૧૭ – શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો

શિયાળાની સવારનો ગરમ ધાબળી જેવો તડકો ઓઢીને બાલ્કનીમાં બેઠો છું. હમણાં જ બહાર નીકળ્યો છું બાકી તો ઘર એ ભરાઈ રહેવાનું દર બની ગયું છે. આ બે ત્રણ મહિના Hybernationમાં જવાનું છે. ઘરમાં બારીના કાચમાંથી આવતો પ્રકાશનો સેરડો, તેમાં ઉડતાં રજકણો જોયા કરું છું. ગોદડા રજાઈ ધાબળા, ડામચિયા કે પેટી, પલંગ નીચેથી બહાર આવ્યા છે. માના સાડલાની જૂની ખોળવાળું ગોદડું જોઈને અચાનક દૂર બેઠેલી મા યાદ આવી જાય છે. ઘરમાં મેથી લસણના વઘારની ગંધ રસોડામાંથી ઓરડે ઓરડે ફરી વળી છે. મેથી અને રીંગણાનો ઓળો ન હોત તો શિયાળા સામે કેટલી ફરિયાદો હોત ! પેટીપેક ઘરમાં શિયાળો ઝટ દઈને પ્રવેશ કરી શકતો નથી પણ પેલા જૂના વિલાયતી નળિયાવાળા ઘરની ઊંચી છતો ની નળિયાની તિરાડોમાંથી કાતિલ શિયાળો કેવો સલુકાઈથી સરકી આવતો. થીજેલા કોપરેલને હથેળીમાં ઓગાળી નાના પગ પર સ્નિગ્ધ માલીશ પછી જૂના લેંઘા, આખી બાંયના મોટાભાઈના જૂના શર્ટમાં સુકલકડી શરીરને લપેટી લીધું છે. એકાદ સ્વેટર અંદર, એકાદ બહાર ને માથે મફલર કે વાંદરા ટોપી પહેરી તબડકામાં કરેલા તાપણા આસપાસ ગોઠવાઈ ગયાં છીએ. ગરમ દૂધ પેટમાં પડ્યું છે. તબડકામાંના તાપણાના છાણાનો રતુંમડો પ્રકાશ અમારા મોં પર ચળકે છે, કાન ટોપી વધુ નીચે ખેંચી મોટાભાઈ વાર્તા માંડે છે. આખું ઘર એક હૂંફની આસપાસ વિંટાઈ ગયું છે. એ નજીક નજીક સાથે બેસવાની પણ તાપણાથી વધારે હુંફ હતી. વાર્તા પૂરી થવા આવી છે. બળતા છાણાંના લાલ અગ્નિગર્ભ પર રાખોડી રાખ બાઝવા લાગી છે. એ રાખમાંથી અગ્નિની શિરાઓ તિરાડો દેખાય છે. તાપતા હાથ તાપણાની વધુ નજીક પહોંચી ગયા છે. સહેજ ફૂંક મારતા રાખમાંથી લાલચોળ અગ્નિ દેખાય છે. આંખ ઊંઘે ચડી છે. પથારીમાં નાક સુધી ગોદડું ખેંચી હાથને બે પગ વચ્ચે સંતાડી ગુંચળું બનીને પડ્યા છીએ ઘસઘસાટ.

