૩૦ – સંસ્કારના નવાણ

પ્રેમ ન ખૈતોં નીપજે પ્રેમ ન હાટ બિકાય
રાજા પરજા જિસ રૂચૈ સિર દે સો લે જાય.

જેવું પ્રેમનું તેવું જ સંસ્કારનું, કલાકારો લેખકો સંગીતકારો ચિત્રકારો સંસ્કારસ્વામીઓ જોયાં છે. આપણા સમાજમાં વીરલાઓ સંસ્કારસ્વામી છે – પણ પ્રજામાં એ સંસ્કાર ઝમ્યા હોય તેની ભીની ઉર્વર ભૂમિમાં તેનાં મૂળિયાં ગયાં હોત તે તો તેથીય વિરલ. એક બે પ્રસંગોએ તેની ઝાંખી થયેલી. મરાઠી બંગાળી અને ઈટાલિયન પ્રજાની સંસ્કારિતા ક્યાં છે તેના નવાણ મળેલાં.

વીસેક વરસ પહેલાં મેં. એસ. સી.ની સ્ટડી ટૂરમાં દાર્જીલીંગ જવાનું થયેલું. રાત આખી જલપાઈગુરી ઉજાગર્યો કર્યા પછી સવારે દાર્જીલીંગની મીનીટ્રેઈનમાં માંડ બેસવાનું મળેલું. શરદના તીખા તડકામાં વાતાવરણમાં બાફ બાફ બાફ. સીલીગુરી આવ્યું ને મને માંડ માંડ ગોઠવાયેલાં તે ડબ્બામાં તોફાની જંગલી છોકરાઓનું એક ટોળું મારા-મારી દાદાગીરી કરી ચડી ગયેલું. બોલચાલની કડકાઈ દાદાગીરી તેમના વેશથી તો અસભ્ય કૉલેજીયન ગુંડા જ લાગે. બંગાળીમાં વાતો કરતાં જાય, ઠોંસા મારતા અચાનક ખડખડાટ હસતાં સિગારેટો ફૂંકાતાં જાય. તેમના અસભ્ય વર્તનથી અમે અકળાઈ ઊઠેલા. ટ્રેઈન નાનાં નાનાં સ્ટેશન પર ઊભી રહે ‘ધડાધડ નીચે ઊતરી લટાર લગાવતા ટોળટપ્પા મારતાં જાય. ધીમે ધીમે સર્પિલ પાટા પર ટ્રેઈન પર્વતીય પ્રદેશોની ખીણોમાંથી વળાંકો લેતી ડુંગરની કેડે ચડતી જાય. ઓચિંતું જ નમતી બપોરે વાદળા ચડી આવ્યા. આછું રહસ્યમય અંધારું અને સામે બારીની બહાર જ સ્વપ્નિલ વાતાવરણ. ઘેરા વાદળોથી ઘૂસર પર્વતોનાં ઢોળાવો”, નીલ વાદળો ઉપર એથીય ગાઢાં નીલાં વાદળો, અને ઠંડી ભીની સુગંધ. બારણાં પાસે ઊભા રહેલા એક છોકરાંએ રવીન્દ્રનાથનું કોઈ વર્ષાગીત આરંભ્યું. ધીરે ધીરે એક બે પછી બધાં એ ગીત ઝીલી લીધું. તેમના મંદ્ર ઘેરા ગળામાંથી રવીન્દ્રનાથના ગીતના ભાવની કુમાશ નીકળવા લાગી. એ પછી બીજું ગીત ઉપાડ્યું. બહાર વરસાદની ધારસાર ધારા, લીલાં દદડતાં પર્વતો, ઠંડી હવાના સૂસવાટા અને એ ઉપર ગાન. ગાન નહીં પણ સમૂહગાન. એક પણ છોકરો એવો નહોતો જેને તે ગીતો ન આવડતાં હોય કે સાથ ન પૂરાવ્યો હોય. આ એ જ મૃદુ ભાવુક સ્વપ્નિલ છોકરાંઓ જે હમણાં જ દાદાગીરી કરીને ચડ્યા હતા ? સાચું બંગાળ તે આ જ ?

