૧૩ – જીવ હું બે જગતનો

આમ તો આપણા આદ્ય પૂર્વજોથી માંડી ઉપનિષદકાર, શંકરાચાર્ય નાગાર્જુનથી માંડી સાર્ત્ર સુધી કે અદના મારા જેવા આદમી સુધી દરેક આ પરિવર્તનશીલ સંસારની અનિત્યતા, ક્ષય, વિકાર, સમય, શાશ્વતિ, અસ્તિત્વ, ભંગુરતા વિશે સતત વિચારતા જઈએ છીએ. અચાનક જ એ પરિવર્તનનો દાબ અનુભવાય છે. પરંપરા અને પ્રયોગ, થીસીસ-એન્ટીથીસીસ, સીન્થેસીસ, વારસો, નવા મુક્તવિચાર આમ ગડભાંજ તો ચાલ્યા જ કરે. આપણે ક્યાં તેની ગડભાંજમાં પડવું ? છતાં રેલો આપણા પગ સુધી આવે છે ને એ ગડભાંજમાં પડવું પડે છે.

દરેક પેઢીને દરેક યુગને એવું લાગે છે કે તે જે પરિવર્તન જોઈ રહ્યાં છે તે અભૂતપૂર્વ છે. આટલી ઝડપે આટલું બધું કદી બદલાયું નથી. જો કે સાંપ્રત સમય એવા દાવાનો હક કરે તો તેને આપણે માન્ય રાખવો પડે. ગણિતમાં એક સંજ્ઞા છે. ‘Exponencial rate’ ૨ માંથી ૪, ૪ માંથી ૮, ૮ માંથી ૧૬ તેમ કુદકે ને ભૂસકે એ અંકો વધતા જાય. હાલ જે પરિવર્તન છે તેને આની સાથે ન સરખાવી શકાય ! આ મારી ચાલીસેક વરસની જિંદગીમાં જે જે બદલાતું જોયું છે તે પણ પાછળ નજર કરીને જોઉં છું તો એક અનહદ નવાઈ લાગે છે. લગભગ એકાદ સદીના પટ પર જીવનને જેણે જોયું છે તે મારા દાદાને તો આ કેવું લાગતું હશે તેનો જ વિચાર કરું છે. એલ્વીન ટોફલરે ‘Third-wave’ માં માનવજાતિના વિકાસ તબક્કાઓમાં Agrarian – કૃષિપ્રધાન, Industrial –ઔદ્યોગિક, Science technology અને Communication આધારિત આ વર્તમાન તબક્કાઓને મોજાં ‘વેવ’ તરીકે જોયાં છે. માનવ ઉત્ક્રાંત થયો અને કેટલાંય વરસો સુધી કૃષિ જીવનના તબક્કામાં રહ્યો. ઔદ્યોગિક વિકાસનું મોજું મોડું આવ્યું. બે ચાર સદીથી વધુ સમય નથી થયો પણ તેટલા ગાળામાં તો આર્થિક સામાજિક રાજકીય જીવનમાં ન ધારેલા ફેરફારો કર્યા. આ સદીની દેન જેવા આ ટેક્નોલોજી અને કૉમ્યુનિકેશનમાં ઘોડાપૂરમાં તો કશું બાકી ન રહ્યું.

