૧૮ – राधे गृहं प्रापय

શિયાળાની ઠંડી હવે જવામાં છે. પાછલા પહોરની પીછોતરી થોડી ગાઢ થયેલી ઠંડીમાં આછા છાયેલા વાદળની ધુંધળાશ ભળી છે. સ્વપ્નોના તાણાવાણામાં ગુંથાયો હતો ત્યાં અચાનક જ દૂધવાળા એ પિપૂડું વગાડ્યું અને જાગ્યો. આંખો ઉઘડી. મચ્છરદાનીમાંથી પહેલાં પગ બહાર નીકળ્યા પછી આખુ શરીર. પગે પલંગ નીચે પડેલાં સ્લીપર ફન્ફોસ્યાં. પહેર્યા. ઢસડાતા પગ ફ્રીઝ પર રાખેલી તપેલી સુધી ગયા. આંખો અડધી પડધી ખોલી. જાગીને જોયું તો જગત દીસ્યું તે મારી જેમ અડધું ઝોકે ચડેલું અને રહસ્યમય. શયનખંડમાંની મચ્છરદાની શાંત, નરમ. બારીના પડદાઓ હળવા ઢળેલા. ટેબલ ખુરશીએ પણ એક વ્યક્તિત્વ ધારણ કરેલું. મને જાગેલો જોઈને પાળેલા પ્રાણીની જેમ બધાં ચાર પગે શાંત ઠાવકા થઈ ગયાં. રાતે બધા એકમેક સાથે વાતોએ વળગ્યા હશે. ફ્રીઝ, ટેબલ, પુસ્તકો, બુદ્ધની મૂર્તિ. ચાકળો, ફોટો, ફ્લાવરવાઝ, તપેલી, રસોડાની થાળી, સાબુદાની, અરીસો બધાં આમતેમ ઘરમાં ફર્યા હશે. હૂંફ ભરી ગુફતગુ કરી હશે ને ફરી સવારે સ્થિર થઈ ઠાવકાં થઈ ગયાં હશે. આવા બધા વિચાર કરતો ચેતના પર બાજેલી ઊંઘને પાણીમાં લથપથ પલળેલું કૂતરું જેમ આખું શરીર આમતેમ આંચકા આપી થરકાવી પાણી છટકરે તેમ છંટકોરું છું. બારણાના આગળા એક નહીં ત્રણ ત્રણ છે. એક સ્ટોપર અને બે આગળા. ત્રણેયના ખુલવાના અવાજો જુદા જુદા. ‘સ્ટોપર ખટ, એક જાડા આગળાનો ખટાક અને બીજો એલ્યુમિનિયમના નાના આગળાનો ખ…ટા….ક થોડો ધીમો અને સ્લો મોશનમાં.’

હા, હવે હું ઘરની બહાર અને ઊંઘની પણ. આંખ હજી સ્વપ્ન ઝાકળથી આંજેલી છે. સવારની ઠંડક છે તો વાંધો નથી. થોડી વારમાં તો ઝાકળ ઊડી જશે અને જગત ખુલ્લું થશે. બહાર નીકળતાં વેંત જ ઘાસની, ઘેરી ભેજભરી હૂંફાળી ગંધ નાકમાંથી ક્યાંક અંદર આદિમ ખૂણા સુધી ચડી ગઈ. એ Organic ગંધમાં ફ્રેશનેશ તો હતી જ પણ મારો આવકાર અને સ્વીકાર હતો. કોઈએ કહ્યું છે કે ‘kiss can not be communicated’ તમારે કરવી જ પડે તેમ આ ગંધ પણ તમારે જાતે જ સુંઘવી પડે. કોઈ અચિંત્ય તત્વને વર્ણવવા શબ્દો અધૂરા છે તેવું જ આ ગંધનું પણ. બગીચામાં બદામની છત્રી ખૂલેલો. તેની ઓથે ચડેલી જૂઈની વેલ પર જૂઈના સફેદ ફૂલો ભળભાંખળા પ્રકાશમાં સફેદ ટપકાં જેવા ટમટમતાં જાસૂદ તેની બાંધી મુઠ્ઠી ખોલવાની તૈયારીમાં છે ને ઉપર આકાશમાં વાદળછાયું. બધું રહસ્યમય. રહસ્યકથાઓમાં ભયનો પુટ આપી વર્ણવાતું વાતાવરણ નહીં પણ ગૂઢ અનિર્વચનીય અર્થમાં રહસ્યમય. હમણાં જ કશુંક બોલી ઊઠશે તેવું લાગે. આ બધું આટલું જીવંત છે તેતો ત્યારે જ અનુભવ્યું. સવારે બ્રાહ્મમુહૂર્તમાં મારી પણ પ્રાણપ્રતિષ્ઠાનવિધિ થઈ ગઈ. જોકે મને ખબર છે કે મારા પ્રાણની પ્રતિષ્ઠા લાંબો વખત ચાલશે નહીં. બપોર સુધીમાં પ્રાણપ્રતિષ્ઠિત મૂર્તિ ખંડિત થઈ ભારે પથ્થર થઈ જવાની છે. હમણાં પત્ની ઘરે નથી એટલે છાપુ નથી મંગાવતો એટલે જગતનો વરવો વીંટો મારા ઓરડામાં નહીં ખૂલે. છાપામાંથી નીતરતા લોહીનો રેલો ઓરડામાંથી બહાર તરફ નહીં રેલે.

