૨૯ – મારું ગામ થોડું વરણાગિયું થઈ ગયું છે

ફરી રાજકોટમાં, દસેક વરસ બહાર અમદાવાદ ફરી આવ્યા પછી ફરી રાજકોટમાં. આ બહાર રહેવાના અનુભવે ઘર અને બહારની વ્યાખ્યા બદલી નાખી. અમદાવાદમાં બહારના તરીકે આવ્યો હતો. ગયો ત્યારે અંદરનો તો કદાચ નહીં બની શક્યો હોઉં પણ બહારનો તો નહોતો રહ્યો જ. રાજકોટ આવીને જોઉં છું તો હવે હું એટલો ઘરનો રહ્યો નથી. ગતિમાન સંસારમાં આ જ સહુની ગતિ ? અમે ગયા ત્યારે બધું શું ત્યાં ને ત્યાં છોડીને ગયા હતા ? સંભાળીને સાથે ન હતા લઈ ગયા ? સંભાળીને જે સાચવી રાખ્યું છે તે અકબંધ જ રાખજો તેનો તાળો હવે ન મેળવશો.

પહેલાં તો અમદાવાદથી રાજકોટ જતી વખતે બસ બગોદરા છોડી ભાલના ઉપર સપાટ મેદાનમાં દોડતી ત્યારે માઈલસ્ટોન પર લીંમડી વાંચતા જ હાશકારો થતો, ધરપત થતી. કશુંક પોતીકું લાગતું. લુખી રૂખી ધરતી જાણે વળગતી. અમદાવાદમાં અલપ-ઝલપ સાંભળવા મળતી કાઠિયાવાડી બસના મુસાફરોને મોઢે સંભાળતી અને સાંભળ્યા જ કરવાનું મન થતું. એકવાર અમદાવાદથી કાળા કામળા પછેડી પહેરેલી, છૂંદણાં છૂંદેલાં હાથમાં ધોળાં બલોયા પહેરેલી ચાર-પાંચ ભરવાડણો બચ્ચાંવ બચકાં લઈ ચડેલી. થેલી થેલકાં પોટલાં પરથી લાગ્યું કેં અમદાવાદ હટાણું કરવા આવ્યા હશે. તેમની પાછળની સીટ પર જ હું ગોઠવાયેલો. આ પાંચ ભરવાડણોનું ગ્રુપ બે સીટો માં વહેચાયેલું. તેથી છૂંદણાંદાર સારસી જેવી ડોક ફેરવી વળી ઝૂકીને વાતો કર્યા કરે… વાતો કરે એટલે માત્ર હોઠથી નહીં આખાય શરીરથી. માથું ધુણાવે, હોંકારો ભણે, ગુપચુપ વાતો વખતે પાંચેય માથાં એક-મેકને અડકે તેટલાં નજીક આવે. તાળીઓ દે તાળીઓ લે, હાસ્ય – ખુલ્લા હાસ્યની છોળો ઉડાડે, હાથથી કાળું મલીર સંકોર્યા કરે, ગોઠણે હડપચી ટેકવે… હું તે એમના આંગિકમને જોઉં કે વાચિકમને સાંભળું ? મારા મનમાં આ બંને જુદુ જુદુ પૃથક પૃથક પણ તેમનામાં તો બધું અવિનાભાવી રીતે સાથે સંકળાયેલું, રસાયેલું. વચ્ચે વચ્ચે સ્ટેશને બસ ઊભી રહે ત્યારે બારીમાંથી લીમટો લેમન મંગાવે, ટેસથી પીવે. ભાતાંના ડબરા ખોલી સુક્કા રોટલાંના બટકાં લસણની સુક્કી ચટણી સાથે બટકાવતી જાય અને વાતો કરતી જાય. અને એ બધી ભાષાને જે રીતે વાપરી જાણે ! હું તો છક થઈ ગયો આપણી ભાષા આટલી દૈવત, કૌવતવાળી બળુકી છે છતાં આટલી માર્દવ ભરેલી મીઠડી છે તે તો મેં તેમને સાંભળ્યા ત્યારે અનુભવ્યું. કહેણી કહેવત રૂઢીપ્રયોગ ઓઠાં ઉદાહરણ તો કાજુ કિસમીસની જેમ વેરે, અને બધું અનાયાસ ફટ ફટ મોઢે ચડે. વાત કરે નહીં, વાત માંડે વાત સમેટે વાત વિસ્તરે અને વાતનું બીડું એકબીજી એકબીજીને આપતી રહે. લાભશંકર ઠાકરે ક્યાંક લખેલું તે યાદ આવ્યું. ભાષાના સંદર્ભમાં તેમણે કશુંક એવા મતલબનું લખેલું કે માણસ દોરી અને લોટો લઈને આવ્યો હોય ને રહેતાં રહેતાં સાત માળની હવેલી બનાવે. જયારે તેઓ પાટડીથી અમદાવાદ આવ્યા ત્યારે તેમની પાસે તો જેસલમેરના સાલમસંગની હવેલી જેવી ભાષા ની નકશીદાર હવેલી હતી અને હવે તેમની પાસે માત્ર દોરીને લોટો જ રહ્યાં છે.