અમદાવાદમાં હમણાં જ બે બંગાળી સજ્જનો સાથે ઓળખાણ થઈ છે. અમદાવાદ એ.જી. ઑફિસના એકાઉન્ટન્ટ જનરલ પ્રણવ મુખર્જી પહેલાં રાજકોટ હતા તેથી રાજકોટના મિત્રો પાસેથી તેમની સુવાસ પહોંચી. એકવાર મેં સામેથી ફોન કર્યો. ફોનમાં કહ્યું કે રાજકોટના મિત્રો પાસેથી તમારી વાતો ઘણીવાર સાંભળી છે. તમને મળવાનું મન છે. હું તમને ઓળખાતો નથી પણ લાગે છે કે તમારી સાથે મજા આવશે. અને જ્યાં મળવાની કે પરિચય વધારવાની ઇચ્છા હોય ત્યાં કોઈ નિમિત્તની હું રાહ જોતો નથી. તેની શરમ કે નાનપ પણ નથી લાગતી. વાતવાતમાં મારા બંગાળી રસની વાત કરી જીવનાનંદદાસની એક આખી પંક્તિ બંગાળીમાં બોલ્યો. તેઓ તો ચકિત. કહે આજે જ મળીએ. મોડી સાંજે ઘરે ગયો ત્યારે તેઓ ઘરે જ હતા. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઘોષને મળવાનો તેમનો રોજીંદો ક્રમ, તેમણે મારે માટે તોડ્યો. સહજ સરળ ઋજુ અને શાલીન સદ્દગૃહસ્થ. તેમનાં નાનાં નાનાં દીકરો દીકરી સાથે ભાંગ્યા તૂટ્યાં બેચાર બંગાળી વાક્યો બોલ્યો તો ખુશ ખુશ. ચા નાસ્તા અને વાતો વચ્ચે કમિશ્નર ઘોષ સાહેબ જ સામેથી મળવા આવ્યા. મારી ઓળખાણ કરાવી. થોડો થોડો ખૂલવા લાગેલો હું ફરી અતડો થઈ ગયો. મારી સાથેની દરમ્યાન તેઓ બંને તેમણે સાંભળેલી શાસ્ત્રીય સંગીતની નવી કૅસેટોની વાતો કરતા જાય અને મ્યુઝિકના એસ્થેટીક્સ પરના પુસ્તકોની ચર્ચા કરતાં જાય. મુખર્જી સાહેબનો બાવીસ પચ્ચીસ વરસનો નાનો ભાઈ રવીન્દ્ર સંગીત જાણે છે તેવી વાત નીકળી તો મેં મને ખૂબ ગમતું રવીન્દ્ર સંગીતનું ગીત ‘તોમાર હોલો શુરુ આમાર હોલો સારા’ ગાવાનો આગ્રહ કર્યો. છોકરો શરમાયો. હું જેમ જેમ આગ્રહ કરતો જાઉં તેમ તેમ તે શરમાતો જાય. ત્યાં તો ઓચિંતું જ કમિશ્નરે ઘોષ સાહેબે તે ગીત ધીમા સૂરમાં શરૂ કર્યું. માત્ર ગણગણ્યું નહીં પણ આખું ગાયું. તેમને આવડે છે તે મને ખબર નહોતી અને નહોતું કહ્યું છતાં તેમણે ગાયું. મને લાગ્યું કે મારા માટે જ ગાયું. આપણા કયા આઈ. એ. એસ. ઑફિસરને નરસિંહનું સુંદરમનું ગીત આવડે ?