શિયાળાની એક બીજી પણ મજા હતી. સ્વેટર મફલર ટોપીથી પોશાક રંગબેરંગી બને. સ્ત્રીઓ આખા શરીરને રંગબેરંગી સાડલામાં લપેટે, નાક અને મોંને સાડલામાં લઈ માત્ર આંખો દેખાય તે રીતે લાજ કાઢી મોં પાસે ધીમા દબાતા અવાજે વાતો કરતી આજ ઋતુમાં જોવા મળે. જમરૂખનું શાક બનાવવા છાના માના ઘરમાં ક્યાંક સંતાડી રાખ્યા હોય તેની ગંધથી તેની શોધ ચાલતી. વગડામાં બોરડીના બોર વીણવા ગયેલા તે કેટકેટલી બોરડીઓ અચાનક અડાબીડ અહીં ઊગી નીકળી છે. પીળા બોરનો ખટુંમડોસ્વાદ, લાલ બોરનો મીઠો ગર, ક્યાંય વાગી ગયેલો વાંકડો કાંટો, સોરાતો પવન, તળાવના તરલ પાણીમાં ઊતરતી હજારો કુંજડીઓ, ઘઉંની ઊંબીની લીલી લીલી મૂછો, આંબળાનું જીવન, ગુંદરપાક માટે તળાતા ગુંદરની ઘી ભરી સુગંધ આ બધું આ વખતે એકી સાથે યાદ આવે છે. આ શિયાળાને પ્રાકૃતગાથાઓ થકી તે સ્થળકાળમાં મેં માણ્યો છે. આ ગાથામાં પથિકને રાતનાં કેવી તો ઠંડી લાગી હશે કે ભોંકાતા તણખલાની પરવા કર્યા વગર પરાળની પથારીમાં ઊંડો ઊંડો ખૂંપતો ગયેલો. ‘શિયાળાના આરંભના પ્રભાતે કોગળાં કરતાં કરતાં જુઓ પેલો પથિક પરાળની તીક્ષ્ણ અણીથી ઉઝરડાયેલાં પોતાનાં અંગો પર ભીનો હાથ ફેરવીને તેમને સુંવાળા કરી રહ્યો છે.’ તાપણાના અગ્નિની આ પ્રાકૃત કલ્પના પાછળ આપણી માનવજાતિની હીમયુગની કોઈ Collective unconcviousness હશે ? ‘જુઓ ! હેમંતઋતુમાં આ દળદરી ગામના દેવળના દ્વાર પાસે પથિક પરાળના ઠરી જતાં તાપણા (પર વળી ગયેલાં પડને) જાણે રીંછ ચીરતો હોય તેમ ચીરી રહ્યો છે.’ અને આ પોતડી કેટલી Senseous છે – સ્પર્શ ગંધ રંગથી પામી શકો. ‘દારિદ્રથી પીડાતો માણસ તાપણાની ગંધવાળી, ધુમાડાથી પીળી પડેલી. ઠેરઠેર તણાઈ ગયેલા ને જળી ગયેલા તાંતણાવાળી તેની જીર્ણ પોતડીથી હેમંતઋતુમાં ઓળખાઈ આવે છે.’

કોન્ફરન્સ-સેમિનાર-શિબિરની આ ઋતુમાં હું એકદમ અંગત થઈ જાઉં છું. હીમયુગની ગુફા સુધી મારી સ્મૃતિ પગલાં સુંઘતી સુંઘતી જાય છે. એ લુપ્ત પ્રાક્તન યુગ ઉખળવા લાગે છે જયારે અગ્નિ, માંસ અને માદાની હુંફથી યુગો સુધી ગુફામાં રહ્યો હતો અને બહાર નીકળીને ને જેવું કરીને જોયું તો પૃથ્વી પરની બરફની ચાદર હળવે હળવે પીગળતી હતી.

અમદાવાદમાં તો આવી શિયાળું સાંજે વાહનો અને મિલોનો ધુમાડો ઘટ્ટ થઈ જામતો જતો. સાબરમતીના ખુલ્લા પટ્ટમાંથી તેના પટ્ટાઓ સ્પષ્ટ દેખાતા. બધે ધૂંધળું ધૂંધળું. આ ધૂંધળાશને ધુમ્મસ સાથે કોઈ સંબંધ નહીં. ધુમ્મસની તો પ્રાકૃતતા ઠંડી અને તાઝગી જ અનેરી. આખી સૃષ્ટિ એકદમ રહસ્યમય. અને ધીમે ધીમે સૃષ્ટિ નિર્માણની ક્રિયા આપણી નજર સામે આરંભાતી ભજવાતી હોય તેવું લાગે, પદાર્થો તેમનું વજન ગુમાવી એક હળવો આકાર ધારણ કરીને ઊભા હોય, રંગો પણ ચિત્રને હળવો વૉશ આપ્યો હોય તેવા આછા. દૂરના આછા આકારો તો ‘આઘે ઉભાત તટ ધુમાસમાં દ્રુમો નીંદ સેવે’ની જેમ સ્વપ્નિલ લાગે. આ ઋતુમાં હું એકદમ એકાકી થઈ જાઉ છું. જીવનાનંદદાસનીએ રહસ્યમયી સૃષ્ટિમાં કશોક અર્થ શોધવા ભટકું છું.આ નિર્જન નિશ્ચેષ્ટ Landscape નીયોરીયાલીઝમથી દોર્યો છે ?

