પંચમહાભૂતની તન્માત્રા ભૂતસંઘ વિશે વિચારતા જગતના રહસ્યમાં તળિયે ડૂબકી લગાવી સત્ય તથ્યના મોતી મેળવવા ઇચ્છતા ફરી ફરી આ જગતની સપાટી પર આવી બીજા જ જગતમાં ફરી ડૂબકી લગાવતા વૈજ્ઞાનિકો શું કામ મથ્યા કરતાં હશે ? જ્યાં સીધો રસ્તો હોય તે છોડી કેડી – “Road not taken” પર કેમ ચાલતા હશે ? કશીક શોધ, અજ્ઞાતમાં ઝંપલાવવાની ઇચ્છા કેમ થતી હશે ? ઊફરા ચાલી સમાજનો રોષ, ખોફ ખોફગી વહોરી લેવાનું બળ ક્યાંથી પ્રાપ્ત થતું હશે ? એ નકશા વગરના પ્રદેશોમાં જ પડતાં આખડતાં ભૂલા પડતા પહોચાવાનું તો શેને માટે ? ત્યાં સોનાના ચરુ જેવું નિશ્ચિત ધ્યેય ન પણ હોય. ત્યાં કદાચ કશું જ ન હોય. – આખી જિંદગી વૃથા શોધ પાછળ પાણીમાં પણ ગઈ હોય. છતાં આ રસ્તે કશું ન મળ્યું એ પરિણામ પણ એક ઉપલબ્ધિ હોય, તેનો તે વૈજ્ઞાનિકને આત્મસંતોષ હોય.
જગતનાં એક જ ભાગ રૂપે આવિર્ભૂત થઈ જગતથી જુદી ઓળખ મેળવી પોતાથી આ જગતને જુદું નિહાળતા બે અઢી કિલોના આ માનવમનને શું કહેવું ? ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ એમ જ કહેવું પડે. બહુ વિચારતા ગૂંચવણમાં પડી જવાય તેવી છે, આ જગતની મનની અને મનોજગતની વાતો. જગત ધીમે ધીમે ઉકેલાતું જાય છે, વંચાતું જાય છે ને જાણે બીજી તરફથી એ અનંત પટ ઉખેળાતો જ જાય છે. કદાચ એ પરમની ઇચ્છા આ જગતને રહસ્યના આવેષ્ટનમાં જ રાખવાની હશે તેથી જ તો તે રહસ્યના ચિર પૂર્યે જ જાય છે. જગત કદાચ પૂરેપૂરું સમજાશે નહીં પણ સમજવાનો પ્રયત્ન જ માણસમાં કશુંક બળ પૂરે છે. વિખ્યાત ન્યુક્લિયર ફીઝિસિસ્ટ સ્ટીવન વીનબર્ગ રહસ્યોને તાગવાના વરસોના પ્રયત્ન પછી ફલશ્રુતિ વિશે લખે છે : “The more the universe seems comprehensible the more it also seems pointless. But if there is no solace in the fruit of our research there is at least some consolation in the research itself….
The effort to understand the universe is one of the few things that lifts human life a little above the level of farce and gives it some of the grace of tragedy.”
-Steven Weinberg
એક પ્રસહન બનતી જિંદગીમાં ઉદાત્ત ધીર નાયકને કરુણાંતિકા-ટ્રેજેડીમાં મળતી ગૌરવાંતિક હાર મળે તે શું ઓછી ઉપલબ્ધિ છે ?
કવાકર્સમાંથી ન્યુકલીઓન એટમ, મોલેકયુલ ક્રિસ્ટલ એમ આરંભાયેલી યાત્રામાં ચાલતાં ચાલતાં જીવનનો પ્રાદુર્ભાવ થયો. આ જીવન એટલે ? તેની કોઈ વ્યાખ્યા ? મરણના ઘણા પર્યાયવાસી શબ્દો મળે છે, અલગ અલગ અર્થચ્છાયાઓ ધરાવતા. જેવા કે પરલોક સિધાવ્યા, અક્ષરવાસી થયા. પાર્થિવ દેહ છોડ્યો, પંચમહાભૂતમાં ભળી ગયા, વૈકુંઠ સિધાવ્યા, પાછા થ્યા, સ્વર્ગવાસી થયા પણ જીવન વિશે શું કહી શકાતું નથી. તેને ન સમજાવી શકાય. તેને અનુભવી શકાય છે – વર્ણવી શકાતું નથી. કહેવું હોય તો તેટલું જ કહેવાય ‘Life is life is life’. જોકે વૈજ્ઞાનિકોએ જીવનની એક Loose અપર્યાપ્ત પાંખી વ્યાખ્યા શોધી છે. તેઓ કહે છે, ‘The ability to replicate and pass on organised information’ પોતાની પ્રતિકૃતિ સ્વયં ઉત્પન્ન કરી શકે અને સુવ્યવસ્થિત માહિતી વારસામાં ઉતારી શકે તે જીવન.
બધે રૂપનિર્મિતિની ક્રિયા ચાલે છે. નિર્જીવ પદાર્થોમાં રહેલા gravitational અને electro magnatic ગુરુત્વાકર્ષણ અને વીજચુંબકીય બળો પણ આ ઓર્ગેનાઈઝેશનને અકબંધ રાખવા માટેનાં જ છે. વાયવી ગોળામાંથી જેટલાં ઘનીભૂત તત્વો બન્યાં, તેના કરતાં વધારે ઝડપથી તેમાંથી પ્રથમ જીવ ઉત્પન્ન થયો. આ પ્રથમ જીવમાંથી આદિમાનવ અને આધુનિકમાનવ વિકસિત થયો. દરેક તબ્બકે વિકાસની ગતિ વધી જ છે.
