આપણી અમુક ઇન્દ્રિયો Dictetor – સામ્રાજ્ઞી છે, સંસ્કૃત છે. જેમ કે આંખ અને કાન. આ બંને એ આપણા વ્યવહારમાં, સાહિત્યમાં, જીવનમાં, ઉત્ક્રાંતિમાં મહત્વનો ભાગ ભજવાયો છે. માટે તે ઇન્દ્રિય અનુભવોનો સિંહભાગ પામે, અધિકારપૂર્વક દેહના સિંહસન પર બેસે. જયારે સ્પર્શ, ગંધ અને સ્વાદ એ ત્રણ ઇન્દ્રિયો એક અર્થમાં દલિત, પ્રાકૃત અને ઉપેક્ષિતા છે.
આંખ અને કાન દૂંરદેશી છે. દૂરનું અહીં રહ્યા રહ્યા પામી શકે છે. જયારે આ પ્રાકૃત તો બાળક જેવી હઠીલી – દૂરનાને પણ પ્રત્યક્ષ કરી પોતાનામાં સમાવવા ઈચ્છતી. આ ઇન્દ્રિયો તો કહે અમને લાવી આપો અત્ર અને અદ્ય. સામે કરો હાજર-પ્રત્યક્ષ અમે તેને અમારા સર્વાંગી સ્પર્શથી અડી જોઈએ, તેના સૂક્ષ્મ રૂપને ગંધ દ્વારા અમારામાં ઓગળી દઈએ. બંને ઇન્દ્રિયો પદાર્થનો પ્રત્યક્ષ, સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને રૂપે સંસર્ગ માગે. આ બે ઇન્દ્રિયો પ્રાકૃત અને અંગત. તેના વિષે આમ અમસ્તી કે જાહેરમાં વાત ન થાય. સાહિત્યમાં તો, તે લગભગ ઉપેક્ષિતા. સ્પર્શ તો આપાદ-મસ્તક તમારા અંગાંગમાં વ્યાપેલો – શરીર આખુંય એક તર્જનીનું ટેરવું. પીંછું ફરે, પવન ફરફરે, કરકરા થડ પર ખરખર ફરે, ઊષ્ણ શ્વાસને સ્પર્શે, નરમ દાબને સાહે. ગંધ તો ઈલમી અંતર્યામી. અંદર ઊતરી જાય સાત પાતાળમાં – ત્યાં જઈ અંગત અંગત રહસ્યો ખોલે, આપણામાં એકાકાર થઈ જાય. તે સૂક્ષ્મ તેથી જ પ્રસરી ઓગળી શકે. આ ઇન્દ્રિયોમાં આંખ-કાન મને Physical લાગે છે, જયારે ગંધ મને Chemical લાગે છે. જગતના કોઈ છાપાં એ કે ટી.વી. ચેનલે તેના પર કબજો જમાવે તેને Currupt નથી કરે આજે પણ તે સાર્વજનિક નહીં અંગત છે.
ગંધ આપણે ધૂપ અત્તર, અગરબતી રૂપે લાડ લડાવ્યાં પણ આ જગતને ગંધ રૂપે આપણે પામ્યા નહીં. મને તો ગંધ વગર જગતનો પરિચય અધૂરો લાગે છે. વચ્ચે ચારેક વરસ પહેલાં સાઈનસ થઈ ગયેલું ત્યારે નાકે ગંધ માટે તેના દરવાજા બંધ કરી દીધેલા. માત્ર શ્વાસની આવન જાવન – ગંધની કોઈ વિવિધતા નહીં. હું તો હેરાન હેરાન થઈ ગયો. જયારે નાક ખૂલ્યું ત્યારે ગંધ પ્રકાશથી ઝળાંઝળાં થઈ ગયેલું, ઘણીવાર અમસ્તો જ બજારોમાં જાઉં છું, ટ્રાફિકની રોડ પરની પેટ્રોલવાળી ગંધનો સરિયામ રસ્તો વટાવી શાકમાર્કીટ ફૂલબજાર, ગાંધીયાણા, કરિયાણાની દુકાનની ગલીઓની ગંધકેડી પર ચાલું છું, કંદોઈની દુકાને ઉકળતા દૂધની માવા જેવી ગંધ, ચાની સોડમ, ફૂલની મહેક, ગાંધીની દુકાને જાતજાતના વસાણા, ઔષધિની વાનસ્પતિક ગંધ, સાબુ અગરબત્તીની ગંધ, સફરજન, કેળાં, ચીકુની મીઠી ગંધ, ખભે ખભે ભટકાતાં અડી ગયેલી કોઈના પરસેવાની આછી શી અંગત ગંધ, જાહેર