લોર્કા એ કેમ કહ્યું હશે કે નગર મધ્યે પાંચ ઇન્દ્રિયના ખંજરથી ઘાયલ છું ? એ તો સ્પેનિશ. યુદ્ધ આખલાદ્રંદ્ર અને મરણ ક્રીડાને માણતો સ્પેનિશ. તે તો તે જ પરિભાષામાં વાત કરે ને ! આપણા સંત ભજનિકોએ ધડ, ધીંગાણા, બહરવટાં, ક્ષત્રિયવટ, ખાંભી, પાળિયાના વાતાવરણમાં ત્યારની પરીભાષા વાપરી ગાયું ને’વાગે ભડકા ભારી રે ભજનના, કે કલેજા કટારી રુદિયામાં મારી’ – પ્રચૂર છે આ જગત. આપણને ચકનાચૂર કરી નાખે તેવું પ્રચૂર પાંચ ઇન્દ્રિયોના દ્વારે દ્વારે જગતની ભીડ છે. દેહ દેવાલયમાં જગતને પ્રવેશવા માટે કોઈ દર્શનસમય નથી. વૈષ્ણવ હવેલીની જેમ ટેરો નથી. એ તો દેહદેવળ, આત્મસ્થ શિવના શિવાલય જેવું હંમેશા ખુલ્લું.
પાંચ પાંચ ઇન્દ્રીયોના સ્વામી, પંચાસન ઇન્દ્રિય પર વિરાજતા માનવીનું ચેતન દારીદ્ય તો ફીટી જ જાય એટલું ઐશ્વર્ય તેણે આપ્યું છે. માત્ર આંખની જ વાત કરીએ તો રોજ-બરોજ જોવામાં જોયું ન જોયું થઈ જાય છે. એકવાર રંગીન ફોટાઓમાંના રંગો જોતાં જોતાં મારા મિત્ર કિશોર કારિયાએ સરસ વાત કરી. કિશોર કહે ‘આ રંગીન ફોટાઓ કે ચિત્રો જોઈએ ત્યારે જ ખ્યાલ આવે છે કે આવા સુંદર રંગીન, રંગ વૈવિધ્યવાળા જગતમાં આપણે જીવીએ છીએ છે. રોજ-બ-રોજ તો આપણી દ્રષ્ટિ બ્લેક એન્ડ વ્હાઈટ ન હોય તેવી રીતે વર્તે છે.’ વાત સાચી છે. જોવું એ આંખ ઉપરાંત અથવા તો આંખ કરતાંય મનની ક્રિયા છે. માટે તો આંખ જુએ છે મન જોતું નથી એટલે આંખ જોતી નથી, નહીંતર આ દ્રશ્યજગત તો સામે જ છે.
કયું દ્રશ્યજગત ? ધ્યાનથી મેં જોયું છે ? સફેદ દીવાલ તેમાં ઉડતા કબુતર આકારનો ખરેલો પોપડો, બદામી ઓછાડમાં જાંબલી નાનાં નાનાં ફૂલબુટ્ટાઓ મરૂન રંગની કલરસ્કીમ વાળું સ્ટીલલાઈફ,, આછી ચળકતી ડુંગળી, પીળું ઓશિકું, આઈવરી યલો બારણાં, લાલ ભાતવાળા પડદા, ચળકતો તાંબાનો રતુંમડો કુંજો, નીલઆકાશ, ધીમે ધીમે ઘેરી થતી સાંધ્ય રંગપુરણી. લીલી ઘટામાં કાળા કાગડા, વચ્ચે સફેદ બગલાંનાં કાળાં ધોળાં ટપકાંઓ, આ બધાં રંગો નજરે નથી ચડતા. રંગીન ભરત ગુંથણીવાળો કશીદા ચાકળોય નજર બહાર રહી ગયો. રોજ જોવાની આદતે, ટેવે આ બધું ભુલાવી દીધું હશે. જો એમ હોય તો ફોટોગ્રાફરો, ચિત્રકારોને કેમ રંગો જ રંગો દેખાય છે ? ટેકરીઓની પાર ડૂબતા હિંગોળોકિયા લાલ સૂર્યને અને પશ્ચિમ ક્ષિતિજે આકાશમાં વાદળોમાં પલટાતા સાંધ્યરંગો જોઈને મારા ડચ મિત્ર યાપ સ્લ્પૂરિંક તો આવાક્ રહી ગયો.તે કહે હોલેન્ડની સાંજો આટલી રંગીન નથી. કેટલાંય સૂર્યોદયો. સૂર્યાસ્તો તે આંખોથી પીને અહીંથી ગયો છે. તેની આંખોમાં ભરીને ગયો છે.
