૨૦ – સુરેશ જોષી એટલે સુરેશભાઈ

‘કત અજાનેર જાનાઈલે તુમિ’ રવીન્દ્રનાથની એ પંક્તિનો પડઘો સતત જીવનમાં પણ પડતો રહે છે. કૃતકૃત્ય થઈ કૃતજ્ઞતાપૂર્વક ઈશ્વરનો આભાર માનવાનું મન થાય છે કે “કેટલા અજાણ્યાને તેં ઓળખાવ્યા, કેટલાંય ઘર હૃદયમાં તેં સ્થાન આપ્યું” આ પંક્તિઓના સંદર્ભમાં જ સુરેશ જોષીની વાત કરવી છે. કેટકેટલી પરિસ્થિતિઓ, સ્થળકાળનું આયોજન એવા એક બિન્દુએ તમને મૂકી આપે છે કે ત્યાંથી એક અ-પૂર્વ નવી જ કેડી ફૂટતો હોય. એ બધાં આકસ્મિક ને નિયતિકૃત આયોજનની એ ક્ષણ ચુકાય તો ફરી કશું હાથમાં આવતું નથી. આવી જ કોઈ ક્ષણે સુરેશ જોષી સાથે પરિચય થયો. મારી જીવન કુંડળીને અસર કરતાં ઘણા ગ્રહોમાં એક ગ્રહનું આગમન થયું.

સુરેશભાઈનું નામ ક્યારે સાંભળ્યું ? કશું યાદ નથી. હા પ્રથમ ક્યારે જોયાં તે છાપ એવી જ તાજી છે. યુનિવર્સિટીમાં વિજ્ઞાનનો વિદ્યાર્થી તો નામનો જ. અડધો કારોબાર બેઠક ઉઠક ગુજરાતી ભવનમાં ચાલે. સાંભળ્યું હતું કે વડોદરાથી સુરેશ જોષી આધ્યાપકોના ઓપવર્ગ માટે લેક્ચર આપવા આવવાના છે. એ લેક્ચરમાં હું ઘૂસી ગયેલો. એ લેક્ચર સાંભળી ને હું તો અભિભૂત. તર્કપૂત આક્રોશ, સમજ, ભાષા, અવાજ, સંદર્ભગૂંથણી બધું લાજવાબ. એ લેક્ચરની આવી પહેલી છાપ –વિગતની કોઈ ઝીણી ઝીણી સ્મૃતિ નથી. હા સ્મૃતિ છે તેમના રાત્રિ જાહેર વ્યાખ્યાનની. શિયાળાની ઠંડીમાં રેઈસકોર્સ પર ગુલાબચંદશેઠ લાઈબ્રેરીમાં રાત્રે જાહેર વ્યાખ્યાન રાખ્યું હતું. રાત્રેય ઘણાં લોકો આવેલા. લાઈબ્રેરીના મધ્યસ્થ સભાખંડમાં ખંડમાં કોઈ સ્ટેઇજ તો હતું નહીં. એકાદી ખુરશી પર જ તેઓ ઊભા રહ્યા. લાંબા ઓવરકોટમાં વિશાળ કપાળ, ઊપસેલી ગંભીર વિદગ્ધ આંખ. યુરોપના કોઈ મહાનતત્વચિંતક અહીં આવી ચડ્યા હોય તેવું લાગતું. એ વ્યાખ્યાનમાં તેમણે સાંપ્રત અને શાશ્વત માનવીય સમસ્યાઓ અને સાહિત્યની વાત કરેલી. વાતમાં રવીન્દ્રનાથ, ઓસ્કાર વાઈલ્ડના ‘પીક્ચર ઑફ ડૉરિયન ગ્રે’ની કાફકા, રિલ્કેની વાતો કરેલી. તેમની વાતોમાં આવતા ઘણાં લેખકોથી તે વખતે હું સાવ અજાણ. મુઘ્ધ વયે મંત્રમુગ્ધ થઈ સાંભળેલું. તે વખતની સમજથી બધું ઝીલેલું. કેટલાંય સર્જકોનો પરિચય તેમણે આમ જ અદ્રશ્ય રીતે આંગળી ઝાલીને કરાવેલો.

અમારો બાળપણનો મિત્ર અનામિક વડોદરામાં પ્રિ. સાયંસનું એક વરસ ભણી આવેલો. સુરેશભાઈ પાસે ભણેલો. રાજકોટ પાછા આવ્યા પછીય સતત સંપર્કમાં. જનસત્તામાં તેમની કોલમ “માનવીના મન” નિયમિત વાંચે. મારી મા પણ તેના કટીંગ વાંચવા મંગાવે. હું પણ મારી માની જેમ અડધું સમજાય ન સમજાય પણ વાંચતો. એ જ લેખકને પહેલી વાર તે દિવસે રૂબરૂ જોવા મળ્યાનો રોમાંચ હતો. તે જ દિવસથી તેમની સાથે એકપક્ષીય સંબંધ તો બંધાય ગયેલો. એ દિવસોમાં તેમની ‘છિન્નપત્ર’, ‘મરણોત્તર’ હાથમાં આવેલી. વિદગ્ધ પ્રેમમીમાંસા અને મરણમીમાંસા સમજાતી અડધી પણ પમાતી પૂરી. એ વાંચીને જરા ગંભીર થઈ જવાતું. વેદના, સમજણ, સંવેદનશીલતાના અશ્રુપટલમાંથી અસ્તિત્વબોધથી પીડાતા પાત્રોને હું જોઈ રહેતો. તે દિવસે તેમને જોયા પણ તેમના વ્યક્તિત્વનાં ઓજસ ઉત્તાપથી નજીક જવાની હિમંત ન હતી થઈ. એ જ લેખકનું આમ અચાનક મિલન થઈ જશે તેવી કલ્પના ન હતી.

