મારી બધી યાત્રા જ્યાં પૂરી થાય, ધરતીનો જ્યાં છેડો આવે તે ઘર. આ ઘરમાંથી બહાર પગ મૂકુ છું ઘરમાં ફરી આવવા માટે. આ ઘરને મેં Taken for granted – ધરી લીધું છે. ગમે ત્યારે ગમે તે દશામાં ગમે તે દિશામાંથી આવું તે તો મને આશરો આપવાનું જ છે. રોજ તો થાકના પોટલાની જેમ આવીને પડું છું. મોડી સાંજે ચાનો કપ, પછી જમવાનું, અને પછી ટી.વી. પુસ્તકના પાના પર નજર અને સવારના કાંઠા સુધી પહોંચાડતો ઊંઘનો તરાપો. આમાં ઘર ક્યાં ? ઘર એટલે પત્ની, બાળકો, કિલકારી, ધાંધલ – ધમાલ, રીસામણાં – મનામણાંના સંબંધો તો ખરાં પણ ઘર એટલે બારીઓ, પડદા, ખુરશીઓ, પંખો, ફોટોફ્રેઈમ, કુંડા, કૅલેન્ડર, ગોળો, ચાકળો, મૂર્તિ, જાજમ, પાણીનો દદૂડો, વઘારના છમકારા, ડામરની ગોળી, અગરબતી, શેવિંગક્રીમની ગંધ પણ ખરી.
આજે રવિવાર. અચાનક ચારેતરફ નજર જાય છે અને ખ્યાલ આવે છે કે આ બધી વસ્તુઓ મારા સ્નેહથી વંચિત છે. રવિવારે ઈશ્વર ભલે છ દિવસ કામ કરી ‘Relax !’ નું પાટીયું મારી પગ પર પગ ચડાવી બેઠો હોય. મારે આજે આરામ નથી કરવો. જે પ્રેમથી વસ્તુઓ ઘરમાં વસાવી છે, ગોઠવી છે, તેટલી તેની દરકાર રાખી નથી. કાળનું રૂપ ધરી ધીમે ધીમે ખરતી રજે તેના ચહેરા પરની કાંતિ હણી લીધી છે. ઓશિકાના ગલેફ પર ડાઘ પડ્યો છે. દિવાલના ખૂણાઓમાં નાનાં નાનાં ઝાળાઓ બાઝ્યાં છે. કાચની હાંડી ધૂંધળી થઈગઈ છે. ઓછાડ ચોળાઈ ગયો છે. બેઠકરૂમમાં તાંબાનો સુરાહી જેવો કુંજો સાવ માટી જેવો ઝાંખો થઈ ગયો છે, નટરાજની કાષ્ઠમૂર્તિ પર ધૂળ. લિયોનાર્દો વિન્ચીના ‘જીન્રેવા’ અને વિન્સેન્ટ વાનગોગના ‘સનફલાવર્સ’ ના રંગોય રાજોટાયેલા ઝાંખા થઈ ગયા છે, ‘To love to care’ તે વાત સાચી હોય તો મારે આ બધી મારા જ આનંદ માટે મેં જ વસાવેલી વસ્તુઓની દરકાર કરવી જોઈએ કે નહીં ? મેં આળસ ખંખેરી. પાંચે ઇન્દ્રિયો કહે તેમ તારે કામે વળગો – અમને ય મજા કારાવો.
પહેલાં તો મેં લિયોનાર્દોના ચિત્રની ફોટો ફ્રેઈમ ઝાપટીને લૂછી. કાચ ભીના કપડાથી સાફ કર્યો. કાચ ચકચકતો સાફ. જાણે કાચ છે જ નહીં. અમુક એંગલમાં આસપાસનું પ્રતિબિંબ દેખાય. બાકી કાચ જ અદ્રશ્ય. ચિત્રના રંગો સોળમી સદીમાં એ દોરાયું હતું ત્યારે જેવા હતા તેવા ઊઘડી આવ્યા. ચિત્રનું મારા હાથે રીસ્ટોરેશન થયું, તાંબાનો કુંજો પડ્યો છે. સાવ લજવાયેલો. તાંબાના કુંજાને આંબલી લગાવી તેના કાંઠલામાં આંગળીઓ નાખી કુંજની ગોળાઈ પર આંબલી ફેરવું છું. સાવ નિષ્પ્રાણ ઝાંખ મટોડીયા લાગતા કુંજામાં ધાતુની કાંતિ આવી. તેની નકશી, તેના પર ટીપીને પાડેલાં ગોળ ટોચા બધું ઉપસી આવ્યું. કુંજો ઝળહળવા લાગ્યો. તેની સરસી જેવી ડોક, તેની ઘાટીલી ગોળાઈ બધું ચમકી ઉઠ્યું.