એકાદ વરસ પહેલાં સિમલા ઑફિસની ટ્રેઈનિંગ અર્થે અઠવાડિયું રહેલો. સિમલાથી દૂર શાંત રમણીય સ્થળે હિમાચલ પ્રદેશ સરકારનીને એક ઇન્સ્ટિટયુટમાં ટ્રેઈનિંગ અને ત્યાં જ રહેવાનું. રોજ સાંજે ટ્રેઈનિંગ પતે એટલે લોકલ બસ પકડી બધાં સિમલા ભેગાં. એક સાંજે હું પણ સિમલા પહોંચ્યો. ઇન્સ્ટિટયુટના ઢોળાવોના પગથિયાં ચડી ઊતરી અને સિમલાની લૉઅર બજાર જોતાં જોતાં થાકીને લોથ પોઠ. ઢોળાવવાળા રસ્તાઓ ચડી ઉપર માલ રોડ પર જવાની શક્તિ નહોતી તેથી લિફ્ટમાં ઉપર જવાની વિચાર્યું. સિમલામાં ચાલીને ન જવું હોય તો લીફ્ટમાં ઉપર બેસી જલ્દી ઉપર માલ રોડ પર પહોંચી શકાય. સહેલાણીઓની સિઝન એટલે ટિકિટ માટે લાંબી લાઈન હતી. હું લાઈનમાં જોડવાનો વિચાર કરું ત્યાં તો બે યુરોપિયનોને લોકલ ટેક્સીવાળા સાથે કશીક વાતો કરતાં જોયાં. મારુતિ જિપ્સીના સ્ટીયરીંગ લોકની ચાવી ક્યાંક રસ્તામાં પડી ગયેલી. તેમણે તેની બીજી ગાડીઓની ચાવી લગાડી જોઈ પણ લોક ખુલ્યું નહીં. એ બંને ઈટાલિયન હતા અને હોર્ટીકલ્ચરીસ્ટ હતા. ઈન્ડો-ઈટાલિયન પ્રોજેક્ટસ માટે આવેલા. મનાલીમાં તેમનું રીસર્ચ ફાર્મ હતું. તેમને રાત પહેલાં મનાલી પહોંચવાની ઉતાવળ હતી. રાત પડવા આવી હોવાથી અને ચાવી ન મળવાથી વ્યગ્ર અને ટેન્શનમાં હતા. તેમની ઇચ્છા હતી કે જો કોઈ ડુપ્લીકેટ ‘કી’ જલ્દી બનાવી આપે તો જલ્દી નીકળી સમયસર મનાલી પહોંચી શકે. લોકલ માણસો તેમનું ભાગ્યું તૂટ્યું ઈટાલિયન ઇંગ્લીશ સમજે નહીં. આસપાસ બે-ચાર ટેક્સી ડ્રાઈવરો ભેગા થઈ ગયેલાં. મને થયું મારે દુભાષિયા બનવું પડેશે. તેમની વચ્ચે થોડી મથામણ પછી હું વચ્ચે આવ્યો. મેં તેમની વાત સમજી ત્યાંનાં માણસોને હિંદીમાં સમજાવી. એ લોકો કહે આજે તો રવિવાર તેથી દુકાનો બંધ. પણ ચાવી બનાવનારો દૂર રહે છે. મેં ઈટાલિયનોને કહ્યું તો તેઓ કહે ટેક્સી ગમે તેટલા પૈસા થાય કોઈ ટેક્સીમાં જઈ તેને બોલાવો. તેમણે સો-સોની નોટો તેમના હાથમાં પકડાવી, માણસોને ચાવી બનાવનારાને લેવા મોકલ્યા. મારી મધ્યસ્થીથી તેમનો કૉમ્યુનિકેશનનો પ્રોબલેમ સરળ થઈ ગયેલો. મારો આભાર માન્યો. બેમાંથી એક કંડારેલા રતાશ પડતા ચહેરા પર રતુંમડી દાઢી વાળો ઈટાલિયન તો જાણે ડેવિડ કે એપોલોની મૂર્તિ. તે જરા ઓછો બોલોને શાંત હતો. બીજો ભરાવદાર ચહેરાવાળો હૃષ્ટપુષ્ટ શરીરવાળો આનંદી હતો. કોઈ પબના માલિક જેવો લાગે. ચાવીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તે આશાએ હળવા થઈ ગયાં હતા. મેં વાતોડિયા ઈટાલિયન પાસે