મૂતરડીઓમાંથી છૂટતી પેશાબની તીવ્ર ગંધ, કાગદી બજારમાં કાગળની, રંગબજારમાં ટર્પેન્ટાઈન રંગની, મોચી બજારમાં નવા કમાવેલા કડક ચામડાની ગંધ, ધરતી સાથેજોડતી આપણા નાકના ફોયણામાં ફોરતી પહેલાં વરસાદ પછીની માટીની ગંધ, શરદની સાંજે વગડામાં પાકેલા ઘાસની ગંધ,પૂર્વ જન્મોના રહસ્યોને ખોલતી પારિજાતની ગંધ, ઉનાળાને સહ્ય બનવાતી મોગરાની શુભ્ર ગંધ…. આ બધી ગંધો વગર આપણો પરિચય અંધ જ રહે ને ? ‘પરબ’ માસિકમાં અશ્વિન મહેતાનો ઉમાશંકર જોશી પર એક લેખ આવેલો.તેમાં ઉમાશંકરભાઈની ગંધ પ્રીતિની વાત ગમી ગયેલી. ઉમાશંકરભાઈ અશ્વિનભાઈને ઘરે તીથલ ગયેલા. બગીચાના રસ્તે પસાર થઈ ઘરમાં આવ્યા ત્યારે અશ્વિનભાઈને કહે “કહો જોઉં આપણે કેટલી ગંધના કોષ પસાર કરીને આવ્યા”? ગંધ સાથે મહાભારતના અભિમન્યુનો ‘કોઠો’ સાંકળી તેમને તો માત્ર એટલું જ કહેવું હતું કે આ એક એક ગંધ આપણને રોકી રાખી જકડી રાખવા સક્ષમ છે અને ‘કેટલી ગંધો’ કહી તેમણે આખા પરિસરને કેવી અવનવી ગંધછટાથી માણ્યું હતું તેનો અણસાર આ એક વાક્યમાં આવી જાય.
આ ગંધને પકડી ન શકાય. તે તો આવે અને જાય. તેથી શું ? તે સ્મૃતિરૂપે સંચિત થઈ સંસ્કાર રૂપે અધ્યાસરૂપે મનમાં દટાઈને રહે છે અને ફરી કોઈ ગંધની અભિજ્ઞાનમુદ્રા હાથ લાગતા એ આખો પ્રસંગ વિસ્મૃત શકુંતલા જેવો જીવંત થાય છે. ઈટાલિયન કવિ Cesare Pavez – સેઝારે પાવેઝ તો કહે છે ‘Every Smell is memory’ – ‘પ્રયેક ગંધ સ્મૃતિ છે.’તમે જરા મનને ફંફોસી જોજો એજ ગંધ આવતાં જ કેટલી કેટલી સ્મૃતિઓ તમને પ્રસંગો, પાત્રો, પરિવેશરૂપે યાદ આવશે. કહે છે કે વિખ્યાત ફ્રેન્ચ નવલકથાકાર માર્સેલ પ્રુસ્તની મહાનવલ ‘Remembrance of the things past’ ની શરૂઆત જ તેનો નાયક ડાયનીંગ ટેબલ પર જમવા બેઠો છે ને સુપમાંથી આવતી ગરમ હુંફાળી ગંધ લેતાં જ શૈશવની સ્મૃતિઓના તાકા ઊખળવા લાગે છે તેનાથી થયો છે. મારા મનમાં પણ આવી ગંધોથી કેટલુંય ઊખળી આવે છે. એક પંક્તિ સૂઝે છે આ ક્ષણે –
“અકળ આ ગંધકળથી ખૂલે કેટકેટલાં તાળાં
વરસોથી બાઝ્યા’તા જ્યાં વરસોના ઝાળાં”
ક્યારેક ધોવાના સાબુની ગંધથી કેવું કેવું યાદ આવે છે. ધોવાનો સાબુ એટલે આજનો ડિટર્જન્ટ સાબુ નહીં પણ પહેલાં આવતા તેવા પીળા નરમ સાબુની ગંધ એક દ્રશ્ય દોરી આપે છે. ‘બરવાળા ગામની પાદરે પથરાઈને પડેલી ઉતાવળી નદીનો છીછરો જલપ્રવાહ, કાંઠે ગાળેલા વીરડા, પથ્થરની પાટ પર લૂગડાં ચોળતી ચણીયા ને કબજાભર સ્ત્રીઓ, વહેતા પાણીમાં ઝબકોળાતાં કપડાંથી વહેતો સાબુનો રેલો, તળિયે સરકતી વેકુર, દૂર બોલતી ટીટોડી ભફાંગ ધૂબાકા મારી નાગા નાગા નાહતા છબછબિયાં ઉડાડતાં છોકરાંઓ.”
