રાજકોટ પર જે સાંજ તોળાયેલી લાગતી તે અહીં ગામથી દૂર છેક છેવાડે ખીલી છે. સાંજનો રતુંમડો સૂરજ મુંજકાની ટેકરીઓની ટોચને અડ્યો છે. તેના ‘મિડાસ ટચ’થી બધું રંતુમડું પીળું ચળકવા લાગ્યું છે – સુક્કું ઘાસ, કરકરો પથ્થર, વાંકીચુંકી કેડી, ખેડૂતનું પીળું કેડિયું બધું. બારીમાંથી જ ટેકરીઓ દેખાય છે. શરીર ઘરમાં હોય ત્યારે બારી ખોલી મનને પેલી પરિચિત ટેકરીઓ પર મોકલી દઉં છું. મને ખબર છે ટેકરીઓની પાછળ ખુલ્લું ઘાસનું બીડ છે છતાં એમ થાય છે કે પેલી ટેકરીઓની પેલી મેર શું હશે ? પીએચ. ડી. કરતો ત્યારે ત્યાં મિત્રો સાથે અને એકલો જઈ પણ આવ્યો છું છતાં આ ક્ષણ સુધી એ કૂતૂહલ ગયું નથી, ટેકરીઓની રહસ્યમયતા ગઈ નથી.
અત્યારે સાંજે વીજળીના તાર પર બેચાર પતરંગા આમથી તેમ ઊડ્યા કરે છે. અમદાવાદમાં દસેક વરસમાં આ પતરંગાને જોયા નથી. હવામાંથી તેમની સહેક વાંકી લાંબી ચાંચ વડે ઊડતાં ઊડતાં જ ઊડતાં જીવાડાનો શિકાર કરતાં એ પતરંગા અત્યારે તો બે આ જ તરફ મોં રાખીને ચાર તે તરફ પૂંછડી રાખીને હવામાં ઊડતાં, તાર પર બેસતાં. જાતજાતનાં કંપોઝિશન્સ બનાવ્યા કરે છે. પાતળું પોપટી રંગનું નાજુક શરીર, પાછળ પાતળી એરિયલ જેવી પૂંછડી અને નિરાંતનું તો નામ જ નહીં. તેમની ચપળ ઊંચી નીચી ત્રાસી ઊડાનો જોવી એ એક લહાવો છે. ધીરે ધીરે સાંજના ગાઢા થતા જતા અંધકારમાં દૂરની ટેકરી અને તેના પરનું આકાશ લગભગ એકબીજામાં ભળી જાય છે અને પતરંગાના પોપટી રંગોમાં કાળાશ ભળવા લાગે છે અને પછી તો માત્ર તેના તીણા અવાજથી જ ઓળખાય છે. સાંજના આ સમયે ચપળ ફર ફર પતંગિયા જેમ અરવ ઊડતા ચામાચીડિયા જેવા લાગતા અબાબીલોએ ઊડવાનું શરૂ કરી દીધું છે. તેમનો Blakish Blue – શ્યામ નીલ રંગ સૂરજના ઢળતા પ્રકાશમાં ચળકે છે. પાસેના અને સામેના ખુલ્લા મેદાનની કાળી જમીન વધુ કાળી થઈ છે. ઝાંખા પ્રકાશમાં પાતળી ટીટોડીની આંખ પાસેની સફેદ પીર દેખાય છે. આમ તેમ ચારે તરફ જોઈ એક નવી નવી જુવાન થયેલી છોકરીની જેમ ખોટી સભાન થતી, જાણે જગત આખું તેની સામે જ જુવે છે તેવો ડોળ કરતી ટીટોડી લાંબા લાંબા પગથી દડ બડ દડ બે ડગલાં ચાલી ફરી ચારે તરફ જોઈ એકાદ ક્ષણના અંતરાલમાં ચાંચ જમીનમાં મારી ફરી નફફટ શરમાતી બે ચાર ડગલાં દોડ્યા કરે છે. પછી રાત્રે આવશે રાજ ચીબરીઓનું. અચાનક જ બહાર બે ચાર ચીબરીઓ ઝગડી પડે છે ને તેમનો તીણો ચુંથાતો પીંખાતો અવાજ ઘરમાં આવે છે. મોડી રાત્રે બહારથી આવું છું કે મોડી રાતે બારણું ખોલી બાલ્કનીમાં બહાર ઊભો રહું છું ત્યારે તેનું પ્રત્યક્ષ દર્શન પામી શકું છું. ચપટી ચાંચવાળી ચીબી ચીબરીનો વરવો વિરૂપ ચહેરો સાચ્ચે જ બિહામણો લાગે છે. હું તેની તરફ જોઉં છું તો માથું અને આખું શરીર થોડું ઊંચું નીચું કરી મારા પર ત્રાટક કરવા માગતી હોય કે ત્રાટકવા માગતી હોય તેમ મને બીવરાવે છે.