ઇટાલી, દાંતે, વર્જીલ, લિયોનાર્દો, પીઝાનો ઢળતો ટાવર, બોત્તીચેલી, ગેલિલિયો, પિરાન્દેલોની વાતો કરી તો ધીમે ધીમે ખૂલવા ભળવા લાગ્યો. ઈટાલિયન કવિતાની એકમાત્ર આવડતી ઊંગારેત્તીની એક પંક્તિ “Millumion de immenso’ (I food my self with light of the immense – હું ભૂમાથી મને ભાસ્વત કરું છું.) ઈટાલિયનમાં જ બોલ્યો. હું બોલ્યો ને જાણે ઝળાહળાં થઈ ગયું. એ પંક્તિના પ્રકાશમાં અમે મળ્યા. તે આભો બનીને જોઈ રહ્યો. મારે ઉપર જવાનું મોડું થતું હતું તેથી મેં રજા માગી, તો કહે રહેવાનો હો અને મનાલી આવવાનો હોય તો તો તું અમારો ગેસ્ટ. રીસર્ચ ફાર્મ મજાનું છે – તને ગમશે. સરનામું અને નામની આપ લે કર્યા પછી અમે ભેટીને છૂટા પડ્યા. ઉંગારેત્તીની એક પંક્તિએ તેમને ઉઘાડી આપ્યા. એક અજાણ્યો પરિચિત થઈને ગયો. કૃતાર્થતાથી મેં રવીન્દ્રનાથની પંક્તિ મનોમન યાદ કરી ‘કત અજાનેર જાનઈલો તુમિ’ – કેટલાં અજાણ્યાને તેં ઓળખાવ્યા !

સંગીત સાંભળતો હોઉં છું ત્યારે અચાનક અનુપ યાદ આવે છે, અનુપ માંડકે. એકાકી પ્રેમાળ પણ અતડો. ધીમું અને ઓછું બોલે. શોખ તો કહે સંગીત અને શાંતિ. પોર્ચની પગથી પર કલાકો સુધી સંગીત સાંભળતો બેઠો રહે. કસાયેલા મરાઠા બીલ્ટ શરીર પર એક ગંભીર શાંતિ. એટલો શાંત ને ઓછા બોલો કે તેની સાથે શું વાત કરવી તે સમજાય નહીં. થોડાં જ પરિચયે તેની શાંતિ ને મૌનનો સંવાદ હું સમજતો થયો. એ દિવસોમાં રેકૉર્ડપ્લેયર ઘેર ઘેર ન હતા. મને તે સંગીત સંભાળવા તેના ઘરે બોલાવે. એક પછી એક રેકર્ડ મૂકતો જાય. મુગલે આઝમ, જગજીત-ચિત્રાની ગઝલો, નિખિલ બેનર્જી, ભીમસેન જોષી…. વચ્ચે કોઈ વાત નહીં. હા વચ્ચે વચ્ચે તેની બહેન કે ભાભી ચા, પાણી કે નાસ્તો હળવેકથી મૂકી જાય. સંગીત સંભળાતા હોઈએ એટલો સમય બધાં શાંત. રસોડામાં અવાજ પણ નહીંવત. કોઈને વાત કરવાની જરૂર પડે તો નજીક જઈ ધીમેથી વાત કરે. આખું ઘર કામ કરતાં કરતાં સંગીત સાંભળે – તેની અદબ જાળવે. ઘરમાં બાળક સૂતું હોય ત્યારે ધીમા હળવા અવાજે થતી વાતો જેવો આછો અવાજ ક્યારેક સંભળાય. ઘરમાં બુસોનના હાયકુમાં ઘંટ પર બેઠેલા પતંગિયા જેવી પવિત્ર શાંતિ. સંગીતમાં શાંતિ છે તે ત્યાં સમજાયું. સંગીત માટેનું માન અને પ્રેમ ત્યાં જોયા. આજે પણ નિખિલ બેનર્જીનો ‘મેઘ’ સાંભળું ત્યારે હું જોઉં છું કે હું અને માંડકે સામ સામે આરામ ખુરશીમાં બેઠાં બેઠાં ગાઢી થતી જતી સાંજે શાંત મૌન થઈ ‘મેઘ’ સાંભળી રહ્યા છીએ.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.