હું એને મારું સદ્દભાગ્ય ગણું છું કે એક એવા સંધિકાળે સંધાનકાળે હું જીવું છું કે જ્યાં જૂનું બધું ભુસાતું જાય છે પણ પૂરેપૂરું ભૂંસાયું નથી, પૂરેપૂરું વિલાયું નથી અને નવું હજી પૂરેપૂરું આવ્યું નથી. એ Tengible Palpable future એ ભાવિનું ભળભાંખળું ધૂંધળું ધૂંધળું ક્ષિતિજે નજરે ચડે છે. કુકર ફ્રીઝ ઓવન મેલેમાઈન સ્ટીલ રસોડા સુધી પહોંચ્યું છે તો કુંજો કાંસાંની થાળી લોટી ટબુડી ઘરમાંથી ગયા નથી. એક બાજુથી કૉમ્પેક્ટ ડિસ્કમાં રેકૉર્ડીંગ છે તો બીજી તરફ ઉધ્ધવગીતાની સુંદર અક્ષરોવાળી કલમથી લખેલી પીળા પડી ગયેલા પાનાવાળી હસ્તપ્રત પણ છે. દીકરો કૉમ્પ્યુટરના ક્લાસમાં જઈ કોબોલ ફોટ્રાન કે બેઝીકમાં પ્રોગ્રામીંગ કરતો હશે તો ઘરના ખૂણામાં ખોરડાવાળા ગાર લીંપેલા ઘરને અહીં શહેરમાં બેઠા બેઠા યાદ કરતાં કરતાં દાદા ગોમુખીમાં હાથ નાખી ગાયત્રીમંત્રના જાપ જપતા હશે. પપુઆ ન્યુ ગિનિ, ઓસ્ટ્રેલિયા કે એમેઝોનના જંગલોમાં આદિમ જાતિઓનો નૃવંશશાસ્ત્રીય અભ્યાસ ચાલે છે અને માણસ ‘ચંદ્રની ધૂલિનું તિલક ભાલે’ લગાવી મંગળયાત્રાની તૈયારીમાં પડ્યો છે. વાંઝિયા મેણા ખાતી કોઈ બાઈ કૂવો પૂરે છે તો ટેસ્ટટ્યુબ બેબીને કોઈ છાપાના વીંટામાં વાળી બારણા નીચેથી કોઈ ઘરમાં સરકાવી ગયું છે. દાદીમાં કહેવતો ઓઠાં ઉખાણાં રૂઢિપ્રયોગોની ધાણીફૂટ તડાતડી બોલાવે છે તો મારા દીકરાની અંગ્રેજી શબ્દોના ગુજરાતી રૂપ જેવી સપાટ ભાષામાં જે આપણી ભાષામાં અભરે ભર્યા છે તેવા વાંક-વળાંક લહેકા –કાકુઓ ક્યાંય દીઠાય જોવા નથી મળતા.

ફિફથ જનરેશન કૉમ્પ્યુટર, પલ્સાર, યુફો, આર્ટીફિસિયલ ઈનપ્લીજન્સ, રોબોટીક્સની સાથે સાથે આણંદપર ભાડલા ગામે સૂરધનના થાનકે વર-વહુ છેડાછેડી છોડે છે, લોબાન ગુગળના ધૂપની સાથે આરતી ચડે છે ઉપર, મંગલ ધોળ ગવાય છે, ચાકળામાં જાંબલી હીર દોરે આભલાં ભરાય છે. ચૂલામાં ફુંફણીથી રાખ ઉડતાં કમળામાની આંખ રાતી થાય છે, જવારા ઉગાડાય છે. કોડિયું ફોડી ઉમરે ઊભો કોડીલો વર પોંખાય છે. આપણી આગલી પેઢીઓએ જે અનાગત જગત આવવાનુ છે તેનો પ્રકાશ જોયો હતો તેની સાતેય ઘોડે ચડી આવેલાં સૂરજની કોરની જેમ ક્ષિતિજે આપણને દેખાય છે. આપણી પછીની પેઢીઓ Ecological balanced under worldમાં કે submanire communeમાં કે ચન્દ્ર મંગળની વસાહતોમાં રહેતા હશે. અફાટ મૌન આકાશમાં નક્ષત્રોનું સંગીત સાંભળતા હશે. હ્યુમન હેચરીમાં જ ઊંચી ઓલાદના માનવોનું ઉત્પાદન થતું હશે. પણ તેણે કાંજીવરમ્ સાડીનો રેશમી મૃદુ ચળકાટ નહીં સાંભળ્યો હોય. નાક સુધી ઘૂમટો તાણેલી નવી વહુને મીઠું શરમાઈને સહેજ ડોક ઢાળતા નહીં જોઈ હોય. ફળફળતી સોડમદાર ખીચડી નહીં ખાધી હોય. તેમના માથે હાથ રાખી પોચા રૂદ્રાક્ષજેવા આંગળે બે હાથે દુખણા લઈ દાદીમાએ ટાચકા નહીં ફોડ્યા હોય.

