૩ – અદનો આદમી મેં ભાળ્યો

કોમનમેન કોણ હશે ? કોને કહેવાય ? તેણે મેં જોયો હશે ? મને તો મારા સહિત બધા અસામાન્ય લાગ્યા છે. કમ સે કમ હું પોતે તો ખરો જ. છતાં સામાન્ય માણસ કેવો હોય, શું વિચારતો પહેરતો ઓઢતો વાંચતો કહતો હોય તે અંગે એક કૂતુહલ રહ્યું જ છે. તેમાંથી લઘુતમ સાધારણ અવયવ તારવવાની ગણત્રી અને હું પોતે ક્યાં છું ક્યાક અંદાજ પણ બંધાય. આવા એક નર્યા માણસનો, ટેસદાર નિફિકરા માણસનો સત્-સંગ થયો.

અમદાવાદથી બદલી થવાની સામાન રાજકોટ લાવવાનો હતો. સામાન પેક કરતાં હતા ત્યારે જ કેટકેટલા સ્મૃતિતાકા ઉખાળતા હતા. સરસ બગીચાવાળું પોતાનું ઘર છોડવાનું ગમતું ન હતું. ઉખડેલા ઉખડેલા રહેવાતું હતું. ભર્યા ભર્યા ઘરની છેલ્લી રાત ભેંકાર ભીંતો વચ્ચે પસાર થઈ. સવારે રાજકોટથી કે અમદાવાદથી જ્યાં ક્યાંયથી મેળ પડે ત્યાંથી મેટાડોરનું નક્કી કરવાનું હતું. કન્યાની બે ત્રણ જગ્યાએ વાત ચાલતી હોય તેમ વાત ચાલતી હતી. સ્કૂટર પર દોડંદોડા. ગેસનું કનેક્શન પાછું આપવું. છેલ્લે છેલ્લે જમવા જવું, એસ. ટી. ડી. બુથ પર રાજકોટ અમદાવાદના ચક્કર ઘુમાવવાં, કોથળાઓને સીંદરીથી સીવવા – એવી ધમાલ ચાલતી હતી ત્યાં તો વાત કરી રાખી’તી તે રાજકોટના ટ્રાંસપોર્ટવાળા ભાઈ મેટાડોર લઈને ખાબક્યા. સમન્સ લાવ્યા હોય તેમ ૧૧ વાગે આવીને કહે ‘એકાદ વાગે નીકળવાનું છે. એક દિવસ રોકાવાનું થશે તેમ ધારીને ઘણાં કામો આટોપવાનાં હતાં. સામાન પણ થોડો ઘણો બાંધવાનો હતો. ગમે તેમ કરી બધું મેનેજ કર્યું. જયંત જોશીને ત્યાં જમવા જવાનો સમય ન બગડે માટે કોથળીમાં પૂરી શક લઈ આવી લુસલુસ જમ્યા. બપોરના તાપમાં બેચાર છોકરાંને બોલાવી લાવ્યો’તો તેમણે સામાન ઉપર ચડાવ્યો. મારી સાથે જે મેટાડોરવાળા ભાઈ આવ્યા હતા તેતો આસપાસ હૉટેલમાં ક્યાંક ખાઈ આવી સામેની સોસાયટીની દીવાલ પાસે આસોપાલવના છાંયે મેટાડોર રાખી સૂતા હતા. છોકરાંઓએ સામાન ચડાવ્યો ખરો પણ ગોઠવવાને બદલે ખડકી દીધો. આ માળો ન સામાનને હાથ દે. ન સૂચના આપે, બસ ઘાસની લોનમાં, ચંપાના ઝાડ નીચે ઊભો ઊભો નારાજ થાઓ જોયા કરે. અંતે બધો સામાન ચડાવ્યો ને છોકરાઓ તો પાંચ પચ્ચીસ લઈ રફુચક્કર થઈ ગયા. હવે તેણે બબડતાં બબડતાં બાજી હાથ પર લીધી. હચમચ ડામચિયા જેવો સખળડખળ સામાન ઠીક-ઠાક ગોઠવ્યો. તાણીને દોરડાથી જાકમાં લીધો. કમોસમી વરસાદનો ભય નોરતાંય હતો. તેથી તાડપત્રી ઉખેળી કસકસાવીને તેના બાવડાના જોરથી બાંધી. દોરડું એક ઝાટકે ફંગોળી આમથી તેમ નાખી બરોબર બધું બાંધી દીધું. મને કહે “બેનને જવા દયો બસમાં. બાઈ માણાં ભેગા નોં જોઈ” પત્ની બસમાં ગઈ. અને હું તેની સાથે. યોગેશ જોષીને હાથ ફરકાવતો અમદાવાદને અલવિદા કરતો પાછળ ગાંધીનગર બાયપાસ તરફ નીકળ્યો.