હવે રાત પડી છે. ચકલાંઓ ઝાડ પર અને કબૂતરો બારીની પગથી છજાં પર બેસી ગયાં છે – તમે હળવેકથી તેમની પાસે જઈ તેમનો વિશ્વાસઘાત કરી તેમણે પકડી શકો. ક્યાંયથી કોઈ આવાજ આવતો નથી સિવાય કે ટેબલ પાછળ કે પલંગ નીચે ભરાઈને અવાજ કર્યા કરતી કંસારીઓનો. એ અવાજ તો રાત્રિની શાંત નિર્જન નીરવતાનો અવાજ છે. તે અવાજ રાત સાથે એટલો તો ભળી ગયો છે કે રાતથી જુદો નથી પડતો અને અચાનક…. અચાનક જ મને દૂરથી તરતો તરતો આવતો કુંજડીઓનો ક્ષીણ અવાજ સંભળાય છે. એ અવાજ ધીમે ધીમે મેગ્નીફાઈ થઈ નજીક આવતો જાય છે – અવાજ જાણે દૂરથી હલેસાં મારી આગળ ન ધપતો હોય ! હવે કુંજડિયો તરંગિત ‘V’ આકારની પંક્તિ દેખાય છે. દેખાય છે એટલે કે આકાશઅંધારમાં કળાય છે. આ કુંજ પક્ષીને આપણે લાડમાં કુંજડી કહ્યું ને છતાં આપણા લાડ અધૂરાં રહ્યા હોય તેમ વળી લોકગીતમાં તે ‘કુંજલડી’ કહી વારી ગયા. “કુંજલડી રે સંદેશો મારો જઈને વાલમજીને કે’જો જીરે.” આકાશમાં ક્રેં ક્રેંનો ધ્વનિ કરતી કુંજડીઓ ફરફરતી ધજા જેમ ઊડતી ઊડતી દૂર ચાલી ગઈ. ફોકસમાં આવેલો એનો અવાજ ધીમે ધીરે ઘૂસર થઈ અવકાશમાં ભળી ગયો અને અચાનક જ ફોકસમાં આવ્યા પક્ષીદર્શનના શોખના એ પંદર વરસ પહેલાના આરંભના દિવસો.
જસદણ પાસે હીંગોળગઢના મોતીસરીના વનમાં સત્તરેક વરસ પહેલાં W.W.F. ના પક્ષીદર્શન – Bird Watching Camp માં શરદઋતુમાં પંદરેક દિવસ રહેવાનું થયેલું. એ દિવસોમાં રાજકોટમાં પક્ષીદર્શનની પ્રવૃત્તિ સારી એવી ચાલતી. દર રવિવારે રાજકોટ આસપાસના લાલપરી સાત હનુમાન ન્યારી, રંઘોળા, ઈશ્વરિયાના તળાવના કિનારે બેચાર સાયકલ સ્કૂટર ને મોટરો પડેલી દેખાય. હાથમાં બાયનોક્યુલરવાળા પણ બે ચાર જણા હોય. માઈગ્રેટરી યાયાવર પક્ષીઓને સ્વચ્છ આકાશ, નીલ નિર્મળ જળમાં જોવાનો આ એક અવસર. હું પણ પક્ષી રસિકોની સાથે જતો થયેલો. પક્ષી પરિચયની બારાખડી ઘુંટતો હતો, અને અચાનક જ હીંગોળગઢમાં જાણે સીધી ચોપડી હાથમાં આવી ગઈ. પક્ષીઓની નામરૂપની સૃષ્ટિમાં ખોવાઈ ગયો. ડૉ. ગોપાલ વ્યાસે મારા પરના વિશ્વાસથી જ સ્વયંસેવક તરીકે મારું નામ લખવી દીધેલું. જાણે આખી પંખી સૃષ્ટિ જાણે મારા હાથમાં મુકી આપી.
