૨૬ – ભાખડ ભડિયા ભાષા

વ્યક્તિ શબ્દની વ્યુત્પત્તિમાં વ્યક્ત શબદ પર ભાર મૂકવામાં આવ્યો છે તે સંદર્ભમાં મારો અઢી વરસનો દીકરો વ્યક્તમધ્યમાં જન્મી ભાકડ ભડિયા ભાષા બોલતા શીખવા લાગ્યો છે. એ રીતે જોઈએ તો વ્યક્તિત્વ ધારણ કરવા લાગ્યો છે. વ્યક્ત થવા લાગ્યો છે. તેને બિચારાને ખબર નથી કે આ ભાષા તેને વ્યક્ત કરવાના બદલે ક્યારેક ઢાંકશે, છાવરશે, ઢીંક મારી ઉછાળશે હુલાવશે, જ્યોર્જ ઑરવેલના 1984 મી જેમ Ministry of war ને નામ આપ્યું હશે Ministry of love. ભલે તે પોતે પણ જીવતાં જીવતાં તે રમત શીખી જશે. હમણાં તો તે આપણી દ્રષ્ટિએ ભાંગીતૂટી અને તેની દ્રષ્ટિએ નવજાત નેસન્ટ ભાષા સાથે જે ક્રીડા આદરે છે તે જોવાની મજા છે.

બોલતો બોલતો ક્યારેક વાક્યના લયના ટુકડાઓ આગળ એવો સ્થિર થઈ જશે કે તેના પ્રલોભનને વશવર્તી આગળ નહીં જાય અને એવો તો સ્થિર થઈ જશે કે ઠુમરીની જેમ તેને રમાડ્યા કરશે, એટલું જ નહીં તેના વાક્યખંડોના ટુકડાઓને અનેક રીતે જોડી અર્થવગરના લયોને તાલ તાન તરાનાની જેમ રમાડ્યા કરશે. તેના મગજમાં શબ્દકોષ હજી સંઘરાયો નથી. અત્યારે તો લયલીન છે. હું મારા પ્રૌઢ મન સાથે તેના ગૂઢ મનમાં પ્રવેશ કરી શકતો નથી. અંદર જે લીલા ચાલ્યા કરે છે તે બારણા બહારથી જ જોયા કરું છું.

દરેક પ્રાણી પક્ષીઓને તેણે સંબંધથી જોડ્યા છે. હાથીભાઈ, સિંહદાદા, વાઘમામા, ચકીબેન, મીનીમાસી, ને કુતાભાઈ. તેની સૃષ્ટિમાં ઢીંગલીને તાવ આવે છે. તેને ઘોડિયામાં હાલાં હાલાં કરાવવી પડે છે, તોફાન કરે તેને હાતા કરવા પડે છે ને રોવે તો ખોળામાં થપથપાવી છાની રાખવી પડે છે, શરદી થાય તો ઈજીછન માલવું પડે છે. ચાંદામામા ખીર ખવરાવે છે. ચકીબેન તેની સાથે રમવા આવે છે. પરીની પાંખ પર બેસી ક્યાંક જાય છે તો છુપરલેન (સુપરમેન) બની ઢીસુમ ઢીસુમ બધાં રાક્ષસોને મારે છે. રાતે તે પોતે જ પપ્પા મમ્મી સાથે હાલા કરી જાય છે. તેની સાથે તો ટેબલ, ખુરશી, ઢીંગી, કુતાભાઈ, છાયકલ બધાં હાલાં કરી જાય છે. કવિની બે ઈશ્વરદત્ત શક્તિ લય અને સજીવારોપાણ તો તેને અનાયાસ જ પેલી દુનિયામાંથી મળ્યા છે. આ દુનિયામાં જ તેને પણ ખબર ન પડે તેમ કોઈ ઝૂંટવી પણ લે છે. કોઈ બડભાગી કવિ જમ જેવા જમાનાની નજર ચુકાવી તે જણસ અંકે કરી બથાવી ભાગી છૂટે તે નસીબદાર. પછી તો નર્સરીમાં જતાં પહેલાં જ તેણે જવાબદાર બની જવાબ આપવા પડેશે. તારું નામ શું ? પપ્પાનું નામ શું ? આ કયું ફ્રુટ છે ? આ કેવો કલર કેવાય ? (બોલો તમારું નામ શું ? તેથી આગળ તમે કોણ છો ? એ એક સીધા સાદા સવાલનો પણ સાચો જવાબ તમારી પાસે છે ?)