આ દ્રશ્ય પછી કટ. બીજી ગંધે ફોકસ કર્યું છે તે જુઓ. પાલિતાણામાં નવી નવી આરની ગંધવાળી ચડ્ડી પહેરી મામાના લગનમાં આવ્યો છું. ઓચિંતું જ પાનેતર, સેલાં, ઘરચોળાંની રેશમી સાડીનો ચળકાટ કરતું, ખણકતી બંગડીઓના અવાજ સાથે ચોટલા, અંબોડામાં મોગરાની વેણી નાખેલું નારીવૃંદ આવે છે; સ્ત્રીઓ અને ગંધના ઘેરામાં નાનકડો હું અટવાઈ જાઉં છું, ઉપર મેડી પર છોકરાંઓ ધમધમ ચાલે છે. નીચે બેન્ડવાજાવાળાની ધૂન વચ્ચે ગોરના મંત્રો સંભળાય છે. ગુલાબજળ, અત્તર, ફૂલહાર, વેણીની સુગંધથી ભરેલું વાતાવરણ, સાટીનનું બોલકાપણું, મખમલનું મૌન, મીંઢળબંધા હાથમાં મહેંદી, શરમાતા મામાની સંકોચશીલ મામી સાથે શુભદ્રષ્ટિ…, કેટલું બધું ઊંચકાઈ આવ્યું મૂળસોતું એક મોગરાની ગંધે.
નવી ચોપડીના નવાનકોર કાગળની ગંધે એકસામટા ત્રીસ ત્રીસ વરસ ઠેકી જવાય – વેકેશન હમણાં જ પૂરું થયું છે. લીમડાની ડાળેથી પાડેલો ગુંદર, જીતેલી કોડીના ભારથી ચડ્ડી બહાર દેખાતું સફેદ ખીસ્સું, દેશી કેરીનો સ્વાદ, બપોરની ઊંઘ, હારૂન અલ રશીદ, મિયાંફૂસકી, વિક્રમ વેતાળ, બીરબલની વાતોથી વેકેશનના અલસ દિવસો ગયા છે. ક્લાસરૂપમાં છોકરાઓનો ગણગણતો મધપૂડો ક્લાસ ટીચર આવતાં જ શાંત થયો છે. બ્લૅકબોર્ડની કાળાશ બહાર ચડી આવેલા વાદળોથી વધુ કાળી થઈ જાય છે. સ્કૂલના મેદાનમાં ઝરમર ઝાપટું વરસે છે અને ક્લાસરૂમના ઓરડામાંથી બારીના બે સળિયા વચ્ચેથી સરકી ગયું છે મન. પાકેલી લીંબોળીની કડવી મીઠી ગંધ ભેજભરી ગંધ સાથે ભળી ગઈ છે.
તાજા ધોળેલા મકાનમાં ચૂનાની સફેદ ગંધમાં યાદ આવે છે, આ રઝળપાટમાં કરેલાં અનેક વસવાટો. સ્થિર થઈ સ્થાયી થયે ફરી થતી બદલીઓ, મોટા સફેદ ખાલી ઓરડાઓ, એ જ જૂના જૂના ઓરડાઓ – નવી છે માત્ર ગંધ. લોબાનના ધૂપની વાસમાં આવે છે દૂરનો દરવેશ. ફરફરતા કાળા ઝભ્ભા વચ્ચે ફરફરતી દાઢી,અફાટ અરબસ્તાનની પીળી રેતી પર દેખાતા મસ્જિદના ઘુમ્મટ બુરજો મિનારાઓ. નાના શિશુથી પરસેવા પાવડર દૂધની મિશ્રીત ગંધમાં એક નોળવેલ આશ્વાસન પામું છું તો વરસો પછી સૂંઘેલા પારીજાથી આંખો ભરાઈ આવે છે. કોઈ વાવની અવાવરુ હવડગંધથી કેટકેટલાં પારેવાંઓ ઊડે છે- ઊઘડે છે અનેક નૃપાલો, સ્થવીરો, શ્રેષ્ઠીઓ, નૃસિંહો, સિંહદ્ધારો, કીર્તિસ્થંભો, વારાંગનાઓની સૃષ્ટિ. ડામરની ગોળીની ગંધમાંથી ઉખળે છે પેટીપટારામાં પુરાયેલું મારું શૈશવ. કોઈ આશ્વસ્ત ગંધના લંગરે લાંગરું છું – એક સમ પર થાઉં છું સ્થિર. ગંધગાથાની કેટલીય કથાઓ હજી કહેવાની બાકી છે અને ગંધવતિ આ પૃથ્વી પર ભ્રમણ કરતાં કરતાં કેટલીય ગંધકથાઓ તો હજી રચાતી જ જાય છે.