૨૮ – ગગન ખોલતી બારી

‘ઊંચે ઊંચે મહલ બનાઉં બીચ બીચ રાખું બારી’ એમ મીરાંએ કેમ કહ્યું હશે ? ‘સુની રી મૈને હરિ આવન કિ અવાઝ.’ એ અવાજ સાંભળી બાહવરી મીરાં સાંવરાને નીરખવા બારીએ બારીએ દોડતી હશે ? દીવાલો ચણી આપણે સલામતીની સ્થિરતાની ખાતરી તો કરી લીધી પણ આપણે અંદર જઈ શકીએ માટે બારણાં પણ રાખ્યાં. પણ બારીની જરૂરિયાત બધું સૂક્ષ્મ છે. બારીઓ હવા પ્રકાશની મુક્ત અવરજવર માટે તો ખરી જ પણ એથીય વધુ તો શરીરની સીમમાં પુરાઈ રહેલા આપણે આપણી ત્રિજ્યાઓ ફંગોળી દ્રષ્ટિ અને મનરૂપે વ્યાપ્ત થઈશકીએ માટે જ આ બારી.

આ બારી જ ઘરે બાહિર વચ્ચે સંધાન કરી આપી અંદર બહાર ખુલતી નવા નવા પવનો લાવતી મનની મુક્તિનું પ્રતિક બની ગઈ. ગાંધીજીએ પાયામાં સ્થિર રહેલા મૂળિયાવાળા ઘરમાં દેશ વિદેશના પવનો વહી લાવતા ખુલ્લાં બારી બારણાવાળા ધર્મની જ વાત કરીને ! કાકાસાહેબે ‘ઓતરાદી દીવાલો’માં સાબરમતી જેલ કોટડીમાં એક નાનકડી જાળિયું હતું તેમાંથી તેમણે કરેલા પક્ષીદર્શન, આકાશદર્શન ને જગતદર્શનનું આપણને દર્શન કરાવ્યું. એક જાળિયાને હિસાબે જ જાણે એ ટકી ગયા. મોટા અંધારિયા એક ઓરડાની બારી પણ અસીમ આકાશ સાથે, Cosmos સાથે જોડી શકે. એટલે જ તો કવિ ચંદ્રકાંત શેઠે ગાયું ને “બારીમાંથી ગગન પાડતું સાદ, સાદ ના પાડો.” બારીપાસે જ રવીન્દ્રનાથના ડાકઘરનો કુમળો ભોળો રુગ્ણ અમલ બેઠો છે. રુગ્ણ શરીર તો રોગથી પથારી સાથે જોડાયેલું છે. પણ કલ્પનાની બારી ખુલ્લી છે. બારીમાંથી જોતાં તેની કલ્પના વિસ્તરે છે. તે દૂરથી આવતા દહીંવાળા ફેરિયાને જુએ છે, રાજાના પહેરેગીરને જુએ છે, સુધાની રાહ જુએ છે, દૂર પેલી ટેકરીઓની પેલી પારથી તેનો રાજા – એ અસીમ કહો વિરાટ કહો ભૂમા કહો તેને ચિઠ્ઠી મોકલવાનો છે. આ બારીથી જ અમલ નથી ટક્યો ? પેલા સ્પેનિશ કવિ લોર્કાનો મરણાસન્ન નાયક ઇચ્છે છે કે,

“જો હું મરું, ઝરૂખો ખુલ્લો રાખજો
શિશુ આરોગે સફરજન. (મારા ઝરૂખેથી જોઉં હું)
લણણી કરે ખેડું ધાન્યની (મારા ઝરૂખેથી સાંભળું હું)
જો હું મરું, ઝરૂખો ખુલ્લો રાખજો.”