મનમાં લગભગ એક દાયકો અમદાવાદ ભરી ભરીને પડ્યું હતું. આંખમાં ગઈકાલનો ઉજાગરો, શરીરમાં થાક, આવતીકાલે સામાન ગોઠવવાનો કંટાળો બધું એક સામટું પડેલું હતું. ખિન્ન, અવસાદથી હૃદય ભરાઈ ગયું હતું ને મેં તેની સાથે વાતો માંડી.ચા પીધાં વગર નીકળ્યાં’તાં એટલે મેં ચા નું પૂછ્યું તો કહે ‘ગમે યાં ઊભી કરી દેશું.’ હાઈ વે પર ગાડી ચાલવતાં ચલાવતાં એક હાથે સ્ટેયરીંગ સત્જે બાકસ પકડી બીજા હાથે દિવાસળી કાઢી ખરર ઘસી હોઠના ખૂણે દાબેલી બીડી સળગાવી દમદાર કસ લેતા લેતા મારી સાથે વાતો માંડી.વાત વાટમાં મેં સહજ રીતે નામ પૂછ્યું તો ક્ષોભ સંકોચથી કહે ‘હામીદ – મુસલમાન છીએ’ કોઈ છાની વાત ખુલ્લી થઈ ગઈ હોય તેમ તેણે કહ્યું. કેમ જાણે મુસલમાન હોવું તે ગુનો હોય ! થોડાં વરસો પહેલાં એકરસ થઈ જીવતા સમાજમાં કેવા તડિયાં તિરાડો પાડવા લાગેલી તે દેખાણી. જો’કે તેનીસાથે પાંચ કલાક કરેલી મજેદાર વાતોમાં આપણે એક જ વારસાના વારસદાર છીએ તે વાતની સતત પ્રતીતિ થઈ. મને લાગે છે કે મારા કરતાં તો સ્થાનીક વારસો, ઈતિહાસ અને હિંદુત્વનો તે સાચો અને સારો વારસદાર હતો.

પિતા જૂનાગઢની નોકરીએ નવાબના અંગત રસાલામાં. નાટક ચેટક પણ સારી રીતે કરી જાણે. નવાબે માત્ર મનોરંજન માટે નાટક મંડળીમેં રહેવાનું કહ્યું પણ ન માન્યા અને ગોંડલ આવી વસ્યા – એ વખત સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા પ્રજાવત્સલ ભગવતસિંહજીના ગોંડલમાં. ગાડી ચલાવતો ચલાવતો બીડીનો કસ લેતા સામેનાં ટ્રકને તારવતો કોઈ ટ્રકના ડ્રાઈવરને હાથ હલાવી બિરાદરીની સલામ ઝીલતો ઝીલતો વાતો કરતો જાય. ગઢ જૂનો ગિરનાર, જૂનાગઢના ‘રા’ રાજવંશની જાણે વહી ઉખેળતો જાય_રા’ખેંગાર, રા’માંડલિક, રા’નવઘણ. રા’વંશ પછી આવેલાં બાબીઓના વંશોની વાત કહેતો જાય. શેઠ સગાળશાના ચાલૈયાના હાલરડાંની વાત કરતાં કહે ‘ક્યે છે કે શેઠ સગાળશા દાનવીર કરણનો અવતાર હતા.’ મહાભારતના પાત્રોથી અજાણ નહીં.

પોતાના પરાક્રમની કથા કહેતો જાય. બાળપણથી જ અડબંગ બારકસ અને વંઠેલ. બાપે ભણતો ઉઠાડી ઓળખીતા મિત્રની ચાની હૉટલે નોકરીએ રખાવ્યો. ચડ્ડી પહેરેલી ટેણીની ટણી એટલી કે કોઈનો તોરીલો હુકમ ન સહન થાય. માલિકનેય જેટલું માન અપાતું હોય તેટલું જ મળે. માલિકેય દોસ્તનો દીકરો છે તે દાવે બધું નભાવે. બહારથી ઉછીનો ઝગડો હૉટલે લઈ આવે તો ક્યારેક બંથંબથીએ આવી જાય. જાણી જોઈને ચાના કપ રકાબી ભક્ કરતાં હેઠાં મૂકે ને ફોડે. પગાર કરતાં કપરકાબી ફૂટવાનો ખરચો વધી ગયો એટલે નોકરીથી પાણીચું મળ્યું.