આ વીસમીસદીના છેવાડાના દિવસોમાં પણ ચકલીઓ આટલી બધી ખુશ છે ? તેમની ઝીણી ઝીણી ચહચહાટથી આખું ફળિયું જાણે ભરાઈ ગયું છે. કેમ આટલું બધું ગાતી નાચતી ફરતી હશે ? નાનકડાં હૃદયમાંથી આટલું તે શું ઉભરાય છે ! ખિસકોલી પણ આનંદ ચિત્કાર કરતી, રૂંછાદાર પૂંછડી છેક માથા સુધી લઈ આવતી અમથી અમથી આમથી તેમ દોડાદોડ કર્યા કરે છે. બપોરે હોલોનો હોલારવ એકાંતનો, ઉદાસીનો અનુભવ કરાવે છે, તે પણ સવારની હળવાશમાં કેવો સુખદ લાગે છે ! અને બપોરે કકલાણ કરી ઊઠતા કાગડાઓનો અવાજ પણ કેવો કુમળો અને નરવો. સવારની જ આ બધી કમાલ. પછી પહોર ચડતો જશે ને તડકો જ નહીં કશુંક બીજું પણ ઊઘડતું આવશે. કીડીઓનો રાફડો ફાટે ને કીડીઆરું ઊભરાય તેમ બધું ઊભરાશે. પહોળા પથરાયેલા રસ્તાઓ સાંકડા થઈ ચગદાઈ જશે. ડાકલાં દેતું કશુંક અંદર જાગશે ને બપોર આખું ધૂણશે. ક્રિયા કલાપ આરંભાશે. રસોડામાં છમકારા બોલશે. અનેક હાથોના ઊંટડા મોમાં બ્રશ લઈ મચી પડશે. બાળકો મસ મોટું દફ્તર ભરી થાકેલા પગે સ્કૂલે જશે, વધુ થાકીને પાછા આવશે, ટીફિન ભરાશે, ખેતરે ભાત જશે, દુકાનોમાં પડીકાં બંધાશે. ફેકટરીના ચાકરો ધમધમશે ટાઈપરાઈટરો ટપા ટપ ટપ કર્યા કરશે. કૂંડી પાસે કોઈ કાગડો બોલશે ને ઝોકે ચડી ગયેલી ગૃહિણીને ઉઠાડશે. આકાશમાં એક ચકલુંય નહીં ફરકે. સવારની તો કેટકેટલી રાગ રાગિણીઓ ભૈરવ, ભટિયાર, ગુણકલી, જૌનપુરી ને તોડી અને બપોરનો એકાદો સારંગ. તેવી જ રીતે એકલી એકલી સમળી મોટા મોટા ચક્રવા મારતી સેલારે સેલારે સરશે. તેને નગર બણબણતી માખીઓને અને સળવળતા કીડાઓથી ખદબદતા શબ જેવું લાગશે. પશ્ચિમ તરફ લંબાતા પડછાયાઓ મધ્યાહને તેના પાયામાં છાંયો શોધવા લપાશે. પિંડીમાં થાક, બગલમાં પરસેવો ને મનમાં કંટાળો બાઝશે.

સાંજ પડશે પડછાયાઓ પૂર્વ ભણી લંબાશે. સાયરનો વાગશે, ધણ વછૂટશે. રેલો આખો ઝીબ્રા ક્રોસીંગે રોકાશે. બંધ તૂટશે, ફરી ધસમસશે. થાકેલા પગે, પૈડાએ શરીર ઘરે આવશે. સંધિપ્રકાશના આકાશ તરફ નજર જશે. વાસ્તવિકતાની ઠોસ, નક્કર ધરતીને લંગરાઈ રહેલું મન આકાશમાં રઝળશે. અકારણ અજાણી ઉદાસી ઘેરી વળશે. મન કહેશે અહીં નહીં બીજે ક્યાંક. ક્યાંક બીજે. ક્યાં તે તો તેને પણ ખબર નથી. રાતે મન દૂર દૂર ક્યાંક મોતીનો ચારો ચરવા જાય તે પહેલાં આંખો આગળ નીકળી પડશે. ખેતર ખળેથી ગાડું ઘર ભણી આવશે. કાનજી પટેલ કહેશે –

‘બહુ દૂર નથી છાપરૂં
આઘે નથી હોકો
નથી છેટો ચૂડલો’

કોઈ ઉફણતી સોડમવાળી ચાનો એક કપ માગશે. મીરોસ્લાવ હોલુબ કહેશે –

‘પૃથ્વી ને માપી
અને સાગર માપી પૃથ્વી સાથે શૃંખલિત કર્યો.
શેષ કાંઈ રહ્યું હોય તો
તે છે નહેર ઉપરનું નાનું ઘર
એક પુરુષ સૌમ્ય સ્વરે બોલતો
એક સ્ત્રી આંખમાં આંસુવાળી
શેષ કાંઈ રહ્યું હોય તો તે છે સાંજનો દિપ
એક પૃથ્વીખંડ ટેબલનો
ટેબલ પરની ચાદર, એક સાગરપંખી – જે ઊડી જતું નથી.
શેષ કાંઈ રહ્યું હોય તો
તે છે ચાનો એક પ્યાલો
જગતનો ગભીરમાં ગભીર સાગર’

તો જયદેવ કહેશે –

‘राधे गृहं प्रापय’

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.