આ બારીમાંથી મરણાસન્ન કવિ ઇન્દ્રિયોના અંધારપટ સમયે ઇચ્છે છે, જીવનના પ્રતીક રૂપે શિશુને પ્રથમ જૈવિક ક્રિયા આરોગતું જોવા .અને ધનધાન્ય અન્ન બ્રહ્મ એ પણ Food Chainની પ્રાથમિક કડી જીવનનું રહસ્ય જ ને ? મરણ સમયે કવિ જીવનના મોઢા મોઢ રહી બારી ખુલ્લી રાખી જીવવા ઈચ્છે છે. આપણા એક અચ્છા કવિ પ્રહલાદ પારેખે તો સંગ્રહનું નામ જ રાખ્યું ‘બારી બહાર’. આપણે પદાર્થના આંતરવિશ્વમાં જવા માઈક્રોસ્કોપ શોધી એ સૂક્ષ્મમાં ડોકિયું કર્યું. ઇલેકટ્રોન માઈક્રોસ્કોપની આંખે સૂક્ષ્માતિસૂક્ષ્મનું અવલોકન કર્યું. આપણે ઊંચું જોયું. ઉપર નિરાકાર નિરંજન અખિલ અફાટ આકાશ. આપણે ટૅલિસ્કોપની એ દ્રષ્ટિના શેરડાઓ દોડાવી બ્રહ્માંડને ખૂણે ખાંચરે ફંફોસ્યું. સૂર્ય ગ્રહ નક્ષત્ર તારા આકાશગંગા ધૂમકેતુ નિહારિકા બ્લેકહોલ ને પલ્સારને શોધ્યા, પણ ન જોયું અત્ર અને અદ્ય સામે પડેલા બારી બહાર જ રહેલા જગતને.

અત્યારે બારીની સામે જ બેઠો છું, સળિયા વગરની ખુલ્લી બારી, બહારના કમ્પાઉન્ડના દ્રશ્યને ફ્રેઈમ કરી આપે છે. છેક બારી સુખી ઝૂકી આવેલાં લીમડાઓની લીલી ચામરો પવનમાં આમતેમ ઝૂલે છે. વચ્ચે વચ્ચે હમણાં જ વરસાદમાં નાહવાથી કથ્થાઈ વાને ઉઘડેલા થડ ડાળો ટાગડાળો દેખાય છે. પવનમાં તેની પત્તીઓ આમ તેમ ફરફરવાથી લીમડાની આરપાર દેખાતા નીલઆકાશની ભાત બદલાય છે. થોડે દૂર બારણાની સમાંતર પરસાળમાં એક બારીનું ચોકઠું છે. તેમાંથી દેખાય છે એલ નીલગીરીનું લીસું સોતા જેવું ઝાડ – આખો વખત આખું જ પવનમાં ડોલતું. તેની પાછળ છે દેશી નળિયા ચાળેલું જૂનું મકાન. કાળી ભીંતો ખરી ગયેલા નળિયાને લીધે દેખાતી વળીઓની પાંસળીઓ, મિજાગરાથી ખડી પડેલી લટકતી પવનના થપાટાથી અથડાતી બારીઓ. આ બધું એ ખખડઘજ આલીશાન મેમણ બૉર્ડીંગને રહસ્યમય ભૂતબંગલો બનાવી દે છે. ભરબપોરે પણ ત્યાં નજર નાખી આ પરિચિત જગતમાં ત્યાંની અપરિચિતતા અને શાંતિ નજરથી સૂંઘી લઉં છું.

મારી સામે જ ઐશ્વર્યખચિત એક બીજીબારી પણ છે. તેમાંથી દેખાય છે કૂણાં પોપટી અને લીલા કાચ જેવા ગાઢ લીલાં પાન. પાનની વચ્ચે વચ્ચે પાંખો પહોળી કરી બેઠાં હોય તેવા ખુલેલા ગુલમહોરના રાતાં ફૂલ. તેની પાછળ કુમળો બટકણો આછો પોપટી સરગવો. આ બધાં દ્રશ્યોને હું મારું માથુ સહેજ આમથી તેમ બદલાવીને તેનું કંપોઝિશન બદલાવું છું. રસ્તા પરની બારી તો સ્વયં ચલિત ચિત્ર. રેંકડીઓ, રંગબેરંગી કપડાં પહેરેલાં માણસો, વાહનો આવતાં જાય ને બારીની ફ્રેઈમાં નવાં નવાં દ્રશ્યો બનતા જાય.