ટ્રક હડતાળ હતી તેથી રસ્તો સરિયામ હતો. તેથી ગાડી પાણીના રેલાની જેમ સરકતી હતી. રસ્તામાં ચા માટે ગાડી રોકે તો અડધી જ પીવે.ચાના પૈસા કાઢવાનો વિવેક ચૂકે નહીં. બગોદરા કાઠિયાવાડી ઢાબામાં ગરમગામ તમતમતું શાક ને રોટલી ખાઈને ટેસમાં ગાડી ઉપાડતા પહેલાં કપડાનો હાથ મારી દે. ભીના કાગળથી આગળનો કાચ તો ચોખ્ખો ચણાક કરી નાખ્યો. વ્યસન તો માત્ર બીડીનું. છાંટો પાણીનું નામ નહીં. ધોરાજીમાં ઉર્સમાં કવ્વાલીવળી રંગીન બાઈઓના નાચ મુજરા જોયા છે ખરા. પણ આમ બહાર ક્યાંય જવાનું નહીં. બીબી વફાદાર તો પોતેય વફાદાર. બીડીનું વ્યસન બે બે વાર છોડ્યું છે પણ મા વછોયાં બચોળિયાં જેમ માને વળગી પડે તેમ ફરી વળગી પડ્યાં છે.

અણસમજુ ઊંમરે પરણાવી દીધો એટલે ઉભરો શાંત. ગોંડલમાં મજૂરીથી શરૂઆત કરી. માર્કેટીંગયાર્ડમાં માલિક સારા ઘઉંની સાથે અમેરિકન પી. એલ. ફોર્ટના હલકા ઘઉં ભેળવવાનો ધંધો કરે. ઘઉંના કોથળા ઠલવી ભેળવી પછી તોલવાના. આ વાત કરતાં કરતાં તેણે અમેરિકાના હલકા ઘઉંને એકસરસ નર્મ ભરી ઉપમા આપી. તિરસ્કારમાં કહે ‘ઈ સકલાની (ચકલાની) જીભ જેવા સુકલ ઘઉં’ જેમણે ચકલીની નાની ચપટી જીભ જોઈ હશે તેને તેના ઉપરથી આ ઉપમાનો ખ્યાલ આવશે. એક સામાન્ય કાઠિયાવાડી પાસે ભાષાની જે જણસ છે તે તો તેની મિનિટે મિનિટની વાતમાં દેખાતું હતું. લીંમડી પાસે કોઈ પેટ્રોલ પંપ પાસે રોશની જોઈ મને નવાઈ લાગી કે દિવાળી આઘી છે ને અત્યારથી આ રોશની ! તો કહે, “હજી પોર સુધી તો ઝોલાં ખાતા’તા (ધંધો ચાલતો ન હતો) ઓણ સાલ ધંધો જાઈમો છ તયેં આ ઝાકમઝોળ અને છાકમછોળ છે” રસ્તામાં એકાદ ફિલ્મની સ્ટોરી કીધી. ધર્મેન્દ્રને ધમાબાપા જિતેન્દ્રને જીતુભાઈ એવી રીતે કહી પોતાનાં સ્વજન હોય તેમ વાત કરે.

ચોટીલા ચાનાસ્તા કરી ગાડીમાં ગોઠવાઉં તો અંદર સુગંધી સુગંધી અગરબત્તી પેટાવી હતી. શોધવા જાઉં તો ભગવાનનો એક ફોટો ન મળે. મેં કહ્યું કેમ કોઈ ફોટો નથી રાખતા ? તો કહે ‘અમારાં જ ભાયું’ – કહી એક ભૂંડાબોલી ગાળ દીધી. આયાં પગ ચડાવીને બેસે. મશીન કવર તરફ આંગળી ચીંધી કહે “આંયા આંયા એમના ટાંટિયા અડતા હોય. આ તો રોજી કહેવાય. રોજી છે તો આપણે છંયે બરોબરને સાહેબ. આંયા ક્યાં ભગવાનને રાખું. મેં નક્કી કર્યું ભગવાન જોયેં જ નઈ.”

તેની સાથેની વાતોમાંને વાતોમાં વ્હાલથી વશેકું મારું રાજકોટ ક્યારે આવી ગયું તે ખબર ય ન પડી. દૂર આકાશગંગાના ટમટમતા તારા જેવા રાજકોટના દીવા ટમટમવા લાગ્યા. નવા ઘરે આવી તેણે સામાન ઉપર મુકાવ્યો. નીકળતી વખેતે હાથમાં બક્ષીસના પૈસા આપ્યા તો આનાકાની કરે. દીકરીના નામ પર પૈસા ગજવામાં મૂક્યા ત્યારે સંકોચ સાથે લીધા. આર. કે. લક્ષ્મણના કોમનમેનને મેં નજરોનજર જોયો. પૂતળા મ્હોરાંઓની આ દુનિયામાં એક અદના આદમીનો સ્વચ્છ ચહેરો જોવો તે કેટલો આનંદદાયક છે.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.