જેમણે ભાષા ઘડી તેની પાસે જ એ સચવાઈ. સ્વામી આનંદના ‘જૂની મુડી’ પુસ્તકમાં તે જણસને પુસ્તકને પાને જડાયેલી જોઈ. પણ નગદ નાણા રૂપે ચલણી બની હરતી ફરતી હોઠે ચડેલી તો જોઈ એ ભરવાડણો પાસેથી. આજેય એ ભરવાડણોને ભૂલ્યો નથી. હાશ હવે આ બધું અવારનવાર સાંભળવા તો મળશે.

હું વાત કરતો હતો પાછા રાજકોટ આવવાની. આવ્યા પછી લાગે છે કે વતન કહો કે માતૃભૂમિ કહો કે ઘર કહો, તે તો હોય છે મનમાં. મનમાં જ એનાં કોટ કાંગરા રેખાએ રેખા અકબંધ રહે છે. પણ આ મન તો લોભી. ફરી એ જગ્યાએ જાવ કે તરત જ માગે કે પેલું ભૂરી બારીવાળું ઘર ક્યાં ? પેલો લીમડો ક્યાં ? તે લાવો. પેલું આકડા બોરડીના ઝુંડવાળું મેદાન ક્યાં ? ખાખી ચડ્ડી ચડાવતો બાળ ગોઠિયો લઘર બઘર સુરિયો ક્યાં ? આ માગ માગ કરી ઉઘરાણી કરો છો પણ તમે પોતે જ ક્યાં તેના તે જ છો ? બધું જ બદલાય ગયું છે. બધું કદાચ તેનું તે જ હોય તો પણ બધું બદલાઈ ગયું છે. એક કવિતા છે ને ?

તેણે કહ્યું ફરી આવીશ
ફરી મળીશું
લોભી હું ગોઠવી રહ્યો તેને એ જ વેશે લેબાસમાં
તે આવ્યો એ જ લેબાસમાં
પણ તે જ નહીં
એ જ જૂના ઝાડ નીચે
પણ તે જ ઝાડ નહીં
કશું નથી આવતું કરીવાર
ફરીવાર નથી આવતી કોઈવાર
તો કોની આ પ્રતીક્ષા ?

બધું જ બદલાઈ છે બધું જ ગતિમાં Fluxમાં પ્રવાહમાન ધારામાં છે, આ અનિત્યતા તે જ નિત્ય ?