મોડે સુધી ‘મરણોત્તર’ વાંચ્યા પછી ઓશીકે સુઈ જઉં છું. મરણ સાથે સંવાદ માંડતો નાયક મારા ઓશીકે મૃત્યુની જેમ જાગે છે. અસ્ફુટ વેદનાના. યૌવનના એ દિવસોમાં આ બધું શું તે સમજાતું ન હતું. એ પુસ્તક પ્રયોગાત્મક હતું તે પણ ખબર ન હતી. બસ કોઈ ધબકાર સાથે ધબકાર મળી ગયો. એ વિદગ્ધ નાયક મૃત્યુની સાથે જાણે મને પણ જનાન્તિક કહે છે.

“કોઈ વાર શ્વાસના સીમાડા જઈ પૂરા થાય છે તેની પારનું જગત મારી આંખો સામે તરવરવા લાગે છે….. પથ્થરોના મુખ પરથી હજી નક્ષત્રોની આભા પૂરેપૂરી ભૂંસાઈ નથી. ક્યાંક ક્યાંક શિશુની કાલીકાલી વાણીના જેવા તારાઓ છેક ક્ષિતિજ સુધી ઝૂકીને પૃથ્વીને કશુંક કાનમાં કહ્યા કરે છે….શતાબ્દીઓના પડેલા વિશાળ ચક્રાકાર દીર્ધ ભ્રમણપથને પૃથ્વીએ જોયાં પણ નથી. હજી વિસામણમાં પડવાની કે અકારણ મૂંઝાવાની પણ તેની વય નથી. સ્વપ્નોય એણે છૂપા રાખ્યા નથી એ તો ઝરણાં બનીને દોડી ગયાં છે.”

મરણમાં આ નાયકનો ઉત્તર નથી. મરણ સાથે તો નચિકેતાની જેમ સંવાદ સ્થાપીને બેઠો છે.એ નાયક દિવસો સુધી મારે ઓશીકે જાગતો રહ્યો છે. રહેવાયું નહીં એટલે અનામિક પાસેથી સરનામું લઈ કાલો ઘેલો કાગળ લખેલો.

આજ ગાળામાં મારા મિત્ર તુષાર મહેતાએ વડોદરા નોકરી લીધી વડોદરા તેને મળવા ગયો ત્યારે તેને કહ્યું ચાલ સુરેશ જોષીને ઘરે જઈએ. તે કહે તને ઓળખે છે ?’ મેં કહ્યું ના. એકવાર રાજકોટ જોયા છે અને તેમને કાગળ લખ્યો છે. ઓળખાણ છે નહીં. પણ થશે. તુષારને એમ જ તેમને ઘરે પહોંચી જવું ઠીક ન લાગ્યું. મારી દલીલ એ હતી કે આપણા પક્ષે ગુમાવવામાં કશું છે નહીં. બહુ બહુ તો મળવા નથી માગતા તેમ કહેશે કે સારો મૂળ નહીં હોય તો આપણને ટાળશે. તોય આપણે ક્યાં કશું ગુમાવવાનું છે ?

ઉનાળાની એ રાતે તેમના અધ્યાપક કુટિરના બારણાં અતિથિ બની ખટખટાવ્યા. તેઓ પૂછે કોણ તો નામ સિવાય બીજી કોઈ ઓળખાણ ન હતી. વાતાવરણ લીમડાઓની મંજરીની ગંધથી તરબતર હતું. તેઓ જમતા હતા. અમને તેમના રૂમમાં બેસાડ્યા. બારી પાસે પલંગ, છત સુધી દીવાલો સરસા ઘોડાઓમાં ચોપડીઓ, ટેબલ પર પલંગ પર ચોપડીઓ, ચોપડીઓ જ ચોપડીઓ – જાણે ખરી વિખરાઈ ન હોય ! ખાદીનો લેંઘો, સફેદ ખાદીનો સદરો પહેરેલા ઘરેલુ ગૃહસ્થ પ્રેમાળ સુરેશ જોષી બહાર આવ્યા. અમે પરિચય આપ્યો. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે તેમને વિશેષ આદર અને પક્ષપાત તેથી તેમની તે નબળાઈનો તરત જ લાભ મળ્યો. મને કહે “તારો પત્ર મળ્યો છે. હું જવાબ આપવાનો જ હતો.” મેં તેમને અનામિકનો સંદેશો આપ્યો કે રાજકોટમાં તમે ઓપન યુનિવર્સિટી ફોરમનો કાર્યક્રમ ગોઠવો. તેમણે આ માટે અમારા સંપર્કમાં રહેવાની ધરપત આપી અમારી ઑફર સ્વીકારેલી અને જયારે પણ વડોદરા આવવાનું થાય તો તેમને વિના સંકોચે મળવાનું આમંત્રણ આપી રાખ્યું. ઘરની બહાર નીકળ્યા ત્યારે અમે એક સ્નેહી વડીલને વિદાય આપતા હતા. એ મુલાકાતમાં જ કશુંક અંદર સંધાઈ ગયેલું. એ મારા માટે સુરેશ જોષીમાંથી સુરેશભાઈ બની ગયેલા.