રાખોડી લટેરો, નાચતી કુદતી ફૂત્કી, પૂંછડી ઊંચી નીચી હલાવતો દીવાળી ઘોડો, નવી નવી નાચતાં શીખેલી કિશોરી જેવો થનગનતો અંગોને થરકાવતો થરથરો, હૂક હૂક કરી અવાજના ગંભીર મોટા ઘુમ્મટો રચતો ઘેરો બજારિયો, કાગડિયો કુંભાર, બીજા પક્ષીઓના ઈંડા ખાઈ જઈ જંગલમાં તરખાટ મચાવતો ખેરખટ્ટો, પાંખોથી સેલારા મારતી સમળી, પૂંછડીના પીંછાનો પંખો ઉઘાડ બંધ કરતી નાચણ, ટહુકાના ભરત બુટ્ટા ભરતુંનું રૂપાળું દૈયડ. મોડી રાતે ય અચાનક કશીક કસકમાંથી ઊપાડ લેતો બપૈયાનો આર્જવભર્યો ટહૂકો ચાંદનીમાં સ્તબ્ધ જંગલમાં ફેલાય જાય છે.
મને યાદ આવે છે પાણીમાં ચળકતી ચાંદની જેવી તરંગિત જલસપાટી પરથી અચાનક અંદર ડૂબકી દઈ દેતી નાની બતકો. મોટાં પાંદડાઓના વેલાઓ પર ચાલતું જસાના, મોટા નીલમણી જેવી જળકૂકડીઓ, પડછંદ પાંખો સંકેલી જળમાં આમતેમ સહેલગાહ કરતાં પેલીકન, પેલીકનના ચાંચ નીચે લચકતો ત્વચાનો ગલ બે ત્રણ જાતની ટીટોડીઓ, ઊપરથી ઊડતા ટોળેટોળાં વૈયાઓ, ખેતરમાં મોટા ઝુંડમાં ઊભેલો તડકો ખાતા મૂળિયા ખોદતાં ધીમે ધીમે ચાલતાં કુંજડીઓના ટોળાં પાતળી ‘V’ આકારની પૂંછડી ફરકાવતો ચપળ ચબરાક કાળિયોકોશી, કાંઠા પરના કાદવમાં પગલાંની છાપની વેલ પાડતાં નાનાં નાનાં પક્ષીઓ, ઊડીને આછા ગાઢા બ્લ્યૂ રંગના લસરકા દોરી જતું ચાષ પક્ષી, નાનકડા હૃદયમાં અદમ્ય ઉત્સાહ ભરી ઝાંખરામાં આ ડાળથી પેલી ડાળ ઊડતી ગાતી ફરતી મુનિયા અને બંટીંગ ચકલીઓ; સાંજની ગાઢી થતી રહસ્મયતામાં કોઈ અતૃપ્ત આત્મા જેવો હળવો હળવો ફફડાટ વગર રઝળતો ઊડતો દશરથિયાની પાંખોનો સુંવાળો અવાજ, ચીક્ ચીક્ ચરરર્ કરી સાંજના એકાકી, નિરવ અંધકારના પોતને ચીરતો તેનો ચિત્કાર ધ્વનિ મારી નજર સામે તરવરે છે. પક્ષીઓ સાથે આટલો ઘરોબો કેળવ્યા પછી તેમને ભૂલી ગયો નથી. હા હવે પહેલાં જેમ ખાસ પક્ષીદર્શન માટે જતાં તેને બદલે હવે જ્યાં કોઈ જયારે, કોઈ જે કોઈ, પક્ષી દેખાઈ જાય તો તેને સાંભળવા જોવાનું ચુકતો નથી. પક્ષીઓએ તેમના રૂપ, રંગ, અવાજ ઉડ્ડયનથી મને જે આપ્યું તેનું ઋણ હું કેવી રીતે ફેડું ? જો કે તેઓ આને ઋણ ગણતા નથી તે પણ ઋણાનુંબંધન જ ને !