બારીઓના પણ કેવા નવનિધ પ્રકાર. સળિયાવાળી, કાચવાળી, છજાવાળી, રોડ પરની, આદમ કદની, રંગીન કાચવાળી, સીધી રોડપર પડતી, બગીચામાં ખૂલતી, નાનું એવું જાળિયું, ડોકાબારી, નકશીદાર ઝરૂખો કે થાંભલી વાળો રવેશ, ગોખ કે ગવાક્ષ…. પાર નથી એનાં રૂપોનો અને તેમાંથી દેખાતા દ્રશ્યોનો. ઝરૂખાની વાત નીકળી તો યાદ આવ્યું. એકવાર પ્રવચન શ્રેણીમાં પ્રવચન આપવા સુરેશ જોષી રાજકોટ આવ્યા’તા. બીજે દિવસે પ્રવચન પછી ફ્રી થયા ને અમે આગ્રહ કર્યો કે મારા ઘરે ચાલો. એ વખતે રાજકોટમાં હું એકલો જ રહેતો પણ એ મારું ઘર અમારાં સૌ મિત્રોનું અમારું ઘર હતું. લાકડાના દાદરા વાળું, ઊંચી છત વાળું, પરદેશી નળિયાવાળું જૂની ઢબનું શાલીન મકાન. એક ઓરડો ને રસોડું. રસોડાની એક દીવાલ તો બારીઓની જ બનેલી – આઠ આઠ બારીઓ. રોડ પરના રૂમનું બારણું ખૂલતું નકશીદાર વળાંકદાર જાળીવાળા રવેશમાં. રવેશમાં નીચે લાલ લાદીની ફરશ. વચ્ચે લીલી સિમેન્ટનો ઉઠાવ, છેક રવેશ સુધી ઝૂકી ગયેલી પીપળાની નમણી લટકતી ડાળીઓ. તમે ફોટોગ્રાફર હો તો ગમે તે ઍંગલથી ફોટો લીધા કરવાનું મન થાય. રવેશ ખાસ્સો ઊંચો હતો, અત્યારના મકાનોના દોઢેક માળની ઊંચાઈ જેટલો. સુરેશભાઈ રવેશમાં આવ્યા ને ખુશખુશ. પીપળાના પાનના પડછાયા રવેશની નકશીદાર જાળીના પડછાયા વચ્ચે લાલ ફરશ પર નાચે. સામ્મે જ ટુકટુકયો કંસારો. ટુક… ટુક… અવાજ બંધ કરી પીપળાની પાકી પેપડીઓ ખાય. નસીબ જોગે પીળક પણ દેખાય ગયેલું. સુરેશભાઈના સંવિત્તમાં એ બધું ઝીલતું હતું તો તેમણે ઘરે ગયા પછીથી મારા ઘરના ટુકટુકિયાને યાદ કર્યો તેના પરથી લાગ્યું. ઓચિંતા આ બધાંથી દૂર સરી જઈ રવેશને અઢેલી કહે અત્યારે એક ચાઈનીઝ કવિતા યાદ આવે છે :

“સાંજને સમયે
એકલા હો ત્યારે
ઝરૂખ પર ઝાઝું ઝૂકવું નહીં”

ઓ પાર બોલાવતી સાંજ એમાં વળી ભળે તમારી એકલતા અને ઊભા હો ઝરૂખે – ગમે ત્યારે તમે જંપલાવીદો. જીવનને હાલક ડોલક કરતી એ ભંગુર લલચાવતી ક્ષણથી બચવું. જીવન જીવવાની ઈચ્છાનો ભરોસો નહીં. તે ગમે તે કરાવી બેસે તો મરણની ઇચ્છા મુમૂર્ષાનો પણ ક્યાં ભરોષો છે. હવે ઝરૂખે હું ઝૂકતો નથી.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.