ઓપન યુનિવર્સિટી ફોરમ કાર્યક્રમનું રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન મારફતે આયોજન કરેલું. બેત્રણ મહિનાના પત્રવ્યવહાર પછી અંતે બધું ગોઠવાયું. સમાજને અનેક વિદ્યાશાખાઓ, કલા સાહિત્યના પ્રવાહોની પ્રાથમિક માહિતી જે તે ક્ષેત્રના તજજ્ઞો મારફતે મળે તે હેતુ સામે રાખી તેનું આયોજન કરેલું. પોરબંદરમાં તેમને સફળતા મળેલી. એ સફળતા અને અમારા ઉત્સાહ અને આયોજનથી તેમણે રાજકોટ પસંદ કરેલું. એ આયોજનમાં સુનીલ કોઠારીએ વિવિધ નૃત્ય શૈલીઓ વિશે અને નયના પારીમુએ ગુફાચિત્રોથી માંડી આધુનિક ચિત્રશૈલીઓ વિશે સ્લાઈડોના નિદર્શન સાથે વ્યાખ્યાનો આપેલાં. ભારતી મોદીએ ભાષાની. ઉત્પતિ, વિકાસ અને ભાષાશાસ્ત્રના સંશોધનની વાત કરેલી. સુરેશભાઈ સાહિત્ય અને માનવસંબંધો વિશે બોલેલા. રાત્રે કુચુપુડીની નવલ નૃત્યાંગનાએ સુનીલ કોઠારીનો કોમેન્ટ્રી સાથે નૃત્યનો કાર્યક્રમ આપેલો. સુનીલભાઈ જેવા ફરંદા ફક્કડ માણસને રાજકોટ લઈ આવવાનું તેમનું જ કામ. જો અનુકુળતા હોત તો જ્યોતિ ભટ્ટ અને ગુલામમોહદ શેખ પણ આવવાના હતા. આ બધાં આવેલા તે સુરેશભાઈના મિશનને અને પ્રેમને કારણે જ – એક પૈસો પણ લીધ વગર. યંત્ર, મશીન. ઉદ્યોગનગર તરીકેની શુષ્ક બાહારી છાપ ધરાવતાં રાજકોટના કલારસિકોએ તેણે સફળ બનાવેલો.

રાજકોટમાં દિવસે તેમનો કાર્યક્રમ ચાલે. ને રાત્રે સીટી ગેસ્ટહાઉસમાં તેમનો પીછો નહીં છોડવાનો. રાત્રે કવિતાની બેઠક લોર્કા, સ્પેનિશ ગોપકવિ હર્નાન્ડીઝ, નેરૂદા, જીવનાનંદદાસ, રવીન્દ્રનાથની કવિતાઓની રસલ્હાણ. રવીન્દ્રનાથની ‘યે તે નહિ દિબ’ બંગાળીમાં વાંચતા જાય, મર્મ ખોલતા જાય. એ બેઠક પૂરી થયે ઉનાળાની રાત્રિ ઠંડકમાં ત્રિકોણબાગ બરફના ગોળા ખાવા લઈ જવાના અને સવારે ગાંઠિયા-જલેબીના નાસ્તા સાથે અમે હાજર.

આ કાર્યક્રમો દરમ્યાન દિવસ રાત તેમની સાથે રહ્યા છીએ. કાર્યક્રમ પૂરો થયે તેમની સોમનાથ-ચોરવાડ-સાસણ જવાની ઇચ્છા હતી. કૉર્પોરેશને ગાડી કરી આપી. એ યાત્રામાં અનામિક, ડો. ગોપાલ વ્યાસ અને હું પણ જોડાયા. એ યાત્રામાં તો એક જુદો જ તોફાની, ટીખળી, હળવા મજાકિયા સુરેશભાઈ પમાયાં. Farting – વાછૂટની વાત હસતાં હસતાં તો વળી ગંભીર થઈ છૂટથી કરી. પાદવાના અનેક પ્રકારો, પરિસ્થિતિઓ, લોકોની અલગ અલગ ખાસિયતોની વાત રેલાવતા જાય. ગંભીર થઈને કહે “આ સાઉથઈડિયનને ‘Phallic obcession’ ઘણું. મને થયું કે આખી પ્રજાના મનમાં ડૂબકી કેવી રીતે લગાવી તેમણે આ તારણકાઢ્યું હશે ? મેં પૂછ્યું તો કહે “તેમની અટકો જુઓને, નાગલિંગમ, ભૂતલિંગમ, મહાલિંગમ, રામલિંગમ,” અને અમે હસી હસીને ઢગલા. કોઈ નિષેધ. ટેબુ ચોખલિયાવેડા નહીં. ગીરના જંગલમાં, સોમનાથને સાગરકિનારે એમની સાથે ફર્યાનો હજીય આનંદ છે.


સુરેશભાઈ સાથેની સાસણ યાત્રાનાં સંસ્મરણો વાગળોતા હતા ત્યાં જ તેમનો પહોંચનો નર્મ સભર પત્ર આવ્યો.