એક માત્ર લીલો રંગ જોવા બેસું તો પણ આ એક જિંદગી ઓછી પડે. પીપળાનો, આંબાનો, સરગવાનો, થોરનો, કેતકીનો, પીળી કરેણનો, ઘાસનો, જાત જાતની લીલનો વૃક્ષે વૃક્ષે રંગનો લીલો – તોય જુદો કુમળા ઘાસનો પોપટી લીલો, પલટાઈને લીલો, ઘેરો લીલો આછો લીલો થઈ પીળો પડી જાય છે. પક્ષીમાંય લીલા રંગનું વૈવિધ્ય. મોરનો નીલી ઝાંયવાળો લીલો રંગ, પોપટનો પોપટી રંગ તો વળી પતરંગા હરિયલનો લીલો રંગ જુદો જ. આપણે તો લીલા રંગના બે ચાર શેઈડને નામ આપ્યા. ઓલીવગ્રીન, એમરાલ્ડ ગ્રીન, બોટલ ગ્રીન, પેરોટ ગ્રીન પણ પ્રકૃતિના પૅલેટમાં તો રંગો જ ખૂટતાં નથી. એક પણ રંગ તેણે બીજે નથી વાપર્યો. અનેક રંગ મિલાવટથી અનેક ઝાંય સર્જી છે.
ફૂલોમાં, ધાતુરંગોમાં, આકાશમાં, પક્ષીઓમાં, પ્રકૃતિએ તો રંગનો ખજાનો લુંટાવી દીધો છે. તો માણસે તેના ઘર, દીવાલમાં, ચિત્રોમાં, વસ્ત્રોની કરોડ કરોડ ભાતોમાં, ભાતીગળ ભરતમાં અળતો મહેંદી, પાનરંગી હોઠો, ફટાકડા, રમકડાં. ધ્વજ, રિબીન પતાકાથી કુદરતની સામે જાણે સામો પડકાર ફેંક્યો છે. ફૂલના રંગોમાંય મારે ગયે ગુલફામ ! પીળાં ગલગોટાં, જાંબલી ડહાલિયા, કેસરી કેસૂડા, શુભ્ર સેવંતિ, સફેદ જુઈ, રક્તિમ જાસુદ, ભુરું ગોકર્ણ, નીલ નીલોત્પલ, ગુલાબી ઝાંય વાળા આછા જાંબલી જંગલી તલફૂલ, લાલ ભડકો રહોડોડેન્ડ્રોન એક પણ નામ રૂપરંગ ભૂલાય નહીં તેવાં.
ક્યારેક તો રેંકડીમાંના સક્કર ટેટી પર પીળી બદામી કથ્થઈ જાળગુંથણી, તેનું દ્રષ્ટિથી પમાતું કરકરું ટેકચર જોઈને એમ થાય કે આ સક્કરટેટી ખાવા માટે નહીં પણ તેના તરફ નીરખી રહેવાને જ સર્જાઈ છે. મને લાગે છે કે આ સ્ટીલલાઈફ ચિત્રકારો ડચ હોય કે સ્પેનિશ (ડચ ચિત્રોમાં જીવનની શાંતિ સંવાદિતા છે તો સ્પેનિશમાં જીવનનો ઉત્સ, ઉત્સાહ ઉઠાળ ઉલાળ છે. જાણે ડાયોનિસિયન અને એપોલોનિયન પરંપરાના જ બે રૂપો.) આપણને આ પદાર્થોના રંગ, આકાર ગોઠવણીથી સભાન કરે છે. સફરજન જે માત્ર સ્વાદ. પૌષ્ટિકતા, વિટામીન સી, સુગરમાં પુરાઈ રહ્યું હતું તે પોલ સેઝાંના ચિત્રમાં એક વ્યક્તિગત પદાર્થરૂપે અસ્તિત્વ ધારણ કરે છે. તેના ડીંટા પાસેનો ગોળાઈવાળો ખાડાનો અંધકાર, પીંછીએ લસરકા માર્યા હોય તેવા રંગપટ્ટાઓ, તેનો આકાર, એકબીજાના સંદર્ભમાં તેની Spacial અવકાશી ગોઠવણી બધું એક બૃહદ્દ અર્થ પામે છે. આમ જ કુંજો, છરી, વાઝ, દ્રાક્ષ, સફરજન, ગ્લાસ, જગ કે શીશો તેના વસ્તુત્વને અતિક્રમે છે.