કુંજાને હાથમાં લીધો ત્યારે, તેની બાજુમાં પડેલો પરવાળાનો પથ્થર કાંઈ બોલ્યો નહીં. ઓખાના ઘેરા ભૂરા દરિયાકાંઠેથી મેં જ તેને ઊંચકી લીધેલો તેની સર્પિલ ઝીણી ઝીણી વેલ જેવી ભાતને જોઈને. રેતીમાં ફરી દટાવાથી, હાડકાં માટે કે મરેલા કરચલા માટે દોડાદોડી કરતાં કુતરાના પગ નીચે રગદોળાવાથી કે ફરી દરિયામાં ખોવાઈ જવામાંથી તે બચી ગયેલો. તેને રૂમમાં પ્રેમથી માનપાન સાથે સ્થાન આપેલું. તેના પર પણ ધૂળ ચડી ગયેલી અને મારી ઉપેક્ષાની રેતીમાં દટાઈ ગયેલો. પ્રેમથી પકડી તેને બાથરૂમમાં નવરાવવા લીધો. હળવા બ્રશથી ઘસ્યો. બાથરૂમમાંથી એક ઠંડકભરી સાબુની આછી સુગંધની નઝાકત ઘેરી વળી. પરવાળાના એ પથ્થરને અરબી સમુદ્ર રોજ નવરાવતો હશે. આજે મારા હાથે તે ધન્ય થયો, હવે તે તેના વજન સિવાય પથ્થર ન રહ્યો. કુદરતે કલાકાર બની પ્રેમથી જે અમુર્ત શિલ્પો સહજ સાધનાથી બનાવ્યાં તેમાંનું આ એક હતું. પથ્થરમાંથી ફરી શિલ્પનો દરજ્જો પામ્યું.
દિવાલના ખૂણામાં નાના કરોળિયા એ જાળાં બનાવેલાં તે સાવરણીના ઝડકાથી સાફ કર્યા. દિવાલના ખૂણાઓ સ્પષ્ટ થયાં. પંખાના પાંખિયાં પર ધૂળ અને રૂની પૂમના બાવા બાઝ્યા છ તેના પર નજર પડતાં તેનાંય ભાગ્ય ખુલી ગયાં. તેના પાંખિયાને ટેબલ પર ખુરશી મૂકી તેના પર ચડીને ભીના પોતાથી પ્રેમથી લૂછ્યાં. આમ ઉપરના એંગલથી ઘરને જોવાનો, ઓરડાને જોવાનો એક મોકોય લીધો. હવે આ ચોખ્ખાં પંખામાંથી આવતી હવા ય ચોખ્ખી આવશે. બહાર મને દોરદમામમાં રાખતાં બૂટ ઘરમાં આવતાં અસ્પૃશ્યની જેમ અંધારા ખુણામાં ધકેલાઈ જતા. યાદ આવ્યું. ‘બૂટપૉલીશ કરીશ. કરીશ’ તેમ મનમાં રહે પણ પછી તો અંતે તો તે પગરખાં એટલે વળી ભૂલાઈ જાય. આજે તો તેણે ય રોનકદાર ચકચકાવવા છે. પહેલાં તેને ગાભાથી લૂછ્યાં. બૂટપૉલીશની ડબ્બી અંગુઠાથી દબાવી .ફટ અવાજ સાથે કહ્યાગરી ડબ્બી ફટાક્ ખુલી ગઈ. બ્રશથી પોલીશ ચોપડવાનો વિચાર કર્યો ત્યાં તો આંગળી લલચાણી. મેં પોલીશમાં આંગળી દબાવી અને ઘેરા રાતા માખણનો લોંદો હાથમાં આવ્યો.બૂટ પર ચોપડ્યું અને બ્રશ ફેરવ્યું. શરૂઆતમાં બ્રશ ભારે ફર્યું. અને ધીમે ધીમે એક તાલબદ્ધ આવર્તનમાં બ્રશ ફરવા લાગ્યું. હળવું થઈ બૂટ પર સરકવા લાગ્યું. છેલ્લે છેલ્લે તો ચળકતા બૂટ પર પીંછું ફરતું હોય તેમ ફરવા લાગ્યું. પોલીશની વિશિષ્ઠ ગંધ ડબ્બીમાંથી ખુલી ચારે તરફ ફરી વળી. પછી તો કોલાપુરી ચપ્પલ જયપુરી મોજડી દરેકનો વારો લીધો.