“પ્રિય અનામિક તથા યજ્ઞેશ,

બસમાં પાછા ફરતાં, સાસણથી પાછા ફરતાં તમારી બન્નેની જે સ્થિતિ થયેલી તેવી અમારી થઈ. ‘બ્રહ્મ સત્યં જગ મિથ્યા’ કરતાં કરતાં વાસ્તવિકતા સાથે ફરી પટકાયા. (જરા સાહિત્યિક ભાષા લખવાનો પ્રયત્ન છે.)
શરીરીમાં સિંહનો પ્રમાદ અને આંખોમાં કલકલિયાના રંગો ભરીને અને અહીં આવ્યા તો ખરાં, પણ હવે ? હજી ઊંઘમાંથી જાગું છું ત્યારે જાણે સીટી ગેસ્ટહાઉસમાં જ છું તેવી ભ્રાન્તિ થાય છે. મીનલ Notes લખતી, તેણે પાના પર લખેલું સુરેશ જોષી –‘ઈડિયટ’ હા, ઈડીયટ જ છું, holy fool નથી. પણ વ્યાસ સાહેબને દીઠાને હાચુકલું માણહ દીઠું. અંગ્રેજી આવડતું હોત તો એમ કહેત કે ‘a gem among men’.સાસણથી પાછા ફરતાં જયારે અમારી ચારે તરફ નિદ્રાનો સાગર લહેરાઈ રહ્યો હતો ત્યારે અમે બે જ તરવૈયા એમાં તરી રહ્યા હતા ત્યારનો અમારો સંવાદ તેમને યાદ રાખવાનું કહેજો. અન્તમાં વજુભાઈ વાળાના શબ્દોમાં કહું તો “આ સૌએ જે જહેમત ઉઠાવી. રાત દિવસ ન જોયાં. અને જે નિષ્ઠાથી કાર્યક્રમને અમારી અનેક ક્ષતિઓ ન જોતાં સફળ બનાવ્યો તે બદલ આભાર શું માનું ?” – સુરેશ ઉષા.

આજ પત્રમાં ઉપર વધેલી જગ્યમાં ટાંક મારી લખેલું – “યજ્ઞેશના ઘરના ટુકટુકિયાને યાદ, સૌ મિત્રો બરફનો ગોળો ખાતાં સંભારજો.”

સુરેશભાઈ એ વખતે રાજકોટ આવેલાં ત્યારે પક્ષીદર્શન – બર્ડ વોચીંગ માટે તેમને લાલપરી તળાવ લઈ ગયેલાં. શિયાળો પૂરો થવાના એ સમયે ઘણાં યાયાવર – માઈગ્રેટરી પક્ષીઓ પેલિકન, ધોણ, પેણ, બતક, જળકુકડી, જસાના, કુંજડીઓ, કલકલિયો જોયાં હતાં. એ જ દિવસે બપોરે મારા ઘરે લઈ આવ્યો ત્યારે ઘરનાં રવેશમાંથી સામેના પીપળાના નવાં ફૂટેલાં પાંદડાઓ વચ્ચે એક કંસારો (ટુકટુકિયો – બાબેર્ટ) તેના નાનકડા શરીરના નાનકડા ગળામાંથી ‘ટુક – ટુક – ટુક’ તેમ સવારના નરમ તડકામાં તેના ટહુકા પાડતો હતો તે સુરેશભાઈની ચેતનામાં છપાઈ ગયેલો. જે તેમણે કાગળમાં યાદ કર્યો. આમેય પક્ષીઓમાં તેમને ઊંડો રસ, સાચો સૌંદર્યદર્શી રસ હતો. વડોદરા ગુજરાતી ડીપાર્ટમેન્ટની પાછળ જ વિશ્વમિત્રીની કોતાર ઝાડી છે. સુરેશભાઈના રૂમમાંથી એ વનાંચલ સૃષ્ટિનો લાભ લઈ શકાતો. ક્યારેક વાતમાંથી તેમનું દયાન ખસીને બારી બહાર કોઈ પક્ષીના ગાન પર સ્થિર થતું અનુભવ્યું છે.

રાજકોટમાં મારા ઘરે આવ્યા હતા ત્યારે શેરીમાં પડતો ઊંચો નકશીદાર જાળીવાળો રવેશ જોઈ ખુશ થયા હતા. કઠેડો ઝાલીને ઊભા ઊભા શેરી જોતાં હતા ત્યારે એક ચાઈનિઝ કવિતા યાદ કરી :

‘સાંજના સમયે
એકલા હો ત્યારે
રવેશમાં ઝાઝું ઝૂકવું નહીં’

એક તો બે વિશ્વોને જોડતો ઉદાસ વિતરાગી સાંજનો સમય અને તેમાં ભળે એકલતા. જીવન સાથેનાં બંધનો ઢીલાં થઈ જાય. અમસ્તું એમ જ એવી તરલ મનસ્થિતિમાં રવેશમાંથી ઝંપલાવી તમે આત્મહત્યા પણ કરી શકો. છંદની વાત કરતાં કરતાં કાલિદાસના મેઘદૂતમાંથી મંદ મંદ મંન્દાક્રાન્તામાં પેલો શ્ર્લોક ટાંક્યો रेवां द्रक्ष्य स्युपलविषमेविन्ध्यपादे विशीर्णा એ પંક્તિમાં ‘વિશીર્ણાંમ્’ શબ્દ આગળ તો ઉછળતી કુદતી રેવા વિન્ધ્ય પર્વતની ભેખડો શિલાઓ સાથે અથડાઈ વિશીર્ણ શીકરોથી વેરાઈ વિખેરાઈ જાય છે તે આંગળી મૂકી બતાવેલું. આવી જ પંક્તિ અમારા પ્રિય જીવનાનંદદાસની ‘વનલતાસેન’ માંથી ટાંકેલી. કહે, “આ હળવા રવાનુકારી ધ્વનીઓ સાંભળો. – “ચુલ તાર, કબેકાર, અન્ધકાર વિદિશાર નિશા” જાણે સાન્ધ્ય આકાશમાં ઢીલો અંબોળો હળવે હળવે ઉખળી તેના શ્યામલ કેશ પવન બની ક્ષિતિજ પર ફરફરી ન રહ્યા હોય ?” તેમની ૧૯૭૯ની રાજકોટની એ મુલાકાતે મારા મનની અનેક બારીઓ ઉઘાડી આપી. તેમને પોતાને પણ રાજકોટ ખૂબ ગમ્યું હતું. આથી જ તો ગુજરાતી સાહિત્ય પરિષદે જયારે તેમને પરિષદ વ્યાખ્યાનમાળા આપવાનું આમંત્રણ આપ્યું ત્યારે મનમાં રાજકોટને રાખી તેમણે હા પાડેલી. પરિષદે સ્થળ પસંદ કરવાનું કહ્યું ત્યારે તેમણે રાજકોટ માટે પક્ષપાત રજૂ કરેલો. રાજકોટમાં તેમના વ્યાખ્યાન અને ઓપન યુનિવર્સિટી ફોરમ કાર્યક્રમનને અભૂતપૂર્વ સહકાર સફળતા મળેલાં અને અમારી ટીમ સાથે પણ તેમણે સારું ગોઠી ગયું હતું. અમારો ઉત્સાહ તો હતો જ. આમ ૧૯૮૦ના માર્ચમાં ફરી સુરેશભાઈના વ્યાખ્યાનો ગોઠવાયા. આ વખતે તો તેમને સુંવાંગ માનવાના હતા અને સળંગ પાંચ લેક્ચરનો કાર્યક્રમ હતો. કાર્યક્રમના આયોજન માટે અમે સતત સંપર્કમાં હતા. એક કાગળમાં લખે છે