એકવાર બગીચામાં પતંગિયું તેણે જોયું. પહેલાં આકાશમાં ઊડતી પતંગ તેણે જોઈ હતી તેથી પતંગિયું જોઈ એકી શ્વાસે બોલી ઊઠ્યો ‘પપ્પા પતંગ પપ્પા પતંગ.’ ઊડતાં પતંગિયાને જલ્દી જોઈ લેવાની, મને દેખાડવાની ઉતાવળ અને ઉત્સાહમાં તે વાક્ય બંને બેવડાવ્યું. અચાનક મને સ્ટ્રાઈક થયું કે પતંગ અને પતંગિયું બંને સરખા શબ્દો અને હિન્દીમાં તો પતંગિયાને પતંગ પણ કહે છે તો તેના ઉચ્ચારણથી પણ તેની સામ્યતા નજરે ન ચડી…. હું જે વ્યુત્પત્તિથી માંથી ન પામ્યો તે મારું બાળક ઇન્દ્રિયથી પામ્યો. એક દિવસ પત્નીનાં કપાળનો ચાંદલો જોઈ કહે ‘પપ્પા ચાનો (ચાંદો). આમ જોઈએ તો લાલ ચાંદલાને અને ચાંદાને સામ્ય છે તે કરતાં સૂર્યના રંગ સાથે વધારે સમય છે; પણ પ્રખર સૂરજને જોઈ ન શકાય જયારે ચાંદની શીતળતાને નીરખી શકાય. થોડા દિવસ પછી ભાયાણીસાહેબને ઘરે ગયો ત્યારે વાત નીકળી તો તેમણે કહ્યું, અખંડ સૌભાગ્યનું પ્રતિક ‘ચાંદલો’ એ પૂર્ણચન્દ્ર પરથી જ લીધું છે. આ વાતની તેની ઈન્સ્ટીંકટથી મારા નાના ભાયાણીસાહેબને ખબર હતી. બોલો મારો ગુરુ ખરો કે નહીં ?

બાળકની સહુથી પહેલી ક્રિયા સ્તનપાનની તે હોઠથી. પહેલાં પ્રતિક્રિયા મલકવાની તે પણ હોઠથી. પગ તો ગોદડીમાં સાયકલ પણ ચાલવતા ન શીખ્યા હોય ને બંધ મુઠ્ઠી અણધડ જરકી મોશાનથી હાથ હલાવતો હોય પણ બોલાવો સીટી મારો કે તરત હોઠથી હસી પડે. ક્યારેક ઊંઘમાં એક તરફનો હોઠ મરકાવી તો ક્યારેક બે હોઠે ખિલખિલાટ. ગાલે ‘બાપા’ પણ હોઠથી કરવાના એટલે તો પહેલાં શબ્દો હોઠે ચડે તે પણ હોઠનાં. સંબંધવાચક નામો મા મમ્મી પપ્પા પાપા બાપા જમવાનું કહે ‘મમ મમ.’ બહાર જવાનું તો કહે ‘બાબા.’ પડવાનું તો ‘ભપ.’પાણી તો કહે ‘ભૂ.’ ટ્રેઈન એટલે ‘ભુછુક.’ બંદૂક તો ‘ભિચામ.’મારવાનું તો ‘હાત’ અને આ પ, ફ, બ, ભ, મ, ના પાંચ સ્વરોમાંથી તેના પંચકમાંથી જ બધાં ભાવો પ્રગટે.

એ જોડકણાં ગાતો હોય છે ત્યારે હું તે તેને ખબર ન પડે તેમ ધ્યાનથી સાંભળું છું અને લાગે છે કે આ જોડકણાં શબ્દ કોઈએ તે જોડી કાઢ્યા છે તેના પરથી નથી આવ્યા પણ તે ગાતાં ગાતાં બાળક તેની સાથે જોડાતું જાય છે અને કશુંક જોડતું પણ જાય છે તે પરથી આવ્યો હશે ? ખૂણામાં રમકડાંથી રમતો હોય. એ રમકડું મોંઘુ ન પણ હોય. તે જૂની પ્લાસ્ટિકની શીશી. લાકડાનો ટુકડો, પથ્થર, તૂટેલી ઢીંગલી ગમે તે હોય. બાળકની બીજી વિશેષતા એ કે તે ગમે તેને રમકડું બનાવી દે. રમતાં રમતાં શબ્દને પણ એ રમકડું બનાવી તેની સાથે રમતો જાય. :

“એક બિલાડી જાડી
તેણે પે’લી સાડી
સાડી પે’લી ફરવા ગઈ
દલિયામાં તો ના’વા ગઈ.’
ને પછી જોડતો જાય
‘પપ્પા એ પે’લી સાડી
મમ્મી એ પે’લી સાડી.’

લયના સ્વિંગિંગ બોર્ડ પરથી અચાનક લા. ઠા ની જેમ કૂદકો લગાવી બોલે –

“હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા’

એમાંથી વળી બંદૂક યાદ આવે ને ‘ભિચામ…. ભિચામ’ કરતો દોડી જાય. ઓચિંતો એક ચકલી જોઈ સ્તબ્ધ થઈ જાય. એક નાનકડી ચકી પણ કઈ દુનિયામાંથી આવી તેની આંખમાં વિસ્મય-લોક આંજી જાય. અંદર બહાર જેવું કશું નહીં. બાહ્યાંતર એકાકાર. બાળક ક્ષણમાં જીવે છે એટલે જ ક્ષણે ક્ષણે જીવે છે કે પછી તે જીવે છે તેવી સભાનતા બહાર જીવે છે ? એક રીતે તે મને માણસ કરતાં એક વિશિષ્ટ જાત જ લાગે છે. ન માણસ ન પ્રાણી ન પ્રભુ ને છતાં બધું.

હમણાં ટી.વી.માં એકવાર એક સિરિયલ વઢકણી સાસુએ વહુને હડસેલી ધક્કો મારી પાડી દીધી તે દ્રશ્ય જોઈ અઢી વરસનો દીકરો બોલ્યો. ‘પપ્પા ઈ કેમ ધક્કો માલે છે ?’ સવાલનો જવાબ તો શું આપું ? એ સવાલથી મને જ ધક્કો વાગ્યો. એનો જવાબ તો હજી પૂરો ખબર નથી પણ એવા સવાલો પૂછવાનું મેં ક્યારનુંય બંધ કર્યું છે.

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.