રજવાડી હવેલીમાંથી મારા ગરીબખાનામાં ભૂલી પડેલી હાંડી તેના સમયની જાહોજલાલી યાદ કરતી હતી અને તેની આ દુર્દશા પર રોતી હતી. તેના તરફ ધ્યાન ગયું. હાંડીને જીવની જેમ જાળવીને ઉતારી. ‘આ તો મન મોતીને કાચ.’ હળવેકથી રસોડાના પ્લેટફોર્મ પર લીધી. સાબુના પાણીનો હળવો હાથ ફેરવી ધોઈ. ભીની હાંડી જાણે ચોખ્ખા બરફની બની હોય અને ઓગળીને ટપકતી હોય તેવું લાગ્યું. પ્લેટફોર્મ પર બેચાર કપરકાબી પણ પડ્યા હતા. તેને સાફ કરી રસોડાના પ્લેટફોર્મ પર ગોઠવ્યાં. કાચનો ગ્લાસ લીધો. સાબુથી સાફ થઈ, પાણીથી ધોવાતો ગ્લાસ મારા હાથમાં ધોવાતાં ધોવાતાં ચૂં ચૂં કરી ગેલ કરવા લાગ્યો. આ દુનિયામાં જો સહુથી સુંદર ચીજ હોય તો તે છે ભીનો સ્વચ્છ પારદર્શક કાચ. નજર ત્યાં ને ત્યાં જ ખોડાઈ ગઈ.
ભીના કાચની સૃષ્ટિમાં ખોવાયો હતો ત્યાં યાદ આવ્યું કે શિયાળો ગયો તેથી ગરમ કપડાં ધોવા માટે બાથરૂમમાં લીકવીડ સોપમાં બોળીને રાખ્યાં છે. બાથરૂમમાં ગયો તો એક નવા સાબુની નવી સુગંધ, સ્વેટરને ડોલની બહાર કાઢ્યું. એ સ્વેટર રાભડા રૂછાદાર ઊંઘતા ગલૂડિયા જેવું લાગ્યું. વજનદાર સ્વેટર પહોળું કરી ચીલ્યું ત્યાં તો ફીણ ફીણ. પોચા હળવા ફીણના ગોટામાં સ્વેટરનો રંગ ઢંકાઈ ગયો. સ્વેટર પર સફેદ ફીણના લેયરમાં મેં આંગળાની ભાત પાડી. ફીણ મૂંગો મૂંગો ધીમો અવાજ કરતાં ફૂટવાં લાગ્યાં. લથબથાવીને સ્વેટરને ઊંધું ચત્તું કરી ચોળી ડોલમાં તારવ્યું.
મારા આ બધા ઉત્સાહને ઝુંબેશ માની પત્નીએ તેને વધાવી. કછોટો વાળી, ઘર ઝાપટ્યું. પડદા બદલ્યા. ઓછાડ નવાં પાથર્યા. ઓશિકાના ગલેફ બદલ્યા. વાળ્યું, ઝુડ્યું અને પોતું કર્યું. મારે તેને કેમ કહેવું લે “આ બધું મેં જે કર્યું તે તેને મદદ કરાવવા નહીં પણ મારા શરીરની હવેલીમાં ઠાઠથી રહેતો પાંચ ઇન્દ્રિયરાણી મારી પંચપત્ની પટરાણીના કહેવાથી તેના રસિક રંજન માટે જ કર્યું છે.” જો તેમ કહું તો કહેશે કે “તો પછી રસોડામાં ય આવો ને ! રોટલીમાં જાતજાતની ભાત દેખાશે. વઘારની, ફળફળતા ભાતની ગંધ ગમશે, હાથમાં સાહેલી દૂધની લીલી લીલી છાલની લીલી પટ્ટી સરર્ ઉતરશે. ચડતા શાકનો અવાજ સંભળાશે, રોટલીનો નરમ લોટ હથેળીને રમાડશે” તેની વાત સાચી છે. તે મજા ફરી ક્યારેક.