“પ્રિય યજ્ઞેશ તથા અનામિક,

વ્યાખ્યાનો માટે હું તથા સૌ ઉષાબેન અહીંથી શનિવારે સવારે પાંચ વાગે ઊપડતી લક્ઝરીમાં રાજકોટ આવીએ છીએ. વ્યાખ્યાનો તો ચાલશે પણ સાહિત્યરસિક મિત્રો જોડે ગોષ્ઠીની પણ યોજના કરશો તો મને પણ થોડું સાંભળવાનું મળશે. બરફના ગોળાવાળા રાતે હશે જ, અને આઈસ્ક્રીમની સિઝન શરૂ થઈ ગઈ હશે. હવે દાંત જશે એટલે કેવળ ચોષ્યની ટેવ પડવાની રહેશે….

તમારે ખાતર – બરદાસ્ત માટે રાતના ઉજાગરા કરવા નહિ પક્ષીદર્શન તો થશે ને ?

-સુરેશ

માર્ચ ૧૯૮૦માં તો વ્યાખ્યાનની હેલીથી તરબોળ કરી દીધેલાં. પહેલાં દિવસે જ દરબાર ગોપાળદાસ હૉલ નાનો પડ્યો. બારણા પાસે ઊભાઊભા ય લોકોએ સુરેશભાઈને સાંભળેલા. બીજે દિવસે તો કાર્યક્રમ રાષ્ટ્રીયશાળાના મધ્યસ્થ ખંડમાં ફેરવવો પડેલો. કાફકા. ટોમસ માન, સેમ્યુઅલ બેકેટ અને રિલ્કેના સાહિત્ય પર બોલેલાં.અનામિકના નવાસવા કૅસેટ પ્લેયરમાં તે બધાં વ્યાખ્યાનો રેકૉર્ડ કરી રાખેલાં. આજે સુરેશભાઈ એ જ અવાજ, સ્વરભાર, ભાષા કાકુથી એ રેકૉર્ડીંગમાં અકબંધ છે. રિલ્કે રોદાંના સેક્રેટરી તરીકે રહ્યાં તે અનુભવ વિશે સુરેશભાઈ કહે છે :

રોદાંએ કહેલું Gazing, Looking, Seeing, Perceiving, these are the most wonderful thing in the world. આપણે જોતાં નથી. સંસ્કૃતમાં તો લોક-લોચનવાળા તે જ લોક. જેની આંખ ખુલ્લી છે તે માણસ. ઘણાની આંખ ખૂલતી જ નથી. જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી. આપણે કહીએ કે તેની આંખ મીંચાઈ ગઈ પણ તે તો મીંચાયેલી જ હતી; જગતમાં ખુલ્લી જ હતી, તો જન્મ્યા ત્યારથી જ – તો આંખ મીંચાઈ ગઈ તે કહેવાનો અર્થ શો છે ?કવિ તે અર્થમાં રૂંવેરૂંવે જીવે છે. He lives through every pore of his life. રન્ધ્રે રન્ધ્રમાં તેનું જીવાન છલકાય છે.”

સંસ્કૃતમાં ચાર પગલાં ચાલ્યાથી સખ્યની મૈત્રીની વાત આવે છે. સુરેશભાઈ અમારા માટે તે ચાર ચાર દિવસોનાં કાર્યક્રમાં તો અમારા વડીલ મિત્ર બની ગયેલાં. મારામાં તો તેમણે એક વડીલને નાતે અંગત રસ લીધો છે. પીએચ.ડી થયા પછી નોકરીની શોધ કે ઈન્ટરર્વ્યું અર્થે આણંદ વડોદરા સુરત જવાનંલ થયું હોય ત્યારે અચૂક તેમને મળવા જતો. નોકરી નહીં મળ્યાથી લગ્નનું ઠેકાણું ન હતું. શ્વસુર પક્ષે એક આછો વિરોધ હતો ત્યારે મને કહે “તું અને કલ્પના વડોદરા આવી જાવ .અમે અહીં તમારા લગ્ન કરાવી આપીએ. અમારા લગ્ન પણ આમ જ સ્નેહી વડીલે કરાવી આપેલાં સંકોચ ન રાખીશ.”

આકાશવાણીમાં નોકરી મળ્યે જયારે લગ્ન ગોઠવાયા ત્યારે તેમને કંકોત્રી મોકલેલી. લગ્નની સવારે જીંદગીમાં પહેલીવાર ધોતિયું પહેરી ગણેશસ્થાપનની પૂજામાં બેઠો હતો ત્યાં તો પોસ્ટમેન રજીસ્ટર પોસ્ટપાર્સલ લઈ આવ્યો. રવાના કરનારમાં સુરેશભાઈનું નામ વાંચ્યું. પેકેટ ખોલ્યું તો ‘કથાચતુષ્ઠય’ ગ્રંથ. તેમાં શુભ આશીર્વાદ લખીને મોકલેલા.

