમાડાથી ધુંધળી સાંજે શેરી ઓર ધુંધળી થઈ જાય છે. ડેલીઓ બંધ થાય છે ખૂલે છે. સાંધ્ય આરતીમાં બહુચર અંબા ખોડિયાર ઊતરી આવે છે કોઈ ખોરડાના ખૂણામાં. પાછળની પથ્થર જડી શેરીમાં ડેલી ખૂલે છે. જાડા આયેશાબેન કે ફાતિમા ડોકાબારી જેવી ડેલીમાંથી માથું બહાર કાઢી ‘ચલો છોકરે સીની લેને કુ’ ની બુમ પાડી પ્રસાદી માટે હલકારો દે છે. દડબડ દોડતા છોકરા ગળ્યા કાજુ, કેળા કે સફરજનના કટકાનો પ્રસાદ લે છે.

રાત્રે વાંકડિયા જીંથરકાવાળના જાળાને રઈમા ગાંડી ખજવાળતી ખજવાળતી સ્વગત બબડતી આંટા માર્યા કરે છે. જેંતીભાઈ શાકની થેલી લઈ સાયકલ અંદર ડેલીમાં મૂકે છે. સામે જાળિયામાંથી મુંગાબેનનો અસ્પષ્ટ વલવલાટ સંભળાય છે. પવનનું મોજું આવતાં આખો પીપળો હજાર હજાર પાને ખળળ ખખડી પડે છે એ અવાજ ક્યારેક દરિયાના અવાજની ભ્રાંતિકરાવે છે. ચોકી કરતાં કુતરાં થાકીને ઓટલે સુઈ જાય છે. સ્ટ્રિટ લાઇટના ઝાંખા અજવાળે પથ્થરજડી શેરી પર ખખડતા પરચૂરણનો અવાજ સંભળાય છે. બિભત્સ વાતો અને ઉઘાડા નિર્લજ્જ હાસ્યના અવાજો સંભળાય છે. બીડીના ટોપકાં બુઝાવી, બે – પાંચ રૂપિયા જીતી હારી સહુ છૂટા પડે છે. દિવસ આખો ઘમરોળાયેલ થાકના પોટલા જેવું શરીર પીડા હરતી રાત્રિના અંધકારજળમાં ઝબકોળાઈ શાતા પામે છે. શેરીના સ્કેચમાં દીવાલો, છાપરાઓ, થાંભલાઓની સીધી રેખોઓમાં ઢળેલા છાપરા, નળિયા નમેલા વીજળીના તારની વળાંકદાર લય રેખાઓ ખેંચાઈ છે. નીચે ગમાણમાં નવી વિયાયેલી ગાયના ભાંભરડા સંભળાય છે. ‘દુલ્લા…’ કરી અડધી રાતે પીરનો પંજો લઈ દોડતી ટોળીનો અવાજ ઊંઘમાં ઝીલાય છે. વરસોથી પરમાર કોર્નરના આલીશાન મકાનનો પાછલો ભાગ અવાવરુ પડ્યો છે. પાછળના રૂમો બંધ છે. બે બાજુ ખુલ્લા લાકડાની થાંભલીઓવાળા રવેશમાં નળિયા પરથી ધૂળ ખરે છે, પવનથી ધૂળ આવે છે અને પવન જ તેને વાળી જાય છે. વરસોથી એકાંતનું તે રહેઠાણ છે. મારા મનનો ય એકખૂણો ત્યાં પડ્યો છે.

આ છેલ્લા પંદરેક વરસોમાં રાજકોટમાં કેટલાંય બંગલાઓ તૂટી ખાલી જમીન ચણાઈ ગઈ. ત્યાં ફલેટો, ડિપાર્ટમેન્ટલ સ્ટોરો અને કૉર્મસિયલ કૉન્પ્લેક્સો થયાં છે. પણ ત્રીજા વિશ્વના નાગરિક જેવી મારી શેરી ત્યાંની ત્યાં જ છે. અચલાયતન. હા, બે પાંદડે કોઈસુખી માણસોએ ચૂનો પોપડા ખરતી ભીંતને પ્લાસ્ટર કારવ્યું છે. નળિયાં ચળાવ્યાં છે કે ટી.વી.ના એન્ટેના નખાવ્યા છે. ક્યારેક હું પસાર થતો હતો જે શેરીમાંથી આજે એ શેરી મારામાંથી માત્ર પસાર જ નથી થઈ જતી એ તો મારામાં રહેવા આવી છે. આવ.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.