તમારા એ જૂના શહેરમાં ફરતાં ફરતાં તમે જે સ્કૂલમાં ભણતા તે સ્કૂલે જઈ ચડો છો. સાંજના સમયે લાંબી પરસાળોમાં પટાવાળો એક પછી એક ક્લાસ બંધ કરતો હોય તેવા સમયે તમે પોતે હીબકે ન ચડી જાવ તેનું તમે આશ્વાસન આપતાં ભારે હૈયે મજબુત હૈયે તમે ક્લાસમાં જાવ છો. બ્લેકબોર્ડ પર ટ્રિગોનોમેટ્રીની ચાપો અને ખૂણા દોરેલા છે. સામેની પાટલીઓ ખાલી છે. નાનકડા સ્ટેજ પર સાહેબનું ટેબલ અને ખુરશી. બે ચાર તુટેલા ચોક પડ્યા છે. દડતાં દડતાં ટેબલ પરથી પડી જતા ચોકનો તુટતી વખતનો બોદો અવાજ તમને સંભળાય છે. તમને થાય છે પેલા આધેડ ઉમરે પહોંચેલા એકવડિયા બાંધાના કડક શુક્લા સાહેબ ક્યાં ? બીજી ક્ષણે તમે તમને પૂછતા નથી. તમને ખબર છે કે તે ક્યાં ગયાં. તમે શોધો છો આગલી બેંચે બેસતો પેલો જાડો મણિયાર. ચશ્મીસ કક્કડ તમારી હારે રખડતો ટૂંકી ચડ્ડીવાળો અનંત. ક્યાં ગયાં બધાં ?

તમે પૂછતા નથી. તમને ખબર છે કે અનંત તો અમદાવાદમાં મળી ગયો હતો સારી કંપનીમાં એમ. આર. છે અને સારો ગાયક છે. કક્કડે સી. એ. કર્યા પછી ઘરની કન્સલ્ટન્સી કરી છે. વિરડીયા ડૉકટર થઈ ગયો છે. સારું પાડે છે. રસ્તામાં મળી જાય તો ચાલુ ગાડીએ જ ગાડીમાં બેઠાં બેઠાં વાત કરે, પછી ગાડી ફર્સ્ટમાંથી સીધી થર્ડમાં નાખી હંકારી મૂકે છે. તમે પાછું વળી જોતાં રહી જાવ છો. પેલો ભરત રાઠોડ ભણવાનું મૂકી કોઈ ફેક્ટરીમાં પગી છે અકબરઅલી ભારમલ બાપાની દુકાને. બધાં સુખી દુઃખી દૂબળા કે અદોદળા થઈ ગયા છે, સાવ લેવાઈ ગયા છે, જામી ગયા છે. તમને ખબર છે કોણ ક્યાં છે. છતાં તમે પૂછો છો એ બધાં ક્યાં ? સ્કૂલનું મેદાન જે તમને ઓલિમ્પિકનું મેદાન લાગતું તે ખાલી પ્લોટ જેવું નાનું લાગવા માંડે છે. તમને એમ થાય છે કે અહીંથી નીકળી જવું જોઈએ, ત્યાં જ સ્કૂલનો પટાવાળો નજીક આવીને પૂછે છે શું બાબો ઘરે નથી આવ્યો સાહેબ ? સ્કૂલ તો ક્યારનીય છૂટી ગઈ છે. તમારા હૈયામાં રહેલા શબ્દ હોઠે નથી આવતા, તમારે કહેવું છે ‘હા, બાબો ઘરે નથી આવ્યો !’

તમે રહેતાં તે પાર્વતીબેન, ફાતિમા, જેતુનબેન, જટાશંકર રાવળ, મગનગિરિ ગોંસાઈ, ગાય બકરી ને કૂકડા પીપળાવાળી શેરી તરફ તમારા પગ નથી ઊપાડતાં. આલિશાન નકશીદાર અડીખમ મકાનોને પાડીને પાદર કર્યા આછી નવાં મકાનોના ખોખાં કૉમ્પલેક્ષ ઊભા થયાં છે. ભૂમિતિ બદલાઈ ગઈ છે. શહેર તમારાં જ છોકરા જેવું થોડું વરણાગિયું થઈ ગયું છે. તમે તેના મૂળ સૂંઘવા પારેવડી ચોક, પરાબજાર, ગુંદાવાડી, રાજમહેલ રોડ, પ્રહલાદ પ્લોટ, સોનીબજાર, જાવ છો. તમને હાશકારો થાય છે કે હાશ આ એ જ શહેર છે. તમને અજાણ્યા બનાવી દેવાની પેરવી કોઈ કરી રહ્યું છે પણ તમે ફસાતા નથી. કારણકે તમને આ લોકો ભલે ન જાણાતા હોય પણ તેની ગલીએ ગલી અને લીમડાના એકે એક ઝાડ તમને જાણે છે. જેમ તમે તેને જાણો છો.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.