“પ્રિય યજ્ઞેશ, સૌ કલ્પનાને દીર્ધ સુખી દાંપત્યજીવનની શુભેચ્છાઓ સાથે.
-ઉષા સુરેશ’
લગ્નને દિવસે જ લગ્ન પહેલાં જ તેમની શુભેચ્છાઓ મારી આંખોમાં ઝળહળિયાં હતાં.


અવારનવાર વડોદરા ગયો છું તો ગુજરાતી ભવન અચૂક ગયો છું. ભરતીબેનની તૈયાર કરેલી ચા પીધી છે. ક્યારેક ભારતીબેન, શિરીષભાઈ સન્મુખ તેઓ સેઝારે પાવેઝની નોવેલ વાંચતા હોય, ક્યારેક ફ્રેંચ કવિ રેંબોની Illuminationમાંથી ‘Morning’ કવિતાનો આસ્વાદ કરાવતાં હોય. વચ્ચે દવાનો ટાઈમ થાય ત્યારે ભારતીબેન પડીકી મધમાં કાલવી કચોળું આગળ ધરે, દવા લઈ સુરેશભાઈ તેમની વાત આગળ ચલાવે. પાછળની પશ્વાદ્દ્ભોમાં રૂસોના ચિત્રમાં છે તેવું વેજિટેશન લહેરાતું ઊભું હોય.

એકવાર મિત્ર ડૉ. રાજેશ સોલંકીને ત્યાં નોકરીની શોધ અર્થે સુણાવ રહેવા ગયેલો. ત્યાંથી અચાનક જ નક્કી કર્યું કે ફિલ્મ ફેસ્ટીવલની ફિલ્મો જોવા ને રખડવા મુંબઈ જઈશું. તે સીધો પહોંચવાનો હતો. હું વડોદરા થઈને બેકારીમાં પૈસા તો હતા નહીં. મુંબઈ પહોંચ્યા પછી ચિંતા ન હતી. મિત્ર મુંબઈની રખડપટ્ટી સ્પોન્સર કરવાનો હતો. પણ મુંબઈ પહોંચવા માટેનું શું ? તે માટેય પૂરતા પૈસા ન હતા. થોડા ઘણા પૈસા અમદાવાદ ફોનથી ઘરે જાણ કરવામાં વાપરી નાખેલાં. પહોંચ્યો સુરેશભાઈને ઘરે ‘અસ્મદિયમ્’માં શિયાળાની ઠંડી ઉદાસ સાંજે ઘરમાં ઢબુરાઈને દમ સાથે લડતા હતાં. દમે તેમને દમિયલ બનાવ્યા ન હતા. દમનો ય દમ કાઢતા હતાં. મને જોઈને ખુશ થયાં. ટ્રેઈન રાતની હતી. નિરાંતે બેઠો. મુંબઈ જવા માટે પચાસેક ઉધાર માગ્યા તો સુરેશભાઈ ઉષાબેને સો રૂપિયા આપ્યા ને મારી ના-ના વચ્ચે પ્રેમથી જમાડ્યો.

અમદાવાદ આકાશવાણીમાં નોકરી મળી ત્યારે એમ હતું કે હવે તો વડોદરા નજીક છે મળવાનું વધુ થશે. તેઓ તો કહેતાં “શનિ-રવિ રજામાં આવે. આપણે વાતો કરીએ.” મનેય લોભ હતો. કે તેમની પાસેથી પ્રાચીન અર્વાચીન પાશ્વાત્ય, પૌરત્સ્ય સાહિત્ય તત્વજ્ઞાનનું તેમના સાન્નિધ્યમાંથી મળે તેટલું ઝીલવું. તે બની શક્યું નહીં. છેલ્લે તેમને મળ્યો ત્યારે ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટનો મહાભારતનો સંપાદિત ગ્રંથ વાંચતા હતા. મને કહે મહિનાઓથી તેનું વાંચન ચાલે છે. મને લાગે છે ત્યાં સુધી તે જ ગાળામાં મુંબઈ ‘કર્ણ’ વિશે બોલેલાં. લા.ઠા.એ સુરેશભાઈના સંસ્કૃતના જ્ઞાન વિશે એક પ્રસંગ કહેલો. સુરેશભાઈ અમદાવાદ કોઈ વ્યાખ્યાન માટે આવેલાં. વિદ્યાર્થી લા.ઠા. તેમને ઉમાશંકરભાઈની કેબીન સુધી લઈ ગયેલા. અંદર બે જોષીઓ મળ્યા. વાતવાતમાં જ મહાભારતમાંથી શ્ર્લોકો ઉપર શ્ર્લોકો ટાંકતા જાય. શ્ર્લોક-છોળ એ વિદ્દવદ્દ ચર્ચામાં લા.ઠા. બહાર ઊભા ઊભા ભીંજાયા હતા. આ ક્ષણે યાદ આવે છે કે ઉમાશંકરભાઈએ સુરેશભાઈના મૃત્યુ પછી ઇન્ટર્વ્યુંમાં તેમને ગમતા કવિ ભવભૂતિ મિષે સુરેશભાઈને પ્રેમથી સંભાર્યા હતા.