‘સેકાલ’ – ‘એ સમય’ કવિતામાં રવીન્દ્રનાથે એક રમ્ય કલ્પના કરી કે “કાલિદાસના જમાનામાં જો તે જીવતા હોત તો તેમનું દેવવ્રત વિશ્વસેન જેવું નામ હોત. એક જ શ્ર્લોકમાં ઉજ્જયિનીના નિર્જન છેડે વનથી ઘેરાયેલું ઘર માગી લેત. મંદાક્રાંતા તાલમાં જીવનનૌકા વહી જાત, કાનમાં મંદાલિકા, ચિત્રલેખા, મંજુલિકા, મંજરિણી જેવા મંજુલ નામો રણઝણતા હોત. પ્રિયા કુંદફુલથી અલક સજાવત, કર્ણમૂલે શિરીષ પહેરત, ધારાયંત્રમાં સ્નાન કર્યા પછી કેશને અગુરનો સુગંધી ધૂપ દેત. સ્રગ્ધરા કે માલિનીમાં બિંબાધરના સ્તુતિગીત રચ્યા હોત પણ નિપૂણિકા, ચતુરિકા, માલવિકાની મંડળીની સાથે કાલીદાસનો સમય ગયો.” એ સમય ગયાનો અફસોસ કર્યો પછી સેકન્ડ થોટ આવતા રવીન્દ્રનાથ કહે છે કે “કાલિદાસના કાળના સ્વાદ ગંધ તો હું થોડા પણ પામું છું પણ મારા કાળનો તો એક કણ પણ એ મહાકવિ પામ્યા નથી. વેણી ઝુલાવતી આધુનિક વિનોદિની જે ચાલી જાય છે મહાકવિની કલ્પનામાં એની છબી ન હતી.” રવીન્દ્રનાથ માટે તો સંસ્કારગુરુ કાલિદાસ તેમનો સારભૂત જમાનો સાચવી ગયા હતા કે જેથી રવીન્દ્રનાથ બંને જમાનામાં જીવી શકે. નખમાંથી ય ગણપતિ બનાવી શકે. ધારે ત્યારે ધારે તે યુગને આહવાન આપી હાજર કરી શકે, નિરાંતે થોડો સમય તેમાં રહી શકે. ભવિષ્યના કોઈ રવીન્દ્રનાથને આજનો કાલિદાસ મળશે કે જે સારભૂત બધું સાચવી રાખે ?

આમ જુઓ તો સંસ્કૃતિ પણ Endangered – વિલુપ્ત થતી જતી પ્રજાતિ જેવી છે – લુપ્તસંભવા છે. વનસ્પતિ પ્રાણીઓની એવી જાતોને તો વૈજ્ઞાનિકોએ Genebankમાં સુરક્ષિત રાખી છે જેથી ભવિષ્યમાં પ્રયોગ માટે તેને લઈ શકાય. આદિમ જાતીઓની સંસ્કૃતિના અભ્યાસ અંગે વિખ્યાત નૃવંશશાસ્ત્રી કલોદ્દ લેવીસ્ત્રોસે એક મુલાકાતમાં ચિંતા વ્યક્ત કરેલી. તેમના મતે વિજ્ઞાનની આ એક નૃવંશશાસ્ત્રની જ શાખા એવી છે કે જે રાહ જોઈ શકે તેમ નથી. એકાદ દશકાની પણ હો વાર કરવામાં આવશે તો આપણે ઘણું બધું ગુમાવવું પડશે કે જે ક્યારેય પાછું નહીં આવે. યુવાનીની વય વટાવી પુખ્તતાને આરે પહોંચતી માનવજાતિ માટે આ આદિમ જાતીઓ તેના શૈશવકાળ જેવી છે – જેના અભ્યાસથી માનવ વર્તનની કોઈ કૂંચી જડી આવે.

પરિષદના દાદરે ઉમાશંકરભાઈએ જીવવાની ઈચ્છા વિષે જે વાત કરી હતી તેમાં તેમની અંગત ઇચ્છા કરતાં આ માળી માનવ જાત કેવાં કેવાં ખેલ કરે છે તે જોવાની વિસ્મય ઇચ્છા દર્શાવતા તેમણે કહેલંિ ‘એકાદી સદી જીવવા મળી જાય તો મજા પડી જાય.’ નિરંજન ભગતના મંગળવારીય લેક્ચરમાં મારા નિરાશાવાદી સંશયાત્મા માનસે ભગત સાહેબને વિકટ સાંપ્રત પરિસ્થિતિમાં માનવજાતિના ભાવિ વિશે પ્રશ્ન પૂછેલો તો તેમણે ધરપત આપતાં કહેલું કે “માણસ જાત તો અનેક વિકટ ઘાટીઓ આ પહેલાં પણ વટાવી છે, વિનાશની ધાર પર આવીને ઊભી રહી ગઈ છે અને આગળ રસ્તો કાઢ્યો છે – આ વખતે પણ નીકળશે.” મને જોકે માનવજાતના ભાવિ વિશે ચિંતા છે તેથી વધુ જે અર્કરૂપ અંકોડારૂપ સત્વશીલ છૂટતું જાય છે તેની છે. મારી પાસે તેનાં દુઃખનું કોઈ સમાધાન નથી. આવા બે યુગોની વચ્ચે જીવવું એ સહેલું નથી. હું તો આ બે જગત વચ્ચે રહેંસાઉ છું. મનમાં ને મનમાં હું બે પંક્તિઓ ગણગણું છું –

‘મારી સામે એક ભરવાડ ગીત ગાયછે.
મારી સામે જ તેનું ગીત વિલાતું જાય છે.’

License

અરૂપસાગરે રૂપરતન Copyright © by યજ્ઞેશ દવે. All Rights Reserved.