ઉત્ક્રાંતિ Evolution શબ્દનો, તેના લેટીન મૂળમાં, અર્થ ઉદ્દઘાટિત થવું તેવો થાય છે પણ એવું કશું અગાઉથી નિર્ધારિત થયેલું રૂપ ઉદ્દઘાટિત થતું નથી. ઉત્ક્રાંતિનો રસ્તો તો અનેક ભૂલો નિષ્ફળતાઓનો માર્ગ છે અને તેમાં Trial and errorના ધોરણે જ કામ ચાલ્યું છે. એક અર્થમાં સાર્ત્ર અસ્તિત્વના સંદર્ભમાં ‘Existence Preceeds essence – અસ્તિત્વ તત્વનું પુરોગામી છે.’ તે મતને ઉત્ક્રાંતિવાદ શિદ્ધ કરતો હોય તેવંc લાગે. જીવાતા જીવાતા, પડતા, આખડતા, ભૂલો કરતાં, ફંટાતા, વળાંક વળતા, નિષ્ફળતાને વળતા
વળતાં જીવન પોતા પાસે જ વ્યક્ત થતાં થતાં પોતાનો બૃહદ અર્થ શોધ્યા કરે છે.
Sexualr Production – લિંગ પ્રજનને જીવનને ઉત્ક્રાંતિની પ્રક્રિયાને ગતિ આપી છે તો કોષના જમીન-જીનમાં અચાનક થતાં ફેરફાર Mutation રહી જીવન ઓચિંતું જ અનેક દુર્ગમ ખીણો, ઉત્તુંગ પર્વતો, સર્પસીડીની સીડીની જેમ ફલાંગીને ચડી ગયું છે. નેતિ નેતિ વર્ણવ્યવસ્થા કે કાર્ય વિભાજન સ્થાપે તે પહેલાં દરેક Organism સજીવે તેના કોષોમાં આ કાર્ય વિભાજન અને વિશેષજ્ઞતા તજજ્ઞતા કેળવી. કિડનીના કોષ, મગજના કોષ,લીવરના કોષ ,સ્નાયુ બધાં જાણે Specialist. દેહના સંસ્થામાં independence નો બળવો નહીં પણ independence – આંતર નિર્ભર સહઅસ્તિત્વની ભાવના. આ કાયા, એક કીડીની પણ નાનકડી કાયા એટલે કોષોની સુચારુ સમાજવયવસ્થા. દરેક જુદા છતાં બૃહદના એકમો ઘટકો. દરેક અંશ, દરેક કોષ એ બૃહદ્ની સમગ્રની સંભાવના-ક્ષમતા. એક લીવરના કોશમાં આખા દેહની રચનાની ક્ષમતા સંગ્રહિત સુરક્ષિત પડી છે.
જીવન તેની દુર્દમ્ય તાકાતથી માત્ર ઝૂઝતું જ નથી પણ આગળ વધતું જાય છે. અને સાચા અર્થમાં ગૌરીશિખરને સર કરતું જાય છે. સમુદ્રના સમઘાત એકરસ Homogenous વાતાવરણમાં જન્મ પામી વધુ વિષમ ભૂમિ પર અને ભૂમિમાંય દુર્ગમ ભાગો, રણ કે ધ્રુવ પ્રદેશ, સુધી જીવન તેની વિજયયાત્રા ચાલુ રાખે છે. માત્ર ૩૦ ટકા જેટલી ભૂમિ પર ૮૦ ટકા જીવોની જાતિઓ વસે છે. સહરા કલહરી કે ગોબીના રણથી માંડી દક્ષીણ ધ્રુવ સુધી તે વિલસી રહ્યું છે. એક વૈજ્ઞાનિક કહે છે જીવન એ ઓછા પ્રતિકારનો માર્ગ નથી અનુસરતું. તેને તો સંઘર્ષ ખપે. પ્રતિકાર લલકાર પડકાર આહવાનથી જ તેને પાનો ચડે અને રક્તતિલક કરી કેસરિયા કરે. “Life does not follow the path of least resisnce There is something Within life, within nonliving matter too, that is not passive – a nisus – a striving that is stimulated by challenge. Steadily throughout the geological time, life has moved out from easy to difficult environments.”
સમગ્ર રીતે જીવન એ મૃત્યુ કરતાં મહાન છે. કારણ કે પોલ વાલેરી કહે છે તેમ “Life is older than death” – જીવન ભલે ને થોડું તો થોડું પણ મૃત્યુ કરતાં મોટું છે. મહત્ત છે. પૃથ્વી પર ભલે ને જીવનનો ક્ષણિક પ્રાદુર્ભાવ થયો હોય.’ મૃત્યુ તો તેના પછી જ આવ્યું છે. આપણા અંગત જીવનના સંદર્ભમાં કહી શકાશે કે આ બૃહદ સમષ્ટિમાં આપણું ભળવું પોતે જ આપણા ક્ષણિક અસ્તિત્વને અતિક્રમે છે – બિન્દુ સાગરમાંથી જન્મી સાગરમાં ભળી સાગર થઈ જાય તેમ. બૃહદ સમગ્રના સાગરમાંથી બિન્દુની ડોક તાણી સાગરને જોતો આપણો આ જન્મ એ વિશાળતાને અનંતતાને શાશ્વતીને નિહાળવા થયો છે તેવું લાગે છે.