મારા કાવ્યસર્જનમાં ય તેમણે રસ લીધો હતો. રાજકોટમાં કે વડોદરામાં તેમણે કવિતા દેખાડતાં ડરતો. રાજકોટના જાહેર વ્યાખ્યાનમાં તેમણે કહેલું કે ‘જેણે કવિતાની હથોટી બેસી ગઈ છે અને ઢાળ મળ્યે ઢળ્યે જાય છે તેવા સર્જકો કરતાં માર્ગ શોધવા મથતા, ઘાટ માટે મુંઝાતા, અટકી ગયેલાં સર્જકો સારા.’ મારી કવિતા તેમનાથી છુપાવતો’ તો કહેતા ‘તપાસ થાય તો નિદાન થાય. એ માટે કાંઈ ભગાય નહીં. હું જે કહીશ તે તારા અને કવિતાના સારા માટે જ કહીશ.’ બીજે થોડી ઘણી કવિતાઓ છાપાવવા લાગી ત્યારે ય એ સંકોચ સાવ ગયો નહીં. હા, એક ઇચ્છા હતી કે તેમના સંપાદનકાળ દરમ્યાન જ ‘એતદ્દ’માં કોઈ કવિતા છપાય. એ ઇચ્છા પૂરી થઈ હતી. તેમણે મારી ‘કર્ણ’ કવિતા ‘એતાદ્દ’માં છાપી હતી.

લગ્ન સિવાય અવારનવાર તેમણે તેમનાં પુસ્તકો ભેટ આપેલાં. ;જનાન્તિકે’ ભેટ આપતાં ટકોર કરી લખેલું – ‘હજુ કવિતા સાથે સંવનની વય ચાલી નથી ગઈ તેની યાદ અપાવીને’ ને ‘તથાપિ’ આપતાં લખેલું – ‘તારી કલમમાંથી ઘણા શોબીગી દૈયડ ટહુકી ઊઠે તેવી શુભેચ્છાઓ.’ દૈયડ તો ઠીક અલપઝલપ દેખાતું યાયાવર શોબગી તેમણે ક્યાં જોયું સાંભળ્યું હશે ? અમારી સાથે રાજકોટના લાલપરી તળાવના વગડે કે પછી વડોદરામાં ? અનામિકના લગ્ન થયાં ત્યારે તેણે શુચેચ્છા ભેટ તરીકે તેમનું પુસ્તક મારી સાથે મોકલેલું. તેમના મૃત્યુના પંદર વીસ દિવસો પહેલાં જ મારા ખાનપુર અમદાવાદના સરનામે તેમનું ઈનલેન્ડ મળેલું. તેમણે લખેલા છેલ્લા પત્રોમાંનો એક હશે.

૧૩-૮-૮૬ વડોદરા

“પ્રિય યજ્ઞેશ,
‘જળની આંખે’ ને બ.ક. ઠાકોર પારિતોષિક મળ્યું તે જાણી ખુશખુશાલ થયા. છાતી ગજગજ ફુલ્લી. પ્હેલું સોપાન તો સર કર્યું. હવે વધારે ઊંચો ઠેકડો મારવાનો રહેશે. હવે ઉત્સુકતાથી રાહ જોઉં છું. ભવિષ્યની કવિતાની. આશા છે, આવા સુખદ સમાચાર તારા તરફથી હવે મળતા જ રહેશે.

-સુરેશ

છ્યાંસીના સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયામાં છાપામાંથી સમાચાર જાણ્યા કે સુરેશભાઈ ગંભીર રીતે માંદા છે અને તેમને સયાજી હૉસ્પીટલમાં દાખલ કરાય છે. તરત જ જવાનું મન થયું. રાત્રે ડાયરીમાં મેં લખ્યું હતું.
૫-૯-૮૬

‘બે ત્રણ દિવસથી – જ્યારથી સાંભળ્યું છે કે સુરેશભાઈને વડોદરાની સયાજીગંજ હૉસ્પિટલમાં ઇન્ટેન્સીવ કેર યુનિટમાં રખાયા છે ત્યારથી મન ત્યાં વળગેલું રહે છે. કામકાજની ઘરમાળ ઘટાટોપમાં વચ્ચે યાદ આવે છે કે આ ક્ષણે સુરેશભાઈ મરણ સામે લડી રહ્યાં છે. સ્વજનોથી ઘેરાયેલાં – અડધા ભાનમાં તો અડધા ઘેનમાં. નાનકડી ઓરડીમાં પુરાયેલા સુરેશભાઈ જેટલાં તેમનાં સ્વજનોના છે તેટલાં તો નહીં; પણ છતાં તે મારા છે. મારા જેવા અનેકના તો અમારા છે, ત્યાં દોડી જઈ તેમના સ્વજનો વચ્ચે પહોંચી જઈ સંબંધની સ્વીકૃતિની મહોર છપાવવા જવાની કે તેમના પર નાનાશો અધિકાર દેખાડવાની ઇચ્છા નથી; છતાં તેમણે જોવાની ઇચ્છા જરૂર થાય છે. એ હૉસ્પિટલના રૂગ્ણ વાતાવરણમાંથી બહાર નીકળી જઈ સુરેશભાઈ મારી પથારી સુધી કશુંક જનાન્તિક કહેવા આવ્યા છે.’