માત્ર વૃક્ષોના થડોના આકારો જોઈએ તોય જોતા રહી જઈએ. એક ઉપર એક ખુલેલી લીલી છત્રી જેવી બદામ, પીઠ જ્ઞાનવૃદ્ધ વડીલ શો ઠાવકો જટાજૂટ વડ, બિહામણો રૂખડો, મહાકાય કંટકોના ભીંગડાવાળો શિમળો, ઊભા લીલા લસરકા જેવા વાંસ, મિનિયેચર પેઈન્ટીંગમાં ચિતર્યો હોય તેવો નાના નાના પાન પત્તીની નઝાકતવાળો સરગવો, અણધડ અંગભંગિમાં ઊભેલો તોતીંગ અરડૂસો, લીલી છત્રી જેવા આમ્ર બકુલ વૃક્ષો…. રંગ, રેખા શિલ્પ નર્તન બધું જોવા મળે.
દેવોનેય આપણે રંગના પાટલે બેસાડ્યા છે. સરસ્વતીની વાત કરીએ તો ‘શુભ્રવસ્ત્રાવૃતા’, વિષ્ણુ કેવા તો કહે ‘મેઘવર્ણા શુભાગંમ’, રાજીવ કમલ લોચને ‘લક્ષ્મી’, શક્તિરૂપ કાલિ અને કૃષ્ણમાં તો નામ, વર્ણ એકાકાર થઈ ગયાં. કૃષ્ણને તો કોન્ટ્રાસ્ટ મેચિંગ આપવા પીતાંબર પહેરાવ્યું તે ઉપરથી આપ્યું લીલીનીલી સોનેરી ઝાંયવાળું મોટપિચ્છ.
જીવનાનંદદાસની કવિતાઓ અને ત્ર્યંબક ખાનોલકરની ‘ચાન્ની’ નવલકથામાં રંગોનો અનુભવ થયો. સઘન ઇન્દ્રિય સંવેદન. જીવનાનંદદાસની કવિતામાં તો રંગો જ રંગો છે. શ્વેત કોડી જેવા મેઘના પહાડો, સુરજનો લાલ ઘોડો, સફેદ રાજહંસ, નીલ કસ્તૂરી આભાવાળો ચન્દ્ર, સોનેરી પાંખાળી ચીલ, ખડમાકડી જેવું કોમળનીલ આકાશ, સેન પક્ષીના ઈંડા જેવો ચન્દ્ર, નેતરનાં ફળ જેવી પીળી આંખો, પોપટની પાંખ જેવા લીલાં સીતાફળનાં ઝાડ, સીતાફળીના દૂધે ઘડી મૂર્તિ જેવી ચીતલ હરણી, સફેદ ટપકાવાળા કબૂતરોની ઉડાઉડ જેવું રાત્રીનું આકાશ, નારંગી તડકો, કૂકડાની કલગી જેવો લાલ અગ્નિ….
આ રંગો જ ચિત્રકારોના ઉપાદન સાધન અને સાધ્ય પણ. છતાં દરેકની રંગસૃષ્ટિ અલગ. વર્મીયેરના ચિત્રોમાં તેજ છાયા રંગોની સિમ્ફની, રોજિંદા જીવનની તાણમાંથી શાતાદાયી મુક્તિ આપતા માતીસના ઉજ્જવળ રંગો તેની સદગીભરી ડીઝાઈન, વિચ્છુરિત થતાં વાનગોગના રંગતણખાઓ, રંગ જ્વાલાઓ; શિશુસહજ ઉત્સવ, મેળાવડો. માઈકલ એન્જેલોના નાટ્યાત્મક કંપોઝીશનમાં દૈવી શિલ્પો જેવી માનવ દેહાકૃતિઓ, રંગ ભડકાથી પ્રજ્વલિત મધુબની ચિત્રો, પ્રશમરસ દીપ્ત અજંતાના ભીંત ચિત્રો, પક્ષ્મ સૂક્ષ્મ વિગત ખચિત પહાડી મુગલ કિશનગઢ કલમના મિનિયેચરો, રંગ ઉપયોગનું રંગ આયોજનનું વૈવિધ્ય જાણે રંગોથી ય સવાયું.
કાળી આ કીકીમાં રંગો તો રાહ જોતા ઊભા છે મને રંગછોળથી અંદર બહાર ભીંજવવા, ચાલ હુંય આ કલમ બંધ કરી શરદના સોનાઉજળા તડકામાં ખુલેલા જલઘૌત રંગોને જોઉં.