“પહેલી ફસલ પહોંચી ગઈ છે ઘેર –
હેમંતના ખેતરે ખેતરમાં ઝરે છે
માત્ર ઝાકળનું જળ;
માગશરની નદીના શ્વાસમાં
હિમ થઈ જાય છે
વાંસના પત્તાં-મરેલું-ઘાસ-આકાશનાં તારા;
બરફ જેવો ચન્દ્ર ફુવારો રેડે છે; !”

અસ્કુટ એવી કાતર વેદનાને લઈ આવે છે શંખમાલા –

“અરણ્યનો પથ છોડી અંધારામાં
તે કઈ એક નારીએ આવીને મને બોલાવ્યો
કહ્યું. તમને ચાહુ છું ; નેતરના ફૂલ જેવી નીલાભ વ્યથિત તમારી બે આંખો.
શોધી છે મેં નક્ષત્રોમાં – ધુમ્મસની પાંખો –
સંધ્યાની નદીના પાણીમાં ઊતરે છે જે પ્રકાશ
આગિયાના શરીરથી – શોધ્યા છે તમને મેં ત્યાં –
ઘૂસર ઘુવડ પેઠે પાંખો પસારી માગશરના અંધારામાં
ધાનસિડિનેક કાંઠે કાંઠે”

પોષની મ્લાન સાંજે નદી નારી બની જાય છે –

“આપણે જેઓ ભમ્યા છીએ નિર્જન ખડના ખેતરોમાં પોષની સાંજે,
જેમણે જોઈ છે, ખેતરની પાર નરમ નદીની નારી વિખેરે છે ફૂલ ધુમ્મસના; સદીઓ જૂના ગામડા ગામની નારી જેવા જાણે અરે તેઓ બધાં; આપણે જેમણે જોયું છે _ અંધારામાં આંકડો અને ઊંદરકરણી આગિયાથી ભરાઈ ગયાં છે; ફસલ વગરના ખેતરને ઓશિકે
ચૂપચાપ ઊભો છે ચંદ્ર – કોઈ ઇચ્છા નથી તેને ફસલ માટે;….”

માગશરના વગડામાં મળી આવી છે આ ચિરપુરાતન નારી

“જાણું છું હું તારી બે આંખો આજ મને શોધતી નથી
હવે આ પૃથ્વી પર – ’
બોલી હું અટકી ગયો. માત્ર પીપળપાન પડેલાં છે ઘાસની અંદર
સુક્કાં અમળાયેલા ફાટી ગયેલાં ;
– માગશર આવ્યો છે – આજ પૃથ્વીના વનમાં
તે બધાની બહુ પહેલાં આપણા બે જણાં ના મનમાં
હેમંત આવી છે’ તેને કહ્યું ‘ઘાસની ઉપર પાથરેલાં બધાં પાંદડાના
આ મુખ પર નિસ્તબ્ધતા કેવી છે, જાણે સંધ્યાનો ઝાંખો અંધકાર
પાણી ઉપર ફેલાઈ ન ગયો હોય…”

જીવનાનંદદાસની સૃષ્ટિમાં ઉત્સાહ ઉત્સ વસંત વર્ષા નથી. છે એક આદિમતા પૃથ્વીના પ્રાક્ટયકાળની રહસ્યમય ઘૂસરતા. આગિયો, આકડો ધાનના ખેતરો, ધુમ્મસ, નરમ નદી તેમણે નામ પાડીને વાત કરી છે નાટોરની વનલતાસેન બધાં અનામી અવગુંઠમાં કશુંક વેષ્ટિત કરીને બેઠા છે.વસંત અને વર્ષા આપણને ઓગળી કાલવી નાખે છે જયારે આ હેમંત અને શિશિર અને તમને એક Aesthetic distance પર રાખી તમારા અસ્તિત્વના દાબને અનુભવતા જગતને જોવા જરૂરી એવી પૃથક્તા પીઠિકા બાંધી આપે છે.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.