બીજે દિવસે ઑફિસનું કામ પતાવીને તેમને મળવા વડોદરા પહોંચ્યો. રાતે મોડું થઈ ગયેલું. એવા સમયે હૉટલમાં રાવવાસો કર્યો. સવારે સાત વાગે જ તેમને મળવા નીકળ્યો ત્યાં તો ચાની રેંકડીએ રેડિયો પર પ્રાદેશિક સમાચારમાં સાંભળ્યું કે ગઈકાલ રાતે જ નડિયાદમાં તેમનું અવસાન થયું હતું. ‘ફરી ક્યારેય નહીં મળી શકાય’ તેવી મરણની આણ પહેલી વાર અનુભવ થયો. હાથમાં બેગ લઈ ‘અસ્મદિયમ્’ ગયો. ભાયાણી સાહેબ, ભરત, ભારતીબેન, શેખ બધાં બહાર ઊભા હતાં. આગળના રૂમમાં જ તેમનો સહજ ફૂલેલો ગુલાલ છાંટ્યો ચહેરો એમ. એસ. સુબાલક્ષ્મીનું શ્ર્લોકગાન અને આટલાં બધાં આવી ચડેલા વચ્ચે અટવાયા કરતાં ‘દાદા કેમ હજી સુતા છે.’ તેનો વિચાર કરતાં સુરેશભાઈની લઘુક પ્રતીક્રીતું જેવા જોડિયા પૌત્રો, આંગણમાં તેમણે ઊછરેલું ચંદનનું ઝાડ, ભાદરવાના તડકામાં ટહુકા રેલાવતી દેવચકલી અને સક્કરખોર બધું યથાવાત યાદ છે.

દસેક વાગે બધાં સ્મશાને ગયાં. હું રતન પારિમુના સ્કુટર પર. સુરતથી મુકુલ પણ સ્કુટર પર આવ્યો હતો. ઈલેકટ્રીક ભઠ્ઠીની તપ્ત દીવાલોથી પ્રકાષિત તામ્રતપ્ત ચહેરો છેલ્લીવાર જોયો. ઉપરથી બારણું પડી ગયું.

વિનેશ અંતાણી ત્યારે વડોદરા હતા. અંગત રીતે અને આકાશવાણીની શ્રદ્ધાંજલિ માટે સ્મશાને આવેલાં. શ્રદ્ધાંજલિ રેકૉર્ડ કરવાના એ તર્પણકાર્યમાં મને ય તેમણે સાથે જોડ્યો. બપોરે આકાશવાણી આવી કાર્યક્રમ તૈયાર કર્યો. વિનેશભાઈ અંદર સુધી હલી ગયેલાં. મોડી બપોરે વિનેશભાઈ ઘરે મૂંગા મૂંગા અમે જમ્યાં. અંતિમ સમયે તેમને ન મળી શકાયાનો રંજ હતો પણ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં મારા કર્મની એક આચમની ભળી તેનો સંતોષ હતો. બેત્રણ દિવસ પછી જ તેમનો શેડ્યૂલ થયેલો અમૃતધારા કાર્યક્રમ વાગ્યો હતો જેમાં તેઓ ‘મહોરાં’ પર બોલેલાં.

આપણે રૂટીન ઔપચારિકતામાં કહેતા હોઈએ છીએ કે ‘તેમના જવાથી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.’ પણ હકીકતમાં તો તેની જગ્યા લેવા ધક્કામુક્કી કરતું ટોળું પાછળ ઊભું જ હોય છે. સુરેશભાઈ ખરેખર અવકાશ મુકતા ગયાં છે. મેદાનોમાં લોકો વચ્ચે નદી બનીને વહ્યા છે પણ બીજી રીતે તરો ઉન્નત એકાકી શિખર જેવા રહ્યાં છે. રિક્ત અવકાશમાં એક પ્રક્ષોભ સર્જી તેમણે એક આંદોલન જગાડ્યું છે. તે અર્થમાં તેમણે અવકાશને ભર્યો છે. આ સુરેશભાઈને નાના એવા કારણથી રિસાઈને ભરવરસાદમાં પલળતાં ય જોયાં છે પણ તેમના વ્યક્તિત્વ કે છબીની રેખા અળપાઈ નથી, ખંડિત થઈ નથી. જે અખિલાઈમાં જોવાનું તેમણે શીખવ્યું તે અખિલાઈમાં તેમને જોવાનો પ્રયત્ન કર્યો છે.

આજે ક્યારેક ઇચ્છા થઈ આવે છે ત્યારે ૧૯૮૦માં તેમણે રાજકોટમાં કરેલા વ્યાખ્યાનની કેસેટ સાંભળી તેમને સન્મુખ અનુભવું છું. આજ કેસેટ અતુલ રાવળે સુમન શાહને પૃથ્વીના સામા છેડે સાઉથ કેરોલીના હાઇવે પર કારમાં સંભળાવી હતી. પારદર્શક ઝલમલતી ભીનાશ વચ્ચે મૌન રહી તેમણે તે સાંભળી હશે.

સુરેશભાઈએ જાણે અજાણે જ મારી ભાષાને, ચેતનાને મારી રસવૃત્તિને પોષી છે. કેટલાંય સર્જકોનો હસ્તમેળાપ મારી સાથે કરાવ્યો છે. નજીકની વ્યક્તિના મૃત્યુ સાથે આપણો પણ એક અંશ તેમની સાથે મરી જાય છે કારણ કે આપણું જ પ્રકટ થતું એક પાસું તેમના જવાથી સંકેલાઈ જાય છે. તે અર્થમાં મારો ય એક અંશ તેમની સાથે મરી ગયો છે. એક વિરલ વ્યક્તિના સમયમાં જીવવા ઉપરાંત તેમનો સ્નેહ-પ્રસાદ પામવો એ કાંઈ નાનુંસૂનું ભાગ્ય નથી. તેમના વ્યક્તિત્વની છાયામાં રહેવા મળેલું તેની કૃતજ્ઞતા ફરી રવીન્દ્રનાથનાં જ શદોમાં ‘કત અજાનેર જાનાઈલે તુમિ’ – કેટલાં અજાણ્યાંને તેં ઓળખાવ્યા. !’

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.